બુધવાર, 25 ઑક્ટોબર, 2017

તમારી બૅગ ગોઠવાઈ ગઈ?


‘કાલે સવારે આપણે જવાનું છે તે યાદ છે ને? બૅગ તૈયાર કરી દેજે સાંજ સુધીમાં.’ 
આ વાક્ય સાંભળતાં જ પહેલું કામ હું મોબાઈલમાં બૅગ ગોઠવવાનું રિમાઈન્ડર મૂકી દઉં. કારણ તો બીજું કંઈ નહીં પણ, જીવનમાં કરવાનાં કેટલાંક અઘરાં કામની યાદીમાં મારા માટે બૅગ ગોઠવવાનું કામ અઘરામાં અઘરું છે. ઘરની બહાર કશેક જવાનું નક્કી થાય, એ ભલે બે દિવસ માટે હોય કે બે મહિના માટે પણ બૅગ ગોઠવવાનું મુશ્કેલ કામ બને ત્યાં સુધી હું છેલ્લે જ રાખું. સવારથી વૉટ્સ એપમાં મેસેજના જવાબ આપવાથી માંડીને મોબાઈલમાં આવેલા બીજા કામના કે ન કામના મેસેજ કે વિડીયોને ફોરવર્ડ કરવા જેવાં મારાં સહેલાં કામ તો સતત ચાલુ જ હોય. પછી પતિને ફોન પર થોડા સૂકા નાસ્તાનું લિસ્ટ લખાવી દઉં અને યાદ રાખીને ચાર વાર ફોન કરીને યાદ પણ કરાવું, જેથી આવતી વખતે ભૂલ્યા વગર નાસ્તા લઈ આવે. નજીકની રેસ્ટોરાંમાંથી ખાવાનું ઓર્ડર કરી દઉં એટલે રસોડામાં બહુ ટાઈમ ન જાય અને બૅગ ગોઠવવાની નિરાંત મળે. બાળકોને પણ યાદ કરાવતી રહું જેથી એમની બૅગ સૌથી પહેલાં ગોઠવાઈને એક બાજુ મૂકાઈ જાય. મારા માથે પાછી પતિની અને બાળકોની બૅગ ગોઠવાઈ કે નહીં તે જોવાની પણ જવાબદારી ખરી ને?

જવાના દિવસે તો ન જાણે ક્યાંથી પણ નવાં નવાં કામ નીકળતાં જ રહે. હવે તો બહુ મહેમાન નથી ટપકી પડતાં, બાકી પહેલાં તો ચીટકુ મહેમાનો જવાના દિવસે જ આવી ચડતાં અને એમને જેમ તેમ રવાના કરવા પડતાં. આજકાલ તો કોઈના ને કોઈના ફોન હોય કે મેસેજ હોય, એમને જવાબ આપવામાં જ બહુ મોડું થઈ જાય! એમ તો બેગ ગોઠવવામાં કંઈ બહુ વાર ન લાગે પણ મને હંમેશાં સવારથી ખુલ્લા કબાટની સામે ઊભા રહેવાનો બહુ કંટાળો આવે. જેમ જેમ કપડાંની પસંદગી કરતી જાઉં તેમ તેમ, દરેક ડ્રેસ કે સાડી સાથેના પ્રસંગોની યાદ આવતી જાય. ત્યારે કોણે કઈ સાડી પહેરેલી ને મારી સાડી જેવી કોની સાડી હતી કે નહોતી તે યાદ કરવામાં બહુ ટાઈમ નીકળી જાય. કોને ત્યાં કે કોની સાથે જવાનું તે પહેલાં વિચારવું પડે. હવે દર વખતે મને થોડું યાદ રહે કે, કઈ સાડી મેં કયા પ્રસંગે પહેરેલી? મારા સિવાય બધાંને યાદ હોય એટલે ભૂલમાં જો સાડી રિપિટ થઈ હોય તો તરત સાંભળવા મળે, ‘આ સાડી તો ફલાણાને ત્યાં પહેરેલી તે જ કે?’

થાય એવું કે કેટલાય કલાક સુધી બેગ પણ ખુલ્લી હોય અને કબાટ પણ ખુલ્લો હોય, તોય એકેય કપડું બૅગમાં ગોઠવાયું ન હોય. અચાનક જ ઘડિયાળ સામે નજર જાય એટલે મન કઠણ કરીને દિવસની ગણતરી મુજબ કપડાં મૂકી દઉં. દર વખતે મેચિંગની તો મગજમારી હોય જ એટલે એ તમને નહીં સમજાય કે એ કેટલું ભારે ને અઘરું કામ છે. એમ તો બે દિવસની બે જોડી કે આઠ દિવસની આઠ જોડી કપડાં બહુ થઈ ગયાં પણ મને હંમેશાં સલામતી ખાતર બે જોડી કપડાં વધારે મૂકવાની ટેવ. ઘણી વાર એવું બન્યું છે કે યજમાને અમને બે દિવસ તો વધારે રોકી જ લીધાં હોય. અથવા અમે એમની લાગણી સમજીને વગર કીધે રોકાઈ ગયાં હોઈએ.

હવે તમે જ કહો, કપડાં પસંદ કરતાં વાર તો લાગે જ ને? પછીથી જોકે મેં મોબાઈલમાં દરેક સેલ્ફી સાથે લખવા માંડ્યું, ‘આનાં લગનમાં’ ‘તેના બર્થ ડેમાં’ ‘ફલાણી પાર્ટીમાં’ ‘ઢીંકણા ઉદ્ઘાટનમાં‘. બસ હવે તો બેગ ગોઠવવા પહેલાં કબાટ ખોલીને મોબાઈલમાં મારું સેલ્ફી–આલ્બમ જોવા માંડું ને તે પછી સાડી કે ડ્રેસ મૂકતી થાઉં. પછી યાદ આવે ઘરેણાં ને મેચિંગ ચાંદલા, ચપ્પલ ને સેંડલ! ભઈ, જવું તો વ્યવસ્થિત જ જવું ને? એમ રોંચા જેવાં જવાય? કોઈ શું કહે? એટલે વળી સેલ્ફીના સહારે જાઉં ને થોડી વાર લાગે તો ભલે પણ બધું પરફેક્ટ મેચ કરીને જ બેગ ગોઠવું.

એટલામાં જો પતિ મહાશય આવી જાય ને કંઈ બોલે તે પહેલાં જ હું પૂછી લઉં, ‘નાસ્તો લાવ્યા છો ને? કે દર વખતની જેમ ભૂલી ગયા છો?’ આપણું કામ એકદમ પાકું.
તો એય કંઈ બાકી રાખે?
‘ખાવાનું ક્યાંથી મંગાવ્યું છે? કંઈ ભાવે ને ખવાય તેવું છે ને કે ઘરનાં જેવું જ?’
હજી તો હું કંઈ બોલું તે પહેલાં જ બીજો સવાલ આવે,
‘તારી બેગ ગોઠવાઈ ગઈ છે કે હજી દર વખતની જેમ જ...?’
‘તમારી બેગ ગોઠવાઈ ગઈ છે?’
‘લે કર વાત. મેં તો સવારમાં જ બેગ તૈયાર કરીને મૂકી દીધી હતી. તારી જેમ નહીં.’
‘લો, એમાં શી નવાઈ? તમારે મારી જેમ થોડું છે? ઘરનાં કામ પતે તો બેગ ગોઠવું ને? ચાલો, હવે મને ડિસ્ટર્બ નહીં કરતાં. બેગ ગોઠવવા દેજો. ખાવાનું ટેબલ પર ઢાંક્યું છે. જે હોય એ જમી લેજો. પ્લીઝ હવે મને પૂછતા નહીં કે બેગ ગોઠવાઈ ગઈ કે નહીં, સમજ્યા ને?’