રવિવાર, 25 જાન્યુઆરી, 2015

વન ટુકા ફોર

મારા મોતના પૈગામ જેવા મૃત્યુખત પર સહી કરતી વખતે મનમાં તો આવ્યું કે, આટલાં વર્ષો ગાંધીજી જેવા અક્ષર ન નીકળે એની રાખેલી કાળજી પર પાણી ફેરવી દઉં અને અગડમબગડમ અક્ષરથી સહી કરી દઉં. આમ પણ હવે એનો કોઈ અર્થ તો રહેવાનો નહોતો. બધું ઝાંખું ઝાંખું જ તો વંચાતું હતું. મારી સહી ક્યાં આ લોકો ચકાસવા બેસવાના હતા ? પણ, સારા અક્ષર કાઢીને સારી ઈમ્પ્રેશન પાડવાની આદતે આખરે એ ખત પર મારાથી સુંદર ને મરોડદાર અક્ષરે સહી થઈ જ ગઈ.

ક્યારેય પણ કશે સહી કરવાની આવે–મોટે ભાગે તો લેખની નીચે જ (તે પણ લેખક બની તો એટલો લહાવો મળ્યો !) વળી આપણે ક્યાં કોઈ મોટા હોદ્દા પર છીએ તે ધડ ધડ ધડ સહી ફટકારતા રહીએ? ન તો એટલા પૈસાની લેવડદેવડ કરું છું કે, રોજ અગણિત સહીઓ કરવાની આવે. એક ગૃહિણીએ તો આટલાં વર્ષોમાં બાળકોના રજિસ્ટરમાં, તે પણ ગૃહપતિની ગેરહાજરીમાં સહી કરી છે, અથવા જ્યાં બતાવે ત્યાં કે કહે ત્યાં, ચેક કે કાગળ પર વાંચ્યા વગર સહી કરી છે ! (કારણકે ગૃહિણીને એ બધામાં સમજ ન પડે !)– હં તો.... જ્યારે પણ કશે સહી કરવાની આવે ત્યારે મને દિવાર ફિલ્મનો પેલો ડાયલૉગ યાદ આવે, ‘જાઓ પહેલે ઉસ આદમીકા સાઈન લેકે આઓ......’ મોટે ભાગે તો ડાયલૉગ બોલાઈ પણ જાય. એટલે તરત જ મને સંભળાય (કે સંભળાવાય !), ‘હવે તારી વાયડાઈ રે’વા દે. બધી વાતમાં ડાયલૉગ નહીં માર. આમાં બીજા કોઈ આદમીની સહી ના ચાલે. એટલી તો અક્કલ નથી. સીધી સીધી સહી કરી દે, મોડું થાય છે. ’ મનમાં એટલામાં જ બીજો સીન દેખાવા માંડે. રામ ઔર શ્યામ ફિલ્મમાં હીરો દિલીપકુમારને વિલન પ્રાણ સહી કરવા મજબૂર કરે છે અને હાથમાં ચાબૂક છે. બસ, પછી તો હું પણ વગર ચાબૂકે ફટાફટ સહી કરી આપું.

ખેર, એક વાર સહી થઈ ગઈ એ થઈ ગઈ. હવે તો ડૉક્ટરોએ પણ અંદર તૈયારી શરુ કરી દીધી હશે. થોડી વારમાં જ હું ઓપરેશન ટેબલ પર હોઈશ, પણ મને ગભરાટ કેમ નથી થતો ? એવી તે કઈ જાદુઈ શક્તિ મારામાં પ્રવેશી ગઈ છે કે, ભલભલા લોકો જે ક્ષણે હાર્ટના પણ ઓપરેશનની તૈયારી કરાવવા માંડે તે ક્ષણે હું અહીંતહીં બધે ફાંફા મારીને બધાને જોયા કરું છું ને મનઘડંત કહાણીઓમાં ખુશ થયા કરું છું ? કદાચ વર્ષોથી જ, મોટાભાઈ સાથે મળીને મૃત્યુની ને બેસણાંની અંદર–બહાર ભજવાતાં નાટકોની અને એની બાલિશ જાહેરખબરોની મજાક ઉડાવવાની જે ટેવ પડેલી તે આજે કટોકટીના સમયે કામ આવી રહી છે ! વળી, બોરીસાગરભાઈનું એન્જૉયગ્રાફી પુસ્તક તો ખરું જ. ગભરાઈને બધાંને ગભરાવવા, એના કરતાં જે કંઈ બને તેનો આનંદ પણ ઉઠાવું અને સાથે સાથે (જો બચી ગઈ તો !) લેખોની તૈયારી પણ મનોમન કર્યા કરું. આમાં ફાયદો તો મને જ થવાનો ને ?

હવે મને સ્ટ્રેચર પરથી ઊંચકીને ઓપરેશન ટેબલ પર શિફ્ટ કરવાનો સમય નજીક આવતો જાય છે. મારા શરીરના વજન બાબતે મને ઘણી વાર શરમ આવી છે, પણ આજે તો મને મારી જાત પર ગુસ્સો પણ ખૂબ આવ્યો. મારો દીકરો કહી કહીને થાક્યો, ‘મમ્મી, તારું વજન એટલું નહીં વધારતી કે, તને કંઈ થાય તો કોઈથી તને ઉંચકાય પણ નહીં.’ કેટલું ખરાબ કહેવાય ? આટલાં વરસ મારું વજન મેં જાતે ઊંચક્યું, ભલે ધીરે ધીરે ને કોઈ વાર ડગુમગુ થતાં પણ આજે પેલા બે વૉર્ડબૉય મને ઝોળીમાં ઊંચકીને સ્ટ્રેચર પરથી સીધી ઓપરેશન ટેબલ પર ફેંકશે (કે મૂકશે), એટલામાં પણ એ લોકોને કેટલું જોર પડશે ? હઈસો હઈસો કરીને થાકી જશે બિચારા ! મેં આંખો મીંચી દીધી.

અચાનક, સ્ટ્રેચર સરકતું હોય એવું લાગતાં મેં આંખો ખોલી તો હું ઓપરેશન થિયેટર તરફ સરકતી હતી. અંદર જતાં વાર જ, મેં વિચારેલું તેનાથી ઊંધું જ થયું. પેલા બે જણે મને બહુ સાચવીને કાળજીથી ઓપરેશન ટેબલ પર ગોઠવી દીધી અને આભાર કે ટિપની આશા રાખ્યા વગર બંને ચાલતા થયા. એટલી એ ક્ષણો તો મને ઓળીઝોળી પીપળ પાન જેવી મજા આવી ગયેલી ! 

જે દિવસનો મને વર્ષોથી ઈંતઝાર હતો, આખરે એ દિવસ આજે મારા હાથમાં હતો–મારી સામે જ. ભલે અહીં મારા હાથમાં કંઈ નહોતું પણ હું બેભાન ન બનું ત્યાં સુધી તો બધું જ રજેરજ જોવા ને જાણવા માંગતી હતી. મેં આજ સુધીમાં કેટલાય લોકોના મોંએ, એમના જાતજાતના ઓપરેશનની અવનવી (ને થોડી ચગાવીને કહેલી) વાતો સાંભળેલી. ત્યારે મને થતું કે, પોતાનું ઓપરેશન જોવા તો નહીં પણ સાંભળવા પણ મળી શકે ? અદ્ભૂત ! જ્યાં ડૉક્ટરો વાત કરે–અંદરઅંદર, કે પેશન્ટની, કે પછી મોબાઈલ પર–તે સંભળાય, ઓપરેશનના સાધનોના કર્ણપ્રિય(!) અવાજો સંભળાય અને ભલે ને ઓપરેશન જોવા કે અનુભવવા ન મળે પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી નજરને અને દિમાગને  ફેરવી તો શકાય ને ? એના પરથી અનુમાન લગાવીને કેટલું ગભરાવું તે નક્કી થઈ શકે. આગળ ઉપર હવે શું કરવું તે નક્કી થઈ શકે. ખાસ તો, કોણે ઓપરેશન કર્યું ને કોણે કોણે એમાં મદદ કરી તે પણ જોઈને યાદ રાખી શકાય.

અહીં જોકે ધાર્યું તો ધણીનું પણ નહોતું થવાનું તો પછી મારી તો શી વિસાત ? એક નર્સ ને એક લેડી ડૉક્ટર મારી ડાબે–જમણે ગોઠવાઈ ગયેલાં, જેથી વિષમ પરિસ્થિતિમાં મને સાચવી શકે, સાંત્વન આપી શકે અથવા જો જરુર પડી તો બે–ત્રણ લાફા કે ચીમટાની પ્રસાદી પણ આપી શકે !  અહીં કંઈ જ અશક્ય નહોતું. અહીં કોઈને ઘાંટાઘાંટની છૂટ નહોતી તે સારું હતું, જોકે એ આ લોકોને શોભા પણ ન આપત. જ્યારે મને છૂટ હતી પણ મારી ઈચ્છા નહોતી ! નકામું મોં બગાડવાનું. ખરું કહું તો, મને તો એવું લાગ્યું કે જાણે અહીં પણ મારું કોઈક છે. મેં બંને તરફ આભારની નજરે જોયું. બદલામાં એ બંનેએ પણ, કયા કારણસર ખબર નહીં પણ મારી સામે આભારવશ જોયું. હું શાંત રહી એટલે, કે પછી બિલની ભાગીદારીમાં એમનું પણ નામ હતું એટલે ? કોણ જાણે.

મને તો પાટ પર ચત્તીપાટ સૂવડાવેલી. થોડી વારમાં મારા માટે એક ઈંઢોણી મગાવાઈ. તરત મગજમાં ગરબો ચાલુ, ‘સોના ઈંઢોણી રૂપા બેડલું રે નાગર..... ’. ન તો એ સોના ઈંઢોણી હતી કે ન તો એના પર કોઈ મોતીકામ કરેલું. ચીંથરે વીંટ્યા રતન જેવી સાદાસીધા કપડામાં લપેટાયેલી ઈંઢોણી હતી. અહીં વળી કોણ ને ક્યાં પાણી ભરવા જવાનું ? મિનરલ વૉટરના જમાનામાં જ્યારે માટલાં ઊંધા વળી ગયાં હોય અને સીધા મોંમાં જ બાટલા ઊંધા વળતા હોય ત્યાં ઈંઢોણી ? બધું ચૂપચાપ જોયા કરવાનું, બોલવાનું કંઈ નહીં. કેટલા કલાક થયા હશે મને બોલ્યાને ? જવા દો, ફક્ત આંખોના હાવભાવ બદલતાં રહીને મનમાં વિચારોના ઘોડાપૂર દોડાવ્યા સિવાય મારાથી કંઈ થવાનું નથી તે મેં સમજી લીધું. પેલાં ડૉક્ટરબહેને એ ઈંઢોણીને હળવેથી મારા માથા નીચે ગોઠવી દીધી. (સીધેસીધો નાનો તકિયો મગાવ્યો હોત તો ?) હશે, મારું માથું જમણી બાજુ ઢળતું રહે એમ ગોઠવ્યું. બાકી હતો તે પેલો મિ. એનેસ્થેટિસ્ટ આવી પહોંચ્યો. આવતાંવેંત એ તો મંડ્યો લલકારવા, ‘કલ્પના...હાથ આગે બઢાઓ. ’ મેં હાથ લંબાવ્યો ને એણે મારી પાસે હાથની મુઠ્ઠી વળાવી. (મુઠ્ઠી વળતાં જ મારું મગજ હટવાની તૈયારી કરવા માંડ્યું પણ કંટ્રોલ !) જેમતેમ હાથની એકાદ નસ ઉપસી તેમાં એણે લાંબી સોય દ્વારા ઘેનની દવા ઠાલવી દીધી.

નાનપણથી જ ડૉક્ટરને કે ઈંજેક્શનની સોયને જોઈને મને ક્યારેય ગભરાટ નથી થયો. ડૉક્ટરો એ બાબતે ઘણી વાર ખિસીયાણા પણ પડ્યા છે. અહીં પણ પેલા ટેણિયાને એમ કે, હું કંઈ ‘હાઈઈઈ.....હુઈઈઈઈ’ જેવું કરીશ કે સીસકારા બોલાવીશ, પણ મેં એને ભોંઠો પાડ્યો. એટલે એણે કહ્યું, ‘ચાલો હવે વન, ટુ, થ્રી ગણવા માંડો જોઉં. ’ ખરેખર તો આ ગણત્રી, પેશન્ટ પર દવાની કેવી અસર થઈ છે તે જોવા માટે જ હોય છે અને ગણતાં ગણતાં જ પેશન્ટ ઊંઘી જાય–બેભાન બની જાય–એવી એમની ગણત્રી હોય છે. (જેમને અનિદ્રાનો રોગ હોય એમને પણ આ ટુચકો અજમાવવા જણાવાય છે. એ લોકો જોકે, પચાસ સુધીના ઘડિયા બોલી જાય તોય એમને એક બગાસુંય નસીબ નથી થતું !) પણ આ બધી મને થોડી ખબર ? આપણે તો આપણી મસ્તીમાં. એટલે મેં તો, ‘વન ટુકા ફોર, ફોર ટુકા વન.. ’ ચાલુ કરી દીધું. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં ઊભેલા બધા એકદમ ગેલમાં આવી ગયા અને જોરમાં કોરસ સાથે ડાન્સ પણ શરુ થઈ ગયો ! ‘માય નેમ ઈઝ લખન....માય નેમ ઈઝ લખન......’
બસ, એ પછી શું થયું મને કંઈ યાદ નથી.

રવિવાર, 18 જાન્યુઆરી, 2015

તમારો લેખ વાંચ્યો

કોઈ પણ લેખક આ ત્રણ શબ્દો સાંભળીને જ ભર ઊંઘમાં હોય તોય માથું ઝાટકીને બેઠો/બેઠી થઈ જાય, બિમાર હોય તો વગર દવાએ સ્વસ્થ થઈ જાય, બેચેની કે કંટાળો ભૂલીને મોજમાં આવી જાય. તેમાંય ભૂલમાં જો લેખનાં વખાણ સાંભળ્યાં, તો પછી આખો દિવસ ભાન ભૂલીને પોતાની જાતમાં જ એ ખોવાઈ જાય. ‘આહાહા...! શું લખ્યું છે બાકી, વાહ ! મારાથી આટલું સરસ કેવી રીતે લખાઈ ગયું ?’ લેખકો માટે તો આ ત્રણ શબ્દો જાદુઈ શબ્દો છે. એમાં અજબ એવું સંમોહન છે. એમ કહો ને કે, આ શબ્દો તો એના માટે સંજીવની સમાન છે. 

ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં આજે કોઈ વાચક બને એ જ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તેમાંય કોઈ વાચકને કોઈ લેખ ગમી જાય અને તે ફોન કે પત્ર કે મેઈલ દ્વારા જણાવે કે, ‘તમારો લેખ ગમ્યો’ તો લેખકની શી હાલત થાય ? લેખનાં વખાણ જાણવા એના મનમાં ઉથલપાથલ થવા માંડે, એની બેચેની વધી જાય અને એ સંસારનું ભાન પણ ભૂલી જાય. એને તો બસ, ‘તમારો લેખ વાંચ્યો’ અને ‘તમારો લેખ ગમ્યો’ સિવાય કંઈ યાદ નથી રહેતું.

ઘણી વાર આ ત્રણ શબ્દોની પાછળ પાછળ ચાલી આવતો નાનકડો શબ્દ ‘પણ’, લેખકની ઊંઘ હરામ કરી નાંખે છે. લેખ વાંચ્યા પછી જ્યારે વાચક વધારે પડતો અકળાઈ ઊઠે અને એને પેટમાં ચુંથારો થવા માંડે ત્યારે આખરે એ લેખકને યેનકેન પ્રકારે જણાવીને જ રહે કે, ‘તમારો લેખ વાંચ્યો પ...ણ એમાં ફલાણી ફલાણી ભૂલ છે. (ખલાસ !) એમાં આમ નહીં, આમ આવે. તેમ નહીં, તેમ આવે. ફલાણા લેખકે તો આમ લખેલું ને ઢીંકણા લેખકે તો તેમ લખેલું. (તો એને વાંચો જાઓ.) હું તો કોઈની સાડાબારી ન રાખું. ભૂલ હોય તેને મોં પર ચોપડાવી જ દઉં.’ એટલે લેખક બાપડા કે બાપડીએ તાલીની સાથે ગાલીની પણ તૈયારી રાખવાની. ને એમાં કંઈ ખોટું પણ નથી. એકસરખા દિવસ તો નેતાઓના પણ નથી જતા તો લેખક કંઈ સ્વર્ગમાંથી તો નથી ઊતરી આવ્યા.

જોકે, તાલી–ગાલી આપવા સિવાય પણ અમુક વાચકો એવા હોય છે જેમને આ ત્રણ શબ્દો પછી ઘણી બધી વાતો જાણવી હોય છે(લેખકની) અને ઘણી બધી વાતો જણાવવી હોય છે પોતાની ! લેખકે લેખ લખવાની ભૂલ કરી હોય અને અદના વાચકે લેખકનો સંપર્ક નંબર કે સંપર્ક–સરનામું શોધી કાઢ્યું હોય, ત્યારે નાની નાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તંત્રીઓ તો બહુ સારી ભાવનાથી સંપર્કસૂત્રો છાપે પણ એમાં લેખકો ઘણી વાર વગર વાંકે બિચારાં બનીને રહી જાય. જો કોઈ બોલે કે, ‘તમારો લેખ વાંચ્યો’ તો પણ એને ધ્રુજારી ચાલુ થઈ જાય. જેવી જેની સહનશક્તિ.

હાલમાં જ એક મૅગેઝિનમાં મારો લેખ છપાયો. જેમાં મારા ગામના નામના ઈતિહાસની સાથે ગામનું વર્ણન પણ લખેલું. ગામ મહારાષ્ટ્રની બૉર્ડર પર હોવાથી, આજ સુધી બધી સુવિધાઓ નજીકના મહારાષ્ટ્રના મોટા ગામને લીધે મેળવી. હવે થોડા સમયથી આદિવાસીઓના ઉધ્ધારની યોજનાઓને કારણે અમારા ગામમાં સુવિધાઓ વધી છે એ મતલબનું લખાણ તેમાં હતું. એ વાત જાણીને ખુશ થયેલા વાચકનો પત્ર જુઓ.

‘તમારો લેખ વાંચ્યો. હાલની સરકારે ગુજરાતમાં કરેલા નોંધનીય ફેરફારોની, તમારા સિવાય આ રીતે કોઈએ નોંધ લીધી હોય એવું જાણમાં નથી. રાજકીય પરિવર્તનને તમે રાષ્ટ્રગીત સાથે જોડીને, તમારી કલ્પનાશક્તિનો અદ્ભૂત નમૂનો બતાવ્યો છે.’ પત્ર વાંચીને હું તો બે ઘડી અવાક થઈ ગઈ. ભૂલમાંય રાજકારણ વિશે કંઈ બફાઈ ન જાય એની સતત કાળજી રાખતી હોવા છતાં મારાથી આ ઘોર પાપ શી રીતે થઈ ગયું ? હાસ્યલેખમાં રાજકારણ ? બાપ રે ! વાચકોની નજર ? કે’વું પડે ! ભઈ, લેખ કેવો લાગ્યો કે એમાં એકાદ મરકલું આવ્યું કે નહીં, તે જણાવતે તો તમારા પૂજ્ય પિતાશ્રી નારાજ થતે ? જવા દો, બીજા વાચકને મળીએ.

‘પૂજ્ય હાસ્યલેખિકાબેનનાં ચરણોમાં સાદર વંદન. (મરી ગ્યાં.... ! કોઈ બચાવો આવા ભક્તોથી. પૂજ્ય અને હું ? આ બે શબ્દો જો માથામાં ભરાઈ ગયા તો, હાસ્યલેખ–બાસ્યલેખ બાજુ પર રહી જશે ને ‘મા કલાનંદમયીનો આશ્રમ’ ખૂલી જશે.) તમારો લેખ વાંચ્યો. હું ઘણાં વરસો પહેલાં તમારા ગામમાંથી પસાર થયેલો તે વાત મને યાદ આવી. ત્યાંથી પછી અમે શિરડી અને નાશિક ગયેલાં અને પૂજ્ય સાંઈબાબાનાં દર્શન કરીને બીજે દિવસે પાછા સુરત રસ્તે નીકળી ગયેલાં.’ ‘તમારો લેખ વાંચ્યો’ સિવાય એક પાનું ભરીને સાંઈબાબાના ચમત્કારોનું વર્ણન ! ભઈ, મારા લેખના ચમત્કાર વિશે પણ બે–ચાર લીટી લખતે તો ? બાપા ખીજાતે ?

એ લેખમાં મેં છેલ્લે લખેલું કે, આટલાં વરસો થયાં પણ આજ સુધીમાં ગામને ફક્ત એક જ હાસ્યલેખિકાની ભેટ મળી છે. (વટ મારવામાં શું જાય ?)

હવે ત્રીજા વાચકની શુભ ભાવનાવાળો પત્ર. લેખકને/લેખિકાને જરા પણ તકલીફ ન પડે એટલે જવાબી પોસ્ટકાર્ડ પણ સરનામું કરીને સાથે હતું. પોસ્ટકાર્ડમાં એમણે પોતાના ફેસલુકનું વર્ણન કરેલું કે, ‘મારી ઉંમર હવે નેવુંની ઉપર પહોંચી છે ને મને કાને ઓછું સંભળાય છે.’ તે સિવાય બીજી ઘણી વાતો લંબાણથી લખેલી કે, ‘મને વાંચવાનો શોખ છે ને હું જે લેખકને પત્ર લખું તેનો તરત જ જવાબ આવી જ જાય. મારી પાસે ફલાણા–ફલાણા લેખકોના પત્રો છે’ વગેરે વગેરે. પોસ્ટકાર્ડમાં શક્ય તેટલું સમાવવાની કોશિશ કરી હતી. તમને રસ પડ્યો હોય તો વાંચો.

‘આ મૅગેઝિનમાં, આ નંબરના પાના ઉપર, આ મહિને તમારો લેખ છપાયો છે. (મને ખબર છે.) ખૂબ માહિતીપ્રદ લેખ વાંચી આનંદ થયો. અભિનંદન. નીચે લખેલા સવાલોના જવાબ આપો. (જો હુકમ મેરે દાદા.)

૧) ‘મૂળ તમે ક્યાંના ?’ (લેખકનું મૂળ ન પૂછાય પણ પૂછ્યું તો જણાવું કે, અમે તો મૂળ આ દુનિયાના જ.)
૨) ‘હાલ તમે શું કરો છો ?’ (લખવા સિવાય ? ઊંઘ્યા કરું.)
૩) ‘આમ તમારા મિસ્ટર શુ કરે ?’ ( આમતેમ ટાઈમ પાસ કર્યા કરે. અમારા ઘરમાં માખીની ગેરહાજરી મારા મિસ્ટરને આભારી છે.)
૪) ‘તમારા ગામની બાજુમાં સોનગઢ છે. ત્યાંની ફલાણી દુકાનના માલિક મારા ભત્રીજા છે. કોઈ વાર ત્યાં જાઓ તો ઓળખાણ કાઢજો. (ત્યાં જઈને મારો લેખ વંચાવવાનો ?)
૫) ‘વ્યારા તમારાથી કેટલું દૂર ? ને બારડોલી ? ત્યાંના ફલાણા પ્રોફેસર મારા મિત્ર છે. કોઈ વાર જાઓ તો મળજો. એ બહાને ઓળખાણ વધે.’ (અજબ છે ! એમના નામે હું મારી ઓળખાણ વધારું ? ને શું હું ભટકતી બલા છું ? આમ ને આમ તો મારે ઓળખાણ–યાત્રા કાઢવી પડશે. કોઈને મળીને શું કહેવાનું ? ‘તમે ફલાણા ભાઈને ઓળખો છો ? એ મારા લેખ વાંચે છે. તમે વાંચશો ?’) અરેરે ! લેખકોના આવા દા’ડા આવવાના ?

જોકે, પત્રના અંતે એમણે મૂળ મુદ્દાની વાત લખેલી. ‘તમારા ગામનાં પેલાં હાસ્યલેખિકાબહેનનું નામ–સરનામું આપશો. મને લેખકો સાથે ઓળખાણ વધારવામાં રસ છે.’ હવે તમે જ કહો, મારે જવાબી પત્રનું શું કરવું ? આખરે કોઈ પણ લેખક વાચકો પાસે શું માગે છે ? મૌન ? બે શબ્દ ? બે લીટી ? (થોડું વ્યાજબી કરજો.) ચાલો, એકાદ ફકરો થઈ જાય. (આ જરા વધારે પડતું જ કહેવાય.) તો પછી ?

લેખકોએ તો વાચકો તરફથી ‘તમારો લેખ વાંચ્યો’ જાણીને જ ખુશ રહેવું. આજે એટલું જણાવવાવાળા કેટલાં ? લેખ ગમ્યો હશે તો જ વાંચ્યો હશે ને ? તો જ એમણે જણાવ્યું ને ? એટલે જ, સાનમાં સમજીને ને થોડામાં ઘણું સમજીને, લેખકોએ વાચકો પર દયા રાખીને ખુશ રહેવું.

રવિવાર, 11 જાન્યુઆરી, 2015

ચાલો નદીકિનારે


                        જનતા સાઈકલનો માલિક નીચે નદીમાં માછલી પકડવા ગયો છે, સાઈકલને
                                            તાળું માર્યા વગર ! પુલ પર ટ્રાફિક પણ સતત ચાલુ !
                                                         હજી લોકોનો વિશ્વાસ, લોકો પર ?  છે ને અકબંધ !                        

 ટાવર પણ પોતાનું પ્રતિબિંબ જોઈને ખુશ !


ટ્રકને તો પોતાનું મોં જોવાની ફુરસદ નથી
કોઈ આવે તો ફરવા લઈ જાઉં

                                            એ ભ્રમમાં ના રહેતા કે ઘાસ બેરંગ જ હોય !   

અહીં સુધી આવી ગયું તું ? પોલ્યુશન !

કલ ફિર મિલેંગે

જલદી ચાલો, હજી છેલ્લી ટ્રેન આવી નહીં હોય

નદીમાં આકાશ !


રાતને આવવાની ઉતાવળ

સૂરજ છે કે નથી ?

કેવડો મોટો અરીસો !


ઘડીક બેસો તો ખરાં...
વહેલી ચાલ, બચ્ચાં ગિફ્ટની રાહ જોતાં હશે.

ચુલાના ધુમાડાનો રંગ
જલદી ચાલ, આજે તને માર ન ખવડાવું તો જોઈ લેજે.

રવિવાર, 4 જાન્યુઆરી, 2015

આ વરસે તો ધાડ મારવી જ છે.

વળી એક વરસ પૂરું થયું ને એક વરસ શરૂ થયું. એક વરસ જૂનું થયું ને એક વરસ નવું થયું. એક વરસ.....ઓહ ! આ તો ભૂલમાં કંઈ કવિતા જેવું લખાવા માંડ્યું કે શું? એવું છે કે, ગયા વરસે, જાતજાતના લેખો વાંચ્યા, એમાં ભારેખમ લેખો પણ વાંચ્યા ને હળવા લેખો પણ વાંચ્યા. સ્વાભાવિક છે કે, બીજાના લેખોની સાથે મેં મારા લેખો તો વાંચ્યા જ હોય. વાર્તાઓ વાંચી ને કવિતાઓ પણ વાંચી. તેમાં કદાચ એવું બન્યું હોય કે, કવિતાની અસર થોડી ઘણી રહી ગઈ હોય ને લેખમાં તેનો પડછાયો પડી ગયો હોય ! ખેર, કવિતા લખવાનો કોઈ જ ઈરાદો નથી. આ તો બધા જ નવા વરસને વધાવતા હોય તો મારે પણ નવા વરસે કંઈ લખવું એ હિસાબે થોડી લપ્પન–છપ્પન.

બધા તો ગયા વરસના લેખાજોખા કરે જ્યારે મેં તો મારાં આટલાં વરસોના લેખાજોખા કરવાનું નક્કી કર્યું છે. મેં શું કર્યું આટલાં વરસોમાં ? મને હંમેશાં પેલી કોઈક પંક્તિ યાદ આવે જ્યારે આવો કોઈ હિસાબ માંડવા બેસું ત્યારે કે, ‘જિંદગીમાં કેટલું કમાણાં કે....જરા સરવાળો માંડજો.’ મને કાયમ થતું કે, આ ઈન્કમટૅક્સવાળા જ લોકોને આવા સવાલ પૂછતા હશે બાકી તો કોને પડી હોય કે તમે કેટલું કમાયા ને કેટલું ગુમાવ્યું ! લોકો તો બે ઘડી સુખમાં ને દુ:ખમાં સાથ આપીને ફરી પોતાના કામે લાગી જવાના, કારણ એ લોકોને પણ પોતાનાં સુખ–દુ:ખ હોય ને ? જ્યારે ઈન્કમટૅક્સવાળાનું તો કામ જ લોકોના હિસાબ લેવાનું. એ તો પ્રૌઢાવસ્થામાં આવ્યા પછી ને ભજનને રવાડે ચડ્યા પછી ખબર પડી કે, આ તો મને જિંદગીમાં કરેલાં સારાંનરસાં કામોનો હિસાબ માંડવાનું કહે છે ! હવે તમે જ કહો, કોઈ આવો હિસાબ માંડી માંડીને જીવે છે ? ખુદ આપણે પણ ? નહીં. એ તો જેમ દિવસો આવતા જાય તેમ જતા થાય એ આપણને સારી રીતે ખબર, એટલે માર ઠોક કરીને પણ જેવી આવડી એવી કે જેવી સમજાઈ એવી જિંદગી જીવી લીધી. ખરી વાત ને ?

આ જ નિયમ મેં લખવામાં પણ રાખ્યો ને જુઓ આજે દસમા વરસની શરૂઆતમાં જ મેં મારા લેખોના લેખાજોખા કરવાનું નક્કી કર્યું ! (વાતવાતમાં જાહેરાત કરી નાંખવાની કળા પણ આટલાં વરસોમાં હસ્તગત થઈ ગઈ !) આજ સુધીમાં મેં જેટલા લેખો લખ્યા તેટલા બધા જ શ્રેષ્ઠ છે. અરે ! ભૂલમાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. ખરેખર તો પ્રશ્નાર્થચિન્હ આવે કે આશ્ચર્યચિન્હ આવે. હું સારી રીતે જાણું છું કે, મારો શું, કોઈનો પણ દરેક લેખ શ્રેષ્ઠ હોઈ જ ના શકે. શ્રેષ્ઠ ચીજો બહુ મહેનત માંગે છે ને બહુ આસાનીથી બનતી પણ નથી. દરેક મહાન હસ્તીને યાદ કરો. એમના એક કે એકથી દસ કામોની જ નોંધ લેવાતી હશે ને લેવાતી રહેશે, જમાનાઓ સુધી ! તો પછી, મૈં કિસ ખેતકી મૂલી ? (મૂળા ઘણાને ભાવતા નથી એટલે હવે કહેવતમાં કોઈ ફેરફાર કરવો જોઈએ એવું નથી લાગતું ?) એટલે મારા કહેવાનો અર્થ એમ પણ નથી કે, મેં આટલાં વરસોમાં જેટલા લેખ લખ્યા તેમાંથી દસ જ જેમતેમ સારાની ગણત્રીમાં આવે. જો ક્રમ પ્રમાણે ગોઠવું –લેખના નહીં, ગુણવત્તાના ક્રમ મુજબ–તો..... જવા દો, મારું મુલ્યાંકન હું જ કરું ? (ભઈ, જે કરવું હોય તે વધારે પંચાત વગર કરવા માંડ. અહીં કોઈને ફુરસદ નથી તારા લેખોનું મુલ્યાંકન કરવાની. તારામાં ખામી શોધવાનું કહીશું તો એક કરતાં એકવીસ હાજર થશે. એટલે હાથમાં લીધેલું કામ પૂરું કર, નહીં તો દર વખતની જેમ અડધું મૂકી દે.)

ખરાબ લેખોથી શરૂ કરું કે શ્રેષ્ઠથી ? (માથામાં એ વહેમ ક્યારે ભરાઈ ગયો ખબર નથી કે, તારા શ્રેષ્ઠ લેખો પણ છે !) ખરાબથી જ શરૂ કરું. તો મેં કેટલાક–નહીં ઘણા–લેખો ખરાબ પણ લખ્યા છે. (કેટલાક ? ને પણ ? કેટલાક નહીં મોટે ભાગના ને ‘પણ’ નહીં ‘જ’.) ચાલો જવા દો એ વાત. (જવા કેમ દેવાની ? પોતાની વાત આવી ત્યારે જવા દેવાની ? ને હમણાં બીજાની વાત હોય તો ?) કોઈ મારી પાછળ હાથ ધોઈને કે આ ઠંડીમાં આદુ ખાઈને પાછળ પડ્યું લાગે છે ! જે કહું તેમાં ટાપસી ! સારી આદત નથી. (એ તારો આત્મા છે...લેખાજોખા ચાલે છે ને ? અંચી ના કરે એટલે હાજરાહજુર છે, સમજી ?) સારું ત્યારે. ખરાબ પછી થોડા ઠીક લેખોનો વારો છે. અમુક લેખો ઠીક ઠીક લખાયા છે. (ઠીક છે, આગળ ચાલો.) અમુક લેખો સારા પણ લખાયા. લોકોએ વખાણ્યા પણ ખરા. (આ લોકો એટલે કોણ ? જોઈ લે, લોકોમાં ઘરનાં કે કુટુંબના લોકો તો નથી ? તારાથી પીછો છોડાવવા ‘સારા છે’ કહેતાં હશે.) ભલે કહેતાં. હું તો સાચું સમજીને જ રાજી થાઉં છું ને ? ને મને પ્રોત્સાહન મળી રહે છે બીજું શું જોઈએ ? એટલે જ તો આટલાં વરસો લખાયું. નહીં તો, જો કોઈ કંઈ બોલત જ નહીં તો મેં શરૂઆતમાં જ લેખ પર મીંડું ના મૂકી દીધું હોત ? આજે મીંડાં ગણાય એટલા લેખો થયા છે એટલું તો કહી શકું. (મીંડાંની ગણત્રી કંઈ ગુણવત્તાની ખાતરી ના આપે.) ઓ કે...ઓ કે..મારે મારા લેખો વિશે કહેવાનું બંધ કરવું પડશે એવું લાગે છે. કોઈને ગમે તો ઘણાને ના પણ ગમે.

તો પછી, લેખોનો હિસાબ માંડવાને બદલે નવા વરસની ને ભવિષ્યની કોઈ યોજના કે કોઈ ઈચ્છાની વાત કરું. પહેલાં જ ચોખવટ કરી દઉં તો હું યોજના કે આયોજનમાં માનનારી નથી. મારી મરજી પ્રમાણે જીવનારી કે જીવવાની ઈચ્છા રાખનારી છું. યોજના શબ્દથી હું જોજનો દૂર રહું છું. એટલે તો કોઈ સરકારી યોજના પણ મને ચલિત કરી શકતી નથી. હા, ઈચ્છાનું પૂછો તો મારી એક નહીં એકસો ઈચ્છા છે. એક સ્ત્રી તરીકે કે એક ગૃહિણી તરીકેની મારી ઈચ્છા પર ચોકડી મૂકો. આજે મારે એક લેખક તરીકેની મારી ઈચ્છાની વાત કરવી છે. મારે ધાડ મારવી છે !

(ઓહો ! એકદમ જ કંઈ જોશ ચડી આવ્યું ને ? અચાનક જ શું થઈ ગયું ? શાંતિથી લખ્યા કર ને. ) કંઈ નહીં. નાનપણથી એક મહેણું હું સાંભળતી આવી છું કે, ‘એમાં તેં શું ધાડ મારી ?’ અરે ! જે કામ બીજાએ કર્યું હોય તે જ કામ કદાચ એનાથી પણ સારી રીતે મેં કર્યું હોય તો પણ જવાબમાં શું મળે ? ‘એમાં તેં શું ધાડ મારી ?’ પછી તો, જીવનમાં ધાડ મારવાના ઘણા પ્રસંગો આવ્યા ને મારી પણ ખરી તોય...? ખેર, જે કામ આટલાં વરસો ન કર્યું તે, સાહિત્યમાં ધાડ મારવાનું કામ મારે આ વરસે કરવું છે.


આ વરસે મારે પાંચ–સાત પુસ્તકો પ્રકાશિત કરાવવાં છે. (મારાં જ ને ? બીજાં કોના ? વચ્ચે કંઈ બોલો તે પહેલાં જ કહી દઉં.) બે–પાંચ એવૉર્ડ ઘરભેગા કરવા છે. (તે પણ મારા જ.) આઠ–દસ જગ્યાએ ભાષણો ઠોકવાં છે. (મારાં જ.) ને બસ બધે વાહ વાહ કરાવવી છે. હું પણ કંઈ કમ નથી તે બતાવવું છે. આ વરસે તો બસ, ધાડ મારવી જ છે. (ત્યારે એમ જ ધાડ મરાશે કે કંઈ કામ કરશો ? બોલો કે લખો એના કરતાં કરીને બતાવો ને ! તો જાણીએ ને કહીએ કે, ‘વાહ ! શું ધાડ મારી છે !)