ઘણાં વર્ષો પહેલાં ભરુચમાં ડૉક્ટરોની એક સંસ્થા તરફથી હાસ્યલેખકોના એક કાર્યક્રમમાં મને આમંત્રણ મળેલું. તે સમયે મને પોતાને મારા હાસ્યલેખિકા હોવા બાબતે શંકા હતી; પણ ઘણી વાર રૉંગ નંબર લાગી જાય એમ મારો નંબર એ કાર્યક્રમમાં લાગી ગયેલો. આયોજકો એટલા ઉદારદિલ હતા કે, દરેક લેખક/લેખિકાને એમણે ‘ગુજરાતના જાણીતા લેખક’ તરીકે જ ઓળખાવેલાં. હું તો ગદ્ ગદ્, ભાવવિભોર અને નમ્રતાથી છલોછલ. તે સમયે તો મારી ડોકી આભારના ભારથી છેક સુધી ઝૂકેલી રહેલી. (કદાચ અંદરખાને શરમથી પણ હોય !) જો કે, એક વાર જાહેરાત થઈ ગઈ પછી ભાંડો ફૂટવાની બીકે મેં વધારે બોલવાનું ટાળેલું.
કાર્યક્રમ પત્યા પછી ભવ્ય ભોજનસમારંભ હતો. દરેક ‘જાણીતા’ લેખકની ફરતે બે–ચાર, બે–ચાર પ્રશંસકો ઊભેલાં. હું રાહ જોતી હતી, કોઈ આવે ને મને કંઈ પૂછે કે પછી મારો ઓટોગ્રાફ માંગે ! મારા મનની મુરાદ પૂરી થતી હોય તેમ એક ડૉક્ટરનાં પત્ની –મિસિસ ડૉ.– ખૂબ ખુશ થતાં થતાં મારી પાસે આવ્યાં. (હા..શ !– એ કદાચ જાણીતાં લેખિકાનાં નામથી અંજાઈ ગયેલાં ! મને યાદ આવ્યું, વર્ષો સુધી હું પણ મોટામોટા લેખકોનાં નામથી આમ જ અંજાઈ જતી. મારા મનમાં તો એમ જ કે, લેખકોને માથે સોનાનાં શીગડાં હશે ! એમની પાસે હોય એનાથી પા ભાગની બુદ્ધિ સામાન્ય લોકોમાં નહીં હોય. ‘એ લોકો તો આવા ને લોકો તો તેવા’, જેવા જાતજાતના અહોભાવથી મારું મગજ ચકરાતું રહેતું. પેલાં બહેને તો ખૂબ જ નમ્રતાથી મારા ખબરઅંતર પૂછ્યાં ને પછી ક્યારનો એમના મગજમાંથી બહાર આવું આવું કરતો ને એમના મનને મૂંઝવતો પ્રશ્ન મને પૂછ્યો, ‘તમે ઘરનાં કામ અને કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત પણ લખવાનો સમય ક્યાંથી અને કેવી રીતે મેળવી લો છો ?’
આ એક જ સવાલથી એણે તો મને
હવામાં ઊડતી કરી દીધી ! મારામાં આટલી શક્તિ અને
મને જ ખબર નહીં ? વાહ ! હું દુનિયાની એકમાત્ર સ્ત્રી છું, જેનામાં એકસાથે આટલા મોરચા સંભાળવાની તાકાત છે ! મને મારા ગુણોનો ભંડાર યાદ આવવા માંડ્યો ને થયું કે, એ બધા ગુણોની પણ આ બહેનને ખબર પડવી જોઈએ. ફક્ત એમ નહીં કે, આ મહાન લેખિકા કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત ફક્ત લખે છે. હું મહાન છું ! મારામાં કંઈક ખાસ (ગુણ કે અવગુણ) હોય તો જ આ બહેન આટલા અહોભાવથી મને આ પ્રશ્ન પૂછે છે. વધારે વિચારમાં જો હવામાં ઊડ્યા કરત તો પેલાં બહેનને એમના
પ્રશ્નનો જવાબ કોણ આપત ? એટલે એમની દયા ખાઈને હું
ધરતી પર આવી. એમને સ્માઈલ આપતાં કહ્યું, ‘પેલું કહેવાય છે ને કે, કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ. બસ તેવું જ, લખવા–વાંચવા માટે હું રોજ
સવારે ચાર વાગે ઊઠી જાઉં છું. (કોણ જોવા આવે છે ?) ભલે મારી ઊંઘ બગડે ને મને
ઓછી ઊંઘ મળે; પણ નામ મેળવવા માટે એટલે
કે લેખક બનવા માટે મારે એટલો ભોગ તો આપવો જ પડે.’
પેલાં બહેન તો અહોભાવથી
આંખો બંધ કરીને મારો અદ્ભુત મંત્ર એમના કાનમાં ને મનમાં ઉતારી રહ્યાં હતાં. એક ઘડી મને થયું કે, મારા ભાગની ઊંઘ એમણે પૂરી કરવા માંડી કે શું ? પણ બે મિનિટમાં જ એમણે આંખો ખોલી ને પવિત્ર જ્ઞાનગંગામાં
ડૂબકી મારી હોય એવા તેજથી ચમકતા ચહેરે એમણે મારો આભાર માન્યો ને ફરી વાર મળવાનું વચન આપ્યું. મને પણ તે દિવસે લાગ્યું કે, ભલે એક જ જણે આ સવાલ પૂછ્યો; પણ આને જ ખરા ભાવક કહેવાય. હું તો આટલો બધો ભાવ મળતાં ભાવુક થઈ ગઈ, ધન્ય થઈ ગઈ.
ઘરે પાછાં ફરતાં સુધી તો
મારા મગજમાં પણ મેં ફૂંકેલો મંત્ર જ ઘુમરાયા કર્યો ને આટલાં વર્ષોમાં, ‘કુછ કુછ પાનેકે લિયે મૈંને ક્યા ક્યા ખોયા’ તેનું લિસ્ટ મગજમાં ચકરાયા કર્યું. મને યાદ આવ્યું કે, બસની ભીડમાં જગ્યા મેળવવા
જતાં મેં એક વાર મારું પર્સ ગુમાવેલું. એક પર એક ફ્રી સાડી મેળવવાની લાલચમાં દુકાનની બહાર મેં મારી એક (!) નવી જ ચંપલ ગુમાવેલી. મનીઓર્ડર મેળવવાની ખુશીમાં મેં પોસ્ટમેનને ઘણી વાર નવી જ
પેન પધરાવી દીધી છે. ભૂતકાળનું મારું વજન
પાછું મેળવવામાં મેં ભાવતાં ભોજન ગુમાવ્યાં છે ! તંદુરસ્તી મેળવવા પરસેવો પાડ્યો છે. જીભને ખુશ કરવા પેટને નારાજ કર્યું છે. ચમચી મેળવણ લેવા જતાં વાટકી ખાંડ ગુમાવી છે. મૉલમાં ખરીદીની લાલચમાં પર્સ ખાલી કર્યું છે. એક ગ્લાસ પર એક ચમચી ફ્રી ન મળતાં મગજ ગુમાવ્યું છે. સુખ મેળવવા જતાં સુખ ગુમાવ્યું છે ! આ એક જ વસ્તુ એવી છે જે મેળવવાની લ્હાયમાં કાયમ ગુમાવવાની જ
થાય ! ને કદાચ આ એક જ વસ્તુ છે
જે મેળવવાની આશા ન રાખીએ તો ગુમાવવાની ચિંતા થતી નથી. (પેલાં બહેને તો મને કેટલે ઊંચે પહોંચાડી દીધી ! બાકી મને આવા વિચારો ક્યારેય નથી આવ્યા.) ખેર, આ બધી મોટી મોટી વાતોમાં મુખ્ય વાત તો રહી જ ગઈ ! પંચાત કરવાનો આનંદ મેળવવામાં મેં કાયમ વખત ગુમાવ્યો છે.
કદાચ મેળવવા–ગુમાવવાના આ લિસ્ટમાં હજી બહુ ઉમેરવાનું બાકી રહી જાય; પણ વધુ લખવાનો આનંદ મેળવવામાં વાચક ગુમાવવાની બીક રહે એટલે
બાકીનો આનંદ તમે ઉઠાવો ને ગણવા માંડો કે, તમે કેટલું ગુમાવ્યું ?
(તસવીર નેટ પરથી લીધી છે.)
(તસવીર નેટ પરથી લીધી છે.)
Vah.....the subject is given the humorous treat....one can also write seriously about it.Your ironic presentation is conmendable....
જવાબ આપોકાઢી નાખોLaughter is the best medicine. એ યોગ્ય જ કહેવાયુ છે. અને આ દવા તમે મફતમાં વહેંચો છો એ પણ ફ્રી પોસ્ટેજ સાથે. એ જાણીને અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.
જવાબ આપોકાઢી નાખોકુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ. The law of nature is " Nothing is free in this world" some pay from last birth "Punya" or some pay other way or may be get on credit. That has to be paid.
You have blended this nature's law in beautiful way with humor.
Thanks a lot for nice medicated article.
Awaiting for another dose of medicine before we run out.Rajni Gohil
New York
Thanks for sending!!!
જવાબ આપોકાઢી નાખોNice one!!!!
Please keep in touch...
Regards....
કલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોતમારો લેખ વાંચવામા મેં પણ સમય ગુમાવ્યો છે. પણ વાંચનનો આનંદ મેળવ્યો છે. લખતા રહેજો. પલ્લવી
વાહ કલ્પનાબેન, સરસ લેખ. હું જાણું છું, તમે ગુમાવવા કરતા વધુ મેળવ્યું છે. આભાર અને અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોઆ બધી મોટી મોટી વાતોમાં મુખ્ય વાત તો રહી જ ગઈ ! પંચાત કરવાનો આનંદ મેળવવામાં મેં કાયમ વખત ગુમાવ્યો છે.
જવાબ આપોકાઢી નાખોAnother Hasyalekh Post from the pen of Kalpnaji.
Nice !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog Chandrapukar !
Hope to see you !
Kashu melavava mate kashuk gumavavu padeto khotu shu? Je malavanu chhe te to malshejne ane eno anand kai ochho na hoy.
જવાબ આપોકાઢી નાખો