રવિવાર, 29 જૂન, 2014

વાદળને કાગળ

‘એક કાગળ અને પેન આપજો ને. ’
‘કાગળ અને પેન ? આજના જમાનામાં ?’
‘હા, આજના જમાનામાં નહીં, આજે જ જોઈએ છે. ’
‘કાગળ ને પેનનું એવું તે શું કામ પડ્યું ?’
‘કાગળ લખવો છે. ’
‘કાગળ લખવો છે ? કાગળ એટલે કે પત્ર ? પહેલાના જમાનામાં લખતાં તે ?’
‘હા હા, તે જ. લાવો ને ભાઈ, તમારી તો પંચાત જ ભારે. કાગળ હોય તો આપો નહીં તો ના કહી દો. બહુ લપછપ ના કરો. ’
‘આ ઈમેલ ને ફેસબુક ને વૉટ્સઍપના જમાનામાં કાગળ લખવાના એટલે મને ગમ્મત થાય છે. ’
‘તે તમે મને કાગળ આપી દો પછી ખુશ થયા કરો, ચાલશે. ’
‘કાગળ ને પેન તો આપું, પણ કોને કાગળ લખવાના તે કહેશો ? કે ખાનગી છે ?’
‘કંઈ ખાનગી નથી. વાદળને કાગળ લખવો છે. ’
‘તમારી તબિયત બરાબર છે ને ? કાગળ લખવાના તે તો જાણે સમજ્યા પણ વાદળને કાગળ ? કયા સરનામે લખશો ? ને તમારો કાગળ કોણ એને પહોંચાડશે ?’
‘એ બધી ફિકર તમે છોડો. મને તો બસ આમ જ બધાને કાગળ લખવાની જ ટેવ છે. મને ખાતરી છે કે, વગર સરનામે પણ મારો કાગળ યોગ્ય જગ્યાએ પહોંચી જ જશે. તમે મને કાગળ આપો એટલે મારું કામ ચાલુ થાય. ’
‘પણ વાદળનું સરનામું તો બોલો. ’
‘લો, તમને એટલું નથી ખબર ? તમને અહીં જમીન પર ક્યાંય વાદળ દેખાય છે ?’
‘ના. ’
‘કોઈ નદી કે તળાવમાં કે દરિયામાં કોઈ વાર વાદળ જોયું ?’
‘ના ભઈ ના. ’
‘તો પછી, તમે વાદળને ક્યાં જોયું છે ? કે જોયાં છે ?’
‘આકાશમાં. ’
‘તો પછી એનું સરનામું પણ ક્યાં હોય ? આકાશમાં જ ને ? તો હું આકાશને સરનામે કાગળ લખું છું. મને સો ટકા ખાતરી છે કે, મારો કાગળ વાદળને સમયસર મળી જશે. જો તમે કાગળ ને પેન વહેલા આપશો, તો મારો કાગળ વહેલો પહોંચશે ને મારું કામ વહેલું પતશે. ’
‘આ લો તમારા કાગળ ને પેન. મને એટલું જણાવી શકો કે, કાગળમાં તમે શું લખવાના ? આ તો ખાનગી ન હોય ને તમને વાંધો ન હોય તો હં. ’
‘ખાનગી કંઈ નથી પણ આગળથી જણાવવાનું મને પસંદ નથી એટલે હું તમને કાગળ વાંચવા જ આપી દઈશ. બે લાઈન તમારે પણ તમારા તરફથી ઉમેરવી હોય તો ઉમેરી દેજો. ’
‘સારું, તમે લખો તો ખરા. પછી મને ઠીક લાગશે તો લખીશ. પણ, કેટલી વાર લાગશે તમને કાગળ લખતા ? ’
‘કેમ ? તમને કોઈ ઉતાવળ છે ?’
‘ મને રાહ જોવાની ખબર પડે. ’
‘હું લખીને તમને બોલાવું ત્યાં સુધી રાહ જોજો. ’
‘વાદળને સંબોધન શું કરશો ? પ્રિય ભાઈ કે સ્નેહી ભાઈ કે ચિરંજીવ કે પૂજ્ય ભાઈ વાદળ ?’
‘નહીં લખું ત્યાં સુધી તમે કાગળ પેનના બદલામાં મારું માથું ખાવાના કે ? પ્રિય વાદળ લખીશ, બસ ?’
‘પછી આગળ ? આગળ શું લખશો ? તમે હવે વાદળને કાગળ લખવાની વાત કરી એટલે મને પણ થોડો ઈન્ટરેસ્ટ પડ્યો છે. હું પણ કંઈક વિચારી જોઉં. આપણે સાથે મળીને કાગળ લખીએ તો કેવું ?’
‘એક કામ કરો. તમે તમારા કાગળમાં તમને જે ગમે તે લખો ને હું મારો કાગળ લખું. પછી બન્ને સાથે મોકલી આપશું. બરાબર ?’
‘બરાબર. તમે શું લખશો ? આ તો મને કાગળ લખતાં જ નથી આવડતો એટલે પૂછું છું. ’
‘વાદળને જોઈને આજકાલ તમારા મનમાં શું વિચાર આવે છે ? કે તમારા મનમાં કોઈ લાગણી જન્મે છે ? ગુસ્સાની કે ઉદાસીની કે બીજી કોઈ ? મનમાં જે આવે તે લખો એટલે થઈ ગયો કાગળ. કાગળમાં શું નહીં આવડવાનું ?’
‘કાગળ લખાઈ જાય પછી આપણા નામમાં શું લખવાનું ? આઈ મીન, તારો ભાઈ કે મિત્ર કે વડીલ કે સર ?’
‘બધું જ ચાલે. એનાથી વાદળને કોઈ ફરક નહીં પડે. ’
‘ભલે ચાલો, લખો ત્યારે. હું પણ કંઈક લખી નાંખું. ’
‘પ્રિય વાદળ,
તારા ગયા પછી લાંબા સમયથી તારા કોઈ સમાચાર નથી. તારો કોઈ ફોન પણ નથી કે તારા કોઈ મિત્રો પણ દેખાયા નથી જે તારા સમાચાર આપે. તને ઘરમાં કોઈ કંઈ કહેશે નહીં, કે બા–બાપા વઢશે પણ નહીં. તું જ્યાં હો ત્યાંથી વહેલું વહેલું આવી જા. તારા વગર અહીં બધાને ખાવાનું પણ ભાવતું નથી ને બધાં બહુ જ દુ:ખી છે. અમારી દયા ખાઈને પણ વહેલી તકે આવી જશે તો અમે તારી આરતી ઉતારવા પણ તૈયાર છીએ. પ્લીઝ, આ પત્ર મળે એટલે આવી જ જા. સાથે તારા મિત્રાોને અને પેલી વીજળીને પણ લઈ જ આવજે. ’
લિ.તારા પર જ આધાર રાખીને બેસી રહેલાં,
તારાં જ સૌ. 


રવિવાર, 22 જૂન, 2014

કઈ લાઈન લેવાનો ?

‘તમારો દીકરો પાસ થઈ ગયો ?’
‘હા, ફર્સ્ટ ક્લાસ આવ્યો. ’
‘અરે વાહ ! કઈ લાઈન લેવાનો હવે ?’
‘સીધી લાઈન. ’
‘હેં ? એ વળી શું ?’
‘ભઈ, આ સવાલથી એ હવે કંટાળ્યો છે, એટલે જે પૂછે તેને આ જ જવાબ આપે છે. હવે તો અમારી સાથે પણ સરખી વાત નથી કરતો. ’
‘પણ એણે કોઈ લાઈન તો પહેલેથી નક્કી કરી હશે ને ?’
‘એ તો આઠમા ધોરણમાં આવ્યો ત્યારનો કહેતો હતો કે, હું તો ઘાસતેલની લાઈનમાં જઈશ, ગૅસના બાટલાની લાઈનમાં જઈશ, રેલવેની બારીએ ટિકિટની લાઈનમાં જઈશ, મોટો થઈને કૉલેજના ઍડમિશનની લાઈનમાં જઈશ, નોકરી માટેના ઈન્ટરવ્યૂની લાઈનમાં જઈશ અને એવી બીજી જેટલી પણ લાઈન લાગશે તે બધામાં ઊભો રહીશ. ’
‘હવે તો મોટો થઈ ગયો ને ?’
‘એટલે જ કોઈ જવાબ નથી આપતો. ’
‘તમે કારણ નથી શોધ્યું ?’
‘કારણમાં તો બીજું શું હોય ? જે એને મળે તેમાંથી કોઈને કંઈ ખબર જ ન હોય, થોડી ઘણી ખબર હોય તો તેને વિષયની સમજણ ન હોય અને જેને બધી ખબર હોય તે બહુ હોશિયાર હોય ! એટલે જે મળે તે એને એક જ સવાલ પૂછે કે, ‘કઈ લાઈન લેવાનો ?’ શરુઆતમાં તો એ જવાબ આપતો પણ પૂછનારા એને ત્રાસ આપીને અધમૂઓ કરવા માંડ્યાં. પહેલાં તો લોકોને ડૉક્ટર, એન્જિનિઅર ને સીએ સુધીની જ જાણકારી હતી તે સારું હતું. હવે તો જ્ઞાની મહાપુરુષોનો રાફડો ફાટ્યો તે રિઝલ્ટ આવતાં જ ઘેરેઘેર ફરવા માંડ્યા ! તેમાં જો બે–ચાર જણ સાથે નીકળી પડ્યા તો માબાપનુંય આવી બને. 

‘સાયન્સ લીધું છે ?’ પૂછીને શરુઆત કરે ને માછલીને જાળમાં ફસાવવા માંડે.
‘હા. ’
‘ડૉક્ટર બનવાનો ?’ ડૉક્ટરથી આગળ એમને પણ વધારે નથી ખબર !
‘કંઈ નક્કી નથી, ટકા આવે તેના પર આધાર.’ (જાણે છે કે, ડૉક્ટરની હા પાડશે તો સવાલો ચાલુ જ થઈ જશે, ‘આ ડૉક્ટર કે પેલા ડૉક્ટર ?’)
હવે ખરો ખેલ શરુ થાય.
‘ડૉક્ટર બનવામાં લાંબો થઈ જશે. એના કરતાં બી.ફાર્મ કરી લે. લાઈસન્સ લઈ લેવાનું. દુકાન ખોલીને બેસી જવાનું. કમાણી જ કમાણી. ’
‘દુકાન ખોલવા પૈસા જોઈએ ને ?’
‘તો પછી ઑર્થો બની જા. ’
‘ઑર્થો ? ઑર્થોડૉક્સ ?’
‘અરે ભાઈ, એ નહીં. પેલા હાડકાના ડૉક્ટર આવે તે. ’
‘એ પણ ડૉક્ટર જ ને ? બધામાં પૈસા જોઈએ. ’
‘તો ફિઝિયો બની જા. ’
‘એ વળી શું ?’
‘પેલા હાથપગની કસરતવાળા ને માલિશવાળા આવે તે. એમાં બહુ ખર્ચો પણ નહીં. ’
‘એ તમને કોણે કહ્યું ? મારે એવું કંઈ નથી બનવું. ’
‘તો પછી તું શું કરવાનો ? હેરડ્રેસિંગ સલૂન ખોલવાનો ?’
‘આઈડિઆ તો સારો છે. ’
‘સાવ નફ્ફટ. માબાપનો તો કોઈ વિચાર જ નહીં કરવાનો. જરા પણ કદર નહીં. આજકાલના છોકરા સાવ નકામા. ’ (તમે મારા માબાપનો વિચાર કરો તો સારું. એમને પણ કંઈ વિચારવા દો. એના કરતાં તમારા છોકરાં સાચવો, જાઓ.)

બીજા ભાઈ જરા સમજાવટથી કામ લેવાની કોશિશ કરે ! ‘બેટા, તને જે લાઈનમાં ઈન્ટરેસ્ટ હોય તે જ લાઈન લેજે. એમ પૈસાની લાલચમાં ગમે તે લાઈન નહીં લઈ લેતો. (આગલા ભાઈ મોં વાંકું કરે.) ડૉક્ટર, એન્જિનિઅર કે સીએ બનવા કરતાં, હું તો કહું કે બેસ્ટ લાઈન તો આજે આઈટીની જ છે. ’
‘હું તો બધી લાઈનાં એક એક વરસ ફરી આવીશ. પછી જેમાં ગમશે તેમાં ટકી જઈશ.
‘એમ તો કેટલા પૈસા બગાડવાનો ? અને વરસ કેટલાં બગડે તે કંઈ ભાન છે ?’
‘હા, પણ કેટલા વરસથી આ સવાલ મને હેરાન કરે છે. હું પણ જોઉં તો ખરો કે નહીં, કે કઈ લાઈન સારી ?’

પેલા બધા જ્ઞાનીઓના હાથ છેવટે હેઠા પડે અને અંતે, જતા જતા છોકરાનું ભવિષ્ય ભાખતા જાય, ‘આ તમારા છોકરાને સાચવજો જરા. કોઈ ઠેકાણું જ નથી હજી. રિઝલ્ટ આવી ગયું છે. બધે ઍડમિશનની દોડાદોડી છે અને એને કંઈ પડી જ નથી. ભલતાસલતા જ જવાબો આપે છે. જોજો, લાઈન બહાર ન જતો રહે. એને અમારા વતી કહેજો જરા કે, સીધી લાઈન પર રહેજે નહીં તો ચણાના ભાવે વેચાઈ જશે. ’

‘ભઈ, એ તો પહેલેથી જ કહેતો હતો કે, સીધી લાઈન લેવાનો છું પણ કોઈ માનતું જ નથી. ’

રવિવાર, 15 જૂન, 2014

ફાધર ચકાની વાર્તા

એક હતો ચકો.

એક હતી ચકી.

ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી દાળનો દાણો.

(આ વાર્તા વર્ષો જૂની હોવા છતાં; ટૂંકમાં જ જણાવી દીધું છે કે, ત્યારે પણ મોંઘવારી તો હતી જ ! પરણેલાં ને એકલાં રહેવા છતાં કમાવા તો બન્નેએ જ જવું પડતું. )

ચકાચકીએ સાદીસીધી ખીચડી ખાઈને ખાસ્સી એવી બચત કરી અને પછી ‘બે બાળકો બસ’વાળો સંસાર શરૂ કર્યો. ચકાએ ચકીને કહ્યું, ‘હવે તું ઘરમાં રહીને બાળકોને સાચવ અને એમને મોટા કર. ’

અહીંથી શરૂ થઈ ચકાચકીની અસલી કહાણી. ‘તું પણ નોકરી છોડી શકે, હું જ શું કામ ?’ ચકીએ સમાન હકની વાત કરી. ‘સમાજમાં કેવું દેખાય ?’ પ્રશ્ને વાત અટકી; પણ બાળકોનાં સંસ્કાર ને ભણતરની વાત આવતાં આખરે વાત પતી.

થોડા દિવસો પછી. ચકાએ તો દાળ ને ચોખા લાવવાની ડબલ ડ્યૂટી કરવા માંડી. સ્વાભાવિક છે કે, એ થાકીને ઠૂસ થઈ જતો તેથી ઘરે આવીને સીધો સોફામાં પડતું મૂકતો. (બચતમાંથી એમણે વેલ–ફર્નિશ્ડ ફ્લૅટ વસાવેલો. ) ચકલી અહોભાવથી ને પ્રેમથી હાથમાં પાણીનો ગ્લાસ લઈ હાજર થતી (!) ને લાડથી પૂછતી, ‘ચા મૂકી દઉં ?’
‘રોજ રોજ શું પૂછવાનું ? મૂકી જ દેવાની ને.’ ચકાને એકના એક સવાલથી કંટાળો આવતો. ‘બાળકો ક્યાં છે ?’ ઘરમાં શાંતિ જણાતાં એને યાદ આવતું.
‘તારી રાહ જોઈને હમણાં જ સૂઈ ગયાં.’ ચકી નિરાશ સ્વરે બોલતી. ચકાનો મૂડ આઉટ થઈ જતો.

રજાના દિવસે ચકો, ચકી અને બાળકોને લઈને ફરવા જતો. આખો દિવસ આનંદનાં ગીતો ગાવામાં ચકાનો આખા અઠવાડિયાનો થાક ઊતરી જતો. બધાને ખૂબ મજા પડતી.

પગારમાં વધારો થતાં ચકાએ ટીવી વસાવ્યું. હવે ચકો રાત્રે ઘરે આવતો ત્યારે બાળકો સૂઈ નહોતાં જતાં. ચકી સાથે બેસીને સૌ ટીવી જોવાની મજા લેતાં. શરૂઆતના દિવસોમાં તો, ચકો ઘરમાં આવતો કે બાળકોમાંથી કોઈ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવતું, કોઈ ચા મૂકી દેતું ને મમ્મીને આનંદ થતો. ‘મારા દિક્કા બૌ... ડાહ્યા.’ પછીથી ચકો જાતે પાણી લઈને પીવા માંડ્યો અને ચાના નામનું એણે પાણી મૂકી દીધું !

ચકાચકીની જિન્દગીમાં હવે ટીવીએ બહુ મોટો વળાંક લાવી દીધો. (કહાનીમેં ટ્વિસ્ટ !)

ચકી સીરિયલો જોતી હોય કે બાળકો કાર્ટૂન જોતાં હોય, ત્યારે ચકાએ અવાજ નહીં કરવાનો એવો નિયમ થઈ ગયો. બીજો નિયમ તે, થાળી ઢાંકી હોય તે ચૂપચાપ જમીને ધોઈને મૂકી દેવાની ! ચકાએ કંટાળીને બીજું ટીવી વસાવી લીધું. હવે એ નિરાંતે જમતી વખતે ક્રિકેટ કે સમાચાર જોઈ શકતો. (આના કરતાં જો ચકાએ પણ સીરિયલો જોવાની મજા લીધી હોત તો, એને ચકી ને બાળકો સાથે મજાનો સમય પસાર કરવા ના મળ્યો હોત ? કેટલા બધા, વગર કામના ઝઘડાઓ ટળી ના ગયા હોત ? પણ ચકાને એવું બધું આવડ્યું નહીં અને એ નાહકના ખોટા ખર્ચાના ખાડામાં ઊતરી ગયો. )

પછી તો, રજાના દિવસોમાં પણ બધા ટીવીની સામે જ ચોંટી રહેતાં ને સાથે હરવાફરવા કે ખાવાપીવાની વાતો કોઈને યાદ આવતી નહીં. ટીવીના કલાકારો બધે ફરતાં, ખાતાંપીતાં ને આનંદ માણતાં તે જોઈને ચકાનો પરિવાર ખુશ થતો ! ચકો પોતાના જેવા બીજા, એકલા પડી ગયેલા ચકાઓને ફોન કરીને કશેક મળવા બોલાવી લેતો ને પછી બધા ખાઈ–પીને, હસીમજાક કરીને છૂટા પડતા.

ટીવીએ બધાની જિન્દગી સરસ ગોઠવી આપી હતી કે, અચાનક જ મોબાઈલ નામના વાવાઝોડાએ એમના માળાને ધ્રુજાવી દીધો. ચકાની ફિસમાં દિવાળીની ગિફ્ટમાં બધાને મોબાઈલ મળ્યો. ચકો તો ખુશ થતો ઘરે આવ્યો. ચકી ને બાળકો પણ નવું રમકડું જોઈ ખુશ થયાં. બહુ વખતે બધાં બહાર ફરવા ને ખાવા ગયાં. ‘આપણે બહુ વખતે બધાં સાથે બહાર નીકળ્યાં, નહીં ?’ બધાંએ એકબીજાને કહ્યું. એમને લાગ્યું કે, ટીવીએ એમને એકબીજાથી દૂર કરી દીધાં તે ઘણું ખોટું થયું; પણ બસ, હવે વધારે દૂર નથી રહેવું. પાછાં પહેલાંની જેમ જ રહીએ. હવે ફરી રજામાં બહાર નીકળી પડવું એવું નક્કી થયું.

પછી તો, રજાના દિવસોમાં ફરીથી ચકો પરિવાર ફરવા નીકળવા માંડ્યો ને મજા કરવા માંડ્યો. પણ જ્યારથી મોબાઈલે ચકાના પરિવારની ખુશીમાં દખલ દેવા માંડી ત્યારથી.....? હસીમજાકની વાતો ચાલતી હોય ને બાળકો આઈસક્રીમ ખાતાં હોય ને ચકી, એની અચાનક જ મળી ગયેલી કોઈ સખી સાથે વાતે લાગી હોય કે ચકાનો મોબાઈલ ગાજી ઊઠતો અને ચકો વાતે લાગી પડતો. વાતમાં એ ભૂલી જતો કે, ચકી ને બાળકો એની સાથે છે, એની રાહ જુએ છે !

પછી તો, ચકાને ઘરનાં વગર ચાલતું; પણ મોબાઈલ વગર ન ચાલતું ! ચકો મોબાઈલ વગર શ્વાસ ન લેતો, તો પછી શ્વાસ મૂકવાની તો વાત જ ક્યાં ? ચકાને લાગતું કે, મોબાઈલ વગર એ અધૂરો છે. (જે પહેલાં ચકી વગર અધૂરો હતો !) એની જિન્દગીમાં જો મોબાઈલ ન હોત તો ? એને ધ્રુજારી છૂટી જતી.

ચકીની સતત કચકચ અને બાળકોની જીદ આગળ નમતું જોખીને આખરે, ચકાએ બધાને મોબાઈલ લઈ આપ્યા. હવે બધા પોતપોતાનાં મોબાઈલમાં ખુશ છે, બીઝી છે. 

પણ હવે ફાધર્સ ડે પર ચકો, એના પરિવાર–એના બાળકો પાસેથી કોઈ સરસ ગિફ્ટની રાહ જુએ છે ! ફાધર ચકાને ગિફ્ટમા શું મળશે ?

રવિવાર, 1 જૂન, 2014

મોદી અને મિયાં.....


મોદી અને મિયાં નવાઝ શરીફની મુલાકાતે, આખી દુનિયાના લોકો પાસે મોંમાં આંગળાં નંખાવી દીધાં. એ મુલાકાતને ખુલ્લા દિલે સ્વીકારનારા પણ છે અને ઝીણી નજરે જોનારા વાંકદેખા લોકો પણ છે. આપણને, કોઈ બે જણ પ્રેમથી મળે તેમાં શો વાંધો હોઈ શકે ? આપણે કોઈ મહેમાનને માનથી બોલાવીએ અને પછી તેને બેચાર થપ્પડ મારીએ તે શોભે ? નહીં જ વળી. તો પછી મોદીજીના મહેમાન એ આપણા મહેમાન નહીં ? બસ, તો પછી ચૂપચાપ જોયા કરો અને કોઈ પણ ટીકા કે ટિપ્પણ વગર સો દિવસ પૂરા થાય તેની રાહ જુઓ. કરોડપતિમાંથી અબજપતિ બનેલા આપણા વડાપ્રધાનને એમની કુશળતાનો પરચો આપવા દો. હાલ તો, થોભો અને રાહ જુઓ. ત્યાં સુધી શું કરવું પણ ?


કેમ, રોજ રોજ જાતજાતના, ઝીણાઝીણા ને મોટામોટા સમાચારની લહાણી નથી થતી ? એમાં જ આનંદ માણતા રહો અને આજે તમારા સૌ માટે, હું એક નવી જ વાત લઈને આવી છું તેની મજા લો. મારી પાસે મોદીજીની એક એવી ખાનગી વાત આવી છે કે, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું. એ તો આ મિયાં નવાઝ શરીફભાઈ આવ્યા તો રાઝ ખૂલ્યો, બાકી તો મોદીજી કોઈને આ વાત જણાવત પણ નહીં. વાત જાણે એમ છે કે, આપણા સીએમ જે પહેલાં પણ સીએમજ હતા, તે હવે ‘પીએમ’ બન્યા છે. ભલે પીએમ બન્યા; પણ તેથી કંઈ સીએમતો નથી મટી ગયા ! એટલે એમની બહારી રહેણીકરણી ભલે ‘પ્રધાનમંત્રી’ તરીકેની રહે; પણ જ્યારે પોતાના રસના કે શોખના વિષય સામે આવે ત્યારે તેઓ એમાં સીએમબની ઝુકાવી દે છે. દા.ત. રસોઈકળા.


ચોંકી ગયા ને ? જેણેજેણે જાણ્યું, તેને આમ જ ચોંકવાનું ગમેલું. મોદી અને રસોઈકળા ? ના હોય ! અરે, શું ના હોય ? જોયું નહીં, નવાઝ શરીફની મહેમાનગતિ કરતી વખતે કેટલા પ્રેમથી એમને આગ્રહ કરીકરીને ખવડાવતા હતા તે ? ખુદ એકએક ગુજરાતી વાનગીની જાણકારી પણ વિસ્તારથી આપતા હતા ! નવાઝભાઈ તો ખાવાનું ભૂલીને બે ઘડી તો આપણા મોદીસાહેબને જ જોતા રહી ગયેલા. એ તો મોદીજીએ એમને  બટાકુંવડું ધર્યું ત્યારે જ નવાઝમિયાં હોશમાં આવ્યાતા.


લો સાહેબ, આ વડું ચાખો.  આ અમારા ગુજરાતીઓની કમજોરી છે. દરેક ઘરમાં મહેમાનને ખુશ કરવામાં આ વડું બહુ કામ આવે છે. સાથે જો કોથમીરફુદીનાની લીલી ચટણી હોય અથવા ખજૂરઆમલીની ખાટીમીઠી ચટણી હોય તો સોનામાં સુગંધ ભળે. લો, આ લીલી ચટણી પણ સાથે ચાખો. મજા આવી જશે. મુંબઈના લોકોએ એને પાંઉમાં સંતાડીને પાંઉવડું બનાવી કાઢ્યું, બાકી એની અસલી મજા તો આ સીઝનમાં રસ ને પૂરી સાથે કે પછી વરસતા વરસાદમાં કે પછી કડકડતી ઠંડીમાં જ છે.


બટાકાવડાંનાં આટલાં વખાણ સાંભળીને કોના મોંમાં પાણી ન છૂટે ? બન્ને મહાનુભાવોએ તો પોતાનાં(વધેલાં) પેટની પરવા કર્યા વગર ચારેક બટાકાવડાં એમાં ઓરી દીધાં. પછી તો, ‘નમોજી’એ બટાકાવડાની રીત પણ બહુ હોંશથી મિયાંજીને શીખવી. (કેટલી સમજ પડી તે મિયાંજી જ જાણે !)


આખા શાહીભોજન દરમિયાન, નમોજી કઢી અને ખીચડી અને શીખંડ અને પાતરાં જેવી અનેક વાનગીઓનાં વખાણ કરતા રહ્યા અને દરેકની બનાવવાની રીત પણ વિસ્તારથી સમજાવતા રહ્યા. મિયાંજી બહુ મજેથી એમની વાતોની મજા, ભોજનની સાથેસાથે લેતા રહ્યા. મિયાંજીએ નક્કી કર્યું કે, આજ પછીની દરેક મુલાકાતમાં પોતાનાં મિસિસને સાથે લાવવાં. નમોજી પાસે જો બધી વાનગીઓ એક વાર એ બરાબર શીખી લે, તો પછી રોજ જલસા ! પેલી બાજુ નમોજી દાઢીમૂછમાં મલકતા હતા, ‘દુશ્મનને સીધો કરવાનો રસ્તો પણ પેટમાંથી જ પસાર થાય છે..!
(‘આમ તો જાહેર ને જાણીતો છે આ મંત્ર; પણ આપણે તે ખાનગી રાખવો પડશે.’)


(મિયાં શબ્દ, પતિ–સજ્જન–મુસલમાન ગૃહસ્થ જેવા વિશાળ અર્થો ધરાવે છે. વધુ અર્થો માટે (મગજમાં આવેલા અનર્થોની અર્થી માટે)
જુઓ...http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82*/