મંગળવાર, 1 એપ્રિલ, 2014

તમારો છૂંદો થઈ ગયો ?

                            

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાતાદાયક વસ્તુઓની યાદીમાં હું હંમેશ અમુક પ્રશ્નો પણ સામેલ કરું છું. જે પ્રશ્નો પૂછવાથી મનને શાંતિ મળે ને અનેરો આનંદ મળે, તે પ્રશ્નો વર્ષોથી સ્ત્રીઓ એકબીજીને પૂછતી રહે છે ને પૂછતી રહેશે. આનંદ ચીજ જ એવી છે કે, એક વાર મેળવીને બેસી ન રહેવાય. વારંવાર મેળવવો ને આપવો ગમે એવો આનંદ હું પણ આ ઋતુમાં મેળવી જ લઉં છું. પાછો એ મોકો હાથમાંથી સરી જશે તો ? ઠેઠ વરસ પછી જ હાથમાં આવશે ને ? એટલે સ્તો, યાદ કરી– કરીને હું બધી લાગતી–વળગતીઓને પૂછવા માંડું,
‘તમારો છૂંદો થઈ ગયો ?’ મારા પ્રશ્નનો અર્થ સમજ્યા વગર એ તો કેરીના છૂંદા પર તૂટી પડે.
‘ના રે.... ! અત્યારમાં ક્યાંથી ?’
‘તો પછી... તમારી કટકી થઈ ગઈ ?’
‘ના રે ના ! હજી તો બજારમાં સસ્તી ને સારી કેરી જ નથી આવી બોલો. ક્યારે થશે મારો છૂંદો ને કટકી ?’
હવે જેને પોતાનો જ છૂંદો ને કટકી કરવાના અભરખા હોય, શોખ હોય તેને કોણ રોકી શકે ?
મેં તો જોયું છે કે, ઘણી સ્ત્રીઓનું તો અથાણું પણ બૌ સરસ થાય ! જાતજાતની મસાલેદાર ચટણી તો એમની જ ! કેટલી હડિયાપાટી કરીને, ભેજાનું દહીં કરીને અને ટાંટિયાની કઢી કરીને આખરે તો સ્ત્રીઓ પોતાનો જ છૂંદો ને પોતાની જ કટકી–કટકી કરી નાંખે છે આ સીઝનમાં ! આપણી ગુજરાતી ભાષા ગમવાનું એક મુખ્ય કારણ આ પણ ખરું. મોટે ભાગની વાતો અધ્યાહારમાં જ ચાલે.
‘તમારી સીઝન ભરાઈ ગઈ ?’ આ પ્રશ્ન ફક્ત ને ફક્ત ગુજરાતીઓમાં જ અને તે પણ સ્ત્રીઓમાં જ પુછાય છે અને એનો અર્થ પણ સ્ત્રીઓ જ સારી રીતે સમજે છે બોલો !
આ એક જ વાક્યમાં કેટલા બધા સવાલો છુપાયેલા છે !
‘તમારા ઘરમાં વરસના ઘઉં, ચોખા, દાળ, કઠોળ, મસાલા વગેરે સાફ થઈને ભરાઈ ગયા ?’
‘ધાણાજીરુ, હળદર, મરચાં વગેરે મસાલા તૈયાર લીધા ?’
‘બહાર દળાવ્યા તો કોને ત્યાં ને કેટલામાં ને કેવા દળ્યા ?’
‘જો મસાલા ઘેર દળ્યા તો કોણે મદદ કરી ? શેમાં દળ્યા ? (અને મુખ્ય સવાલ તો ખરો જ– ‘તમારે ત્યાં કામવાળી આ બધા મસાલા કરવા લાગે ? વધારાના પૈસા આપવા પડે ?’)
જ્યાં કામવાળીની મહેર હોય અને મહોર હોય ત્યાં આ સીઝનમાં ઘરની બહાર એટલે કે, બારણે લીંબું–મરચાં ટાંગવાં અનિવાર્ય બને છે.
સ્ત્રીઓને રસોડાની રાણી અમસ્તી નથી કહી. એ કેટલા જુદા જુદા સ્વરુપે ભોજનમાં પ્રગટ થતી રહે છે તે જુઓ. દુ:ખની વાત એ છે કે, આ બધું જ, બે જ મહિનામાં અને પાછી માથાફાડ ગરમીમાં જ કરવું પડે છે. ભલે પછી આખા વરસની નિરાંત હોય પણ કરવાનું તો શેકાતાં શેકાતાં જ ને ? પરસેવે રેબઝેબ થઈને જ ને ? ચામડી તતડાવીને જ ને ?
સ્ત્રીઓનાં પાપડ–પાપડી થાય, એમની વેફર્સ– કાતરી પડે, એમની છીણ થાય, એમની ચકરી પણ થાય અને એમની વડી પણ મુકાય ! એમની સેવ પણ પડી જાય અને આ બધું થતાં થતાં તો એમનો ડુચો પણ નીકળી જાય.
આ દરમિયાન બાકી હોય તે, કેરીની સીઝન તો ચાલુ જ હોય એટલે છૂંદા ને કટકીમાંથી પરવારેલી સ્ત્રીઓના મુરબ્બા થવા માંડે, એમનો (કસ કે) રસ તો રોજ જ નીકળે અને પછી તબડી તબડીને જૅમ પણ બની જાય !
આ બધું ખાવાના ચટાકા રાખનાર પુરુષોમાંથી કોણ જાણે કેટલા પોતાના ઘરમાં થોડી ઘણી પણ મદદ કરતા હશે ! નહીં જ કરતા હોય એ આપણે સૌ ખાતરીથી કહી શકીએ.
કોઈ દિવસ પુરુષોને આપણે આવા સવાલો કરતા સાંભળ્યા કે,
‘તમારો છૂંદો થઈ ગયો ?’
‘તમારી કટકી થઈ ગઈ ?’
‘તમારી સીઝન ભરાઈ ગઈ ?’
‘તમારા મસાલા ભરાઈ ગયા ’ નહીં જ વળી.
કદાચ કોઈક સ્ત્રીનું નસીબ જોર કરતું હોય અને જો થોડી ઘણી પણ મદદ એને આ સવાલોના જવાબ રુપે મળી જાય તો એ તો એમ જ કહેતી થઈ જશે ને કે,
‘તમારા ભાઈનો છૂંદો થઈ ગયો.....’

10 ટિપ્પણીઓ:

  1. કલ્પનાજી,

    પહેલીવાર આ બ્લોગ પર.

    સરસ બ્લોગ છે.

    અભિનંદન !

    ગુજરાતી બ્લોગજગતે તમારૂં સ્વાગત !

    અને...હા..આ પહેલી મુલાકાતે "છૂંદા"ની વાત.

    આ વાતોમાં "સ્ત્રીઓ"નો વિષય.

    અને, હું અહીં પહેલો....પુરૂષ...ભુલ થઈ?

    તો..."ભાઈનો છુંદો"ના થાય ને?

    ......ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    This is my 1st visit to this Blog.
    Nice Blog....Congratulations !
    All the Best Always !
    Inviting YOU & all to my Blog !

    જવાબ આપોકાઢી નાખો




  2. પાઇ ડે ને દિવસે શરુ થયેલા બ્લોગે
    એપ્રીલ ફૂલ દિવસે તો કટકી કરી
    ખટ મધુરો છૂદો બનાવી
    હસાવ્યા

    પ્રજ્ઞાજુ વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો
  3. રોજ-બ-રોજના વિષયને લઈને સુંદર લેખ આપવાનું તમારું કામ કાબિલેદાદ છે.અભિનંદન..આ બ્લોગ માટે પણ..

    જવાબ આપોકાઢી નાખો
  4. Dear Kalpana ben

    Very nie article...

    Very apt to the season... Chunda Season...

    Hope tamaro chundo thay gayo che!!!!! :)

    Zankhana Damani

    જવાબ આપોકાઢી નાખો
  5. આદરણીય કલ્પનાબેન




    આપના હાસ્ય લેખો માટેનો નવો બ્લોગ ‘લપ્પન–છપ્પન’ આપે શરુ કર્યો એ સમાચાર મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર મારફતે જાણીને ખુબ આનંદ થયો .




    આજે જીવન જીવવા માટેનો સંઘર્ષ કરી રહેલ લોકોના મુખ ઉપરથી હાસ્ય તો શુ

    સ્મિત પણ વિલાઈ રહ્યું છે ત્યારે આવા બ્લોગોની વધુ જરૂર છે .




    હાસ્ય નીપજાવવાની કળા ખુબ અઘરી હોય છે અને એટલે જ આજે ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખકો ઓછા જોવા મળે છે .




    અગાઉ આપના હાસ્ય લેખો અખબારો તેમ જ માસિકોમાં મેં વાંચ્યા છે અને ગમ્યા પણ છે .આપના બ્લોગની શરૂઆતમાં જ વાચકોનો સુંદર સહકાર મળ્યો છે એ બતાવે છે કે લોકોમાં હાસ્ય સાહિત્ય વાંચવાની ભૂખ છે .




    આપના બ્લોગની મુલાકાત લઈને અને શરૂઆતના લેખો વાંચીને આનંદ થયો .

    આ હાસ્ય બ્લોગ શરુ કરવા માટે આપને અભિનંદન અને ખુબ શુભ કામનાઓ .




    સાદર




    વિનોદભાઈ પટેલ
    www.vinodvihar75.wordpress.com


    જવાબ આપોકાઢી નાખો
  6. કલ્પનાજી બહુ સરસ લેખ બન્યો ખે. અમારે ત્યાં તો પત્નીજી બહારથી પાઠક–દીપ– વિગેરે ના અથાણાં વારાફરતી લાવે છે.એટલે વેરાયટી મળે છે.અને એકનો એક છુંદો વરસ આખું ખાવો પડતો નથી.

    જવાબ આપોકાઢી નાખો
  7. સરસ. તમારો છૂંદો થતાં રહી જાય. આનંદ થયો. આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  8. My iPad does not have Gujarati script.
    To day is the " most auspicious " day of the year and your article has made my day.
    Here it is early morning and your article has made my cup of tea sweeter with all the
    " Mirach --Masalas " and " Chhundas--Murrabas" of your article.
    Hearty Congratulations.

    Many Many Returns of the Day of the Days :
    V.B.Ganatra, 87 young, New York.
    Your timing is nine and a half hours ahead.

    જવાબ આપોકાઢી નાખો
  9. કલ્પનાજી ,
    આ અગાઉ પણ અન્ય સામયિકોમાં તમારા લેખો વાંચીને પ્રતિભાવ આપવા પ્રયત્ન કર્યા હતા એવું યાદ છે
    તમારી શૈલી મને સરળ , હળવી , સોસરવી અને અસરકારક લાગી
    તમારું અવલોકન બારીક , તળપ દુ , અને વાસ્તવિક હોય છે તેથી તમારો કટાક્ષ ખુબ જ હળવાશથી થયો હોવા છતાં ધારદાર બને છે , અને ભાવક મનમાને મનમાં મરકતો મરકતો પણ ઊંડો વિચાર કરતો થઇ જાય છે , અને તેથી તમારો લેખ ' ટાઈમ - પાસ ' નો નથી પણ ગંભીર સાહિત્યનો વિષય બની જાય છે
    ધન્યવાદ સાથે શુભેચ્છાઓ
    અશ્વીન દેસાઈ ' સમન્વય ' 15 સર્વિસ રોડ બ્લેકબર્ન વિક્તોરિઆ 3130 ઓસ્ટ્રેલીયા

    જવાબ આપોકાઢી નાખો
  10. કલ્પનાબેન, આપનો પ્રથમ પ્રયાસ વાંચ્યો અને માણ્યો ... લગ્નસરા, ચોથી સીઝન, અને લગનવાળા ઘરનું વાતાવરણ સુપેરે રજુ કરી શક્ય। છો... જોકે મોટાભાગના સૌ આ સંજોગોમાંથી પસાર થઇ ચુક્યા હોય છે. હવે નવા લેખનો ઇન્તેઝાર રહેશે ... Keep it up..

    જવાબ આપોકાઢી નાખો