રવિવાર, 11 સપ્ટેમ્બર, 2016

હાયા સફિયા/હાગિયા સોફાયા

જો તમે ઈન્ડિયા જાઓ, તો આગ્રાનો તાજમહાલ જોયા વગર પાછા નહીં ફરતા. મુંબઈ જાઓ તો ચોપાટીનો દરિયો જોયા વગર મુંબઈ નહીં છોડતા. અને જો સુરતની સાડી લીધા વગર ને અમદાવાદના સી એમને મળ્યા વગર જો પાછા આવ્યા છો ને તો...! બસ, એવું જ છે આ બધી ફરવાલાયક જગ્યાઓનું. ઈસ્તમ્બુલ જાઓ એટલે ઉપર લખેલાં બે નામમાંથી જે બોલતાં ફાવે તે નામની મસ્જિદ જોયા વગર ઈસ્તમ્બુલ છોડવાનું નહીં. નહીં તો, તમારી રિટર્ન જર્ની પર સો યુરોનો દંડ લેવામાં આવશે! જોકે, ત્યાં આવો કોઈ દંડ નથી લેતાં તો પણ, સદીઓ જૂના ચર્ચમાંથી બનેલી મસ્જિદમાંથી હવે મ્યુઝિયમ બન્યું છે તેને જોવા ટુરિસ્ટોનો ધસારો બારે માસ ચાલુ જ રહે છે(ઓફ સીઝન છોડીને).

આજનું ઈસ્તમ્બુલ તે અસલનું કોન્સ્ટન્ટિનોપલ, જેને મહાન સમ્રાટ કોન્સ્ટન્ટિને શોધેલું અને જે એને ‘નવું રોમ’ કહેતો, તેણે ચોથી સદીમાં આ જગ્યાએ ભવ્ય ચર્ચ  બનાવેલું, કમનસીબે જેનો અવશેષ પણ બાકી નહોતો રહ્યો. પછીની સદીમાં એના દીકરાએ ફરીથી ત્યાં ચર્ચ બનાવ્યું, જેને ‘નિકા’ તોફાનોમાં સળગાવી દેવાયેલું! જોકે એના થોડા અવશેષો રહી ગયેલા તે આજે પણ જોવા મળે છે. ધરતીકંપ ને બીજા ધાર્મિક ભૂકંપોને સદીઓ સુધી સહન કરીને પણ અડીખમ રહેલું આ ચર્ચ, વારંવાર તૂટતા ગુંબજને કારણે નવા નવા ગુંબજ ધારણ કરતું રહેલું અને એટલે જ, ઉત્તમ ઈજનેરો અને એવા જ ઉત્તમ કારીગરોને કારણે વિશ્વના શ્રેષ્ઠ બાંધકામોમાં આ ચર્ચ આજે પણ સ્થાન ધરાવે છે.

ચૌદમી સદીમાં સુલતાન અહમદ નામે મુસ્લિમ શહેનશાહે ઈસ્તમ્બુલ પર ચડાઈ કરી ને આ ભવ્ય ચર્ચ જોઈને અંજાઈ જવાથી એણે તાબડતોબ એને મસ્જિદ બનાવી કાઢી! એ તો સારું કે, સુલતાને ફક્ત ચર્ચનો જ ધર્મ બદલ્યો, બાકી તો દુનિયામાં ધર્માંધોની માનસિક બિમારીઓએ ભલભલી સુંદર ઈમારતોનો કચ્ચરઘાણ કાઢ્યો છે. આજે પણ આ ચર્ચ કમ મસ્જિદ કમ મ્યુઝિયમ જોવાનું ગમે છે તે ફક્ત એની રખાયેલી કાળજીને કારણે. બાકી તો, સર્વનાશ કરનારાઓને કળાની કદર ક્યાંથી હોય? ઓટોમન સામ્રાજ્યમાં બંધાયેલી બીજી જાણીતી મસ્જિદો, બ્લૂ મોસ્ક, સુલેમાન મોસ્ક, રુસ્તમ પાશા મોસ્ક અને શહજાદે મોસ્ક આ મસ્જિદને નજર સામે રાખીને બંધાયેલી. જોકે, ધર્મની જરૂરિયાત મુજબ સુલતાને ચર્ચમાં થોડા ફેરફારો કરેલા અને મિનારા બાંધીને મસ્જિદનું રૂપ આપેલું. નજીકમાં મદરેસા બનાવી. ત્યાર પછી આવેલા સુલતાનો પોતાના તરફથી મસ્જિદમાં ને મસ્જિદની બહાર સગવડો વધારતા ગયા તેમ સુંદરતા પણ વધારતા ગયા, એટલા વળી ડાહ્યા.

બે પરસ્પર વિરુધ્ધ ધર્મોની યાદગીરી સાચવતું આ અદ્ભૂત સ્થળ એના સુંદર પેઈટિંગ્સ અને વિવિધ મોઝેક ટાઈલ્સ અને આરસના સુંદર થાંભલા સિવાયની પણ અનેક જોવાલાયક વસ્તુઓથી દુનિયાને આકર્ષે છે. એક ખાસ વાતની સામ્યતા અહીં નજરે ચડે છે. મુસ્લિમો પૂર્વમાં મક્કા તરફ મોં રાખીને બંદગી કરે છે, જ્યારે ચર્ચનું બાંધકામ પણ પૂર્વ દિશા તરફ મોં રહે એ રીતે જ કરાયું હોવાથી, બંનેના ભગવાન એક જ દિશામાં છે! ઉપલા માળની ગેલેરીમાં જ્યાં ચર્ચની મીટિંગ થતી ત્યાં મસ્જિદ બન્યા પછી સ્ત્રીઓની બેઠક બની અને હવે મુલાકાતીઓ માટે દર્શનીય સ્થળ. ગેલેરીમાં ઊભા રહીને નીચે દેખાતો લાંબો પરિસર જોવાલાયક છે. બસ, ચર્ચ કહો કે મસ્જિદ કે મ્યુઝિયમ, એમાં નિરાંતે ફરી ફરીને જોવાની જે મજા છે, તે તો ત્યાંથી નીકળવાનું મન ન થાય ત્યારે ખબર પડે.

અમારો ગાઈડ જે તન્મયતાથી આખા મ્યુઝિયમના દરેક ખૂણાનું કે દરેક કલાકૃતિનું રસપૂર્ણ વર્ણન કરતો હતો તે જોઈને તો લાગતું હતું કે, આ ઈતિહાસપ્રેમી ગાઈડ અમારો દિવસ અહીં જ પૂરો કરી નાંખશે. જોકે, ઘડી ઘડી મોબાઈલમાં સમય જોવાની એની ટેવને લીધે અમે બચી ગયાં. ખાસ્સા ત્રણેક કલાક જાદુઈ નગરીમાં ગાળ્યા પછી તો ભૂખ જ લાગવી જોઈતી હતી, ને બધાંને જ બહુ જોરમાં ભૂખ લાગી હતી તે બધાની ચાલ પરથી દેખાતું હતું. આ લોકોએ મ્યુઝિયમમાં પણ કંઈ ખાવાપીવાના સ્ટૉલ્સ રાખવા જોઈતા હતા. ખેર, ગાઈડે ગાડીમાં બેસતાં જ જાહેરાત કરી કે, આપણે હવે પેટપૂજા કરવા જવાના. અમે સૌ તો ખુશ થયાં પણ અચાનક જ પેલા મુંબઈવાળા સહયાત્રીઓએ કકળાટ ચાલુ કર્યો. ‘આટલા દિવસથી એકનું એક ખવડાવીને અમને મૂરખ બનાવો છો? અમે હવે આ બધું નથી ખાવાના. અમને કોઈ સારી રેસ્ટોરાંમાં જમવા લઈ જાઓ, નહીં તો અમે કંપનીમાં તમારી ફરિયાદ કરી દઈશું.’ વાતમાં ન તો કોઈ વિનંતી, કે ન વાત કરવાની સભ્યતા! ગાઈડ હતો તો શું થયું? એ માણસ નહોતો? જોકે, એ લોકોએ જ આ બહાને એમના સંસ્કાર બતાવી દીધા. ગાઈડના દિલ પર કાયમની એમની છાપ છોડી દીધી.

બે ઘડી તો સોપો પડી ગયો! બધાં એકદમ ચૂપ, સિવાય પેલા ચાર. એ લોકોને હવે મુંબઈનું કે ઈન્ડિયાનું ચટપટું ભોજન યાદ આવતું હતું. ટર્કિશ ભોજન પર મસાલા ભભરાવવાનું એમને નહોતું ગમતું. જાતજાતની પણ દરેક જગ્યાએ મળતી એ જ બધી મીઠાઈઓથી પણ કંટાળી ગયેલાં! તીખું તમતમતું ને ખાટુંમીઠું ખાવા માટે એ લોકો તરસી ગયેલાં. હવે જો આવું બધું ખાવાનું એમને નહીં મળે તો કહેવાય નહીં, કદાચ એ લોકો બેભાન પણ થઈ જાય(બધાં સાથે જ) અથવા એ લોકોની યાદશક્તિ પણ કદાચ જતી રહે! કંઈ કહેવાય નહીં. ગાઈડનું મોં પડી ગયું. તરત જ સ્વસ્થતા ધારણ કરતાં એણે કહ્યું, ‘કોઈ વાંધો નહીં. હું તમને ભાવતાં ભોજન મળે એવી જગ્યાએ લઈ જાઉં.’

એક ચાઈનીઝ રેસ્ટોરાંમાં અમને સૌને આદરથી બેસાડીને, દરેકને ભાવતાં ભોજન જમાડીને ગાઈડે સંતોષનો ઓડકાર ખાધો. લગભગ ત્રીસ વર્ષની કારકિર્દીમાં દેશદેશાવરના ભલભલા ટુરિસ્ટો સાથે ફરતો રહેલો ગાઈડ, બે મિનિટમાં જ જો મગજને ઠેકાણે ન લાવી શકે તો એનું ભણતર, એના સંસ્કાર એળે જાય, ધૂળમાં મળી જાય. ખરેખર, તે દિવસે અમારા મન પરથી પેલા ચાર, પોતાને મોડર્ન કહેવડાવતાં કે સમજતાં લોકો તદ્દન નીચે ઊતરી ગયાં અને ગાઈડે સ્વાભાવિક જ અમારા મનમાં આદરભર્યું સ્થાન મેળવ્યું.  


હવે છેલ્લી મુલાકાત બાકી હતી, ટૅક્સિમ સ્ક્વેર અને ગ્રાન્ડ બજારની. ગ્રાન્ડ બજાર એટલે શૉપિંગની ધમાલ! જેની ક્યારની રાહ જોતાં હતાં તે દિવસ આખરે આવી જ ગયો. વાહ! આજની ઘડી તે રળિયામણી રે લોલ!
(તસવીરો–ગુગલની મહેરબાની)






6 ટિપ્પણીઓ:

  1. Vivid description of a historical city with eye catching photographs makes your article interesting and lively. Thanks for sharing your journey.

    જવાબ આપોકાઢી નાખો
  2. બહુ સરસ ભાષા. તમે સાહિત્ય ાને ઈતિહાસ ને સરસ રીતે રજુ કર્યો. પેરિસ જાઓ કે ઈસ્તામ્બુલ– દેશી દેશી જ રહેવાના. ચાર દિવસ પણ દાળભાત ખાધા સિવાય ન રહે. ચાઈનિઝ ફુડમાં પણ વઘાર કરે.મેં અગાઉ લખ્યું હતું તેમ મારી પાસે ઈસ્તામ્બુલની ડોક્યુમેન્ટરી છે. લેમાં તેનું ગ્રાંડ માર્કેતની દુકાનોમાં ફેરવ્યા છે. ત્યાં નજીકના બ્રિજ પરથી ચાલુ થાય છે. અનેક હોલિવુડની ફિલ્મોમાં મસ્જીદ કમ ચર્ચ જોવા મખે છે. આપનો આ લેખ શિરમોર છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આ ઈસ્તમ્બુલની ડોક્યુમેન્ટરી જોવા મળે ખરી? લિન્ક મોકલજો ને. ટર્કીનો ખરો ઈતિહાસ તો મેં આ બ્લૉગ લખતાં જ જાણ્યો! બાકી જાતજાતના અનુભવો તો કાયમ માટે યાદ રહી જાય. લેખ ગમ્યો તેનો આનંદ.

      કાઢી નાખો
  3. aaje tamaaraa lekhthi be prakaarno anubhav thayo ,
    1 uttamottam pravaas yaatraani ras ruchi dharaavti undi lekhikaa
    2 chhichhari maansiktaa vaalaa ' deshi ' palaayanwaadi vichaarsaraniwaalaa saathi pravaasio

    kone khabar kem pratibhaav swarupe ek sher yaad aavyo ;
    ' maaro vishaad swaasnaa ' gumbaj ' maa ghumaraay !
    koi y bhint thaambhalo khuno male nahi !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અશ્વિનભાઈ,
      ખરું કહું તો, આ બધા ફોટા ને માહિતી ગુગલની મહેરબાનીથી જ શક્ય બન્યું છે. બાકી, મને ડાયરી ન લખવાની ખરાબ ટેવ છે. તમારા લોકોના પ્રતિભાવોથી પ્રવાસ પૂરો થવાનો, બાકી તો પોટલાં ઉંચકી લેવા પડતે. આનંદ થયો.

      કાઢી નાખો