‘નૉંગ નૂચ વિલેજ’ કહો કે ‘નૉંગ નૂચ ગાર્ડન’ કહો,
આટલી વિશાળ જગ્યામાં રોજના હજારો પ્રવાસીઓને આકર્ષવા અને આખો દિવસ પણ ઓછો પડે
એટલું સતત મનોરંજન પીરસવું, બધી ઉત્તમ સગવડ સહિત એ જેવી તેવી વાત નથી. તે પણ
પાછું, દરેક ઉંમર, દરેક દેશ અને દરેક જાતના લોકોને ! આપણા મગજમાં રહેલા, ફૂલોથી
લદાયેલા સુંદર ડિઝાઈનર બગીચાઓના આખા નકશાને આ બગીચો ઊંધો કરી નાંખે. માટીના નાના
નાના ગ્લાસ ઊંધા ગોઠવીને બનાવેલી કેટલીય કમાનોની વચ્ચે ફૂલોની રંગત જોવા મળે.
પ્રવેશદ્વારે જ રંગીન કાકાકૌઆ એક તરફ તમને ફોટા પાડવા લલચાવે, તો બીજી તરફ ઝાડ
નીચેના ઓટલા પર, બાંકડા જેવી જગ્યાઓ પર તમને તંદુરસ્ત વાઘબાળ બેઠેલા પણ દેખાય અને
સાંકળથી બાંધેલા વાઘ પણ એમના ટ્રેનર સાથે બેઠેલા હોય, ઠાઠથી ! તમે જો ચાહો તો
વાઘની પીઠ પર ધ્રૂજતાં ધ્રૂજતાં હાથ પણ પસવારી શકો, વાઘને અડવાનો રોમાંચ પણ માણી
શકો ને વાઘબાળને એ લોકો આપે તે જ બૉટલથી દૂધ પણ પીવડાવી શકો. આ બધી હિંમત ન હોય તો
અથવા પૈસા ન બગાડવા હોય તો, બીજાને જોવાનો આનંદ લઈ લેવો.
અમારા ગ્રૂપમાં તો ફ્રીડમ ફાઈટર જેવી કેટલીય
ઝાંસીની રાણીઓ હંમેશાં આવા પરાક્રમ માટે તૈયાર જ રહેતી. જ્યાં મોકો મળે ત્યાં કૂદી
પડે. પાછી ઘરનાંને ખાતરી કરાવવા જાતજાતના પોઝમાં ફોટાય પડાવી લે. ઘણી
ફૂલોની–બગીચાની શોખીન સ્ત્રીઓ, જૂની હીરોઈનોની જેમ ગીત ગાતી હોય તેમ ઝાડની ડાળી
પકડીને, થોડું શરમાઈને ફોટા પડાવતી. કેટલીક પરફેક્ટ મૅચિંગની શોખીન લલનાઓ તો વળી,
પોતાનાં કપડાં સાથે મૅચ થાય તેવાં ફૂલોના બૅકગ્રાઉન્ડ આગળ ફોટા ખેંચાવતી ! આ
પ્રવાસની જો મોટામાં મોટી કોઈ ઉપલબ્ધિ હોય તો તે ફોટા ! અસંખ્ય ફોટા સતત ક્લિક થતા
જ રહેતા, મોબાઈલમાં પણ અને કૅમેરામાં પણ. મોબાઈલ પરથી યાદ આવ્યું, પરદેશમાં ફરતી
વખતે મોબાઈલ પર ભાગ્યે જ કોઈ રમણી ગૂસપૂસ કે ઘાંટાઘાંટ કરતી દેખાઈ ! મોબાઈલનો
ચાર્જ મુસ્કાન છીનવી લે તેવો હોવાથી, ઘરે ખબર આપવા–પૂછવા પૂરતી વાતો કરી મોટે ભાગે
બધાં મોબાઈલથી જાણે ડરતાં હોય તેવું લાગતું. આ બહાને પણ પ્રવાસમા એકંદરે શાંતિ
હતી. જોકે એના ફાયદા ઘણા થયા.
રોજ રોજ નવી નવી ઓળખાણો થતી રહેતી. જો કોઈ એકલું
આવ્યું હોય તો તેને પણ કંપની મળી રહે અથવા તેની પણ કોઈ ને કોઈ તો કાળજી લેતું રહે,
એટલી બધાંની નજર સતત બધે ફરતી જ રહેતી. બાકી મોબાઈલ ક્યાં કોઈને જોવાની પણ ફુરસદ
આપે છે ? વાતો ને મજાકમસ્તીની સાથે સાથે અંતાક્ષરીની મજા પણ લેવાતી. એવું લાગતું
જાણે કે, જ્યાં જાય ત્યાં મેળાનું વાતાવરણ ખડું કરી દેવામાં સ્ત્રીઓની માસ્ટરી છે.
કોઈ એકલું બેસી રહ્યું હોય કે ઉદાસ ફરતું હોય એવું ક્યારેય નજરે નથી પડ્યું.
મોબાઈલને લઈને શરૂ શરૂમાં સૌને થોડી તકલીફ
પડેલી. મોબાઈલ ચાર્જ ક્યાં કરવા ? રૂમમાં કશે સ્વિચબોર્ડ દેખાયા નહીં એટલે જાસૂસની
અદાથી અમે તો ઘુંટણિયે પડીને પણ ફર્નિચરની પાછળ ને નીચે બધે જ શોધી વળેલાં. આખરે
એક– બે જગ્યાએ બોર્ડ મળ્યાં ત્યારે ચાર્જરની પિને નખરાં કર્યાં. કંટાળીને છેલ્લે
અમે રિસેપ્શન પર ફોન કર્યો ત્યારે રૂમ અટેન્ડન્ટ આવ્યો પણ ભાષાની મગજમારી ! અમે તો
બન્ને હાથમાં મોબાઈલ ને ચાર્જર ને વાયર એને બતાવીને આવડ્યા એવા ઈશારા કર્યા ત્યારે
જેમતેમ મોબાઈલ ચાર્જ થયેલા. આવી બધી નાની નાની ખટપટો થયા કરતી ને ગમ્મતમાં વધારો
કર્યા કરતી.
બગીચો જોવાઈ રહ્યા પછી જાતજાતના શો જોવાની શરૂઆત
થઈ. પહેલો જ થાઈ કલ્ચરલ શો હતો. આ સંપૂર્ણપણે સાંસ્કૃતિક કાર્યક્રમ હોઈ એમાં થાઈ
સ્ત્રી–પુરુષો ને બાળકો પણ કલાકાર તરીકે દેખાયાં. પ્રેક્ષકોમાં તો દુનિયાભરના
ટુરિસ્ટો. બેઠક–વ્યવસ્થા પણ બહુ ભભકાદાર નહીં. સ્ટેડિયમ જેવા બાંકડા ગોળાકારમાં
રાખેલા પણ ઠંડા પાણીના હળવા ફુવારા અને મોટા ઊભા પંખાને કારણે હૉલમાં ઠંડક રહેતી.
સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં આ શો જોવા આવેલા. બધા શોના સમય નક્કી હોવાથી શોના
છૂટવાની સાથે જ સ્ત્રીઓનો ગભરાટ ચરમ સીમાએ પહોંચી જતો. કોણ વહેલું ભાગે ને કોણ
પહેલાં જગ્યા રોકે ? ઘુંટણની તકલીફવાળી તો કેટલીય સ્ત્રીઓ હતી, જેમને હંમેશાં
પાછળની સીટ જ મળતી. જોકે, પછીથી વિનંતી કરાતાં આગળના બાંકડા એમના માટે ખાલી રખાવા
માંડ્યા.
બીજો શો હતો હાથીના ખેલનો. બાળપણની યાદો તાજી થઈ
જાય એવા શો જોવાની સૌને મજા પડતી હતી. આ વખતે આગળ દોડીને જગ્યા રોકી બેસી ગયેલી
સ્ત્રીઓએ પીછેહઠ કરવી પડી. કારણ ? તો ભઈ, હાથી જ્યારે સૂંઢમાંથી પાણીનો ફુવારો
છોડશે ત્યારે બધાના કપડાં ને મોંઘા કૅમેરા ને ચશ્માં ને નાસ્તા ને.....કેટલું બધું
સાચવવાનું ? ઉતરેલા ચહેરે એ બધીઓ જગ્યા શોધતી શોધતી પગથિયાં ચડતી ચડતી પછી છેક
છેલ્લે જઈ બેસે. શું થાય બીજું ? એ તો વારા પછી વારો ને તારા પછી મારો !
હાથીના શો તો આપણે સર્કસમાં ને ટીવીમાં ઘણી વાર
જોયા હોય, ખાસ નવાઈ ના લાગે. નવાઈ તો ત્યારે લાગે, જયારે એના જેવી જ કોઈ સ્ત્રી
એની સૂંઢમાં બેસીને મજેથી હીંચકા પણ ખાય અને પાછી પૈસા ખર્ચીને ફોટા પણ પડાવે !
ઘણે વર્ષે હાથીના શો જોઈને સૌને મજા પડતી હતી, તેમાં આવા ખેલ ઉમેરો કરતા હતા. આવી
બધી જગ્યાઓએ પૈસા કમાવાના આ જ તો રસ્તા હોય છે. મનોરંજનની સાથે કમાણી. સ્ત્રીઓ તો
હાથીઓને નાસ્તો કરાવવામાં, હાથી સાથે ફૂટબૉલ રમવામાં, હાથીસવારીની મજા લેવામાં ને
એમની સૂંઢમાં હીંચકા ખાવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે બીજા શોમાં પણ જવાનું છે તે
ભૂલી ગઈ ! આખરે એમને રીતસરની આજીજી કરવી પડ, ‘પ્લીઝ, આ હાથીઓની દયા ખાઓ ને બીજો શો
જોવા જાઓ. ’
વળી બીજા શોમાં જગ્યા રોકવાની છે તે યાદ આવતાં
બધી વહેલી વહેલી ડગલાં ગણતી ભાગી ‘કાઉ બૉય શો’માં !
લેડીઝ બારમાં એક સાંજ !–––(૧૬)
‘નૉંગ નૂચ’ની વિશાળ જગ્યામાં અહીંથી ત્યાં
દોડાદોડી કરતાં કરતાં સૌ ધીરે ધીરે થાકવા માંડ્યાં હતાં. તોય, નવા નવા શો જોવાની
તાલાવેલી કે પછી, ‘અમે રહી ગયાં ને બધાં દોડી ગયાં’ની લાગણી અથવા ‘બધાં શો જોતાં
હશે ત્યારે અમે નવરા બેસીને શું કરશું?’ જેવું કંઈક વિચારીને પણ, રંગબેરંગી ધાડાં
જ્યાં આદેશ થાય ત્યાં બધે પહોંચી જતાં ખરાં! કદાચ બીજા ટુરિસ્ટોને આ ખેલ જોવાની
મજા પણ આવી હશે. એમને તો બીજા બધા શો કરતાં કદાચ અમારી દોડાદોડીમાં વધારે ગમ્મત
પડી હશે–જો ઝીણવટથી દરેકની ચાલઢાલ જોઈ હશે તો! વાતોમાં તો મને ખાતરી છે કે, એમને
કંઈ સમજ નહીં પડી હોય પણ જેને બોડી લૅંગ્વેજ કહેવાય તે તો ઈન્ટરનૅશનલ લૅંગ્વેજ!
આનંદ જ મેળવવો હોય તો આંખ ને કાન ખુલ્લાં હોય પછી બીજું શું જોઈએ? ને સામે
સ્ત્રીઓનાં ટોળેટોળાં હોય પછી કંઈ કહેવાપણું રહે?
ખેર, એલીફન્ટ શોની મજા માણ્યા પછી વારો હતો
‘કાઉબૉય્ઝ શો’નો. હૉલીવુડની કોઈ જૂની ફિલ્મના સેટ પર આવી પહોંચ્યાં કે શું?
લાગતું તો એવું જ હતું. અદ્દલ ગામડું ઊભું કરેલું. અંગ્રેજી ફિલ્મોના શોખીનોને તો
ક્લિન્ટ ઈસ્ટવૂડ ને ગ્રેગરી પેક પણ દેખાવા માંડ્યા હશે કદાચ. અચાનક જ એક ખૂણેથી ચાર
ઘોડાની હણહણાટી સંભળાઈ અને તે સાથે જ મોટી ઝૂંપડીમાંથી, પોનીટેલવાળી ગોરી યુવતી
ચીસાચીસ કરતી બહાર દોડી આવી. એણે ઝૂલવાળી લાંબી બાંયો ને ઝાલરિયા કૉલરવાળું સફેદ
બ્લાઉઝ પહેરેલું, જેને એણે ફૂલોની ડિઝાઈનવાળા લાંબા ગુલાબી સ્કર્ટમાં ખોસેલું. એ
યુવતી મદદ માટે ચીસો પાડતી હતી પણ પેલા ચાર ઘોડેસવારોના આવી જવાથી કોઈ મદદ માટે
આવ્યું નહીં. પેલા ઘોડેસવારોએ કમરેથી સ્ટાઈલમાં પિસ્તોલ કાઢીને હવામાં બે–ચાર
ગોળીઓ છોડી અમસ્તી જ બગાડી. એમાં પેલી છોડીએ બે ચીસ વધારે પાડી! એવામાં ઝૂંપડીનો
દરવાજો તોડી કોણ જાણે ક્યાંથી પણ પ્રગટ થયેલા હીરોએ ખાસ અંદાજથી બે ખિસ્સામાંથી બે
રિવોલ્વર કાઢી અને ધાંય ધાંય ગોળી છોડીને પેલા ચાર ઘોડેસવારોને ઘોડા પરથી ગબડાવી
પાડ્યા. સ્કૂલના ટાબરિયાંઓને બહુ મજા પડી રહી હતી તે એમની તાળીઓ ને હસવાના અવાજોથી
જણાઈ રહ્યું હતું. અમારું ગ્રૂપ તો થોડી વારમાં કંટાળ્યું, કારણકે આજકાલની હિન્દી
ફિલ્મોના સ્ટંટ તો ક્યાંય આગળ વધી ચૂકેલા ને ભરપૂર મનોરંજન પણ આપે તેવા હોવાથી
ધીરે ધીરે સૌ બહાર નીકળી ગયાં. હવે સૌના ચહેરા પર થાક દેખાતો હતો. સમજુ ગાઈડે
નજીકની જ એક જગ્યાએ સૌને થાકની સાથે આઈસક્રીમ ખાવા બેસાડી દીધાં.
બહાર નીકળતી વખતે સૌ મંકોડા ગાર્ડનમાંથી પસાર
થયાં! અહીં નાના મોટા, રંગબેરંગી મંકોડાથી દિવાલો સજાવેલી. આજુબાજુ જ્યાં નજર પડે
ત્યાં, દેડકાં ને ડુક્કરના જાતજાતના પૂતળાં(!) ગોઠવેલાં. આપણે ત્યાં
મોર–પોપટ–હાથી–ઘોડા જેવા પ્રાણીઓ દેખાય જ્યારે અહીં? આપણાથી કોઈનામાં ડહાપણ કેમ
થાય? હવે ચાલી ચાલીને સૌ કંટાળેલાં, સાથે લાવેલા પડીકાંમાંથી ફાકા મારવામાં પણ
મજા નહોતી આવતી. આઈસક્રીમે તો પળભરની રાહત આપી પણ ખરેખર તો ભોજનનો સમય થયો હોઈ
સૌના પેટમાં આગ લાગી હતી. મનપસંદ ગરમાગરમ ભોજનની સૌને આદત પડવા માંડી હતી એટલે
બધાં બસમાં ગોઠવાઈ ગયાં. જમ્યા બાદ મોટે ભાગે બસમાં સૌ નાની મોટી ઝપકી લઈ લેતાં ને
બાકીના સમયમાં ગપ્પાં મારી લેતાં જેથી સાંજના કાર્યક્રમ માટે ફરીથી તાજામાજા થઈ
જવાય.
સાંજે તો, પટાયાના ફેમસ ‘લોટસ ટેસ્કો મૉલ’ માં
ફરવાનો અને શૉપિંગનો સૌનો મનપસંદ પ્રોગ્રામ રાહ જોતો હતો. સૌને ખબર હતી કે, શૉપિંગ
માટે પટાયા કરતાં બૅંગકૉક વધારે મોટું, સસ્તું અને પ્રખ્યાત છે છતાં....! છતાં
જોવામાં અને કંઈ ગમી જાય તો લેવામાં શો વાંધો? કોઈ પણ મૉલ ગમે તેટલો મોટો કેમ ન
હોય પણ ત્યાં જો એકસામટી પાંચસો સ્ત્રીઓ, એક પછી એક આવતી જ જાય તો મૉલના દરવાજા,
દિવાલો ને સ્ટાફની સાથે ત્યાં હાજર રહેલા બીજા ટુરિસ્ટોમાં પણ ધરતીકંપની અસર
વર્તાયા વગર રહે? એ તો સારું કે ટૂરના આયોજકો આવા બધા હુમલાઓથી સારી રીતે ટેવાઈ
ગયેલા, એટલે મૉલમાં દાખલ થતાં પહેલાં જ બધાંને સૂચના આપી દીધેલી, ‘અમુક નક્કી સમયે
મૉલની બહાર બધાંએ ભેગાં થઈ જવું, નહીં તો બસ તમને મૂકીને જતી રહેશે.’ બસ, આ એક જ
બીક સૌને સમયસર, નિર્ધારીત જગ્યાએ હાજર કરી દેતી. જોકે, અમુક જડ કહી શકાય તેવી
શૉપિંગઘેલીઓને આજીજી કરીને કે પછી હાથ પકડીને ખેંચીને બહાર કાઢવી પડતી! ‘ભઈ,
બીજાઓ માટે પણ કંઈ રહેવા દો.’ શૉપિંગનો સમય પૂરો થતાં જ, શૉપિંગથી થાકેલી (ના ના,
એવું તો કેમ કહેવાય? પણ શૉપિંગથી ન ધરાયેલી રમણીઓને આખરે ભોગ ધરાવવા માટે એક
લેડીઝ બારમાં લઈ જવાઈ!
બારના નામ માત્રથી બધાનાં મોં પરના હાવભાવ
જાતજાતની રંગોળી પૂરવા માંડ્યા. પેલા મસાજ પાર્લરનું નામ પડતાં જેવી હાલત થયેલી,
તેવી જ હાલતના સૌ શિકાર બનવા માંડ્યાં. બારમાં જવાનું? ત્યાં ફિલ્મોમાં બતાવે છે
તેવું જ વાતાવરણ હશે? કે કંઈક નવું હશે? દારૂની વાસ ને સિગારેટના ધુમાડાથી
ગંધાતું હશે કે પછી પીધેલાઓની વચ્ચે કોઈ ડાન્સરનો ડાન્સ ચાલતો હશે? હિન્દી
ફિલ્મના ચિત્રો બધાંની આંખમાં આવીને ગોઠવાઈ ગયાં. અવઢવમાં ગભરાતી બહેનો ને કંઈક
નવું, ન જોયેલું જોવા મળવાનું જાણી ખુશ થતી મસ્તીખોર બહેનો આખરે એક ઈન્ડિયન
ડિસ્કૉથેકની સામે ધડકતા દિલે આવી પહોંચી.
ડિસ્કૉથેકનો દરવાજો ખૂલતાં જ રંગીન લાઈટોના
ઝબકારા ને ધાંય ધાંય મ્યુઝિકે સ્ત્રીઓના મોં પર ચમક લાવી દીધી. અરે વાહ! ડિસ્કો
ને મ્યુઝિક? અંદરખાને બાર વિશે જાણવાની પણ સૌને ચટપટી હતી. ટૂરના પૈસા તો અહીં જ
વસૂલ થઈ ગયા! એક તરફ ગરમ ગરમ છોલે–પૂરી ને ગુલાબજાંબુની ડિશો તૈયાર હતી જે લઈને,
બધાંએ પોતપોતાની જગ્યા શોધી બેસી જવાનું હતું. જેમને જમવાની ઉતાવળ નહોતી તે સૌ
ડાન્સફ્લોર પર જઈને મ્યુઝિકના તાલે તાલે હલવા માંડી હતી. હલવાનું ધ્રૂજવામાં અને
ધ્રૂજવાનું ધુણવામાં બદલાવા માંડ્યું કે પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળવા માંડ્યું.
આ ફક્ત નામનો બાર હતો. બાકી અહીં ધુમ્રપાન અને
મદિરાપાનનો કડક નિષેધ હતો. મને ખાતરી છે કે, જો આ બે વાતનો નિષેધ ના હોત તો, અહીં
પણ ધુમાડાના ગોટેગોટાની વચ્ચે ઝૂમતી લલનાઓ જોવા મળી જ જાત! અહીં કહેવા કે
પૂછવાવાળું તો કોઈ હતું નહીં. પરિણામની બીકે જ કદાચ આ લોકોએ આ બારને ‘જય મણિબહેન
બાર’ બનાવી દીધો હશે. ધારો કે, અહીં કાબૂ બહાર ગયેલી અમુક લલનાઓ ઢળી પડત તો એમને
ઊંચકીને બસમાં કેવી રીતે ચડાવત? ખેર, એવું કંઈ બન્યું નહીં અને સાંજ બહુ મજેની
રહી. કેમ ન રહે? જ્યાં ડાન્સ ફ્લોર પર ઝૂમતી યુવતીઓ સૌને પોતાના તરફ આકર્ષવામાં
સફળ રહી હતી. એમને જોઈને તો, જે સ્ત્રીઓ કાયમ પલાંઠી વાળીને કે પગ લંબાવીને આરામથી ઘરમાં બેસતી હશે, તે
સ્ત્રીઓએ પણ મ્યૂઝિકના તાલે બે ઠેકા મારી લીધા હશે–જગ્યા પર બેઠાં બેઠાં જ! મને
તો ખાતરી છે.
બધી ધમાલ પૂરી થતાં લગભગ સાડા દસ વાગી ગયા. કોઈની
પાછા ફરવાની મરજી ના જણાઈ. આખી રાત જો બેસાડી મૂકત તો પણ બધાં બેસી રહેત. ને ડાન્સ
ફ્લોર પણ ધમધમ્યા કરત જો બધાંને માનથી હાથ પકડીને નીચે ના ઉતાર્યાં હોત તો! એક
યાદગાર રાતની યાદ લઈને સૌ બારની બા’ર નીકળ્યાં. થોડું ચાલીને બધાંએ બસમાં હૉટેલ
તરફ રવાના થવાનું હતું પણ રસ્તામાં એક એવું દ્રશ્ય એમની રાહ જોઈ રહ્યું હતું જેની
કોઈએ કલ્પના પણ નહોતી કરી! ચાલતાં ચાલતાં સૌને પટાયાની ઝાકઝમાળ પાછળનો અસલી ચહેરો
જોવા મળ્યો. રસ્તાની બન્ને બાજુએ નાની નાની ખુલ્લી હૉટેલોમાં, રંગીન રોશનીમાં
નહાતી સુંદર, ગોરી કન્યાઓ મસ્તીમજાક કરતી જણાઈ. રસ્તા ઉપર પણ સજીધજીને ઊભેલી કે
રખડતી બાળાઓ ગ્રાહકોની રાહ જોતી હતી. આ પટાયાની બહુચર્ચિત પ્રખ્યાત કે કુખ્યાત
નાઈટલાઈફનો વરવો ચહેરો હતો. આમાં કેટલીક તો બાર–પંદર વર્ષની પણ લાગતી હતી! આ
છોકરીઓને જોતાં જ કોઈ અપરાધભાવથી કે કરુણાથી એકદમ શાંત થઈ ગયેલી બધી જ સ્ત્રીઓ
ચૂપચાપ જઈને બસમાં ગોઠવાઈ ગઈ. પહેલી વાર જ બસમાં સન્નાટો હતો. હકીકત તરફ આંખ મીંચી
દેવા સિવાય કોઈ કંઈ કરે છે? અમે પણ શું કરીએ? અહીં તો બધું કાયદેસર છે પણ ફક્ત
અઢાર વર્ષની ઉપરની બાળાઓ માટે જ, છતાંય? બધે જ કાયદા અને પોલીસ કે સરકારની
સાંઠગાંઠ?
ladies bar interesting, but the end of article very very tragic
જવાબ આપોકાઢી નાખો- a d aus
સાચું.
કાઢી નાખોઅશ્વિનભાઈની વાત સાચી છે, પણ હકીકત છે એને નકારી તો ન શકાય ને?
જવાબ આપોકાઢી નાખોપલ્લવી.
ખરી વાત. સોનાની થાળીમાં લોઢાની મેખ.
કાઢી નાખો