રવિવાર, 18 ઑગસ્ટ, 2019

મિડ મોન્સૂન પ્લાન!

આપણા દેશમાં વરસોથી ચોમાસા પહેલાં પ્રિ–મોન્સૂન પ્લાનની ઢોલ વગાડીને જાહેરાતો થાય છે. આપણને લાગે, કે ચાલો આ વરસે તો આપણને આખું ચોમાસું લીલાલહેર જ છે. રસ્તામાં એકાદ નાનકુડો ખાડોય નહીં હોય, એટલે આપણું કે બીજાનું વાહન ઉછળવાનો સવાલ જ નહીં આવે. વાહન નહીં ઊછળે એટલે રસ્તે ચાલતાં લોકોનાં કપડાં કાદવથી ખરડાવાનો પણ કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. કપડાં કાદવથી નહીં ખરડાય એટલે વૉશિંગ પાઉડરની જાહેરાત જોવાનીય જરૂર નહીં પડે. પરિણામે મોટા ખર્ચામાંથી પણ બચી જવાશે. વળી પાણી ને કાદવ જવા માટે તો શહેરની બધી ગટરોને ઢાંકણ વગરની ખુલ્લી કરી દેવાઈ હશે. પરિણામે ઘુંટણ સમાણાં પાણીમાં તણાવાને બદલે લોકો એક ગટરમાંથી પ્રવેશી બીજી ગટરમાંથી નીકળી શકશે.

જો કે, ઘણી જગ્યાએ ખાળે ડૂચા મારીને દરવાજા મોકળા કરી દેવાથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાવા માંડે છે અને ટીવીના રિપોર્ટરો એમના કૅમેરામેનો સાથે દોડતા થઈ જાય છે. હાથમાં સદાય મોબાઈલ કૅમેરા લઈને ઘૂમતાં લોકો, ટીવીના રિપોર્ટરો કરતાં પણ વધુ ઝડપી ને વધુ સરસ તસવીરો વાઈરલ કરતાં થઈ જાય છે. મુનસીપાલ્ટી કે પાલિકાવાળા માથું ખંજવાળતાં રહી જાય કે આપણે ચોમાસા પહેલાં જ–મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં જ તો પ્રિ–મોન્સૂન પ્લાન બનાવ્યો ને એની જાહેરાત પણ કરી તોય આમ કેમ? દર વરસે આ પ્લાન કેમ અમારા માથે માછલાં ધોવડાવે? એવી તે શી કમી–ખામી રહી જાય છે કે દર વરસે જ પુલમાં તિરાડો પડે? ચેક ડેમ ધોવાઈ જાય? પાળા તૂટી જાય? અમારા ઈજનેરો નિપૂણ છે, કર્મચારીઓ રાતદિવસની મહેનત કરે છે તોય દર વરસે પ્રિ–મોન્સૂન પ્લાનના ધજાગરા કેમ ઊડે છે?

પાલિકાની ને મુનસીપાલટીની બદનામીની ચર્ચા ઘેર ઘેર થતા જોઈ અમનેય એમની દયા આવી ગઈ. અમે પાલિકાની ઓફિસે ફોન લગાવ્યો. સામેથી હલો સાંભળતાં અમે બોલ્યાં,
‘હલો કોણ બોલે?’
‘તમારે કોનું કામ?’
‘ભાઈ, અમારે તમારા સાહેબ સાથે વાત કરવી છે. સાહેબને ફોન આપો. ઉકાઈ ડેમ ખતરામાં છે.’
તરત જ સાહેબ ફોન પર આવ્યા.
‘બોલો બહેન, શું કહેવું છે? ને કોણ બોલો છો? ક્યાંથી બોલો છો?’
‘સાહેબ, આ તમારા પ્રિ–મોન્સૂન પ્લાન વિશે વાત કરવી છે.’
‘તમે ઉકાઈ ડેમનું કંઈ કહ્યું ને?’
‘ના સાહેબ, ડેમને કંઈ નથી થયું પણ એના વગર તમે ફોન પર ન આવત.’
‘ઠીક છે પણ એમાં તમે શું કરવાનાં? અમારું કામ પ્લાન મુજબ ચાલે જ છે. અમને ડિસ્ટર્બ ન કરો, મૂકી દો ફોન.’
‘અરે સાહેબ, મૂળે આ તમારો પ્રિ–મોન્સૂન પ્લાન જ ખોટો. એને મિડ–મોન્સૂન પ્લાન બનાવી દો. પછી જુઓ શહેર કે ગામડાંની હાલત.’
‘એટલે તમે કહેવા શું માગો છો? બધું નુકસાન થાય, બધું ધોવાઈ જાય પછી પ્લાન બનાવવા બેસીએ? તમે પ્લીઝ, ફોન મૂકી દો. મારી પાસે તમારી ફાલતુ વાતો સાંભળવાનો બિલકુલ ટાઈમ નથી, પ્લીઝ.’
‘અરે સાહેબ, એક વાર પ્લાન સાંભળવામાં શું જાય?’
‘ભલે બોલો, પણ બે મિનિટથી વધારે નહીં. ચાલો બોલો જોઉં.’
‘જુઓ સાહેબ, તમે છેક છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરો ને એટલે જ દર વરસે લોચા થાય છે. બે મહિના પહેલાં જો તમે રસ્તાથી માંડીને નાળાં ને ચેકડેમ ને ગટર–બટર બધું એક માથેથી જોવડાવી લો તો અચ્છામાં અચ્છો ચમરબંદ આ વરસાદ પણ કંઈ કરી શકે નહીં. પ્લાસ્ટિક છ મહિનાથી બૅન નહોતું કરાતું? પ્રિ–મોન્સૂન પ્લાન એટલે મોન્સૂન પહેલાં જ પ્લાન કરવાનો? આખું વરસ પરીક્ષાની તૈયારી કરો ને તો તમારો ટૉપ ગ્રેડ આવે એમાં કોઈ શક નહીં. પછી મજાલ છે કોઈની કે તમને છડેચોક ટીવીમાં ભાંડે ને છાપે ચડાવે?

હવે જે થયું તે ભૂલીને નવેસરથી એક મિડ–મોન્સૂન પ્લાન ફટાફટ બનાવી લો. જરાક ઉઘાડ નીકળે ને એટલે રસ્તાના ગાબડાં પૂરાવી દો, ગટર જોવડાવી લો, પેલા ખાળના ડૂચા કઢાવી લો ને સાફસફાઈમાં પ્રજાને પણ જોડો. એમને ઈનામ આપો. આપમેળે લોકો પોતાની કાળજી રાખતાં થશે. લોકોનેય ખબર પડવી જોઈએ કે તમારા તંત્રનું કામ કેવું અઘરું છે! દર વરસે જ કેમ તમારા આવા પ્લાનની ધજ્જિયાં ઊડે? લાગે છે કે તમને પણ વરસાદની ખોટી આગાહીઓ પર ભારે વિશ્વાસ બેસે છે. સાહેબ, અમે તો અમારાં સીઝનનાં કામ ટાઈમે ટાઈમે કરી જ લઈએ નહીં તો અથાણાંય બગડે ને અનાજેય બગડે તો આખું વરસ બગડે કે નહીં? હવેથી નાગરિકો પાસે પ્લાન મગાવજો તો આવતા વરસથી તમારું શહેર ને ગામડાં પણ સલામત રહેશે. ચાલો હવે વહેલી તકે મેં કહ્યું તે મિડ–મોન્સૂન પ્લાન બનાવીને કામે લાગી જાઓ. બે મહિના ભારે વરસાદની આગાહી છે.’