મંગળવાર, 15 એપ્રિલ, 2014

અમારે ફરવા જવું છે

ભારતના દરેક ઘરમાં બોલાતું વેકેશન સ્પેશ્યલવાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો પત્ની સ્પેશ્યલકે પિયર સ્પેશ્યલકે પછી મોસાળ સ્પેશ્યલનામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયરભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની પરીક્ષા જાય ભાડમાં, પહેલું કામ રિઝર્વેશનની ચિંતા ને બૂમાબૂમ કરવાનું. જ્યાં સુધી હાથમાં ટિકિટ ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈએ ચેનથી જીવવાનું નહીં.


આગલાં વર્ષોની દર્દનાક ઘટનાઓ કે શ્વાસ થંભી જાય એવી વાર્તાઓ યાદ કરાવાય ! ‘દર વર્ષે કેટલાં હેરાન થઈએ છીએ ખબર છે ? તમને તો ક્યાંથી ખબર હોય ? તમારે થોડા કોઈના ગોદા ખાવા પડે છે કે ગાળો ખાવી પડે છે ? ભિખારી હોઈએ ને બધાની દયા પર જીવતાં હોઈએ ને બધાં સામે સીટની ભીખ માંગતાં હોઈએ એમ જોતાં રેવાનું. ‘આગે જાઓ, હમારે ભી બાલબચ્ચે હૈંજેવું બધાનાં મોં પર વાંચીને, તમને શું ખબર અમને કેવું મરવા જેવું લાગતું હશે ? તમારે શું છે ?’

મારી પડોશણ તો ગયે વર્ષે આ ડાયલૉગ ગોખીને ગયેલી. ‘આ છોકરાંનાં મોઢાં સામે તો જુઓ માઈબાપ. ત્યાં બારી પાસે જરાક ઊભા રહેવા દેશો તો ભગવાન તમને સહીસલામત ઘેર પહોંચાડશે બાપલા ! મહિનો સુધી આ છોકરાંવનો બાપ બિચારો એકલો, બીજાઓની (ચાંપલી પાડોશણોની) દયા પર જીવશે. ટાઈમ પર સારુંનબળું ખાવાનું મળ્યું ન મળ્યું ઠીક છે; કહીને મન મનાવશે ને મહિનામાં તો સૂકાઈને સળી જેવો થઈ જશે. આ એક વાર થોડું બેસવા દો, ભગવાન કાયમ તમને કન્ફર્મ્ડ ટિકિટ આપશે.’ પણ એના પગ પર કોઈની બૅગ એટલા જોરમાં પડેલી કે એના ગળામાંથી ચીસ સિવાય કંઈ નીકળ્યું નહોતું.

રાઈનો પર્વત બનાવતાં આ પિયરપ્રેમી પત્નીઓને જરાય વાર લાગતી ન હોવાથી, પતિ બિચારો બધાં કામ છોડીને સ્ટેશન ભણી ફટફટિયું મારી મૂકે. પત્નીને ગાળો ન ખાવી પડે કે ભીડમાં ગોદા ન ખાવા પડે એટલા ખાતર પતિ એક દિવસ પૂરતી બધાની ગાળો ખાતો ખાતો લાઈનમાં આગળ પાછળ ખસતો જાય ને બાકી હોય તે, બારી પાસે આવે ત્યારે અધૂરા ફૉર્મને કારણે કે પછી છુટ્ટા ન હોવાને લીધે બુકિંગ ક્લાર્કની લાલ આંખો ને કડવી જબાનનો ભોગ બને. લાઈનમાં ઊભેલાં, ત્યારે સમદુખિયાં ન બનતાં દુશ્મન બની સામટો હલ્લો કરી બેસે, ‘ફૉર્મ ભરીને આવતાં શું થાય છે ? ભણેલાગણેલા થઈને બીજાનો ટાઈમ કેમ બગાડો છો ?’ એમને કોણ સમજાવે કે, ‘આવા પતિઓ તો ભેજું ઘરે મૂકીને નીકળતા હોય પછી એમની અક્કલ ક્યાંથી કામ કરે ?

જેમતેમ ટિકિટ મેળવીને વર્લ્ડકપ જીત્યાની લાગણી સાથે ઘેર પાછા ફરતા પતિને શાબાશીને બદલે શું મળે ? ‘આ સામેવાળા શાહભાઈ તો કાયમ કુલી પાસે ટિકિટ કઢાવીને તરત જ પાછા આવી જતા હોય છે; પણ તમને કોણ જાણે ક્યારે એવું બધું આવડશે ? આખો દાડો પૂરો કર્યો, એના કરતાં મને બૅગ પૅક કરવા લાગી શકાત કે નહીં ? હોશિયારી જ નહીં ને. ’

એ તો ઠીક છે કે, મહિનાની શાંતિના બદલામાં પતિ બિચારો આવા બધા કડવા ઘુંટડા ગળી જતો હોય, બાકી તો....? (બાકીય ક્યાં નિરાંત હોય છે ?) મને ઘણી વાર થાય કે, કોઈ સ્ત્રી મૂંગી રહીને (કે મૂંગી મરીને ?) બૅગ ભરી શકતી હશે ખરી ? અઠવાડિયા સુધી તો એની બૅગ જ ના ભરાઈ રહે. છેલ્લે દિવસે તો, બે વાર બૅગ બદલાઈને ત્રીજીમાં સામાન શિફ્ટ થવા માંડ્યો હોય ! તાળાચાવીની શોધાશોધ ને આક્ષેપબાજી ચાલુ થઈ ચૂકી હોય અને સોંપાયેલાં કામો વધુ એક વાર, વધુ ઊંચા અવાજે યાદ કરાવાતા હોય ત્યારે પતિને અવશ્ય થતું હશે કે, ‘ભઈ, તું જવાની હોય તો જા; નહીં તો માંડી વાળ. પણ મહેરબાની કરીને.....’ ભૂલમાંય કોઈ પતિ આ વાક્ય બોલાઈ ન જાય એનું ધ્યાન રાખીને પત્નીના આખરી હુમલાઓ બહેરા કાને અને પથ્થરિયા દિમાગે ઝીલતો રહે છે. આખરે આવી આઝાદી વર્ષમાં એક વાર તો મળે છે !

પત્નીને હોંશે હોંશે પિયર ધકેલતા પતિઓ તો, આઝાદીની આગલી રાત સુધી ખડે પગે પત્નીની સેવામાં હાજર રહેતા હોય. શહેરના ખૂણે ખાંચરેથી મંગાવાયેલા અઢીસો ગ્રામના પૅકેટ કે મૅચિંગ રૂમાલ સુધ્ધાં, પેટ્રોલ ને પરસેવાની પરવા કર્યા વિના પળ વારમાં હાજર કરીને સંતોષનો શ્વાસ લે. ટિફિન મંગાવવું, બાળકોને ખવડાવવું, એમને સાચવવાં ને સૂવડાવવા જેવાં સહેલાં કામો તો એ લોકો ચપટી વગાડતાં કરી નાંખે.

આખરે, આઝાદીના સપનામાં આખી રાત જાગેલા પતિઓ તો પત્ની ટ્રેન ન ચૂકી જાય તેની કાળજી રાખીને બે કલાક પહેલાં જ સૌને સ્ટેશન પર પહોંચાડી દે. એ બે કલાક ત્યારે એને બે મહિના જેવા લાગતા હોય એમાં શી નવાઈ ? ને લીલી ઝંડી બતાવ્યા પછી પાટા પર શાનથી ચાલી આવતી ટ્રેન એને પ્રાણપ્યારી ન લાગે તો જ નવાઈ ! એટલે જ આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને પિયર જવાની ના પાડી જ નથી અથવા ના પાડવાની એનામાં હિંમત જ નથી.
તો પછી, અમારી હાલત કેવી હતી ? ને અમારી સાથે શું થયું ?
જે તમારી સાથે થયું !
(શું તમને લાગે છે કે, ઑનલાઈન બુકિંગમાં આ બધી મજા સમાયેલી છે ?)


13 ટિપ્પણીઓ:

  1. લેખ વાંચવાની મજા આવી .

    લપ્પન–છપ્પનમાંતમારા હાસ્ય લેખો ખરેખર જીવનના આનંદની ગુરુચાવી રુપ છે .
    બ્લોગ વિશ્વમાં શરૂઆત સારી થઇ છે એ બદલ અભિનંદન ,કલ્પનાબેન


    જવાબ આપોકાઢી નાખો
  2. બહુ સરસ.હજુ ભારતમાં ટ્રેનોમાં ધક્કામુક્કી થાય છે તે જાણ્યું.તમે લખવાનું ભૂલી ગયા કે ઘણાં પતિદેવો ,પત્નીઓને પિયર જવા ઉશ્કેરે છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. સરસ પ્રાસંગિક લેખ , તમારી વિશિષ્ઠ હળવી શૈલીને કારણે માણનીય બન્યો છે
    હવે તમારી પાસે ચુટણીનાં માહોલમાં રાજકીય - સામાજિક સમન્વય સાધતા હળવા લેખની અપેક્ષા છે , ધન્યવાદ
    - અશ્વિન દેસાઈ ઓસ્ટ્રેલીયા

    જવાબ આપોકાઢી નાખો
  4. yes .... good story again...
    are you writing in janmabhoomi pravasi too.... ?
    Rajanikant Shah

    જવાબ આપોકાઢી નાખો
  5. હળવીશૈલી સાથે આજની હકીકતને ખૂબજ સુંદર અને સચોટ રીતે વર્ણવી છે. ધન્યવાદ.

    જવાબ આપોકાઢી નાખો
  6. A good subject and good treatment...a satire on our craving for tour and travelling....

    જવાબ આપોકાઢી નાખો
  7. ચુંટણી સમયે મુકેલ આ લેખ બહુ સરસ થયો છે. ચુંટણી નિશાન બરાબરના ફીટ કર્યા છે.અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો