રવિવાર, 26 ઑક્ટોબર, 2014

સેલિબ્રિટી ઝાડુ

જેણે પણ આ કહેવત બનાવી હશે કે, ‘હર કુત્તેકે દિન બદલતે હૈં’ તેણે ખરેખર સમાજ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. કાયમ બડાઈ મારતા કે ફોગટની હોશિયારી મારતા સજ્જન જ્યારે ચૂપચાપ રસ્તો કાપી જાય ત્યારે સમજવું કે હવે એમની બડાઈના દિવસો ગયા. કોઈ રાજા અચાનક જ ગરીબડા પ્રજાજનના રોલમાં આવી જાય ત્યારે સમજી લેવું કે, રાજાના દિવસો ભરાઈ ગયા ! આજકાલ ઈલેક્ટ્રિક સફાઈ મશીનથી માંડીને પ્લાસ્ટિકીયા ઝાડુના દિવસો ખરાબ ચાલી રહ્યા છે. સાદાસીધા ઝાડુના કે સાવરણાના સોનેરી દિવસોનો જમાનો આવ્યો છે. ઝાડુના સોનેરી દિવસો લાવવામાં કોઈ ગૃહિણીનો ફાળો નથી તે જાણી મને થોડું દુ:ખ થયું પણ પોતાના સાથીના સોનેરી દિવસો આવવાથી ગૃહિણી ખુશ છે. ચાલો, કોઈનો તો ઉધ્ધાર થયો. જો શિલાની અહલ્યા થાય તો ઝાડુનો શો વાંક ? ઝાડુના ઉધ્ધાર માટે જરૂર હતી ફક્ત કોઈ નેતાની. થોડો સમય પહેલાં એક નેતાએ ઝાડુના નામે વૈતરણી પાર કરવા ચાહી પણ ઝાડુ શાણું નીકળ્યું ! લાંબો સમય સાથ આપવાનો પોતાનો સ્વભાવ હોઈ એણે પણ એવો જ સાથીદાર શોધ્યો, જે એની કિંમત કરી જાણે.


આખરે સમાજના દરેક વર્ગના લોકોને પ્રોત્સાહિત કરવા કે દરેકને કામે લગાડવા ખાતર પણ ઝાડુએ સેલિબ્રિટી બનવાનું સ્વીકાર્યુ અને દેશમાં તો જાણે વાવાઝોડું આવી ગયું. વાવાઝોડામાં હલકાફુલકા તણખલાં તો ઊડી ગયાં પણ સાથે સાથે ન જોઈતો કચરો પણ ઘુમરી ખાઈને દૂર ફેંકાઈ ગયો ! લોકોએ હોંશે હોંશે ઝાડુને અપનાવી લીધું અને એના સંબંધી સાવરણાને પણ સમાવી લીધો. દેશમાં ઝાડુ અને સાવરણા ઉદ્યોગમાં જબરદસ્ત તેજી આવી ગઈ. નવા કારખાનાં નાંખવાના પ્લૉટ નક્કી થવા માંડ્યા ને ઝાડુના ભાવના ટેન્ડરો પણ બહાર પડવા માંડ્યા ! સાદાસીધા ઝાડુ કે સાવરણાને પણ ડિઝાઈનર લુક કઈ રીતે આપી શકાય તેની ચર્ચાઓ થવા માંડી. ભઈ, આખરે તો સેલિબ્રિટી ઝાડુ છે. ગમે તેવા રેંજીપેંજીના હાથમાં ન શોભે. જેને સેલિબ્રિટીઓ પણ પ્રેમથી, નાજુકાઈથી ને સ્ટાઈલથી પકડે તેવા ઝાડુ કે સાવરણાને જરા વ્યવસ્થિત દેખાવ જ આપવો પડે.

મેં તો જ્યારથી બધી મોટી મોટી હસ્તીઓને સાવરણા લઈને ફોટા પડાવતા જોયા ત્યારથી નક્કી કર્યું કે, એકાદ–બે ડિઝાઈનર ઝાડુ ને સાવરણા વસાવી જ લેવા. યોગાનુયોગ તો જુઓ ! દિવાળીની સાફસફાઈનો ટાઈમ અને દેશભરમાં ઝાડુ ને સાવરણા દરેક ચૅનલ પર કોઈ સેલિબ્રિટીની જેમ–સેલિબ્રિટીઓના હાથમાં ફરતા રહ્યા ! ઘણા મહાનુભાવોએ પોતાની ફરતે બૉડીગાર્ડ્સની સાંકળ રચાવી અને પછી સફાઈકામ કર્યું. ભઈ, સાવરણાને કે મહાનુભાવને કોણ ઉઠાવી જવાનું હતું ? ઉલટાના સાથી હાથ બઢાના કે સાથી સાવરણા બઢાનાની જેમ લોકો પણ વાળવા ને ઝૂડવા મંડી પડત કે નહીં ?

ઘણા તો, નવરાત્રિની અસર નીચે કે ગરબાના ઘેનમાં, ગોળ કુંડાળું કરીને સાવરણા સ્ટેપ લેવાના હોય એમ ઊભા રહી જતાં ! બધાના સાવરણા વચ્ચે ભેગાં થાય અને જોરમાં હો... બોલાય એટલે સાવરણા હવામાં ઊંચકાય. વળી હઈસો... હઈસો..સંભળાય એટલે રસ્તો વાળતાં હોય એવાં સ્ટેપ્સ આવે ! છેલ્લે હો... બોલાય એટલે બધાના સાવરણા પાછા વચ્ચે ભેગા થાય. નવી જાતના ગરબામાં ટીવી ચૅનલોને પણ ભારે રસ પડ્યો હોઈ એમણે આખો દિવસ સાવરણા પ્રસારણ ચાલુ જ રાખેલું.

મને જો કોઈ આકર્ષી ગયું હોય તો પેલા ડિઝાઈનર ડ્રેસમાં આવેલાં દેશના ટોચના ઉદ્યોગપતિના પત્ની. કેટલો સુંદર ડ્રેસ ! ને કેટલી નાજુકાઈથી એ બહેન સાવરણાને પકડી રહેલાં ! જાણે કે, સાવરણાની બોચી કે કમર નાજુક સળીની બનેલી હોય અને હાથમાં લેતાં જ એમાં(શેરબજારની જેમ) કડાકો બોલશે ને સાવરણો કડડભૂસ ! એટલા માટે તો એ બહેન એક જ જગ્યાએ સાવરણો પકડીને ઊભાં રહી ગયેલાં ! જો કોઈ અકસ્માત થાત–સાવરણાનો, તો પછી તાત્કાલિક ગાડીમાંથી બીજો સાવરણો લાવવાનો, ફરી નાજુકાઈથી આભાસી કચરો વાળવાનો કે પોતાનો વાંકા વળવાનો પોઝ આપવાનો એ કેટલું ભારે પડત ? જેમણે કોઈ દિવસ પોતાના ઘરમાં ઝાડુ ક્યાં મુકાય છે એ જોયું ન હોય, તે બહેન આમ સાવરણો લઈને મિડિયાની સામે હસતાં હસતાં સાવરણો પકડીને ફોટો પડાવે તે હિંમતનું કામ તો કહેવાય જ. મને એ પ્રેરણા પણ મળી કે, ઘરમાં ભલે ને શેકેલો પાપડ ન ભાંગતા હોઈએ પણ સમાજમાં સારું દેખાય ને ખાસ તો મિડિયામાં ચમકવા ખાતર, જો ટૉયલેટ સાફ કરવું પડે તો પણ કરી નાંખવું. દુનિયામાં વાહ વાહ થશે એ નક્કી ને આમજનતાને પ્રેરણા મળશે એ પણ નક્કી.

બસ, આ ધનતેરસ પર તો મેં જીદ જ પકડી કે, દર વરસે ભલે આપણે સો રૂપિયાનો ચાંદીનું પાણી ચડાવેલો સિક્કો લઈએ, પણ આ વરસે તો મારે એક ડિઝાઈનર ડ્રેસ, એક ડિઝાઈનર સાવરણો અને બે ડિઝાઈનર ઝાડુ જોઈએ, જોઈએ ને જોઈએ જ. સ્ત્રીહઠ હું બહુ અજમાવતી નથી કારણ કે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે કામ ન આવે. દિવાળીને બહાને મારે બહુ માથાકૂટ ન કરવી પડી. મને લાગે છે કે, કદાચ સામા પક્ષે પણ ટાળી જ મૂકી. નકામી દિવાળી કોણ બગાડે ? આખરે ધનતરસ પર અમારે ત્યાં ઝાડુ ને સાવરણાની પધરામણી થઈ અને દિવાળીને દિવસે એમની પૂજા થઈ ! આખરે સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે ને જ્યાં સ્વચ્છતા છે ત્યાં લક્ષ્મીનો પણ વાસ છે. તો થઈ ગયું ને મારું લક્ષ્મીપૂજન ? મેં તો આ વરસે બધાને સાલ મુબારકની સાથે ઝાડુ મુબારક પણ કહી દીધું. જે જાણે છે ને સમજે છે, એ જ સમજશે ને જાણશે ઝાડુનો મહિમા. બાકી જે ન સમજે તે ભલે સાલ મુબારક કર્યા કરતા. તો મારા તરફથી સૌને ઝાડુ ને સાવરણા મુબારક. (જેના પ્રભાવથી દેશની સુરત બદલાઈ તે મારી સુરત નહીં બદલે ?)

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

ઘૂઘરા જેવો સ્વભાવ

દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી ! જે હોય એનાથી જ ચલાવી લઈએ. એટલે જ જાતજાતની ઉપમા આપી શકીએ એવા વૅરાયટીવાળા સ્વભાવો આપણને મળી આવે.


શરૂઆત આપણે શ્રીફળ વધેરીને એટલે કે, શ્રીફળ જેવા સ્વભાવની વાત કરીએ તો ક્રોધી વ્યક્તિ વિશે એ પોતે જ કે પછી એનાં વહાલાંઓ કહેતાં હોય, ‘એ તો બહારથી એવા દેખાય બાકી અંદરથી તો બૌ સારા, એમના મનમાં કાંઈ નો મલે.’(!) બહારથી એવા એટલે કેવા ? બીજાનાં છોડાં ફાડી નાંખે ને માથું ફોડી નાંખે એવા કે પછી કોઈ એમનાં છોડાં કાઢે કે માથું ફોડે ત્યારે પરચો બતાવે તેવા ? એ તો માથું ફૂટે ત્યારે ખબર પડે !

ઘણાનો સ્વભાવ અગરબતી કે દીવા જેવો હોય ! પોતે બળે ને બીજાને સુગંધ કે અજવાળું આપે. કોઈ દિવસ જોયું કે, બીજાનું સારું જોઈને કોઈ બળતું હોય કે જલતું હોય ત્યારે એના મોંમાંથી અમૃતવચનો નીકળતાં હોય ? ખુશીથી ચહેરો ચમકતો હોય ? ઉલટાનું એવા સમયે તો, પોતે બળે ને સાથે બીજાને બી બાળે અથવા છીંકાવે ! ઘણી વાર તો ઊભા ને ઊભા સળગાવી કાઢે ! વળી, ઘણાં તો આ બળવાનો લહાવો પોતે જ લીધે રાખે. ભઈ, બીજાને પણ કોઈના માટે ઘસાવાના કે બળવાના મોકા આપો. ટ્રેઈનિંગ આપો ને એકબીજાના ઘરમાં સુગંધ કે રોશની ફેલાવવાનો જશ બીજાને પણ મળે એવા પ્રસંગો ઊભા કરો. (દિવાળીમાં કંઈ નહીં તો મારી જેમ સલાહો આપો.)

પૂજા થઈ ગઈ. હવે ખાવાની વાત. દિવાળીમાં જે ખાસ ખાસ નાસ્તા બને છે એની પાછળ એક ચોક્કસ ગણિત રહેલું છે. આપણે તો બે ચાર નમૂના જ જોઈએ.

ચકરી જેવો સ્વભાવ. એક વાતની પાછળ મંડી રહીને તેનો અંત આવે ત્યારે જ પીછો છોડવો અથવા તો લીધેલી વાત પૂરી કરવા ગોળ ગોળ ફર્યા કરવું અથવા પોતે કેન્દ્રમાં રહી બધાંને ગોળ ગોળ ફરતાં કરી દેવા ! તેલમાં તળાતી કે જમીન પર ફરતી ચકરી જોઈને મને આવા લોકોની યાદ કે દયા આવી જાય. જોકે, ચકરી સૌને પ્રિય હોય છે, જો એ દાંતતોડ ન બની હોય તો !

બુંદીના લાડુ. ઘીમાં તળાઈને ચાસણીમાં નીતરેલી બુંદીને જ્યારે થાળીમાં પથરાયેલી જોઉં ત્યારે મને, વેકેશનમાં રમવા નીકળી પડેલાં બાળકોની યાદ આવી જાય. વડીલોના પ્રેમની મીઠાશ જ્યારે એમને બે હથેળીમાં સમાવીને એક સૂત્રે બાંધી દે ને દિવાળીમાં ઘરમાં ગોંધી દે કે ખોળામાં ઢબૂરી દે....બસ એ જ પ્રેમની દિવાળી. પણ, એ જ મીઠાશ ને એ જ પ્રેમ હવે જવલ્લે જ જોવા મળે છે કારણ કે, હવે બુંદીના લાડુ જ બનતા ઓછા થઈ ગયા.

મઠિયા ને ચોળાફળી. (સુરતમાં ચોરાફરી બોલાય.) મોંમાં જતાં પહેલાં બહુ જ અથડાઈને–કુટાઈને–ટિચાઈને આખરે ગરમ ગરમ તેલમાં તળાયા પછી, મનભાવન દેખાવ ને નાકમાં દૂરથી પેસી જતો મઘમઘાટ પામી શકે છે. ઘણાંનો સ્વભાવ એમનાં કપાળની કરચલીઓમાં કે બારણે ઊભી રહેલી ગાડીઓમાં દેખાઈ આવે છે.

દિવાળીના નાસ્તાઓમાં ઘરમાંથી વિદાય લઈ રહેલી ને પેકેટમાં પાછી ફરતી આ બધી વાનગીઓમાં એક જ વાનગી એવી રહી ગઈ છે, જે  ઘરના જેવી તો ન જ બને પણ બધાંનાં ઘરમાં બને જ બને. તે છે ઘૂઘરા. ઘૂઘરામાં ખાંડવા–કૂટવાની માથાકૂટ નહીં. ફક્ત યોગ્ય પ્રમાણમાં સાંજો તૈયાર થયો હોય, કાળજીથી બનેલી પૂરીમાં ઢંકાયો હોય ને સુંદર કાંગરી વડે ઘૂઘરો જો શણગારાયો હોય તો બસ. ગળામાં લસરાવવાની જ વાર. કદાચ ઘૂઘરાના આકારની પ્રેરણા, પહેલો ઘૂઘરો બનાવનારને આપણી આંખના આકાર ને પાંપણની ઝાલર પરથી મળી હશે !  

ઘૂઘરામાં જોકે મીઠાશ મળવાની ગૅરંટી. વળી ઘીમાં બનતા હોવાથી અને સાંજામાં વિવિધતા હોવાથી મોંમાં મમળાવીને ખાધા બાદ સો ટકા સંતોષની પણ ગૅરંટી. ભલે કોઈ પોલા હોય કે ખખડતા હોય પણ ઘૂઘરા એટલે ઘૂઘરા. (ઘૂઘરા જેવો સ્વભાવ એટલે જ કદાચ સૌને પ્રિય છે.) કદાચ કોઈ ખામી હોય તો તે પણ ડબ્બીમાં બંધ હોવાથી કોઈને દેખાતી નથી. ડિશમાં મૂક્યા હોય તો, ચોળાફળી કે મઠિયાંની જેમ પહોળા થઈને, પથરાઈને, ડિશ રોકીને બેસી નથી જતા. બીજાઓને પણ પ્રેમથી જગ્યા કરી આપે છે. ખાસ કોઈને ભારે પડતા નથી અને ઘૂઘરા બનાવવા માટે બીજા કોઈની ઉપર આધાર પણ રાખવો પડતો નથી. કોઈને આજીજી કરવી પડે કે બનાવવાનું જ માંડવાળ કરવું પડે એવું ઘૂઘરાના કિસ્સામાં ભાગ્યે જ બને.

‘ઘૂઘરા બનવું’નો એક અર્થ થાય છે ખુશખુશાલ થવું, ખુશખુશાલ બનવું કે ખુશખુશાલ રહેવું. લો, આ તો બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી ગયો. એટલે હવે કોઈ પૂછે કે, ‘કેમ છો ?’ તો.... ?



તો કહેવું કે, ‘ઘૂઘરા જેવા.’ કોઈના સ્વભાવ વિશે કહેવું હોય તો ? ‘અરે, એમનો સ્વભાવ તો ઘૂઘરા જેવો છે.’ હવે દિવાળી સિવાય પણ આપણે ઘૂઘરાને બારે માસ યાદ રાખી શકીએ ને એનો યથાયોગ્ય પ્રચાર પણ કરી શકીએ. ચાલો આપણે ઘૂઘરાનો જયજયકાર કરીએ. ‘જય ઘૂઘરા’.            

રવિવાર, 12 ઑક્ટોબર, 2014

દિવાળીના કામની ધાડ

દશેરાના જલેબી–ફાફડા અને ચંદની પડવાના ઘારી–ભૂસામાંથી મેળવેલા સંતોષની સામે, શરીરમાં જમા થયેલી ચરબીનો હું હિસાબ માંડવા જ બેઠેલી કે બારણે પતિદેવ પધાર્યા ! હાથમાં એક નાનકડી સીડી ! સ્વર્ગની સીડી આટલી નાની ? અરે વાહ ! તો તો સ્વર્ગ હવે હાથવેંતમાં ! હું હંમેશાં આવા જ વિચારે ચડી જતી હોઉં ને પતિદેવની ગણતરી કંઈક જુદી જ હોય. ઘરમાં દાખલ થતાં જ એમને પોતાનો માલિકીભાવ યાદ આવી જાય.


 ‘આમ બાઘાની જેમ મારી સામે જોયા નહીં કર. આ સીડી લે ને બાજુએ મૂકી દે.’ એ તો પોતે પણ મૂકી શકે ને ? જે માણસ બજારમાંથી ઘર સુધી સીડી લાવી શકે, તે માણસ ઘરમાં આવતાં જ કેમ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવી બેસતો હશે ? ઘરમાં દાખલ થતાં જ અચાનક એને એમ થઈ જાય કે, આ સીડીનો ભાર હવે મારાથી નહીં ખમાય. કદાચ મને ચક્કર આવી જશે અથવા મારાથી સીડીનો ગમે ત્યાં ઘા થઈ જશે. હાથે કરીને ઉપાધિ વહોરવી એના કરતાં પોતાનો ભાર બીજાને સોંપી દેવો.

મને તો સીડી જોઈને જ એટલું બધું આશ્ચર્ય થયેલું ને કે, ચા–પાણી પૂછવાનું ભૂલી હું સીડી વિશે જાણવા તત્પર બની.

‘કોઈ દિવસ નહીં ને આજે સીડી લાવ્યા ?’
‘દિવાળીની સાફસફાઈ કરવાની છે કે નહીં ?’
‘પણ એમાં સીડી લાવવાની શી જરૂર ? દર વર્ષે તો હું ટેબલ પર ચડીને જ સાફસફાઈ કરું છું ને ? હજી તો વાર છે. દિવાળીના કામની એવી તે શી ધાડ ? જોજો ને, બે દિવસમાં તો ઘર સાફ.’ કોઈની રાહ જોવાની એના કરતાં મેં મારાં જ વખાણ કરી લીધાં.
‘આ વખતે ઘરની સાફસફાઈમાં હું તને મદદ કરવાનો છું એટલે, સમજી ?’
મેં મારા હાથ પર ચીમટો ભર્યો કારણકે નાની અમથી ચૂંટી ખણવાથી કામ નહોતું ચાલવાનું.
‘તમે....? ને મદદ ? મશ્કરી સમજીને જવા દઉં છું.’
‘ના ના, સિરિયસલી. જો આટલા ફોન નંબર તું પહેલેથી જ લખીને સામે મૂકી રાખ. જો અચાનક જ જરૂર પડે તો ગભરાઈ નહીં જતી. લખ–પોલીસ સ્ટેશનનો નંબર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફૅમિલી ડૉક્ટર અને આ નજીકની હૉસ્પિટલનો નંબર છે.‘
‘હવે પહેલી વાર દિવાળીમાં ઘરમાં મદદ કરવાનો વિચાર કર્યો તેમાં પણ આટલો ડર ? અમે તો વર્ષોથી ઘર સાફ કરીએ છીએ. ડેટોલ અને બૅન્ડ એઈડ સિવાય કોઈની જરૂર નથી પડી. સીડી લાવ્યા તે બદલ ધન્યવાદ અને તમારા શુભ આશય બદલ પણ હું તમારી ઋણી છું, પણ તમે દર વખતની જેમ આરામ કરજો અથવા બે–ચાર ફિલ્મો જોઈ નાંખજો. ઘર અમે સાફ કરી નાંખશું.’
‘જો, મેં અઠવાડિયાની રજા લીધી છે. નજીકની લૉજમાં ટિફિન પણ નોંધાવીને આવ્યો છું. આ વખતે તો હું ઘર સાફ કરીને જ રહીશ. જોઉં તો ખરો કે, તમે એવી તે કેવીક ધાડ મારો છો કે, દર વર્ષે દિવાળીના દિવસો પહેલાંથી જ મને બીવડાવી–બીવડાવીને અધમૂઓ કરી નાંખો છો ! આપણે આ વખતે સહિયારી સાફસફાઈ કરશું. તું જાળાં પાડજે, હું કચરો વાળીશ. તું લાદી ઘસજે, હું પાણી રેડીશ. તું ફર્નિચર ચમકાવજે, હું ગોઠવવા લાગીશ. જો, ના નહીં પાડતી. મને આ વખતે મદદ કરવા દેજે.’

મનમાં બધું વિચારતાં મને તો ખૂબ મજા પડતી હતી. ભારે ગમ્મત થવાની. ચાલો, આટલો આગ્રહ કરે જ છે તો હું પણ પાણી માપી જ લઉં. મેં એમનો આભાર માન્યો અને બીજા દિવસથી વહેલા ઊઠીને કામે લાગવાનું છે તે જણાવી દીધું.

મારી નવાઈ વચ્ચે બીજા દિવસે તો એ સવારની ચા ને છાપું લઈને હાજર ! હું તો ખુશી ખુશી ચાનો કપ લેવા ગઈ તો ભોંઠી પડી !
‘આ તો મારી ચા છે, તું તારી મૂકીને પી લે. આજે તને મારી ચા મૂકવામાંથી છુટ્ટી.’
‘મેં તો કાયમ આપણી ચા મૂકી છે. ક્યારેય તારા–મારા ભેદભાવ નથી રાખ્યા. આવું કરવાનું ?’
‘સૉરી, તું કાલથી આપણી ચા મૂકી દેજે બસ ?’

દિવાળીના કામમાં કોઈ અપશુકન કરવા માંગતી ન હોવાથી મેં મારી ચા મૂકીને પી લીધી.

‘ચાલો હવે, વહેલા પરવારો. કયા રૂમથી શરૂ કરવાનું છે ?’
અચાનક જ પૂછાયેલા નવા સવાલથી મને નવાઈ લાગી. મેં મનને સ્થિર કર્યું. પહેલી વાર જ આવો ચાન્સ મળ્યો છે ને ઘડી ઘડી મળે કે કેમ તે મને ખબર નથી. લેવાય તેટલો લાભ લઈ લેવાના ઈરાદે મેં એમને સીડી રસોડામાં ગોઠવી આપી.

‘ચાલો, આજના શુભ મૂરતમાં સફાઈકામની શરૂઆત કરો. સીડીનું ઉદ્ઘાટન તમારા જ પવિત્ર પગ વડે કરો એવી મારી ઈચ્છા છે. રિબિનક્રિયા કરવી છે કે ચાલશે ? કોઈને આ સમારંભમાં બોલાવવા છે ?’

મારી સામે ડોળા કાઢી કોઈ યુધ્ધ જીતવા જવાના હોય એમ, એ તો તલવારની જેમ એક હાથમાં ઝાડુ પકડી બીજા હાથે સીડીનો સહારો લઈ સડસડાટ સીડી પર ચડી ગયા. છેલ્લે પગથિયે પહોંચ્યા તો ખરા પણ શું કરવું તે સમજાયું નહીં !

‘હવે ?’ મારી સામે એમણે પ્રશ્નાર્થ નજર ફેંકી. હાથમાં ઝાડુ પકડેલા પતિદેવ એવા તો શોભતા હતા કે, હું મારી નજર એમના પરથી હટાવી ન શકી.
‘હવે જ્યાં જ્યાં જાળાં દેખાય છે, ત્યાં ત્યાં સમરાંગણમાં ઘુમતા કોઈ યોધ્ધાની જેમ ઝાડુ ઘુમાવવા માંડો એટલે, દુશ્મનના માથાંની જેમ ટપોટપ જાળાં પડવા માંડશે.’ મેં કોઈ સૈનિકપત્નીનો ધર્મ નિભાવ્યો ને એમનામાં યુધ્ધ જીતવાનું જોશ ઊમેર્યું.

એમણે તો ઉત્સાહમાં આવીને ચારે બાજુ ઝાડુ ઘુમાવવા માંડ્યું. એમ કરવામાં એક ખૂણે એ જરા વધારે પડતા નમી ગયા ને થવાકાળ થઈને રહ્યું. એમનો એક પગ હવામાં અધ્ધર અને બીજો પગ સીડી પર જ ધ્રુજવા માંડ્યો. સીડીએ પણ એમને સાથ આપવા નમતું જોખ્યું અને એ સાથે જ હવામાં ને ઘરમાં (કદાચ આડોશપાડોશમાં પણ !) ઓ...ઓ...ઓ...ની એક ઘેરી–ઘોઘરી ચીસ ફરી વળી. પછી ?

બસ. પછી કંઈ નહીં. ન તો એમ્બ્યુલન્સની જરૂર પડી કે ન તો ડૉક્ટરની કે ન પોલીસ કે ફાયરબ્રિગેડની ! મેં તો સીડીને જોશભેર પકડી રાખેલી એટલે એમ તો સીડીને પડવા શેની દઉં ? મેં તો હતું તેટલું જોર લગાવીને સીડીને ધીરે ધીરે સીધી કરી. (કોઈને સીધા કરવાની ટેવ કામ આવી.) નમેલી સીડી, નમેલા પતિ સમેત મૂળ જગ્યાએ પાછી ફરી. એ તો વહેલા વહેલા સીડીના ચા....ર પગથિયાં ઊતરી ગયા અને શ્વાસ ખાવા આગલા રૂમમાં જઈ બેઠા. મેં એમને સાંત્વનની સાથે પાણી આપ્યું.

થોડી વાર પછી એ ફોન પર કોઈને કહી રહ્યા હતા, ‘ભાઈ, આ દિવાળીની  સાફસફાઈનું કામ તો આ લોકો જ કરે, આપણું એમાં કામ નહીં. મારી તો આજે બહુ મોટી ઘાત ગઈ.’

મારો ઉલ્લેખ સુધ્ધાં નહીં ? મેં બચાવ્યા એનું કંઈ નહીં ? જવા દો. પેલા સત્યવાને જો સાવિત્રીને ફક્ત ‘થૅંક્સ’ જ કહ્યું હોત તો આજે પણ એ પ્રથા ચાલુ રહેત !