રવિવાર, 30 જુલાઈ, 2017

સફરની મજા મરી ગઈ–––(૩૦)


કૅટરિના કૈફનું નામ પડતાં જ, મારી સાથ જેણે જેણે સાંભળ્યું તે બધાંના કાન ઊંચા થઈ ગયા. સૌનાં ડોકાં ઊંચાનીચા–વાંકાચૂકા થઈ મારા સહપ્રવાસી તરફથી કૅટરિનાની વાત જાણવા ઉત્સુક થઈ ઊઠ્યાં. અંદરઅંદર ગૂસપૂસ ચાલુ થઈ ગઈ ને જરા વારમાં તો પ્લેનની હવામાં કૅટનું નામ ગુંજવા માંડ્યું. પેલા ઝવેરીના ભાવ અચાનક જ વધી ગયા. એને તો પહેલેથી જ ખબર હતી કે, ‘આટલી બધી સ્ત્રીઓની વચ્ચે, કોઈ સિરિયલમાં કામવાળીનો રોલ કરતી કોઈ સી ગ્રેડની હીરોઈનનું નામ લઈશ ને, તો પણ પરિણામ તો આ જ આવવાનું છે. તો પછી કૅટનું જ નામ લઈને ભાવ ખાવામાં શો વાંધો?’ એ થોડો ટટાર બેસી ગયો. મારી તો એ બાજુમાં જ બેઠો હતો અને ક્યારની અમારી વાતચીતેય ચાલુ હતી, એટલે હુંય ટટાર બેસી ગઈ! કૅટરિનાને જોનારની બાજુમાં બેસનારનોય વટ પડે ભાઈ.

જ્યારે અમે સૌ સામાન ચેક કરાવવાની લાઈનમાં બેઠેલાં કે ઊભેલાં, ત્યારે આ ઝવેરી–હીરાની ચમકથી બીજાને આંજનારો વેપારી– કૅટરિનાથી અંજાઈને એની સાથે લાઈનમાં ઊભો હતો! વાહ! શું નસીબ છે! અમે અહીં છ છ દિવસથી બધે રખડીને, પરસેવો પાડીને થાક્યાં તોય કોઈ કૅટ કે કાઉ–બફેલો નજરે ના પડી અને આને? જતાં ને આવતાં બન્ને એરપોર્ટ પર અમે કલાકો કાઢ્યા, બધા ફોગટ ગયા. અરે, કોઈ ઢોલીવુડ, ટેલીવુડ કે ફોલીવુડના ઝાડુવાળાય ના દેખાયા. આનું નસીબ તો જુઓ. સાવ કામ વગરનાને કૅટ સાથે લાઈનમાં ઊભા રહેવાનું મળી ગયું! લાગે છે તો વાતગરો. કૅટને મસ્કા મારીને કંઈ કેટલીય દુનિયાભરની વાતો કરી નાંખી હશે. બેઠો ત્યારનો અમારી સાથે પણ ક્યારનો વાતો જ કર્યા કરે છે ને? એની બાયડીને તો બિચારીને યાદેય નહીં કરી હોય. કોણ જાણે બૈરી–છોકરાં છે કે નહીં. એ તો હવે ધીરે ધીરે બધો પટારો ખોલશે ત્યારે ખબર પડશે કે ખરેખર વાત શું છે? એમ પણ અમારે ભાગે તો બાઘા મારવાના જ આવ્યા ને? આટલી બધી માયાઓ ને જોગમાયાઓ હતી જ ને, એ જ એરપોર્ટ પર? એ જ ચેકિંગની જગ્યાએ? તોય કોઈનું ધ્યાન ગયું? શેનું જાય? બધી વાતમાં જ એટલી મગન ને! આજુબાજુની દુનિયાનું ભાન જ ના રહે એવી તે કેવી વાત? જવા દો. હવે કંઈ કહીને કે કરીને પણ શું? એકાદનું પણ જો ધ્યાન ગયું હોત ને, તો સૌને નિરાંતે કૅટને જોવાનો ને એની સાથે વાત કરવાનો ને ફોટા પડાવવાનો પણ સમય મળી જાત. જીવ બાળીને રહી જવાનું છે બીજું કંઈ નહીં. હવે તો આ ભાઈ જે મોટી મોટી ફેંકશે તેને જ સાચી માનીને, હાથ મસળીને બેસી રહેવું પડશે. નસીબ વાંકા, તે સિવાય આવું થાય?
પેલા તત્કાળ બની બેઠેલા હીરોએ તો ઝાંખી લાઈટમાંય બધે સરસરી નજર નાંખીને ખાતરી કરી લીધી કે, સૌ કાન માંડીને બેઠી છે ને? ‘કૅટરિના તો છ–સાત મોટી મોટી બૅગો લઈને ઊભેલી.(શરૂ થઈ ગઈ ભાઈસાહેબની ફેંકાફેંક! ચાલવા દો, મારે શું? હુંય વાતની મજા તો લઉં. કંઈ નહીં તો, આજુબાજુવાળીઓને જોવાની મજા તો આવશે.) એ એકલી જ હતી.(ને તમે રાહ જ જોતા હતા કેમ?) ટાઈમ પાસ કરવા ને કોઈ સાથે વાત કરવા આમતેમ ફાંફાં માર્યા કરતી હતી. મેં તો એને જરા પણ લાગવા જ ન દીધું કે, મને એની સાથે વાત કે ઓળખાણ કરવામાં કોઈ રસ છે. જાણે કોઈ સામાન્ય પેસેન્જર હોય એમ મેં આમતેમ જોયે રાખ્યું.(શરીફ બનવાની બહુ કોશિશ ના કર બચ્ચુ, હું તને ઓળખી ગઈ છું. દુનિયાની સુંદર સ્ત્રી સામે હોય ત્યારે તું આમતેમ જુએ?)

કંટાળીને આખરે એણે મને બોલાવ્યો!(બસ ભાઈ બસ, કેટલીક ઊંચી ફેંકશે હજી? બીજું કોઈ એને મળ્યું જ નહીં? ઠીક છે, આગળ ચલાવ તારી વાર્તા.) આખરે તો ઈન્ડિયન ને? જોકે, એને હિન્દી નથી ફાવતું તે તો બધાંને ખબર છે એટલે એણે તો ઈંગ્લિશમાં વાત ચાલુ કરી. આપણે પણ કંઈ કમ નહીં.(હા ભઈ હા, તારા જેવા હીરા બીજે ક્યાં મળે?) આપણે તો એનાથીય વધારે મસ્ત ને એકદમ સ્ટાઈલમાં અમેરિકન ઈંગ્લિશ બોલીને છાકો પાડી દીધો.(એણે બિચારીએ ક્યાં કોઈ દિવસ ઘરની બહાર પગ મૂક્યો જ હશે, તે આવા તારા જેવા ‘અમેરિકન ઈંગ્લિશ’ બોલવાવાળા જોયા હોય!) એ તો એટલી ખુશ થઈ ગઈ કે, એણે તો મારું કાર્ડ પણ માંગી લીધું અને બૅંગકૉકના મારા ઘરનું એડ્રેસ પણ.’ એટલું સાંભળતાં જ, મારી આજુબાજુ અને આગળપાછળ બેઠેલી બધી સુંદરીઓના ડોકાં સ્થિર, મગજ સુન્ન અને સપનાં જોતી થઈ ગયેલી ખુલ્લી આંખોની સાથે કૅટના નામનું પતાસું મોંમાં પડવાની રાહ જોતાં ખૂલી ગયેલાં મોં! મેં તો જેમતેમ હસવું દબાવી પેલા હીરો સામે જોયું. મને હોશમાં જોઈ એણે નજર ફેરવી લીધી.

હવે મેં એની વાતથી ડઘાઈ જવાનો અભિનય કરતાં પૂછ્યું, ‘તમારું બૅંગકૉકમાં પણ ઘર છે?’ મારા સવાલમાં જલન હતી કે બાઘાઈ તેનાથી કદાચ હું પણ અજાણ હતી.
‘મારું તો સુરતમાં પાંચ માળનું મકાન છે, મુંબઈમાં જુહુ પર એક બંગલો છે અને મારું ફૅમિલી બૅંગકૉકમાં રહે છે. ત્રણેય જગ્યાએ મારા શૉ રૂમ્સ પણ છે.’

ખલાસ! હવે કદાચ મારી સહનશક્તિની હદ આવી જશે. બહુ થયું ભાઈ. આપણે જો પ્લેનમાં ના હોત ને તો હું ક્યારની બીજે ચાલવા માંડી હોત. જોકે મને ટેવ છે ખરી, પણ આટલી બધી તો મેંય ક્યારેય નથી ફેંકી. હશે, હવે તું તારું પ્રકરણ વહેલું પૂરું કરે તો સારું. મારે થોડી વાર ઊંઘવું છે ને આ બધી તારાથી અંજાઈ ગયેલી બહેનોનાં ડોકાંની પણ મને દયા આવે છે હવે.

હીપ્નોટાઈઝ થયેલી બધી તરુણીઓના હ્રદય પર વજ્રાઘાત થયો હોય એમ બધીઓનાં મોંમાંથી હાયકારા ને સીસકારા નીકળવા માંડ્યા. ‘આ ઝવેરી જો બૅંગકૉકમાં મળી ગયો હોત તો? આપણને શૉપિંગના જલસા થઈ જાત. સસ્તામાં સસ્તી જગ્યાઓ બતાવત, શું લેવું ને શું ન લેવું તેની આખી ગાઈડ પકડાવી દેત અને એકાદ દિવસ આપણને એના બંગલે પણ લઈ જાત.(પાંચસોને?) બચેલા પૈસાથી આપણે કેટલી વધારાની વસ્તુઓ લઈ શકત?’ હવે સ્વાભાવિક છે કે, કૅટરિનાની વાતમાં ખાસ કોઈને રસ રહ્યો નહીં.

હું વિચારમાં પડી. કૅટને બીજું કોઈ ના મળ્યું? તે આની સાથે વાતે લાગી? આ તો એવો કંઈ હૅન્ડસમ પણ નથી, કોઈ ખાસ પર્સનાલિટી પણ નથી એની તો પછી? ખાલી જબાનના જાદુ પર એણે આટલી બધી માયાઓ પર માયાજાળ ફેંકી, પણ કૅટ? એ કંઈ આની વાતોમાં આવી જાય એ શક્ય છે? જરાય નહીં. હમણાં જો આજુબાજુમાં કોઈ પુરુષ પેસેન્જર બેઠો હોત, તો આની જબાને તાળું જ લાગી ગયું હોત અને કૅટની કે બંગલાની ફેંકાફેંકના વિચારોને એણે ઊગતા જ ડામ્યા હોત. ખેર, મેં તો એ બોલ્યો તેનાથી ઊંધું વિચારવા માંડ્યું.

આટલી બધી સ્ત્રીઓને સહપ્રવાસી તરીકે જોઈને એ પોતે જ બાઘો બની ગયો છે, બીજું કંઈ નહીં. જરા ભેજાબાજ છે ને હલકો છે, એટલે મોટી મોટી વાતો કરીને બધાંને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી ને તેમાં કામિયાબ થયો એટલે હાંકવાનું ચાલુ રાખ્યું, ઔર ક્યા? આવા તો બહુ જોયા. ઊંઘવા દો એના કરતાં. મેં એને સંભળાય તે રીતે બગાસું ખાઈને આંખ બંધ કરી દીધી.

8 ટિપ્પણીઓ:


  1. આવા નમુના તો આપણી ચારે બાજુ ફરે છે.ઘમોદીજી તો કોલેજમાં મારી સાથે હતા. તેંદુલકર મુંબઈમાં અમારા બિલ્ડીંગમાં રહેતો હતો. વિ. વિ. લેખ મરક મરક વાંચ્યો. મઝા આવી ગઇ. અગાઉના બે લેખ ચૂકી ગયો છું.

    જવાબ આપોકાઢી નાખો
  2. આ લોકોની વાતોમાં બહુ મજા આવે. કાયમ યાદ રહે તેવી. આભાર. વાંચીને અભિપ્રાય આપો છો એ જ ઘણું.

    જવાબ આપોકાઢી નાખો
  3. 'આવા તો બહુ જોયા. ઊંઘવા દો એના કરતાં. મેં એને સંભળાય તે રીતે બગાસું ખાઈને આંખ બંધ કરી દીધી.' કલ્પનાબેન, તમે તો જબરા નીકળ્યા હોં, પેલાને ભાવ જ ન આપ્યો, પણ પછી શું થયું ?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હાહ્હાહા...હવે? હવે થોડી ભાષાની મગજમારી ને પલ્લવીબેનની ડાયરીની મજા.

      કાઢી નાખો
  4. પૂજા ભટ્ટ અને આમીર ખાન સાથે મેં ૧૯૯૧માં ફોટો ઊટીમાં પડાવ્યો હતો.પૂજા ભટ્ટ તો મારા ખભા સાથે ખભો મેળવીને ઊભી હતી.આ પ્રસંગ હતો દિલ હૈ કિ માનતા નહીં ના શુટીંગનો...પૂજા બિલકુલ મારી બાજુના રૂમમાંં હતી,બોલો..! કેટલાં વર્ષો સુધી ફોટો સાચવી રાખ્યો હતો..!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હાહ્હાહા! તમારી વાત તો માની જ લઈએ, પણ મારે પેલા ઝવેરીને કહેવા જેવું હતું, દિલ હૈ કિ માનતા નહીં.:)

      કાઢી નાખો
  5. Kalpanaben, Very Hilarious experience you had with your 'sahpravasi'...ava namoona o avar navar bhatkai jata hoi chhe.

    Harsha M
    Toronto

    જવાબ આપોકાઢી નાખો