શનિવાર, 3 ફેબ્રુઆરી, 2018

એમ પી ટૂર–(૩)

હજી તો બે જ કલાક થયા હશે ને, એકાદ સારી રેસ્ટોરાં શોધવાની કવાયત શરૂ થઈ(આવા હાઈવે પર તો હૉટેલ કે રેસ્ટોરાં, બધું એક જ). ચાના રસિયાઓના મોંમાં સળવળાટ થવા માંડેલો. એકાદને ખોટી ભૂખ પણ ઉપડી. દિનેશનું બહાનું ધરી, એક બહારથી સારી દેખાતી પણ ઠીકઠાક રેસ્ટોરાં આગળ ગાડી થોભી. ગુજરાત જેવી ખાવાપીવાની જગ્યા આ રસ્તે નથી જ મળવાની જાણીને અમે મન વાળેલું. હજી માંડ સો કિલોમીટર કાપ્યા ને બ્રેક? એટલામાં વારાફરતી બધાના ઘરેથી પણ ફોનમાં પહેલો સવાલ આવ્યો, ‘ક્યાં પહોંચ્યાં?’ (હાય હાય! આ લોકો કલાકે કલાકે પૂછ્યા કરશે? તો મજા શું આવવાની?)

‘અરે, હજી તો ધુલિયા જ પહોંચ્યાં. ચા પીવા ઊભા છીએ.’
‘ઓહો! કેમ હજી ત્યાં જ? દિનેશ બહુ ધીમે ચલાવે છે? એને કે’ કે ભાઈ, બહુ નહીં પણ થોડી તો ભગાવ. નહીં તો ક્યારે પહોંચશો?’ (આહ! કેટલી ફિકર અમારી? આંખમાં પાણી આવી ગયાં.)
‘અરે, મહારાષ્ટ્રના રસ્તા તો ગુજરાતના રસ્તાઓને ટક્કર મારે એવા છે. સાંઠથી એંસીની સ્પીડે તો જેમતેમ જાય છે. અમારે મ્યુઝિકની જરૂર જ નથી. ને આ નેશનલ વાયા સ્ટેટ હાઈવે છે એટલે સિંગલ ટ્રેકનો ટ્રાફિક પણ વધારે છે. આ સ્પીડે તો આરામથી રાતે જ પહોંચશું. ફિકર નહીં કરતા.’ અમે એમને માથે ભાર નાંખી દીધો. લો હવે ઉજવો વેકેશન!

જો કે, નેશનલ હાઈવે પર પહોંચ્યાં કે પછી તો ગાડી ભાગી પવનવેગે! ઉતરતા ચોમાસાના દિવસો એટલે જ્યાં ને ત્યાં લીલાછમ નઝારા. કોઈ સ્વપ્નનગરીમાં જઈ રહ્યાં હોઈએ એવી મધુરી લાગણી સૌનાં મનમાં રમતી હતી ત્યાં વળી ચાના બ્રેકની હિલચાલ જણાઈ! આ હારા ચાવારા હેરાન કરી લાખવાના. ચાલો કંઈ નહીં, રસ્તામાં જાતજાતના ફાકા ચાલુ હતા તોય, થોડી થોડી ભૂખ તો બધાંને જ લાગેલી. એ બહાને જરા પગ છૂટા કરીને નવી જગ્યા તો જોઈએ. આપણે વળી અહીં ક્યાંથી? અહીં કોઈ જાણીતું તો ભટકાવાનું નહોતું કે આપણે માથું દુખવવું પડે. ક્યાં પહોંચ્યાંનો કોઈનો ફોન આવે તે પહેલાં જ અમે ફોન કરી દીધો કે, ‘હવે અમે બે કલાકમાં પહોંચી જઈશું.’(પૂછ પૂછ કરીને માથું નીં ખાતા.)

પ્રવાસનાં સ્થળોના વારાની મને કંઈ ખબર જ નહોતી, કે પછી દર વખતની જેમ મેં પ્રવાસની માહિતી ઉપર બહુ ધ્યાન નહોતું આપ્યું એટલે મેં પહેલો સવાલ વહેતો મૂક્યો, ‘આપણે પેલ્લા કાં જવાના?’
‘માંડૂ.’
‘માંડૂ....? શું માંડવાની? મારે કોઈ કથા નથી સાંભળવાની કે તું મને માંડું એમ કહે છે. મને ફક્ત જગ્યાનું નામ કહે.’ અવાજમાં ભારોભાર નિર્દોષતા સાથે મેં કહ્યું.
‘પ્લીઝ, આવી બધી મસ્તી નહીં કરતાં હં. અમને તમારા જોક્સમાં કોઈ રસ નથી. ’ અરર! મારા મનમાં આવા વિચારો આવે તેને દબાવી દેવાના? આખરે મારી પ્રતિભાનું શું? હું શા માટે પ્રવાસમાં જોડાઈ છું? આવી બધી મસ્તી વગર તો મજા નહીં આવે, હવે? કંઈ નહીં, હું મારી મસ્તીમાં રહીશ. આ ત્રણમાંથી કોઈને ન ગમે તો એકલી એકલી હસી લઈશ પણ શબ્દોની સાથે મસ્તી તો ચાલુ જ રાખીશ. નવા નવા શબ્દો સાથે તાલમેલ બેસાડવાની સાહ્યબી ભોગવતી હું માંડૂ વિશે વિચારવા માંડી. માંડૂ નામ કેમ પડ્યું હશે? આ લોકો તો ઈતિહાસના ખાં છે, પૂછવા દે.

પછી તો, ખરેખર જ પારુલે માંડૂની કથા માંડી. માંડૂ વિશેનો અજબગજબનો ઈતિહાસ જાણીને એક વાત સાબિત થઈ ગઈ, કે પૂછે તે પંડિત થાય. માંડૂને માંડવગઢ પણ કહે છે. ત્યાંનો રાજા બાજબહાદુર શિકારની સાથે ગીત–સંગીતનો પણ શોખીન હતો. ગાયકો ને ઉસ્તાદોની હાજરીમાં સદાય આનંદ માણતા રાજાએ, એક દિવસ વૈષ્ણવ કન્યા રૂપમતીના મધુર સ્વરે દૂરથી રેલાઈ આવેલું  સુંદર ગીત સાંભળ્યું અને એ રુપમતીનો દિવાનો બની ગયો. રુપમતીને પોતાની રાણી બનાવવા તૈયાર થયેલા રાજાએ એને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. રુપમતી રાજીખુશીથી માંડૂ આવી ગઈ પણ એનો પ્રેમ પવિત્ર હોવાથી એણે લગ્ન કરવાની ના પાડી. એ સમયે માંડૂમાં સંગીત એની ચરમસીમાએ પહોંચેલું. દેશદેશાવરમાં બન્નેના પ્લેટોનિક પ્રેમ અને સંગીતપ્રેમની બોલબાલા હતી.

પ્રેમકથાઓના કરુણ અંત જેવો આ પ્રેમકથાનો પણ દુ:ખદ અંત આવ્યો. શિકાર, સંગીત અને રુપમતીના પ્રેમમાં અંધ બાજબહાદુર પોતાના રાજ્યને, અકબરના સેનાપતિના હાથમાં જતું અટકાવી ના શક્યો. એ લડ્યો પણ હાર્યો એટલે ભાગી છૂટ્યો અને રાણીવાસ પર અહમદખાને કબજો કરી રુપમતી સાથે લગ્નની તૈયારી કરી. રૂપમતીએ થોડી મહેતલ માગી. લગ્નના દિવસે સેનાપતિના હાથમાં રુપમતીની લાશ આવી. એ બધી યાદો હજીય માંડૂમાં ગૂંજતી રહે છે એવું પ્રવાસીઓનું કહેવું છે. હાશ! આખરે મને ઈતિહાસ તરફ વાળવામાં આ લોકો સફળ થયા ખરા. હવે તો માંડૂના મહેલોમાં કે ખંડેરોમાં ફરતી વખતે બધું જીવંત થશે એટલે ઔર મજા આવશે.

ઈતિહાસ ન ગમવાનું આ એક મજબૂત કારણ. કેટલી બધી લડાઈઓ, મારામારી, કાપાકાપી અને સ્વજનોના કે નિર્દોષોના લોહીની નદીઓ વહાવીને પણ આખરે શું મળે? પ્રેમ કરવા કે પ્રેમ મેળવવા નીકળેલા રાજાઓને તો આખરે આ જ બધું જોવા મળે ને?
‘અરેરે! આ તો બિલકુલ ફિલ્મી સ્ટોરી!’
‘હા, તો આના ઉપરથી એક જૂની ફિલ્મ પણ બનેલી ને? રાની રૂપમતી.’
‘હવે તો કોઈ રાજા કે રાણી ઉપરથી કોઈએ ફિલ્મ બનાવવી હોય તો પહેલાં લોકોને પૂછવું પડે. ‘પ્રિય ભારતવાસીઓ, મારી ફિલ્મમાં મેં કોઈ રાણીનું કે રાજાનું ખરાબ ચિત્રણ નથી કર્યું. મને ભારતના ભવ્ય ઈતિહાસ પ્રત્યે ખૂબ જ માન છે અને તમારી લાગણીનું પણ માન રાખતાં તમને નમ્રતાથી પૂછું છું, કે શું આ વિષય પર હું ફિલ્મ બનાવી શકું? તમે કહેશો તો હું ફિલ્મ બનાવીશ નહીં તો કોઈ મારધાડવાળી ફિલ્મ બનાવીને સંતોષ માનીશ.’
‘બેશક તમે ફિલ્મ બનાવી શકો, જો તમે રાજા કે રાણીનું નામ બદલીને રાખો તો અમને કોઈ વાંધો નથી.’
‘સારું, તો રાની રુપમતી અને બાજબહાદુરની અમર પ્રેમકથાને હું ‘રાની ગુપચુપમતી’ નામે બનાવીશ.’

તાજેતરના વિવાદની વાતોની મજા લેતાં અમે માંડૂ પહોંચવાની તૈયારીમાં હતાં. કાલ સવારથી મહેલોની ને સંગીતની દુનિયામાં ખોવાઈ જઈશું! વાહ વાહ! કાલે રાણી રુપમતીનાં દર્શન થશે? કે બાજબહાદુરનો મહેલ અમને લોભાવશે? કોણ જાણે.

6 ટિપ્પણીઓ:

  1. પ્રવાસની પ્રવાહિતા સરસ રીતે વહી છે. "ગાડી સ્પીડે જાય છે તેથી મ્યુઝીકની જરૂર નથી" એ બહુ ઉંચી કટ છે. ઐતિહાસિક ફિલ્મો બનાવવામાં વિવાદો કેટલા નડે છે તે વાત સાંપ્રત સમસ્યા જણાવે છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. what a co incidence !
    when i was listening rani rupmati songs on u tube i got
    your article ! great story
    a d aus

    જવાબ આપોકાઢી નાખો