ગુરુવાર, 16 એપ્રિલ, 2020

‘ચલ મન મુંબઈ’ (૨)


‘ઓપેરા હાઉસ’! એક ભવ્ય થિએટર, એક ભવ્ય મકાન અને ક્યારેય ભૂલી ન શકાય એવી યાદોનું જાણીતું સરનામું એટલે ઓપેરા હાઉસ. કેટલાંયે વરસો પછી ફરી એક વાર અમે ઓપેરા હાઉસની સામે ઉભા હતાં. અમે એટલે હું અને મારી બહેન પારુલ. બહુ નાનપણથી અમે અહીં સહકુટુંબ ફિલ્મો જોવા આવતાં. વિશાળ અને આલિશાન હૉલની આરામદાયક ખુરશીઓની સામે મોટું સ્ટેજ તો જાણે કોઈ નાટકની રજુઆતની તૈયારીમાં હોય એવા સુંદર રેશમી પડદાઓથી સજાવેલું રહેતું. કદાચ મરૂન રંગના, સોનેરી ઝાલરવાળા જ પડદા હતા. જૂની ફિલ્મોમાં આવતી એવી બૉક્સ બાલ્કનીમાં અમે હોંશે હોંશે બેસતાં ને દૂર પડદો ક્યારે ખૂલે તેની રાહ જોયા કરતાં. બેઠક વ્યવસ્થા પણ એટલી વ્યવસ્થિત કે હૉલના કોઈ પણ ખૂણે બેઠેલાને આખું સ્ટેજ દેખાય અને સિલિંગની કરામતને કારણે ઝીણામાં ઝીણો અવાજ પણ સ્પષ્ટ સંભળાય. અમે તો ઈન્ટરવલમાં પપ્પા પોપકોર્ન લાવશે કે આઈસક્રીમ તેની રાહ જોતાં દરવાજે આંખો માંડી રહેતાં. સપનાંની દુનિયામાં લઈ જવા તૈયાર એવી જ કોઈ મજાની ફિલ્મ જોઈને નીકળતી વખતે અમારાથી તો ઠાઠથી જ ચલાઈ જતું. જાણે કોઈ રાજા મહારાજાના દરબારમાંથી નીકળ્યાં! જો કે, આજે અમે એ દરબારની બહાર ઊભા હતાં.

આજે અમારે કોઈ ફિલ્મ જોવાની નહોતી કે એ મકાનમાં પ્રવેશવાનું પણ નહોતું. ફક્ત બહાર ઊભા રહી એનો ઈતિહાસ અને વર્તમાન જાણવાનો નાનકડો પ્રયાસ કરવાનો હતો. જુદી જુદી જગ્યાએથી આવેલા, ચડતી–ઊતરતી ઉંમરના અમે તેર જણ સવારમાં નવ વાગ્યે ત્યાં ગાઈડની સામે હાજર થઈ ગયેલાં. અમને શોખ હતો આ ગલીઓ, આ મકાનો નજરે જોવાનો, મનોમન એ ભૂતકાળમાં ખોવાઈ જવાનો અને એની ભવ્ય કહાણીઓ સાથે ઓતપ્રોત થવાનો. અઢી કલાક સુધી સૌ અમારા ગાઈડની સાથે એ જ્યાં કહે ત્યાં ચાલવા અને ઊભા રહેવા તૈયાર હતા. જો એ કહે કે ‘આ સ્વર્ગ છે’ તો અમે એને સ્વર્ગ માની લેવા પણ તૈયાર હતાં.


મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પર ઊતરી કોઈને પણ પૂછો, ‘ઓપેરા હાઉસ?’ એટલે બતાવેલી દિશામાં આપણે ચાલવા જ માંડવાનું. ફક્ત એક કિલોમીટરના અંતરે જાણીતા વિસ્તાર ગિરગામ પહોંચો એટલે ઓપેરા હાઉસ પહોંચ્યા જ સમજો. અરે, આ તો આખો વિસ્તાર જ કોઈ મકાનના નામે ઓળખાય. નજીક આવેલા બસ સ્ટેન્ડનું નામ પણ ઓપેરા હાઉસ! બસમાં અહીં આવવા માટે ટિકિટ કઢાવવી હોય તો? ‘એક ઓપેરા હાઉસ દેના’ બોલાય. આહા! બોલવામાં પણ કેટલી બાદશાહી લાગે.

અહીં ઊભા રહીને અમારી સાથે સૌએ ભૂતકાળમાં છલાંગ લગાવી. મુંબઈ સાંસ્કૃતિક શહેર તરીકે ટોચ પર હતું ત્યારની વાત. સન ઓગણીસસો ને આઠની સાલ. કલકત્તાના જાણીતા કલાકાર મૉરિસ બૅન્ડમૅન અને મુંબઈના પારસી વેપારી જહાંગીર ફ્રામજીએ ભેગા મળીને અહીં જગ્યા ભાડે લીધી ને નાટકનું થિયેટર ઓપેરા હાઉસ ઊભું કર્યું ઓગણીસસો ને અગિયારમાં. હજી કામકાજ ચાલુ હતું ત્યારે અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમે એનું ઉદ્ઘઘાટન કરી નાંખ્યું એટલે નામની આગળ છોગું લાગ્યું, ‘રૉયલ’ અને એમ એ બન્યું ‘રૉયલ ઓપેરા હાઉસ.’ જો કે, ઓગણીસસો પંદર સુધી એમાં કંઈક ને કંઈક સુધારાવધારા થતા જ રહ્યા. શરૂઆતમાં ફક્ત એમાં જાણીતા નાટકના કે સંગીતના પ્રયોગો જ થતા, પછીથી ફિલ્મોએ પણ પ્રવેશ કર્યો અને ત્યાર પછી તો બોલીવુડે એવું આક્રમણ કર્યું કે એ ફિલ્મી થિયેટર જ બની રહ્યું. અહીં મોટી મોટી ફિલ્મોના ભવ્ય અને ભપકાદાર પ્રિમિયર શો થતા. જ્યારે ચાહકોની ભીડ વચ્ચેથી એમના પ્રિય કલાકારો શાનથી પસાર થતા ત્યારે ચાહકોનાં દિલ ઝૂમી ઊઠતાં. પ્રિમિયરમાં હાજરી આપવી કે ઓપેરા હાઉસમાં ફિલ્મ જોવી, એક અણમોલ લહાવો બની રહેતો.

જાણીતા કલાકારોમાં તો બાલ ગંધર્વ, કૃષ્ણ માસ્ટર, બાપુ પેંઢારકર, માસ્ટર દિનાનાથ, જ્યોત્સ્ના ભોલે, પટવર્ધન બુવા, પૃથ્વીરાજ કપૂર અને લતા મંગેશકરે પોતાની કળાની સુવાસ આ હૉલમાં પ્રસારેલી અને પોતાનાં નામ ઓપેરા હાઉસ સાથે કાયમ માટે અમર કરી દીધાં હતાં. પછી તો માલિક બદલાયા અને ઓગણીસસો ને પાંત્રીસમાં આઈડિયલ પિક્ચર્સે ઓપેરા હાઉસની મરમ્મત કરી અને નવી ટાઈલ્સ ને રંગરોગાનથી એને ચમકાવ્યું. ઓગણીસસો ને એંસીમાં વિડિયો ફિલ્મોએ થિયેટરોને એક પછી એક બંધ થવા મજબૂર કર્યા. એની ઝપટમાં આટલું ભવ્ય થિયેટર ન આવે તો જ નવાઈ. આટલા મોટા મકાન અને ભવ્ય થિયેટરને જાળવવાનો અધધ ખર્ચો કોણ કરે? મકાનની દિવાલોનો રંગ ઊખડી ગયો, પડદા ફાટી ગયા, જીવજંતુ અને ઉંદરોના આક્રમણ સામે આ થિયેટર ખંડેર અને એની દુ:ખદ કહાણી બનવાની તૈયારીમાં હતું ત્યાં જ?

ભલું થજો ગોંડલના મહારાજા વિક્રમસિંહનું જેમણે આ થિયેટર વેચાતું લઈ લીધું અને એમના દીકરા જ્યોતીન્દ્રસિંહે બે હજાર ને દસમાં તદ્દન જર્જરિત થઈ ગયેલા ઓપેરા હાઉસને ફરીથી એના મૂળ રૂપે બેઠું કર્યું. કાચનાં બે સુંદર મોટા ઝુમ્મર, જે ડૅવિડ સાસૂનના કુટુંબે અહીં ભેટ આપેલા તે આ થિયેટરની શોભા વધારતાં હતાં. પ્રવેશદ્વારના ગોળ ગુંબજ પર આઠ ભાગમાં કળાના દરેક ક્ષેત્રના કલાકારોને અંજલિ અપાઈ. પછી તો સાંસ્કૃતિક વારસામાં ઓપેરા હાઉસનો સમાવેશ થયો અને એની જાળવણીની કાળજી લેવાઈ તો લોકોને ફરી એક વાર આ ભવ્ય મકાનને એ જ અવતારમાં જોવાનો લહાવો મળ્યો.

ઓપેરા હાઉસનો આ દબદબો કે આ ઈતિહાસ અહીં આવ્યા વગર જાણી શકત ખરાં? કદાચ અહીંતહીંથી માહિતી મેળવીને જાણી પણ લેત તોય એની સામે ઊભાં રહીને મુગ્ધ બનીને એને જોતાં જોતાં એની અદ્ભુત વાતો સાંભળવાની મજા લઈ શકત ખરાં? નહીં જ વળી. એના માટે તો જાતે જ ઓપેરા હાઉસ જવું પડે. ચાહે બહાર ઊભા રહીને મકાનને જોયા કરો અથવા ભલે એક વાર થોડા પૈસા ખર્ચાય પણ અંદર ફરવાનો ને થિયેટરની દિવાલોને સ્પર્શવાનો, એની ખુરશીમાં બેસવાનો અને ત્યાં એકાદ ફિલ્મ જોવાનો લહાવો લઈને સ્વર્ગની અનુભૂતિ કરવામાં કંઈ ખોટું છે?

કોઈક વાર આ લહાવો પણ લઈશું. હવે બીજી ઈમારતની કહાણી પણ આવી જ હશે? કોને મળશું? ક્યાં લઈ જશે આ ગાઈડ? ચાલો જઈએ તો ખરાં.