રવિવાર, 6 ઑગસ્ટ, 2017

સવાદી ખા.......(૩૧)

      

દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આદિવાસી બોલી સાંભળવા મળે છે. એમાંના અમુક શબ્દોએ મારા મન પર કાયમી છાપ છોડી છે. કોઈ પુરુષ સામે મળે ને જો પૂછવું હોય કે, ‘કેમ છો?’ ‘શું છે?’ (હાય–હલો જેવું.) તો બોલાય, ‘કાય રા?’ અને કોઈ સ્ત્રી સામે મળે તો? ‘કાય વા?’ 

મને તો અહીં બૅંગકૉકમાં પણ, પહેલી વાર બસમાં બેસતી વખતે જ આ વાતનો અનુભવ થઈ ગયેલો. અમારા સ્વાગતમાં બોલાયેલા પહેલા શબ્દો હતા, ‘સવાદી કા...’ એ તો પછીથી ખબર પડી કે, જ્યારે જ્યારે કોઈ થાઈ છોકરી બસમાં કે હૉટેલમાં અમને વેલ કમ કરતી, ત્યારે એની ઝીણી આંખોને જોરમાં મીંચીને, પૂરી બત્રીસી બતાવતાં દિલથી ખુશ થઈને બોલતી, ‘સવાદી કા...’ (થાઈ ભાષા પણ ઈંગ્લિશ જેવી જ ફન્ની લૅંગ્વેજ છે, એટલે ઉચ્ચાર બાબતે ચર્ચાનો કોઈ અર્થ ના રહે. ઘણી વાર ‘કા’ને બદલે ‘ખા’ પણ બોલે!) મને તો બહુ ગમ્મત પડેલી. ‘સવાદ લઈ લઈને ખા.’ વાહ વાહ!  અહીં તો બધું સવાદ લઈ લઈને જ ખાવાનું છે. પછીથી એ વાત કેટલી સાચી પણ પડેલી. જો કોઈ છોકરો ગાઈડ આવે તો સ્વાગતમાં બોલે, ‘સવાદી ક્રાપ.’(સવાદમાં કાપ મૂકવાનો?) કોઈ વળી “ક્રાપને’ બદલે ‘ખાપ’ પણ બોલે.(ખાપ પંચાયત!)

જો છોકરી આભાર માને તો, ‘કોપ કૂન કા.’ અને છોકરો આભાર માને તો? ‘કોપ કૂન ક્રાપ’. આનું એક મહારાષ્ટ્રીયન છોકરીએ બનાવી કાઢેલું, ‘કાપૂન ખા.’ એટલે કે, કાપીને ખા. એને કદાચ નૉન વેજ યાદ આવ્યું હશે કે રસોડું યાદ આવ્યું હશે, ખબર નહીં. કોઈ પણ નવી બોલી કે ભાષામાંથી, આપણી બોલી કે ભાષાના કેવા મજાના અર્થો ને ઉચ્ચારો મળી આવે! એ તો સારું કે દરેક બસમાં એક થાઈ ગાઈડ પણ રહેતો/રહેતી. એ લોકોના મજાકિયા સ્વભાવને કારણે કે પછી એમની ટ્રેઈનિંગના ભાગ રૂપે અમને આવા નાના નાના મજાના વાક્યો જાણવાના મળ્યા. જેવા કે,

‘હું મજામાં છું’ એટલે ‘સબાઈ દી’. દૂરથી અથવા બરાબર ન સંભળાય તો ‘સગાઈ કી’ જેવું જ સંભળાય!
‘તમે મજામાં છો?’ એટલે ‘સબાઈ દી માઈ?’ માઈ સાંભળીને આપણે તો ચોંકીએ. અહીં કોઈ માઈ–બાપ નથી તો આ કોને કહે છે? કોઈકની માની વાત લાગે છે.
જો ‘માઈ સબાઈ’ બોલે તો ‘હું મજામાં નથી.’ જોયું? શબ્દોની જરાક જ હેરાફેરી કરવાથી આખો અર્થ જ બદલાઈ જાય.
‘ગુડ લક’ કહેવું હોય તો? ‘ચોક દી ખા’. ભઈ, અહીં તો કોઈને ચૉક પણ નથી દેખાયો ને ડસ્ટર પણ નથી દેખાયું. શું કરીએ?
‘તમે ક્યાં જાઓ છો?’ એટલે ‘પાઈ નાઈ’. કેટલું અર્થસભર વાક્ય છે? જવાની વાત આવી એટલે સિફતથી ટૂંકમાં ટાળી દીધું કે જણાવી દીધું, ‘પાઈ નાઈ’. મની વગર ક્યાં જવું?
‘જોઈએ છે?’ તો શું કહેવાનું? ‘આઉ..’ (વાઉ....!’) કેટલી ટૂંકમાં વાતો પતાવવાની? આપણે પણ, શું? કોણ? કેમ? ક્યારે? માં પતાવી દઈએ છીએ ને?
નથી જોઈતું? તો શું કહેવાનું? ‘માઈ આઉ’. ‘માઈ જા’, જેવું ગુસ્સામાં બોલાય છે ને?
‘ધીસ’નું ‘ની’ અને ‘ધેટ’નું ‘નન’. ‘ની’ એટલે તો ના થાય, અંગ્રેજીમાં ઘુંટણ થાય! ‘નન’ એટલે સાધ્વી પણ થાય અને એક પણ નહીં જેવો અર્થ પણ થાય–અંગ્રેજીમાં!
જ્યાં ને ત્યાં ખાવાની ને ખાવાની વાત ચાલતી એટલે ખાવા બાબતે પણ મસ્ત મજાના શબ્દોએ રંગ રાખેલો.
ખાવાનું (ફુડ) એટલે ‘આહાં’. (આહ્હા!)
તીખું એટલે ‘પેટ’! (પટમાં લ્હાય બળે એવું!)
ખાટું એટલે ‘બ્રીઓહ’. (ઓહ! ખાટું!)
ખારું એટલે ‘કેમ’. (કેમ ખારું છે? દરેક ઘરમાં ડાઈનિંગ ટેબલ પર પુછાતો પ્રશ્ન.)
મીઠું એટલે ‘વાહ’! (મીઠું–ગળ્યું બધે જ વાહ!)
કડવું તો ‘કોમ’. (કઈ કોમના લોકો કડવું ખાય ? રોગવાળા કે જબાનવાળા?)
હવે ખાવાનું ઓર્ડર કરવું છે પણ તીખું નથી જોઈતું, તો?
‘માઈ આઉ પેટ.’ (મા....પેટમાં આઉ...થઈ જાય.)
અને તીખું જોઈએ તો? ચટાકા કરવાવાળાએ કહેવાનું, ‘આઉ પેટ!’ (માઈને આઉટ કરી દેવાની!)
ભાત જોઈએ છે? ‘કાઓ’ કે ‘ખાઓ’. (ખાઓ ખાઓ.)
બૉઈલ્ડ રાઈસ જોઈએ? ‘ખાઓ સ્વે.’ (ખાવો સે?)
ફ્રાઈડ રાઈસ? ‘ખાઓ પેટ.’ (પેટ ભરીને ખાઓ. ભાત જ છે ને?)
ઈંડું એટલે ડાઈ. (મરઘી મરી જાય એટલે ડાઈ?)
ને મરઘી એટલે ‘ગાઈ’. (ગાય?) છે ને અજબગજબની રમત?
હવે ડ્રિંક્સમાં ડૂબકી મારીએ.
પાણી એટલે ‘નામ’! આપણે ત્યાં પણ પાણી સાથે કેટલાં બધાં નામ ને અર્થ જોડાયેલાં છે!
બરફ એટલે ‘નામ કૈરંગ’! (બરફનો બીજો રંગ કે બરફનું બીજું રૂપ પાણી!)
ઓરેન્જ જ્યૂસ એટલે ‘નામ સોમ’. (તો સોમરસ એટલે?)
કૉફી એટલે ‘ગાહ ફેર’. (ગા આગળ નિ લગાવી દઈએ તો? ચા પીવાવાળા જરા આ બાજુ નિગાહ ફેર.)
અને આપણી ચા એટલે? ‘ચાહ.’! (વાહ! ચાનું નામ તો આખી દુનિયામાં ચા કે ચાહ જ હોવું જોઈએ.)

પ્લેનમાં અડધી રાતે જાગતાં–ઊંઘતાં ને થાઈ એર હૉસ્ટેસોને આંટા મારતી જોતાં જોતાં મને આ બધા શબ્દોની યાદ આવી રહી હતી. રોજ રોજ કેટલીય વાર સંભળાતું  ‘સવાદી ખા.....’ હવે કાલથી બંધ? હવે? ગુડ બાય? ‘લા ગોન’ કહેવાનો સમય આવી ગયો?
‘લા ગોન’ કહેતી વખતે એર હૉસ્ટેસ બોલેલી, ‘કોર હાઈ ચોક દી’.? (ગુડ લક.) મને તો એમ કે, ‘ચોકડી આણી કોર છે’ એવું કંઈક બોલી કે શું?
નિરાશ વદને સૌને બાય બાય કરતાં અમે, આપણા ઈન્ડિયાના મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યાં.

7 ટિપ્પણીઓ:

  1. प्रवास वर्णनो पुस्तक स्वरुपे आपो.

    જવાબ આપોકાઢી નાખો
  2. બહેનજી તમે તો કમાલના છો. પણ સારા લેખકોનો એ જગુણ છે. ભાષાની રમત. મઝા અઅવી ગઈ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કોઈ પણ નવી ભાષાના સંપર્કમાં આવું એટલે આ રમત અજાણપણે જ શરૂ થઈ જાય. ખૂબ આભાર.

      કાઢી નાખો