સોમવાર, 12 ડિસેમ્બર, 2016

ગ્રાન્ડ બજારમાં કસમ ખાધી


રવિવારે, અમુક ધાર્મિક તહેવારે અને બૅંકની રજાના દિવસે બંધ રહેતી આ બજારમાં એવું તે શું હતું, કે પાંચ વર્ષ પહેલાં ઉજવાયેલી એની પાંચસો ને પચાસમી વર્ષગાંઠે, દુનિયાના ખૂણે ખૂણેથી ઉમટી પડેલા લાખો લોકોએ એની મુલાકાત લેવાનો રેકૉર્ડ તોડી નાંખેલો? ઉપરાછાપરી ભૂકંપ અને ભયંકર આગના કેટલાય બનાવોથી પણ ન હારેલી બજાર, વરસોવરસ વધુ ને વધુ નિખરતી રહી. અસલ તો કાપડના વેપારીઓ માટે શરૂ કરાયેલી આ બજાર, આજે જોતાં થાકીએ ને ફરી ફરી જવા લલચાઈએ એટલી અદ્ભૂત અને અગણિત વસ્તુઓનો ખજાનો સંઘરીને જાણીતા પર્યટનસ્થળ જેવી બની ગઈ છે. જોકે, એનું પ્રવેશદ્વાર જોઈને થાય, કે આટલી ભવ્ય અને વિશાળ બજારનું પ્રવેશદ્વાર છેક આવું? શૉપિંગની અધીરાઈમાં એ ગરીબડા દ્વારને, એની યાદગાર તસવીરો લેનારા સિવાય કોઈ ધારીને જોવા પણ ઊભું નહીં રહેતું હોય. બજારની ગોળ કમાન જેવા કપાળે જ લખેલું દેખાય, Kapali Carsi.

Kapali carsi… Covered market. /Buyuk Carsi …Grand Bazar નામ થોડું અટપટું લાગે, પણ આપણે તો સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર કરનારા, આપણને શું ખબર કે જેને આપણે ‘કપાલી કારસી કે ‘કપાલે આરસી’ જેવું કંઈક કહીએ, ત્યારે અંગ્રેજો એને ‘કપાલ ઝાસ’ કહેતા હશે! ટર્કિશ લોકો તો વળી ‘કપાલી ચારશી’ નામે આ બજારને ઓળખે. ઈચ્છા તો બહુ થઈ, કે થોડા દિવસ અહીં રોકાઈ જાઉં ને આ ન સમજાતી ભાષા શીખી લઉં. પછી માંડી વાળ્યું. મોટામાં મોટો સવાલ પૈસાનો નડે અને બીજી તકલીફ, નવી ભાષા શીખવાની ઉદાસીનતા. જ્યાં ગુજરાતીમાં જ ફાંફાં પડતા હોય ત્યાં વળી ટર્કિશ શીખવાની પળોજણમાં કોણ પડે? આ તો ગુજરાતી શબ્દને મળતો કોઈ શબ્દ સંભળાઈ જાય તો વળી મનમાં ઉથલપાથલ થાય, બાકી હાંક્યે રાખવાનું.

બે કલાકમાં જેટલું સરસરી નજરે જોવાયું, એટલું અમે બધાંએ જીવ અને લોહી બાળી બાળીને જોયું. તોય અમને લાગ્યું, કે અમે તો જાણે ખજાનો જોયો. ટર્કિશ છાપવાળી ચાંદીની લગડીઓ ને સોનાની લગડીઓ જોઈને બે ઘડી તો જીવ મચલી ગયો! પછી મન વાળ્યું, કે આ બધી તો માયા છે. આજે છે ને કાલે નથી. મોટા મોટા રંગીન સુંદર ગાલીચાઓ જોઈને મહેલ જેવા ઘરની ખોટ સાલી. રાજા, રાણી ને સીપાઈના પહેરવેશ, ઘરેણાં, છરી, ચપ્પા, તલવાર, બખ્તર, અસલના હેલ્મેટ જેવા ટોપા ને ચમચમાતા લાંબા બૂટ! રાજઘરાનામાં જનમ્યા હોત તો, આ બધું કોઈને ગિફ્ટ આપવા પણ લઈ લેત. આખરે ગિફ્ટ આર્ટિકલ્સની નાનકડી દુકાને પાંચેક મિનિટ ઊભા રહીને, બજેટની અંદર સમાય તેવી ડઝનના હિસાબે મનગમતી ભેટ ખરીદીને અમે નીકળી ગયેલાં.

એન્ટિક વસ્તુઓનો ખજાનો હોય કે સિરામિક્સની લાજવાબ વસ્તુઓનો ભંડાર હોય, ટર્કીની હાથકારીગરીના મસ્ત નમૂના હોય કે બૂટ, ચંપલ ને પર્સ–બેગના ઢગલેઢગલા હોય, એક જ પ્રકારની ચીજવસ્તુઓ વેચતી દુકાનો તદ્દન પાસે પાસે ને સામસામે પણ હતી, તોય દરેક દુકાન આગળ સહેજે કલાક નીકળી જાય એવી સુંદર ગોઠવણી હતી. સમયનું ભૂત માથે ધુણ્યા કરતું, એટલે આ દુકાન ને પેલી દુકાનની પસંદગી કે વરણાગી કરાય એવું નહોતું. જે વસ્તુ લેવાની હોય તેની દુકાન દેખાય એટલે આજુબાજુ જરાતરા નજર નાંખી ન નાંખી, માથું ખજવાળીને તાત્કાલિક નિર્ણય લઈને અંદર જો ધસી ગયા તો જ કામ આસાન થાય. બાકી તો, ધોયેલા મૂળા બનવાની પૂરી શક્યતા હતી. એક તો અમે ત્રણેય જણે, કેટલાય દિવસોથી શૉપિંગ નહોતું કર્યું! જ્યારે કરવાનો સમય આવ્યો, ત્યારે માથા પર સમયની પાબંદીની તલવાર લટકાવીને નીકળેલાં! આવા સમયે સાથે જો ઘરનાં પુરુષો આવ્યા હોતે તો તો રાજીના રેડ થઈ જતે ને વિચારતે ‘હાશ, બચી ગયા.’

મીઠાઈની દુકાનોથી મઘમઘતી એક ગલીએ તો અમારા પગ રીતસરના જમીનમાં ખોડી દીધા. ન તો ત્યાં ગુલાબજાંબુ હતાં કે ન તો રસગુલ્લા. ન તો શાહી રબડી અમને લલચાવતી હતી કે ન તો ત્યાં બુંદીનાં લાડવા ગોઠવેલાં કે ન તો હલવા કે ઘારીનાં ખોખાં ગોઠવેલાં. આખી દુકાનોમાં, ફક્ત ને ફક્ત ટર્કિશ મીઠાઈઓને જ એટલી તો આકર્ષક રીતે ગોઠવેલી, કે બધે સરખી હોય તોય દરેક દુકાનમાં મન ભરીને એક ચક્કર લગાવવાનું મન થઈ જાય. એક ઘડી તો એમ થઈ જાય, કે હવે ગયાં જ છીએ ઘરે. વળી શૉપિંગ ને પ્લેનનો ટાઈમ ને બધું યાદ આવી જાય એટલે દોડવા માંડીએ. મેં વચ્ચે એક દુકાનમાં ઘૂસ મારીને ભાવતાલ જાણવાને બહાને બે ચાર મીઠાઈના ઠુકડા ચાખી લીધા. આહાહાહા! સ્વાદનગરીમાં વધુ લટાર મારું ને સ્વર્ગમાં વિહરું તે પેલ્લા તો અંજુ આવી ર’ઈ, ‘ચાલ નીં. અં’ઈયે હું કઈરા કરે? મોડુ થાય. જલદી ચાલ.’ ત્યારે મોંમાં રહી ગયેલો મીઠાઈનો ટૂકડો મને બેસ્વાદ લાગે તેમાં હું નવાઈ? મારી ઈચ્છા તો, દુકાનમાં આકર્ષક રીતે ગોઠવેલી લાલ, લીલી, પીળી, સફેદ, ગુલાબી ને સોનેરી ઝાંયવાળી, બદામ–પિસ્તાની કતરણ ભભરાવેલી, દિલને  લલચાવતી દરેક મીઠાઈની સુગંધ લેવાની ને એને ચાખવાની હતી! ખેર, જેવી અંજુની ઈચ્છા.

એક ગલીના નાકા પર, એક નાનકડા ટેબલ પર સુંદર, રંગીન લીલીના છોડનાં કૂંડાં ગોઠવીને એક ગરીબડો માણસ ઊભો હતો. મેં બંને બહેનોને આગળ જવા કહ્યું, ‘તમે નજીકમાં જ રે’જો, ઉં અ’મણાં આવી.’ એ લોકોને એમ, કે મને કંઈ ગમી ગયું તે જોવા ઊભી રહી હોઈશ. ગરમ કપડાંની દુકાનમાં જતાં મેં એમને જોયાં એટલે, પેલા ભાઈ સાથે વધારે ભાવતાલ કર્યા વગર મેં એ છોડનાં મૂળિયાં જે કાંદા જેવા દેખાતા હતાં તે પાંચ લઈ લીધાં. સસ્તામાં પત્યું સમજીને હું ખુશ થઈ ને વહેલી વહેલી પેલી દુકાનમાં પહોંચી. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં પારુલ કે અંજુ કોઈ નહીં! હવે?

માંડ બે મિનિટ થઈ ને એટલી વારમાં બંને ક્યાં ગાયબ થઈ ગયાં? મને સાથે લઈને તો ઠીક, પણ કહીનેય ન ગયાં? મેં ગભરાઈને વહેલાં વહેલાં દુકાનની બહાર નીકળી, આજુબાજુ દૂર સુધી જોયું. બંને બહેનોને બજારની એવી તે કઈ ગલીએ પોતાની પાસે ખેંચી લીધી? મારા મનમાં તો ભલભલા વિચારો આવ–જા કરવા માંડ્યા. હવે કોઈ હિસાબે આ લોકો મને નહીં મળે. આ બજારની ભીડમાં એ લોકોને શોધવા એટલે, ચાની ભૂકીમાંથી લોખંડની કણી શોધવી. (‘ઘાસની ગંજીમાંથી સોય શોધવી’, કેટલી જુની ઉપમા લાગે નંઈ?) દર વખતની જેમ, મારી જાત પર મને ગુસ્સો આવ્યો. કાયમ બધા સાથે જ હોય એટલે મેં મારા મોબાઈલમાં સીમ કાર્ડ પણ બદલ્યો નહોતો. આ લોકો છે ને? એ જ વિચારે સદાય બિન્દાસ રહેતી તે ભારે પડી ગયું. અહીં કોઈને ગુજરાતી તો શું, ઈંગ્લિશ પણ નહોતું આવડતું. મારી આંખમાં પાણી ઝગઝગ થવા માંડ્યું, હવે મારું શું થશે? એટલામાં સામેથી બંને બહેનોને બહાવરી હાલતમાં આવતાં મેં જોઈ. પહેલાં તો હાશ થઈ ને પછી મીઠી આરોપબાજી સાથે નોંકઝોંક થઈ. એકબીજાને કહેવા જેવું બધું અમે કહી પરવાર્યાં, એટલે મારા હાથમાં થેલી જોઈને બંનેએ પૂછ્યું, ‘આ હું લીધું તેં?’
‘કાંદા.’
‘અંઈયે સસ્તા છે કાંદા? હું ભાવે મઈલા?’ (અસ્સલ ગૃહિણી!)
‘અરે એ નીં, આ તો લીલીના ફૂલના કાંદા છે.’

પારુલે મારી ખરીદી જોતાં જ કહ્યું, ‘આવું બધું પ્લેનમાં નીં લઈ જવા દેય. તમારા દસ લીરા પડી ગીયા અ’વે. આ જો, એટલામાં તો મેં તોણ ગરમ પૅન્ટ હો લઈ લીધા.’ મારું મોં પડી ગયું. હારુ, છોડવાનું સોપિંગ કઈરુ, તેમાં હો ગરબડ કરી લાખી. અંજુએ મીઠું ભભરાઈવુ, ‘મેં તો દસ લીરામાં બે ગરમ કોટ લીધા.’ ભવિષ્યમાં ક્યારેય એક પણ રૂપિયાનું કે લીરાનું કે ડોલરનું કંઈ પણ ન ખરીદવાની મેં એ બજારમાં કસમ ખાઈ લીધી. ને બીજી કસમ કઈ ખાધી? મોબાઈલમાં સીમકાર્ડ લાખવાનો, બેલેન્સ ભરપૂર રાખવાનું ને રીંગટોન બીવડાવે એવો રાખવાનો. શું એ બજારમાં મારા જેવી કસમ કોઈએ ખાધી હશે? કે ભવિષ્યમાં કોઈ ખાશે? કોણ જાણે.

બસ, ટર્કીનું આ છેલ્લું સ્થળ હતું જેની અમે ખૂબ મજેથી મુલાકાત લીધી. પછી તો, જમી પરવારી સામાન લઈને ભાગ્યાં એરપોર્ટ. યુસુફભાઈએ અમને સહીસલામત એરપોર્ટ છોડ્યા. ટર્કીમાં ખૂબ ખાધું–પીધું ને ખૂબ ફર્યાં ને થોડા ઘણા શૉપિંગનો પણ આનંદ માણી, આખરે અમે અમારી રોમાંચક ટર્કી યાત્રા સમાપ્ત કરી.

આપ સર્વે મિત્રોનો, આ યાત્રામાં સાથે રહેવા બદલ અને વખતોવખત કિમતી સુચનો આપવા બદલ સૌનો દિલથી આભાર માનું છું–કદર કરું છું. ખૂબ ખૂબ આભાર.








શનિવાર, 26 નવેમ્બર, 2016

આખરે શૉપિંગનું મૂરત નીકળ્યું ખરું!


આટલાં વરસોમાં જાતજાતનું કેટલુંય સાચું/ખોટું શૉપિંગ કર્યું હશે, તોય આજ સુધી આ વિષયમાં હું ઢ જ પુરવાર થઈ છું. મને જ્યારથી આ વાતની ખબર પડેલી, (કે શૉપિંગમાં હું ઢ છું!) ત્યારથી હું શૉપિંગમાં કોઈનો સંગાથ નથી કરતી. વારંવાર કોઈની આગળ ઢ પુરવાર થવાનો પણ કંટાળો આવે કે નીં? જોકે, આનો મને મોટામાં મોટો ફાયદો એ જ થાય, કે કોઈ દિવસ મારી પાસે ઘરનાં કે બહારના લોકો કંઈ મગાવે નહીં! જાણે, કે વસ્તુ ફેંકવી પડશે અથવા જીવ બાળીને ખૂણે નાંખવી પડશે અને પૈસા બગડશે તેનું કંઈ બોલાશે પણ નહીં. બીજો ફાયદો, હું ઓછા સામાન સાથે આરામથી બધે ફરી શકું. બધાએ એક જ સલાહ આપી હોય, ‘કોઈના માટે કંઈ લાવતી નહીં. આરામથી ફરજે.’

જ્યારે અહીં, આ અદ્ભૂત માર્કેટમાં તો અમે ખાસ શૉપિંગ કરવા જ આવેલાં. હવે આ રીતે સંગાથે શૉપિંગ કરવાનું આવે ત્યારે મારી હાલત કફોડી થતી હશે, એવું કોઈને લાગે. પણ એનો મેં રસ્તો કાઢી લીધો હતો. સાથેવાળા જે ખરીદે તેવું મારા માટે પણ લેવાનું કહી દઉં. એ લોકોને ડબલ શૉપિંગનો આનંદ મળે ને મારા મનને શાંતિ મળે. મેં બહુ વાર શૉપિંગની રીતો શીખવાની કોશિશ કરેલી, કે કઈ રીતે કોઈ વસ્તુ જોવાની, એનો ભાવ પૂછવાનો, ‘બહુ મોંઘું છે’ના હાવભાવ બતાવવાના, દુકાનવાળા સાથે ભાવ બાબતે રકઝક કરવાની, અમસ્તાં અમસ્તાં ચાલવા માંડવાનું નાટક કરવાનું, ફરી પેલાના બોલાવવાથી પાછા ફરવાનું, થોડા એ ભાઈ ભાવ ઓછા કરે ને થોડા હું ઓછા કરું ને પછી બંને ખુશ થઈએ, કે સોદો વ્યાજબી થયો. મને સસ્તાનો આનંદ મળે ને દુકાનદારને ફાયદાનો આનંદ મળે. આટલી બધી ઝંઝટ કર્યા પછી પણ, મારે તો સાંભળવાનું જ હોય, કે ‘દર વખતે છેતરાઈને આવે છે ખબર છે, તો પછી કંઈ પણ લેવા તૈયાર શું કામ થઈ જાય?’ લે ભઈ, કોઈ વાર તો મને પણ શૉપિંગ કરવાનું(ને છેતરાવાનું) મન થાય કે નહીં?

અહીં તો અમારી પાસે ગણેલા કલાક હતા અને એટલા ટૂંકા સમયમાં અગણિત દુકાનોને જોવાની ને તેમાંથી જોઈતી વસ્તુને પસંદ કરીને, ભાવની રકઝક કરીને તે વસ્તુ લેવાની હતી. ચાર હજારથી પણ વધારે દુકાનો વચ્ચે મહાલતાં મહાલતાં, હજારો લોકોની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં, છૂટા ન પડી જવાય તેની બીકમાં, એકબીજાની સાથે ને સાથે રહેતી અમે ત્રણ બહેનો, દુનિયાની શ્રેષ્ઠ બાવરીઓમાં ગણાઈ જવાની તૈયારીમાં હતી. અમારી પાસે સમય ઓછો હતો અને શૉપિંગનું લિસ્ટ લાબું હતું. આટલા દિવસોમાં બીજે કશેથી પણ કંઈ ન લીધું, એટલે લિસ્ટ થોડું વધારે લાબું થઈ ગયેલું. પહેલાં અમે એવું નક્કી કર્યું, કે બે કલાક બજારમાં ફરીને, શૉપિંગ કરીને પછી મુખ્ય દરવાજે બધાંએ ભેગાં થવું, એટલે બધાંને પોતાના શૉપિંગનો પૂરતો ટાઈમ મળે, અને વાતમાં કે એકબીજાનું શૉપિંગ જોવામાં સમય બરબાદ ન થાય. જોકે, એક વાર માર્કેટમાં દાખલ થઈ ગયા પછી, તરત જ અમે અમારો વિચાર ફેરવી નાંખ્યો. ભલે જેટલું થાય તેટલું, પણ શૉપિંગ તો સાથે રહીને જ કરશું. અહીં જરાક જ વારમાં ખોવાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. કોઈ મોટા જંક્શન પર ઘણી બધી ટ્રેનના પ્રવાસીઓ, જે રીતે એકધારા આવ–જા કરતાં દેખાય, તેવો જ અહીં લોકોનો પ્રવાહ સતત વહેતો હતો. સ્ટેશન પર તો લોકો, કાં તો ટ્રેન તરફ જોઈને ચાલતાં દેખાય, કાં તો દરવાજા તરફ જોતાં ચાલતાં હોય. અહીં તો, લોકો ચારે દિશામાં નજર ફેરવી ફેરવીને ફરતાં હતાં. આ દુકાન, પેલી દુકાન, આ વસ્તુ, પેલી વસ્તુ, ઘડીક જોવા ઊભા રહો, તરત જ આગળ વધો, ઉતાવળે ઉતાવળે બધી દુકાનો પર સરસરી નજર નાંખતાં ઝડપથી આગળ વધતાં રહો. બાપ રે! આવામાં શું લેવાય ને કેવી રીતે લેવાય? આખો દિવસ હોત તો નિરાંતે ફરત ને શૉપિંગની મજા લેત. હત્તેરીની! બહુ દિવસથી હવા ભરીને ફુલાવી રાખેલા શૉપિંગના ફુગ્ગામાંથી ધીરે ધીરે હવા નીકળવા માંડી.

‘જો, આપણે એક કામ કરીએ. આપણે હું હું લેવાનું છે તે પેલ્લા જોઈ લઈએ. કોઈને દુકાન પૂછીને હીધ્ધા તાં જ જઈએ. જેને નીં લેવુ ઓ’ય, તે બા’ર ઊભુ રે’ય નીં તો આજુબાજુ જોઈને કંઈ લેવા જેવુ લાગે તો લઈ લેય, એટલે કોઈનો ટાઈમ નીં બગડે.’ ત્રણેયની સહમતિથી કામ સરળ બન્યું અને આમ અમારું શૉપિંગ ઝપાટાભેર ચાલવા માંડ્યું. બહુ બધી દુકાનો આગળ ઊભા રહી જવાનું, બહુ બધી વાર, બધાંને જ બહુ મન થયું, પણ દિલ પર કાબૂ રાખતાં રાખતાં છેલ્લે ડ્રાયફ્રૂટની દુકાને અમે મુકામ કર્યો. એક ખાલી દુકાન જોઈ, એમાં શૉપિંગ વહેલું પતશે, એમ વિચારી દાખલ થયાં. દુકાનમાં માંજરી આંખોવાળા ટર્કિશ માલિક સહિત, ત્રણેક હેલ્પર છોકરાઓ હતા. દુકાનમાંય મોડેલિંગ કરતા હોય તેવા સ્ટાઈલિશ! અમે લોકોએ તો કોઈ દિવસ જોયું ન હોય તેમ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર ને જાતજાતના તેજાના ભરેલી બરણીઓને લલચાતી નજરોથી જોવા માંડી. ‘ટર્કીનું ડ્રાયફ્રૂટ બહુ સરસ આવે, એકદમ એ વન ક્વૉલિટીનું, એટલે એ તો લેજો જ’ એવી તાકીદ થઈ હોય પછી પણ અમે ન લઈએ તો મૂરખ જ ઠરીએ ને?

મન પર બહુ જ કાબૂ રાખીને, જોઈતી જ લલચામણી ચીજો પૅક કરવાનું અમે કહેવા માંડ્યું. એક તરફ ઘડિયાળનો કાંટો અમારા માટે તેજ ભાગતો હતો, જયારે માલિકને તો ગ્રાહકની બિલકુલ પડી નહોતી, એવું એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. એ એની ધૂનમાં મસ્ત હતો. ટુરિસ્ટ સિઝન પૂરી થવામાં હતી અને એના ભાગનું એણે કમાઈ લીધું હશે એવું લાગ્યું. અંજુ અને પારૂલ એમની સાથે મારા માટે પણ ખરીદી કરી રહી હતી. હું તો એક બાજુ બધાંની પર્સ લઈને બેઠાં બેઠાં બરણીઓ જોતી હતી. એવામાં મારું ધ્યાન ગયું, તો પિસ્તાની બરણીમાં ઈયળો પિસ્તાની જ્યાફત ઉડાડતી હતી! મેં પેલા છોકરાને કહ્યું, ‘ભાઈ, તું દિલ્હીનો ઠગ છે? કેમ બેઈમાની કરે છે? જા, અંદરથી ફ્રેશ પિસ્તા લઈ આવ.’ માલિકે એ બધું જોયું ને કંઈ બન્યું ન હોય તેમ સૉરી કીધા વગર બીજા પિસ્તા મગાવી લીધા. પછી તો, અમે બાકી બધા પૅકેટ પણ ચેક કરાવી લીધા.

છેલ્લે, બિલ આપતાં પહેલાં આદત મુજબ અમે કહ્યું, ‘ભાઈ આટલો સામાન લીધો તો કંઈ ગિફ્ટ–બિફ્ટ તો આપ અમને. ટર્કીની કોઈ યાદગીરી જ આપી દે. યાદ કરહું તને ને તારી દુકાનને.’ એને પણ કદાચ ખબર હશે ગ્રાહકોની મફતિયા ભેટ મેળવવાની વૃત્તિની, એટલે તરત જ એણે ત્રણ સુંદર કોતરણીવાળા નાનકડા, એલચી–મરી વાટવાના નમૂના અમને ભેટ આપ્યા. અમે તો એકદમ ખુશ. ‘થૅંક યૂ’ કહીને ત્યાંથી ભાગ્યાં. હવે ટાઈમ બહુ ઓછો હતો અને હજી પેટપૂજા પણ બાકી હતી.

ખરેખર તો, આ બજાર એ કોઈ મામૂલી બજાર નહોતી. દુનિયાની શ્રેષ્ઠ, જૂનામાં જૂની અને બંધ માર્કેટોમાંની એક માર્કેટ હતી. બજાર શબ્દ આપણો એટલો પોતાનો લાગે, કે આ માર્કેટ સાથે બજાર શબ્દ જોડાયેલો જાણીને જ બહુ રાહત થયેલી. ગ્રાન્ડ બજાર! વાહ. જેવું નામ તેવો એનો નઝારો. ગણવા બેસીએ તો સમય ખૂટી પડે એટલી અધધધ ચાર હજ્જારથીય વધારે તો દુકાનો! માર્કેટની અંદર તો ગલીઓ ને ગલીઓ ને ગલીઓ! એકસઠ ગલીઓ! દરેક ગલીમાં અડોઅડ આવેલી એક જ પ્રકારના સામાનની દુકાનો. બજારમાં ફરવાવાળાને કે શૉપિંગ કરવાવાળાને ગુંચવાડો ના થાય એટલે, જાતજાતના વિભાગો પાડવામાં આવેલા. રોજના અઢી લાખથી લઈને ચાર લાખ સુધીના લોકો આ માર્કેટની મુલાકાત લે, એટલે વિચારો કે આ માર્કેટમાં કેટકેટલી વિવિધતાઓનો ભંડાર ભર્યો હશે!


અમારી સાથે માર્કેટની વધુ સફર કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
તસવીરો માટે કૅનેડાના શ્રી પિયુષભાઈ પરીખનો આભાર.







સોમવાર, 14 નવેમ્બર, 2016

ટૅક્સિમ સ્ક્વૅરમાં કબૂતર, મકાઈડોડા અને આઈસક્રીમ


ઈસ્તમ્બુલની એ છેલ્લી સવાર હતી અને હૉટેલમાંથી નીકળી, શૉપિંગ માટે ભાગનારા અમે ત્રણ જ જણ હતાં! બાકી બધા તો સવારે જ નાસ્તો કરીને છૂટા પડવા માંડેલાં. મુંબઈવાળા સહપ્રવાસીઓ તો હજી એક દિવસ ટર્કીમાં રોકાવાના હતાં, પણ એ લોકો બીજી હૉટેલમાં શિફ્ટ થવાના હતાં. (એમને તો આ હૉટેલ પણ નહીં ગમી હોય, કોણ જાણે!) બાકી રહ્યાં પેલાં ચાર, બે જાપનીઝ બહેનો ને પેલા પ્યારા કાકા–કાકી. એ લોકોના પ્લેનનો સમય થતો હોવાથી એ લોકો પણ સામાન સાથે નીચે રિસેપ્શન પર હાજર હતાં. સૌની સાથે ગાઈડને પણ બાય બાય કહેવાનો સમય આવી ગયો હતો. ટર્કીના નિયમો જાણ્યા પછી, અને સામાન્ય રિવાજ મુજબ પણ સૌ ગાઈડને ટિપ આપતા હતા. ટિપ બાબતે અમે ત્રણ અંદરઅંદર મસલત કરતાં હતાં, એવામાં મારી નજર ગઈ પેલા ચાર મુંબઈવાળા સહપ્રવાસીઓ પર. એમનામાં જે સુંદરી કાયમ બધે ફોટો પડાવવા તૈયાર રહેતી, તેને બધાના સામાનની ચિંતા હતી એટલે એનો ફોટો પડાવવાનો મૂડ નહોતો. એની સાથેવાળીને એ પૂછ્યા કરતી હતી, ‘તુમ્હારી કિતની બૅગ્સ હૈ? તુમ્હારી વો લાલ બૅગ આ ગઈ?’ લાલ બૅગવાળીનો વર કે જેણે પારુલને મોબાઈલનું ચાર્જર આપેલું, તે તો દુનિયાથી બેખબર મોબાઈલમાં જ મોં નાંખીને, એક બાજુ ઊભો હતો! જ્યારે એનો જોડીદાર હાથમાં સો યુરોની નોટ લઈને ગાઈડને શોધતો હતો. ગાઈડ રિસેપ્શન પર કોઈ સાથે વાત કરતો હતો, એટલે પેલા ચડેલા મોંવાળાએ ગાઈડને ખભેથી હલાવી બોલાવ્યો અને ગાઈડ હજી કંઈ જુએ કે કંઈ સમજે તે પહેલાં તો, એના મોં પર નોટ ફેંકી ચાલવા માંડ્યું! ગાઈડ તો જોતો જ રહી ગયો. એનો ચહેરો મુરઝાઈ ગયો અને એની આંખોમાં દર્દની લકીરો ઝબકી ગઈ. ગાઈડે તરત જ આજુબાજુ જોઈ લીધું, પણ એની નજર મારા સુધી પહોંચે, તે પહેલાં જ મેં નજર ફેરવી લીધી. બિચારા ગાઈડના મનમાં તો કેટકેટલી ઉથલપાથલ થઈ હશે? બસ, આ જ એનું ઈનામ? ટિપ? બક્ષિસ? ઈન્ડિયન્સ માટે એ મનમાં કેવું વિચારશે હવે? મને મનોમન શરમ આવવા માંડી.

ખેર, આટલો ખરાબ અનુભવ થવા છતાં ગાઈડ અમારી સામે તો હસીને જ હાજર થયો. અમે એનો દિલથી આભાર માન્યો અને ખૂબ વખાણ પણ કર્યાં. ખરેખર, એને કારણે જ અમે ટર્કીની સફર બહુ જ શાંતિથી અને આનંદથી માણી શક્યાં. બાકી તો, પહેલા જ દિવસે અમને સારા(!) ગાઈડનો અનુભવ થઈ જ ગયો હતો. ‘ફરી ટર્કી આવશું તો જરૂર મળશું’ ને ‘તમે ઈન્ડિયા ચોક્કસ આવજો’ ના વિદાયવાક્યો કહી, અમે બહાર ઊભેલી ટૅક્સીમાં ગોઠવાયાં. યુસુફભાઈ અમને બપોરે એરપોર્ટ છોડવા આવવાના હતા, એટલે વહેલા જ વિદાય થઈ ગયેલા. પહેલી જ વાર અમે ટર્કીની ટૅક્સીમાં બેઠાં. જ્યાં જવાનાં હતાં, તે જગ્યાનું નામ હતું ટૅક્સિમ સ્ક્વેર! ‘TAKSI’માં TAKSIM SUARE! કંઈ ટૅક્સી સ્ટૅન્ડ જેવી નવાઈની જોવાલાયક જગ્યા હશે કે શું? કોણ જાણે. જોકે, ટૅક્સીની સવારીમાં પણ અમને તો ખૂબ મજા આવી રહી હતી. ઈસ્તમ્બુલ, અત્યાર સુધી જોયેલા ટર્કી કરતાં તદ્દન ઊંધું લાગ્યું. ઊંચા ગીચ મકાનો, મોટી મોટી દુકાનો, સતત વહેતો ટ્રાફિક અને જ્યાં જુઓ ત્યાં ટુરિસ્ટોની ભીડ. ટેક્સીની ઝડપે ઘણી વાર અમારા શ્વાસ ઊંચા કરી દીધા પણ આપણને ક્યાં એની નવાઈ? એટલે ચલાવી લીધું. બોલતે તો કદાચ પેલો ટૅક્સીમાંથી ઉતારી મૂકતે? કોણ જાણે. અમે તો ટૅક્સીમાંથી ઉતરતાં જ ત્યાંની ભીડમાં ભળી ગયાં અને પહોંચી ગયાં ત્યાંનાં જાણીતાં ‘આઝાદીના સ્મારક’ની સામે.

આ જગ્યા તો મુંબઈના જાણીતા, ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ અને લંડનના મશહૂર ‘ટ્રફાલ્ગર સ્ક્વેર’ની યાદ અપાવતી હતી! અસંખ્ય કબૂતરો અહીં લોકોની જેમ જ દોડાદોડ, ઉડાઉડ ને ખાણીપીણીમાં મસ્ત દેખાયા. કેટલાય લોકો કબૂતરોને ચણ નાંખતાં હતાં, જ્યારે બાળકો કબૂતરોને પકડવા દોડાદોડી કરતાં હતાં. એક સ્ત્રીને મેં, કબૂતરોને ચણ નાંખવાને બહાને હેરાન કરતા બે ચાર રખડેલ લોકોની ફરિયાદ કરતાં સાંભળી. એ લોકો હાથમાં ચણની ડબ્બી લઈને ફર્યા કરે અને ટુરિસ્ટોને જબરદસ્તી ચણ નાંખવા મજબૂર કરે. ઘણા ફોટા પાડવાને બહાને ગળે પડે. પણ એવું તો, આવી જાહેર જગ્યાઓએ બહુ સ્વાભાવિક હોય, એટલે ચેતેલા રહેવું પડે.

‘ટૅક્સિમ’ એટલે ટર્કિશ ભાષામાં એ ‘ટર્કિશ મેદાની’ છે. અહીં મેદાન જેવી વિશાળ જગ્યા છે, એટલે આપણા મેદાન શબ્દ સાથે કોઈ લેવાદેવા? ખબર નીં. વળી, નામનો ઈતિહાસ તો કંઈક અલગ જ નીકળ્યો. ટૅક્સી સાથે એને કોઈ લેવાદેવા નહોતી. ટૅક્સિમ એટલે ભાગલા કે વહેંચણી. અસલ ઉત્તર ઈસ્તમ્બુલમાંથી પાણીની મુખ્ય લાઈનો દ્વારા અહીં પાણી ભેગું કરાતું અને ત્યાંથી આખા શહેરને વહેંચવામાં આવતું એટલે એ જગ્યાનું નામ  ટૅક્સિમ સ્ક્વેર! ઓટોમન સામ્રાજ્યમાં અહીં તળાવ હતું અને ત્યારના સુલતાન મોહમદે પાણીની વહેંચણી અહીંથી શરૂ કરાવી. પછી તો જમાના વીતી ગયા અને યાદો રહી ગઈ. ઓગણીસમી સદીનાં થોડાં વર્ષો સુધી ‘ટૅક્સિમ આર્ટિલરી બૅરૅક્સ’ નામે ત્યાં જાણીતું બિલ્ડિંગ હતું, જે પછીથી ‘ટૅક્સિમ સ્ટૅડિયમ’ બનેલું, પણ એનેય ૧૯૪૦માં ‘ટૅક્સિમ પાર્ક’ બનાવવા તોડી પડાયું! જોકે, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો માટે અહીં ‘આતાતુર્ક કલ્ચરલ સેન્ટર’ છે. ભાંગતોડ, તોડફોડ સિવાય ટર્કીમાં કોઈ વાત જ નહીં! જોકે, નવનિર્માણ થતું રહે એટલે પાછું ચાલે.

આજે તો, આ જગ્યા પ્રવાસીઓ અને આજુબાજુના ગામોના રહેવાસીઓની અવરજવર કે સામાનની હેરફેર માટે ઈસ્તમ્બુલનું મુખ્ય મથક ગણાય છે. ‘ઈસ્તિકલાલ કૅડેસી’ કે ‘ઈન્ડિપેન્ડન્સ એવેન્યૂ’ નામે  ઓળખાતી લાંબી શૉપિંગ સ્ટ્રીટમાં ચક્કર મારતાં, અમે ત્યાં કેટલાય લોકોને ચાલતાં ચાલતાં આપણી જેમ જ મકાઈ ખાતાં જોયાં. ગલીમાં કેટલીય આઈસક્રીમની લારીઓ પણ હતી, એટલે સ્વાભાવિક છે કે, ઠંડી હોવા છતાં અમે તો આઈસક્રીમ જ ખાધું. આ આખા સ્ક્વૅરની ફરતે કેટલીય ટ્રાવેલ એજન્સીઓ, નાની–મોટી હૉટેલો અને રેસ્ટોરાં તો ખરી જ, ઈન્ટરનેશનલ ફાસ્ટ ફૂડ્સની લગભગ બધી ચેઈન્સ અહીં હાજર. ને કેમ ન હોય? દુનિયાભરના ટુરિસ્ટો જો અહીં ફરતા હોય તો એમને મનગમતું ભોજન પણ મળવું જોઈએ ને? વળી, પરેડ કરવા, સામાજિક મેળાવડા કરવા કે નવા વર્ષની ઉજવણીઓ કરવા માટે આનાથી શ્રેષ્ઠ જગ્યા બીજી કઈ? અહીંથી જૂના જમાનાની યાદને સાચવવા માટે ટ્રામ પણ ફરે છે, જે ‘ટનલ’ સુધી જાય છે અને એ ટનલ, લંડન પછી દુનિયાની બીજા નંબરની, જૂનામાં જૂની અંડરગ્રાઉડ ટનલ છે. ભાઈ, યુરોપમાં આવેલું હોવાથી ઈસ્તમ્બુલમાં આવું બધું તો જોવા–જાણવા મળવાનું જ ને? ચાલો હવે, મૂળ કામ તો યાદ કરો કોઈ!

એ અર્ધો દિવસ શૉપિંગને સમર્પિત હોઈ હરતાંફરતાં પણ અમારું ધ્યાન તો શૉપિંગ પર જ જતું. અંજુ સતત યાદ કરાવતી રહી, કે ‘આપણે ગ્રાન્ડ બજાર જવાનું મોડું થતુ છે, ચાલો નીં. અં’ઈયે જ બધો ટાઈમ થઈ રે’હે તો શૉપિંગ ક્યારે કરહું?’ પારુલને ફોટા પાડવાની મજા આવી રહી હતી અને મને બંને વચ્ચે હવે ટાઈમનો મેળ કેમ પાડવો તેની ચિંતા થતી હતી. અહીં ટૅક્સિમફરતેની ગલીઓમાં જ એટલી બધી મોટી મોટી દુકાનો અને મોટા મૉલ્સ પણ દેખાયા કે કશે જવાની જરૂર જ નહોતી. ભાવ પણ, જેને જેવા પરવડે તેવામાં બધું મળી રહે એવા. હવે જો ગ્રાન્ડ બજાર ન જોયું, તો ઈસ્તમ્બુલનો ફેરો ફોગટ જ ગણાય, એટલે મન પર કાંકરો મૂકીને અમે ઉપડ્યાં ગ્રાન્ડ બજાર. શું લેવું તે તો કંઈ નક્કી જ નહોતું. આમેય શૉપિંગમાં તો એવું જ હોય ને? લેવા નીકળ્યાં હોઈએ કંઈ અને લઈ આવીએ કંઈ!
(તસવીરો બદલ ગુગલની મહેરબાની.)











બુધવાર, 2 નવેમ્બર, 2016

ચાલો, દિવાળીમાં સ્વભાવ સુધારીએ.


‘હા...શ, નવું વરસ આવી ગયું.’
‘એમાં તેં શી નવી વાત કરી?’
‘નવી વાત કંઈ નથી પણ મને બહુ શાંતિ ને સંતોષ છે, કે નવા વરસને બહાને બહાને મેં આ વરસે તો બહુ બધી જૂની વસ્તુઓ કાઢી નાંખી. હાશ, બહુ વખતે હવે ઘરમાં ખાસ્સી જગ્યા થઈ ગઈ. કેટલું ચોખ્ખું ને સરસ દેખાય છે નહીં? હજીય જો તમે થોડું બહાર ફરી આવો, તો ઘર એકદમ ખાલી થઈ જાય, સરસ મોકળાશ લાગે.’
‘હું જ નડ્યો તને? બહુ ખુશ નહીં થા. આ બધી ચોખ્ખાઈ ને ખાલી જગ્યા થોડા દિવસ જોવા મળશે, ધીરે ધીરે પાછું ઘર ભરાવા માંડશે, જોઈ લેજે. તારે તો પાછું આવતા વરસ માટે પણ કંઈ ખરીદવું પડશે ને, સાફસફાઈ માટે કે ભંગારમાં કાઢવા માટે?’
‘તમે નહીં સુધરવાના કેમ? મને નીચું બતાવવાનો કે મારી ખામી કાઢવાનો એક પણ મોકો જો જવા દેતા હો તો હરામ બરાબર. એમ નહીં, કે દિવાળી આવી તો કંઈ બે સારી વાત કરીએ, કે ખુશ રહીએ ને બીજાને પણ રાખીએ.’
‘મને સુધરવાનું કહે છે, તો તારા સ્વભાવમાંય ક્યાં કંઈ ફેર પડ્યો છે? નવા વરસને બહાને જૂનું કાઢશે ને નવું લાવશે, અહીં દોડશે–ત્યાં દોડશે ને બીજાનેય દોડાવશે, ને આ બધુંય પાછું શાંતિથી તો નહીં કરવાનું! કેટલીય હોહા કરે ને કેટલોય કકળાટ કરે ત્યારે તારું દિવાળીનું કામ થાય. આ બધું ન કરતી હો અથવા ખુશી ખુશી કરતી હો તો, વાતાવરણ એની મેળે ખુશનુમા રહે કે નહીં?’
‘એટલે હું ઘરનું વાતાવરણ કે ઘરનો માહોલ બગાડું છું, એમ તમારું કહેવું છે?’
‘ભાઈ, મારે કંઈ કહેવાનું નથી, બસ થોડો તારો સ્વભાવ સુધાર, બીજું કઈ નહીં.’
‘સારું, તમે કહો છો તો પછી, આ નવા વરસથી હું મારો સ્વભાવ સુધારી દઉં બસ? તો તમે મને શું લઈ આપો?’
‘બસ ને? આવી ગઈ ને મૂળ સ્વભાવ પર? સ્વભાવ સુધારવાની તે તારા સારા માટે ને થોડુંક મારા ને ઘરના સારા માટે. હવે એના માટે પણ તું જો મારી પાસે કોઈ નાના–મોટા ઘરેણાની કે એકાદ ભારે સાડી કે ડ્રેસની આશા રાખતી હોય, તો મારે તો વિચાર કરવો પડે! ભલે ચાલ, એમેય તું તારો સ્વભાવ જો સખણો રાખતી હોય ને, તો મને મંજુર છે. તને જે જોઈએ તે લેજે દિવાળીમાં, પણ...’
‘હા ભાઈ હા, એક વાર કહ્યું ને? મારો સ્વભાવ દિવાળી પછી સુધારી દઈશ બસ? પણ, તમારે પણ તમારો સ્વભાવ સુધારવો પડશે હં કે!’
‘જો હવે તું વધારે પડતું કરે છે હં. ગિફ્ટ લેવાની હા પાડી તોય તું મારા સ્વભાવની વાત પર તો આવી જ ગઈ, કેમ? મારામાં શી ખામી છે, જરા બોલ તો! તને તારો સ્વભાવ સુધારવા કહ્યું, તો તું મારા જ ગળે પડી! મારામાં કોઈ ખામી નથી. મારો સ્વભાવ સારો જ છે, તો જ તારી સાથે આટલાં વરસોથી રહું છું.’
‘હમણાં ગણાવવા બેસીશ ને, તો તમારાથી સાંભળી નહીં શકાય ને સહન પણ નહીં થાય. ચંપલ પહેરીને ઘરની બહાર ચાલવા જ માંડશો. મારું મોં તો તમે ખોલાવતા જ નહીં. એ તો હું છું, કે તમને નભાવું છું. બાકી તમારા જેવાનો સ્વભાવ વેઠવો એટલે..’
‘જો દિવાળી પહેલાં છે ને, બધો હિસાબ તું ચૂકતે જ કરી નાંખ. એટલે નવા વરસમાં કોઈ ભાંજગડ જોઈએ જ નહીં. તારો સ્વભાવ તો તું ગિફ્ટ લઈને પણ સુધારી કાઢવાની છે, બદલી નાંખવાની છે, તો પછી હું પણ તારા કહેવા મુજબ જો ખરાબ હોઉં, એટલે કે મારો સ્વભાવ સારો ન હોય તો બદલાવા તૈયાર છું. ચાલ બોલવા માંડ.’
‘તમારાથી સંભળાશે? કોઈ વાર કંઈ કહેવા આવું છું તો, હમણાં નહીં, પછી નહીંના બહાને વાતને ટાળી જાઓ છો ને પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી થતા, તે તમારાથી કેવી રીતે મારી આટલી લાં...બી વાત સંભળાશે?’
‘એટલે? લાં...બી વાતથી તું શું કહેવા માગે છે? મારામાં ગણી ગણાય નહીં એટલી બધી ભૂલો છે? મારો સ્વભાવ એટલો બધો ખરાબ છે? જા, જા કોઈને કહેતી નહીં. પહેલાં તો, કોઈ તારી વાત માનશે જ નહીં. મારો સ્વભાવ જો તારા કહેવા મુજબ ખરાબ હોત ને, તો મને આટલા લોકો માન જ ના આપત કે મને પૂછત જ નહીં. બધા મારાથી દૂર જ ભાગત, સમજી? તને તો આંગળી શું આપી, તેં તો પહોંચો જ પકડી લીધો. મારા જેવો હોશિયાર, કાબેલ ને હસમુખો શોધી લાવજે. દીવો લઈને શોધવા નીકળે ને તો પણ મારા જેવો તો નહીં જ મળે, સમજી?’
‘લે, તમે તમારે મોઢે જ તમારા વખાણ કરી લીધાં પછી મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. આ જ તમારી મોટામાં મોટી ખામી, કે તમારી ખામી બતાવનારને બોલવા જ નહીં દેવાના ને પોતાનાં વખાણ જ ચાલુ કરી દેવાના! જોયું ને? ધ્યાનમાં આવી તમારી ખામી? આ સ્વભાવ જો બદલો ને, તો તમને બીજાની વાતો પણ સાંભળવાનું ગમશે ને બીજાનાં ગુણો પણ દેખાશે. એમ નહીં, કે જ્યારે ને ત્યારે સામેવાળાની ખામી જ શોધ્યા કરો, કે એમને નીચું બતાવતા રહો. (પછી હું બદલામાં સાડી ને ઘરેણાં કઢાવતી જ રહું ને?)’
‘હશે ભાઈ, તને જો દેખાઈ તો મારામાં ખામી છે બસ? ચાલ, હવે જમાડી દે એટલે જરાક આરામ કરી લઉં.’
‘બસ, થાકી ગયા એક જ ખામી સાંભળીને? મેં નહોતું કહ્યું? મારી ખામી તો પટપટ પટપટ ગણાવવા માંડો ને તમારા પગ નીચે રેલો આવ્યો, ત્યારે છટકવાની વાત? આ દિવાળીમાં મેં એકલીએ બધું કામ કર્યું, તે તમને કોઈ દિવસેય એમ ના થયું કે, જરા હાથ હલાવીએ ને જરા મદદ જેવું કંઈક કરીએ?’
‘ઓહો! તો તારે મને કહેવું હતું ને? બંદા તરત જ હાજર થઈ જાત. તું બોલે નહીં ને જાતે જાતે જ બધું કર્યા કરે તો મને શું ખબર પડે? લાવ, શું કામ છે? થાળી પીરસવાની છે?’
‘એમ કોઈ કહે ને કોઈ કામ કરે તેમાં શી નવાઈ? વગર પૂછ્યે મારા હાથમાંથી તમે ઝાડૂ લઈ લેત ને જાળાં પાડવા લાગત, કે મને ઘરનાં બીજાં કામમાં વગર કહ્યે મદદ કરવા હાજર થઈ જાત તો હું માનત તમને. પણ એવો તમારો સ્વભાવ જ નહીં ને! મારે કાયમ એકલાં એકલાં જ બધું કામ કરવાનું. તમારા હોવા ન હોવાનો તો કોઈ ફેર પડે જ નહીં ને? કાયમ બીજાનાં વરોને જોઈને જીવ બાળવાનો કે, આ લોકોનાં વર કેવા દિવાળીના કામમાં મદદ કરે ને મારો જ વર...’
‘ચાલ ગાંડી, એમ જીવ નહીં બાળ. તેં મને જણાવી દીધું ને. હવે આવતે વરસે તો મારો સ્વભાવ બદલાઈ જ ગયો હશે ને? ત્યારે તું જોઈ લેજે. તું મને ઓર્ડર કરજે ને હું દિવાળીનાં કામ આમ ચપટી વગાડતાં કરી નાંખીશ જોઈ લેજે.’
‘વાહ વાહ! મને નવા વરસે નવી સાડી ને ડ્રેસ ને ઘરેણાં ન અપાવવા પડે, એટલે તમે મને મદદ કરવા પણ તૈયાર થઈ ગયા કેમ? દિવાળીનું કામ તો હું કરી લઈશ. ફક્ત તમે તમારા જ વખાણ કરવાના છોડી દેજો ને બીજાની, એટલે કે મારી વાત પણ સાંભળવાની ટેવ પાડજો. સ્વભાવમાં એટલો સુધારો લાવશો ને તોય બહુ છે.’
‘ચાલ મંજુર છે. હવે આપણા બંનેનો સ્વભાવ નવા વરસે સુધરી જવાનો એટલે આવતા વરસથી તો શાંતિ. પણ મને તારી સાથે લડ્યા વગર તો એક દિવસ પણ નહીં ચાલે, તો શું કરશું?’
‘હા, એ તો મને પણ થયું કે રોજ રોજ મિઠાઈ ખાશું તો મોં બગડી જશે. તો પછી આપણે અઠવાડિયામાં એક વાર કોઈ પણ બહાનું શોધીને જમાવી દઈશું, ડન?’
‘એકદમ ડન.’

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2016

હાયા સફિયા/હાગિયા સોફાયા

જો તમે ઈન્ડિયા જાઓ, તો આગ્રાનો તાજમહાલ જોયા વગર પાછા નહીં ફરતા. મુંબઈ જાઓ તો ચોપાટીનો દરિયો જોયા વગર મુંબઈ નહીં છોડતા. અને જો સુરતની સાડી લીધા વગર ને અમદાવાદના સી એમને મળ્યા વગર જો પાછા આવ્યા છો ને તો...! બસ, એવું જ છે આ બધી ફરવાલાયક જગ્યાઓનું. ઈસ્તમ્બુલ જાઓ એટલે ઉપર લખેલાં બે નામમાંથી જે બોલતાં ફાવે તે નામની મસ્જિદ જોયા વગર ઈસ્તમ્બુલ છોડવાનું નહીં. નહીં તો, તમારી રિટર્ન જર્ની પર સો યુરોનો દંડ લેવામાં આવશે! જોકે, ત્યાં આવો કોઈ દંડ નથી લેતાં તો પણ, સદીઓ જૂના ચર્ચમાંથી બનેલી મસ્જિદમાંથી હવે મ્યુઝિયમ બન્યું છે તેને જોવા ટુરિસ્ટોનો ધસારો બારે માસ ચાલુ જ રહે છે(ઓફ સીઝન છોડીને).

આજનું ઈસ્તમ્બુલ તે અસલનું કોન્સ્ટન્ટિનોપલ, જેને મહાન સમ્રાટ કોન્સ્ટન્ટિને શોધેલું અને જે એને ‘નવું રોમ’ કહેતો, તેણે ચોથી સદીમાં આ જગ્યાએ ભવ્ય ચર્ચ  બનાવેલું, કમનસીબે જેનો અવશેષ પણ બાકી નહોતો રહ્યો. પછીની સદીમાં એના દીકરાએ ફરીથી ત્યાં ચર્ચ બનાવ્યું, જેને ‘નિકા’ તોફાનોમાં સળગાવી દેવાયેલું! જોકે એના થોડા અવશેષો રહી ગયેલા તે આજે પણ જોવા મળે છે. ધરતીકંપ ને બીજા ધાર્મિક ભૂકંપોને સદીઓ સુધી સહન કરીને પણ અડીખમ રહેલું આ ચર્ચ, વારંવાર તૂટતા ગુંબજને કારણે નવા નવા ગુંબજ ધારણ કરતું રહેલું અને એટલે જ, ઉત્તમ ઈજનેરો અને એવા જ ઉત્તમ કારીગરોને કારણે વિશ્વના શ્રેષ્ઠ બાંધકામોમાં આ ચર્ચ આજે પણ સ્થાન ધરાવે છે.

ચૌદમી સદીમાં સુલતાન અહમદ નામે મુસ્લિમ શહેનશાહે ઈસ્તમ્બુલ પર ચડાઈ કરી ને આ ભવ્ય ચર્ચ જોઈને અંજાઈ જવાથી એણે તાબડતોબ એને મસ્જિદ બનાવી કાઢી! એ તો સારું કે, સુલતાને ફક્ત ચર્ચનો જ ધર્મ બદલ્યો, બાકી તો દુનિયામાં ધર્માંધોની માનસિક બિમારીઓએ ભલભલી સુંદર ઈમારતોનો કચ્ચરઘાણ કાઢ્યો છે. આજે પણ આ ચર્ચ કમ મસ્જિદ કમ મ્યુઝિયમ જોવાનું ગમે છે તે ફક્ત એની રખાયેલી કાળજીને કારણે. બાકી તો, સર્વનાશ કરનારાઓને કળાની કદર ક્યાંથી હોય? ઓટોમન સામ્રાજ્યમાં બંધાયેલી બીજી જાણીતી મસ્જિદો, બ્લૂ મોસ્ક, સુલેમાન મોસ્ક, રુસ્તમ પાશા મોસ્ક અને શહજાદે મોસ્ક આ મસ્જિદને નજર સામે રાખીને બંધાયેલી. જોકે, ધર્મની જરૂરિયાત મુજબ સુલતાને ચર્ચમાં થોડા ફેરફારો કરેલા અને મિનારા બાંધીને મસ્જિદનું રૂપ આપેલું. નજીકમાં મદરેસા બનાવી. ત્યાર પછી આવેલા સુલતાનો પોતાના તરફથી મસ્જિદમાં ને મસ્જિદની બહાર સગવડો વધારતા ગયા તેમ સુંદરતા પણ વધારતા ગયા, એટલા વળી ડાહ્યા.

બે પરસ્પર વિરુધ્ધ ધર્મોની યાદગીરી સાચવતું આ અદ્ભૂત સ્થળ એના સુંદર પેઈટિંગ્સ અને વિવિધ મોઝેક ટાઈલ્સ અને આરસના સુંદર થાંભલા સિવાયની પણ અનેક જોવાલાયક વસ્તુઓથી દુનિયાને આકર્ષે છે. એક ખાસ વાતની સામ્યતા અહીં નજરે ચડે છે. મુસ્લિમો પૂર્વમાં મક્કા તરફ મોં રાખીને બંદગી કરે છે, જ્યારે ચર્ચનું બાંધકામ પણ પૂર્વ દિશા તરફ મોં રહે એ રીતે જ કરાયું હોવાથી, બંનેના ભગવાન એક જ દિશામાં છે! ઉપલા માળની ગેલેરીમાં જ્યાં ચર્ચની મીટિંગ થતી ત્યાં મસ્જિદ બન્યા પછી સ્ત્રીઓની બેઠક બની અને હવે મુલાકાતીઓ માટે દર્શનીય સ્થળ. ગેલેરીમાં ઊભા રહીને નીચે દેખાતો લાંબો પરિસર જોવાલાયક છે. બસ, ચર્ચ કહો કે મસ્જિદ કે મ્યુઝિયમ, એમાં નિરાંતે ફરી ફરીને જોવાની જે મજા છે, તે તો ત્યાંથી નીકળવાનું મન ન થાય ત્યારે ખબર પડે.

અમારો ગાઈડ જે તન્મયતાથી આખા મ્યુઝિયમના દરેક ખૂણાનું કે દરેક કલાકૃતિનું રસપૂર્ણ વર્ણન કરતો હતો તે જોઈને તો લાગતું હતું કે, આ ઈતિહાસપ્રેમી ગાઈડ અમારો દિવસ અહીં જ પૂરો કરી નાંખશે. જોકે, ઘડી ઘડી મોબાઈલમાં સમય જોવાની એની ટેવને લીધે અમે બચી ગયાં. ખાસ્સા ત્રણેક કલાક જાદુઈ નગરીમાં ગાળ્યા પછી તો ભૂખ જ લાગવી જોઈતી હતી, ને બધાંને જ બહુ જોરમાં ભૂખ લાગી હતી તે બધાની ચાલ પરથી દેખાતું હતું. આ લોકોએ મ્યુઝિયમમાં પણ કંઈ ખાવાપીવાના સ્ટૉલ્સ રાખવા જોઈતા હતા. ખેર, ગાઈડે ગાડીમાં બેસતાં જ જાહેરાત કરી કે, આપણે હવે પેટપૂજા કરવા જવાના. અમે સૌ તો ખુશ થયાં પણ અચાનક જ પેલા મુંબઈવાળા સહયાત્રીઓએ કકળાટ ચાલુ કર્યો. ‘આટલા દિવસથી એકનું એક ખવડાવીને અમને મૂરખ બનાવો છો? અમે હવે આ બધું નથી ખાવાના. અમને કોઈ સારી રેસ્ટોરાંમાં જમવા લઈ જાઓ, નહીં તો અમે કંપનીમાં તમારી ફરિયાદ કરી દઈશું.’ વાતમાં ન તો કોઈ વિનંતી, કે ન વાત કરવાની સભ્યતા! ગાઈડ હતો તો શું થયું? એ માણસ નહોતો? જોકે, એ લોકોએ જ આ બહાને એમના સંસ્કાર બતાવી દીધા. ગાઈડના દિલ પર કાયમની એમની છાપ છોડી દીધી.

બે ઘડી તો સોપો પડી ગયો! બધાં એકદમ ચૂપ, સિવાય પેલા ચાર. એ લોકોને હવે મુંબઈનું કે ઈન્ડિયાનું ચટપટું ભોજન યાદ આવતું હતું. ટર્કિશ ભોજન પર મસાલા ભભરાવવાનું એમને નહોતું ગમતું. જાતજાતની પણ દરેક જગ્યાએ મળતી એ જ બધી મીઠાઈઓથી પણ કંટાળી ગયેલાં! તીખું તમતમતું ને ખાટુંમીઠું ખાવા માટે એ લોકો તરસી ગયેલાં. હવે જો આવું બધું ખાવાનું એમને નહીં મળે તો કહેવાય નહીં, કદાચ એ લોકો બેભાન પણ થઈ જાય(બધાં સાથે જ) અથવા એ લોકોની યાદશક્તિ પણ કદાચ જતી રહે! કંઈ કહેવાય નહીં. ગાઈડનું મોં પડી ગયું. તરત જ સ્વસ્થતા ધારણ કરતાં એણે કહ્યું, ‘કોઈ વાંધો નહીં. હું તમને ભાવતાં ભોજન મળે એવી જગ્યાએ લઈ જાઉં.’

એક ચાઈનીઝ રેસ્ટોરાંમાં અમને સૌને આદરથી બેસાડીને, દરેકને ભાવતાં ભોજન જમાડીને ગાઈડે સંતોષનો ઓડકાર ખાધો. લગભગ ત્રીસ વર્ષની કારકિર્દીમાં દેશદેશાવરના ભલભલા ટુરિસ્ટો સાથે ફરતો રહેલો ગાઈડ, બે મિનિટમાં જ જો મગજને ઠેકાણે ન લાવી શકે તો એનું ભણતર, એના સંસ્કાર એળે જાય, ધૂળમાં મળી જાય. ખરેખર, તે દિવસે અમારા મન પરથી પેલા ચાર, પોતાને મોડર્ન કહેવડાવતાં કે સમજતાં લોકો તદ્દન નીચે ઊતરી ગયાં અને ગાઈડે સ્વાભાવિક જ અમારા મનમાં આદરભર્યું સ્થાન મેળવ્યું.  


હવે છેલ્લી મુલાકાત બાકી હતી, ટૅક્સિમ સ્ક્વેર અને ગ્રાન્ડ બજારની. ગ્રાન્ડ બજાર એટલે શૉપિંગની ધમાલ! જેની ક્યારની રાહ જોતાં હતાં તે દિવસ આખરે આવી જ ગયો. વાહ! આજની ઘડી તે રળિયામણી રે લોલ!
(તસવીરો–ગુગલની મહેરબાની)






રવિવાર, 28 ઑગસ્ટ, 2016

ઈસ્તમ્બુલ ગુલાબકા પાની

સાસરામાં મારા શરૂઆતના દિવસો હતા. મારા મોટા જેઠ એક દિવસ બધાં બાળકોને ભગાં કરીને જાદુના ખેલ બતાવતા હતા. એ થોડી થોડી વારે ‘ઈસ્તમ્બુલ ગુલાબકા પાની છૂઉઉઉ...!’ બોલતા ને ગ્લાસમાંનું પાણી બધા પર છાંટતા, ત્યારે બાળકો ખુશ થઈ જતાં. મને પણ એ રમત જોઈને હસવું આવેલું પણ સાથે સાથે એ વાક્ય મગજમાં એવું ચોંટી ગયેલું તે, ઈસ્તમ્બુલનું નામ લેતાં આજે પણ એને શીર્ષક તરીકે મૂકવાનું મન થઈ ગયું. (કદાચ તમારા મગજમાં પણ હવે ભરાઈ જાય તો કહેવાય નહીં.)

ખેર, ઈસ્તમ્બુલ વિશે બધાંની એક જ ફરિયાદ હોય કે, ‘આટલા ઓછા ટાઈમમાં તો ઈસ્તમ્બુલ અડધું પણ ના જોવાય!’ એક જ શહેરમાં જ્યારે બધો જ ખજાનો ભર્યો પડ્યો હોય, ત્યારે આ બહુ સ્વાભાવિક છે. જો ફક્ત શૉપિંગમાં જ ટુરિસ્ટોને આખો દિવસ ઓછો પડતો હોય, તો બધી જગ્યાઓને ન્યાય આપવા, કંઈ નહીં તો એકાદ અઠવાડિયું તો જોઈએ જ. હવે એવા અલગારી મુસાફરો તો અલગ જ હોય, જે નિરાંતે બધે ફરે ને મન થાય ત્યાં ગાડું છોડે. અમારે તો અલગારી થઈને બધે રખડવું હતું, પણ મજબૂરીઓનું લિસ્ટ લાંબું હોવાથી ગાઈડ જ્યાં લઈ ગયો ત્યાં ફર્યા કર્યું. જોકે, જેટલું ફર્યાં ને જેટલું જોયું એટલું તો વરસો સુધી મમળાવવા માટે કાફી હતું. એક એક ઈમારતની કારીગરી બેનમૂન હતી, તો દરેક ઈમારતની અંદર ઊભા રહીને જે તે સમયને અનુભવવાની અદ્ભૂત પળો, ગાઈડના સતત ચાલતા પ્રવચનને લીધે શક્ય બનતી.

અમુક વાતો–ખાસ કરીને ખાસ નામો, મારા કાનમાં પડતાં જ મગજમાં ખળભળાટ મચાવતાં ને દિવસો સુધી યાદ રહેવાની કે મમળાવવાની મજાની ખાતરી પણ આપતાં. જ્યારે મોટા ભાગના નામો, કે એમની લાંબી લાંબી વાતો એક કાનથી ભરાઈને બીજા કાનમાંથી નીકળવાની પણ તસદી લેતાં નહીં. બહુ લોકોને મેં એક એક વસ્તુ, જેવી કે મહેલમાં તલવાર, ભાલા કે ઢાલની સામે બૂત બનીને ઊભાં રહેલાં જોયેલાં. ભાઈ, આ બધાં મ્યુઝિયમ ને મહેલ કંઈ નિરાંતે જોવાની વસ્તુ છે? આમ સરસર સરસર ચાલતાં ને સરસરી નજર નાંખતાં નીકળી જવાનું, ત્યાં વળી સ્થિર થઈને અચંબો પામીને બધું જોવાનું ને તેની ચર્ચા કરવાની! હવે આખી દુનિયામાંથી લોકો જ્યારે આ જ બધું જોવા ને માણવા આવતાં હોય ત્યારે મારે તો, મનમાં જ બધું સમજ્યા વગર કે બબડ્યા વગર છૂટકો જ નહોતો.

ઈસ્તમ્બુલની પહેલી ને વહેલી સવારે, નાસ્તોપાણી પતાવીને અમે પહોંચ્યાં, પંદરથી ઓગણીસમી સદી સુધી રાજ કરનારા ઓટોમન રાજ્યના સુલતાનોના ભવ્ય મહેલમાં. વહેલી સવારે જવાનું એક જ કારણ હતું–ભીડને લીધે થતી લાં...બી લાઈન અને એને લીધે થતા કંટાળા કે થાકથી બચી જવાય. સદીઓ સુધી આ મહેલમાં રહેનારા સુલતાનો કેવા ઠાઠથી રહેતા તે જોવા આ મહેલ જોવો જ પડે. સુલતાનએહમત વિસ્તારમાં આવેલો ટૉપકાપી મહેલ! મહેલની ચારે બાજુ વિશાળ આંગણ ને ફુવારાથી શોભતા બગીચાઓમાં ફરવાની મજા લેતાં લેતાં ગાઈડ અમને, સુલતાનોની પત્નીઓ માટે બનાવેલા ખાસ ભવ્ય અંત:પુર કે જનાનખાના બતાવવા લઈ ગયો. સુલતાનો ખાસ મહેમાનોનું પણ ખાસ ધ્યાન રાખતા, એટલે એમની સાથે બેઠક જમાવવાનો ખાસ ઓરડો રહેતો. આપણે ડ્રોઈંગરૂમ કે દિવાનખંડ કે હૉલ કહીએ તે જ. આપણે તો કંઈ ખાનગી વાતો કરવાની ના હોય એટલે ઘરમાં દાખલ થતાં જ મહેમાનકક્ષ રાખીએ. મહેમાન ના હોય ત્યારે, એ જ આપણો ભોજનખંડ કે સોફાશયનખંડ કે બાળકોનો અભ્યાસખંડ અને સ્ત્રીઓનો દૂરદર્શન ઉર્ફ મનોરંજનખંડ!

આપણે તો આપણાં ઘરનાં સુલતાન એટલે અસ્ત્ર–શસ્ત્ર સરંજામમાં જે કહો તે, રસોડામાં જ બધાં શસ્ત્રો સજાવી મૂકેલાં ને વધારાની કાતિલ કે મીઠી છૂરી કહેવાય તેને મોંમાં! બાકી તો, આપણી પાસે આખા ને આખા પટારા ભરાય ને મોટા ઓરડાઓમાં શોભામાં મૂકાય એવાં શસ્ત્રો ક્યાંથી હોય? અહીં તો લોકો, દરેક ઓરડામાં ધરાઈ ધરાઈને જોતાં હતાં, કાચના કબાટોમાં ને કાચની પેટીઓમાં ગોઠવેલાં ને ભીંતે ટાંગેલાં, અજબગજબના શસ્ત્રો! દરેકની નીચે સ્વાભાવિક છે કે, બધી વિગતો પણ હોય કે આ તલવાર ફલાણા સુલતાને, ફલાણી સાલમાં ચાર વાર હવામાં વીંઝેલી. આ ઢાલનો ઉપયોગ મોટા ભાગના સુલતાનો, એમની બેગમોએ ફેંકેલા વેલણોનો ઘા બચાવવા કરતા. મારા મનમાં તો આ બધાં શસ્ત્રો જોઈને આવા જ વિચારો આવતા હતા.

હા, રાજા–મહારાજા હોય કે સુલતાન હોય(બધા એક જ, ફક્ત નામ જુદાં), એટલે એમના શાહી ખજાના પણ હોવાના. અહીંનો ખજાનો જગતભરની સ્ત્રીઓને વધુ લલચાવતો એ કહેવાની જરૂર ખરી? ખજાનો જોયા પછી તો, આંખ સામે કલાકો સુધી અંધારું છવાયેલું રહે અથવા તો જાતજાતના રંગીન ઝબકારા જ દેખાયા કરે એમાં કોઈ નવાઈ નહીં. ઝવેરાતમાં જે કોઈ પથ્થરની, મોતીની, નીલમ ને માણેકની ગણના થતી હોય તે બધું જ અહીં જુદા જુદા સ્વરૂપે મોજુદ હતું. શરીરે સજાવવાના તો ખરાં જ પણ શસ્ત્રોને પણ હીરા–માણેકથી સજાવેલાં! આપણે છાપામાં સોના–ચાંદીના રોજ વધઘટ થતા ભાવોને જોતાં જ રહીએ ને આ અણમોલ ખજાનાઓ જોઈને તો બેભાન બનવાનું જ બાકી રાખીએ એવો ઝગઝગ ખજાનો.

આ ખજાનાનું મુખ્ય આકર્ષણ તે છ્યાંસી કૅરેટનો જમરૂખ કે પેર આકારનો નાયાબ હીરો! દુનિયાના કેટલાક શ્રેષ્ઠ ને કિમતી હીરામાં એની ગણના થાય છે. હવે આવો હીરો હોય એટલે એની પાછળ એની અજબગજબની વાર્તાઓ કે વાયકાઓ પણ હોવાની. એક વાર્તા મુજબ, મદ્રાસના કોઈ મહારાજા પાસેથી ફ્રાન્સના કોઈ ઓફિસરે એ હીરો વેચાતો લીધો હતો. (એટલે મૂળ તો એ હીરો આપણો જ કહેવાય, જે હાલ ઈસ્તમ્બુલના શાહી ખજાનાની શોભા છે!) જુદા જુદા હાથોમાંથી ફરતાં ફરતાં એ હીરો નેપોલિઅનની માએ ખરીદી લીધો. ને એણે ઘણો સમય એ હીરાને ડોકે સોહાવ્યો. નેપોલિઅન જ્યારે લડાઈમાં હાર્યો ત્યારે એને છોડાવવા માએ હીરો વેચવા કાઢ્યો. એક લાખ સોનામહોરો આપીને અલી પાસાના માણસે એ હીરો ખરીદી લીધો, ખજાનામાં જમા કરાવવા માટે પણ એની રાજદ્રોહના ગુનાસર કતલ થઈ અને એનો ખજાનો ઓટોમન સામ્રાજ્યમાં જમા કરાયો. આ બધી ચમકદમક પાછળ કેટલાં ખૂનખરાબા ને કેટલા નિ:સાસાઓ!

આ હીરાને પાછો ચમચી બનાવવાવાળાના હીરા તરીકે પણ ઓળખાય છે. ‘સ્પૂનમેકર્સ ડાયમંડ’. આ નામ પાછળ પણ વાર્તા તો હોવી જ જોઈએ ને? તો એક વાર્તા મુજબ, ઈસ્તમ્બુલનો એક માછીમાર યેનીકાપી નામની જગ્યાએ, કોઈ કામકાજ વગર જ દરિયાકિનારે ભટકતો હતો, ત્યારે એના એક હાથે આ કિમતી હીરો રેતીમાંથી ઉઠાવીને એના ખીસામાં મૂકી દીધો. થોડા દિવસ અજાણપણે બાદશાહી માણ્યા બાદ, હીરાની કિંમતથી બેખબર એ કોઈ ઝવેરીની દુકાને એ હીરો વેચવા લઈ ગયો. ઝવેરીએ એને હીરાની કિંમત ઝીરો બતાવી! વળતામાં ઉપકાર કરતો હોય તેમ કહ્યું, ‘હું તને ત્રણ ચમચી આ હીરાના બદલામાં આપું.’ માછીમાર હીરાના બદલામાં ત્રણ ચમચી લઈ ખુશ થતો ગયો. જ્યારે બીજી વાર્તામાં બહુ દમ નથી. કોઈ ચમચી બનાવવાવાળાને આ હીરો મળેલો એટલે એવું નામ અથવા હીરાનો આકાર ચમચી મૂકવાના વાટકા જેવો દેખાય એટલે આવું નવાઈનું નામ.

જે હોય તે, ત્રણેક કલાક મહેલમાં ચક્કર માર્યા પછી ને ખાસ તો ખજાનાથી અંજાયા પછી, પેટની ભૂખ સંતોષ્યા સિવાય છૂટકો નહોતો. અમે પહોંચ્યાં ટર્કિશ ફૂડની એક સુંદર જગ્યાએ, જ્યાંનું ભોજન? લાજવાબ! સુંદર ટર્કિશ ડેકોરેશનવાળા મકાનમાં ડાઈનિંગ ટેબલો પર ગોઠવાઈને મેનૂકાર્ડમાંથી જોઈને અમારે પહેલી વાર ઓર્ડર નોંધાવવાના હતા. રોજ રોજ બૂફેની એકની એક વાનગીઓથી કંટાળેલાં એટલે પહેલાં મેનૂ ને પછી ભોજન પર અમે રીતસરનાં તૂટી જ પડેલાં. બાસ્કેટમાં ગરમ ગરમ બ્રેડ, જાતજાતનાં સેલડ, બે–ત્રણ જાતનાં દહીં, પનીર ને ચીઝની છ–સાત વેરાયટી ને દાળ, ભાત સાથે બાફેલી પાલક, બાફેલા બટાકા ને વટાણા પણ પીરસાયાં. અમે પાલક મટર પનીર ને આલુ મટર પનીર મિક્સ કરીને બે શાક બનાવી કાઢ્યાં. ઉપર મસાલા છાંટીને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી–બહુ દિવસે.

છેલ્લે, બધા ટેબલ પર ટર્કિશ મીઠાઈ બકલાવાની ડિશ સાથે, એક એક નાની વાટકી પણ બધાંની સામે મૂકાઈ. બકલાવા તો ખાન હૉટેલમાં ચાખેલી પણ વાટકીમાં શીરા જેવું શું હતું? એ તો ઘઉંના લોટનો શીરો હતો, જેમાં ખાંડની જગ્યાએ મીઠી દ્રાક્ષનો રસ નાંખેલો! અદ્ભૂત! અદ્ભૂત! આજ પહેલાં ક્યારેય આવો શીરો બનાવવાનુંય નહોતું વિચાર્યું કે કશે એનું નામેય નહોતું સાંભળ્યું, એટલે અમે તો શીરો ખાઈને તૃપ્ત, સંતૃપ્ત કે પરિતૃપ્ત જે ગણો તે થઈ ગયાં. ‘આવો સીરો તો આપણે બાપજિંદગીમાં હો કોઈ દા’ડો ખાધો નથી. આ લોકો હો સીરો બનાવે કે? નવાઈ કે’વાય! કેટલો મસ્ત!’ બીજી વાટકી મળે એની રાહમાં થોડી વાર અમે બેઠાં પણ શીરો તો લિમિટેડ જ હતો! ચાલો કંઈ વાંધો નહીં. નવી નવાઈના શીરાની એક મીઠી યાદ તો ઘરે લઈ જવાનાં તેના સંતોષ સાથે ઉઠ્યાં. એ શીરો ટર્કિશ ડીલાઈટ–‘લોકમ’ તરીકે ઓળખાય. જાતજાતનાં સીરપ ભેળવીને જુદા જુદા સ્વાદવાળી આવી કેટલીય સ્વાદિષ્ટ મીઠાઈઓ બને. વાહ! મજા આવી ગઈ. નામ જ એનું લોકમ, પછી ઓછી જ મળે ને?










તસવીરો ગુગલની મહેરબાની.

રવિવાર, 14 ઑગસ્ટ, 2016

છેલ્લી વાર ઈસ્તમ્બુલ

‘આપણો કનક્કલેની ઓ’ટલમાંથી જવાનો ટાઈમ તો જાણે બો જલદી આવી ગીયો એવુ લાઈગુ! આઈવા હું, રી’યા હું ને અ’વે ચાઈલા હો! હવારથી વે’લ્લા ઊઠીને ફરવા નીકરી પડવાનું ને હાંજે થાકીને આવીને, ખાઈ–પીને હૂઈ જવાનું. નિરાંતે રે’વા તો મલે જ નીં. એકાદ બે દા’ડા વધારે રે’તે તો હારુ.’ મેં ઉદાસ થઈ અફસોસની શરૂઆત કરી, પણ મને સાથ આપવાને બદલે બંને બહેનો મને લેક્ચર આપ્પા બેહી ગઈ, એટલે મેં મનમાં જ બધું બબડી લીધું. દરિયાકિનારે હૉટેલ હતી ને રમણીય વાતાવરણ હતું. બે ઘડી દરિયાકિનારે બેસતે ને લહેરો સાથે બે વાત કરતે કે ‘ભાઈ, અમને તો તમારુ ટર્કી બો ગઈમુ. પાછા ક્યારે આવહું કોણ જાણે. હજુ ઈસ્તમ્બુલ જોવાનું હો બાકી છે પણ મને ખાતરી છે, કે તાં હો બો મજા આવહે. મારે અ’જુ રે’વુ છે. જવાનું બિલકુલ મન નથી થતુ પણ હું થાય? એટલા પૈહા નથી લાઈવા, ઘેરેથી હો મંગાવાય એવુ નથી તે તમે જાણે હારી રીતે. પણ તમે કેવી રીતે જાણે? તમે થોડા અમારા ઘરનાંને મળેલા છે? એક વાત ચોક્કસ છે પણ. અમે ઘેરે જઈને ટર્કીની બધી વાત કરહું ને એટલે એ લોકો હો, હો ટકા અંઈ આવ્વા હારુ તિયાર થઈ જ જહે. બસ, ત્યારે આપણે પાછા મળહું. તાં હુધી બાય બાય.’

બંને બેનોએ મને સમજાવી! ‘જો, આપણે કોઈ હો એટલા તાલેવાન નથી, કે મ’ઈનો હુધી આપણાથી ટર્કીમાં ધામા લખાય. એક કામ કરહું એના કરતા. આપણે બે–પાંચ વરહ કેથ્થે ફરવા નીં જહું, સોપિંગ બિલકુલ બંધ કરહું, કોઈના લગનમાં નીં જહું ને અડધા દા’ડા અપ્પાહ ખેંચી કા’ળહું. એમ જ હાદાઈથી ર’ઈને પૈહા બચાવહું તો કંઈ પૈહા બચહે ને બો બધા પૈહા બચાવીને પછી ખાસ અં’ઈ જ ફરવા આવહું બસ? નીં તો એક યુરોના આ બોત્તેર–તોત્તેર રુપિયા કાંથી કા’ડહું?’ આટલો બધો ભોગ આપવાનો વિચાર કરવો પડે એમ હોવાથી અને દિવસ લંબાવવાનું નક્કી કરવામાં, ત્રાજવાનાં બે પલ્લાંમાં ટર્કીનું પલ્લું તરત જ ઊંચું થઈ ગયું, એટલે તે ઘડીએ તો અમે પૈસા બચાવવાનો વિચાર પડતો મૂક્યો. રૂમ છોડવાની તૈયારી કરતાં કરતાં, રૂમને ને બાથરૂમને ત્રણેય જણે પોતાની રીતે ખૂણેખાંચરે નજર ફેરવીને ચેક કર્યાં. ક્યાંક કંઈ ર’ઈ ગ્યુ તો પાછા આવવાના કોઈ ચાન્સ નહોતા. ને હવે આપણને કોઈ પાસે કંઈ માગવાની તો શરમ જ આવે ને? તોય, બસમાં બેસતાં જ અંજુ બોલી, ‘હત્તેરીની! થેપલાનું પેકેટ તો ફ્રિજમાં જ ર’ઈ ગ્યુ.’

(‘અં’ઈયા કોઈને પૂછવું છે, કોઈ પાંહે થેપલા ઓ’ય તો?’ એ સવાલને મેં જેમ તેમ મનમાં ભંડારી દીધો.)
‘કઈ નીં અ’વે, બે દા’ડા જ બાકી છે. ચાલી જહે. આટલા દા’ડા થેપલાની મે’રબાની હારી ર‘ઈ જોકે.’ અમે બંને બોલ્યાં પણ સ્વાદપ્રિય અંજુને હવે બે લાંબા દિવસ થેપલાં વગર કાઢવાના વિચારે થોડી ઉદાસ કરી મૂકી. ખાન હૉટેલ છોડ્યા પછી વધારેમાં વધારે જો કોઈ ઉદાસ થયું હોય તો અંજુ. ભોજનના સ્વાદને બારીકાઈથી પારખનારને અગડમબગડમ ખાવાનું ચલાવવું પડે તે કેટલા દિવસ પોષાય? કોઈ ગુજરાતી ટૂર કંપની તરફથી આવ્યાં હોત તો? અહીં નાસ્તામાં અમે રોજ બધે પચાસ જાતનાં બ્રેડ જોયાં ને બે–ચાર જાતનાં ખાધાંય ખરાં પણ થેપલાંની તોલે કંઈ ન આવ્યું. હા, કાપાડોક્યામાં એક સાંજે, પૉટરી વિલેજની નાનકડી બજારમાં આંટો મારવા નીકળેલાં, ત્યારે ગરમગરમ બ્રેડની સુગંધે લલચાઈને અમે તરત જ એ નાનકડી બેકરીમાં પહોંચી ગયેલાં. તાજી, કાગળમાં વીંટેલી લાંબી બ્રેડની અમે રસ્તામાં ચાલતાં ચાલતાં જ્યાફત ઉડાડેલી તે સુગંધની યાદ હજીય મનમાં સચવાયેલી છે. જોકે, ત્યારે અમને બેને ચા–કૉફીની ખોટ પડેલી એટલે પછી બાકીની સૂકી બ્રેડ, બ્રેડશોખીન પારુલે ટેસથી પૂરી કરેલી.

ટર્કી દરિયાકિનારાનો દેશ, ટર્કી ખંડેરોનો દેશ, ટર્કી ઐતિહાસિક ઈમારતોનો દેશ, ટર્કીમાં બલૂનનું આકર્ષણ અને ટર્કી વિવિધ વ્યંજનોનો પણ દેશ! ઈસ્તમ્બુલ એટલે અસલનું કોન્સ્ટેન્ટિનોપલ! કોન્સ્ટેબલ ને ટિનોપાલ બોલતાં બોલતાં કોઈ અજબ મિશ્રણ બની ગયું આ તો! હજી જો ઈંગ્લિશમાં લખીએ તો યાદ ન રહે એવો સ્પેલિંગ બને. મેડીટેરેનીઅન સી! ઝડપથી બોલવામાં અચકાઈ જવાય, કે બોલતાં વાર લાગે એવા તો અઢળક સ્પેલિંગો અહીં ભરેલા છે. આપણે તો દરિયાનાં નામ પણ કેટલાં ટૂંકા જાણીએ! કાળો સમુદ્ર ને ભૂમધ્ય સમુદ્ર. હિંદ મહાસાગર ને અરબી સમુદ્ર. નામ પરથી જ અડધો ખ્યાલ તો આવી જાય. આપણે દરિયાની ખાડીને અલંકારિક ભાષામાં સામુદ્રધુની કહીએ! હજી અહીં તો, ડારડેનેલ્સના નામે ઓળખાય છે. ઘરે જઈને કહેવું હોય તો, આપણે આ બધાં લાંબા નામો થોડાં બોલવાના? આપણે તો જેમ બને એમ ટૂંકમાં વાત પતાવવા બેઠાં હોય ત્યાં, ને અડધાં તો યાદેય ના હોય.

દુનિયાની સાંકડામાં સાંકડી ચેનલ, જે એશિયન ટર્કી અને યુરોપિયન ટર્કીને જુદા કરે છે પણ આંતરરાષ્ટ્રીય અવરજવર માટે મહત્વની ગણાય તે ‘બોસ્ફોરસ’, કાળા સમુદ્ર અને મારમરા સમુદ્રને જોડે છે. (હવે મારમરા કે માર મારા તે નીં જોવાનું.) સવારે હૉટેલ છોડ્યા પછી બસમાં બેસતાં જ, ગાઈડે પોતાના ગુલાબી, ભરાવદાર ગાલોને વધારે ગુલાબી કરતાં, ખુશખબર આપતાં કહ્યું, ‘હવે આપણે ઈસ્તમ્બુલ જઈશું. ઈસ્તમ્બુલ જવા માટે આપણે વિશ્વપ્રસિધ્ધ ‘બોસ્ફોરસ’ પાર કરીશું.’ એના અવાજમાં કોઈ જુદો જ ઉમળકો ડોકાતો હતો. અલ્યા, તને હાની આટલી બધી ચટપટી થતી છે જવાની? તુ તો આટલા વરહમાં અ’જારો વાર ઈસ્તમ્બુલ ગીયો ને આઈવો ઓહે, તને હાની નવાઈ લાગતી છે? એ તો ધીરે ર’ઈને એણે શરમાઈને મમરો મૂઈકો, ‘મારી વાઈફ ઈસ્તમ્બુલ રહે છે. આવતી વખતે એને પણ થોડા દિવસ મારી મા સાથે રહેવા લઈ આવવાનો છું.’ આહાહા! આ તે માતૃભક્ત કે પત્નીભક્ત? ગાઈડ ટર્કિશ હતો અને પત્ની અહીં ટર્કીમાં પણ આ એશિયન કલ્ચર જોવા મળ્યું તેનો અમને આનંદ થયો. ઈસ્તમ્બુલ પાછું ત્રણ ભાગમાં વહેંચાયેલું. ઐતિહાસિક સુલતાનએહમત(અહમદ હોવું જોઈએ ને?) જે ગોલ્ડન હૉર્નની એક તરફ છે તો બીજી તરફ બેયોગ્લુનો મોજમસ્તીવાળો વિસ્તાર યુરોપની અસર હેઠળ છે. બોસ્ફોરસથી છૂટું પડેલું ઈસ્તમ્બુલ એશિયન રંગે રંગાયેલું છે. આ તો બધી ભૌગોલિક ફાળવણી, બાકી આપણા જેવા લોકોને આ બધી શી લેવાદેવા? આપણે તો, જે હોય તે ઈસ્તમ્બુલ એટલે ઈસ્તમ્બુલ.

ગાઈડે તો વાતવાતમાં અમને જોરદાર સરપ્રાઈઝ આપ્યું, જ્યારે અમારી વૅન કે ગાડી સીધી જ કિનારે ઊભેલી મોટી નૌકામાં સરકવા માંડી! ઓ બાપ રે! આ તો ફિલ્મોમાં ભજવાતું એકાદ દ્શ્ય હોય તેવું! કોઈ ગુંડાગૅંગની હોડીમાં અમારી ગાડીને ઉઠાવી લેવામાં આવી હોય તેવું જ લાગતું હતું. આટલી મોટી ગાડીમાં અમે બધાં બેઠેલાં ને પાછો બધાંનો કેટલો બધો સામાન! આજુબાજુ જોયું તો બીજી પણ કેટલીક બસ ઊભેલી જેના યાત્રીઓ સામાન બસમાં મૂકીને ઉપરના માળે જતા રહેલા. અમને પણ ગાઈડે કહ્યું, ‘જેને અહીં બેસવું હોય તે બેસે, ને ન બેસવું હોય તે ઉપર જઈને બેસે. ઉપર કૅન્ટીન પણ છે. હવે આપણે સામે પાર ઈસ્તમ્બુલ જઈએ છીએ.’ અરે વાહ! આ તો નવી જ સવારી ને નવો જ અનુભવ! પહેલાં બલુનરાઈડ ને હવે નૌકાવિહાર! છેલ્લી સફર તો યાદગાર બની જવાની. નીચે કોણ બેસે? ભાગો ઉપર.

બસમાંથી જેવાં ઉતર્યાં, કે ઠંડા પવનના સૂસવાટાએ અમને ધ્રુજાવી દીધાં. દરિયા પરના ઠંડા પવનનો સામનો કરતાં અમે ઉપર જઈ વહેલાં વહેલાં કાચની બારીવાળી કૅન્ટીનમાં હૂહૂહૂ... કરતાં ભરાઈ ગયાં. અમારા જેવા ઠંડીથી ગભરાતાં લોકો, ગોળાકાર કૅન્ટીનની સામેના પાટિયે બેસીને જતાં–આવતાં લોકોને જોતાં રહ્યાં ને ઠંડીની ઐસીકી તૈસી કરનારાઓ, ખાસ કરીને જુવાન છોકરાઓ ને છોકરીઓ, માથે સ્કાર્ફ કે ટોપી પહેર્યા વગર, બહાર ડેક પર ફરતાં રહ્યાં. મેં ને અંજુએ બહાર એક ચક્કર લગાવવાની કોશિશ કરી જોઈ પણ હાંજાં ગગડી જાય એવા ઠંડા પવને અમને પાછાં કૅન્ટીનમાં બેસાડી દીધા. પારુલ હિંમત કરીને બહાર એક બે ચક્કર મારી આવી. બાકી તો, ડેક પર ઉભેલાંઓને તો બહુ મજા આવતી હતી, તે જોઈને જીવ બળી જાય એવું જ હતું. બહુ નજીકથી ઉડતાં દરિયાઈ બગલાંને જુએ કે દરિયાની લહેરોને સડસડાટ કાપતી જતી નૌકાને જુએ? આહાહા! વાહ વાહ! એ લોકોની ખુશીના વિચારે અમે એક એક કપ કૉફી ને સૅન્ડવિચમાં સંતોષ માન્યો.
(તસવીરો ગુગલની મહેરબાનીથી)