રવિવાર, 29 એપ્રિલ, 2018

‘ભીમબેટકા–ભીમભાઈની બેઠક’–એમ પી ટૂર


નાનપણથી જ આપણે રાજા, રાણી ને એમના રાજકુંવર ને કુંવરીઓની વાર્તાઓમાં જાતજાતનાં સપનાં જોયેલાં. રાજાના બાહોશ કે લુચ્ચા મંત્રી કે સેનાપતિ અને એની વિશાળ સેનામાં હાથી, ઘોડા, તીર, તલવારનાં દ્રશ્યોમાં ધડકતા દિલે હાજર રહેલાં. સાધુ, ગુરુ, શિષ્યની પરંપરાથી ખુશ થઈને આશ્રમમાં ભણવા જવાનું વિચારી કાઢેલું. એ બધી વાર્તાઓને બહાને રામાયણ અને મહાભારતની કથાઓ પણ ધીરે ધીરે આપણા જીવનમાં વણાઈ ગયેલી. હવે કોઈને પણ એમ થાય કે ભીમબેટકા જવાનાં તેમાં આ બાળપણની વાર્તાઓને કેમ વચ્ચે ગોઠવી દીધી?

ધારો કે, એક લાખ વર્ષ પહેલાંનો કાળખંડ તમારી સામે હાજર થાય તો? ત્રીસ હજાર વર્ષ જૂની કથાઓ ચિત્ર રૂપે શિલાઓ પર કોતરાયેલી કે અદ્ભૂત રીતે રંગાયેલી તમને જોવા મળે તો? એમ જ થાય ને કે પાંડવો અહીં આવેલા? તો તો નક્કી એમના ચરણોની ધૂળનું એકદ રજકણ અહીં હશે જ. એમણે જે હવામાં શ્વાસ લીધા હશે તે જ હવા આપણી આસપાસ કેમ અનુભવાય છે? આ ગુફાઓ ને એમાં રહેલા અદ્ભૂત ચિત્રો જોઈને આભા કેમ બની જવાય છે? જ્યારે કોઈ જ સગવડ નહોતી ત્યારે આ ઊંચી ઊંચી શિલાઓ પર કઈ રીતે ચિત્રો દોરવા ને રંગવા શક્ય બન્યાં હશે? એવા તે કેવા રંગો વાપર્યા હશે કે આજે પણ લોકોનાં મગજ એ બધું જોઈને ચકરાઈ જાય છે? અચ્છા...તો આ બધો જાદુ આ ગુફાઓનો છે, જે ભીમબેટકાની ગુફાઓ તરીકે ઓળખાય છે.

‘કહેવાય છે કે ભીમની બેઠક અહીં હતી, એટલે ‘ભીમબૈઠકા’ કહેવાતું ને પછી એનું બન્યું ભીમબેટકા! લોકોને ‘બૈ’ બોલવાનુંય અઘરું પડ્યું! ને ‘ઠ’નો ટ કરીને બે–ટકા કરી નાંખ્યું!’ મારાથી નામની છેડછાડ પર ટિપ્પણી કઈરા વગર નીં રે‘વાયું. હવે હું આવું કંઈ બોલું એટલે એના ઉપર વળતી ટિપ્પણી તો આવવાની જ ને?
‘નામ નહીં આ જગ્યાનું મહત્વ જુઓ ને અસલના લોકોનું કામ જુઓ. બૈઠકા હોય કે બેટકા, આપણે કેટલા ટકા? આ લેખક લોકોની બધી ખટપટ બહુ.’
માળું એય સાચું. ચાલવા દો ત્યારે ભીમબેટકા જ. (શું હું કંઈ લેખક બનીને ફરવા નીકળેલી? જવા દો. એ લોકોને એટલું તો યાદ છે કે હું લેખક છું. ઔર ક્યા ચાહિએ?)

આપણે તો શ્રી વિષ્ણુ શ્રીધર વાકણકરનો આભાર માનવો જોઈએ, કે સત્તાવનની સાલમાં એમણે  આ ગુફાઓ શોધી કાઢી. વિંધ્યાચલ પર્વતોની છાયામાં આવેલી આ ગુફાઓની દક્ષિણે સાતપુડા પર્વતોની હારમાળા છે. પાંડવોએ કેટલા પર્વતો ઓળંગ્યા હશે? ને ભીમથી કેવી રીતે એ પર્વતો ઓળંગાયા હશે? થાકીને એટલે જ અહીં એણે બેઠક જમાવી દીધી હશે. જે હોય તે, આપણને તો અદ્ભૂત ખજાનો મળ્યો એ જ બહુ છે. ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં ભીમબેટકા સામેલ છે તે ગર્વની વાત જ કહેવાય ને? ખેર, આપણે ગુફાદર્શન કરીએ. એક વાત છે, કે ગાઈડ વગર આ ગુફાઓ જોવી ને સમજવી શક્ય નથી. એક તો ખોવાયા તો લાખ વરસ સુધી પણ આપણો પત્તો નહીં પડે ને ધારો કે કોઈને પત્તો પડ્યો તોય આપણા નામે કોઈ ઊઠકબેઠક કરવાનું નથી. બહુ આશા રાખવી નહીં. બીજું કે અમારી પાસે એટલો સમય પણ નહોતો કે એક એક દિવસે, એક એક ગુફા જોઈએ. પછી અમે તો ક્યારના અમારી સામે જોયા કરતા એક ગાઈડના સહારે ગુફાઓની કહાણીઓ જાણી.

પૂર્વ પાષાણકાળથી માંડીને મધ્ય ઐતિહાસિક કાળ સુધીનાં ચિત્રોમાં ત્યારનું માનવજીવન મુખ્ય રહ્યું છે. જે જીવનમાં આજેય ખાસ ફેર નથી પડ્યો એ જીવન વિશે જાણીને થાય કે, ત્યારેય સામુહિક નૃત્યો થતાં? ત્યારેય યુધ્ધો થતાં? નૃત્યો તો સમજ્યાં કે આનંદ વ્યક્ત કરવા પણ યુધ્ધમાં શેની વહેંચણી કરવાની હશે? આ ગુફા તારી ને આ ગુફા મારી એવું હશે? કે આટલાં જાનવર મારાં ને આટલાં તારાં એવું હશે? અથવા તો શિકાર પર કબજો જમાવવા બાબતે લડ્યા હશે? કોણ જાણે. કે પછી ત્યારેય કોઈ સ્ત્રી ખાતર યુધ્ધ થયું હશે? જે હશે તે પણ ચિત્રો જોઈને આપણને ભલભલા વિચારો તો આવી જ જાય.

ગુફાઓના ચિત્રોમાં ખનિજ અને વનસ્પતિના રંગોનો ઉપયોગ થયો હતો. બ્રશ તો એકબીજાના કે જાનવરોના વાળમાંથી જ બનાવ્યાં હશે. રંગો પણ કેવા? ગેરુ જેવો કથ્થઈ, લાલ, લીલો, પીળો અને સફેદ. આટલાં વરસોમાં તો કુદરતની મહેરબાનીની કેટલીય થપાટો ઝીલી હશે તોય આ ગુફાઓ એનાં ચિત્રો સાથે અડીખમ છે. હાથી, ઘોડાની સવારી કરતાં લોકો, ઘરેણાં સજાવતાં ને મધ એકઠું કરતાં લોકો સિવાય પણ ધાર્મિક ક્રિયા કરતાં લોકોનાં ચિત્રો અચંબિત કરે છે. હાથી, ઘોડા સિવાય પણ વાઘ, સિંહ, મગર, સુવ્વર અને કૂતરાનાં ચિત્રો પણ જોવા મળે. વળી એક મોટી શિલા પર તો ફક્ત જાનવરોનાં જ ચિત્રો એટલે એને ‘ઝૂ રૉક’ કહેવાય! એક શિલા પર ફક્ત યુધ્ધમાં વપરાતાં શસ્ત્રો દેખાયાં. તીરકામઠાં, ભાલા, અણીદાર લાકડી, તલવાર ને ઢાલ પણ! સ્ત્રીઓ, બાળકો ને પુરૂષોને વિવિધ કામ કરતાં પણ દર્શાવ્યાં છે. આ ચિત્રો એ જ સાબિત કરે છે કે જીવન તો ત્યારે પણ લોકો માણતાં જ હતાં. જે સમયે જેવી સગવડ મળી જીવન માણી લીધું, વખત આવ્યે એકબીજા સાથે લડી પણ લીધું ને મન થયું તો દિવાલો પર ચિતરી પણ કાઢ્યું.

માનવ વિકાસનો આરંભ આ સમયે થયો હશે એવું આ ચિત્રો સાબિત કરે છે. આ બધું જોઈને તો મનમાંથી બધા ભ્રમ નીકળી જ જાય કે આપણે બધું જ જાણીએ કે આપણે જ બધું કર્યું! બધી સગવડ ને અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પણ શું આજેય આપણે આવી ગુફામાં આવી કારીગરી કરી શકીએ? મેં તો આ બધું મનમાં જ વિચારેલું, કારણ તો ખબર જ છે ને?

અઢારસો હેક્ટરમાં પથરાયેલા ગુફાઓના સામ્રાજ્યમાં લગભગ સાડાસાતસો ગુફાઓ મળી આવેલી અને એમાંથી અઢીસો ગુફાઓ ભીમબેટકાના નામે બોલે છે. આહાહા! ભીમે તો બરાબર બેઠક જમાવેલી પણ બાકીના ભાઈઓનો કોઈ ઉલ્લેખ નથી તો એ બધા ક્યાં હશે? શું રામાયણમાં કોઈ સંકેત મળે ખરો? જવા દો, હવે એ બધી વાતોનો કોઈ અર્થ? વળી કોઈ બીજા યુધ્ધની તૈયારી થવા માંડે એના કરતાં આપણને તો ભીમબેટકા જોયાનો સંતોષ થયો એટલે બસ.
(ગૂગલની મહેરબાની જોઈ લો.)




મંગળવાર, 24 એપ્રિલ, 2018

જય શંભો! જય ભોલે ભીમ! (એમ પી ટૂર–૧૩)


ચટોરી ગલીના ચક્કરમાં, ચોક બજારની નાનકડી ગલીઓમાં રખડતાં રખડતાં જાતજાતની દુકાનો જોવાની, ઘડીક કશેક ઊભા રહીને ગમતી ચીજવસ્તુઓના ભાવ પૂછવાની, લેવાની અસમંજસમાં હા, ના, હા, ના કરવાની ને પછી ત્યાંથી ચાલતી પકડવાની મનગમતી મજા લેવાનું જ રહી ગયેલું! ખબર હતી, કે જે બે ત્રણ કલાક છે હાથમાં તેમાં જ બધું જોવાનું ને કંઈ ગમે તો લઈ લેવાનું છે. સાથે સાથે રાતની પેટપૂજા પણ પતાવવાની છે. આ માર્કેટ જ એટલી લલચામણી હતી ને કે અમે બીજી બધી માર્કેટ જોવાના નામ પર ચોકડી મૂકેલી. એમાં વચ્ચે ચટોરી ટપકી પડી ને માર્કેટ જોવાનું ફુસ્સ થઈ ગયેલું. ચાલો કંઈ નહીં, હવે અહીં તો પાછા આવવાનું જ છે ને? ત્યારે જોઈશું. ત્યારે પણ સમય મળશે? કોને ખબર. ધારો કે ત્યારે પણ એકાદ મસ્ત ચટોરી ગલી કોઈએ બતાવી તો? શૉપિંગ તો રહી જ જાય ને? ત્યારે ખાવું કે ખરીદવું? જવા દો, હમણાં એનો વિચાર નથી કરવો. પછીની વાત પછી.

બપોર સુધીમાં પચમઢી(પંચમઢી) પહોંચવાનું હોવાથી અમે બેગમોને અને ભોજપાલને બાય બાય કહ્યું. ભોપાલથી પચમઢીને રસ્તે લગભગ પિસ્તાલીસ કિમીની દૂરી પર એક અદ્ભૂત જગ્યા અમારી રાહ જોતી હતી. સીધે સીધા પચમઢી નીકળી જાત તો આ જગ્યા ન જોયાનો અફસોસ જિંદગીભરનો રહી જાત. એ તો અંજુએ હાથમાં રહેલી મધ્ય પ્રદેશની ચોપડીનાં પાનાં ફેરવતાં શોધી કાઢ્યું કે, ‘રસ્તામાં ભીમબેટકા જઈ અવાય. અહીંથી પિસ્તાલીસ કિલોમીટર જ છે ને આવેલાં આવેલાં જોતાં જઈએ. પચમઢી જ પહોંચવાનું છે ને?’
‘હા, પણ અંધારા પહેલાં પહોંચવાનું છે હં.’ મેં યાદ કરાવી મૂક્યું.

ક્યાંક પેલી ચોપડી નવી નવી જગ્યાઓ બતાવતી રહેશે તો રસ્તામાં જ અંધારું? ને પછી ચોર ને લૂંટારાની ટોળીઓ? ને હિંસક જાનવરો? ને રાતના અંધારાને ચીરતી અમારી ખતરનાક ને દર્દનાક ચીસો...! ઓહ! એક ભયાનક વિચાર મારા મનમાં આવ્યો તેવો જ મેં બધાની વચ્ચે જાહેર કરી દીધો.
‘અરે બહેનજી, અજુ તો હવાર જ છે ને આપણે પચમઢીને રસ્તે જતાં જ કલાક રોકાવાનું છે ને એટલામાં કંઈ અંધારું નથી થઈ જવાનું. અમે લોકો હાથે છે પછી આમ ગભરાયા હું કરે? ભીમબેટકાથી પચમઢી તો પછી દોઢસો કિલોમીટર જ છે. આરામથી તોણેક કલાકમાં તો પોંચી હો જહું.’
‘એ તો તાં ગીયા પછી ખબર પડે કે એક કલાકમાં બધું જોવાય છે કે નીં. ચાલો કંઈ નીં, ભીમબેટકા ચાલો.’

‘અંજુ, અજુ હો જો પાછું. ભીમબેટકા જતા પેલ્લા હો કોઈ જોવા જેવી જગા તો ઓહે જ. તાં હો જતાં જ જઈએ.’ મેં તો દાઢમાં કહેલી વાત ખરેખર જ સાચી પડી! ચોપડીમાં જોયું તો ભીમબેટકા પહેલાં ભોજપુર ગામે મળી ગયું દુનિયાનું વિશાળ શિવલિંગ! વાહ વાહ! હવે ભલે સાંજ પડે પણ બધે ફરતાં ફરતાં જ જવું. ચોર–ડાકૂકી ઐસી કી તૈસી. આ તો મનમાં હં, બાકી અંધારા પહેલાં હૉટેલ પહોંચવાનો નિયમ તોડવાનું જોખમ ખેડાય એમ નહોતું.

પરમાર વંશજ રાજા ભોજે અગિયારમી સદીમાં બંધાવેલું આ મંદિર કોઈક કારણસર અધૂરું રહેલું પણ એનું મહત્વ જરાય ઓછું નથી થયું. તહેવારોના દિવસે અહીં ભારે ભીડ થાય એજ એની મહત્તા દર્શાવે છે. જાણે કે શિવમંદિરોથી ધરતીને મઢી દેવાની હોય એટલા બધા મંદિરો રાજા ભોજે બંધાવેલા. કેદારેશ્વર, રામેશ્વર, સોમનાથ, કાળભૈરવ અને રુદ્રમંદિર સિવાય એક સરસ્વતી મંદિર અને એના પોતાના રાજ્ય ધારમાં તો એકસો ને ચાર મંદિર! સ્વાભાવિક છે, કે છેક અગિયારમી સદીનાં મંદિરોમાંથી બહુ થોડાં જ બચ્યાં હોય અને એમાંથી આ વિશાળ શિવમંદિર બચ્યું તેને કોની મહેરબાની ગણવી? જે હોય તે, ઊંચી ટેકરી પર આવેલા આ અધૂરા મંદિરના કેટલાય અવશેષો મંદિરની આસપાસ સાચવીને રખાયા છે. એના ઉપર કોતરાયેલા ઈતિહાસ પરથી ઘણી વાતો જાણવા મળે છે.

ઘણા ઈતિહાસકારોએ પણ એના વિશે લખ્યું તે મુજબ, કોઈએ એને મૃત વ્યક્તિના અસ્થિ પર બનાવાયેલું મંદિર ગણાવ્યું જેની રચના સ્વર્ગે જવાની સીડી તરીકે–સ્વર્ગારોહણ માટે– થઈ હશે. કોઈએ કહ્યું કે રાજા ભોજે એના પિતા અને કાકાના આત્માની શાંતિ માટે એમની યાદમાં આ મંદિર બનાવ્યું. આવી વાતોનું કારણ એક જ કે આ મંદિરનું બાંધકામ અન્ય શિવમંદિરો જેવું નથી. એનું ગર્ભગૃહ જુઓ કે એના શિખર પર નજર કરો કે એની અંદર ને બહારની દિવાલો જુઓ. કોઈ પણ રીતે એ શિવમંદિર જેવું ન લાગે અને છતાંય ખૂબ જાણીતું અને જોવાલાયક તો ખરું જ. સાડા સાત ફીટની ઊંચાઈ અને લગભગ અઢાર ફીટના ઘેરાવાવાળું શિવલિંગ જે પ્લેટફોર્મ પર મૂક્યું છે તેની સાથે મળીને એ આપણને ચાલીસ ફીટ ઊંચે જોવા પ્રેરે! સામાન્ય રીતે આપણે વાંકા વળીને શિવલિંગને પૂજીએ. જ્યારે અહીં તો ઊંચ્ચે જોઈને પગે લાગી લો. અભિષેક કેવી રીતે કરવો? ખેર અમે તો શિવજીની પૂજાર્થે નહોતાં ગયાં એટલે અચરજથી એમને નમન સિવાય બીજું શું કરી શકીએ?

અધૂરું હોવા છતાં આ મંદિરને ભોપાલ સરકારે રઝળતું નથી મૂક્યું. એને શ્રેષ્ઠ જાળવણીનું અને ખાસ તો અપંગોને સહાયરૂપ બનવા બદલ ઈનામ મળ્યું છે. દર વર્ષે શિવરાત્રીએ સરકાર અહીં ભારતના જાણીતા કલાકારોને આમંત્રીને સુંદર કાર્યક્રમ કરે છે. નજીકમાં મંદિરનું મ્યુઝિયમ પણ છે. એ તો સમય અને રસનો સવાલ એટલે અમે તો ફક્ત માહિતી જ મેળવી. જે હોય તે, સદીઓ જૂના આ મંદિરને લાગેલી સદીઓની ધૂળ, લીલ, વરસાદ ને પવનની થપાટોથી જો સાફસૂફ કરીને, નિયમીત જાળવણી કરીને સાચવ્યું ના હોત તો આટલું વિશાળ અને સુંદર મંદિર જોવા મળત? નહીં જ વળી. અમે તો રાજા ભોજની સાથે ભોપાલ સરકારનો પણ આભાર માની શિવજીની વિદાય લીધી. મંદિર જોઈને ખુશ થયેલાં અમે ભીમબેટકામાં પણ આવો જ કોઈ ખજાનો મળશે તેના વિચારથી જ આનંદિત હતાં.

‘ભૂખ લાગી.’ એક અવાજ નીકળ્યો અને સૌએ એમાં હામી ભરી કે નજીકની નાનકડી ચાની ટપરી પર ગાડી થોભી. પડીકાં ખૂલ્યાં ને ચા સાથે ફ્રેશ થઈ ઉપડ્યાં ભીમભાઈની બેઠકે.
ભોજપુરના શિવમંદિરના ચિત્રો(ગૂગલ સહાયથી.)




રવિવાર, 15 એપ્રિલ, 2018

બાય બાય ભોપાલ, ફરી મળીએ–એમ પી ટૂર–૧૨



અમને બધાને હૉટેલ પર જઈને આખા દિવસની બધ્ધી વાતો યાદ કરીને ફરીથી વાતની મજા લેવાનું બહુ ગમતું. એય, પેલું રઈ જ ગ્યુંકે પેલી કેટલી મજા આવેલી ને?’ જેવી પેલી-પેલા-પેલુંની રમઝટ જામતી. ચટોરી ગલીથી સંતુષ્ટ થયેલાં અમે ફરી એક વાર સાંચીની વાતે લાગી સ્તૂપની મુલાકાત લઈ આવ્યાં.

તે દિવસે જો સોમવાર ન હોત તો અમારું ભોપાલદર્શન સમાપ્તિને આરે હોત કારણકે જે મ્યુઝિયમ જોવા દેશપરદેશના લોકો એક વાર તો ભોપાલની મુલાકાત લે જ, તે સોમવારે બંધ જોઈને અમે એના દ્વારેથી યાચકની જેમ ખાલી નજરે પાછા ફરેલાં. જો પહેલેથી કોઈને થોડું પૂછી લેત કે જાણી લેત તો ધક્કો ન થાત ને અફસોસ પણ ન થાત. આ તો બધાના મનમાં જ એવું હશે કે રજા તો રવિવારે જ હોય ને? એમાં શું પૂછવાનું? ખેર, કશે પણ ફરવા ગયાં હોઈએ ત્યારે એક વાત બહુ કામ આવે, ‘હવે અહીં સુધી આવ્યાં જ છીએ તો...ફલાણું તો ખાઈ જ લઈએ કે ઢીકણું તો લઈ જ લઈએ કે પછી અહીં તો ફરી જ લઈએ. પાછા વળી ક્યારે અહીં આવવાના?’ બસ આટલી એક જ વાતે બાકીના પણ નમતું જોખી દે ને કામ થઈ જાય. એ હિસાબે ભોપાલે સોમવારે અમને નિરાશ ન કરતાં જગપ્રસિધ્ધ સાંચીનો સ્તૂપ જોવા મોકલ્યા. જાઓ થોડું ફરી આવો ને પાછા વળતાં મ્યુઝિયમ જોતાં જજો.

કંઈ નીં આપણે રિટનમાં પાછા અંઈ આવહું.દિનેશને પણ એમ પીના આદિવાસીઓના મશહૂર મ્યુઝિયમમાં રસ પડ્યો(આ લોકો ઉચ્છલના આદિવાસીઓ જેવા જ હશે કે જુદા?) એટલે અમારા અફસોસને દૂર કરવા, વગર કંઈ કહ્યે સામેથી જ એણે મમરો મૂકી દીધો. જમીને અમે તો નીકળ્યાં સાંચી તરફ. પિસ્તાલીસ કિલોમીટર કંઈ વધારે ન કહેવાય એટલે અડધો કલાકમાં તો અમે દૂરથી ગોળ ગુંબજ જોઈને હરખાયાં. સ્કૂલમાં ભૂગોળની પરીક્ષામાં જોડકાં જોડવામાં કે ખાલી જગ્યામાં ખાસ પૂછાતો પ્રશ્ન તે આ સાંચીનો સ્તૂપ? આખા ભારત પર વિજયપતાકા ફેરવવાના ઉન્માદમાં કેટલીય લોહીની નદીઓ વહાવ્યા બાદ, પસ્તાવાના પવિત્ર ઝરણામાં સ્નાન કરીને બૌધ્ધ ધર્મ અપનાવી લેનાર ચક્રવર્તી રાજા અશોકે બૌધ્ધ ધર્મના ફેલાવામાં કરેલું યોગદાન તો ભૂલાય એમ નથી. આજે એ બધી ઈમારતોમાંથી કેટલીક આજે પ્રત્યક્ષ જોવાનાં તે વાતે અમને સૌને જ બહુ રોમાંચ હતો. આ એક જ વાત એવી હતી કે જે અમને બધાને ખબર હતી!
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના નાનકડા ગામ સાંચીમાં ત્રીજીથી બારમી સદી સુધીમાં કેટલાય બૌધ્ધ સ્મારકો બન્યાં, વિહારો બન્યાં પણ સૌથી પહેલું અને વિશાળ સ્મારક તો આ સ્તૂપ જ. પ્રેમ, શાંતિ અને વિશ્વાસના પાયા પર બનેલી આ ઈમારતના મધ્ય ભાગમાં, બુધ્ધ ભગવાનના અવશેષો એક અર્ધગોળાકાર ઢાંચો બનાવીને રખાયાં અને એમને સાચવવા ત્યાં દેવાલય અને સ્મારકનું રૂપ આપી એના શિખર ઉપર છત્ર બનાવ્યું. મૌર્યવંશી સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મના પ્રચારાર્થે આ સ્તૂપ સિવાય પણ કેટલાય નાના સ્તૂપો ભારતભરમાં બંધાવ્યા. યુનેસ્કોએ આ સ્મારકનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કર્યો છે. અસલ તો બુધ્ધની મૂર્તિઓને ખાસ પોલિશથી ચમકાવાતી જેથી એ મૂર્તિઓ કાચની જેમ ઝગારા મારતી.

ચોપ્પન ફીટ ઊંચી ઈમારત સામે રમકડાં જેવા દેખાતાં અમે ભારે અચરજથી સ્તૂપની પ્રદક્ષિણા કરતાં હતાં. બુધ્ધના જીવનની વાતો ચાર મોટા દરવાજા કે તોરણ કહેવાતા પથ્થરના થાંભલાઓ પર આકર્ષક રીતે કંડારેલી હતી. એમાં બોધિવૃક્ષ નીચેના ચબુતરા, બુધ્ધના પદચિન્હો અને ઘોડા મુખ્ય છે. પછીની સદીઓમાં કલાના શત્રુઓ પણ રાજા બનીને આવ્યા અને આ સ્મારકને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું. અમુક સમય બધું જેમનું તેમ જ રહ્યું અને ઓગણીસમી સદીમાં આવેલા જૉન માર્શલે એનો જિર્ણોધ્ધાર શરૂ કરાવ્યો. એટલે અંગ્રેજોમાં કોઈ કોઈ હીરા પણ હતા જેમણે પોતાની ચમક ગુમાવી નહોતી. આ વિશાળ પરિસરમાં તો જ્યાં ને ત્યાં મોટી મોટી શિલાઓ, મોટા કોતરેલા થાંભલાના અવશેષો, તૂટેલી દિવાલો, અધૂરા પગથિયાં જેવું કેટલુંય એ પ્રાચીન સમયની યાદ કરાવવા આપણને બોલાવતું હોય એવું લાગે.

અમારી પાછળ જ સફેદ વસ્ત્રધારી, પચ્ચીસેક સાધ્વીઓની ટુકડી શ્રીલંકાથી ખાસ આ સ્તૂપના દર્શને આવેલી દેખાઈ. ખૂબ શાંતિથી બધે ફરીને એક જગ્યાએ કુંડાળું વળીને એ સૌ ધ્યાનમાં બેસી ગઈ. ન કોઈ હોહા કે ન કોઈ જાતનો કોલાહલ એમની દિશાએથી જણાયો. આપણે ત્યાં તો હવે આવા સ્થળોએ પિકનિક મનાવતાં હોય, તેમ લોકોની ભીડ અહીંથી ત્યાં ટોળામાં ભટકતી, નાહકનો કોલાહલ મચાવતી અને અધૂરામાં પૂરું જ્યાં ને ત્યાં ગંદકી કરતી જ દેખાય. ઐતિહાસિક સ્મારકોનું મૂલ્ય સમજ્યા વગર ઉમટી પડતાં લોકો બીજા લોકોને પણ શાંતિથી કંઈ જોવા કે સમજવા નથી દેતા. ખેર, જાહેરમાં અજાણ્યા લોકોને આપણાથી કંઈ કહેવાય નહીં એટલે એકબીજા સામે કંટાળાના ઈશારા કરતાં અમે બધે ફરતાં ફરતાં સાંચીના સ્તૂપને જોયાનો સંતોષ લીધો.
હવે? કોઈ જગ્યા બાકી રહે છે ભોપાલની આજુબાજુ? તો જોતાં જઈએ. નહીં તો કાલે સવારમાં તો પચમઢી જવા નીકળી જવાનું છે.
બસ, હવે કંઈ નીં. થાકી ગીયા ભાઈ. એના કરતાં આજે આપણે ભોપાલની બજારમાં રખડહું ને બહાર ખાવાની મજા લેહું.
સર્વાનુમતે ભટકવા ને ખાવાનો પ્રસ્તાવ મંજૂર થઈ ગયેલો ને અમે સીધા નીકળેલાં ભોપાલની બજાર તરફ. સાથે કંઈક છૂટપૂટ શૉપિંગની પણ છૂપી આશાએ તો ખરાં જ!

શૉપિંગ શબ્દ બહુ જ અદ્ભૂત છે. એ જેટલો લલચામણો છે એટલો જ છેતરામણો પણ ખરો. એની માયામાં એક વાર જો ફસાયાં તો એનાથી દૂર રહેવું મુશ્કેલ. પર્સમાં ગણેલા પૈસા હોય તો જ દુકાનમાંથી હલકાં થઈને બહાર નીકળાય, નહીં તો માથું ને થેલા ભારે થતાં વાર નહીં. વિન્ડો શૉપિંગ અનેકને આનંદ આપે ને ખરું શૉપિંગ કોઈને આનંદ તો કોઈને અફસોસ ભેટ કરે. ઘણી વાર તો ફક્ત જોવા કે ફક્ત ફરવા જ નીકળેલા લોકો, ફક્ત શૉપિંગ કરીને જ પરતા ફરે! શૉપિંગ કોઈની આવડત છે, તો કોઈની અણઆવડત. શૉપિંગ સંબંધો બનાવે છે તો સંબંધોમાં કડવાશ પણ લાવે છે. ઘરની બહાર કશે પણ જાય ને શૉપિંગ ન કરે તો એમને ચેન ના પડે એવાય લોકો છે, જ્યારે શૉપિંગ કરનારાની મશ્કરી ન કરે તો એમને ચેન ના પડે એવા લોકોય ખરા! હવે તો ઘેર બેઠાંય શૉપિંગનો આનંદ લેવાય પણ બજારનું શૉપિંગ તે બજારનું શૉપિંગ.

અમેય આ બધી સરખામણીને અવગણીને ફક્ત ને ફક્ત શૉપિંગનો આનંદ લેવા જ ભોપાલની બજારમાં જવા ઉત્સાહી હતાં. અંધારા પહેલાં તો ભોપાલ પહોંચવા બિચારા દિનેશની પાછળ પડી ગયેલાં, ‘દિને...શ ગાડી ભગાવ.’...’ દિને...શ ગાડી ભગાવ.ને આખરે? 'શોપિંગ તો બાકી જ રહી ગ્યું!
અરે પણ ખાવાની મજા આવી કે નીં?’
બસ ત્યારે, એ જોઓની.
                                                   સાંચી સ્તૂપની તસવીરો– નેટ સૌજન્યથી



રવિવાર, 8 એપ્રિલ, 2018

ચટોરી ગલી ને રબડી! એમ પી ટૂર(૧૧)



બજારમાં ફરવા ને ખાવાના નામ પર તો બધ્ધાનો થાક છૂ થઈ ગયો ને ગાડીમાં પણ જાણે સવારની તાઝગીની લહેર ફેલાઈ ગઈ હોય તેમ, દસ જ મિનિટ પહેલાં જોયેલા સાંચીના સ્તૂપને ભૂલીને સૌએ અંજુને પેલી ટુરિઝમની ચોપડીમાં ભોપાલની ફેમસ માર્કેટ શોધવાનું કહ્યું. અંજુના માર્કેટજ્ઞાન પછી તો એ નક્કી કરવામાં જ ભોપાલ આવી ગયું કે પહેલાં કઈ માર્કેટમાં જઈશું? આખરે જે નજીક પડે ને જે જોવાય તે જોવી એવું નક્કી કરીને પહેલાં પહોંચ્યાં દિલ્હીના ચાંદની ચોક સાથે જેની સરખામણી સાથે થાય તે ચોક બજારમાં. જૂના ભોપાલની મધ્યમાં જામા મસ્જિદ ને શૌકત મહેલની નજીકનો આ વિસ્તાર હવેલીઓ અને મસ્જિદોથી ભર્યો ભર્યો હોવાથી સતત ચહલપહલવાળો રહે છે. તેમાં પણ  બજારમાં જેને જે જોઈએ તે બધું જ, એટલે કે ખરીદીનો સંપૂર્ણ આનંદ અને સંતોષ આપે તેવું મળી રહેતું હોવાથી ખાસ્સી ભીડ પણ રહે છે.

સૌથી પહેલાં તો ખાઉં ખાઉં કરતાં મનને શાંત પાડવા એકાદ ખાઉગલી શોધવાની હતી. નક્કી અહીં કંઈક તો ચટપટું મળી જ જશે એ આશાએ અમે તપાસ કરી. જેને જેને પૂછ્યું, એણે એક જ નામ આપ્યું, ‘ઈબ્રાહીમપુરામેં ચટોરી ગલી.’

‘ચટોરી ગલી? આવું કેવું નામ? આપણી સાંભળવામાં ભૂલ થતી હશે. અહીં કટોરીમાં ખાવાનું મળતું હશે એટલે કટોરી ગલી હશે.’ મેં દર વખતની જેમ જ મારું જ્ઞાન પ્રદર્શિત કર્યું ને સાથે ઉમેર્યું, ‘જે બહુ બોલ બોલ કરે ને, એને હિન્દીમાં ચટોરે કહેવાય. કદાચ એનું સ્ત્રીલિંગ ચટોરી હશે. અથવા તો આપણે જેમને ‘ચાટા’ કહીએ, ખાવા માટે કાયમ તૈયાર જ હોય. જેમને બધે જ ખાવાનું મન થઈ જાય ને એમને બધું જ ભાવે ને બધું જ ચાલે.’ બોલ્યા પછી મેં હોંકારા કે દેકારા માટે આમતેમ જોયું તો મારી વાત તો હવામાં જ ઊડી ગયેલી! બધાંનું ધ્યાન જાતજાતની લારી પર ને એમાં મળતી વાનગીઓ પર ફરતું હતું. નામ જ એવું મજાનું હતું કે અહીં ગલીમાં જ્યાં જોઈએ ત્યાં બધા પોતાનાં આંગળાં ચાટતાં જ દેખાય. એનો અર્થ? નાનામાં નાની લારી પરથી નીકળતી વરાળમાં ચાટાઓને આમંત્રણ હતું.

બે ત્રણ મિનિટમાં જ મારી સહપ્રવાસીઓની નજરમાં નિરાશા દેખાવા માંડી. અમારે તો સ્ટ્રીટ ફૂડ કહેવાય તેની મજા લેવી હતી. જ્યારે અહીં તો લગભગ બધી જ લારીઓમાં નોન–વેજ વાનગીઓ જ પીરસાતી હતી. જેઓ નોન વેજના શોખીન હોય તેમના માટે તો અહીંથી સસ્તું અને સ્વાદિષ્ટ ખાવાનું બીજે કદાચ જ મળે, એટલી પ્રખ્યાત આ ગલી ને એની ખાસ ખાસ લારીઓ ને ખાસમખાસ દુકાનો છે. અમે તો મનમાં જ સ્વાદિષ્ટ સપનું જોયું, ભોપાલની પાણીપૂરી કે રગડાપૅટિસ કેવીક હશે? (કાશ, અમારા કપાળ પર શાકાહારી લખ્યું હોત!)

મોટે ભાગના શહેરોમાં કે ગામડાંઓમાં પણ, લારી પર મળતી વાનગીમાં સ્વાદની સાથે સ્વચ્છતાનો આગ્રહ રાખવો જરા વધારે પડતું જ કહેવાય. બહુ સફાઈ જોઈએ તો મોટી મોટી રેસ્ટોરાં શહેરોમાં છે જ. પછી એમાં ‘આ’ સ્વાદની ગૅરન્ટી નહીં. ખેર, ભીડને જોતાં તો શંકાને કોઈ સ્થાન જ નહોતું. દરેક લારી કે સગડીની આજુબાજુ, રંગ ઉખડેલા લોખંડના ત્રણ ચાર બાંકડા પર અમારા જેવા જ ખાઉધરા લોકો બાંકડાને મેચ થાય તેવા લોખંડના ટેબલ પર મુકાયેલી કે મુકાવાની પ્લેટ તરફ આસપાસની દુનિયાને ભૂલીને લલચામણી નજરે તાકી રહેલા. મોટા ચૂલા પર મોટી મોટી હાંડી કે દેગડીઓમાંથી વરાળ નીકળતી હતી. બાર્બેક્યૂ કરવાની મોટી ભઠ્ઠી અને એના પર ગોઠવેલી કબાબની હાર લોકોની ધીરજની કસોટી કરતી હતી. એક તરફ જાતજાતના થેલાઓમાં લોટ ને તેલ ને મસાલાના ડબ્બા ને બાટલીઓ પડેલી. જ્યાં જુઓ ત્યાં હર તરફ ધુઆં ધુઆં...! અમારા પેટમાં પણ કદાચ ભૂખનો ધુમાડો થવા માંડેલો કે શું? ઢીલી ચાલે અમે પાછા ફરવાની તૈયારી કરી એવામાં અમારી દયા ખાઈને એક ભાઈ અમારા માટે દેવદૂત બનીને હાજર થઈ ગયા.

‘બહેનજી, આપ લોગ વો મસ્જિદકે પાસ ચલે જાઈએ. વહાં સુરેન્દર જૈનકા ઈસ્ટાલ હૈ. આપકો વહાં એકદમ બઢિયા રબડી મિલ જાએગી ઔર ઉસકે બિલકુલ બગલમેં આપકો સાબુદાનાકી ખિચડી ભી એકદમ બઢિયા મિલેગી. મેરી માનો તો યહાંસે આપ લોગ નારાઝ હોકર મત જાઈએ.’ એની વિનંતીની અમારા ઉપર ખાસ્સી અસર થઈ.

હવે તો ભેલપૂરી કે પાણીપૂરીને બદલે સાબુદાણાની ખિચડી પણ ચાલશે ભાઈ. હવે અહીંથી વધારે દૂર જવાની ને બીજે દર દર ભટકવાની અમારામાં કોઈ તાકાત નથી. અલ્લા તારું ભલું કરે. અમે સૌએ ખિચડીના નામ પર, રબડીના નામ પર કે પછી જામા મસ્જિદના નામ પર મહોર લગાવી ને દરેકે પેલા ભાઈનો વ્યક્તિગત આભાર માનીને સુરેન્દરજીના ઈસ્ટાલની સામે હાથમાં દડિયા પકડવાની મનોમન તૈયારી કરી.
‘અરે! પહેલાં ખિચડી ખાઈ લઈએ, મીઠા બાદમાં ખાએંગે.’ હિન્દી સાંભળી સાંભળીને કોઈથી પણ હિન્દી બોલાઈ જાય એવું જ હતું. ભોપાલમાં સઘળે એ જ તો ભાષા ચલણમાં હતી. બાકી તો ઉર્દુ અને થોડી ગુજરાતી ને અંગ્રેજી તો ખરું જ.

ચટોરી ગલીમાંની નિરાશાનો એક અંશ પણ અમારા દિમાગમાં ન રહે એટલી સરસ સજાવેલી સાબુદાણાની ખિચડી જોતાં જ મનમાં હર્ષના ને મોંમાં લાળના રસ ટપક્યા. સૌએ દડિયામાં લલચાવતી ખિચડી જોઈ ને આદત મુજબ ફટાફટ વિશ્લેષણ ચાલુ કર્યું. ‘અરે વાહ! આની ઉપર તો બટાકાની ચિપ્સ? બારીક સેવ પણ ભભરાવી છે? ને સાથે પાતળી વેફર પણ! ઓહો! આ તો નવી જ જાતની ખિચડી!’ ખિચડીના વખાણે લાગેલી સૌ બહેનોએ દડિયો ચાટવાનો જ બાકી રાખ્યો તે ચટોરી ગલીની અસર? તરત જ બીજા ચાર દડિયા પણ ઘડીક વારમાં સાફ થયા ને પછી ટીમ ઊપડી સુરેન્દરભાઈને ત્યાં રબડી ચાટવા!

‘બરફી રસમલાઈ’ના નામથી જાણીતી આ રબડીએ તો સુરેન્દરભાઈને ભારતભરમાં જાણીતા કરી દીધા. અમારી નજર સામે બધા દડિયામાં એમણે બરફનો ભૂકો નાંખીને ઉપર રસબસતી રબડી રેડી. એની ઉપર રંગીન–સુગંધિત ચાસણીની ડિઝાઈન કરી અને છેલ્લે ગુલાબનું સિરપ રેડીને અમારા હાથમાં દડિયા પકડાવ્યા ત્યારે તો કોઈનેય સેલ્ફી લેવાનું પણ યાદ ના આવ્યું! એ ભૂખનો પ્રભાવ હતો કે રબડીનો કે ભોપાલની ચટોરી ગલીના પાડોશનો? સૌને મન તો થયું જ હશે કે બે ચાર ડિશ રબડી હજીય ઝાપટવામાં વાંધો નહીં પણ શું થાય? ફરવા નીકળેલાં એટલે તબિયતને બહુ સાચવવી પડે, હંહ!
રસબસતી રબડી

ચટોરી ગલીની ભીડ

સાબુદાણાની ખિચડી