સોમવાર, 14 નવેમ્બર, 2016

ટૅક્સિમ સ્ક્વૅરમાં કબૂતર, મકાઈડોડા અને આઈસક્રીમ


ઈસ્તમ્બુલની એ છેલ્લી સવાર હતી અને હૉટેલમાંથી નીકળી, શૉપિંગ માટે ભાગનારા અમે ત્રણ જ જણ હતાં! બાકી બધા તો સવારે જ નાસ્તો કરીને છૂટા પડવા માંડેલાં. મુંબઈવાળા સહપ્રવાસીઓ તો હજી એક દિવસ ટર્કીમાં રોકાવાના હતાં, પણ એ લોકો બીજી હૉટેલમાં શિફ્ટ થવાના હતાં. (એમને તો આ હૉટેલ પણ નહીં ગમી હોય, કોણ જાણે!) બાકી રહ્યાં પેલાં ચાર, બે જાપનીઝ બહેનો ને પેલા પ્યારા કાકા–કાકી. એ લોકોના પ્લેનનો સમય થતો હોવાથી એ લોકો પણ સામાન સાથે નીચે રિસેપ્શન પર હાજર હતાં. સૌની સાથે ગાઈડને પણ બાય બાય કહેવાનો સમય આવી ગયો હતો. ટર્કીના નિયમો જાણ્યા પછી, અને સામાન્ય રિવાજ મુજબ પણ સૌ ગાઈડને ટિપ આપતા હતા. ટિપ બાબતે અમે ત્રણ અંદરઅંદર મસલત કરતાં હતાં, એવામાં મારી નજર ગઈ પેલા ચાર મુંબઈવાળા સહપ્રવાસીઓ પર. એમનામાં જે સુંદરી કાયમ બધે ફોટો પડાવવા તૈયાર રહેતી, તેને બધાના સામાનની ચિંતા હતી એટલે એનો ફોટો પડાવવાનો મૂડ નહોતો. એની સાથેવાળીને એ પૂછ્યા કરતી હતી, ‘તુમ્હારી કિતની બૅગ્સ હૈ? તુમ્હારી વો લાલ બૅગ આ ગઈ?’ લાલ બૅગવાળીનો વર કે જેણે પારુલને મોબાઈલનું ચાર્જર આપેલું, તે તો દુનિયાથી બેખબર મોબાઈલમાં જ મોં નાંખીને, એક બાજુ ઊભો હતો! જ્યારે એનો જોડીદાર હાથમાં સો યુરોની નોટ લઈને ગાઈડને શોધતો હતો. ગાઈડ રિસેપ્શન પર કોઈ સાથે વાત કરતો હતો, એટલે પેલા ચડેલા મોંવાળાએ ગાઈડને ખભેથી હલાવી બોલાવ્યો અને ગાઈડ હજી કંઈ જુએ કે કંઈ સમજે તે પહેલાં તો, એના મોં પર નોટ ફેંકી ચાલવા માંડ્યું! ગાઈડ તો જોતો જ રહી ગયો. એનો ચહેરો મુરઝાઈ ગયો અને એની આંખોમાં દર્દની લકીરો ઝબકી ગઈ. ગાઈડે તરત જ આજુબાજુ જોઈ લીધું, પણ એની નજર મારા સુધી પહોંચે, તે પહેલાં જ મેં નજર ફેરવી લીધી. બિચારા ગાઈડના મનમાં તો કેટકેટલી ઉથલપાથલ થઈ હશે? બસ, આ જ એનું ઈનામ? ટિપ? બક્ષિસ? ઈન્ડિયન્સ માટે એ મનમાં કેવું વિચારશે હવે? મને મનોમન શરમ આવવા માંડી.

ખેર, આટલો ખરાબ અનુભવ થવા છતાં ગાઈડ અમારી સામે તો હસીને જ હાજર થયો. અમે એનો દિલથી આભાર માન્યો અને ખૂબ વખાણ પણ કર્યાં. ખરેખર, એને કારણે જ અમે ટર્કીની સફર બહુ જ શાંતિથી અને આનંદથી માણી શક્યાં. બાકી તો, પહેલા જ દિવસે અમને સારા(!) ગાઈડનો અનુભવ થઈ જ ગયો હતો. ‘ફરી ટર્કી આવશું તો જરૂર મળશું’ ને ‘તમે ઈન્ડિયા ચોક્કસ આવજો’ ના વિદાયવાક્યો કહી, અમે બહાર ઊભેલી ટૅક્સીમાં ગોઠવાયાં. યુસુફભાઈ અમને બપોરે એરપોર્ટ છોડવા આવવાના હતા, એટલે વહેલા જ વિદાય થઈ ગયેલા. પહેલી જ વાર અમે ટર્કીની ટૅક્સીમાં બેઠાં. જ્યાં જવાનાં હતાં, તે જગ્યાનું નામ હતું ટૅક્સિમ સ્ક્વેર! ‘TAKSI’માં TAKSIM SUARE! કંઈ ટૅક્સી સ્ટૅન્ડ જેવી નવાઈની જોવાલાયક જગ્યા હશે કે શું? કોણ જાણે. જોકે, ટૅક્સીની સવારીમાં પણ અમને તો ખૂબ મજા આવી રહી હતી. ઈસ્તમ્બુલ, અત્યાર સુધી જોયેલા ટર્કી કરતાં તદ્દન ઊંધું લાગ્યું. ઊંચા ગીચ મકાનો, મોટી મોટી દુકાનો, સતત વહેતો ટ્રાફિક અને જ્યાં જુઓ ત્યાં ટુરિસ્ટોની ભીડ. ટેક્સીની ઝડપે ઘણી વાર અમારા શ્વાસ ઊંચા કરી દીધા પણ આપણને ક્યાં એની નવાઈ? એટલે ચલાવી લીધું. બોલતે તો કદાચ પેલો ટૅક્સીમાંથી ઉતારી મૂકતે? કોણ જાણે. અમે તો ટૅક્સીમાંથી ઉતરતાં જ ત્યાંની ભીડમાં ભળી ગયાં અને પહોંચી ગયાં ત્યાંનાં જાણીતાં ‘આઝાદીના સ્મારક’ની સામે.

આ જગ્યા તો મુંબઈના જાણીતા, ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ અને લંડનના મશહૂર ‘ટ્રફાલ્ગર સ્ક્વેર’ની યાદ અપાવતી હતી! અસંખ્ય કબૂતરો અહીં લોકોની જેમ જ દોડાદોડ, ઉડાઉડ ને ખાણીપીણીમાં મસ્ત દેખાયા. કેટલાય લોકો કબૂતરોને ચણ નાંખતાં હતાં, જ્યારે બાળકો કબૂતરોને પકડવા દોડાદોડી કરતાં હતાં. એક સ્ત્રીને મેં, કબૂતરોને ચણ નાંખવાને બહાને હેરાન કરતા બે ચાર રખડેલ લોકોની ફરિયાદ કરતાં સાંભળી. એ લોકો હાથમાં ચણની ડબ્બી લઈને ફર્યા કરે અને ટુરિસ્ટોને જબરદસ્તી ચણ નાંખવા મજબૂર કરે. ઘણા ફોટા પાડવાને બહાને ગળે પડે. પણ એવું તો, આવી જાહેર જગ્યાઓએ બહુ સ્વાભાવિક હોય, એટલે ચેતેલા રહેવું પડે.

‘ટૅક્સિમ’ એટલે ટર્કિશ ભાષામાં એ ‘ટર્કિશ મેદાની’ છે. અહીં મેદાન જેવી વિશાળ જગ્યા છે, એટલે આપણા મેદાન શબ્દ સાથે કોઈ લેવાદેવા? ખબર નીં. વળી, નામનો ઈતિહાસ તો કંઈક અલગ જ નીકળ્યો. ટૅક્સી સાથે એને કોઈ લેવાદેવા નહોતી. ટૅક્સિમ એટલે ભાગલા કે વહેંચણી. અસલ ઉત્તર ઈસ્તમ્બુલમાંથી પાણીની મુખ્ય લાઈનો દ્વારા અહીં પાણી ભેગું કરાતું અને ત્યાંથી આખા શહેરને વહેંચવામાં આવતું એટલે એ જગ્યાનું નામ  ટૅક્સિમ સ્ક્વેર! ઓટોમન સામ્રાજ્યમાં અહીં તળાવ હતું અને ત્યારના સુલતાન મોહમદે પાણીની વહેંચણી અહીંથી શરૂ કરાવી. પછી તો જમાના વીતી ગયા અને યાદો રહી ગઈ. ઓગણીસમી સદીનાં થોડાં વર્ષો સુધી ‘ટૅક્સિમ આર્ટિલરી બૅરૅક્સ’ નામે ત્યાં જાણીતું બિલ્ડિંગ હતું, જે પછીથી ‘ટૅક્સિમ સ્ટૅડિયમ’ બનેલું, પણ એનેય ૧૯૪૦માં ‘ટૅક્સિમ પાર્ક’ બનાવવા તોડી પડાયું! જોકે, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો માટે અહીં ‘આતાતુર્ક કલ્ચરલ સેન્ટર’ છે. ભાંગતોડ, તોડફોડ સિવાય ટર્કીમાં કોઈ વાત જ નહીં! જોકે, નવનિર્માણ થતું રહે એટલે પાછું ચાલે.

આજે તો, આ જગ્યા પ્રવાસીઓ અને આજુબાજુના ગામોના રહેવાસીઓની અવરજવર કે સામાનની હેરફેર માટે ઈસ્તમ્બુલનું મુખ્ય મથક ગણાય છે. ‘ઈસ્તિકલાલ કૅડેસી’ કે ‘ઈન્ડિપેન્ડન્સ એવેન્યૂ’ નામે  ઓળખાતી લાંબી શૉપિંગ સ્ટ્રીટમાં ચક્કર મારતાં, અમે ત્યાં કેટલાય લોકોને ચાલતાં ચાલતાં આપણી જેમ જ મકાઈ ખાતાં જોયાં. ગલીમાં કેટલીય આઈસક્રીમની લારીઓ પણ હતી, એટલે સ્વાભાવિક છે કે, ઠંડી હોવા છતાં અમે તો આઈસક્રીમ જ ખાધું. આ આખા સ્ક્વૅરની ફરતે કેટલીય ટ્રાવેલ એજન્સીઓ, નાની–મોટી હૉટેલો અને રેસ્ટોરાં તો ખરી જ, ઈન્ટરનેશનલ ફાસ્ટ ફૂડ્સની લગભગ બધી ચેઈન્સ અહીં હાજર. ને કેમ ન હોય? દુનિયાભરના ટુરિસ્ટો જો અહીં ફરતા હોય તો એમને મનગમતું ભોજન પણ મળવું જોઈએ ને? વળી, પરેડ કરવા, સામાજિક મેળાવડા કરવા કે નવા વર્ષની ઉજવણીઓ કરવા માટે આનાથી શ્રેષ્ઠ જગ્યા બીજી કઈ? અહીંથી જૂના જમાનાની યાદને સાચવવા માટે ટ્રામ પણ ફરે છે, જે ‘ટનલ’ સુધી જાય છે અને એ ટનલ, લંડન પછી દુનિયાની બીજા નંબરની, જૂનામાં જૂની અંડરગ્રાઉડ ટનલ છે. ભાઈ, યુરોપમાં આવેલું હોવાથી ઈસ્તમ્બુલમાં આવું બધું તો જોવા–જાણવા મળવાનું જ ને? ચાલો હવે, મૂળ કામ તો યાદ કરો કોઈ!

એ અર્ધો દિવસ શૉપિંગને સમર્પિત હોઈ હરતાંફરતાં પણ અમારું ધ્યાન તો શૉપિંગ પર જ જતું. અંજુ સતત યાદ કરાવતી રહી, કે ‘આપણે ગ્રાન્ડ બજાર જવાનું મોડું થતુ છે, ચાલો નીં. અં’ઈયે જ બધો ટાઈમ થઈ રે’હે તો શૉપિંગ ક્યારે કરહું?’ પારુલને ફોટા પાડવાની મજા આવી રહી હતી અને મને બંને વચ્ચે હવે ટાઈમનો મેળ કેમ પાડવો તેની ચિંતા થતી હતી. અહીં ટૅક્સિમફરતેની ગલીઓમાં જ એટલી બધી મોટી મોટી દુકાનો અને મોટા મૉલ્સ પણ દેખાયા કે કશે જવાની જરૂર જ નહોતી. ભાવ પણ, જેને જેવા પરવડે તેવામાં બધું મળી રહે એવા. હવે જો ગ્રાન્ડ બજાર ન જોયું, તો ઈસ્તમ્બુલનો ફેરો ફોગટ જ ગણાય, એટલે મન પર કાંકરો મૂકીને અમે ઉપડ્યાં ગ્રાન્ડ બજાર. શું લેવું તે તો કંઈ નક્કી જ નહોતું. આમેય શૉપિંગમાં તો એવું જ હોય ને? લેવા નીકળ્યાં હોઈએ કંઈ અને લઈ આવીએ કંઈ!
(તસવીરો બદલ ગુગલની મહેરબાની.)











ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો