રવિવાર, 18 ફેબ્રુઆરી, 2018

શંભુમેળો કે ખીચડો?


આ પ્રવાસ દરમિયાન જ્યારે અમને જરૂર પડી ત્યારે જ અમે ગાઈડને સહારે ગયાં બાકી તો અમે જ અમારા ગાઈડ હતાં! મને જો કે, ગાઈડની વાતોમાં ને ખાસ તો એના ગપ્પાંઓમાં વધારે રસ પડતો. એટલે અમે ફરતાં હોઈએ ત્યારે આજુબાજુ જો કોઈ ગાઈડ ગંભીરતાથી ટુરિસ્ટોને ઉલ્લુ બનાવતો હોય તો એ જોવા હું અવશ્ય પહોંચી જતી. જો કે આ શરબતવાળો તો અનાયાસે જ મળી ગયો. એની લારી પર મૂકેલા અજબ ફળો વિશે પૂછતાં જ એણે તો એનું જ્ઞાન અમારા કાનોમાં ઠાલવી દીધું. એક જ સવાલનો આટલો લાંબો જવાબ કડકડાટ બોલી જશે એનો અમને કોઈને અંદાજ નહોતો. એની સ્ટાઈલ પર બધાં ખુશ.

‘યે માંડૂકા ઈમલી હૈએએએ. યે ખુરાસાની ઈમલીકે નામસે ભી જાના જાતા હૈ.(જાતા હૈ કે જાતી હૈ?) યે અફઘા...ન, ઈરા...ન ઔર માંડૂમેં હી પાયા જાતા હૈ.(જાતા હૈ કે જાતી હૈ?) યે રેગિસ્તાન તરીકેકી જગા હોતી હૈ, જહાં યે પાયા જાતા હૈ.(...) ઈસકા ઉપયોગ પાનીકે તરીકેસે કિયા જાતા હૈ. માંડૂ ભી રેગિસ્તાન તરીકેકી જગા હોનેકી વજહસે યહાં યે ઈમલી પાયા જાતા હૈ. યહાં બાઈસ કિલોમીટર તક આજ ભી પાનીકા બોરિંગ નહીં હૈ. યે જગા તીન હજાર ફૂટકી ઉંચાઈપે હોનેકી વજહસે યહાં પાનીકે લિયે રખ્ખે ટંકેકે પાસ જાના પડતા થા. પાનીકે લિયે એક દો કિલોમીટર દૂર જાના પડતા થા. ઈસલિયે યે ઈમલીકે ઈતને સારે પેડ દેખનેકો મિલતે હૈં. ઈમલીકા ચિયા મુંહમેં રખનેસે પંદ્રા બીસ મિનિટ તક ચલ જાતા હૈ. યે સિર્ફ પાનીકી કમીકે લિયે હી કામ આતા હૈ.’(આતા હૈ કે આતી હૈ?) મને તો એની સ્ટોરી અને સ્ટાઈલમાં મજા પડી એટલે મેં આ વાતની ખરાઈ કરવાનું માંડી વાળ્યું અને જે વિશાળ વૃક્ષો રસ્તે જોયેલાં તેનું સકરટેટી જેવું દેખાતું અજબ ફળ બેઓબેબ–BAOBAB–એટલે એક ઈમલી યાદગીરી રૂપે ખરીદી જ લીધી. જો કે માંડૂમાં આટલી લીલોતરી જોઈને વહેમ પડે કે  રેગિસ્તાન ને માંડૂ? હશે, બહુ પંચાતમાં નીં પડવાનું. મજા કરો.

નજીકમાં જ એક પુરાણું મંદિર પણ જોયું. સદીઓ જૂનું મંદિર એટલે એની રોચક વાર્તા તો હોવાની જ. આહા! આજનો દિવસ કે પછી માંડૂ જ પૂરેપૂરું આવી કહાનીઓનો ખજાનો સાચવીને બેઠું છે કે શું? વાહ! ખંડેરો જોતાં જોતાં વાર્તા જીવવાની ને એ જમાનામાં પહોંચી જવાની મજા આવવાની. હા તો, લગભગ ત્રણસો વરસ પહેલાં કોઈ સંત ચક્રપાણિને સપનામાં અહીં ગુફામાં રામની મૂર્તિ દેખાઈ અને ખોદકામ કરતાં અહીં જ અગિયારસો વરસ જૂનું એક મંદિર પણ મળી આવ્યું! ત્યારથી ચતુર્ભૂજ રામનું એક માત્ર મંદિર અહીં જોવા મળે છે.

તે જમાનાથી મંદિર ને મસ્જિદ પાડોશમાં છે ને આજે લોકોને મંદિર મસ્જિદના વિવાદો વગર ચાલતું નથી. બધી વાતમાં, આપણે શું? કહીને છટકી જવાની વૃત્તિનો કોઈ ઉપાય નથી એટલે તત્કાળ તો અમે પણ એવું જ વિચારીને ત્યાંથી રવાના થયાં. હવે ક્યાં જવાનાં? ચાલો માંડૂના પ્રખ્યાત જહાજમહેલમાં.

ગ્યાસુદ્દીન ખિલજીએ પોતાની પંદર હજાર રાણીઓને(!) ઠાઠથી રાખવા માટે તળાવની વચ્ચે જહાજ આકારનો એક મહેલ બનાવડાવ્યો. એની ગેલેરીઓમાં થયેલા અવાજના આખા મહેલમાં પડઘા પડે એવી એની રચના હતી. બહારથી કોઈનીય નજર રાણીઓ પર ન પડે એટલે કમાનો પર પડદા લગાવેલા. એક દેશના સ્થપતિઓ પર વિશ્વાસ નહીં કે પછી શંભુમેળાની આદતને કારણે, અફઘાન. મોગલ, ભારતીય અને મેસોપોટેમીયન કલાનો સમન્વય(ખીચડો) આ મહેલમાં રાજાએ કરાવ્યો. જો કે, આજેય દુનિયાભરમાંથી લોકોને આકર્ષે એ બેનમૂન બાંધકામ અને કારીગરી તો અદ્ભૂત જ ગણાય. મહેલમાં ફરીને દરવાજા નજીક હું જરા આરામ કરવા બેઠી કે ત્યાં તો થાકીને બેસી ગયેલી સાસુઓની વાતો કાને પડી. આ બધીઓ થોડું ચાલીને જ થાકી ગયેલી. ગાડીમાંથી દરવાજા સુધી આવતાં તો આ જોરદાર સાસુઓ હાંફીને પગથિયે ને ઓટલે ગોઠવાઈ ગયેલી! એમની ચંચળ વહુઓ દોડતી દોડતી બધે ફરતી હતી. સ્વતંત્રતાનો આ જાદુ છે.

ઓટલે ગોઠવાયેલી સાસુઓ તો થેલીમાંથી ડબ્બા કાઢીને જાતજાતના ફાકા મારવા માંડી ને મોટે મોટેથી વાતો સાથે ઠહાકા લગાવતી રહી.
‘મેં તો મારી વહુને કીધું, ‘તમતમારે બધે ફરો હવે. અમે તો બૌ ફર્યાં. છો બિચારી ફરતી. આપણે એટલી છૂટ નહીં આપીએ તો કોણ આપવાનું હેં ને? મારાથી તો આટલા પગથિયાય જેમ તેમ ચડાયા.’ પછી વહુને જવા જ દેવી પડે ને?
બીજીએ ટાપસી પુરાવતાં કહ્યું, ‘હા બેન, જો ને મેં પણ મારી વહુને જબરદસ્તી બધે મોકલી ફરવા. આંયા હાટુ તો ક્યે કે, બા તમે સાથે આવો તો જાઈએ. તે મેં કીધું કે, હાલ તંયે આવું. એને ઓલા પાટલૂન ને ખમીસ પેરવાની હૌ મેં જ હા પાડી. જો તો કેવી હરખાતી દોડાદોડ કરે છે!’ ઓહોહો! આ સાસુઓ કયા ભ્રમમાં જીવે છે? એ લોકો રજા આપે તો જ વહુઓ ફરે ને એમને મનગમતાં કપડાં પહેરે એમ? વાહ! મેં મનોમન ખિલજીના જમાનાની આ સાસુઓને વંદન કર્યાં. હાથમાં રિમોટ લઈને ફરતી સાસુઓથી જ આપણો સમાજ ઉજળો છે. મેં તો મારી વહુઓને સંભળાવવા માટે આ વાતો મોબાઈલમાં સંઘરી લીધી. મારે પણ મારો વટ મારવાનો કે નહીં?

હવે આવ્યો હિંડોળા મહેલ. નામ પરથી તો હીંચકો કે ઝૂલો જ લાગે છે. બાંધકામ પણ એવું જ, કે મહેલ ઝૂલતો હોય એવું જ લાગે. રાજાએ ચોમાસાની સાંજો અહીં ખાણીપીણી અને આરામમાં ગુજારવા માટે ખાસ આ હિંડોળા મહેલ બનાવડાવ્યો. રાજાઓના પાછા કામ કરવાના મહેલ જુદા ને આરામ કરવાના મહેલ જુદા! જો કે આજના રાજાઓ પણ ઓફિસને મહેલ જેવી જ રાખે છે ને? આપણે શું?

જમવાના બ્રેક પહેલાંની છેલ્લી જગ્યા, એટલે અમે ચંપા વાવ અને હમામ(બાથરૂમ) જોવા ગયાં. આપણને થાય કે બાથરૂમમાં વળી શું જોવાનું? પણ આ વાવના પાણીમાંથી ચંપાના ફૂલ જેવી સુગંધ આવે અને આ વાવની સાથે ટર્કિશ પધ્ધતિથી ઘણા બધા બાથરૂમ્સ પણ બનાવેલા. ગમે તેટલો તાપ હોય આ રૂમોમાં ઠંડક જ હોય. મોગલોનું બાંધકામ વખાણવા લાયક તો ખરું. હવે બાકીની જગ્યાઓ બપોર પર મુલતવી રાખીને અમે પેટનો અગ્નિ ઠારવા ભાગ્યાં.
(તસવીરો માટે ગૂગલની મહેરબાની)
હિંડોલા મહેલ


જહાજ મહેલ

ખુરાસાની ઈમલી અને નીચે તેનું વિશાળ વૃક્ષ

3 ટિપ્પણીઓ: