રવિવાર, 9 એપ્રિલ, 2017

પટાયાની અપ્સરાઓ–––(૧૩)


પ્રવાસ કરનારાઓમાં બે જાતના લોકો હોય છે. એક–જેઓ પ્રવાસના સ્થળની પૂરેપૂરી માહિતી મેળવી લે, ખાણીપીણીથી માંડીને જોવાલાયક જગ્યાઓના નામ, ફોટા સાથે લઈને ફરે. સ્થાનિક લોકો અને પૈસાના ચલણ પર, રસ્તાઓની વિગતો ને નકશા પર પણ નજર રાખે. અમુક ટકા આ લોકો સાથે હું સહમત છું પણ હું બીજા લોકોમાં ગણાઉં, જેમને પ્રવાસના સ્થળ વિશે અજાણ્યા રહેવું પસંદ હોય. ઉપરછલ્લી માહિતી મેળવવા સિવાય તદ્દન નાના બાળકના ભોળપણ ને વિસ્મય સાથે પ્રવાસ કરવાની જે મજા છે, તે બધું જાણીને ડાહ્યા થવામાં નથી. મને તો પૂછી પૂછીને પાણી પીવાની ટેવ એટલે પૂછીને પંડિત બનવામાં રસ. બીજું કંઈ નહીં.

જોકે બૅંગકૉક ને પટાયાના નામ એક જ ધંધાને લીધે બદનામ બની ગયા હોવાથી એના જોવાલાયક સ્થળો અને માણવાલાયક કાર્યક્રમોનો ઉલ્લેખ કરવાનું જ લોકો ભૂલી જાય છે. જેઓ ખરેખર ફરવા જાય છે, તેઓ યાદ રાખીને પટાયાના વર્લ્ડ ફેમસ કાર્યક્રમો જોવા જરૂર જાય છે. અમે પણ ગયાં.

શોનું નામ હતું ‘અલકાઝર શો’. લગભગ બારસો લોકોને સમાવતા વિશાળ હૉલમાં થતા આ અદ્ભૂત શોને એક વાર જોયા પછી, કદાચ દિવસો સુધી મગજમાંથી એની અસર નીકળે નહીં અને દિલ પર અમીટ છાપ છોડી જાય તે તો અલગ! લગભગ દોઢેક કલાકના સળંગ શોમાં એક પછી એક અફલાતૂન ડાન્સ રજૂ થતો જાય. એમાં તો, જાણે આકાશમાંથી એક પછી એક અપ્સરા ઊતરતી હોય એવી વર્ણનાતીત, ભવ્ય વસ્ત્રોમાં સજ્જ સુંદરીઓ ઝગમગ રોશનીમાં નહાતી, નાજુક ડગલાં માંડતી સ્ટેજ શોભાવતી રહે અને સંગીતના તાલે તાલે લોકોને મંત્રમુગ્ધ કરતી રહે. ન તો વચ્ચે કંઈ વિચારવાનો સમય રહે કે ન આમ તેમ જોવાનો. બસ, નિર્મળ ને નિર્ભેળ આનંદ જ આનંદ. બાળકો સાથે સૌથી જોઈ શકાય એવો આ શો વર્ષોથી કદાચ આજે પણ એટલો જ લોકપ્રિય છે. લાઈટ અને મ્યુઝિક બધું જ કમ્પ્યુટરાઈઝ્ડ! અમને તો એ બધી ડાન્સરો જ એટલી બધી ગમી ગયેલી કે, મનોમન અમે આપણી હીરોઈનોને બબડી લીધું, ‘આ લોકોની આગળ તો ક્યાંય પાણી ભરે, હંહ!’

જેવો શો પૂરો થયો કે, લોકો ટોળામાં જ હૂડૂડૂ કરતાં બહાર ભાગ્યા. અમને નવાઈ લાગી. આરામથી શોને વાગોળતાં વાગોળતાં નીકળવાને બદલે આ લોકોને એકદમ શાની ઉતાવળ આવી ગઈ? બે જ મિનિટમાં અમને જવાબ મળી ગયો. એક તો કાર્યક્રમનો જાદુ કે નશો જે ગણો તે, સૌના દિમાગ પર છવાયેલો હતો ને તેમાં પ્રેક્ષકોની વચ્ચે પેલી અપ્સરાઓ કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળી! સૌની સાથે એ બધી પણ દરવાજાની બહાર ભાગતી હતી! મંત્રમુગ્ધ થયેલા લોકો તો એમને ઘેરીને સાથે સાથે બહાર નીકળવા માંડ્યા. બહાર કમ્પાઉન્ડમાં જઈને એ બધી, પોતાના કૉસ્ચ્યૂમ્સ અને હેરસ્ટાઈલ ઠીક કરતી, ફટાફટ જાતજાતના પોઝ આપીને ઊભી રહી ગઈ.

જેમ જેમ લોકો બહાર નીકળતા ગયા, ખૂબ નજીકથી ડાન્સરોને પોતાના કૅમેરામાં કેદ કરતા રહ્યા. ત્યાં ત્રણ–ચાર પ્રોફેશનલ કૅમેરામૅન પણ લોકોને ડાન્સરોની સાથે ફોટા પડાવવા માટે લલચાવતા હતા. એક તરફ સુંદરીઓની અદાઓથી ઘાયલ થઈને જેમતેમ હોશમાં આવેલા અને એમના રૂપથી મંત્રમુગ્ધ બનેલા લોકો અને બીજી તરફ એ રૂપાળીઓ સાથે જ યાદગાર તસવીર ખેંચાવવાનું લલચામણું આમંત્રણ! અજાણ્યા ટુરિસ્ટો તો, ફટાફટ બે ડાન્સરોની વચ્ચે જઈ એમના કોમળ હાથને પોતાના હાથમાં લઈ ખુશી ખુશી ફોટા પડાવી લેતા પણ જેવી એમની પાસે પૈસાની ઉઘરાણી થતી કે, એ લોકો હક્કાબક્કા થઈ જતા. ફોટો પડાવવાના પણ પૈસા?

અમે પણ ફસાયાં! સ્ત્રી હોવા છતાં, ચાર ચાસણી પણ ઓછી પડે એવી રૂપાળી લલનાઓના રૂપથી ઘેલી બનેલી અમે સાત–આઠ સ્ત્રીઓ વારાફરતી, એમની એક ઝલક મેળવવા, એમને હાથ લગાડીને સપનું નથી તેની ખાતરી કરવા અને ખાસ તો એમની સાથે ફોટો પડાવીને વટ મારવા માટે ઝડપથી બે ડાન્સરોની આજુબાજુ, ખોટેખોટી સ્માઈલ આપતી ઊભી રહી ગઈ! એ સુંદરીઓએ તો એમની હંમેશની આદત મુજબ મસ્ત પોઝ આપી અમને ઝાંખાં પાડી દીધાં, તોય ધન્યતા અનુભવતાં અને ખુશ થતાં અમે ત્યાંથી થૅન્ક યૂ કહી જવા માંડ્યાં. ત્યાંથી ખસતાં જ અમારી સામે એમના હાથ લંબાયા, ‘મૅડમ હન્ડ્રેડ બા’થ.’ (ખાલી હાથ લગાડવાના ને ફોટો પડાવવાના બસ્સો રૂપિયા? તે પણ દરેકના જુદા?)

‘અરે  હોય કંઈ? પૈસા વળી શાના?’ અમે સૌએ આનાકાની શરૂ કરી. ‘અમને શું ખબર? નહીં તો અમે ફોટો પડાવત જ નહીં.’ વગેરે વગેરે બબડતાં અમે પાંગળી દલીલો કરી પણ જમાનાથી ટેવાયેલાઓએ અમને ઘેરી લીધાં ને પૈસા કઢાવીને જ છોડ્યા! શો મફતમાં જોયો (જોકે એ ટૂરના પૈસામાં ગણી લેવાયેલું) ને વધારાનો ચાંદલો હીરોઈનોને જોવાનો નહીં પણ એમની સાથે ફોટા પડાવવાનો કર્યો. શો જોયાનો આનંદ સ્વાભાવિક જ અડધો થઈ ગયો.

શોની વાત કરતાં કરતાં સૌ બસમાં હૉટેલ તરફ પાછાં ફરતાં હતાં કે, પેલી થાઈ ટૂર ગાઈડે ધીરેથી રાઝ ખોલ્યો, ‘તમારા કોઈના ધ્યાનમાં આવ્યું કે, આપણે જે શો જોઈને આવ્યાં તે શોની ડાન્સરો છોકરીઓ નહોતી!’
આખી બસને એક જોરદાર આંચકો લાગ્યો. ‘હેં..એ..એ....!’
‘હા, અહીં છોકરાઓ આ ડાન્સ કરે છે. આ ડાન્સમાં કમાણી વધારે હોવાથી અહીંના વધારે ને વધારે છોકરાઓ; પોતાના શરીરને સ્ત્રીના જેવું બનાવીને, ટ્રેનિંગ લઈને, મેકઅપની મદદથી સુંદર બનીને આ ડાન્સ રજુ કરે છે. અહીં કોઈ છોકરાને એની શરમ પણ નથી. આ અમારા દેશનો કમાઉ ઉદ્યોગ બની ચૂક્યો છે, જેનાથી દેશને ધૂમ કમાણી થાય છે. ’

અમારી ચર્ચાનો વિષય પછી બદલાઈ ગયો. આટલા સુંદર છોકરાઓ પણ હોઈ શકે અને આટલો લચકદાર ડાન્સ પણ કરી શકે તે કોઈના માનવામાં જ નહોતું આવતું. પેલા બસ્સો રૂપિયાનો કોઈ અફસોસ પછી કોઈને પણ રહ્યો નહીં.

8 ટિપ્પણીઓ:

  1. જવાબો
    1. આભાર. ખરેખર સુંદર કાર્યક્રમ. રહસ્યકથાઓ ખૂબ વાંચેલી એટલે જ અસર આવતી હશે.

      કાઢી નાખો
  2. હું બીજા લોકોમાં ગણાઉં, જેમને પ્રવાસના સ્થળ વિશે અજાણ્યા રહેવું પસંદ હોય. ઉપરછલ્લી માહિતી મેળવવા સિવાય તદ્દન નાના બાળકના ભોળપણ ને વિસ્મય સાથે પ્રવાસ કરવાની જે મજા છે, તે બધું જાણીને ડાહ્યા થવામાં નથી.
    mane pan aavo pravas game. film pan aavi rite j jovani game.
    pallavi.

    જવાબ આપોકાઢી નાખો
  3. આ શૉ જોવા હું પણ ગયો હતો.પટાયામાં છોકરાઓ નાના હોય ત્યારે હોર્મોન્સના ઇન્જેક્શન લઇને છોકરીઓની જેમ શરીરને વિકસાવે છે. પૈસા માટે એમના માતાપિતા સંતાનોનું આ રીતે શોષણ કરે છે. આ વાત જાણ્યા પછી દયા આવે, દુ:ખ થાય.થાઇલેન્ડમાં આવું તો ઘણું ચાલે છે. ત્યાં સ્ત્રીયા રાજ ખરૂં પરંતુ શોષણની સામે કોઇ અવાજ નથી ઉઠાવતું. અવાજ ઉઠાવતા હોય તો પણ એને દબાવી દેવામાં આવે છે.ટુરીસ્ટ ગાઇડ પાસેથી ઘણું જાણવાનું મળે છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખરી વાત. જાહોજલાલી ને ઝાકઝમાળ પાછળની વાતો જાણીને દુઃખ જ થાય.

      કાઢી નાખો