રવિવાર, 28 સપ્ટેમ્બર, 2014

આપ મહાન છો

કોઈ પણ સ્ત્રી જ્યારે ગૃહિણી બનીને ઘર માંડે છે, ત્યારે સૌ પ્રથમ આપને યાદ કરે છે. આપનું ધ્યાન ધરે છે અને વટભેર– હોંશભેર આપના સ્વાગતની તૈયારી કરે છે. આપના વિના કોઈ પણ ગૃહિણી અધૂરી છે. એનો સાચો સંસાર, એની ખરી ગૃહસ્થી તો આપની સહાયથી જ શરૂ થાય છે. આપને કારણે તો એનું ઘર ચમકે છે, એનું મોં ચમકે છે, એના સંસ્કાર ચમકે છે અને એના ઘરમાં શાંતિ રહે છે. ખરેખર, આપ મહાન છો.


ઘરમાં પ્રવેશતાં જ બધા આપની કમાલ જોઈ શકે પણ આપને ના જોઈ શકે, એટલે તો ગૃહિણી આપને એક ખૂણામાં સંતાડી રાખે છે. સંતાડવાની જગ્યા ખરી પણ જલદી નજરે પડે એવી ! એવું નહીં પાછું કે, જ્યારે આપની જરૂર પડે ત્યારે જ આપ ના દેખાઓ. અને ઘરનાં સૌને પાછી એ જગ્યા ખબર ! આપ કાયમ સેવામાં હાજર રહો છો એ આપની મહાનતા છે. બસ, ગૃહિણીનો ને આપનો નાતો જ એવો છે–જનમજનમનો અને અતૂટ. તેમાંય, વાર તહેવારે તો આપના એકાદ સગાને પણ ગૃહિણી હોંશે હોંશે આવકારે ! આપને પણ મદદ થાય અને એને પણ, બીજું કંઈ નહીં.

આપ સવારે અને સાંજે ઘરમાં બધે ફરી વળો છો, ખૂણેખાંચરે પણ. વળી, થોડે થોડે દિવસે તો સ્પાઈડરમૅનની જેમ દિવાલો પર અને છત ઉપર તમારી કમાલ બતાવીને ગૃહિણીને ખુશ કરી દો છો. આપના વગર કોણ આવી હિંમત કરે ? આવી તાકાત બતાવે ? છે એવું કોઈ જે એક જ ફટકામાં ફુવડ ગૃહિણીને સુઘડ ગૃહિણી બનાવી શકે ? એટલે જ ગૃહિણીને આપના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે અને માન છે. આપનો વાળ પણ વાંકો ન થાય એની એ સતત કાળજી રાખે છે. ખરેખર, આપ મહાન છો.

ગૃહિણી ફક્ત ઘરની સાફસફાઈના મામલે જ આપનો સહકાર નથી ચાહતી, પણ એ તો ઈચ્છે છે કે, એના સંકટ સમયે પણ આપ સુપરમૅન બનીને એની રક્ષા કરો. ઘરમાંથી ધૂળ ને જાળાં દૂર કરવાની સાથે સાથે આપ એના મનનો ડર પણ દૂર કરવાની અલૌકિક શક્તિ ધરાવો છો. જ્યારે જ્યારે ઘરમાં વાંદા, ઉંદર કે ગરોળીનાં દર્શન થાય છે, ગૃહિણીને એના પતિ કે બાળકોની હાજરીમાં પણ આપની યાદ જ પહેલાં આવે છે. જો એ એકલી હોય તો દોડીને તમને  પહેલાં સાહી લે છે ને પતિ કે બાળકોની હાજરી હોય તો એમને તમારો સહારો લેવા મજબૂર કરે છે ! એને ખાતરી છે કે, આપ જ એના ડરને અને દુશ્મનને દૂર કરી શકશો. ખરેખર, આપ મહાન છો.

બીજાની નજરમાં આપની કોઈ કિંમત ભલે ને ના હોય પણ ગૃહિણી આપનું મૂલ્ય સારી પેઠે જાણે છે. એટલે જ, એ ઈચ્છે છે કે, આપ ચોવીસ કલાક ઘરમાં જ રહો. આપની કાળજી લેવામાં કોઈ સમય કે ધનની બરબાદી થતી નથી. તમારી હાજરી માત્રથી ગૃહિણી સ્વસ્થ અને શાંત રહીને ઘરનાં કામ કરી શકે છે. એનાથી વધારે કોઈને શું જોઈએ ? આપને કદાચ ખબર નહીં હોય, પણ ફિલ્મી ગીતોમાં આડકતરી રીતે એણે આપને માનભેર સ્થાન અપાવ્યું છે. માનવામાં નથી આવતું ? જોઈ લો ત્યારે કેટલાંક ગીતોની ઝલક. આપ પણ કહેશો કે, ‘વાહ વાહ ! ક્યા બાત હૈ ?’

દિવાળીના દિવસો પહેલાં ઘરની સાફસફાઈના મામલે ગૃહિણીની બેચેની શરૂ થઈ જાય તે એ હદે કે, એની ઊંઘ પણ વેરણ બની જાય. રાતની રાત પડખાં ઘસતાં એ ગાતી રહે, ‘કરવટેં બદલતે રહે સારી રાત હમ...આપકી કસમ...’(ત્યારે આપે સામેથી ગાવું જોઈ કે, ‘ગમ ન કરો દિન સફાઈકે બહોત હૈં કમ....આપકી કસમ...’)

આપના ગૃહપ્રવેશ વખતે તો એણે ગાયું હતું તે આપને યાદ છે ? ‘આપ જૈસા કોઈ મેરી જિંદગીમેં આયે, તો બાત બન જાયે.....હાં બાત બન જાયે...’ જોયું, આપના માટે એના દિલમાં કેટલી જગ્યા છે ?

આપની શક્તિ અને આપના પરચા તો અપરંપાર છે. આપમાં આટલી બધી તાકાત હશે એનો તો કોઈને અંદાજ જ નહોતો. આપ ફક્ત ખુરશીને હલાવીને ખુરશી નીચેથી કચરો નથી કાઢતા, પણ ખુરશીને ઊથલાવીને બેસનારને ગબડાવી પાડવાની પણ તાકાત ધરાવો છો. ખરેખર, આપ મહાન છો. આપ તો વખત આવ્યે મોટી મોટી હસ્તીઓના હાથમાં પણ ગોઠવાઈને ફોટા પડાવો છો, ટીવી પર ચમકો છો અને ધારકોને કમરેથી વાંકા પણ વાળી દો છો. ખરેખર, આપ મહાન છો. આપનાં ગુણગાન ગાઈએ એટલાં ઓછાં.

રવિવાર, 21 સપ્ટેમ્બર, 2014

ફિર મિલેંગે

લોકો પોતાની પ્રોડક્ટ માટે કહેતાં હોય છે, ‘સિર્ફ નામ હી કાફી હૈ.’ મારે મારા ઉચ્છલ અને તેની આજુબાજુના વિસ્તાર માટે ફક્ત એટલું જ કહેવું છે, ‘સિર્ફ ફોટો હી કાફી હૈ.’ તમે જ કહો, આ બધાં દ્રશ્યો જોઈને કંઈ બોલવા જેવું  છે ? સિવાય કે, ‘અદ્ભૂત !’ કોઈક વાર વિગતે ઉચ્છલનો લેખ મુકીશ પણ ત્યાં સુધી તો ફોટા જોઈને, ચોમાસાને માનભેર વિદાય આપી દઈએ.
જ્યાં જ્યાં ચરણ મારાં પડે....
હજી તો ચોમાસાની શરૂઆત થઈ !

ગુડ્સ ટ્રેન પણ જ્રયારે રૂઆબદાર લાગે !

ભાતની રોપણીની શરૂઆત

ક્ષિતિજરેખા શોધો છો ? ગામ ? કટાસવાણ !

ખડકની આ પારથી પેલે પાર દૂ..ર દૂ...ર 

કોના આધારે ?

દેવમોગરા માતાના મંદિરની ટેકરી પર

આ જ ટેકરીની નીચે આવેલાં ખેતરો

ગુડ્સ ટ્રેનને પણ જ્યાં રોકાવાનું મન થઈ જાય !

સોયાબીનની ભાતવાળો પાલવ

નેસુ નદીમાં માછલી પકડવાની તૈયારીમાં નૌકાવિહાર !

મહુડાની છટા !

મેરે દેશકી ધરતી

જંગલની હરિયાળી

ગામનું નામ ? સસા ! (રાણા)

ફોટોગ્રાફર : પારુલ દેસાઈ

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

બદમાશ કોણ ?

બાળકને હંમેશાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેથી જ બાળક જેટલું પ્યારું, મનોહર, ભોળું, નિર્દોષ અને જાતજાતના ગુણોથી ભરપૂર બીજું કોઈ હોતું જ નથી અથવા કોઈ હોઈ જ ના શકે. છતાં....એ જ બાળકને રમાડતી વખતે એના જેટલું લુચ્ચું ને બદમાશ બીજું કોઈ હોતું નથી ! માનવામાં નથી આવતું ? તો જુઓ, આ લોકો કેવી રીતે બાળકને રમાડે છે ? અને ખાસ, રમાડવા જાય ત્યારે તો...!


ધારો કે, બાળક ‘બાબો’ છે ને બાબાનું નામ અભય છે. બાબાના મામી રમાડવા આવ્યાં છે.
‘શું નામ પાડ્યું પછી બાબાનું ?’ (જાણી જોઈને પૂછે ! વહેવાર !)
‘અભય.’
‘અભય ? અરે વાહ ! સરસ નામ છે. લાવો જોઉં, એને મારા ખોળામાં આપો. અલેલે... આવતો લે... જો તોન આઈવું ? હું તો તાલી મામી થાઉં... મામી...હં કે...અ  ભ..ય...અભુ...માલો અભલુ....હાલુલુલુ....હછી હછી કલો.... હમ્મ્...અલે અલે..લલવાનું નહીં....જો જો, જો તો, કેવું બીબું તાણે છે ! બદમા..શ ! નહીં નહીં, તને નહીં હં...તને નહીં. તું તો માલો ડાહ્યો બેટો છે ને ? બદમાશ તો આ તાલી મમ્મી છે. મમ્મીને હત્તા...હત્તા..બછ ? ચાલો હવે આલી આલી કલી જાઓ. (એમ પણ મને સૂવા સિવાય બીજું શું કામ છે? જો સૂઈ રહું તો બધાંને શાંતિ. એટલે જ, જે આવે તે બધાં મને સૂવાનું જ કહેતાં આવે ! તમે મમ્મીને હત્તા કલવાનાં ? કેટલી મજા !)

કાકી રમાડવા આવ્યાં.
‘લાલો જાગે કે ઊંઘે ?’ (ભઈ, જાગું છું. મને કોણ ઊંઘવા દે ? ને મારું નામ લાલો નથી. નામ નંઈ બગાડો.)
‘જાગે જ છે, આવો.’
કાકી ઘોડિયા તરફ જતાં, ‘બદમાશ છોકરો ! કેમ જાગે છે ? ઊંઘ નથી આવતી ? હંઅઅઅ....ખબર છે કે, આજે કાકી આવવાનાં છે એટલે...કે...મ ? ચાલો જોઉં, બા’લ નીતલો....તાતી થાથે લમ્માનાં....’ (તાતી, આપને છુ લમછુ ?)

અભયને ખોળામાં લઈને રમાડતાં, ‘અભી બેટા...., અભુ....તેમ થો ? જો હું તાલી તાતી થાઉં...તા..તી. નાની તાતી. મોતી તાતી થે ને પથી આવથે હં....તાલા માતે વાવા લેવા ધયા.’ (વાવા લેવા ? અલે વાહ ! તમે થું લાઈવા ?)
‘લાલો, રાતના રડે છે કે ?’ (તાતી, બીધુ તઈ પૂથો ને.)
‘અરે.. રાતની તો તમે વાત જ નહીં કરતાં. આખી રાત માથે લે છે. જેમતેમ જરા સૂએ ને સૂવા દે.’ (તને દિવસે સૂવાની કોણ ના પાડે છે ? વાત ઓછી કર ને.)
‘કેમ લે બદમાછ છોકલા...મમ્મીને છૂવા નથી દેતો ? આલી કલી જવાનું હં..નહીં તો મમ્મી માલછે....પપ્પા માલછે...ડાહ્યો દીકો છે ને ? ચાલો છૂઈ જાઓ જોઉં.’ (તમે મને બીવડાવો થો ? તમે ધાઓ પથી મમ્મીની વાત થે.)

બધાંની છૂવાની વાતથી કંટાળેલા અભયને લલવું આવ્યું એટલે અભયે તો જોરમાં ભેંકડો તાણ્યો. ને તાતી ઘભલાયાં !
‘નહીં..નહીં...લલવાનું નહીં. તોને માઈલું ? તોને માઈલું ? તોન બદમાછ માલા દીકાને માલે થે ? મમ્મી ? પપ્પા ? દાદી ? ચાલો, બધાંને હત્તા હં ! હત્તા...’
(વાહ તાતી ! મધા પલી ધઈ. તમે તો બધાને હત્તા કલવાના. અંઈ જ લઈ ધાઓ ને.) અભયથી હસી પડાયું.
‘જો જો...બદમાશ ! મારવાની વાત કરી તો હસવા માંડ્યો કેમ ? આ અત્યારનાં છોકરાં ! અત્યારથી જ જાણે બધું સમજી જાય !’ (ગપ્પાં નહીં મારો કાકી, હું તો એમ જ હસું છું.)

આ સાંભળીને મમ્મી પોરસાયા વગર રહે કે ?
‘અરે...અત્યારનાં છોકરાંની તો વાત જ ના થાય. આપણે બોલીએ તે બધું સમજે હં કે... ! ’(આ મમ્મી છે ને, એક નંબરની ગપોડી છે.)
ત્યાં બધી વાત સાંભળીને આવી ચડેલા પપ્પાએ મમરો મૂક્યો, ‘એમ કે ? એને જરા પૂછો તો, ‘વૉટ ઈઝ યૉર નેઈમ ?’
‘અરે, એમ કંઈ થોડું ? તમે બી ખરા છો !’ (લે, બહુ ડાહી થતી’તી ને !)
‘કેમ નહીં ? ઈંગ્લિશ તો અત્યારથી જ શીખવશું તો જ જલદી આવડશે ને ? અમે તો રોજ સવારે એને ‘ગૂડ મોર્નિંગ’ ને રોજ રાતે ‘ગૂડ નાઈટ’ કહેવાની ટેવ પાડી દીધી છે. બહાર જઈએ તો એને ‘બા...ય’ કહ્યા વગર ન નીકળીએ.’ (પપ્પા...ગપ્પાંની પણ હદ હોય ! તમે મમ્મીને બધાંના દેખતાં ચીડવશો પણ બધો ગુસ્સો પછી મારા પર નીકળશે.)


‘ચાલો છોડો એ બધી વાત ને મારા પોતરાને મારા ખોળામાં આપો જોઉં.’ દાદીએ બગડતી બાજી સુધારવાની કોશિશ કરી.
દાદીના ખોળામાં જવાની રાહ જોઈ રહેલા અભયે ખોળામાં જતાંની સાથે જ એને પવિત્ર કરી દીધો.
‘બદમા...શ ! તને જ્યારે હોય ત્યારે દાદીનો ખોળો જ મળે કેમ ? બિલકુલ બાપ પર ગયો છે. (બાપ પણ બદમાશ ?) નાનો હતો ત્યારે મારા ખોળામાં આવીને જ બગાડતો. લે વહુ, આને લે હવે ને એનાં કપડાં બદલી કાઢ, હું મારાં કપડાં બદલી આવું.’
(દાદી, તમારા ખોળામાં આવું ત્યારે મને રમાડવાને બદલે તમે દર વખતે મમ્મીને બધું યાદ કરાવવા મંડી પડો. ‘લાલાને ફલાણું આપ્યું કે ? ઢીંકણું ચટાડ્યું કે ? દવા કેટલા વાગે આપવાની છે ? નવડાવવાવાળી બાઈને આમ કહેજે ને કપડાં ધોવાવાળીને તેમ કહેજે.’ તમારું ધ્યાન મારામાં હોય જ નહીં પછી શું કરું ? થોડીક બદમાશી અત્યારથી નહીં કરું તો, ‘જમાનો બહુ ખરાબ આવવાનો છે’ એવું તમે જ બોલો છો ને ?)

બાપ રે....! જોયાં આ આજકાલનાં છોકરાં ? હવે કોઈ બાબલાને રમાડવા જાઓ તો આટલું ખાસ ધ્યાન રાખજો.

બાળક બદમાશ હોય છે !
બાળક બધું સમજે છે !
તમે જે બોલશો તેના બધા જવાબ એની પાસે તૈયાર હશે. અને છેલ્લે....
જો બાળક તોતડું બનશે તો, એની જવાબદારી તમારી પણ ગણાશે. લમાલતી વખતે તમાલે તોતલા બનવાની ધલુલ કે જલુલ નથી.

સોમવાર, 8 સપ્ટેમ્બર, 2014

નામ બદલું કે અટક ?

મારી સામે ઘણી વાર એવા લોકો ભટકાઈ જાય, જેમના દિમાગમાં અવનવા સવાલોની આવનજાવન સતત ચાલુ હોય. એ લોકો કદાચ મને બહુ બુદ્ધિશાળી સમજતાં હશે ! જોકે, હું પણ એવી ગેરસમજમાં જ મને આવડે એવા જવાબો એમને આપતી રહું. થોડા દિવસો પર એક બહેન ભટકાયેલાં, એમના મગજમાંથી નામ ને અટકની હેરાફેરી નીકળતી જ નહોતી. એમની વાતની શરૂઆત પણ સવાલથી જ થઈ.


‘તમારામાં લગ્ન પછી અટક બદલાય ?’
‘કોની ?’
‘વહુની જ ને વળી, વરની ઓછી બદલાવાની ?’
‘અટક શું ? અમારામાં તો નામેય બદલાઈ જાય.’
‘તો જૂના નામનું શું કરવાનું ?’
‘જૂના નામનું તો નાહી જ નાંખવાનું.’
‘તમારામાં નામ બદલવાનો પણ રિવાજ છે ?’
‘અરે...! નામ મિટાવી દેવાનો, હસ્તી જ મિટાવી દેવાનો રિવાજ છે.’
‘તમારામાં બીજી બધી અટકો આવે કે દેસાઈ એટલે દેસાઈમાં જ જવાનું ?’
‘આવે ને. મહેતા, વશી, નાયક–ખલનાયક– બધી બહુ અટક આવે. મોટે ભાગે દેસાઈઓ દેસાઈનું પૂંછડું પકડી રાખે પણ છોકરાંઓ જાતજાતની અટકને અપનાવી લે એટલાં સુધરેલા.’
‘નામ ન બદલવું હોય તો ?’
‘લગ્ન પછી આખા ને આખા માણસ બદલાઈ જાય ત્યાં તમે નામ ને અટકની ક્યાં માંડો છો ?’
‘પણ તમે તો કંઈ બદલાયેલાં નથી લાગતાં.’
‘કેમ નહીં ? હું દીકરીમાંથી એકી ધડાકે વહુ, કાકી, મામી જેવાં લટકણિયાં પહેરતી પહેરતી મારા નામને જ ભૂલી ગયેલી. એટલે મારું નામ શું હતું ને શું થઈ ગયેલું તે વિશે બહુ વિચારતી નથી.’ (આ તો, લેખક બની તો નામ પાછું મળ્યું !)

‘તમારાં સાસુનું નામ પણ બદલાયેલું ?’
‘તમને મારાં સાસુમાં બૌ ઈન્ટરેસ્ટ છે ? જ્યારે મળો ત્યારે, ફેરવી ફેરવીને સાસુની વાત કોઈ પણ રીતે લાવીને મૂકી દો ખરાં !’
‘એ બહાને તમારી જીભ છૂટી થાય ને મન જરા હળવું થાય એ જ મારો આશય, બીજું કંઈ નહીં.’
‘એ વાત સાચી....જોકે મને પણ મજા તો પડે છે હં કે ! સાસુ વહુને એકબીજાની વાત કરવાની બહુ મજા આવે એટલે તો મેં પણ મારી વહુને કહી રાખ્યું છે, ‘તારે ગભરાયા વગર, જ્યારે મન થાય ત્યારે ને જેની સાથે કરવી હોય ત્યારે, મારી વાત બિન્દાસ કરી લેવી.’ છો બિચારી મારી વાત કરતી.’

‘હા, તો પછી તમે કહ્યું નહીં કે, તમારાં સાસુનું નામ બદલાયેલું કે નહીં ?’
‘મારાં સાસુ આવેલાં ત્યારે વહુ તરીકે આવેલાં એટલે વિરોધ કે દાદાગીરી થાય એવું હતું નહીં. (એ મોકા તો એમને પછીથી મળેલા.) એમનાં સાસુએ એમનું નામ બદલેલું ત્યારે તો મિંયાની મીંદડીની જેમ ચૂપચાપ બેસી રહેલાં. લાગ મળતાં જ, વર્ષો પછી એ દાઝ એમણે વહુઓ પર ઊતારી. એમના નસીબમાં તો પાછી ચાર ચાર વહુઓની લૉટરી લાગેલી ! કાન્તિ સાથે કાન્તા કર્યું, મહેશ સાથે ઉમા કર્યું ને હરીશ સાથે હેમા કર્યું. (તેજ દિમાગ !) મારો વારો આવ્યો કે મેં જ કહી દીધું, ‘હવે એકને તો બક્ષો. તમારા દીકરાનું નામ જ એના કરતાં કલ્પેશ કરી નાંખો ને !’ એ સાંભળતાં જ સૌનાં મોં ખુલ્લાં રહી ગયેલાં ને આંખો ફાટી ગયેલી ! મારી જેઠાણીઓ તો જેમતેમ હસવું રોકી રહેલી.

‘તો પછી, તમારું નામ શું પાડેલું ?’
‘કલ્પના કરી શકો છો ?’
‘કહી દો ને હવે.’
‘રહેવા દો ને હવે. કલ્પના નામ મેળવતાં તો વર્ષો ને દમ બેય નીકળી ગયેલાં.’
‘ધારો કે, અટક બદલાતે તો તમે બદલી કાઢતે ?’
‘ના રે ભાઈ ! આ બાબતે ત્યારે જમાનો ક્યાં બદલાયેલો ? હવે તો જેને જે અટક રાખવી હોય તે રાખે, કોઈની ટકટક નહીં કે કોઈની માનસિક અટક નહીં. કોઈ પિયરની અટક રાખે, કોઈ બન્ને અટક રાખે –કોઈને ખોટું ન લાગવું જોઈએ કરતાંય, કોઈએ બોલવાનું જ ના રહે એટલે ! મેં એક સૂચન કરેલું કે, જો બધી અટક અનાવિલોની જ હોય તો એક જ અટક, ફક્ત દેસાઈ જ રાખે તો ચાલે કે નીં ? પણ દર વખતની જેમ મારી વાત કોઈ સમજ્યું નહીં અને ડોળા કાઢીને મને ચુપ કરી દેવાયેલી.’

‘તમને ખબર છે, સુરતમાં એક બહેનની અટક લગ્ન પહેલાં ખાંડવાળા હતી તે લગ્ન પછી ગોળવાળા થઈ ગયેલી ?’
‘અરે વાહ ! આ તો મીઠાશની મોનોપોલી ! એમ તો રૂવાળા ગોદડાવાળા થઈ જાય, ચોખાવાળા લાપસીવાળા બની જાય ને ગિલીટવાળા હોય તે નક્કર સોનાવાળા બની જાય તો નવાઈ નહીં. અટકમાં તો કીડી ક્યારે હાથી બની જાય અને મચ્છર ક્યારે ઘોડાને ત્રાસ આપે તે કંઈ કહેવાય નહીં. જો ઓટલાવાળા હવેલીવાળા થાય તો છત્રીવાળા મિલવાળા ના થાય ?

જોકે, લખવાનું શરૂ કર્યું પછી તો ઘણા ગોટાળા થયા. મારા પતિને સાથે રાખીને એટલે કે, એમનું નામ સાથે લખીને લેખ લખ્યા તો બધા લેખ પાછા આવ્યા ! એવામાં બીજાં એક ‘કલ્પના જિતેન્દ્ર‘ મારા નામે ને હું એમના નામે, લોકોના ગોટાળાનો ભોગ બનવા માંડ્યાં. મેં તો ગભરાઈને મારા પતિને કહી દીધું, ‘તમે તમારું નામ રાખો ને હું મારું નામ રાખું. અટક આપણે બન્ને કૉમન રાખીએ મંજૂર છે ?’ કચવાતે મને એમણે હા પાડેલી. મારા નામની સાથે પોતાનું નામ રાખવાનો લોભ કે મોહ છૂ ! બસ, ત્યારથી મારા લેખ પણ છપાતા થઈ ગયા ! એમ પણ સ્ત્રીઓને કાનમાં લટકણિયાં ગમે, પણ નામમાં તો ઓછાં હોય તેટલાં સારાં. બધે જ સાથે સાથે તો ન આવે.

જો પિયરની ને સાસરાની અટક જુદી જુદી હોત અને મારે બન્ને અટક રાખવી પડત તો કેટલી ધમાલ થાત ? દર વખતે, દરેકને અલગ અલગ સમજાવતાં નાકે દમ આવત કે નહીં ? ને સમયની બરબાદી ? એમાં ને એમાં મારા ભેજાનું દહીં થાત તે નફામાં ને મારું નામ તો બાજુ પર જ રહી જાત ને ?’
‘તો પછી તમે તમારી વહુનું નામ બદલ્યું કે નહીં ?’
‘હત્તેરીની ! સાસુના નામમાંથી તમને જેમતેમ છોડાવ્યાં તો તમે મારી વહુની વાત લઈ બેઠાં. એનું નામ બદલવાની હોશિયારીમાં ક્યાંક એવું ન બને કે, એ મારું નામ લેતી જ બંધ થઈ જાય. એના કરતાં એ ભલી ને એનું નામ ભલું ને નામ ભલું તો કામ ભલું. હવે આપણે નામ ને અટકની પિંજણ બહુ કરી, હજી કંઈ પૂછવું છે કે અહીં અટકીએ ?’

‘તમે તમારા વરને, નામથી કે પછી અટકથી બોલાવો ?’
‘લગ્ન પછી નામથી બોલાવવાની શરૂઆત જ કરેલી કે ઘરમાં તો ધમાલ મચી ગયેલી ! સાસુ ને સસરાએ ઘરમાં ને ઘરમાં જ ચારેક કિલોમીટર જેટલું ચાલી નાંખેલું. મને લાગ્યું કે બહુ મોટી ભૂલ થઈ એટલે મેં ‘એ...ય’ કહીને બૂમ પાડેલી, તો વરનો તોબરો ચડી ગયેલો. ‘મને એય નહીં કહેવાનું.’ (ઓહો ! જોયા મોટા લાટસાહેબ !) નામની પાછળ ‘ભાઈ’ લગાવ્યું તો બધાં હસી પડેલાં. ઘરમાં બધાં જ દેસાઈ એટલે અટકથી તો બોલાવાય જ નહીં. સીટી મારતાં આવડતી નહોતી એટલે ‘શીસ્...શીસ્...કે હમ્...હૂં...’ જેવા વિચિત્ર અવાજો કાઢીને બોલાવતી. એ તો સારું કે, દીકરાના જન્મ પછી ‘બાબાના પપ્પા’ કહેતી થયેલી તો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થયેલો. બાકી તો....’
‘તો પછી, તમને તમારા પતિ શું કહીને બોલાવતા ?’

‘એય...’ (!)