બુધવાર, 2 નવેમ્બર, 2016

ચાલો, દિવાળીમાં સ્વભાવ સુધારીએ.


‘હા...શ, નવું વરસ આવી ગયું.’
‘એમાં તેં શી નવી વાત કરી?’
‘નવી વાત કંઈ નથી પણ મને બહુ શાંતિ ને સંતોષ છે, કે નવા વરસને બહાને બહાને મેં આ વરસે તો બહુ બધી જૂની વસ્તુઓ કાઢી નાંખી. હાશ, બહુ વખતે હવે ઘરમાં ખાસ્સી જગ્યા થઈ ગઈ. કેટલું ચોખ્ખું ને સરસ દેખાય છે નહીં? હજીય જો તમે થોડું બહાર ફરી આવો, તો ઘર એકદમ ખાલી થઈ જાય, સરસ મોકળાશ લાગે.’
‘હું જ નડ્યો તને? બહુ ખુશ નહીં થા. આ બધી ચોખ્ખાઈ ને ખાલી જગ્યા થોડા દિવસ જોવા મળશે, ધીરે ધીરે પાછું ઘર ભરાવા માંડશે, જોઈ લેજે. તારે તો પાછું આવતા વરસ માટે પણ કંઈ ખરીદવું પડશે ને, સાફસફાઈ માટે કે ભંગારમાં કાઢવા માટે?’
‘તમે નહીં સુધરવાના કેમ? મને નીચું બતાવવાનો કે મારી ખામી કાઢવાનો એક પણ મોકો જો જવા દેતા હો તો હરામ બરાબર. એમ નહીં, કે દિવાળી આવી તો કંઈ બે સારી વાત કરીએ, કે ખુશ રહીએ ને બીજાને પણ રાખીએ.’
‘મને સુધરવાનું કહે છે, તો તારા સ્વભાવમાંય ક્યાં કંઈ ફેર પડ્યો છે? નવા વરસને બહાને જૂનું કાઢશે ને નવું લાવશે, અહીં દોડશે–ત્યાં દોડશે ને બીજાનેય દોડાવશે, ને આ બધુંય પાછું શાંતિથી તો નહીં કરવાનું! કેટલીય હોહા કરે ને કેટલોય કકળાટ કરે ત્યારે તારું દિવાળીનું કામ થાય. આ બધું ન કરતી હો અથવા ખુશી ખુશી કરતી હો તો, વાતાવરણ એની મેળે ખુશનુમા રહે કે નહીં?’
‘એટલે હું ઘરનું વાતાવરણ કે ઘરનો માહોલ બગાડું છું, એમ તમારું કહેવું છે?’
‘ભાઈ, મારે કંઈ કહેવાનું નથી, બસ થોડો તારો સ્વભાવ સુધાર, બીજું કઈ નહીં.’
‘સારું, તમે કહો છો તો પછી, આ નવા વરસથી હું મારો સ્વભાવ સુધારી દઉં બસ? તો તમે મને શું લઈ આપો?’
‘બસ ને? આવી ગઈ ને મૂળ સ્વભાવ પર? સ્વભાવ સુધારવાની તે તારા સારા માટે ને થોડુંક મારા ને ઘરના સારા માટે. હવે એના માટે પણ તું જો મારી પાસે કોઈ નાના–મોટા ઘરેણાની કે એકાદ ભારે સાડી કે ડ્રેસની આશા રાખતી હોય, તો મારે તો વિચાર કરવો પડે! ભલે ચાલ, એમેય તું તારો સ્વભાવ જો સખણો રાખતી હોય ને, તો મને મંજુર છે. તને જે જોઈએ તે લેજે દિવાળીમાં, પણ...’
‘હા ભાઈ હા, એક વાર કહ્યું ને? મારો સ્વભાવ દિવાળી પછી સુધારી દઈશ બસ? પણ, તમારે પણ તમારો સ્વભાવ સુધારવો પડશે હં કે!’
‘જો હવે તું વધારે પડતું કરે છે હં. ગિફ્ટ લેવાની હા પાડી તોય તું મારા સ્વભાવની વાત પર તો આવી જ ગઈ, કેમ? મારામાં શી ખામી છે, જરા બોલ તો! તને તારો સ્વભાવ સુધારવા કહ્યું, તો તું મારા જ ગળે પડી! મારામાં કોઈ ખામી નથી. મારો સ્વભાવ સારો જ છે, તો જ તારી સાથે આટલાં વરસોથી રહું છું.’
‘હમણાં ગણાવવા બેસીશ ને, તો તમારાથી સાંભળી નહીં શકાય ને સહન પણ નહીં થાય. ચંપલ પહેરીને ઘરની બહાર ચાલવા જ માંડશો. મારું મોં તો તમે ખોલાવતા જ નહીં. એ તો હું છું, કે તમને નભાવું છું. બાકી તમારા જેવાનો સ્વભાવ વેઠવો એટલે..’
‘જો દિવાળી પહેલાં છે ને, બધો હિસાબ તું ચૂકતે જ કરી નાંખ. એટલે નવા વરસમાં કોઈ ભાંજગડ જોઈએ જ નહીં. તારો સ્વભાવ તો તું ગિફ્ટ લઈને પણ સુધારી કાઢવાની છે, બદલી નાંખવાની છે, તો પછી હું પણ તારા કહેવા મુજબ જો ખરાબ હોઉં, એટલે કે મારો સ્વભાવ સારો ન હોય તો બદલાવા તૈયાર છું. ચાલ બોલવા માંડ.’
‘તમારાથી સંભળાશે? કોઈ વાર કંઈ કહેવા આવું છું તો, હમણાં નહીં, પછી નહીંના બહાને વાતને ટાળી જાઓ છો ને પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી થતા, તે તમારાથી કેવી રીતે મારી આટલી લાં...બી વાત સંભળાશે?’
‘એટલે? લાં...બી વાતથી તું શું કહેવા માગે છે? મારામાં ગણી ગણાય નહીં એટલી બધી ભૂલો છે? મારો સ્વભાવ એટલો બધો ખરાબ છે? જા, જા કોઈને કહેતી નહીં. પહેલાં તો, કોઈ તારી વાત માનશે જ નહીં. મારો સ્વભાવ જો તારા કહેવા મુજબ ખરાબ હોત ને, તો મને આટલા લોકો માન જ ના આપત કે મને પૂછત જ નહીં. બધા મારાથી દૂર જ ભાગત, સમજી? તને તો આંગળી શું આપી, તેં તો પહોંચો જ પકડી લીધો. મારા જેવો હોશિયાર, કાબેલ ને હસમુખો શોધી લાવજે. દીવો લઈને શોધવા નીકળે ને તો પણ મારા જેવો તો નહીં જ મળે, સમજી?’
‘લે, તમે તમારે મોઢે જ તમારા વખાણ કરી લીધાં પછી મારે કંઈ કહેવાનું રહેતું જ નથી. આ જ તમારી મોટામાં મોટી ખામી, કે તમારી ખામી બતાવનારને બોલવા જ નહીં દેવાના ને પોતાનાં વખાણ જ ચાલુ કરી દેવાના! જોયું ને? ધ્યાનમાં આવી તમારી ખામી? આ સ્વભાવ જો બદલો ને, તો તમને બીજાની વાતો પણ સાંભળવાનું ગમશે ને બીજાનાં ગુણો પણ દેખાશે. એમ નહીં, કે જ્યારે ને ત્યારે સામેવાળાની ખામી જ શોધ્યા કરો, કે એમને નીચું બતાવતા રહો. (પછી હું બદલામાં સાડી ને ઘરેણાં કઢાવતી જ રહું ને?)’
‘હશે ભાઈ, તને જો દેખાઈ તો મારામાં ખામી છે બસ? ચાલ, હવે જમાડી દે એટલે જરાક આરામ કરી લઉં.’
‘બસ, થાકી ગયા એક જ ખામી સાંભળીને? મેં નહોતું કહ્યું? મારી ખામી તો પટપટ પટપટ ગણાવવા માંડો ને તમારા પગ નીચે રેલો આવ્યો, ત્યારે છટકવાની વાત? આ દિવાળીમાં મેં એકલીએ બધું કામ કર્યું, તે તમને કોઈ દિવસેય એમ ના થયું કે, જરા હાથ હલાવીએ ને જરા મદદ જેવું કંઈક કરીએ?’
‘ઓહો! તો તારે મને કહેવું હતું ને? બંદા તરત જ હાજર થઈ જાત. તું બોલે નહીં ને જાતે જાતે જ બધું કર્યા કરે તો મને શું ખબર પડે? લાવ, શું કામ છે? થાળી પીરસવાની છે?’
‘એમ કોઈ કહે ને કોઈ કામ કરે તેમાં શી નવાઈ? વગર પૂછ્યે મારા હાથમાંથી તમે ઝાડૂ લઈ લેત ને જાળાં પાડવા લાગત, કે મને ઘરનાં બીજાં કામમાં વગર કહ્યે મદદ કરવા હાજર થઈ જાત તો હું માનત તમને. પણ એવો તમારો સ્વભાવ જ નહીં ને! મારે કાયમ એકલાં એકલાં જ બધું કામ કરવાનું. તમારા હોવા ન હોવાનો તો કોઈ ફેર પડે જ નહીં ને? કાયમ બીજાનાં વરોને જોઈને જીવ બાળવાનો કે, આ લોકોનાં વર કેવા દિવાળીના કામમાં મદદ કરે ને મારો જ વર...’
‘ચાલ ગાંડી, એમ જીવ નહીં બાળ. તેં મને જણાવી દીધું ને. હવે આવતે વરસે તો મારો સ્વભાવ બદલાઈ જ ગયો હશે ને? ત્યારે તું જોઈ લેજે. તું મને ઓર્ડર કરજે ને હું દિવાળીનાં કામ આમ ચપટી વગાડતાં કરી નાંખીશ જોઈ લેજે.’
‘વાહ વાહ! મને નવા વરસે નવી સાડી ને ડ્રેસ ને ઘરેણાં ન અપાવવા પડે, એટલે તમે મને મદદ કરવા પણ તૈયાર થઈ ગયા કેમ? દિવાળીનું કામ તો હું કરી લઈશ. ફક્ત તમે તમારા જ વખાણ કરવાના છોડી દેજો ને બીજાની, એટલે કે મારી વાત પણ સાંભળવાની ટેવ પાડજો. સ્વભાવમાં એટલો સુધારો લાવશો ને તોય બહુ છે.’
‘ચાલ મંજુર છે. હવે આપણા બંનેનો સ્વભાવ નવા વરસે સુધરી જવાનો એટલે આવતા વરસથી તો શાંતિ. પણ મને તારી સાથે લડ્યા વગર તો એક દિવસ પણ નહીં ચાલે, તો શું કરશું?’
‘હા, એ તો મને પણ થયું કે રોજ રોજ મિઠાઈ ખાશું તો મોં બગડી જશે. તો પછી આપણે અઠવાડિયામાં એક વાર કોઈ પણ બહાનું શોધીને જમાવી દઈશું, ડન?’
‘એકદમ ડન.’

5 ટિપ્પણીઓ:

  1. swabhaav visheni srvsaamaany munzvnne khub j baarikithi nirkhine khub j halavaashthi thayelu khatmdhuraa dampaty jivnnu nirixan diwaalinaa diwasomaa ekdam fit thai jaay chhe , dhanyawaad
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર અશ્વિનભાઈ,
      એકબીજા પર નજર રાખવા સિવાય આપણે બીજું ક્યાં કંઈ કરીએ છીએ? જો થોડો સભલો સુધરી જાય તો બહુ રાહત થઈ જાય.

      કાઢી નાખો
  2. અમારો સ્વભાવ તો ક્યારનો...ય સુધરી ગયો.
    દરેક ટકટકમાં એક જ જવાબ..
    તમે કહો તે ફાઈનલ !!!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બસ, હથિયાર નાંખી દેવા સિવાય શાંતિ ન મળે તે સારો ઉપાય! કોઈએ તો સુધરવું જ રહ્યું.

      કાઢી નાખો