રવિવાર, 25 ફેબ્રુઆરી, 2018

‘તબેલો કે તપેલી મહેલ?’ એમ પી ટૂર–૬


‘આ મોગલ રાજાઓમાં કંઈ અક્કલ જ નીં મલે. આટલા હારા મહેલને ઘોડા બાંધવાનો તબેલો બનાવી કાઢેલો!’ નાની બહેનોએ મહેલની વાતો ચાલુ કરી.
‘તે જ ને. જુઓ તો ખરા, કેટલો સરસ મહેલ છે ને એનું બાંધકામ કેટલું જોરદાર, તે આજે આટલાં વરસો પછી પણ આ ‘તવેલી મહેલ’ અડીખમ ઊભો છે ને હજી કોણ જાણે કેટલા સૈકા લોકોને જોવા બોલાવશે!’
‘છઠ્ઠી સદીથી ચાલુ થયેલા પરમાર રાજાઓના રાજમાં થયેલા ખિલજીના આક્રમણ પછી મોગલોની ઘુસણખોરી અને અંતે મરાઠા સામ્રાજ્યના હાથમાં લગામ ગઈ ત્યાં સુધીમાં તો, આટલાં સુંદર માંડૂએ કેટલીય લડાઈઓ ને હાર–જીતો ને કેટલીય ખુવારીઓ પણ જોઈ કાઢી હશે. જો કે, એ દરમિયાન જાતજાતનાં બાંધકામો તો તોડફોડ સિવાય પણ ચાલુ જ રહેલાં એટલું વળી સારું તે આજે દુનિયાભરમાંથી લોકો અહીં આ અદ્ભૂત ઈમારતો, મહેલો ને ઈતિહાસને જોવા ને માણવા આવે છે.’
‘બાપ રે! માંડૂ પર તો બહુ જુલમ થયો કહેવાય. ખેર, આ તપેલી મહેલની શું વાત છે? કે વાર્તા?’ મને જાણવાની ચટપટી થઈ.
‘પહેલી વાત તો તપેલી નહીં પણ ‘તવેલી મહેલ’. અહીંથી માંડૂદર્શનની અલગ જ મજા છે. હવે આ મહેલ મ્યુઝિયમ તરીકે વપરાય છે પણ એક સમયે મોગલોના જમાનામાં વપરાયેલા કે ન વપરાયેલા વાસણો ને પથ્થરોના અવશેષો અહીં મળી આવેલા.’
‘જો મેં કીધુ ને કે તપેલી મહેલ તે નામ બરાબર જ કહેવાય.’
‘પ્લીઝ, નો ફાલતુ જોક્સ.’ સામુહિક ધમકીથી મારું મોં બંધ થઈ ગયું, પણ શું હું ખોટી હતી? જવા દો.

અહીં એટલા બધા રાજાઓ આવ્યા ને લડ્યા ને મર્યા કે દરિયા ખાન નામના રાજાએ તો પંદરમી સદીમાં પોતાની કબર પણ બંધાવી દીધી હતી. દરિયા ખાન કબર નામે જાણીતી કબરની ટાઈલ્સ બહુ સુંદર અને કમાનો જોવા લાયક, પણ સમયના અભાવે અમે દરિયા ખાનને સલામી ન આપી શક્યા. એવો જ એક નાનકડો હાથી મહેલ પણ ત્યાં છે, જેના ચાર થાંભલા હાથીના પગ જેવા લાગે! આટલા જાડા થાંભલા હું કામ બનાઈવા? કોણ જાણે! કદાચ એ બહાને ભવિષ્યના પ્રવાસીઓનું કુતૂહલ જાગે ને એમને કંઈ નવી જાતનું બાંધકામ જોવા મળે એવું જ હશે. અમે તો એને ગુટલાવી દીધું. દૂરથી રામ રામ. આખો દા’ડો પછી મહેલ જોઈ જોઈને પણ થાકી જવાય કે નીં? હજી તો નીલકંઠ મહાદેવના ‘નીલકંઠ મહેલ’ વિશે પણ જાણીને અચરજ થયું. તે સમયના અમુક મુસ્લિમ રાજાઓ જે હિંદુઓને માન આપતા તેમાંના એક રાજા અકબર બહુ જાણીતા હતા. અકબરને તો બધા જ ઓળખે! એમની હિંદુ રાણી શિવભક્ત હોવાથી રાજાએ તો શિવમંદિરની બાજુમાં એક મહેલ જ બાંધી આપ્યો! આજકાલના રાજાઓ જેમ પોતાની રાણીને ફાર્મ હાઉસ કે એકાદ વિલાની ભેટ કરી દે તેમ જ. જો કે ત્યાં જવાનો રસ્તો સાંકડી ખીણ જેવો હોવાથી અમે તો માંડી જ વાળ્યું. હજી ઘરે પાછા જવાનું છે ને ભાઈ?

આ મહેલો ને કબરોને જોતાં જાણતાં મને સતત રફીસાહેબનું એક ગીત યાદ આવતું રહ્યું. ‘યે મહેલોં, યે તખતોં, યે તાજોંકી દુનિયા...યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?’ મારા ગણગણવાની સાથે જ ફરમાન આવ્યું, ‘એય, કેમ ફિલ્મીવેડા ચાલુ કઈરા?’
‘અરે યાર, તમે લોકો તો ખરાં છો. જ્યાં જે વાત યાદ આવી જાય તે બોલાઈ નીં જાય કે ગીત યાદ આવે ને ગવાઈ નીં જાય તેનો મતલબ હું? હવે હું નથી માનવાની તમારું. આ મસ્ત હરિયાળી મોસમ ને આ દિલકશ નજારામાં કોઈને કોઈ ગીત યાદ નીં આવે કે ગાવાનું મન નીં થાય એવું તે કેમ બને? હું તો મોટ્ટેથી ગાવા જાઓ.’
મને કહેવાનો કંઈ અર્થ નથી એવું સમજી ગયેલી બહેનો એમની આંખો સાથે ભવાં ઊંચાનીચા કરતી રહી ને જૉલી મરકમરક હસતી રહી.

હવે અમે જોવા નીકળ્યાં રાજા હોશંગશાહની કબર. જે કબર જોઈને તાજમહેલ બંધાવનાર શાહજહાંએ પોતાના ખાસ આર્કિટેક્ટોને એ કબરનું બાંધકામ જોવા (કે એમાંથી પ્રેરણા લેવા કે પછી એની ડિઝાઈનની ઉઠાંતરી કરવા) મોકલેલા તે કબર કેવી અદ્ભૂત હશે! ખરેખર, અફઘાન સ્થાપત્યની, આરસના પથ્થરોમાં કોતરાયેલી કારીગરી બહુ સુંદર રીતે આ કબરમાં વણાઈ ગઈ છે. ભારતની આ પહેલી આરસની કૃતિ ગણાય છે. ખેર, આપણે તો જોવા સાથે મતલબ. યાદ પણ કેટલુંક રાખવાનું?

આટલા બધા મુસ્લિમ રાજાઓની અવરજવર વચ્ચે પણ આશ્ચર્યજનક રીતે એક જૈન મંદિર ત્યાં અડીખમ ઊભું છે. જૈન તીર્થંકરોને સમર્પિત આ મંદિર કોઈ પરદેશી રાજાની મદદ વગરનું પૂર્ણપણે ભારતીય બાંધકામ જ છે. સોના, ચાંદી અને માણેકથી સુશોભિત આરસના આ મંદિરને જોવા પણ પ્રવાસીઓ દૂરદૂરથી આવે છે. સમયની બલિહારીએ અમને એના દર્શનથી વંચિત રાખ્યા. ખેર, ફરી વાર માંડૂ જવું જ પડે એટલી બધી સુંદર ઈમારતો ને મહેલોનાં વર્ણન વાંચ્યે કે જાણ્યે થોડું જ ચાલશે? જોઈશું, ફરી કોઈ વાર ચાન્સ મળે તો ઉપડશું. હવે જેના માટે દિલમાં એક અજબ ખેંચાણ હતું ને ખૂબ ઈંતેજારી હતી તે રાની રુપમતી ને બાઝબહાદુરના મહેલ જોવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ક્યારે પહોંચીએ રાણીના મહેલમાં ને એનાં ગીતોના પડઘા સાંભળીએ? એ તબલાંની થાપ ને એ ઘુંઘરૂનો રણકાર! દૂરથી વહી આવતો કરુણ મધુર સ્વર ને મંદ મંદ સમીરની લહેરો પર સવાર થઈને દૂરની પહાડીઓમાં ફેલાઈ જતા એ મધુર ગીતના પડઘા!
‘એ ભાઈ દિનેશ, જલદી ગાડી ચલાવ. રાની રુપમતી મને બોલાવે છે.’
ને ગાડીમાં ફેલાયો ખડખડાટ હસવાનો અવાજ!

હોશંગશાહની કબર

નીલકંઠ મહેલ

તવેલી મહેલ

રવિવાર, 18 ફેબ્રુઆરી, 2018

શંભુમેળો કે ખીચડો?


આ પ્રવાસ દરમિયાન જ્યારે અમને જરૂર પડી ત્યારે જ અમે ગાઈડને સહારે ગયાં બાકી તો અમે જ અમારા ગાઈડ હતાં! મને જો કે, ગાઈડની વાતોમાં ને ખાસ તો એના ગપ્પાંઓમાં વધારે રસ પડતો. એટલે અમે ફરતાં હોઈએ ત્યારે આજુબાજુ જો કોઈ ગાઈડ ગંભીરતાથી ટુરિસ્ટોને ઉલ્લુ બનાવતો હોય તો એ જોવા હું અવશ્ય પહોંચી જતી. જો કે આ શરબતવાળો તો અનાયાસે જ મળી ગયો. એની લારી પર મૂકેલા અજબ ફળો વિશે પૂછતાં જ એણે તો એનું જ્ઞાન અમારા કાનોમાં ઠાલવી દીધું. એક જ સવાલનો આટલો લાંબો જવાબ કડકડાટ બોલી જશે એનો અમને કોઈને અંદાજ નહોતો. એની સ્ટાઈલ પર બધાં ખુશ.

‘યે માંડૂકા ઈમલી હૈએએએ. યે ખુરાસાની ઈમલીકે નામસે ભી જાના જાતા હૈ.(જાતા હૈ કે જાતી હૈ?) યે અફઘા...ન, ઈરા...ન ઔર માંડૂમેં હી પાયા જાતા હૈ.(જાતા હૈ કે જાતી હૈ?) યે રેગિસ્તાન તરીકેકી જગા હોતી હૈ, જહાં યે પાયા જાતા હૈ.(...) ઈસકા ઉપયોગ પાનીકે તરીકેસે કિયા જાતા હૈ. માંડૂ ભી રેગિસ્તાન તરીકેકી જગા હોનેકી વજહસે યહાં યે ઈમલી પાયા જાતા હૈ. યહાં બાઈસ કિલોમીટર તક આજ ભી પાનીકા બોરિંગ નહીં હૈ. યે જગા તીન હજાર ફૂટકી ઉંચાઈપે હોનેકી વજહસે યહાં પાનીકે લિયે રખ્ખે ટંકેકે પાસ જાના પડતા થા. પાનીકે લિયે એક દો કિલોમીટર દૂર જાના પડતા થા. ઈસલિયે યે ઈમલીકે ઈતને સારે પેડ દેખનેકો મિલતે હૈં. ઈમલીકા ચિયા મુંહમેં રખનેસે પંદ્રા બીસ મિનિટ તક ચલ જાતા હૈ. યે સિર્ફ પાનીકી કમીકે લિયે હી કામ આતા હૈ.’(આતા હૈ કે આતી હૈ?) મને તો એની સ્ટોરી અને સ્ટાઈલમાં મજા પડી એટલે મેં આ વાતની ખરાઈ કરવાનું માંડી વાળ્યું અને જે વિશાળ વૃક્ષો રસ્તે જોયેલાં તેનું સકરટેટી જેવું દેખાતું અજબ ફળ બેઓબેબ–BAOBAB–એટલે એક ઈમલી યાદગીરી રૂપે ખરીદી જ લીધી. જો કે માંડૂમાં આટલી લીલોતરી જોઈને વહેમ પડે કે  રેગિસ્તાન ને માંડૂ? હશે, બહુ પંચાતમાં નીં પડવાનું. મજા કરો.

નજીકમાં જ એક પુરાણું મંદિર પણ જોયું. સદીઓ જૂનું મંદિર એટલે એની રોચક વાર્તા તો હોવાની જ. આહા! આજનો દિવસ કે પછી માંડૂ જ પૂરેપૂરું આવી કહાનીઓનો ખજાનો સાચવીને બેઠું છે કે શું? વાહ! ખંડેરો જોતાં જોતાં વાર્તા જીવવાની ને એ જમાનામાં પહોંચી જવાની મજા આવવાની. હા તો, લગભગ ત્રણસો વરસ પહેલાં કોઈ સંત ચક્રપાણિને સપનામાં અહીં ગુફામાં રામની મૂર્તિ દેખાઈ અને ખોદકામ કરતાં અહીં જ અગિયારસો વરસ જૂનું એક મંદિર પણ મળી આવ્યું! ત્યારથી ચતુર્ભૂજ રામનું એક માત્ર મંદિર અહીં જોવા મળે છે.

તે જમાનાથી મંદિર ને મસ્જિદ પાડોશમાં છે ને આજે લોકોને મંદિર મસ્જિદના વિવાદો વગર ચાલતું નથી. બધી વાતમાં, આપણે શું? કહીને છટકી જવાની વૃત્તિનો કોઈ ઉપાય નથી એટલે તત્કાળ તો અમે પણ એવું જ વિચારીને ત્યાંથી રવાના થયાં. હવે ક્યાં જવાનાં? ચાલો માંડૂના પ્રખ્યાત જહાજમહેલમાં.

ગ્યાસુદ્દીન ખિલજીએ પોતાની પંદર હજાર રાણીઓને(!) ઠાઠથી રાખવા માટે તળાવની વચ્ચે જહાજ આકારનો એક મહેલ બનાવડાવ્યો. એની ગેલેરીઓમાં થયેલા અવાજના આખા મહેલમાં પડઘા પડે એવી એની રચના હતી. બહારથી કોઈનીય નજર રાણીઓ પર ન પડે એટલે કમાનો પર પડદા લગાવેલા. એક દેશના સ્થપતિઓ પર વિશ્વાસ નહીં કે પછી શંભુમેળાની આદતને કારણે, અફઘાન. મોગલ, ભારતીય અને મેસોપોટેમીયન કલાનો સમન્વય(ખીચડો) આ મહેલમાં રાજાએ કરાવ્યો. જો કે, આજેય દુનિયાભરમાંથી લોકોને આકર્ષે એ બેનમૂન બાંધકામ અને કારીગરી તો અદ્ભૂત જ ગણાય. મહેલમાં ફરીને દરવાજા નજીક હું જરા આરામ કરવા બેઠી કે ત્યાં તો થાકીને બેસી ગયેલી સાસુઓની વાતો કાને પડી. આ બધીઓ થોડું ચાલીને જ થાકી ગયેલી. ગાડીમાંથી દરવાજા સુધી આવતાં તો આ જોરદાર સાસુઓ હાંફીને પગથિયે ને ઓટલે ગોઠવાઈ ગયેલી! એમની ચંચળ વહુઓ દોડતી દોડતી બધે ફરતી હતી. સ્વતંત્રતાનો આ જાદુ છે.

ઓટલે ગોઠવાયેલી સાસુઓ તો થેલીમાંથી ડબ્બા કાઢીને જાતજાતના ફાકા મારવા માંડી ને મોટે મોટેથી વાતો સાથે ઠહાકા લગાવતી રહી.
‘મેં તો મારી વહુને કીધું, ‘તમતમારે બધે ફરો હવે. અમે તો બૌ ફર્યાં. છો બિચારી ફરતી. આપણે એટલી છૂટ નહીં આપીએ તો કોણ આપવાનું હેં ને? મારાથી તો આટલા પગથિયાય જેમ તેમ ચડાયા.’ પછી વહુને જવા જ દેવી પડે ને?
બીજીએ ટાપસી પુરાવતાં કહ્યું, ‘હા બેન, જો ને મેં પણ મારી વહુને જબરદસ્તી બધે મોકલી ફરવા. આંયા હાટુ તો ક્યે કે, બા તમે સાથે આવો તો જાઈએ. તે મેં કીધું કે, હાલ તંયે આવું. એને ઓલા પાટલૂન ને ખમીસ પેરવાની હૌ મેં જ હા પાડી. જો તો કેવી હરખાતી દોડાદોડ કરે છે!’ ઓહોહો! આ સાસુઓ કયા ભ્રમમાં જીવે છે? એ લોકો રજા આપે તો જ વહુઓ ફરે ને એમને મનગમતાં કપડાં પહેરે એમ? વાહ! મેં મનોમન ખિલજીના જમાનાની આ સાસુઓને વંદન કર્યાં. હાથમાં રિમોટ લઈને ફરતી સાસુઓથી જ આપણો સમાજ ઉજળો છે. મેં તો મારી વહુઓને સંભળાવવા માટે આ વાતો મોબાઈલમાં સંઘરી લીધી. મારે પણ મારો વટ મારવાનો કે નહીં?

હવે આવ્યો હિંડોળા મહેલ. નામ પરથી તો હીંચકો કે ઝૂલો જ લાગે છે. બાંધકામ પણ એવું જ, કે મહેલ ઝૂલતો હોય એવું જ લાગે. રાજાએ ચોમાસાની સાંજો અહીં ખાણીપીણી અને આરામમાં ગુજારવા માટે ખાસ આ હિંડોળા મહેલ બનાવડાવ્યો. રાજાઓના પાછા કામ કરવાના મહેલ જુદા ને આરામ કરવાના મહેલ જુદા! જો કે આજના રાજાઓ પણ ઓફિસને મહેલ જેવી જ રાખે છે ને? આપણે શું?

જમવાના બ્રેક પહેલાંની છેલ્લી જગ્યા, એટલે અમે ચંપા વાવ અને હમામ(બાથરૂમ) જોવા ગયાં. આપણને થાય કે બાથરૂમમાં વળી શું જોવાનું? પણ આ વાવના પાણીમાંથી ચંપાના ફૂલ જેવી સુગંધ આવે અને આ વાવની સાથે ટર્કિશ પધ્ધતિથી ઘણા બધા બાથરૂમ્સ પણ બનાવેલા. ગમે તેટલો તાપ હોય આ રૂમોમાં ઠંડક જ હોય. મોગલોનું બાંધકામ વખાણવા લાયક તો ખરું. હવે બાકીની જગ્યાઓ બપોર પર મુલતવી રાખીને અમે પેટનો અગ્નિ ઠારવા ભાગ્યાં.
(તસવીરો માટે ગૂગલની મહેરબાની)
હિંડોલા મહેલ


જહાજ મહેલ

ખુરાસાની ઈમલી અને નીચે તેનું વિશાળ વૃક્ષ

રવિવાર, 11 ફેબ્રુઆરી, 2018

એમ પી ટૂર (૪)-‘અમે તો ગાંડાં થઈ ગયાં!’


આ ટૂરમાં અમે બધે સરકારી મહેમાન બનેલાં, એટલે કોઈ સજા મળવાને બદલે અમને તો જે તે સ્થળની ને બજારની નજીક અને ખાસ તો કુદરતની વધારે નજીક સુંદર જગ્યાઓએ રહેવા મળેલું. સવારથી ચાથી માંડીને બધું તૈયાર જ મળતું એટલે બધે જ નાસ્તો ને જમવાનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ લાગતું. આ એમ પી ટુરિઝમની જાહેરાત નથી પણ સફર દરમિયાન માંદા ન પડવાની ગૅરંટી હતી. માંડૂ એટલે જાણે રાણી રૂપમતી જ હોય એમ વારંવાર એનો ઉલ્લેખ થતો રહેતો. લોકો તો બધા મહેલો જોઈને જ ધરાઈ જશે, એમ વિચારીને સરકારે પણ માંડૂને વિકસાવવાની ખાસ તકલીફ નથી લીધી, તે જો કે સારું જ થયું. નહીં તો નાનકડા ગામડા જેવું માંડૂ, શહેરી ઝાકઝમાળમાં ક્યાંય ખોવાઈ જાત. રસ્તામાં પણ ઊંચાં મકાનો કે મોટા મૉલ્સ ન દેખાયા તેને માંડૂના આશીર્વાદ જ ગણાય. માંડૂ પહોંચતાં પહેલાં રસ્તામાં ઘેટાં–બકરાં લઈ જતા એક પાઘડીવાળા કાકા દેખાયા. એના ફોટા પાડવા લલચાયેલા કૅમેરાઓએ ગાડી ઊભી રખાવી. જેવા ફોટા પડી રહ્યા કે, કાકાએ મોડેલિંગ કરવાના પૈસા માગ્યા! અચાનક લાગેલા આંચકાને હસતાં હસતાં સૌએ યોગ્ય વળતર આપીને દૂર કર્યો. નક્કી પરદેશી મહેમાનોએ પાડેલી આ ખોટી આદત હોવી જોઈએ.

રિસોર્ટમાં દાખલ થતાં જ સૌ ગાંડાં થઈ ગયાં! (ઘરે જઈને બધાં એવું જ કહેશે ને?) કુદરતમાં જ એકાકાર થઈ જાય તેવી રમણીય જગ્યા અને જાળવણી જોઈને સૌને સંતોષ થઈ ગયો. કશે નહીં ફરીએ તોય અહીં શાંતિથી બે ચાર દિવસ રહેવા જેવું તો ખરું. અમારા કૉટેજની નજક જ રહેલા અમારા પાડોશીઓ લગભગ બધા જ સિત્તેર વર્ષની ઉપરના હતા. અમને ધરપત મળી કે ચાલો હજીય આપણાથી દસ–વીસ વરસ તો ફરાશે, જો આ લોકો જેવાં જ ફિટ રહીશું તો. ખેર, રિસોર્ટની આજુબાજુ કંઈ ખાસ જોવા જેવું હતું નહીં અને સાંજ પડવાની તૈયારી હોવાથી અમે નજીક જ આવેલા એક માત્ર સ્ટોરમાં ગયાં. એમ પીનાં ખાસ વખણાતાં વસ્ત્રોનો સ્ટોર! વાહ! ગોળના ચાકાને તો જાણે માખીઓ મળી ગઈ. આરામથી બે કલાક દુકાનમાં રહેલાં લગભગ દરેક કાપડની જગ્યા અદલબદલ કરીને, ત્યાંના કર્મચારીઓને કામે વળગાડીને અમે થોડા ઘણા શૉપિંગનાં શ્રીગણેશ કર્યા. પાછાં ફર્યાં ત્યારે એક નાનકડું તળાવ કિનારે બેસવા લલચાવતું હતું પણ મચ્છરોએ ના પાડી અમને રૂમમાં મોકલી દીધાં. સવારે રાણીની અપોઈન્ટમેન્ટ હોવાથી ને ખાસ તો થાકેલાં હોવાથી માંડૂમાં પહેલી રાત અમે શાંતિથી ગુજારી.

સવારે માંડૂમાં જોવાલાયક જગ્યાઓનાં નામ ફરી એક વાર વાંચ્યાં. જહાજ મહેલ, હિંડોલા મહેલ, જામી મસ્જિદ, રૂપમતી મંડપ, માંડૂનો કિલ્લો, દરવાજા અને હોશંગશાહની કબર. ચાલો હવે, શરૂઆત ક્યાંથી કરવી તે નક્કી કરીએ. અમારા દિનેશભાઈને પણ ઈતિહાસમાં કોઈ રસ નહીં હોય પણ ફરવાની મજા આવે એટલે જ્યાં અમે કહેતાં ત્યાં બધે એ સાથે સાથે આવતો. બધે ફોટા પણ પાડ્યા કરતો. અમારાથી દસ વીસ ફૂટની દૂરી રાખીને જ એ ફરતો. કદાચ એને ખાનગીમાં ઘરમાંથી સુચના પણ અપાઈ હોય એવો અમને વહેમ પડેલો, કારણકે અચાનક કોઈને હાડવૈદની કે સ્ટ્રેચરની જરૂર પડી આવે તો? તોફાની ટોળી બહુ વખતે ભેગી થઈ છે તો કંઈ કહેવાય નહીં. ખેર, અમને પણ રાહત હતી. દિનેશ તો એના મોબાઈલ ને માવામાં જ મશગૂલ રહેતો એટલે આમેય અમને ક્યાં નડવાનો હતો?

જામી મસ્જિદ જોવા જતી વખતે, રસ્તામાં નાનકડાં છાપરાં કે ધાબાવાળા ઘરો ની બહાર રમતાં બાળકો, બેસી રહેલા વૃધ્ધો ને સ્ત્રીઓ કામ કરતી નજરે પડી. જુવાનિયા મોટા ભાગે ગામ છોડી શહેરોમાં કમાવા નીકળી ગયેલા. આવા ગામમાં કામ પણ શું મળે? ટુરિસ્ટ ગાઈડ પણ કેટલા બને? દરેક ગામડાની કથા અહીં પણ નજરે પડી. આ પ્રદેશની કલા દરેક ઘર પર સુંદર ચિતરામણ રૂપે દેખાઈ. કલાને ગરીબી સાથે કોઈ મતલબ નહીં. આજુબાજુ નાનાં તળાવ પણ અવારનવાર દેખાયાં. નાનકડાં ખેતરો લહેરાતાં હતાં. એક નવી જ જાતનાં વૃક્ષો અમને ઠેર ઠેર જોવા મળ્યાં. જાણવા મળ્યું કે, એમનું આયુષ્ય ત્રણ હજાર વર્ષનું, ઊંચાઈ પંચોતેર ફીટ અને પહોળાઈ પાંત્રીસ ફીટની હોય છે. ખાસ્સા મોટા ફળથી સમૃધ્ધ એ વૃક્ષની પણ વાર્તા છે! એ ફરી કોઈ વાર જાણીશું. પહેલાં જામા મસ્જિદ.

દૂરથી એક નાનકડી બજાર દેખાઈ. એ માંડૂનું બસ કે ટૅક્સી સ્ટૅન્ડ જે ગણો તે હતું. અમે ભારતની મોટામાં મોટી જામા મસ્જિદની બહાર ઊભા હતાં જેની બરાબર સામે ‘અશરફી મહેલ’ હતો. અશરફી? એટલે સોનામહોર? વાહ! આ મહેલના નામ પાછળની અજબ વાર્તા જાણી ગમ્મત થઈ. ઊંચા પગથિયાં ધરાવતા આ મહેલના દરેક પગથિયે રાજા પોતાની જાડી રાણીઓ માટે એક એક અશરફી મુકાવતો. અશરફીને બહાને પગથિયાંની ચડઉતર કરવામાં જ રાણીની તબિયત ઊતરી જતી! એવી પણ વાર્તા છે કે સગર્ભા નૂરજહાં પણ આ પગથિયાં ચડેલી. તે જમાનામાં જિમ તો નહોતાં એટલે શું થાય? આજે જિમવાળા પોતાને ત્યાં આવનારને દરેક પગથિયે એક એક અશરફી મૂકવાનું કહે જ છે ને?

એક જમાનામાં અહીં મદ્રેસા હતી જ્યાં પછીથી ખિલજીની કબર બની. ભૂતકાળમાં સાત માળના બનેલા આ ભવ્ય મહેલની હાલત જોઈ દયા આવી, જેના માંડ દસેક ટકા જ બચેલા. તદ્દન જર્જરિત હાલતમાં આ વિજય ટાવરને જોઈને અમે જામા મસ્જિદ તરફ વળ્યાં. જામી કે જામા મસ્જિદની બહાર બાળકો રમતાં–રખડતાં દેખાયાં. થોડી લારીઓ હતી અને ખાણીપીણી સિવાય પરચુરણ વસ્તુઓની દુકાનો તેમ જ ટુરિસ્ટોની ગાડીઓ તો ખરી જ.

મને યાદ આવ્યું કે આવી કોઈ ઐતિહાસિક ઈમારત જોઈએ, ત્યારે મારે ખાસ મારા દીકરા ને વહુને ફોન કરવાનો કે અમે ફલાણી ઈમારતની સામે ઊભાં છીએ. મેં ફોન લગાવ્યો. એ લોકોને ભણવામાં માંડૂનું સ્થાપત્ય આવેલું એટલે આ આખી ઈમારતનું માપ મોઢે! ‘ફલાણો પિલર આટલા મીટર ઊંચો છે ને ઢીંકણી દિવાલ આટલી લાંબી છે. આ દરવાજાની કમાન આવી છે ને તે ખૂણામાં આટલા માપની તેટલી બારીઓ છે ને આખા પરિસરમાં આટલા માપના અમુકતમુક થાંભલા છે. રાજાનું સિંહાસન આટલું મોટું ને ફલાણી ઊંચાઈએ છે. પાછળ રાણીઓ માટે આટલી ગૅલેરી છે. હજ્જારોની સંખ્યામાં લોકો બેસી શકે એટલી વિશાળ જગ્યા છે’ બાપ રે! આટલું બધું તો આ મસ્જિદ બંધાવનાર રાજા હોશંગશાહ અને મોહમદ ખિલજીને પણ યાદ નહીં હોય. મને કોઈ બચાવો આ ઈતિહાસથી ને આ સ્થાપત્યથી. મને ફક્ત આ જગ્યાની શાંતિ, અહીંનું વાતાવરણ ને અહીંની સુગંધ માણવી છે. જો કે, મને ન ગમે તેથી શું? આ ભવ્ય ઈમારતોમાં તો જેમને રસ હોય કે અભ્યાસનો વિષય હોય તેમના માટે તો આજેય અહીંનો ઈતિહાસ ને સ્થાપત્ય કોઈ ખજાનાથી કમ નથી.

આખી મસ્જિદની અંદર ફરતાં, ફોટા પાડતાં–પડાવતાં ને વાતોની મજા લેતાં અમે બહાર આવીને એક લારી પર લીંબુ શરબત પીવા ઊભાં. વાહ! મજા પડી ગઈ. શરબતની નહીં, પેલા લારીવાળાની જબાને સડસડાટ બોલાતા આંબલીના ઈતિહાસની. અમને તો જલસા થઈ ગયા. એની પાસે ફરી વાર બધું બોલાવડાવી મેં એનું મજાનું લેક્ચર રેકોર્ડ કરી લીધું.
(તસવીરો–ગૂગલની મહેરબાની)
તળાવને કિનારે મુકામ


બાંકડા પર નિરાંતે
ભવ્ય જામી મસ્જિદ

જામી મસ્જિદના પ્રવેશદુવારે


અશરફી મહેલ

શનિવાર, 3 ફેબ્રુઆરી, 2018

એમ પી ટૂર–(૩)

હજી તો બે જ કલાક થયા હશે ને, એકાદ સારી રેસ્ટોરાં શોધવાની કવાયત શરૂ થઈ(આવા હાઈવે પર તો હૉટેલ કે રેસ્ટોરાં, બધું એક જ). ચાના રસિયાઓના મોંમાં સળવળાટ થવા માંડેલો. એકાદને ખોટી ભૂખ પણ ઉપડી. દિનેશનું બહાનું ધરી, એક બહારથી સારી દેખાતી પણ ઠીકઠાક રેસ્ટોરાં આગળ ગાડી થોભી. ગુજરાત જેવી ખાવાપીવાની જગ્યા આ રસ્તે નથી જ મળવાની જાણીને અમે મન વાળેલું. હજી માંડ સો કિલોમીટર કાપ્યા ને બ્રેક? એટલામાં વારાફરતી બધાના ઘરેથી પણ ફોનમાં પહેલો સવાલ આવ્યો, ‘ક્યાં પહોંચ્યાં?’ (હાય હાય! આ લોકો કલાકે કલાકે પૂછ્યા કરશે? તો મજા શું આવવાની?)

‘અરે, હજી તો ધુલિયા જ પહોંચ્યાં. ચા પીવા ઊભા છીએ.’
‘ઓહો! કેમ હજી ત્યાં જ? દિનેશ બહુ ધીમે ચલાવે છે? એને કે’ કે ભાઈ, બહુ નહીં પણ થોડી તો ભગાવ. નહીં તો ક્યારે પહોંચશો?’ (આહ! કેટલી ફિકર અમારી? આંખમાં પાણી આવી ગયાં.)
‘અરે, મહારાષ્ટ્રના રસ્તા તો ગુજરાતના રસ્તાઓને ટક્કર મારે એવા છે. સાંઠથી એંસીની સ્પીડે તો જેમતેમ જાય છે. અમારે મ્યુઝિકની જરૂર જ નથી. ને આ નેશનલ વાયા સ્ટેટ હાઈવે છે એટલે સિંગલ ટ્રેકનો ટ્રાફિક પણ વધારે છે. આ સ્પીડે તો આરામથી રાતે જ પહોંચશું. ફિકર નહીં કરતા.’ અમે એમને માથે ભાર નાંખી દીધો. લો હવે ઉજવો વેકેશન!

જો કે, નેશનલ હાઈવે પર પહોંચ્યાં કે પછી તો ગાડી ભાગી પવનવેગે! ઉતરતા ચોમાસાના દિવસો એટલે જ્યાં ને ત્યાં લીલાછમ નઝારા. કોઈ સ્વપ્નનગરીમાં જઈ રહ્યાં હોઈએ એવી મધુરી લાગણી સૌનાં મનમાં રમતી હતી ત્યાં વળી ચાના બ્રેકની હિલચાલ જણાઈ! આ હારા ચાવારા હેરાન કરી લાખવાના. ચાલો કંઈ નહીં, રસ્તામાં જાતજાતના ફાકા ચાલુ હતા તોય, થોડી થોડી ભૂખ તો બધાંને જ લાગેલી. એ બહાને જરા પગ છૂટા કરીને નવી જગ્યા તો જોઈએ. આપણે વળી અહીં ક્યાંથી? અહીં કોઈ જાણીતું તો ભટકાવાનું નહોતું કે આપણે માથું દુખવવું પડે. ક્યાં પહોંચ્યાંનો કોઈનો ફોન આવે તે પહેલાં જ અમે ફોન કરી દીધો કે, ‘હવે અમે બે કલાકમાં પહોંચી જઈશું.’(પૂછ પૂછ કરીને માથું નીં ખાતા.)

પ્રવાસનાં સ્થળોના વારાની મને કંઈ ખબર જ નહોતી, કે પછી દર વખતની જેમ મેં પ્રવાસની માહિતી ઉપર બહુ ધ્યાન નહોતું આપ્યું એટલે મેં પહેલો સવાલ વહેતો મૂક્યો, ‘આપણે પેલ્લા કાં જવાના?’
‘માંડૂ.’
‘માંડૂ....? શું માંડવાની? મારે કોઈ કથા નથી સાંભળવાની કે તું મને માંડું એમ કહે છે. મને ફક્ત જગ્યાનું નામ કહે.’ અવાજમાં ભારોભાર નિર્દોષતા સાથે મેં કહ્યું.
‘પ્લીઝ, આવી બધી મસ્તી નહીં કરતાં હં. અમને તમારા જોક્સમાં કોઈ રસ નથી. ’ અરર! મારા મનમાં આવા વિચારો આવે તેને દબાવી દેવાના? આખરે મારી પ્રતિભાનું શું? હું શા માટે પ્રવાસમાં જોડાઈ છું? આવી બધી મસ્તી વગર તો મજા નહીં આવે, હવે? કંઈ નહીં, હું મારી મસ્તીમાં રહીશ. આ ત્રણમાંથી કોઈને ન ગમે તો એકલી એકલી હસી લઈશ પણ શબ્દોની સાથે મસ્તી તો ચાલુ જ રાખીશ. નવા નવા શબ્દો સાથે તાલમેલ બેસાડવાની સાહ્યબી ભોગવતી હું માંડૂ વિશે વિચારવા માંડી. માંડૂ નામ કેમ પડ્યું હશે? આ લોકો તો ઈતિહાસના ખાં છે, પૂછવા દે.

પછી તો, ખરેખર જ પારુલે માંડૂની કથા માંડી. માંડૂ વિશેનો અજબગજબનો ઈતિહાસ જાણીને એક વાત સાબિત થઈ ગઈ, કે પૂછે તે પંડિત થાય. માંડૂને માંડવગઢ પણ કહે છે. ત્યાંનો રાજા બાજબહાદુર શિકારની સાથે ગીત–સંગીતનો પણ શોખીન હતો. ગાયકો ને ઉસ્તાદોની હાજરીમાં સદાય આનંદ માણતા રાજાએ, એક દિવસ વૈષ્ણવ કન્યા રૂપમતીના મધુર સ્વરે દૂરથી રેલાઈ આવેલું  સુંદર ગીત સાંભળ્યું અને એ રુપમતીનો દિવાનો બની ગયો. રુપમતીને પોતાની રાણી બનાવવા તૈયાર થયેલા રાજાએ એને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. રુપમતી રાજીખુશીથી માંડૂ આવી ગઈ પણ એનો પ્રેમ પવિત્ર હોવાથી એણે લગ્ન કરવાની ના પાડી. એ સમયે માંડૂમાં સંગીત એની ચરમસીમાએ પહોંચેલું. દેશદેશાવરમાં બન્નેના પ્લેટોનિક પ્રેમ અને સંગીતપ્રેમની બોલબાલા હતી.

પ્રેમકથાઓના કરુણ અંત જેવો આ પ્રેમકથાનો પણ દુ:ખદ અંત આવ્યો. શિકાર, સંગીત અને રુપમતીના પ્રેમમાં અંધ બાજબહાદુર પોતાના રાજ્યને, અકબરના સેનાપતિના હાથમાં જતું અટકાવી ના શક્યો. એ લડ્યો પણ હાર્યો એટલે ભાગી છૂટ્યો અને રાણીવાસ પર અહમદખાને કબજો કરી રુપમતી સાથે લગ્નની તૈયારી કરી. રૂપમતીએ થોડી મહેતલ માગી. લગ્નના દિવસે સેનાપતિના હાથમાં રુપમતીની લાશ આવી. એ બધી યાદો હજીય માંડૂમાં ગૂંજતી રહે છે એવું પ્રવાસીઓનું કહેવું છે. હાશ! આખરે મને ઈતિહાસ તરફ વાળવામાં આ લોકો સફળ થયા ખરા. હવે તો માંડૂના મહેલોમાં કે ખંડેરોમાં ફરતી વખતે બધું જીવંત થશે એટલે ઔર મજા આવશે.

ઈતિહાસ ન ગમવાનું આ એક મજબૂત કારણ. કેટલી બધી લડાઈઓ, મારામારી, કાપાકાપી અને સ્વજનોના કે નિર્દોષોના લોહીની નદીઓ વહાવીને પણ આખરે શું મળે? પ્રેમ કરવા કે પ્રેમ મેળવવા નીકળેલા રાજાઓને તો આખરે આ જ બધું જોવા મળે ને?
‘અરેરે! આ તો બિલકુલ ફિલ્મી સ્ટોરી!’
‘હા, તો આના ઉપરથી એક જૂની ફિલ્મ પણ બનેલી ને? રાની રૂપમતી.’
‘હવે તો કોઈ રાજા કે રાણી ઉપરથી કોઈએ ફિલ્મ બનાવવી હોય તો પહેલાં લોકોને પૂછવું પડે. ‘પ્રિય ભારતવાસીઓ, મારી ફિલ્મમાં મેં કોઈ રાણીનું કે રાજાનું ખરાબ ચિત્રણ નથી કર્યું. મને ભારતના ભવ્ય ઈતિહાસ પ્રત્યે ખૂબ જ માન છે અને તમારી લાગણીનું પણ માન રાખતાં તમને નમ્રતાથી પૂછું છું, કે શું આ વિષય પર હું ફિલ્મ બનાવી શકું? તમે કહેશો તો હું ફિલ્મ બનાવીશ નહીં તો કોઈ મારધાડવાળી ફિલ્મ બનાવીને સંતોષ માનીશ.’
‘બેશક તમે ફિલ્મ બનાવી શકો, જો તમે રાજા કે રાણીનું નામ બદલીને રાખો તો અમને કોઈ વાંધો નથી.’
‘સારું, તો રાની રુપમતી અને બાજબહાદુરની અમર પ્રેમકથાને હું ‘રાની ગુપચુપમતી’ નામે બનાવીશ.’

તાજેતરના વિવાદની વાતોની મજા લેતાં અમે માંડૂ પહોંચવાની તૈયારીમાં હતાં. કાલ સવારથી મહેલોની ને સંગીતની દુનિયામાં ખોવાઈ જઈશું! વાહ વાહ! કાલે રાણી રુપમતીનાં દર્શન થશે? કે બાજબહાદુરનો મહેલ અમને લોભાવશે? કોણ જાણે.