સોમવાર, 24 માર્ચ, 2014

આપણા જેવા માણસો


કમૂરતાં ઉતરવાની રાહ જોઈ રહેલી લગનની સીઝન કહો કે માર્કેટ કહો, લગનસરા કહો કે લગનગાળો કહો –જેમાં ગાળો આપવાની ને ખાવાની કોઈને નવાઈ નથી હોતી તે–ચોમાસાનાં ઝાપટાંની જેમ અવારનવાર આવી ચડે છે. એ ભારતની મનગમતી ચોથી સીઝન છે, જેમાં રોજના કેટલાય નિર્દોષ બકરાઓ હોંશે હોંશે ને વાજતેગાજતે વધેરાવા તૈયાર થાય છે. કેટલીય નિર્દોષ સાસુઓ નવી વહુના આગમનના વિચારમાત્રથી ધ્રૂજતી થઈ જાય છે. કેટલાય નિર્દોષ સસરાઓ.....!
જવા દો, બધાંને જ નિર્દોષ ગણી લઈશું તો દોષી કોણ અને જબરું કોણ ? એટલે આપણા જેવા નિર્દોષ માણસોએ એવી બધી વાતોમાં ધ્યાન આપવું નહીં ને અમૂલ્ય સમય બગાડવો નહીં.
મેં પણ લગ્નનાં આમંત્રણો પર અને કંકોતરીઓ પર પૂરેપૂરું ધયાન આપવા માંડ્યું છે. ગઈકાલે જ અમારાં દૂરનાં સંબંધી આમંત્રણ આપવા આવેલાં. ‘અમારી બેબીનું નક્કી કર્યું.’ (ઘણા તો ઉત્સાહમાં ‘આપણી બેબી’ બોલી નાંખે !) મને તો યાદ જ નહીં કે એમને બેબી પણ છે !
                ‘એમ ? તમારે ત્યાં વળી બેબી ક્યારે આવી ?’
               ‘આ લ્યો ! તમે તો ખરાં ! તમે જ તો એનું નામ ‘મંજન’ પાડેલું, ભૂલી ગયાં ?’
મારા પર હુમલા વધી જશે એવું લાગતાં મેં વાત બદલી કાઢી, ‘ક્યાં લગ્ન કરવાનાં ?’
               ‘લગ્ન તો અહીં જ, સૂરત જ રાખ્યાં છે પણ માણસો બહુ સારા મળ્યા હં કે ! આપણાં જેવાં જ.’
હું ચોંકી. આ એમના એક જ વાક્યથી એ લોકો પોતે તો સારા જ ગણાયા, મને બી સારી ગણી ! (એમનો આભાર.) અરે ! જેમને હજી ઓળખ્યાં જ નથી એ લોકો પણ અત્યારથી સારા થઈ ગયા ! લોકો કેટલા ભોળા હોય છે. જરાક સારી સારી વાત કરે એટલે સામેવાળાને સારા અને સારા તો સારા, પાછા પોતાના જેવા જ સમજી લે..પોતે સારા છે તે પોતે જ સાબિત કરે ! બીજાને તો ચાન્સ આપો.
                ‘લગ્નમાં છોકરાવાળાએ કંઈ માંગ્યું નથી. ફક્ત એમનું સર્કલ બહુ મોટું એટલે પાંચેક હજાર લોકોને જમાડવા પડશે.’ મેં તો ફટાફટ પાંચ હજાર ગુણ્યા પાંચસો રુપિયાની થાળીનો હિસાબ માંડી દીધો. બાપ રે....! દુનિયામાં સારા માણસોની ખોટ નથી. લગનનું ગણિત તો અટપટું જ ગણાયું છે ને એના રિવાજો તો એથી ય અટપટા, પણ આ જમાડવાનું ગણિત આપણા જેવા માણસોના દિમાગમાં કેવી રીતે બેસે ? છોકરીવાળા જમાડે તો બૌ સારા ને ના પાડી દે તો ? ફક્ત આ જ કારણસર ખરાબ થઈ જાય ? છોકરાવાળા જમાડવાના આંકડાને બદલે દીકરીના નામ પર એટલા રુપિયા જબરદસ્તી મુકાવત તો છોકરાવાળા ખરાબ થઈ જાત ? જવા દો, સારા એટલે કે આપણા જેવા માણસો વધારે પંચાત કરતાં નથી, ને ચૂપચાપ લગનમાં જમીને આવતાં રહે છે.
જોકે આ વર્ષે તો હદ જ થઈ ગઈ. ઓછામાં ઓછી પચીસ કંકોતરીઓ અત્યાર સુધીમાં આવી છે. બધામાં જમવા ન જવાવાનો હજી મનમાં અફસોસ છે અને બીજો અફસોસ નિર્દોષોને કુટાતા જોવાનો રહી ગયાનો ! પણ શું થાય? મજબૂરી ! બાકી તો ફોન પર પણ ઓછા આગ્રહો નો’તા થયા.
                ‘તમારે તો આવવાનું જ છે હં ! બૌ સારાં માણસો મળ્યાં છે. આપણાં જેવાં જ !’
હું તો સાંભળી સાંભળીને કંઈ ખુશ થઈ છું. ઘરમાં મેં આમંત્રણોની વાત કરી.
‘આ બધાં આપણાં વખાણ કરતાં હતાં.’
‘એમ ? શું કે’તા’તાં ?’
‘એમની બેબીને કે બાબાને બૌ સારું મળ્યું અને માણસો આપણાં જેવાં જ છે.’
‘ એ લોકોને એમની નાતમાં બીજાં કોઈ મળ્યાં જ નહીં ? ને આપણાં જેવાં માણસો કેમ શોધ્યાં ? એ લોકો તો આપણને સારી રીતે ઓળખે છે.’
‘આ તમારું વાંકું બોલવું મને ગમતું નથી. આપણાં જેવાં એટલે સ્વભાવે સારાં, સાદા–સીધાં ને સરળ. ’
‘તું અમસ્તી જ ખાંડ નહીં ખાતી, તને કોણ ઓળખે છે ? હજી મારી વાત હોય તો ઠીક છે. તું....અને સાદી–સીધી ને સરળ ? હંહ !’
‘આ બધાંએ ફોન પર મને જ કહ્યું છે. એવું હોત તો એમ ના કહેત કે સ્વભાવ તો તમારા વરજી જેવો જ ! શું થાય ?’
‘એમ કે ? કંઈ બૌ બોલવા માંડ્યું ને ?’
‘જોયું ? આટલી વારમાં જ....હં...હં...હ...!’
‘તને શું ખબર લોકોમાં મારા કેટલાં વખાણ થાય છે તે ?’
‘એ તો મારે લીધે. મોઢા પર થોડું કોઈને ખરાબ કહેવાય ?’
‘ એ બહાને તેં કહી દીધું ?’
‘હાસ્તો વળી. આપણાં જેવાં માણસોમાં એ બધાં જ, તમને પણ સારા કહી જાય તે મારાથી કેમ સહન થાય ?’
‘હા ભઈ, તું સારી બસ ? પણ યાદ કર કે, વર્ષો પહેલાં અમારા જેવાં સારા માણસોને ત્યાં તમારા જેવા માણસો આવેલા.’
‘એટલે કેવા ?’
‘એટલે સારા જ ને વળી. તમારા જેવા ને અમારા જેવા મળીને આજકાલ લોકોમાં આપણા જેવા માણસોની બોલબાલા છે.’
‘વાહ ! કે’વું પડે ! પણ આપણા જેવા માણસો આજકાલ જોવા ક્યાં મળે છે ?’

11 ટિપ્પણીઓ:

  1. Dear Kalpana Ben

    The article bauj saaru che ...ekdum tamara jevu...

    Maja Padi gayi...

    Z

    જવાબ આપોકાઢી નાખો
  2. એક જ કેન્દ્ર પર રહીને સમગ્ર લેખને શબ્દશક્તિથી સજાવ્યો છે. વાતનું કેન્દ્ર્ છેક સુધી સચવાયું જળવાયું છે. અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  3. કલ્પનાબેન વાંચવાની મજા આવી. પણ યાર પ્રોફાઈલ ફોટો પણ જોઈએ ને સારા લખાણ સાથે સારા ફોટા હોય તો બ્લોગ પર વારંવાર આવવાનું મન થાય.

    જવાબ આપોકાઢી નાખો
  4. પ્રશંસનીય પ્રયાસ.... હાસ્યતત્વ થોડું ઓછું લાગ્યું કયારેક જરાક તરાક મલકી જવાયું બસ એથી વધુ કશું નહીં ...keep it up..

    જવાબ આપોકાઢી નાખો
  5. Kalpanaben,
    I was reader of your articles in Gujaratmitra....the column stopped suddenly to my surprise.
    I am happy reading your new article.
    I liked it being so natural and still serving the purpose.
    As usual, I like reading your articles....they are written like.."AAPANA JEVA"?!!
    Dr Bharat Desai, Bilimora

    જવાબ આપોકાઢી નાખો
  6. ‘વાહ ! કે’વું પડે ! પણ આપણા જેવા માણસો આજકાલ જોવા ક્યાં મળે છે ?’
    Yes, it is possible to meet "Apana Jeva Manaso"on this Lappan-Chhappan Blog.
    Keep writing !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    જવાબ આપોકાઢી નાખો
  7. I liked the both write ups Lappan-Chhappan from a resident from Uchchhal-Nizar a place I happen to visit in 1974-75 as govt. officer. Very good efforts.-P.P.Shah USA

    જવાબ આપોકાઢી નાખો
  8. જો સૂર્યને ગ્રહમાળા છે તો બીજા તારાને પણ ગ્રહમાળા હોવી જોઈએ અને તે ગ્રહમાળામાં પૃથ્વી જેવો ગ્રહ હોવો જોઈએ અને તેના પર પણ આપણા જેવા માણસો વસતા હોવા જોઈએ, જીવન હોવું જોઈએ આપણા જેવો સારો કલાકાર કે સારો ધર્મગુરુ . તેની વિશષ્ટિ સિદ્ધિ પણ આપણા જેવી મરક મરક કરી ગયો લેખ પ્રજ્ઞાજુ વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો