મંગળવાર, 29 એપ્રિલ, 2014

સહપ્રવાસી

પ્રવાસમાં આપણા સહપ્રવાસી બે જાતના હોય. આપણે પસંદ કરેલા એટલે કે, પ્રવાસના વિચારમાત્રથી મનમાં ગોઠવાઈ જનારા, પહેલેથી છેલ્લે સુધી સાથે રહેનારા અને સુખદુ:ખમાં પણ સાથ ન છોડનારા એવા જાણીતા થઈ ગયેલા મિત્રો કે સ્નેહીઓ હોય. બીજા સહપ્રવાસીઓ તદ્દન અજાણ્યા હોય, પણ પ્રવાસમાં ફક્ત સીટ નંબરને કારણે આપણા સહપ્રવાસી બનવાનો લાભ મેળવી જનારા હોય !


ઘણી વાર એવું બને કે, આપણને (એટલે કે, ખાસ તો સ્ત્રીઓને) અઠવાડિયા– દસ દિવસની છુટ્ટી મળી જાય ને આકાશવાણી થાય કે, ‘જા બચ્ચી, થોડા દિવસ તું બધી જવાબદારીમાંથી મુક્ત છે. તારે જે ખાવુંપીવું હોય તે ખાઈ–પી લે. જ્યાં ફરવું હોય ત્યાં ફરી લે. (ભટકી લે.) કોઈ તારા માથા પર નહીં બેસે એની સો ટકા ગૅરંટી અને તારે કોઈનું ટેન્શન નહીં લેવું પડે એની બસો ટકા ગૅરંટી. ’ આવું વરદાન અચાનક જ મળી જાય તો ? મળ્યું. મને જ મળ્યું ! અને વરદાન મળતાં જ હું તો આભી બની ગઈ . કહો કે, ગૂંગી ને બહેરી બની ગઈ. શું કરવું ને ક્યાં જવું (ભટકવા) તે સમજાયું નહીં. યાદ આવે તો ને ? ધીરે ધીરે મગજ ઠેકાણે આવ્યું, થોડું ઠરીઠામ થયું એટલે વિચાર્યું કે, ફોરેન જાઉં તો કેમ ? (આપણે તો સીધો હવાઈ કૂદકો જ મારવાનો હોય ને ?)

હવાઈયાત્રાનો વિચાર આવવાનું એક કારણ એ પણ ખરું કે, ગયે વરસે અમે દિલ્હી ગયેલાં ત્યારની વાતો હજી દિમાગમાંથી નીકળી નહોતી. અમે એટલે હું અને હેમાબહેન. હેમાબહેન સ્વભાવે વાતગરાં. એમને વાત કરવાની સારી ફાવટ. કોઈની પણ સાથે વાતે લાગી જાય ! એમ બીજી કોઈ ખટપટ નહીં એટલે એ બોલ્યા કરે ને મારે સાંભળ્યા કરવાનું અથવા વાતની મજા લેવાની અથવા ઊંઘી જવાનું ! હેમાબહેનને એનું જરાય ખરાબ પણ ન લાગે. મારા પૂછતાં જ એ તો સહપ્રવાસી બનવા તેયાર થઈ ગયાં. સફરમાં જો કે મને એમના કારણે ફાયદો પણ થયો. અમારા સામાનની સઘળી જવાબદારી હેમાબહેન પોતાને માથે લઈ લેતાં. કૂલી સાથે રકઝક કરવાથી માંડીને, એની પાસે ટ્રેનમાં સામાન મુકાવવાથી લઈને પાછો પહોંચવાના સ્ટેશને પણ સામાન ગણીને વ્યવસ્થિત ઉતારવાનું માથાકૂટિયું કામ હેમાબહેન હોંશે હોંશે પાર પાડતાં ને તેય વાતવાતમાં ! (એટલે કે, વાત કરતાં કરતાં !) સાચું કહું તો, હું તો એવા સમયે તદ્દન બાઘી જ સાબિત થતી. પણ એનો શો રંજ કરવાનો ?

તે રાત્રે તો, સૂરતથી રાજધાનીમાં દાખલ થતાં જ વાર. હેમાબહેનમાં તો માતા પ્રવેશ્યાં હોય એમ એમનામાં અનેરું જોશ પ્રગટ્યું. રસ્તામાં આવતા દરેક અંતરાયને બબડતાં ને હાથના ધક્કાથી બાજુએ ખસેડતાં, એ તો કોઈ રણચંડીની અદાથી સીટ સુધી પહોંચી ગયાં. ઝપાટાભેર પોતાનું પર્સ બારી પાસેની ખાલી સીટ પર મૂકી અમારા સામાનને સીટ નીચે ગોઠવવાની મથામણ કરતાં રહ્યાં. જેમતેમ બધો સામાન સીંચીને વિજયીની અદાથી બે હાથ કમર પર ગોઠવી એમણે મારી સામે જોઈ સ્માઈલ આપ્યું. ‘ચાલો, પત્યું. ’ ને ફરી એક નજર સામાન પર ને આજુબાજુ, ઉપરનીચે નાંખી સંતોષનો શ્વાસ લીધો. અચાનક બેબાકળાં બની એમણે ચીસ પાડી, ‘હાય હાય ! મારું પર્સ ?’ કોઈ પણ સ્ત્રીનું પર્સ ગુમ થાય એટલે એનો આત્મા થોડી જ વારમાં ક્યાંનો ક્યાં ભટકી આવે ! મેં હેમાબહેનના ભટકતા આત્માને બીજી સીટ પર પડેલા પર્સ પર સ્થિર કર્યો. ‘ આ અહીં કોણે મૂક્યું ?’ મેં ગભરાતાં એક ભાઈ તરફ ઈશારો કર્યો. પેલા ભાઈ તો વગર કારણે તોબરો ચડાવીને દુનિયાભરનો ભાર પોતાના માથે લઈ બેઠેલા તે બોલ્યા, ‘ આ મારી સીટ છે. ’

ખલાસ ! આવી બન્યું ! ‘ હા, તે મેં ક્યાં ના પાડી ? તમે જોઈએ તો તમારી સીટ પર બેસજો, સૂઈ જજો, નાચજો, કૂદજો ને ઘરે પણ લઈ જજો. મેં બે ઘડી પર્સ મૂક્યું તો કયો દલ્લો લૂટાઈ ગયો ?’ હેમાબહેનનો આત્મા બેકાબૂ બન્યો. પરિસ્થિતિ બેકાબૂ ન બને એટલે મેં હેમાબહેનનો હાથ દાબ્યો. પેલા ભાઈ પણ સીટ બાબતે કંઈ સાંભળવા તૈયાર નહોતા.
‘મેં તો બે મહિના પહેલાં સીટ બુક કરાવેલી. ’
‘અમે તો આખી બોગી જ બુક કરવાના હતાં. અમને હતું જ કે, તમારા જેવા કોઈ ને કોઈ તો ભટકાવાના જ છે પણ આ બહેને ના પાડી. ’ હેમાબહેને તો ઝઘડામાં મને સંડોવી. હું તો ગભરાઈને આમતેમ ફાંફાં મારવા લાગી. આખરે પેલા ભાઈના પાડોશીએ એમને સમજાવી શાંત પાડ્યા, ‘હવે બેસી ગયા ને ? જવા દો, બહેનો સાથે ક્યાં જીભાજોડી કરો છો ?’ (‘પહોંચી નહીં વળાય, માંડી વાળો. ’ બોલવાનું એમણે ટાળ્યું એવું મને કેમ લાગ્યું ?) ખેર, વાત પતી ગઈ આખરે.

થોડી વારમાં ટ્રેન શરુ થઈ અને બધાંએ એકબીજાની સામે ને સીટની ઉપરનીચે ને આજુબાજુ જોવાનું શરુ કર્યું. કામ તો કંઈ હતું નહીં. પેલા સીટવાળા ભાઈ સિવાય બધા પોતપોતાની વાતે લાગ્યા. ગંભીર ચહેરે એ ભાઈએ તો શર્ટ ને પૅંટના ખિસામાંથી વારાફરતી ત્રણ મોબાઈલ કાઢી, એક પછી એક મોબાઈલ પર નંબર લગાવી મોટેમોટેથી મોટીમોટી વાતો ફેંકવા માંડી. (કદાચ એ સાચો હોય તો પણ પરિસ્થિતિ અને એનું મોં એવું હતું કે, એ હેમાબહેન પર રુઆબ છાંટવા માંગતો હોય એવું જ લાગે.) હેમાબહેનના ચહેરાની રેખાઓ તંગ થવા માંડતાં મેં મારા સ્વભાવ વિરુદ્ધ પેલા ભાઈને અમસ્તું જ પૂછ્યું, ‘ક્યાં જવાના– દિલ્હી ?’

એ ભાઈ પણ હેમાબહેન જેવા જ નીકળ્યા ! વાતમાં શૂરા ! એક જ સવાલનો એક જ જવાબ અને તે પણ એક જ અક્ષરમાં કે ડોકું ધુણાવીને આપવામાં એ નો’તા માનતા ! લાંબા પ્રવાસમાં આવી ટુંકાક્ષરી રમતમાં મજા ન આવે,  એ મને અંતાક્ષરી જેવી લાંબી લાંબી વાતોમાં જાણવા મળ્યું. એ ભાઈ સૂરતની કોઈ ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા હતા. પત્યું ? હેમાબહેનનો આખો મિજાજ બદલાઈ ગયો.

‘સૂરતની કઈ માર્કેટમાં તમારી સાડીની દુકાન છે ?’ જાણે કંઈ બન્યું જ ન હોય એમ હસતાં હસતાં (!) ઉમેર્યું, ‘અમે આવીએ તો અમને સસ્તામાં સાડી મળે ? (‘તમને તો નહીં જ આપું.’ એવું પેલા ભાઈએ વિચાર્યું હશે.) અમારી સાથે પાડોશણોને, મિત્રોને, સગાંઓને લાવીએ તો બધાંને તમે સસ્તી સાડી આપો ? સાડી ન ગમે તો બદલી આપો ? કેટલાથી કેટલા સુધીની રેઈન્જ છે ? વર્કવાળી રાખો કે ? ડેઈલી વેરની પણ મળે ? (કોની સાથે વેર વાળવું છે ?) સૂટનું કાપડ બીજે કેવું મળે ?........’ એમના પ્રશ્નોનો છેડો પકડવામાં મને સરિયામ નિષ્ફળતા જ મળી. પેલા ભાઈ તો હેમાબહેનને ટપે તેવા નીકળ્યા ! પોતાની દુકાન ને માર્કેટ ને સૂરત ને દિલ્હીની વાતે જે લાગ્યા....લાગ્યા....લાગ્યા.... તે ઠે....ઠ દિલ્હી આવ્યું ત્યાં સુધી એ લોકોની વાતો ચાલી. વચ્ચે વચ્ચે જો કે બાકીના સહપ્રવાસીઓ પણ સગવડ ને રસ મુજબ વાતોમાં આવ–જા કરતા રહ્યા. એ દરમિયાન મેં તો શાંતિથી મારું જમવાનું, ઊંઘવાનું ને વાંચવાનું પતાવ્યું. ટિકિટના પૈસા પણ વસૂલ કરવાના કે નહીં ? એમ તો એ લોકો પણ જમ્યા, પણ શું જમ્યા તે એ લોકો જ જાણે !

ટ્રેનની સફરનો મજાનો અનુભવ લીધા પછી સ્વાભાવિક છે કે, હવાઈ સફરની મજા માણવાનું મન થાય. ને કેમ નહીં ? જો બગાસું ખાતાં મોંમાં પતાસું જ પડવાનું હોય તો હવાઈ સફરમાં શું ખોટું ? એ વાત ફરી કોઈ વાર.

મંગળવાર, 22 એપ્રિલ, 2014

હું ગધેડો છું

વર્ષો પહેલાં ઈંદીરા ગાંધી અમારા નાનકડા ગામમાં આવીને સભા ગજવી ગયેલાં. ત્યારથી માંડીને આજ સુધી, અમારા ગામના બધા વોટ કૉંગ્રેસને જ મળતા રહ્યા ! ભલે ને પછી અમારા ગામના ઉમેદવાર ગમે તે, કે ગમે તેવા કેમ ન હોય ! થોડા સમયથી જાગેલા બીજા પક્ષના ઉમેદવારો પણ અહીં આવતા થયા અને ખરો ચૂંટણીનો માહોલ જામતો ગયો. આ વર્ષે તો વળી ત્રીજો પક્ષ પણ મેદાનમાં આવ્યો છે, પણ અહીંની માટીમાં મૂળિયાં જમાવતાં કદાચ એને વાર લાગે. ખેર, ગામડાંઓમાં ખેતમજૂરોની સંખ્યાનું પ્રમાણ વધુ હોવાથી એમની નિરક્ષરતાનો, ગરીબીનો અને બૂરી આદતોનો ગેરલાભ ઉઠાવીને નેતાઓ પાંચ વર્ષ માટે પાછા સૂઈ જાય છે.

અમારે ત્યાં દેવુબેન કામ કરે છે. ચૂંટણી એમને મન કોઈ તહેવારથી કમ નહીં. મતદાનને દિવસે તો સજીધજીને ખુશખુશાલ ચહેરે આવે. ‘દેવુબેન, કોને વોટ આપવાના ?’ અમે પૂછીએ. તમે કે’ઓ, કોને આપું ?’ .....! હવે આટલી ભોળી પ્રજા હોય પછી શાસક કેવા હોવાના ?

આ વર્ષે તો, એમના ફળિયાના ત્રણ ઉમેદવારોએ દિવસો અગાઉથી દેવુબેનની ખબર રાખવા માંડેલી. જેમનું નિશાન ઘોડો હતું, તે ભાઈ એક દિવસ એમને વહાલા થવા આવ્યા.


કેમ છો માસી ? તમે તો મને સારી રીતે ઓળખો જ છો. આપણું નિશાન ઘોડો છે. તમારે મને જ મત આપવાનો છે હં ! હું જીતી જઈશ; તો તમારે જ્યારે પણ કશે ફરવા જવું હોય, ચિંતા નહીં કરતાં. મને એક ફોન કરી દેજો. તમારે માટે આપણો ઘોડો, એટલે કે રિક્ષા હાજર કરી દઈશ. મત આપવા જાઓ, ત્યારે હું આપું તે નવી સાડી પહેરીને જ મત આપવા જજો. બીજા કોઈ ગધેડાને કે કૂતરાને તમારે મત નથી આપવાનો. યાદ રાખજો, આપણું નિશાન ઘોડો છે. ’

દેવુબેનને થયું કે, આ ભાઈ બહુ ભલા છે ને બહુ સારા લાગે છે. એમણે તો મનમાં ને મનમાં ઘોડા દોડાવવા માંડ્યા કે, રિક્ષામાં બેસીને ક્યાં ક્યાં ફરવા જાઉં ? આમેય હવે ચાલતાં જવામાં રસ્તા પર જોખમ રહે છે, એના કરતાં રિક્ષામાં શાંતિથી જવાશે અને લોકોમાં વટ પડશે તે જુદો ! એમણે નક્કી કરી નાંખ્યું કે, મત તો ઘોડાને જ.

બીજે દિવસે ગધેડાના નિશાનવાળા ભાઈ દેવુબેનને લાત મારવાને બદલે પગે પડતા આવ્યા ! દેવુબેન તો ગળગળાં થઈ ગયાં. ‘ભાઈ, જીવતો રે’ ને હો વરહનો થા. ’

‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું ગધેડો છું. અરે સૉરી, મારું નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે, ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે. ગધ્ધાવૈતરું કોને કહેવાય તે તમારાથી વધારે કોને ખબર ? હું જીતીશ તો ગધેડાની જેમ કામ કરીશ. તમારા જેવા લોકોના જીવનમાં બદલાવ લાવીશ. તમારા હકની લડાઈ હું લડીશ અને તમને બધી સગવડ મળે તેનું ધ્યાન રાખીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ઊભી પૂંછડીએ ભાગી જાય. કૂતરાનું કામ તો ખાલી ભસવાનું, કામ કરે ત્યારે ખરા ને ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં ! એટલે નીચી મૂંડીએ; ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે એ તમારા સિવાય કોણ સારું સમજી શકે ? યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે. એક સાડી કે થોડા રુપિયા તમને કેટલા દિવસ ચાલશે તે વિચારજો. ચાલો ત્યારે.  રજા લઉં. ’

ગધેડાના (ઉમેદવારના ) ગયા પછી દેવુબેન વિચારમાં પડ્યાં. ‘આની વાત સો ટકા સાચી. પેલો ઘોડો મને કેટલા દા’ડા રિક્ષામાં ફેરવવાનો ? ને સાડીની મને ક્યાં નવાઈ છે ? એના કરતાં મારા આ જાતભાઈને જ મત આપીશ. મને કામ તો આવશે. ’ દેવુબેનનો વિચાર ફેરવાઈ ગયો.
હવે ત્રીજો ઉમેદવાર જેનું નિશાન કૂતરો હતું, તે એક દિવસ લપાતો–છુપાતો દેવુબેનના ઘરમાં દાખલ થઈ ગયો. દેવુબેન એને હડ હડ કરે તે પહેલાં તો એ દેવુબેનના ચરણોમાં આળોટી પડ્યો ને દેવુબેને એને ઊભો કર્યો ત્યારે જ ઊભો થયો ! દેવુબેન તો બિચારાં ભાવનાં ભૂખ્યાં એટલે પેલા પૂંછડી પટપટાવનારને પ્રેમથી પાસે બેસાડ્યો.

‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક પ્રત્યેની વફાદારી મારે તમને સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ અને પોતાનું ઘર પણ એના ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકે. કોઈ ઘોડા કે ગધેડાને ભરોસે ઘર નથી છોડતું. મારા કહેવાનો મતલબ એટલો જ કે, ઘોડા કે ગધેડા કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારું શું કહેવું છે ?’
દેવુબેનને પણ વાતમાં દમ લાગતાં એમણે ડોકું ધુણાવ્યું. જ્યાં આપણી કદર થતી હોય, આપણા ઉપર ભરોસો મૂકાતો હોય, તે જ સાચું, બીજું બધું ખોટું. દેવુબેને તો પેલા લાળ ટપકાવતા ભાઈનો ખભો થાબડી ભરોસો આપતાં કહ્યું, ‘આપણે તને મત આપ્યો જા. ’ ને પેલા ભાઈ તો હરખાતા હરખાતા પૂંછડી પટપટાવતા નીકળી ગયા.

પેલા ત્રણેય ઉમેદવાર રોજ દેવુબેનને યાદ કરાવે છે, ‘મત તો આપણને જ હં ! જોજો. ’ દેવુબેન બરાબરના ગૂંચવાયાં છે. ઘડીક આ સારો લાગે તો ઘડીક પેલો. થોડી વાર રહી વળી ત્રીજાની યાદ આવી જાય તો એ સારો લાગે ! આજકાલ તો એમને ઊંઘમાં પણ, ‘માસી ઘોડો..’, ‘માસી ગધેડો...’, ‘માસી કૂતરો...’ સંભળાયા કરે છે ! માસી તો ત્રાસી ગયાં છે. ‘શું કરવું ? ત્રણેયના ફાયદા છે તેવા ગેરફાયદા પણ છે. કંઈ સમજાતું નથી. ’ માસીએ મનમાં નક્કી કરી લીધું છે, ત્રણેયના નામ પર ચોકડી ! (લાગે છે કે, માસીને નક્કી પેલા ‘નોટા’ના વિકલ્પની જાણ થઈ ગઈ છે. બાકી, કાયમ સાડી ને પૈસા (બાટલી સહિત !) લેનાર અને પૂરી નિષ્ઠાથી વોટ કરનાર દેવુબેન આવો નિર્ણય કરે ખરાં ?)

(તસવીરો નેટ પરથી લીધી છે.)

મંગળવાર, 15 એપ્રિલ, 2014

અમારે ફરવા જવું છે

ભારતના દરેક ઘરમાં બોલાતું વેકેશન સ્પેશ્યલવાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો પત્ની સ્પેશ્યલકે પિયર સ્પેશ્યલકે પછી મોસાળ સ્પેશ્યલનામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયરભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની પરીક્ષા જાય ભાડમાં, પહેલું કામ રિઝર્વેશનની ચિંતા ને બૂમાબૂમ કરવાનું. જ્યાં સુધી હાથમાં ટિકિટ ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈએ ચેનથી જીવવાનું નહીં.


આગલાં વર્ષોની દર્દનાક ઘટનાઓ કે શ્વાસ થંભી જાય એવી વાર્તાઓ યાદ કરાવાય ! ‘દર વર્ષે કેટલાં હેરાન થઈએ છીએ ખબર છે ? તમને તો ક્યાંથી ખબર હોય ? તમારે થોડા કોઈના ગોદા ખાવા પડે છે કે ગાળો ખાવી પડે છે ? ભિખારી હોઈએ ને બધાની દયા પર જીવતાં હોઈએ ને બધાં સામે સીટની ભીખ માંગતાં હોઈએ એમ જોતાં રેવાનું. ‘આગે જાઓ, હમારે ભી બાલબચ્ચે હૈંજેવું બધાનાં મોં પર વાંચીને, તમને શું ખબર અમને કેવું મરવા જેવું લાગતું હશે ? તમારે શું છે ?’

મારી પડોશણ તો ગયે વર્ષે આ ડાયલૉગ ગોખીને ગયેલી. ‘આ છોકરાંનાં મોઢાં સામે તો જુઓ માઈબાપ. ત્યાં બારી પાસે જરાક ઊભા રહેવા દેશો તો ભગવાન તમને સહીસલામત ઘેર પહોંચાડશે બાપલા ! મહિનો સુધી આ છોકરાંવનો બાપ બિચારો એકલો, બીજાઓની (ચાંપલી પાડોશણોની) દયા પર જીવશે. ટાઈમ પર સારુંનબળું ખાવાનું મળ્યું ન મળ્યું ઠીક છે; કહીને મન મનાવશે ને મહિનામાં તો સૂકાઈને સળી જેવો થઈ જશે. આ એક વાર થોડું બેસવા દો, ભગવાન કાયમ તમને કન્ફર્મ્ડ ટિકિટ આપશે.’ પણ એના પગ પર કોઈની બૅગ એટલા જોરમાં પડેલી કે એના ગળામાંથી ચીસ સિવાય કંઈ નીકળ્યું નહોતું.

રાઈનો પર્વત બનાવતાં આ પિયરપ્રેમી પત્નીઓને જરાય વાર લાગતી ન હોવાથી, પતિ બિચારો બધાં કામ છોડીને સ્ટેશન ભણી ફટફટિયું મારી મૂકે. પત્નીને ગાળો ન ખાવી પડે કે ભીડમાં ગોદા ન ખાવા પડે એટલા ખાતર પતિ એક દિવસ પૂરતી બધાની ગાળો ખાતો ખાતો લાઈનમાં આગળ પાછળ ખસતો જાય ને બાકી હોય તે, બારી પાસે આવે ત્યારે અધૂરા ફૉર્મને કારણે કે પછી છુટ્ટા ન હોવાને લીધે બુકિંગ ક્લાર્કની લાલ આંખો ને કડવી જબાનનો ભોગ બને. લાઈનમાં ઊભેલાં, ત્યારે સમદુખિયાં ન બનતાં દુશ્મન બની સામટો હલ્લો કરી બેસે, ‘ફૉર્મ ભરીને આવતાં શું થાય છે ? ભણેલાગણેલા થઈને બીજાનો ટાઈમ કેમ બગાડો છો ?’ એમને કોણ સમજાવે કે, ‘આવા પતિઓ તો ભેજું ઘરે મૂકીને નીકળતા હોય પછી એમની અક્કલ ક્યાંથી કામ કરે ?

જેમતેમ ટિકિટ મેળવીને વર્લ્ડકપ જીત્યાની લાગણી સાથે ઘેર પાછા ફરતા પતિને શાબાશીને બદલે શું મળે ? ‘આ સામેવાળા શાહભાઈ તો કાયમ કુલી પાસે ટિકિટ કઢાવીને તરત જ પાછા આવી જતા હોય છે; પણ તમને કોણ જાણે ક્યારે એવું બધું આવડશે ? આખો દાડો પૂરો કર્યો, એના કરતાં મને બૅગ પૅક કરવા લાગી શકાત કે નહીં ? હોશિયારી જ નહીં ને. ’

એ તો ઠીક છે કે, મહિનાની શાંતિના બદલામાં પતિ બિચારો આવા બધા કડવા ઘુંટડા ગળી જતો હોય, બાકી તો....? (બાકીય ક્યાં નિરાંત હોય છે ?) મને ઘણી વાર થાય કે, કોઈ સ્ત્રી મૂંગી રહીને (કે મૂંગી મરીને ?) બૅગ ભરી શકતી હશે ખરી ? અઠવાડિયા સુધી તો એની બૅગ જ ના ભરાઈ રહે. છેલ્લે દિવસે તો, બે વાર બૅગ બદલાઈને ત્રીજીમાં સામાન શિફ્ટ થવા માંડ્યો હોય ! તાળાચાવીની શોધાશોધ ને આક્ષેપબાજી ચાલુ થઈ ચૂકી હોય અને સોંપાયેલાં કામો વધુ એક વાર, વધુ ઊંચા અવાજે યાદ કરાવાતા હોય ત્યારે પતિને અવશ્ય થતું હશે કે, ‘ભઈ, તું જવાની હોય તો જા; નહીં તો માંડી વાળ. પણ મહેરબાની કરીને.....’ ભૂલમાંય કોઈ પતિ આ વાક્ય બોલાઈ ન જાય એનું ધ્યાન રાખીને પત્નીના આખરી હુમલાઓ બહેરા કાને અને પથ્થરિયા દિમાગે ઝીલતો રહે છે. આખરે આવી આઝાદી વર્ષમાં એક વાર તો મળે છે !

પત્નીને હોંશે હોંશે પિયર ધકેલતા પતિઓ તો, આઝાદીની આગલી રાત સુધી ખડે પગે પત્નીની સેવામાં હાજર રહેતા હોય. શહેરના ખૂણે ખાંચરેથી મંગાવાયેલા અઢીસો ગ્રામના પૅકેટ કે મૅચિંગ રૂમાલ સુધ્ધાં, પેટ્રોલ ને પરસેવાની પરવા કર્યા વિના પળ વારમાં હાજર કરીને સંતોષનો શ્વાસ લે. ટિફિન મંગાવવું, બાળકોને ખવડાવવું, એમને સાચવવાં ને સૂવડાવવા જેવાં સહેલાં કામો તો એ લોકો ચપટી વગાડતાં કરી નાંખે.

આખરે, આઝાદીના સપનામાં આખી રાત જાગેલા પતિઓ તો પત્ની ટ્રેન ન ચૂકી જાય તેની કાળજી રાખીને બે કલાક પહેલાં જ સૌને સ્ટેશન પર પહોંચાડી દે. એ બે કલાક ત્યારે એને બે મહિના જેવા લાગતા હોય એમાં શી નવાઈ ? ને લીલી ઝંડી બતાવ્યા પછી પાટા પર શાનથી ચાલી આવતી ટ્રેન એને પ્રાણપ્યારી ન લાગે તો જ નવાઈ ! એટલે જ આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને પિયર જવાની ના પાડી જ નથી અથવા ના પાડવાની એનામાં હિંમત જ નથી.
તો પછી, અમારી હાલત કેવી હતી ? ને અમારી સાથે શું થયું ?
જે તમારી સાથે થયું !
(શું તમને લાગે છે કે, ઑનલાઈન બુકિંગમાં આ બધી મજા સમાયેલી છે ?)


મંગળવાર, 8 એપ્રિલ, 2014

કુછ પાનેકે લિયે


ઘણાં વર્ષો પહેલાં ભરુચમાં ડૉક્ટરોની એક સંસ્થા તરફથી હાસ્યલેખકોના એક કાર્યક્રમમાં મને આમંત્રણ મળેલું. તે સમયે મને પોતાને મારા હાસ્યલેખિકા હોવા બાબતે શંકા હતી; પણ ઘણી વાર રૉંગ નંબર લાગી જાય એમ મારો નંબર એ કાર્યક્રમમાં લાગી ગયેલો. આયોજકો એટલા ઉદારદિલ હતા કે, દરેક લેખક/લેખિકાને એમણે ગુજરાતના જાણીતા લેખક તરીકે જ ઓળખાવેલાં. હું તો ગદ્ ગદ્, ભાવવિભોર અને નમ્રતાથી છલોછલ. તે સમયે તો મારી ડોકી આભારના ભારથી છેક સુધી ઝૂકેલી રહેલી. (કદાચ અંદરખાને શરમથી પણ હોય !) જો કે, એક વાર જાહેરાત થઈ ગઈ પછી ભાંડો ફૂટવાની બીકે મેં વધારે બોલવાનું ટાળેલું.



કાર્યક્રમ પત્યા પછી ભવ્ય ભોજનસમારંભ હતો. દરેક જાણીતાલેખકની ફરતે બેચાર, બેચાર પ્રશંસકો ઊભેલાં. હું રાહ જોતી હતી, કોઈ આવે ને મને કંઈ પૂછે કે પછી મારો ઓટોગ્રાફ માંગે ! મારા  મનની મુરાદ પૂરી થતી હોય તેમ એક ડૉક્ટરનાં પત્ની મિસિસ ડૉ.– ખૂબ ખુશ થતાં થતાં મારી પાસે આવ્યાં. (હા..!– એ કદાચ જાણીતાં લેખિકાનાં નામથી અંજાઈ ગયેલાં ! મને યાદ આવ્યું, વર્ષો સુધી હું પણ મોટામોટા લેખકોનાં નામથી આમ જ અંજાઈ જતી. મારા મનમાં તો એમ જ કે, લેખકોને માથે સોનાનાં શીગડાં હશે ! એમની પાસે હોય એનાથી પા ભાગની બુદ્ધિ સામાન્ય લોકોમાં નહીં હોય. ‘એ લોકો તો આવા ને  લોકો તો તેવા’, જેવા જાતજાતના અહોભાવથી મારું મગજ ચકરાતું રહેતું. પેલાં બહેને તો ખૂબ જ નમ્રતાથી મારા ખબરઅંતર પૂછ્યાં ને પછી ક્યારનો એમના મગજમાંથી બહાર આવું આવું કરતો ને એમના મનને મૂંઝવતો પ્રશ્ન મને પૂછ્યો, ‘તમે ઘરનાં કામ અને કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત પણ લખવાનો સમય ક્યાંથી અને કેવી રીતે મેળવી લો છો ?’



આ એક જ સવાલથી એણે તો મને હવામાં ઊડતી કરી દીધી મારામાં આટલી શક્તિ અને મને જ ખબર નહીં ? વાહ ! હું દુનિયાની એકમાત્ર સ્ત્રી છું, જેનામાં એકસાથે આટલા મોરચા સંભાળવાની તાકાત છે ! મને મારા ગુણોનો ભંડાર યાદ આવવા માંડ્યો ને થયું કે, એ બધા ગુણોની પણ આ બહેનને ખબર પડવી જોઈએ. ફક્ત એમ નહીં કે, આ મહાન લેખિકા કુટુંબની દેખભાળ કરવા ઉપરાંત ફક્ત લખે છે. હું મહાન છું ! મારામાં કંઈક ખાસ (ગુણ કે અવગુણ) હોય તો જ આ બહેન આટલા અહોભાવથી મને આ પ્રશ્ન પૂછે છે. વધારે વિચારમાં જો હવામાં ઊડ્યા કરત તો પેલાં બહેનને એમના પ્રશ્નનો જવાબ કોણ આપત ? એટલે એમની દયા ખાઈને હું ધરતી પર આવી. એમને સ્માઈલ આપતાં કહ્યું, ‘પેલું કહેવાય છે ને કે, કુછ પાનેકે લિયે કુછ ખોના પડતા હૈ. બસ તેવું જ, લખવાવાંચવા માટે હું રોજ સવારે ચાર વાગે ઊઠી જાઉં છું. (કોણ જોવા આવે છે ?) ભલે મારી ઊંઘ બગડે ને મને ઓછી ઊંઘ મળે; પણ નામ મેળવવા માટે એટલે કે લેખક બનવા માટે મારે એટલો ભોગ તો આપવો જ પડે.’
પેલાં બહેન તો અહોભાવથી આંખો બંધ કરીને મારો અદ્ભુત મંત્ર એમના કાનમાં ને મનમાં ઉતારી રહ્યાં હતાં. એક ઘડી મને થયું કે, મારા ભાગની ઊંઘ એમણે પૂરી કરવા માંડી કે શું ? પણ બે મિનિટમાં જ એમણે આંખો ખોલી ને પવિત્ર જ્ઞાનગંગામાં ડૂબકી મારી હોય એવા તેજથી ચમકતા ચહેરે એમણે મારો આભાર માન્યો ને ફરી વાર મળવાનું વચન આપ્યું. મને પણ તે દિવસે લાગ્યું કે, ભલે એક જ જણે આ સવાલ પૂછ્યો; પણ આને જ ખરા ભાવક કહેવાય. હું તો આટલો બધો ભાવ મળતાં ભાવુક થઈ ગઈ, ધન્ય થઈ ગઈ.

ઘરે પાછાં ફરતાં સુધી તો મારા મગજમાં પણ મેં ફૂંકેલો મંત્ર જ ઘુમરાયા કર્યો ને આટલાં વર્ષોમાં, ‘કુછ કુછ પાનેકે લિયે મૈંને ક્યા ક્યા ખોયા તેનું લિસ્ટ મગજમાં ચકરાયા કર્યું. મને યાદ આવ્યું કે, બસની ભીડમાં જગ્યા મેળવવા જતાં મેં એક વાર મારું પર્સ ગુમાવેલું. એક પર એક ફ્રી સાડી મેળવવાની લાલચમાં દુકાનની બહાર મેં મારી એક (!) નવી જ ચંપલ ગુમાવેલી. મનીઓર્ડર મેળવવાની ખુશીમાં મેં પોસ્ટમેનને ઘણી વાર નવી જ પેન પધરાવી દીધી છે. ભૂતકાળનું મારું વજન પાછું મેળવવામાં મેં ભાવતાં ભોજન ગુમાવ્યાં છે ! તંદુરસ્તી મેળવવા પરસેવો પાડ્યો છે. જીભને ખુશ કરવા પેટને નારાજ કર્યું છે. ચમચી મેળવણ લેવા જતાં વાટકી ખાંડ ગુમાવી છે. મૉલમાં ખરીદીની લાલચમાં પર્સ ખાલી કર્યું છે. એક ગ્લાસ પર એક ચમચી ફ્રી ન મળતાં મગજ ગુમાવ્યું છે. સુખ મેળવવા જતાં સુખ ગુમાવ્યું છે ! આ એક જ વસ્તુ એવી છે જે મેળવવાની લ્હાયમાં કાયમ ગુમાવવાની જ થાય ! ને કદાચ આ એક જ વસ્તુ છે જે મેળવવાની આશા ન રાખીએ તો ગુમાવવાની ચિંતા થતી નથી. (પેલાં બહેને તો મને કેટલે ઊંચે પહોંચાડી દીધી ! બાકી મને આવા વિચારો ક્યારેય નથી આવ્યા.) ખેર, આ બધી મોટી મોટી વાતોમાં મુખ્ય વાત તો રહી જ ગઈ ! પંચાત કરવાનો આનંદ મેળવવામાં મેં કાયમ વખત ગુમાવ્યો છે.

કદાચ મેળવવાગુમાવવાના આ લિસ્ટમાં હજી બહુ ઉમેરવાનું બાકી રહી જાય; પણ વધુ લખવાનો આનંદ મેળવવામાં વાચક ગુમાવવાની બીક રહે એટલે બાકીનો આનંદ તમે ઉઠાવો ને ગણવા માંડો કે, તમે કેટલું ગુમાવ્યું ?

(તસવીર નેટ પરથી લીધી છે.)