રવિવાર, 30 જુલાઈ, 2017

સફરની મજા મરી ગઈ–––(૩૦)


કૅટરિના કૈફનું નામ પડતાં જ, મારી સાથ જેણે જેણે સાંભળ્યું તે બધાંના કાન ઊંચા થઈ ગયા. સૌનાં ડોકાં ઊંચાનીચા–વાંકાચૂકા થઈ મારા સહપ્રવાસી તરફથી કૅટરિનાની વાત જાણવા ઉત્સુક થઈ ઊઠ્યાં. અંદરઅંદર ગૂસપૂસ ચાલુ થઈ ગઈ ને જરા વારમાં તો પ્લેનની હવામાં કૅટનું નામ ગુંજવા માંડ્યું. પેલા ઝવેરીના ભાવ અચાનક જ વધી ગયા. એને તો પહેલેથી જ ખબર હતી કે, ‘આટલી બધી સ્ત્રીઓની વચ્ચે, કોઈ સિરિયલમાં કામવાળીનો રોલ કરતી કોઈ સી ગ્રેડની હીરોઈનનું નામ લઈશ ને, તો પણ પરિણામ તો આ જ આવવાનું છે. તો પછી કૅટનું જ નામ લઈને ભાવ ખાવામાં શો વાંધો?’ એ થોડો ટટાર બેસી ગયો. મારી તો એ બાજુમાં જ બેઠો હતો અને ક્યારની અમારી વાતચીતેય ચાલુ હતી, એટલે હુંય ટટાર બેસી ગઈ! કૅટરિનાને જોનારની બાજુમાં બેસનારનોય વટ પડે ભાઈ.

જ્યારે અમે સૌ સામાન ચેક કરાવવાની લાઈનમાં બેઠેલાં કે ઊભેલાં, ત્યારે આ ઝવેરી–હીરાની ચમકથી બીજાને આંજનારો વેપારી– કૅટરિનાથી અંજાઈને એની સાથે લાઈનમાં ઊભો હતો! વાહ! શું નસીબ છે! અમે અહીં છ છ દિવસથી બધે રખડીને, પરસેવો પાડીને થાક્યાં તોય કોઈ કૅટ કે કાઉ–બફેલો નજરે ના પડી અને આને? જતાં ને આવતાં બન્ને એરપોર્ટ પર અમે કલાકો કાઢ્યા, બધા ફોગટ ગયા. અરે, કોઈ ઢોલીવુડ, ટેલીવુડ કે ફોલીવુડના ઝાડુવાળાય ના દેખાયા. આનું નસીબ તો જુઓ. સાવ કામ વગરનાને કૅટ સાથે લાઈનમાં ઊભા રહેવાનું મળી ગયું! લાગે છે તો વાતગરો. કૅટને મસ્કા મારીને કંઈ કેટલીય દુનિયાભરની વાતો કરી નાંખી હશે. બેઠો ત્યારનો અમારી સાથે પણ ક્યારનો વાતો જ કર્યા કરે છે ને? એની બાયડીને તો બિચારીને યાદેય નહીં કરી હોય. કોણ જાણે બૈરી–છોકરાં છે કે નહીં. એ તો હવે ધીરે ધીરે બધો પટારો ખોલશે ત્યારે ખબર પડશે કે ખરેખર વાત શું છે? એમ પણ અમારે ભાગે તો બાઘા મારવાના જ આવ્યા ને? આટલી બધી માયાઓ ને જોગમાયાઓ હતી જ ને, એ જ એરપોર્ટ પર? એ જ ચેકિંગની જગ્યાએ? તોય કોઈનું ધ્યાન ગયું? શેનું જાય? બધી વાતમાં જ એટલી મગન ને! આજુબાજુની દુનિયાનું ભાન જ ના રહે એવી તે કેવી વાત? જવા દો. હવે કંઈ કહીને કે કરીને પણ શું? એકાદનું પણ જો ધ્યાન ગયું હોત ને, તો સૌને નિરાંતે કૅટને જોવાનો ને એની સાથે વાત કરવાનો ને ફોટા પડાવવાનો પણ સમય મળી જાત. જીવ બાળીને રહી જવાનું છે બીજું કંઈ નહીં. હવે તો આ ભાઈ જે મોટી મોટી ફેંકશે તેને જ સાચી માનીને, હાથ મસળીને બેસી રહેવું પડશે. નસીબ વાંકા, તે સિવાય આવું થાય?
પેલા તત્કાળ બની બેઠેલા હીરોએ તો ઝાંખી લાઈટમાંય બધે સરસરી નજર નાંખીને ખાતરી કરી લીધી કે, સૌ કાન માંડીને બેઠી છે ને? ‘કૅટરિના તો છ–સાત મોટી મોટી બૅગો લઈને ઊભેલી.(શરૂ થઈ ગઈ ભાઈસાહેબની ફેંકાફેંક! ચાલવા દો, મારે શું? હુંય વાતની મજા તો લઉં. કંઈ નહીં તો, આજુબાજુવાળીઓને જોવાની મજા તો આવશે.) એ એકલી જ હતી.(ને તમે રાહ જ જોતા હતા કેમ?) ટાઈમ પાસ કરવા ને કોઈ સાથે વાત કરવા આમતેમ ફાંફાં માર્યા કરતી હતી. મેં તો એને જરા પણ લાગવા જ ન દીધું કે, મને એની સાથે વાત કે ઓળખાણ કરવામાં કોઈ રસ છે. જાણે કોઈ સામાન્ય પેસેન્જર હોય એમ મેં આમતેમ જોયે રાખ્યું.(શરીફ બનવાની બહુ કોશિશ ના કર બચ્ચુ, હું તને ઓળખી ગઈ છું. દુનિયાની સુંદર સ્ત્રી સામે હોય ત્યારે તું આમતેમ જુએ?)

કંટાળીને આખરે એણે મને બોલાવ્યો!(બસ ભાઈ બસ, કેટલીક ઊંચી ફેંકશે હજી? બીજું કોઈ એને મળ્યું જ નહીં? ઠીક છે, આગળ ચલાવ તારી વાર્તા.) આખરે તો ઈન્ડિયન ને? જોકે, એને હિન્દી નથી ફાવતું તે તો બધાંને ખબર છે એટલે એણે તો ઈંગ્લિશમાં વાત ચાલુ કરી. આપણે પણ કંઈ કમ નહીં.(હા ભઈ હા, તારા જેવા હીરા બીજે ક્યાં મળે?) આપણે તો એનાથીય વધારે મસ્ત ને એકદમ સ્ટાઈલમાં અમેરિકન ઈંગ્લિશ બોલીને છાકો પાડી દીધો.(એણે બિચારીએ ક્યાં કોઈ દિવસ ઘરની બહાર પગ મૂક્યો જ હશે, તે આવા તારા જેવા ‘અમેરિકન ઈંગ્લિશ’ બોલવાવાળા જોયા હોય!) એ તો એટલી ખુશ થઈ ગઈ કે, એણે તો મારું કાર્ડ પણ માંગી લીધું અને બૅંગકૉકના મારા ઘરનું એડ્રેસ પણ.’ એટલું સાંભળતાં જ, મારી આજુબાજુ અને આગળપાછળ બેઠેલી બધી સુંદરીઓના ડોકાં સ્થિર, મગજ સુન્ન અને સપનાં જોતી થઈ ગયેલી ખુલ્લી આંખોની સાથે કૅટના નામનું પતાસું મોંમાં પડવાની રાહ જોતાં ખૂલી ગયેલાં મોં! મેં તો જેમતેમ હસવું દબાવી પેલા હીરો સામે જોયું. મને હોશમાં જોઈ એણે નજર ફેરવી લીધી.

હવે મેં એની વાતથી ડઘાઈ જવાનો અભિનય કરતાં પૂછ્યું, ‘તમારું બૅંગકૉકમાં પણ ઘર છે?’ મારા સવાલમાં જલન હતી કે બાઘાઈ તેનાથી કદાચ હું પણ અજાણ હતી.
‘મારું તો સુરતમાં પાંચ માળનું મકાન છે, મુંબઈમાં જુહુ પર એક બંગલો છે અને મારું ફૅમિલી બૅંગકૉકમાં રહે છે. ત્રણેય જગ્યાએ મારા શૉ રૂમ્સ પણ છે.’

ખલાસ! હવે કદાચ મારી સહનશક્તિની હદ આવી જશે. બહુ થયું ભાઈ. આપણે જો પ્લેનમાં ના હોત ને તો હું ક્યારની બીજે ચાલવા માંડી હોત. જોકે મને ટેવ છે ખરી, પણ આટલી બધી તો મેંય ક્યારેય નથી ફેંકી. હશે, હવે તું તારું પ્રકરણ વહેલું પૂરું કરે તો સારું. મારે થોડી વાર ઊંઘવું છે ને આ બધી તારાથી અંજાઈ ગયેલી બહેનોનાં ડોકાંની પણ મને દયા આવે છે હવે.

હીપ્નોટાઈઝ થયેલી બધી તરુણીઓના હ્રદય પર વજ્રાઘાત થયો હોય એમ બધીઓનાં મોંમાંથી હાયકારા ને સીસકારા નીકળવા માંડ્યા. ‘આ ઝવેરી જો બૅંગકૉકમાં મળી ગયો હોત તો? આપણને શૉપિંગના જલસા થઈ જાત. સસ્તામાં સસ્તી જગ્યાઓ બતાવત, શું લેવું ને શું ન લેવું તેની આખી ગાઈડ પકડાવી દેત અને એકાદ દિવસ આપણને એના બંગલે પણ લઈ જાત.(પાંચસોને?) બચેલા પૈસાથી આપણે કેટલી વધારાની વસ્તુઓ લઈ શકત?’ હવે સ્વાભાવિક છે કે, કૅટરિનાની વાતમાં ખાસ કોઈને રસ રહ્યો નહીં.

હું વિચારમાં પડી. કૅટને બીજું કોઈ ના મળ્યું? તે આની સાથે વાતે લાગી? આ તો એવો કંઈ હૅન્ડસમ પણ નથી, કોઈ ખાસ પર્સનાલિટી પણ નથી એની તો પછી? ખાલી જબાનના જાદુ પર એણે આટલી બધી માયાઓ પર માયાજાળ ફેંકી, પણ કૅટ? એ કંઈ આની વાતોમાં આવી જાય એ શક્ય છે? જરાય નહીં. હમણાં જો આજુબાજુમાં કોઈ પુરુષ પેસેન્જર બેઠો હોત, તો આની જબાને તાળું જ લાગી ગયું હોત અને કૅટની કે બંગલાની ફેંકાફેંકના વિચારોને એણે ઊગતા જ ડામ્યા હોત. ખેર, મેં તો એ બોલ્યો તેનાથી ઊંધું વિચારવા માંડ્યું.

આટલી બધી સ્ત્રીઓને સહપ્રવાસી તરીકે જોઈને એ પોતે જ બાઘો બની ગયો છે, બીજું કંઈ નહીં. જરા ભેજાબાજ છે ને હલકો છે, એટલે મોટી મોટી વાતો કરીને બધાંને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી ને તેમાં કામિયાબ થયો એટલે હાંકવાનું ચાલુ રાખ્યું, ઔર ક્યા? આવા તો બહુ જોયા. ઊંઘવા દો એના કરતાં. મેં એને સંભળાય તે રીતે બગાસું ખાઈને આંખ બંધ કરી દીધી.

રવિવાર, 23 જુલાઈ, 2017

છેલ્લું છેલ્લું શૉપિંગ–––(૨૯)


મોટા ભાગની સ્ત્રીઓએ મન ભરીને, પેટ ભરીને અને બૅગ ભરીને શૉપિંગ કરેલું એટલે સામાન ચેક થઈ ગયા પછી, ને બધી મોટી બૅગોનો ભાર હળવો થઈ ગયા પછી, એક નાનકડી હૅન્ડબૅગ અને મોટી પર્સ સાથે બધી હળવીફૂલ હતી. જોકે, એરપોર્ટવાળા એમ કંઈ મહેમાનોને ખાલી હાથે થોડા જવા દે? એમણે તો પ્લેન સુધી પહોંચવાનો માર્ગ જ એટલો લાંબો ને જાતજાતની દુકાનોથી લલચામણો બનાવેલો ને કે, છેલ્લે છેલ્લે પણ બધી દુકાનોમાં નજર નાંખવા ખાતર પણ બધી ઘેલીઓ(શૉપિંગઘેલીઓ) આમતેમ વિખેરાઈ ગઈ! એ માર્ગે પુરૂષો પણ વિચરતા દેખાયા. છેલ્લી ઘડીએ વિચારતા હશે કે, પત્ની અને બાળકો માટે કંઈ લીધું નથી તો કઈ દુકાનમાંથી લઉં ને શું લઉં? કદાચ પોતાન વ્યસનનો પણ કોઈ ઈલાજ શોધતા હોય, કોણ જાણે.

એમ પણ ત્રણેક કલાક પસાર કરવાના હોઈ અમે બન્ને પણ દુકાનો જોતાં જોતાં ચાલવા માંડ્યાં. કદાચ કંઈક ગમી જાય! બૅંગકૉકમાં જોયેલાં બધાં ફળોને સમાવતી એક સરસ મોટી દુકાન જોઈ અમે અંદર જવા લલચાયાં. દરેકના ભાવ વાંચતાં વાંચતાં દુકાનમાંથી બહાર નીકળી ગયાં. ‘હમણાંથી વજન ઊંચકીને ફરવું નથી. બધી દુકાનો જોઈને પછી જતી વખતે અહીંથી નવાઈનાં ફ્રૂટ્સ લઈ જઈશું.’ ફરતાં ફરતાં એક ચૉકલેટ–બિસ્કીટની દુકાને વળ્યાં. દુકાનમાં અંદર જવા માટે ગ્રાહકોને લલચાવવા, બહાર લાઈનસર થોડી બરણીઓ ગોઠવેલી જેમાં બિસ્કીટ અને ચૉકલેટ ભરેલી. પહેલાં ચાખો ને પછી ભાવે તો ખરીદો. અમે બે તો બહાર જ અટકી ગયાં. બધી બરણીમાંથી નમૂના ચાખતાં ચાખતાં મજા તો બહુ પડી પણ લગભગ અડધો કલાક નીકળી ગયો કે યાદ આવ્યું, ‘હજી તો આપણે પ્લેનમાં પણ ખાવાનું છે. નકામું બગડે ને કોઈ બબડે એના કરતાં થોડી બિસ્કીટ–ચૉકલેટ લઈને જતાં થઈએ.’ બેત્રણ જાતની નવાઈની બિસ્કીટ બંધાવી અમે ફરી ઉપડ્યાં ફ્રૂટ સ્ટોર તરફ. (અસલ આપણે ત્યાં દોરાથી અને હજીય દોરીથી ખોખાં બંધાય છે, એટલે બિસ્કિટ બંધાવી એમ લખાઈ ગયું. ખરેખર તો પૅક કરાવી !) ફ્રૂટ સ્ટોરને જોઈ અમે સ્તબ્ધ! આખો ખાલી!

ભૂલ અમારી જ હતી. આટલી બધી સ્ત્રીઓને ભરોસે રહેવાય જ નહીં. સાડીના સેલમાં જેમ, જ્યારે જે ગમી તે સાડી લઈ જ લેવાની હોય તેમ અહીં પણ દુકાનમાં બધી સ્ત્રીઓ જ હતી ને? અમારે તો પહેલાં જ તરાપ મારવાની હતી. ધોયેલા મૂળા જેવાં અમે એક જગ્યા શોધી નિરાંતે અફસોસ કરવા બેઠાં. થોડી વારમાં જ ગાઈડે પ્લેન તરફ જવાની બધાંને વિનંતી કરી. (કોઈની ઊઠવાની મરજી દેખાઈ નહીં એટલે વિનંતી કરવી પડી!) ધીમે ધીમે ડગલાં ભરતાં ભારી મને અમે પણ ચાલવા માંડ્યું. હજી બે–ચાર દિવસ....

ફરીથી એ જ રીતે બધાંની બેસવાની ગોઠવણ ને મૂંઝવણ, એવી જ અમારી દૂર દૂર બેઠક અને પ્લેનમાં કલબલાટ કલબલાટ. થોડાક પેસેન્જર્સ જાણે કે, જાસૂસની જેમ અમારી વચ્ચે છૂટક છૂટક ગોઠવાયેલા, અમને સૌને અચરજથી જોઈ રહ્યા હતા. એમને જે વાતની નવાઈ લાગતી હતી, તે વાતની હવે અમને કોઈ નવાઈ નહોતી લાગતી! અમારી અગાઉના સહયાત્રીઓ આ વખતે બદલાઈ ચૂક્યા હતા. છેલ્લે છેલ્લે પણ નવી ઓળખાણ અને પંચાતનો મોકો મળી ગયો. મારી એક બાજુ એક મહારાષ્ટ્રીયન બહેન હતી(કોઈને પણ માજી કે કાકી કહેવાય એવું નહોતું જ્યાં મને જ બધાં...!) અને બીજી બાજુ સુરતનો કોઈ હીરાનો વેપારી–લગભગ મારા દીકરાની ઉંમરનો હશે– બેઠેલો. થોડી વાર તો એને ભાનમાં આવતાં લાગી.શું બોલવું અને શું નહીં તે એને સમજાતું નહોતું. મને એને જોવાની મજા આવતી હતી. કળ વળતાં એણે મને પૂછ્યું, ‘તમે બધાં સાથે જ છો?’
‘હા’
‘કેટલાં છો?‘
‘પાંચસો.’ મેં જાણીજોઈને પાંચસો પર ભાર આપતાં જણાવ્યું.
‘બાપ રે....પાંચસો? ટૂરમાં ફરવા નીકળેલાં?’
(ના રે...અમે અહીં લગનમાં આવેલાં. છોકરીવાળા બહુ સારા તે બધાંને બહુ સારી રીતે રાખીને, બધે ફેરવીને બૅગ ભરાય એટલી ગિફ્ટો પણ આપી. મૂકવા આવેલાં તે બધાં રડતાં પણ બહુ હતાં.)
મેં હા કહી એટલે વેપારી દિમાગે ગણતરી શરૂ કરી દીધી. ‘તમે પાંચસો, તમારી ટિકિટના આટલા, તમારી હૉટેલના આટલા, તમારા ખાવા–પીવા ને ફરવાના આટલા રૂપિયા થાય. તમારી પાસે કેટલા લીધા?’
આપણે તો સુરતી એટલે ભોળાભાવે બધું કહી(બકી) દીધું. સાંભળતાં વાર જ એણે તો મોં બગાડ્યું, ડોકું ધુણાવી ડચકારા બોલાવ્યા ને પળવારમાં મને દુનિયાભરની શ્રેષ્ઠ બુધ્ધુ સાબિત કરી દીધી. ‘તમારા લોકો પાસે આ લોકોએ વધારે પૈસા કઢાવ્યા. આટલા થાય જ નહીં લૂંટી લીધા.’ મારું મોં પડી ગયું. હવે શું?

એ આગળ બોલતો જ રહેત, કદાચ બોલતો પણ હશે પણ મને કંઈ જ સંભળાતું નહોતું. આટલી સરસ ટ્રિપ ગઈ, આટલી બધી મજા આવી, આટલુ હર્યાંફર્યાં, મજાનું ખાધુંપીધું, શૉપિંગ કર્યું, નવી નવી કેટલી બધી દોસ્તી કરી ને સ્વર્ગની સહેલ કરી આવ્યાં તેનું કંઈ નહીં? શું અમે છેતરાયાં? હવે શું કરીએ? હજી પ્લેનમાં જ છીએ, પેલા ટૂરવાળા પાસે બધો હિસાબ માંગીએ? હવે કોઈ માથાકૂટ કે બોલાચાલીનો મતલબ છે? જે ચોખવટ કરવાની હતી તે પૈસા ભરવા પહેલાં જ કરવાની હતી. હવે મોં નથી બગાડવું. જે થયું તે થયું. બીજી વાર આ ભાઈને પૂછીને બુક કરાવશું! સુરતમાં જ હતાં તો આટલાં વર્ષોમાં ઓળખાણ કેમ ન થઈ? જાતજાતના સવાલોથી ભેજાનું દહીં કરીને મેં એકલાં એકલાં જ અફસોસ કરી લીધો. તે સમયે મારું મોં જોઈને કોઈ પણ કહી શકત, કે મને લાખ્ખોનું નુકસાન થયું છે! ‘પલ્લવીબહેન, તમે ક્યાં છો? આપણે તો છેતરાયાં.’ મારી આંખમાં પાણી ચમકી આવ્યાં.

પેલા વેપારીએ તો બૅંગકૉકના હીરાની ચમક ઝાંખી કરી દીધી. મેં ધીરે ધીરે ગીતાસાર, સીતાસાર ને જે કંઈ બધા સાર મને યાદ હતા તેના સહારે મનને શાંત કરવાનો રસ્તો શોધી લીધો. આંખો બંધ કરી વિચારોને સ્થિર કરીને, ‘જે થયું તે સારું થયું ને સારા માટે થયું.’નો મંત્ર જપવા માંડ્યો. હવે કોઈ જાતના અફસોસનો કોઈ જ અર્થ નથી એ બ્રહ્મજ્ઞાન મેળવી, મોં તેજસ્વી બનાવી, ટ્રોલી લઈને આવતી એર હૉસ્ટેસ પાસેથી કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ લઈ મોંએ માંડી ઝેરનો ઘુંટડો પી લીધો.

‘પ્રવાસ સત્ય–કિંમત મિથ્યા’ રટતી હું મારામાં ખોવાઈ બૅંગકૉકની યાદોને મમળાવતી રહી. થોડી વાર રહી પેલા સહપ્રવાસીએ, મારો જીવ બાળવાના મજબૂત ઈરાદા સાથે બીજું તીર છોડ્યુ–અગ્ન્યાસ્ત્ર! ‘તમે એરપોર્ટ પર કૅટરિના કૈફને જોઈ?’

‘હેં? કૅટરીના કૈફ? બૅંગકૉકના એરપોર્ટ પર? એ વળી ક્યારે હતી ત્યાં? ને ક્યાં હતી? તમે જોઈ એને? ’

રવિવાર, 9 જુલાઈ, 2017

ગાઈડ નામે અ, આ, ઇ, ઈ....(૨૮)


અમારા પ્રવાસની શરૂઆત ભલે ઉચ્છલથી થઈ હોય કે સુરતથી, કે પછી મુંબઈથી પણ અમને રસ્તામાં કોઈ ગાઈડની જરૂર નહોતી પડી. તો પછી બૅંગકૉકમાં ગાઈડની જરૂર કેમ પડી? જ્યાં અમારી ટૂરના મૅનેજરો પણ ગાઈડ વગર કશે જવાની હિંમત નહોતા કરતા તો અમારી તો વાત જ ક્યાં? બૅંગકૉક ઊતરતાં જ અમારી સાથે ને સાથે રહેલા બૅંગકૉકના હસમુખા ને બોલકણા ગાઈડોનો પરિચય અમને પહેલા દિવસથી જ થવા માંડેલો, એટલે બધાંને પ્રવાસમાં જ્ઞાન સાથે ગમ્મતનોય અનુભવ થતો રહેતો. બેઠાં બેઠાં અમે મિનિ સિયામને યાદ કર્યું. બૅંગકૉકમાં યુરોપદર્શન પણ કર્યાં!

ઈન્ડિયાથી આવેલા ટુરિસ્ટોને રામ–લક્ષ્મણની વાતો કરીએ તો બહુ ગમે, એવું કદાચ ત્યાંના ગાઈડોને વગર ગાઈડે ગોખાવી દીધું હશે કે શું તે, જે સાંજે અમને મિનિ સિયામ જોવા લઈ ગયા તે સાંજે બસમાં થાઈ ગાઈડે અમને મિનિ સિયામ વિશે ટૂંકમાં માહિતી આપવા માંડી. મિનિ સિયામ એટલે થાઈલૅન્ડનું જૂનું નામ! મને નામ બાબતે એક વાત ક્યારેય સમજાઈ નથી. દુનિયામાં વસતા જીવોમાં ક્યારેય ઝાડપાન કે પશુપક્ષીનાં નામ બદલાયેલાં મેં જાણ્યાં નથી. જ્યારે આપણને એક નામથી સંતોષ નહીં તે આપણું ઘરનું નામ જુદું ને બહારનું નામ જુદું. નાનપણનું નામ જુદું ને ‘મોટા’ થયા પછી તો જાતજાતનાં નામ! વળી, આપણને આપણાં નામ બદલવાથી સંતોષ ન થાય તે બીજાનાં નામ પણ બદલી નાંખીએ અને જગ્યાનાં નામ બદલવાનો સરકારી શોખ તો જગજાહેર છે. ‘બૉમ્બે’ નામ માટે તો મારો આજેય જીવ બળે છે. જે નામને જનમતાંની સાથે બૉમ્બે નામથી જાણ્યું હોય ને ખાસ તો બધે સરનામામાં લખ્યું હોય તે નામને બદલીને મુંબઈ કરી નાંખ્યું! ખબર છે કે, મુંબઈ નામની પાછળ મોટો ઈતિહાસ છે ને એ જ નામ રાખવાનાં વ્યાજબી કારણો પણ છે, છતાંય નામ બદલવાથી થતી મુસીબતો કે સમયની સાથે ભેજાની ને પૈસાની બરબાદી કેમ કોઈના ધ્યાનમાં નહીં આવતી હોય? કોઈ કેટલુંક યાદ રાખે? હવે તમે જ કહો, તમને મિનિ સિયામ બોલતાં ને યાદ રાખતાં ફાવે કે થાઈલૅન્ડ? સાંભળવામાં કયું નામ વધારે સારું લાગે છે? બસ, આ જ મારે કહેવું ને સમજાવવું હતું. પાછી ગમ્મત એ વાતની થાય કે, જૂના નામને કોઈ ભૂલવા પણ ન માંગે! જ્યારે જ્યારે થાઈલૅન્ડ વિશે કોઈ વાત કરે, ત્યારે ત્યારે અચૂક કહે કે, આનું નામ પહેલાં મિનિ સિયામ હતું!

મિનિ સિયામ એટલે જૂના ને નવા થાઈલૅન્ડની, નામ મુજબ નાનકડી આવૃત્તિ! ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટ ડૉલર્સ’ નામે એક ફિલ્મ આવી હતી અને ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઈટી ડૅઝ’ નામની પણ એક પ્રખ્યાત ફિલ્મ હતી. ઓછા પૈસામાં કે ઓછા સમયમાં દુનિયા જોવી હોય તો? એના જેવું આ મિનિ સિયામ. ફક્ત બે જ કલાકમાં થાઈલૅન્ડ જોઈ લો! ભાઈ, એવું જ હતું તો અમને સીધા અહીં જ લઈ આવવાનાં હતાં ને? નકામા આટલા દિવસ અમને થકવી નાંખ્યાં. અમે બાકીના દિવસ એય ત્યારે આરામથી હૉટેલમાં પડી રહેત(ખરેખર તો, અમે કોઈ પણ હૉટેલમાં મન ભરીને ને શાંતિથી તો રહ્યાં જ નહોતાં!) ને શૉપિંગ કર્યા કરત. ખેર ચાલો, આ ભાઈ આટલાં વખાણ કરે છે તો મિનિ સિયામ પણ જોઈ લઈએ.

છેંતાલીસ હજાર ચોરસ મીટરમાં પથરાયેલું ને પટાયાથી નજીક આવેલું મિનિ સિયામ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગમાં યુરોપનાં જાણીતાં બાંધકામોની નાની આવૃત્તિઓ અને બીજામાં થાઈલૅન્ડનાં જાણીતાં મંદિરો, મઠો ને મૂર્તિઓ ને મહેલો વગેરેની નાની પ્રતિકૃતિઓ. કહેવાય છે કે, રાજા રામથિબોડીએ સન ૧૩૫૦માં સિયામમાં અયોધ્યા નગરી શોધી કાઢી! (લ્યો, તો આપણે જે અયોધ્યા નગરીને, રાજા દશરથને અને રામાયણના રચયિતા રાજા રામ–સીતાને જાણીએ છીએ એ લોકો કોણ છે? એ બધાં સિયામથી આપણે ત્યાં આવેલાં? કોને ખબર રામાયણના આટલા બધા ગ્રંથોમાં ક્યાંક આવી કોઈ વાર્તા હોય તો! ફરી નવેસરથી રામાયણની રામાયણ થવાની? ચાલો, એ સવાલ બાજુએ મૂકીએ ને અહીં મિનિ સિયામમાં જે અયોધ્યાનો ઉલ્લેખ છે તેના વિશે જાણીએ–ટૂંકમાં. સિયામની અયોધ્યા નગરીમાં મોટાં મોટાં બૌધ્ધ મંદિરો આવેલાં છે અને તેને ‘અયોધ્યાનો ઐતિહાસિક પાર્ક’ બનાવીને એ બહાને મંદિરોને જાળવી લીધાં છે. અહીં એ પાર્કને નાનો બનાવીને આબેહૂબ રજુ કર્યો છે.

આ પાર્ક વિશે અમારો ગાઈડ જ્યારે વિગતે બધું સમજાવવા બેઠો ત્યારે અમને કોઈને કંઈ સમજ ન પડી! કારણમાં તો એવું કે, એ બોલે ‘અયુથયા’ ને અમને કોઈને, ભારતની કોઈ ભાષામાં ન સાંભળેલો શબ્દ સાંભળીને મુંઝવણ થાય. અમારા ગૃપમાં તો મિશ્ર ભાષા બોલનારી નારીઓ હતી છતાં! જેમ તેમ, રાજા રામનો ઉલ્લેખ થતાં જ સૌના દિમાગની બત્તી સળગી અને સૌ હસી પડી. ઓહ અયોધ્યા? ત્યાંના રાજા પાછા રામ તો ખરા, પણ રામ નંબર એક ,બે ત્રણ....એમ પેઢી દર પેઢી નામ તો રામ જ ચાલે! એટલે આ મિની અયોધ્યા પાર્ક પણ રાજા રામે જ બનાવેલો પણ રાજા રામ નંબર નવે ૧૯૮૬માં! છે ને નામની રામાયણ? ને કોઈ કહી ગયેલું કે નામમાં શું? અરે નામમાં કંઈ ન હોત તો આ બધી મજા ક્યાંથી આવત? આ રાજા રામ નવના નામનો તો બ્રિજ પણ છે. જેમને ઈતિહાસમાં ઊંડો રસ હતો તે બહેનો ગાઈડની વાતો ધ્યાનથી સાંભળતી હતી, બાકીની બધી બહેનો જ્યાં મન થયું ત્યાં ફરતી રહી ને ફોટા લેતી રહી.

પાર્કમાં એક નાનકડા પુલની નીચેથી, થાઈલૅન્ડ અને વિદેશને–ખાસ તો યુરોપને– છૂટા પાડતી એક નાનકડી નદી બનાવી છે. નામ જ મિનિ સિયામ પછી નદી પણ નાની જ રાખવી પડે! પાર્કમાં યુરોપનાં જાણીતાં બાંધકામોને, ટુરિસ્ટો ખુશ થઈ જાય એ રીતે રજુ કર્યાં છે. એશિયન દેશો અંગ્રેજોની અસર નીચે હોવાથી, જમાનાઓથી એમની રહેણીકરણી ને ઘર કે શહેરના બાંધકામો પર બ્રિટિશરોની અસર સારી એવી પડેલી. પરિણામે બીજા કોઈ દેશનો સમાવેશ કરવાને બદલે રાજા રામે યુરોપને પસંદ કર્યું. અહીં પ્રસિધ્ધ એફિલ ટાવર છે, પિઝાનો ઢળતો મિનારો છે, સિડનીનું ઓપેરા હાઉસ છે ને બીજી ઘણી કારીગરી સહિત અમેરિકાની સ્વાતંત્ર્યની દેવી પણ છે અને સિંગાપોરનું જાણીતું મરલાયન સ્ટૅચ્યૂ પણ છે. બધું મળીને સોનો આંકડો પાર. કોઈ સ્વપ્નનગરીમાં ફરતાં હોઈએ એવું લાગે.(આપણી તો આખી અયોધ્યા નગરી જ ત્યાં વસાવી છે એટલે કંઈ કહેવાપણું જ નથી રહેતું.)


સિયામમાં ફરતાં ફરતાં કોઈએ પિઝાના મિનારા આગળ તો કોઈએ એફિલ ટાવર આગળ, કોઈએ સિંગાપોર જઈને તો કોઈએ લંડન જઈને ફોટા પડાવ્યા! મને તો વારે વારે પેલો ગાઈડ બોલતો તે શબ્દ જ યાદ આવતો હતો, ‘અયુથયા’. એ બિચારો સાચું બોલ્યો હતો અને અમને હસવું આવેલું, જ્યારે અમે ઉદયપુર ગયેલાં ત્યાંનો ગાઈડ રીતસરનો ગપ્પાં મારતો હતો અને બધાં ડોકું ધુણાવતાં હતાં! મેં સિયામથી પાછા ફરતી વખતે બસમાં, અમારા ઉદયપુરના પ્રવાસ વખતે બડાશ મારતા ગાઈડની વાત પલ્લવીબહેનને કરી ત્યારે એ પણ ખુશ થઈ ગયાં. આપણે કશે પણ ફરવા જઈએ તો મોટે ભાગે ગાઈડનું નામ જાણવાની દરકાર કરતાં નથી પણ હું દરેક ગાઈડને ‘રાજુ’ નામથી જ બોલાવું. કેમ? એની પાછળ એક કહાણી છે.

વર્ષો પહેલાં દેવ આનંદની ગાઈડ ફિલ્મ જોયેલી ત્યારથી મનમાં ગાઈડનું એક ચિત્ર બની ગયેલું. ગાઈડ હોય તો આવો જ સ્માર્ટ ને હૅન્ડસમ હોય! ઉદયપુરમાં પહેલે દિવસે જ અમારી સામે જે ગાઈડ આવીને ઊભો રહેલો, તેને જોઈને મારો તો મૂડ આઉટ થઈ ગયેલો. આખો દિવસ સાથે રહ્યો તો સાંજ સુધીમાં બધાનો જ મૂડ ખરાબ થઈ ગયેલો. એક તો માંડ ચાલીસ કિલો વજન ધરાવતું એનું શરીર ને તેલવાળા ચપ્પટ ઓળેલા વાળ, સતત માવો ચાવતું મોં ને બધી વાતમાં મોટાઈ મારવાની ને ડહાપણ કરવાની ટેવ! જાણે કે, અમે તો મૂરખના સરદાર હોઈએ ને કોઈને ઈતિહાસની કોઈ જાણકારી જ ન હોય એમ સમજીને એણે તો શરૂઆતથી જ ગપ્પાં ચાલુ કરી દીધેલાં!

ઉદયપુરના મહેલમાંથી, એણે દૂર દેખાતા કોઈ બીજા મહેલને તાજમહેલ કહીને અમને ઉલ્લુ બનાવવાની કોશિશ કરેલી. પાછી મુમતાઝ ને શાહજહાંની વાર્તા પણ માંડેલી! એ તો બધા ગ્રૂપમાં હતા એટલે અમે કોઈ બોલ્યા નહીં પણ પછીથી એને બાજુએ લઈ જઈને કહેલું, ‘ભાઈસાબ, આપ ઐસે હી સબ લોગોંકો ઉલ્લુ બનાતે હો?’

‘હેં હેં હેં...યહાં કૌન પૂછતા હૈ?’ કહીને એ લુચ્ચું હસેલો. જોકે, પછીથી ‘સહેલિયોંકી બાડી’(!) એ તો બાડી જ કહેતો હતો, એની વાર્તા એણે સાચી કહેલી. અમે થોડાં આમતેમ થયેલાં તો કોઈને કહેતો હતો કે, ‘આ ગુલાબનાં ફૂલ દેખાય છે, તે બધાં છોડ રાજકુમારીની સહેલીઓએ લગાવેલાં.’ હદ જ કહેવાય ને? ‘એમાંથી જે શરબત બને છે તે બહાર વેચાય છે, તે તમે લઈ શકો છો.’ માર્કેટિંગ કરે તે પણ કેવું? ફોરેનર્સને પટાવતાં પટાવતાં એ ભૂલી જાય કે, આપણને તો બધી સમજ પડે છે. ખેર, છેલ્લે અમને જે જગ્યાએ જમવા લઈ ગયો તો ત્યાં પણ રસોઈયાના એટલાં બધા વખાણ કર્યાં કે, ‘આ તો શાહી રસોઈયાના ખાનદાનનો રસોઈયો છે. એના દાદાના હાથના ગુલાબજાંબુ ખાવા તો રાજા ખાસ અહીં આવતા.’ હવે રાજા રસોઈયાને મહેલમાં બોલાવે કે અહીં ખાવા આવે? બસ આવાં ને આવાં ગપ્પાં મારીને લોકોને મૂરખ બનાવતો રહેતો.

બીજે દિવસે જોકે અમે ગાઈડ વગર જ બાકીનું ઉદયપુર ફરી વળેલાં.

બુધવાર, 5 જુલાઈ, 2017

બૅંગકૉકમાં રૅમ્પવૉક–––(૨૭)


એરપોર્ટ પર થાકેલી, કંટાળેલી અને દુ:ખી દેખાતી સ્ત્રીઓનો શંભુમેળો કે પાર્વતીમેળો સામાનની આસપાસ ગોઠવાઈને ટાઈમ પાસ કરવાની વાતો શોધતો હતો. જોકે, ઘણી સમજુઓ તો પ્રવાસનાં મીઠાં સંભારણાંમાં ખોવાઈ ગયેલી. તૈયાર ચા–નાસ્તા અને ભાવતાં ભોજન સૌને ખૂબ યાદ આવવાનાં હતાં. કોઈ કોઈ ઉત્સાહી તો હવે પછીના પ્રવાસની જાણકારી મેળવવા મંડી પડેલી! બસ, બે પ્રવાસની વચ્ચેનો સમય જાણે ભૂલી જવા માંગતી હોય–કોણ જાણે.

હું પણ પલ્લવીબહેન સાથે થોડી થોડી દુ:ખી હતી. એમણે એક દિવસ આરામ કરીને ફરીથી દવાખાને નીતિનભાઈ સાથે બેસવાનું હતું(!) અને મારે ઘરે જઈને માથાં દુ:ખવવાનાં હતાં! ખેર, માથા સાથે કાન જડેલા એટલે એમાં કોઈનું કંઈ ન ચાલે. જોકે, આટલા દિવસોમાં જો અમારી કોઈ સાંજ શ્રેષ્ઠ ગુજરી હોય તો તે ફૅશન શૉવાળી સાંજ. મેં અગાઉ પણ ઘણી વાર જણાવ્યું છે કે, ટૂરના આયોજકોએ અમારા સૌની ખુશીનું અને સગવડનું એટલું સરસ ધ્યાન રાખેલું કે, કોઈને પણ ક્યાંય ફરિયાદ કરવાનો મોકો જ ન મળે. રોજ રાત્રે હૉટેલમાં ડિનરની સાથે ડાન્સ અને મ્યુઝિક જોડી દીધેલાં, જેથી જેને મન થાય ડાન્સ ફ્લોર પર જવાનું, તે બેઝિઝક જઈ શકે અને ન જવું હોય તો બેઠાં બેઠાં પણ મજા લઈ શકે. એક રાત્રે તો ફૅશન શૉ રાખેલો! દરેક ઉંમરની યુવતી એમાં ભાગ લઈ શકે અને જે વેશ ધરવો હોય તે ધરી શકે. કોઈ બંધન નહીં. ફક્ત નામ નોંધાવી સમયસર હાજર થઈ જવાનું. અમને તો આ વિશે કોઈ જાણકારી જ નહોતી. કદાચ જરૂર પડે કે મન થાય તો એકાદ દિવસ સાડી પહેરશું, એમ કરીને બૅગમાં સાડી મૂકેલી તે સારુ થયું. અમે બન્ને ગરવી ગુજરાતણો બનીને ઠસ્સાથી ડિનર ટેબલ પર ગોઠવાઈ ગયેલી.

નવાઈ કહેવાય પણ પલ્લવીબહેને તો આવા કોઈ શૉ ટીવી પર પણ જોયા નહોતા. દવાખાનામાંથી ને ઘર–વર–દીકરી–દોહિત્રમાંથી, સગાંવહાલાંમાંથી, વહેવારમાંથી અને આ ને તે ને ફલાણાં ને ઢીકણાંમાંથી કોઈ દિવસ ઊંચાં જ ન આવ્યાં! મને ફુરસદ મળે તો મારી પાસે ગામડામાં રહેવાનું બહાનું હાજર! ‘ક્યાં આવા બધા શૉ જોવા શહેર સુધી લાંબા થવાય છે?’ જોકે, ટીવી પર જોવાથી જ ખબર પડેલી કે, ફૅશન શૉ કોને કહેવાય અને મૉડેલિંગ કઈ બલાનું નામ છે. હાથમાં આવેલો ચાન્સ ન છોડવાની પાડેલી નવી આદતને કારણે અમે તો  શૉ જોવા ગોઠવાઈ ગયાં–પ્લેટમાં વહેલાં વહેલાં ખાવાનું ભરીને.

હૉલમાં તો ધમાલ! એક એકથી ચડિયાતી રૂપસુંદરીઓ પોતાની અદ્ભૂત વેશભૂષાને કારણે એકદમ ખુશ જણાતી હતી. ચહેકતી ચકલીઓની જેમ આખા હૉલમાં ઉડાઉડ કરતી હતી. એક તરફ સૌને સ્વાદિષ્ટ ભોજન લલચાવતું હતું અને બીજી તરફ ફૅશન શૉ શરૂ થવાની જાહેરાત થઈ રહી હતી. અમે તો શૉમાં ભાગ લેવાના નહોતાં એટલે આરામથી નાળિયેરના દૂધમાં બનાવેલા થાઈ નૂડલ્સ, ક્રીમથી સજાવેલું ટૉમેટો સૂપ, મકાઈની નાની નાની કટલેટ્સ અને વિદાય સમારંભ યાદ રહી જાય એવી ઘણી બધી અવનવી વાનગીઓ ચાખતાં ચાખતાં, બધાંને જોતાં જોતાં સૌની ખુશીમાં સામેલ થઈ રહ્યાં હતાં. જેમને અગાઉથી બધી જાણકારી હતી, તે બધી સ્પર્ધકો જાતજાતનાં પોષાકો સજાવીને અને સુંદર ઘરેણાં–મેક અપથી લદાઈને સ્ટેજની ફરતે ગોઠવાઈ ગયેલી.

પછી તો, સંચાલકે જેવી જાહેરાત કરી કે હવે ફૅશન શૉ શરૂ થવા જઈ રહ્યો છે, તેવી જ હૉલમાં ઉત્તેજના વ્યાપી ગઈ અને ખુશીની ચિચિયારીઓ પણ સંભળાઈ. અદ્દલ ટીવીમાં આવે તેવું જ દ્રશ્ય, તેવું જ મ્યુઝિક. રૅમ્પ વૉક શરૂ થવા જઈ રહ્યો હતો. પહેલી યુવતીનું નામ અને નંબર જાહેર થયાં. એક યુવતી સરસ મજાનાં  વેસ્ટર્ન ડ્રેસ, માથે હૅટ અને ગળામાં સ્કાર્ફ સાથે લટકમટક ચાલતી સ્ટેજ પર આવી. થોડાં ડગલાં અદાથી ચાલી, બન્ને બાજુ સ્ટાઈલમાં હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું. કૅમેરા સામે આવી, બે ઘડી ઊભી રહી, પછી ડાબી તરફ ઝૂકી, જમણી તરફ ઝૂકી અને અચાનક જ ખભાને ઝાટકો મારીને ઢળી પડતી ડોકને વ્યવસ્થિત ગોઠવીને જેવી આવેલી એવી જ લટકમટક કરતી પાછી જવા માંડી.

જતાં જતાં એના એક પગે જમીન પર પગ મૂકવાની તૈયારી કરીને સૅંડલ પરથી પડતું મૂક્યું કે યુવતી જરા લથડી. કેટલાય શૉ જોવાના અનુભવને કારણે એણે તરત જ જાતને સંભાળી લઈને પગને ફરી સેંડલ પર ગોઠવી દીધો અને જાણે કંઈ થયું જ નથી એવા હાવભાવ સાથે આરામથી જતી રહી! વાહ! કેટલો આત્મવિશ્વાસ? આની જગ્યાએ હું હોત તો? ગભરાઈને બેસી જ પડત ને બૅંગકૉકમાં પણ ગંગા–જમના વહાવી દેત. મને ઊભી કરવા બધા દોડી આવત ને હું જેમતેમ ઊભી થાત. બહુ મોટો ગુનો થઈ ગયો હોય એમ કોઈની સામે નજર પણ ના મિલાવત. સ્ટેજ ઉપર જવાનું પણ હિંમતનું કામ છે. મારા જેવા કાચાપોચાનું ત્યાં કામ નહીં. આપણે તો તાળી પાડતાં જ શોભીએ. અને એવાં પણ જોઈએ ને? એમ તો, ખભાને ઝાટકતી વખતે એની હૅટ પણ પડું પડું થઈ ગયેલી પણ એણે સિફતથી હાથમાં ઝાલીને હૅટથી સૌને બાય બાય પણ કર્યું! મોડેલિંગમાં તો દિમાગ પણ ચલાવવાનું હોય! એકંદરે એનો દેખાવ સારો રહ્યો એટલે બાકીની સુંદરીઓનો ઉત્સાહ પણ વધ્યો. સૌને જોશ ચડ્યું.

ટીવીની ખાસ્સી અસર આ શૉ પર નજરે પડતી હતી. વેસ્ટર્ન ડ્રેસના વધેલા ગાંડપણને કારણે મોટા ભાગની યુવતીઓએ મગજને બહુ ત્રાસ આપ્યા વગર, જાતજાતના વેસ્ટર્ન ડ્રેસમાં જ પોતાને રજુ કરી. અમારા ગૃપમાં મહારાષ્ટ્રીયન બહેનોની સંખ્યા વધારે હોવાથી લાવણી નૃત્યની ઝલક જોવા મળી અને ફિલ્મી ગીતો પરના ઠુમકા પણ જોવા મળ્યા. કોઈએ તો વળી આફ્રિકન આદિવાસીનો વેશ ધરીને, ‘ઝિંગાલાલા હૂ હૂ ’ના હોકારા–પડકારાથી દોડી દોડીને આખું સ્ટેજ હચમચાવી નાંખ્યું. (કોણ જોવા ગયું કે, આફ્રિકાના જંગલના આદિવાસીઓ આવું કંઈ બોલે છે ખરાં ?)

મને યાદ આવી પેલી ચાર મહારાષ્ટ્રીયન સ્ત્રીઓની, જે સતત માથું ઢાંકીને ફરતી હતી. શું એમાંથી કોઈએ પણ આ શૉમાં ભાગ લીધો હશે ખરો? મારી નજર બધા ટેબલ પર ફરી વળી. છેક છેલ્લા ટેબલ પર એ બધી બહેનો બેઠેલી નજરે પડી. એક હાથે સાડીનો છેડો માથેથી સરી ન જાય તેનું ધ્યાન રાખતી, બીજા હાથે ભોજન આરોગતી હતી. ચારેયની લાચાર નજરો સ્ટેજ તરફ જ હતી. સ્પષ્ટ જણાતું હતું કે, એમનું ધ્યાન ખાવામાં નહોતું. એમનેય આ શૉમાં ભાગ લેવાનું મન થયું હશે. એમનામાંય આ બધી કે કદાચ વધારે કુશળતા પણ હશે. તો પછી? અહીં તો એમને કોઈ રોકવાવાળું પણ નહોતું. કદાચ ચારેયના સંબંધ એવા હશે કે, એકબીજાની આમન્યા જાળવવી પડે! ખેર, માથા પરના દસ મણના ઘુમટાનો ભાર, આવી તો કેટલીય સ્ત્રીઓની કુશળતાને ઢાંકી રાખતો હશે?

એવામાં મારી નજીકમાં જ કંઈ હલનચલન થતી હોય એવું લાગતાં મેં જોયું તો, પલ્લવીબહેન તો ઊભા થઈ ગયેલાં! ‘કાં ચાઈલા?’ મેં પૂછ્યું. ‘હું પણ જાઉં છું સ્ટેજ પર.’ અચાનક પલ્લવીબહેનમાં માતા પ્રવેશેલાં જોઈ હું તો હબકી ગઈ. આટલું જોશ? મેં એમને વારવા કહ્યું, ‘પણ તમે નામ તો નોંધાઈવું નથી.’ મારો ગભરાટ જોઈ એમણે મને વારી, ‘કંઈ નીં. જાઉં તો ખરી. ના કે’ય તો પાછી આવી રે’વા.’ હું કંઈ બોલી નહીં. એમનામાં આવેલા આ અચાનક પરિવર્તને તો મારી બોબડી જ બંધ કરી દીધી. ધડકતા હૃદયે એમણે જવું જોઈએ, તેને બદલે હું એમને ધડકતા હૃદયે જતાં જોઈ રહી. મારા કરતાં એમનામાં આત્મવિશ્વાસ ઘણો વધારે. (કેમ ન હોય? રોજ કેટલાય પેશન્ટોને ખખડાવવાના હોય, તેમાં પુરુષો પણ આવી જતા હશે. વળી પારકી સાસુઓને ખખડાવવાનો પણ લહાવો મળતો હશે! મારે તો અહીં બાળકોય ગાંઠે નહીં અને વરનું તો નામેય ના લેવાય! હશે, જેવાં જેનાં નસીબ )

દસ જ મિનિટ પછી તો મેં પલ્લવીબહેનને સ્ટેજ પર જોયાં. વાહ! આખરે પહોંચી ગયાં ખરાં! ઈચ્છિત વસ્તુ મળવાનો આનંદ અને અનેરો ઉત્સાહ એમના સ્મિતમાં છલકાતો હતો. સ્ટેજ પર એક પછી એક ડગલું ભરતાં એ તો કૅમેરાની સામે આગળ વધતાં ગયાં! હું તો મોંમાં આંગળાં નાંખવાની ઈચ્છાને જોરમાં દબાવી બેસી રહી. આ પલ્લવીબહેન? કેટલાં કૉન્ફિડન્ટ? એક મિનિટ ઊભા રહી એમણે તો બે તાળીનો ગરબો કરતાં હોય એમ, ગરબાની એક ઝલક સૌને બતાવી અને ફરી પ્રેક્ષકો તરફ હાથ હલાવી, કૅમેરા સામે સરસ પોઝ આપી એક મિનિટ ઊભા રહ્યાં. પાછા વળતાં વળી ગરબાની બે–ત્રણ તાળીઓ અને વટભેર સ્ટેજ પરથી વિદાય! હું તો શું, આખો હૉલ તાળીઓથી અને ખુશીની ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યો.

‘વાહ પલ્લવીબહેન વાહ! તમે તો ગુજરાતનું નામ રોશન કર્યું ને સુરતને ગજાવી કાઢ્યું.’ હું તો એકલી એકલી ક્યાંય સુધી મલકતી જ રહી. પછી તો, પલ્લવીબહેન સેમી ફાઈનલમાં પણ આવ્યાં. જોકે, ફાઈનલમાં ત્રણ યુવતીઓ આવી હોવાથી પલ્લવીબહેન હરખાતાં હરખાતાં મારી પાસે આવી બેસી ગયાં. મેં તો એમનો હાથ હાથમાં લઈ ક્યાંય સુધી શાબાશી આપ્યે રાખી. દોઢસો સ્ત્રીઓમાં સેમી ફાઈનલમાં આવવું એ જેવીતેવી વાત તો ન જ કહેવાય ને? કોઈએ ધાર્યું પણ નહીં હોય, ખાસ તો પલ્લવીબહેનનાં ઘરનાં સભ્યોએ કે, પલ્લવીબહેન બૅંગકૉક જઈને સ્ટેજ ધમધમાવી નાંખશે. મારે તો આપણા દેશમાંય સ્ટેજ પર જવાના ફાંફાં હોય, ત્યારે મારાથી તાળી કે ચિચિયારીની આશા તો રખાય જ નહીં ને? તે વળી હું બૅંગકૉકના સ્ટેજ પર જતી હોઈશ?