રવિવારે, અમુક ધાર્મિક તહેવારે અને બૅંકની રજાના
દિવસે બંધ રહેતી આ બજારમાં એવું તે શું હતું, કે પાંચ વર્ષ પહેલાં ઉજવાયેલી એની
પાંચસો ને પચાસમી વર્ષગાંઠે, દુનિયાના ખૂણે ખૂણેથી ઉમટી પડેલા લાખો લોકોએ એની મુલાકાત
લેવાનો રેકૉર્ડ તોડી નાંખેલો? ઉપરાછાપરી ભૂકંપ અને ભયંકર આગના કેટલાય બનાવોથી પણ ન
હારેલી બજાર, વરસોવરસ વધુ ને વધુ નિખરતી રહી. અસલ તો કાપડના વેપારીઓ માટે શરૂ
કરાયેલી આ બજાર, આજે જોતાં થાકીએ ને ફરી ફરી જવા લલચાઈએ એટલી અદ્ભૂત અને અગણિત
વસ્તુઓનો ખજાનો સંઘરીને જાણીતા પર્યટનસ્થળ જેવી બની ગઈ છે. જોકે, એનું પ્રવેશદ્વાર
જોઈને થાય, કે આટલી ભવ્ય અને વિશાળ બજારનું પ્રવેશદ્વાર છેક આવું? શૉપિંગની
અધીરાઈમાં એ ગરીબડા દ્વારને, એની યાદગાર તસવીરો લેનારા સિવાય કોઈ ધારીને જોવા પણ ઊભું
નહીં રહેતું હોય. બજારની ગોળ કમાન જેવા કપાળે જ લખેલું દેખાય, Kapali Carsi.
Kapali carsi… Covered market. /Buyuk Carsi …Grand Bazar નામ થોડું અટપટું લાગે, પણ આપણે તો સ્પેલિંગ
પ્રમાણે ઉચ્ચાર કરનારા, આપણને શું ખબર કે જેને આપણે ‘કપાલી કારસી કે ‘કપાલે આરસી’
જેવું કંઈક કહીએ, ત્યારે અંગ્રેજો એને ‘કપાલ ઝાસ’ કહેતા હશે! ટર્કિશ લોકો તો વળી
‘કપાલી ચારશી’ નામે આ બજારને ઓળખે. ઈચ્છા તો બહુ થઈ, કે થોડા દિવસ અહીં રોકાઈ જાઉં
ને આ ન સમજાતી ભાષા શીખી લઉં. પછી માંડી વાળ્યું. મોટામાં મોટો સવાલ પૈસાનો નડે
અને બીજી તકલીફ, નવી ભાષા શીખવાની ઉદાસીનતા. જ્યાં ગુજરાતીમાં જ ફાંફાં પડતા હોય
ત્યાં વળી ટર્કિશ શીખવાની પળોજણમાં કોણ પડે? આ તો ગુજરાતી શબ્દને મળતો કોઈ શબ્દ
સંભળાઈ જાય તો વળી મનમાં ઉથલપાથલ થાય, બાકી હાંક્યે રાખવાનું.
બે કલાકમાં જેટલું સરસરી નજરે જોવાયું, એટલું અમે
બધાંએ જીવ અને લોહી બાળી બાળીને જોયું. તોય અમને લાગ્યું, કે અમે તો જાણે ખજાનો
જોયો. ટર્કિશ છાપવાળી ચાંદીની લગડીઓ ને સોનાની લગડીઓ જોઈને બે ઘડી તો જીવ મચલી
ગયો! પછી મન વાળ્યું, કે આ બધી તો માયા છે. આજે છે ને કાલે નથી. મોટા મોટા રંગીન
સુંદર ગાલીચાઓ જોઈને મહેલ જેવા ઘરની ખોટ સાલી. રાજા, રાણી ને સીપાઈના પહેરવેશ, ઘરેણાં,
છરી, ચપ્પા, તલવાર, બખ્તર, અસલના હેલ્મેટ જેવા ટોપા ને ચમચમાતા લાંબા બૂટ!
રાજઘરાનામાં જનમ્યા હોત તો, આ બધું કોઈને ગિફ્ટ આપવા પણ લઈ લેત. આખરે ગિફ્ટ
આર્ટિકલ્સની નાનકડી દુકાને પાંચેક મિનિટ ઊભા રહીને, બજેટની અંદર સમાય તેવી ડઝનના
હિસાબે મનગમતી ભેટ ખરીદીને અમે નીકળી ગયેલાં.
એન્ટિક વસ્તુઓનો ખજાનો હોય કે સિરામિક્સની
લાજવાબ વસ્તુઓનો ભંડાર હોય, ટર્કીની હાથકારીગરીના મસ્ત નમૂના હોય કે બૂટ, ચંપલ ને
પર્સ–બેગના ઢગલેઢગલા હોય, એક જ પ્રકારની ચીજવસ્તુઓ વેચતી દુકાનો તદ્દન પાસે પાસે
ને સામસામે પણ હતી, તોય દરેક દુકાન આગળ સહેજે કલાક નીકળી જાય એવી સુંદર ગોઠવણી હતી.
સમયનું ભૂત માથે ધુણ્યા કરતું, એટલે આ દુકાન ને પેલી દુકાનની પસંદગી કે વરણાગી
કરાય એવું નહોતું. જે વસ્તુ લેવાની હોય તેની દુકાન દેખાય એટલે આજુબાજુ જરાતરા નજર
નાંખી ન નાંખી, માથું ખજવાળીને તાત્કાલિક નિર્ણય લઈને અંદર જો ધસી ગયા તો જ કામ
આસાન થાય. બાકી તો, ધોયેલા મૂળા બનવાની પૂરી શક્યતા હતી. એક તો અમે ત્રણેય જણે,
કેટલાય દિવસોથી શૉપિંગ નહોતું કર્યું! જ્યારે કરવાનો સમય આવ્યો, ત્યારે માથા પર સમયની
પાબંદીની તલવાર લટકાવીને નીકળેલાં! આવા સમયે સાથે જો ઘરનાં પુરુષો આવ્યા હોતે તો તો
રાજીના રેડ થઈ જતે ને વિચારતે ‘હાશ, બચી ગયા.’
મીઠાઈની દુકાનોથી મઘમઘતી એક ગલીએ તો અમારા પગ
રીતસરના જમીનમાં ખોડી દીધા. ન તો ત્યાં ગુલાબજાંબુ હતાં કે ન તો રસગુલ્લા. ન તો શાહી
રબડી અમને લલચાવતી હતી કે ન તો ત્યાં બુંદીનાં લાડવા ગોઠવેલાં કે ન તો હલવા કે
ઘારીનાં ખોખાં ગોઠવેલાં. આખી દુકાનોમાં, ફક્ત ને ફક્ત ટર્કિશ મીઠાઈઓને જ એટલી તો
આકર્ષક રીતે ગોઠવેલી, કે બધે સરખી હોય તોય દરેક દુકાનમાં મન ભરીને એક ચક્કર
લગાવવાનું મન થઈ જાય. એક ઘડી તો એમ થઈ જાય, કે હવે ગયાં જ છીએ ઘરે. વળી શૉપિંગ ને
પ્લેનનો ટાઈમ ને બધું યાદ આવી જાય એટલે દોડવા માંડીએ. મેં વચ્ચે એક દુકાનમાં ઘૂસ
મારીને ભાવતાલ જાણવાને બહાને બે ચાર મીઠાઈના ઠુકડા ચાખી લીધા. આહાહાહા! સ્વાદનગરીમાં
વધુ લટાર મારું ને સ્વર્ગમાં વિહરું તે પેલ્લા તો અંજુ આવી ર’ઈ, ‘ચાલ નીં. અં’ઈયે
હું કઈરા કરે? મોડુ થાય. જલદી ચાલ.’ ત્યારે મોંમાં રહી ગયેલો મીઠાઈનો ટૂકડો મને બેસ્વાદ
લાગે તેમાં હું નવાઈ? મારી ઈચ્છા તો, દુકાનમાં આકર્ષક રીતે ગોઠવેલી લાલ, લીલી,
પીળી, સફેદ, ગુલાબી ને સોનેરી ઝાંયવાળી, બદામ–પિસ્તાની કતરણ ભભરાવેલી, દિલને લલચાવતી દરેક મીઠાઈની સુગંધ લેવાની ને એને
ચાખવાની હતી! ખેર, જેવી અંજુની ઈચ્છા.
એક ગલીના નાકા પર, એક નાનકડા ટેબલ પર સુંદર,
રંગીન લીલીના છોડનાં કૂંડાં ગોઠવીને એક ગરીબડો માણસ ઊભો હતો. મેં બંને બહેનોને આગળ
જવા કહ્યું, ‘તમે નજીકમાં જ રે’જો, ઉં અ’મણાં આવી.’ એ લોકોને એમ, કે મને કંઈ ગમી
ગયું તે જોવા ઊભી રહી હોઈશ. ગરમ કપડાંની દુકાનમાં જતાં મેં એમને જોયાં એટલે, પેલા
ભાઈ સાથે વધારે ભાવતાલ કર્યા વગર મેં એ છોડનાં મૂળિયાં જે કાંદા જેવા દેખાતા હતાં
તે પાંચ લઈ લીધાં. સસ્તામાં પત્યું સમજીને હું ખુશ થઈ ને વહેલી વહેલી પેલી
દુકાનમાં પહોંચી. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં પારુલ કે અંજુ કોઈ નહીં! હવે?
માંડ બે મિનિટ થઈ ને એટલી વારમાં બંને ક્યાં ગાયબ
થઈ ગયાં? મને સાથે લઈને તો ઠીક, પણ કહીનેય ન ગયાં? મેં ગભરાઈને વહેલાં વહેલાં
દુકાનની બહાર નીકળી, આજુબાજુ દૂર સુધી જોયું. બંને બહેનોને બજારની એવી તે કઈ ગલીએ
પોતાની પાસે ખેંચી લીધી? મારા મનમાં તો ભલભલા વિચારો આવ–જા કરવા માંડ્યા. હવે કોઈ
હિસાબે આ લોકો મને નહીં મળે. આ બજારની ભીડમાં એ લોકોને શોધવા એટલે, ચાની ભૂકીમાંથી
લોખંડની કણી શોધવી. (‘ઘાસની ગંજીમાંથી સોય શોધવી’, કેટલી જુની ઉપમા લાગે નંઈ?) દર
વખતની જેમ, મારી જાત પર મને ગુસ્સો આવ્યો. કાયમ બધા સાથે જ હોય એટલે મેં મારા
મોબાઈલમાં સીમ કાર્ડ પણ બદલ્યો નહોતો. આ લોકો છે ને? એ જ વિચારે સદાય બિન્દાસ
રહેતી તે ભારે પડી ગયું. અહીં કોઈને ગુજરાતી તો શું, ઈંગ્લિશ પણ નહોતું આવડતું.
મારી આંખમાં પાણી ઝગઝગ થવા માંડ્યું, હવે મારું શું થશે? એટલામાં સામેથી બંને બહેનોને બહાવરી હાલતમાં આવતાં
મેં જોઈ. પહેલાં તો હાશ થઈ ને પછી મીઠી આરોપબાજી સાથે નોંકઝોંક થઈ. એકબીજાને કહેવા જેવું બધું અમે કહી પરવાર્યાં, એટલે મારા હાથમાં થેલી
જોઈને બંનેએ પૂછ્યું, ‘આ હું લીધું તેં?’
‘કાંદા.’
‘અંઈયે સસ્તા છે કાંદા? હું ભાવે મઈલા?’ (અસ્સલ
ગૃહિણી!)
‘અરે એ નીં, આ તો લીલીના ફૂલના કાંદા છે.’
પારુલે મારી ખરીદી જોતાં જ કહ્યું, ‘આવું બધું
પ્લેનમાં નીં લઈ જવા દેય. તમારા દસ લીરા પડી ગીયા અ’વે. આ જો, એટલામાં તો મેં તોણ ગરમ
પૅન્ટ હો લઈ લીધા.’ મારું મોં પડી ગયું. હારુ, છોડવાનું સોપિંગ કઈરુ, તેમાં હો ગરબડ
કરી લાખી. અંજુએ મીઠું ભભરાઈવુ, ‘મેં તો દસ લીરામાં બે ગરમ કોટ લીધા.’ ભવિષ્યમાં ક્યારેય
એક પણ રૂપિયાનું કે લીરાનું કે ડોલરનું કંઈ પણ ન ખરીદવાની મેં એ બજારમાં કસમ ખાઈ
લીધી. ને બીજી કસમ કઈ ખાધી? મોબાઈલમાં સીમકાર્ડ લાખવાનો, બેલેન્સ ભરપૂર રાખવાનું
ને રીંગટોન બીવડાવે એવો રાખવાનો. શું એ બજારમાં મારા જેવી કસમ કોઈએ ખાધી હશે? કે
ભવિષ્યમાં કોઈ ખાશે? કોણ જાણે.
બસ, ટર્કીનું આ છેલ્લું સ્થળ હતું જેની અમે ખૂબ
મજેથી મુલાકાત લીધી. પછી તો, જમી પરવારી સામાન લઈને ભાગ્યાં એરપોર્ટ. યુસુફભાઈએ
અમને સહીસલામત એરપોર્ટ છોડ્યા. ટર્કીમાં ખૂબ ખાધું–પીધું ને ખૂબ ફર્યાં ને થોડા
ઘણા શૉપિંગનો પણ આનંદ માણી, આખરે અમે અમારી રોમાંચક ટર્કી યાત્રા સમાપ્ત કરી.