શનિવાર, 26 નવેમ્બર, 2016

આખરે શૉપિંગનું મૂરત નીકળ્યું ખરું!


આટલાં વરસોમાં જાતજાતનું કેટલુંય સાચું/ખોટું શૉપિંગ કર્યું હશે, તોય આજ સુધી આ વિષયમાં હું ઢ જ પુરવાર થઈ છું. મને જ્યારથી આ વાતની ખબર પડેલી, (કે શૉપિંગમાં હું ઢ છું!) ત્યારથી હું શૉપિંગમાં કોઈનો સંગાથ નથી કરતી. વારંવાર કોઈની આગળ ઢ પુરવાર થવાનો પણ કંટાળો આવે કે નીં? જોકે, આનો મને મોટામાં મોટો ફાયદો એ જ થાય, કે કોઈ દિવસ મારી પાસે ઘરનાં કે બહારના લોકો કંઈ મગાવે નહીં! જાણે, કે વસ્તુ ફેંકવી પડશે અથવા જીવ બાળીને ખૂણે નાંખવી પડશે અને પૈસા બગડશે તેનું કંઈ બોલાશે પણ નહીં. બીજો ફાયદો, હું ઓછા સામાન સાથે આરામથી બધે ફરી શકું. બધાએ એક જ સલાહ આપી હોય, ‘કોઈના માટે કંઈ લાવતી નહીં. આરામથી ફરજે.’

જ્યારે અહીં, આ અદ્ભૂત માર્કેટમાં તો અમે ખાસ શૉપિંગ કરવા જ આવેલાં. હવે આ રીતે સંગાથે શૉપિંગ કરવાનું આવે ત્યારે મારી હાલત કફોડી થતી હશે, એવું કોઈને લાગે. પણ એનો મેં રસ્તો કાઢી લીધો હતો. સાથેવાળા જે ખરીદે તેવું મારા માટે પણ લેવાનું કહી દઉં. એ લોકોને ડબલ શૉપિંગનો આનંદ મળે ને મારા મનને શાંતિ મળે. મેં બહુ વાર શૉપિંગની રીતો શીખવાની કોશિશ કરેલી, કે કઈ રીતે કોઈ વસ્તુ જોવાની, એનો ભાવ પૂછવાનો, ‘બહુ મોંઘું છે’ના હાવભાવ બતાવવાના, દુકાનવાળા સાથે ભાવ બાબતે રકઝક કરવાની, અમસ્તાં અમસ્તાં ચાલવા માંડવાનું નાટક કરવાનું, ફરી પેલાના બોલાવવાથી પાછા ફરવાનું, થોડા એ ભાઈ ભાવ ઓછા કરે ને થોડા હું ઓછા કરું ને પછી બંને ખુશ થઈએ, કે સોદો વ્યાજબી થયો. મને સસ્તાનો આનંદ મળે ને દુકાનદારને ફાયદાનો આનંદ મળે. આટલી બધી ઝંઝટ કર્યા પછી પણ, મારે તો સાંભળવાનું જ હોય, કે ‘દર વખતે છેતરાઈને આવે છે ખબર છે, તો પછી કંઈ પણ લેવા તૈયાર શું કામ થઈ જાય?’ લે ભઈ, કોઈ વાર તો મને પણ શૉપિંગ કરવાનું(ને છેતરાવાનું) મન થાય કે નહીં?

અહીં તો અમારી પાસે ગણેલા કલાક હતા અને એટલા ટૂંકા સમયમાં અગણિત દુકાનોને જોવાની ને તેમાંથી જોઈતી વસ્તુને પસંદ કરીને, ભાવની રકઝક કરીને તે વસ્તુ લેવાની હતી. ચાર હજારથી પણ વધારે દુકાનો વચ્ચે મહાલતાં મહાલતાં, હજારો લોકોની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં, છૂટા ન પડી જવાય તેની બીકમાં, એકબીજાની સાથે ને સાથે રહેતી અમે ત્રણ બહેનો, દુનિયાની શ્રેષ્ઠ બાવરીઓમાં ગણાઈ જવાની તૈયારીમાં હતી. અમારી પાસે સમય ઓછો હતો અને શૉપિંગનું લિસ્ટ લાબું હતું. આટલા દિવસોમાં બીજે કશેથી પણ કંઈ ન લીધું, એટલે લિસ્ટ થોડું વધારે લાબું થઈ ગયેલું. પહેલાં અમે એવું નક્કી કર્યું, કે બે કલાક બજારમાં ફરીને, શૉપિંગ કરીને પછી મુખ્ય દરવાજે બધાંએ ભેગાં થવું, એટલે બધાંને પોતાના શૉપિંગનો પૂરતો ટાઈમ મળે, અને વાતમાં કે એકબીજાનું શૉપિંગ જોવામાં સમય બરબાદ ન થાય. જોકે, એક વાર માર્કેટમાં દાખલ થઈ ગયા પછી, તરત જ અમે અમારો વિચાર ફેરવી નાંખ્યો. ભલે જેટલું થાય તેટલું, પણ શૉપિંગ તો સાથે રહીને જ કરશું. અહીં જરાક જ વારમાં ખોવાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. કોઈ મોટા જંક્શન પર ઘણી બધી ટ્રેનના પ્રવાસીઓ, જે રીતે એકધારા આવ–જા કરતાં દેખાય, તેવો જ અહીં લોકોનો પ્રવાહ સતત વહેતો હતો. સ્ટેશન પર તો લોકો, કાં તો ટ્રેન તરફ જોઈને ચાલતાં દેખાય, કાં તો દરવાજા તરફ જોતાં ચાલતાં હોય. અહીં તો, લોકો ચારે દિશામાં નજર ફેરવી ફેરવીને ફરતાં હતાં. આ દુકાન, પેલી દુકાન, આ વસ્તુ, પેલી વસ્તુ, ઘડીક જોવા ઊભા રહો, તરત જ આગળ વધો, ઉતાવળે ઉતાવળે બધી દુકાનો પર સરસરી નજર નાંખતાં ઝડપથી આગળ વધતાં રહો. બાપ રે! આવામાં શું લેવાય ને કેવી રીતે લેવાય? આખો દિવસ હોત તો નિરાંતે ફરત ને શૉપિંગની મજા લેત. હત્તેરીની! બહુ દિવસથી હવા ભરીને ફુલાવી રાખેલા શૉપિંગના ફુગ્ગામાંથી ધીરે ધીરે હવા નીકળવા માંડી.

‘જો, આપણે એક કામ કરીએ. આપણે હું હું લેવાનું છે તે પેલ્લા જોઈ લઈએ. કોઈને દુકાન પૂછીને હીધ્ધા તાં જ જઈએ. જેને નીં લેવુ ઓ’ય, તે બા’ર ઊભુ રે’ય નીં તો આજુબાજુ જોઈને કંઈ લેવા જેવુ લાગે તો લઈ લેય, એટલે કોઈનો ટાઈમ નીં બગડે.’ ત્રણેયની સહમતિથી કામ સરળ બન્યું અને આમ અમારું શૉપિંગ ઝપાટાભેર ચાલવા માંડ્યું. બહુ બધી દુકાનો આગળ ઊભા રહી જવાનું, બહુ બધી વાર, બધાંને જ બહુ મન થયું, પણ દિલ પર કાબૂ રાખતાં રાખતાં છેલ્લે ડ્રાયફ્રૂટની દુકાને અમે મુકામ કર્યો. એક ખાલી દુકાન જોઈ, એમાં શૉપિંગ વહેલું પતશે, એમ વિચારી દાખલ થયાં. દુકાનમાં માંજરી આંખોવાળા ટર્કિશ માલિક સહિત, ત્રણેક હેલ્પર છોકરાઓ હતા. દુકાનમાંય મોડેલિંગ કરતા હોય તેવા સ્ટાઈલિશ! અમે લોકોએ તો કોઈ દિવસ જોયું ન હોય તેમ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર ને જાતજાતના તેજાના ભરેલી બરણીઓને લલચાતી નજરોથી જોવા માંડી. ‘ટર્કીનું ડ્રાયફ્રૂટ બહુ સરસ આવે, એકદમ એ વન ક્વૉલિટીનું, એટલે એ તો લેજો જ’ એવી તાકીદ થઈ હોય પછી પણ અમે ન લઈએ તો મૂરખ જ ઠરીએ ને?

મન પર બહુ જ કાબૂ રાખીને, જોઈતી જ લલચામણી ચીજો પૅક કરવાનું અમે કહેવા માંડ્યું. એક તરફ ઘડિયાળનો કાંટો અમારા માટે તેજ ભાગતો હતો, જયારે માલિકને તો ગ્રાહકની બિલકુલ પડી નહોતી, એવું એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. એ એની ધૂનમાં મસ્ત હતો. ટુરિસ્ટ સિઝન પૂરી થવામાં હતી અને એના ભાગનું એણે કમાઈ લીધું હશે એવું લાગ્યું. અંજુ અને પારૂલ એમની સાથે મારા માટે પણ ખરીદી કરી રહી હતી. હું તો એક બાજુ બધાંની પર્સ લઈને બેઠાં બેઠાં બરણીઓ જોતી હતી. એવામાં મારું ધ્યાન ગયું, તો પિસ્તાની બરણીમાં ઈયળો પિસ્તાની જ્યાફત ઉડાડતી હતી! મેં પેલા છોકરાને કહ્યું, ‘ભાઈ, તું દિલ્હીનો ઠગ છે? કેમ બેઈમાની કરે છે? જા, અંદરથી ફ્રેશ પિસ્તા લઈ આવ.’ માલિકે એ બધું જોયું ને કંઈ બન્યું ન હોય તેમ સૉરી કીધા વગર બીજા પિસ્તા મગાવી લીધા. પછી તો, અમે બાકી બધા પૅકેટ પણ ચેક કરાવી લીધા.

છેલ્લે, બિલ આપતાં પહેલાં આદત મુજબ અમે કહ્યું, ‘ભાઈ આટલો સામાન લીધો તો કંઈ ગિફ્ટ–બિફ્ટ તો આપ અમને. ટર્કીની કોઈ યાદગીરી જ આપી દે. યાદ કરહું તને ને તારી દુકાનને.’ એને પણ કદાચ ખબર હશે ગ્રાહકોની મફતિયા ભેટ મેળવવાની વૃત્તિની, એટલે તરત જ એણે ત્રણ સુંદર કોતરણીવાળા નાનકડા, એલચી–મરી વાટવાના નમૂના અમને ભેટ આપ્યા. અમે તો એકદમ ખુશ. ‘થૅંક યૂ’ કહીને ત્યાંથી ભાગ્યાં. હવે ટાઈમ બહુ ઓછો હતો અને હજી પેટપૂજા પણ બાકી હતી.

ખરેખર તો, આ બજાર એ કોઈ મામૂલી બજાર નહોતી. દુનિયાની શ્રેષ્ઠ, જૂનામાં જૂની અને બંધ માર્કેટોમાંની એક માર્કેટ હતી. બજાર શબ્દ આપણો એટલો પોતાનો લાગે, કે આ માર્કેટ સાથે બજાર શબ્દ જોડાયેલો જાણીને જ બહુ રાહત થયેલી. ગ્રાન્ડ બજાર! વાહ. જેવું નામ તેવો એનો નઝારો. ગણવા બેસીએ તો સમય ખૂટી પડે એટલી અધધધ ચાર હજ્જારથીય વધારે તો દુકાનો! માર્કેટની અંદર તો ગલીઓ ને ગલીઓ ને ગલીઓ! એકસઠ ગલીઓ! દરેક ગલીમાં અડોઅડ આવેલી એક જ પ્રકારના સામાનની દુકાનો. બજારમાં ફરવાવાળાને કે શૉપિંગ કરવાવાળાને ગુંચવાડો ના થાય એટલે, જાતજાતના વિભાગો પાડવામાં આવેલા. રોજના અઢી લાખથી લઈને ચાર લાખ સુધીના લોકો આ માર્કેટની મુલાકાત લે, એટલે વિચારો કે આ માર્કેટમાં કેટકેટલી વિવિધતાઓનો ભંડાર ભર્યો હશે!


અમારી સાથે માર્કેટની વધુ સફર કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
તસવીરો માટે કૅનેડાના શ્રી પિયુષભાઈ પરીખનો આભાર.







5 ટિપ્પણીઓ:

  1. શો પિંગ !
    https://www.vectorgraphit.com/wp-content/uploads/2014/11/pingpong-preview-600x252.jpg

    જવાબ આપોકાઢી નાખો
  2. i was wondering all the time ; ' how come kalpana desai could do all the travelling with so much minute interest in history and and all other wonders of all different places ? but today u broke the suspense ! i m proud i came across the only gojarati lady who is not interested at all in shopping !bravo madam ? that was pleasentsurprise ! - ashvin desai melbourne aostralia

    જવાબ આપોકાઢી નાખો
  3. આભાર અશ્વિનભાઈ,
    મારા મતે તો, શૉપિંગ પણ એક કળા છે અને ઘણી સ્ત્રીઓ શૉપિંગ કરવા છતાં પણ, ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાંય એટલી જ માહેર હોય છે. આ તો તમારો ભ્રમ દૂર થાય એટલે આટલું લખ્યું. બાકી, વખાણ તો કોને નીં ગમે?

    જવાબ આપોકાઢી નાખો
  4. i would like to know about such a great lady with very very open mind , but little bit doutful about any husband accepting it as his wife s art of shopping !

    જવાબ આપોકાઢી નાખો