બુધવાર, 5 જુલાઈ, 2017

બૅંગકૉકમાં રૅમ્પવૉક–––(૨૭)


એરપોર્ટ પર થાકેલી, કંટાળેલી અને દુ:ખી દેખાતી સ્ત્રીઓનો શંભુમેળો કે પાર્વતીમેળો સામાનની આસપાસ ગોઠવાઈને ટાઈમ પાસ કરવાની વાતો શોધતો હતો. જોકે, ઘણી સમજુઓ તો પ્રવાસનાં મીઠાં સંભારણાંમાં ખોવાઈ ગયેલી. તૈયાર ચા–નાસ્તા અને ભાવતાં ભોજન સૌને ખૂબ યાદ આવવાનાં હતાં. કોઈ કોઈ ઉત્સાહી તો હવે પછીના પ્રવાસની જાણકારી મેળવવા મંડી પડેલી! બસ, બે પ્રવાસની વચ્ચેનો સમય જાણે ભૂલી જવા માંગતી હોય–કોણ જાણે.

હું પણ પલ્લવીબહેન સાથે થોડી થોડી દુ:ખી હતી. એમણે એક દિવસ આરામ કરીને ફરીથી દવાખાને નીતિનભાઈ સાથે બેસવાનું હતું(!) અને મારે ઘરે જઈને માથાં દુ:ખવવાનાં હતાં! ખેર, માથા સાથે કાન જડેલા એટલે એમાં કોઈનું કંઈ ન ચાલે. જોકે, આટલા દિવસોમાં જો અમારી કોઈ સાંજ શ્રેષ્ઠ ગુજરી હોય તો તે ફૅશન શૉવાળી સાંજ. મેં અગાઉ પણ ઘણી વાર જણાવ્યું છે કે, ટૂરના આયોજકોએ અમારા સૌની ખુશીનું અને સગવડનું એટલું સરસ ધ્યાન રાખેલું કે, કોઈને પણ ક્યાંય ફરિયાદ કરવાનો મોકો જ ન મળે. રોજ રાત્રે હૉટેલમાં ડિનરની સાથે ડાન્સ અને મ્યુઝિક જોડી દીધેલાં, જેથી જેને મન થાય ડાન્સ ફ્લોર પર જવાનું, તે બેઝિઝક જઈ શકે અને ન જવું હોય તો બેઠાં બેઠાં પણ મજા લઈ શકે. એક રાત્રે તો ફૅશન શૉ રાખેલો! દરેક ઉંમરની યુવતી એમાં ભાગ લઈ શકે અને જે વેશ ધરવો હોય તે ધરી શકે. કોઈ બંધન નહીં. ફક્ત નામ નોંધાવી સમયસર હાજર થઈ જવાનું. અમને તો આ વિશે કોઈ જાણકારી જ નહોતી. કદાચ જરૂર પડે કે મન થાય તો એકાદ દિવસ સાડી પહેરશું, એમ કરીને બૅગમાં સાડી મૂકેલી તે સારુ થયું. અમે બન્ને ગરવી ગુજરાતણો બનીને ઠસ્સાથી ડિનર ટેબલ પર ગોઠવાઈ ગયેલી.

નવાઈ કહેવાય પણ પલ્લવીબહેને તો આવા કોઈ શૉ ટીવી પર પણ જોયા નહોતા. દવાખાનામાંથી ને ઘર–વર–દીકરી–દોહિત્રમાંથી, સગાંવહાલાંમાંથી, વહેવારમાંથી અને આ ને તે ને ફલાણાં ને ઢીકણાંમાંથી કોઈ દિવસ ઊંચાં જ ન આવ્યાં! મને ફુરસદ મળે તો મારી પાસે ગામડામાં રહેવાનું બહાનું હાજર! ‘ક્યાં આવા બધા શૉ જોવા શહેર સુધી લાંબા થવાય છે?’ જોકે, ટીવી પર જોવાથી જ ખબર પડેલી કે, ફૅશન શૉ કોને કહેવાય અને મૉડેલિંગ કઈ બલાનું નામ છે. હાથમાં આવેલો ચાન્સ ન છોડવાની પાડેલી નવી આદતને કારણે અમે તો  શૉ જોવા ગોઠવાઈ ગયાં–પ્લેટમાં વહેલાં વહેલાં ખાવાનું ભરીને.

હૉલમાં તો ધમાલ! એક એકથી ચડિયાતી રૂપસુંદરીઓ પોતાની અદ્ભૂત વેશભૂષાને કારણે એકદમ ખુશ જણાતી હતી. ચહેકતી ચકલીઓની જેમ આખા હૉલમાં ઉડાઉડ કરતી હતી. એક તરફ સૌને સ્વાદિષ્ટ ભોજન લલચાવતું હતું અને બીજી તરફ ફૅશન શૉ શરૂ થવાની જાહેરાત થઈ રહી હતી. અમે તો શૉમાં ભાગ લેવાના નહોતાં એટલે આરામથી નાળિયેરના દૂધમાં બનાવેલા થાઈ નૂડલ્સ, ક્રીમથી સજાવેલું ટૉમેટો સૂપ, મકાઈની નાની નાની કટલેટ્સ અને વિદાય સમારંભ યાદ રહી જાય એવી ઘણી બધી અવનવી વાનગીઓ ચાખતાં ચાખતાં, બધાંને જોતાં જોતાં સૌની ખુશીમાં સામેલ થઈ રહ્યાં હતાં. જેમને અગાઉથી બધી જાણકારી હતી, તે બધી સ્પર્ધકો જાતજાતનાં પોષાકો સજાવીને અને સુંદર ઘરેણાં–મેક અપથી લદાઈને સ્ટેજની ફરતે ગોઠવાઈ ગયેલી.

પછી તો, સંચાલકે જેવી જાહેરાત કરી કે હવે ફૅશન શૉ શરૂ થવા જઈ રહ્યો છે, તેવી જ હૉલમાં ઉત્તેજના વ્યાપી ગઈ અને ખુશીની ચિચિયારીઓ પણ સંભળાઈ. અદ્દલ ટીવીમાં આવે તેવું જ દ્રશ્ય, તેવું જ મ્યુઝિક. રૅમ્પ વૉક શરૂ થવા જઈ રહ્યો હતો. પહેલી યુવતીનું નામ અને નંબર જાહેર થયાં. એક યુવતી સરસ મજાનાં  વેસ્ટર્ન ડ્રેસ, માથે હૅટ અને ગળામાં સ્કાર્ફ સાથે લટકમટક ચાલતી સ્ટેજ પર આવી. થોડાં ડગલાં અદાથી ચાલી, બન્ને બાજુ સ્ટાઈલમાં હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું. કૅમેરા સામે આવી, બે ઘડી ઊભી રહી, પછી ડાબી તરફ ઝૂકી, જમણી તરફ ઝૂકી અને અચાનક જ ખભાને ઝાટકો મારીને ઢળી પડતી ડોકને વ્યવસ્થિત ગોઠવીને જેવી આવેલી એવી જ લટકમટક કરતી પાછી જવા માંડી.

જતાં જતાં એના એક પગે જમીન પર પગ મૂકવાની તૈયારી કરીને સૅંડલ પરથી પડતું મૂક્યું કે યુવતી જરા લથડી. કેટલાય શૉ જોવાના અનુભવને કારણે એણે તરત જ જાતને સંભાળી લઈને પગને ફરી સેંડલ પર ગોઠવી દીધો અને જાણે કંઈ થયું જ નથી એવા હાવભાવ સાથે આરામથી જતી રહી! વાહ! કેટલો આત્મવિશ્વાસ? આની જગ્યાએ હું હોત તો? ગભરાઈને બેસી જ પડત ને બૅંગકૉકમાં પણ ગંગા–જમના વહાવી દેત. મને ઊભી કરવા બધા દોડી આવત ને હું જેમતેમ ઊભી થાત. બહુ મોટો ગુનો થઈ ગયો હોય એમ કોઈની સામે નજર પણ ના મિલાવત. સ્ટેજ ઉપર જવાનું પણ હિંમતનું કામ છે. મારા જેવા કાચાપોચાનું ત્યાં કામ નહીં. આપણે તો તાળી પાડતાં જ શોભીએ. અને એવાં પણ જોઈએ ને? એમ તો, ખભાને ઝાટકતી વખતે એની હૅટ પણ પડું પડું થઈ ગયેલી પણ એણે સિફતથી હાથમાં ઝાલીને હૅટથી સૌને બાય બાય પણ કર્યું! મોડેલિંગમાં તો દિમાગ પણ ચલાવવાનું હોય! એકંદરે એનો દેખાવ સારો રહ્યો એટલે બાકીની સુંદરીઓનો ઉત્સાહ પણ વધ્યો. સૌને જોશ ચડ્યું.

ટીવીની ખાસ્સી અસર આ શૉ પર નજરે પડતી હતી. વેસ્ટર્ન ડ્રેસના વધેલા ગાંડપણને કારણે મોટા ભાગની યુવતીઓએ મગજને બહુ ત્રાસ આપ્યા વગર, જાતજાતના વેસ્ટર્ન ડ્રેસમાં જ પોતાને રજુ કરી. અમારા ગૃપમાં મહારાષ્ટ્રીયન બહેનોની સંખ્યા વધારે હોવાથી લાવણી નૃત્યની ઝલક જોવા મળી અને ફિલ્મી ગીતો પરના ઠુમકા પણ જોવા મળ્યા. કોઈએ તો વળી આફ્રિકન આદિવાસીનો વેશ ધરીને, ‘ઝિંગાલાલા હૂ હૂ ’ના હોકારા–પડકારાથી દોડી દોડીને આખું સ્ટેજ હચમચાવી નાંખ્યું. (કોણ જોવા ગયું કે, આફ્રિકાના જંગલના આદિવાસીઓ આવું કંઈ બોલે છે ખરાં ?)

મને યાદ આવી પેલી ચાર મહારાષ્ટ્રીયન સ્ત્રીઓની, જે સતત માથું ઢાંકીને ફરતી હતી. શું એમાંથી કોઈએ પણ આ શૉમાં ભાગ લીધો હશે ખરો? મારી નજર બધા ટેબલ પર ફરી વળી. છેક છેલ્લા ટેબલ પર એ બધી બહેનો બેઠેલી નજરે પડી. એક હાથે સાડીનો છેડો માથેથી સરી ન જાય તેનું ધ્યાન રાખતી, બીજા હાથે ભોજન આરોગતી હતી. ચારેયની લાચાર નજરો સ્ટેજ તરફ જ હતી. સ્પષ્ટ જણાતું હતું કે, એમનું ધ્યાન ખાવામાં નહોતું. એમનેય આ શૉમાં ભાગ લેવાનું મન થયું હશે. એમનામાંય આ બધી કે કદાચ વધારે કુશળતા પણ હશે. તો પછી? અહીં તો એમને કોઈ રોકવાવાળું પણ નહોતું. કદાચ ચારેયના સંબંધ એવા હશે કે, એકબીજાની આમન્યા જાળવવી પડે! ખેર, માથા પરના દસ મણના ઘુમટાનો ભાર, આવી તો કેટલીય સ્ત્રીઓની કુશળતાને ઢાંકી રાખતો હશે?

એવામાં મારી નજીકમાં જ કંઈ હલનચલન થતી હોય એવું લાગતાં મેં જોયું તો, પલ્લવીબહેન તો ઊભા થઈ ગયેલાં! ‘કાં ચાઈલા?’ મેં પૂછ્યું. ‘હું પણ જાઉં છું સ્ટેજ પર.’ અચાનક પલ્લવીબહેનમાં માતા પ્રવેશેલાં જોઈ હું તો હબકી ગઈ. આટલું જોશ? મેં એમને વારવા કહ્યું, ‘પણ તમે નામ તો નોંધાઈવું નથી.’ મારો ગભરાટ જોઈ એમણે મને વારી, ‘કંઈ નીં. જાઉં તો ખરી. ના કે’ય તો પાછી આવી રે’વા.’ હું કંઈ બોલી નહીં. એમનામાં આવેલા આ અચાનક પરિવર્તને તો મારી બોબડી જ બંધ કરી દીધી. ધડકતા હૃદયે એમણે જવું જોઈએ, તેને બદલે હું એમને ધડકતા હૃદયે જતાં જોઈ રહી. મારા કરતાં એમનામાં આત્મવિશ્વાસ ઘણો વધારે. (કેમ ન હોય? રોજ કેટલાય પેશન્ટોને ખખડાવવાના હોય, તેમાં પુરુષો પણ આવી જતા હશે. વળી પારકી સાસુઓને ખખડાવવાનો પણ લહાવો મળતો હશે! મારે તો અહીં બાળકોય ગાંઠે નહીં અને વરનું તો નામેય ના લેવાય! હશે, જેવાં જેનાં નસીબ )

દસ જ મિનિટ પછી તો મેં પલ્લવીબહેનને સ્ટેજ પર જોયાં. વાહ! આખરે પહોંચી ગયાં ખરાં! ઈચ્છિત વસ્તુ મળવાનો આનંદ અને અનેરો ઉત્સાહ એમના સ્મિતમાં છલકાતો હતો. સ્ટેજ પર એક પછી એક ડગલું ભરતાં એ તો કૅમેરાની સામે આગળ વધતાં ગયાં! હું તો મોંમાં આંગળાં નાંખવાની ઈચ્છાને જોરમાં દબાવી બેસી રહી. આ પલ્લવીબહેન? કેટલાં કૉન્ફિડન્ટ? એક મિનિટ ઊભા રહી એમણે તો બે તાળીનો ગરબો કરતાં હોય એમ, ગરબાની એક ઝલક સૌને બતાવી અને ફરી પ્રેક્ષકો તરફ હાથ હલાવી, કૅમેરા સામે સરસ પોઝ આપી એક મિનિટ ઊભા રહ્યાં. પાછા વળતાં વળી ગરબાની બે–ત્રણ તાળીઓ અને વટભેર સ્ટેજ પરથી વિદાય! હું તો શું, આખો હૉલ તાળીઓથી અને ખુશીની ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યો.

‘વાહ પલ્લવીબહેન વાહ! તમે તો ગુજરાતનું નામ રોશન કર્યું ને સુરતને ગજાવી કાઢ્યું.’ હું તો એકલી એકલી ક્યાંય સુધી મલકતી જ રહી. પછી તો, પલ્લવીબહેન સેમી ફાઈનલમાં પણ આવ્યાં. જોકે, ફાઈનલમાં ત્રણ યુવતીઓ આવી હોવાથી પલ્લવીબહેન હરખાતાં હરખાતાં મારી પાસે આવી બેસી ગયાં. મેં તો એમનો હાથ હાથમાં લઈ ક્યાંય સુધી શાબાશી આપ્યે રાખી. દોઢસો સ્ત્રીઓમાં સેમી ફાઈનલમાં આવવું એ જેવીતેવી વાત તો ન જ કહેવાય ને? કોઈએ ધાર્યું પણ નહીં હોય, ખાસ તો પલ્લવીબહેનનાં ઘરનાં સભ્યોએ કે, પલ્લવીબહેન બૅંગકૉક જઈને સ્ટેજ ધમધમાવી નાંખશે. મારે તો આપણા દેશમાંય સ્ટેજ પર જવાના ફાંફાં હોય, ત્યારે મારાથી તાળી કે ચિચિયારીની આશા તો રખાય જ નહીં ને? તે વળી હું બૅંગકૉકના સ્ટેજ પર જતી હોઈશ?

4 ટિપ્પણીઓ:

  1. કોઈએ ધાર્યું પણ નહીં હોય, ખાસ તો પલ્લવીબહેનનાં ઘરનાં સભ્યોએ કે, પલ્લવીબહેન બૅંગકૉક જઈને સ્ટેજ ધમધમાવી નાંખશે. મારે તો આપણા દેશમાંય સ્ટેજ પર જવાના ફાંફાં હોય, ત્યારે મારાથી તાળી કે ચિચિયારીની આશા તો રખાય જ નહીં ને? તે વળી હું બૅંગકૉકના સ્ટેજ પર જતી હોઈશ? તમે ગયા હોત તો તમે શું કર્યું હોત ? જે કર્યું હોત વર્ણન તો મસ્ત જ કર્યું હોત, પણ...કલ્પના જ કરાવી રહી.

    જવાબ આપોકાઢી નાખો
  2. હવે જવાનું નક્કી રાખ્યું છે. જે થાય તે.

    જવાબ આપોકાઢી નાખો
  3. congratulations to both . garavi gujaratano . for chawking - out
    a pathway to enjoy life of happy travelling independatly !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  4. આભાર. આવા પ્રવાસોનો પણ જુદો જ આનંદ મળે, તે ગયાં તો જાણ્યું.

    જવાબ આપોકાઢી નાખો