બુધવાર, 26 જૂન, 2019

અમારું ફ્રિજ


આમ જોવા જાઓ તો અમારું ફ્રિજ કોઈ નવી નવાઈનું નથી. ફ્રિજ તો ફ્રિજ જેવું જ હોય ને? એ તો દરેક કંપનીવાળાને પોતાના ફ્રિજની ખૂબીઓને જરા વધારે પડતી જ ચગાવીને બતાવવાની અને સ્ત્રીઓને દુનિયાભરની ખુશી જાણે કે એ લોકો જ આપતાં હોય એવો દેખાડો કરવાની ટેવ એટલે કોઈ ફ્રિજવાળા શાકભાજીનું ખાનું ઉપર રાખે ને કોઈ વળી નીચે રાખે. ગમે તે હોય સ્ત્રીઓને તો આખા ફ્રિજમાં ગમે ત્યારે ગમે તે ખાનાનું કામ પડે એટલે વાંકા તો વળવું જ પડે. આડું ફ્રિજ હોય તો બિલકુલ વાંકા વળવું ન પડે પણ એ તો જગ્યા કેટલી રોકે? ને દરવાજા કેટલા રાખવા કે કેવી રીતે ખોલવા તેનોય સવાલ એટલે હજી તો ઊભા ફ્રિજ જ ચાલે છે.

હા, તો અમારા ફ્રિજમાં ખાસ કંઈ નથી પણ જો ફ્રિજનો દરવાજો અડધી મિનિટથી વધારે ખુલ્લો રહે ને તો અંદરથી ટીંટ ટીંટ કે પીપ પીપ જેવા અવાજનું સિગ્નલ મળવા માંડે છે! શરૂઆતમાં તો આ સગવડ જાણીને હું બહુ ખુશ થયેલી કે ચાલો આ બહાને ફ્રિજ બહુ વાર સુધી ખુલ્લું નહીં રહે જે પહેલાં કોઈ વાર, થોડી વાર સુધી ને કોઈ વાર, ઘણી વાર સુધી ખુલ્લું રહી જતું! હા એમાં જોકે ભૂલ તો મારી જ થતી. જો શાક કાઢવા ફ્રિજ ખોલું ને તે જ સમયે દરવાજે બેલ રણકે તો... કોણ હશે? એની ચિંતામાં ફ્રિજ ખૂલ્લું મૂકીને જ દોડી જતી. પછી જો ટપાલી કે કુરિયરવાળો આવ્યો હોય તો એમને રવાના કરવામાં બે પાંચ મિનિટ તો લાગે જ ને? ત્યારે રસોડામાં ફ્રિજ મારી રાહ જોતું મોં વકાસીને બેઠું હોય ને હું તો દરવાજે એમની સાથે પણ વાતે લાગી હોઉં! અરે એમાં પણ જો ફ્રિજ ખોલ્યા પછી કોઈનો ફોન આવતો, તો પછી ફ્રિજે મારી ખાસ્સી રાહ જોવી પડતી કે ક્યારે મૅડમ આવે ને મને બગડતું બચાવે. ખેર, આવા બધા નાના મોટા પ્રસંગોથી બચવા જ અમારે ત્યાં સિગ્નલવાળું ફ્રિજ ‘ટકોર સાથે’ આવ્યું. ‘લે, હવે દરવાજો અડધી મિનિટથી વધારે ખુલ્લો રહેશે તો અંદરથી અવાજ આવશે ને તને યાદ કરાવશે કે દરવાજો ખુલ્લો છે.’

દિવસો જતાં મને સમજાયું કે આ સિગ્નલ તો માથાનો દુખાવો જ છે. તમે જ કહો, ફ્રિજ ખોલ્યા પછી જ ખબર પડે ને કે એમાં વાસી ખાવાનું કેટલું બચ્યું છે કે, દૂધ કેટલું છે ને કેટલું મગાવવું પડશે કે દહીં છે કે જમાવવું પડશે? શાકભાજીની ટ્રે ખોલ્યા પછી જ ખબર પડે ને કે કયું શાક છે ને કયું મગાવવું પડશે? કચુંબરમાં શું શું જોઈશે? ભાજી કઈ છે ને કઈ ફેંકવા જેવી થઈ ગઈ છે? હવે આ બધું ફ્રિજ ખોલ્યા વગર થોડી ખબર પડવાની? વળી ફ્રિજ ખોલીને જોવામાં ને દરેક વાત પર વિચારવામાં સમય તો જાય જ ને? ભલે ને આ કોઈ બહુ અઘરા પ્રશ્નો નથી કે કોઈ ગૃહિણી એના જવાબો ન આપી શકે પણ બધું વિચારીને સમુંનમું કરવામાં સમય તો જોઈવાનો જ. તો પછી ફ્રિજ બનાવવાવાળાએ આ બધું વિચારવા માટે ફક્ત અડધી જ મિનિટનો સમય કેમ આપ્યો?

સ્વાભાવિક છે કે ફ્રિજ બનાવતી વખતે એ લોકોએ શાકભાજી કે દૂધ, દહીં મૂકીને એને ઠુંડું કરવા મૂકીને જોઈ લીધું હશે કે કેટલા કલાક આ બધું તાજું રહે છે! બસ. એમને તો એ જ જણાવવું છે ને કે આ ફ્રિજમાં ખાવાપીવાની વસ્તુઓ દિવસો સુધી ને અમુક વસ્તુઓ તો મહિનાઓ સુધી પણ બગડતી નથી. ફ્રિઝરમાં તો વરસોના વરસો સુધી બધું જેમનું તેમ જ રહે છે! નક્કી આ બધું વિચારવાવાળા ને ફ્રિજની ડિઝાઈન બનાવવાવાળા પુરુષો જ હશે તો જ આટલી સાદી સીધી વાત પણ એ લોકો સમજી ન શક્યા, કે ફ્રિજમાં વસ્તુ ફક્ત સારી રહે તે જ જરૂરી નથી પણ ફ્રિજમાંથી બધું લે–મૂક કરવામાં જ કેટલો સમય જાય ને એટલી વાર તો ફ્રિજ ખુલ્લું રાખવું જ પડે. વળી રસોઈ કરવાના સમયે ગૃહિણીએ બીજાં પણ કેટલાંય કામો પતાવવાનાં હોય ત્યારે એમ દર અડધી મિનિટે ટીંટ ટીંટનો અવાજ એનું મગજ ફેરવી દે કે નહીં?

આવા ડરામણા અવાજને બદલે જો દર અડધી મિનિટે મધુર સુરાવલિ વહેતી થાય કે બે સારા શબ્દો સરે(જેની આશમાં એ દોડાદોડી કરતી હોય) અથવા તો કોઈ મધુર સ્વરે એને એમ કહે કે, ‘અલી, ફ્રિજ ખુલ્લું રહી ગયું જરા બંધ કરી દે ને.’ તો? કેટલું સરસ લાગે? રસોડામાં પણ ગૃહિણી ખુશમિજાજ રહે એવું આ લોકો ક્યારે વિચારશે?

બુધવાર, 12 જૂન, 2019

લિફ્ટની મોકાણ


આપણને સૌને શહેરોની સોસાયટીઓની જાતજાતની લિફ્ટનો અનુભવ રોજ થતો જ હોય છે. લિફ્ટના પણ અનેક પ્રકાર આવે છે. કોઈ ધીમી તો કોઈ ઝડપી, કોઈ શાનદાર તો કોઈ જમાનાજૂની ને ખખડધજ, કોઈ શાંત તો કોઈ કકળાટિયણ ને સીધી કે આડી જેવા અનેક સ્વભાવની લિફ્ટ આપણને જોવા મળે. અમારા ભાગે તો કકળાટિયણ લિફ્ટ જ આવી છે! જેટલી વાર મળે, માથું ખાઈ જાય.

રોજ એવી ત્રાસદાયક લિફ્ટમાં જવા કરતાં તો એમ થાય કે દસ માળ ચડી જ જઈએ. પણ ત્યાં સુધી જીવતાં પહોંચવાનો પાછો ભરોસો નહીં એટલે લિફ્ટ તો નાછૂટકે વાપરવી જ પડે. હજી તો લિફ્ટનો દરવાજો આપણે પૂરો ખોલ્યો પણ ન હોય કે લિફ્ટનું સાસુ/પતિની જેમ ટોકવાનું ચાલુ થઈ જાય! ને તેય પાછું કામ પતે નહીં ત્યાં સુધી, સતત! ‘દરવાજો બંધ કરો....દરવાજો બંધ કરો...’ જો સુધરેલી ને ઈંગ્લિશ મિડિયમવાળી લિફ્ટ હોય તો વળી થોડી સ્ટાઈલમાં, પણ ટોકે તો ખરી જ! ‘પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર...પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર. અરે! આ તે કંઈ એની રીત છે? આમ કોઈનો જીવ લેવાય? લિફ્ટમાં આ સગવડ કે અગવડ ઉમેરનાર પોતે સ્વભાવે કેવો હશે? શરૂ શરૂમાં તો હું ગભરાટની મારી વહેલી વહેલી લિફ્ટમાં ભરાઈ જતી તો મારો સામાન બહાર રહી જતો. કોઈ વાર લિફ્ટનો દરવાજો બંધ કરવાની ઉતાવળમાં ખોટું બટન દબાવી દેતી તો લિફ્ટ મને ઉપર પહોંચાડી દેતી. ત્યાર પછી મેં ઊંડા શ્વાસ લઈને લિફ્ટ વાપરવાની ચાલુ કરી તો મારા ગોટાળા ને ગભરાટ બંધ થયા.

અરે! હજી તો આપણે લિફ્ટનો દરવાજો ખોલ્યો જ હોય ને લિફ્ટની અંદર પગ મૂકીને ઊંધા પ્રવેશ્યાં હોઈએ, તે પછી ફરી વાર અબાઉટ ટર્ન કરીએ તો જ દરવાજો બંધ કરી શકીએ ને? અથવા લિફ્ટમાંથી સીધા બહાર નીકળીને લિફ્ટ બંધ કરવા ઊંધા ફરીએ ને પછી દરવાજો સાચવીને બંધ કરીએ તો એમાં ટાઈમ જાય કે નહીં? આ બધામાં જેટલી સેકંડ કે મિનિટ જાય તેની ગણતરી કર્યા વગર જ લિફ્ટે આપણું માથું ખાવા માંડ્યું હોય, ‘દરવાજો બંધ કરો....દરવાજો બંધ કરો’...? ભઈ, કોઈનેય ત્રાસ જ લાગે ને? ભલે ને કોઈ સાંભળે કે ન સાંભળે ને મને જવાબ મળે કે ન મળે પણ હું તો દર વખતે લિફ્ટને બબડું, ‘હા ભઈ હા, કરે છે દરવાજો બંધ. એ શું એકધારી લાગી પડી? બહાર તો નીકળવા દે.’ (આવું બબડીને મનને એવી તો ઠંડક મળે...આહાહા! એમ લાગે કે જાણે કોઈનો ગુસ્સો કોઈના પર કાઢ્યો!)

લિફ્ટનો કકળાટ તો પાછો ગામ ગજવે એવો હોય. આપણે પાડોશીને કે ઉપર/નીચેના માળવાળાનેય જણાવવું ન હોય તોય એમને ખબર પડી જ જાય કે આપણે કશેક ગયાં કે આપણે કશેકથી આવ્યાં! લિફ્ટ એટલે મૂગા લેડી નારદમુનિ! કોણ કેટલી વાર ઘરની બહાર ગયું ને કોણ કેટલી વાર આવ્યું? કોણ કોની સાથે ગયું ને કોની સાથે આવ્યું? જતી વખતે સામાનમાં શું શું હતું? આવતી વખતે સામાનમાં શું શું હતું? સામાન પરથી તો નક્કી બહારગામ ગયાં લાગે છે. વેકેશન છે તે પિયર ગયાં કે સાસરે ગયાં? કોણ જાણે. હવે આટલી બધી ઝીણે ઝીણી ખબર પાડોશીને લિફ્ટ સિવાય બીજું કોણ આપી શકે? લિફ્ટને કારણે તો લોકો આગલા રૂમમાં ટીવી ને સોફા રાખીને દરવાજા સામે બેસતાં થઈ ગયાં! પાડોશની પંચાત જેવો કોઈ ટાઈમ પાસ નહીં! ખેર, દિવસમાં આપણે દસ વાર લિફ્ટ વાપરવાની હોય તો પોતાની મસ્તીમાં જ આવ–જા કરવાની હોય ને? પાડોશી સાથે લિફ્ટને કારણે વેર બંધાય છે કંઈ?

લિફ્ટમાં પાછો એક વણલખ્યો નિયમ કે કોઈએ કોઈની સામે જોવાનું નહીં. ઓળખાણ હોય તો ‘હાય હલો’થી વધારે ચાંપલાઇ નહીં કરવાની. બૅડ મૅનર્સ કહેવાય! હાય હલો થઈ ગયા પછી લિફ્ટની દીવાલો જોઈ શકાય, લિફ્ટમૅનને જોઈ શકાય(એ ન હોય તો લિફ્ટના દરવાજાને તકાય પણ કોઈની સામે જોવાનું નહીં. બહુ બહુ તો મોબાઈલમાં ડોકું નાંખી દેવાય કે પર્સ ચેક કરી લેવાય કે કંઈ રહી નથી ગયું ને? બાકી ફાંફાં ન મરાય–બૅડ મૅનર્સ યુ નો? મને લાગે છે કે, લિફ્ટ એકાદ મિનિટની અંદર જ આપણી ધારેલી જગ્યાએ પહોંચાડી દે છે, બાકી તો બસ કે ટ્રેનની જેમ વાર જો લગાડતી હોત તો લોકો એકબીજા સાથે વાત કરવાની કોશિશ જરૂર કરત. પછી તો ખુલ્લા દરવાજે જ વાતોનાં વડાં રોજ તળાતે, ભલે ને પેલી સતત ટોકતી!

એના કરતાં લિફ્ટમાં દાખલ થતાં કે લિફ્ટમાંથી બહાર નીકળતાં જો આવું સંભળાય, ‘હલો. ગુડ મોર્નિંગ/ગુડ ઈવનિંગ. પ્લીઝ, લિફ્ટનો દરવાજો બંધ કરીને પછી મોબાઈલ પર વાત કરશો?’ અથવા તો, ‘પ્લીઝ તમારા લાડલાને લિફ્ટ કરતાં પણ સારું બીજું કોઈ રમકડું લાવી આપશો? થેન્ક યુ.’ તો લોકો ખુશી ખુશી દરવાજો બંધ કરી દે કે નહીં? પણ આજે બીજાનું કોણ વિચારે છે?