પટાયાના જોવાલાયક સ્થળોમાં ‘કોરલ આઈલૅન્ડ’નો
ઉલ્લેખ અવશ્ય કરવો પડે. સુંદર દરિયાઈ જીવસૃષ્ટિનો અદ્ભૂત નઝારો જોવા દેશવિદેશથી
સહેલાણીઓ અહીં ઊતરી પડે. જોકે, એના માટે ખાસ ઓક્સિજન માસ્ક પહેરીને દરિયાના ઊંડા
પાણીમાં ઊતરવું પડે. અમારા કાફલાની પાંચસો સ્ત્રીઓમાંથી પાંચમા ભાગની સ્ત્રીઓ
પાણીમાં જવા તૈયાર થઈ, પણ પાણીમાં ગયા પછી એમનું શું થશે? એ વિચારે ડરીને જ બાકીની
સ્ત્રીઓ તો દરિયાકિનારે ગોઠવેલી ખુરસીઓમાં ગોઠવાઈ ગઈ. અમસ્તી અમસ્તી જ થોડું
ચાલીને થાકી જતી નાજુક, નમણી નારો લાંબી ખુરસીઓમાં પગ લંબાવીને આરામ ફરમાવતી બેઠી.
એક તરફ આ બધી સ્ત્રીઓ આરામ ફરમાવતી હતી, જ્યારે
બીજી તરફ દરિયાઈ સૃષ્ટિ જોવા અધીરી બનેલી ને દરિયાથી કે એના અગાધ, ઊંડા પાણીથી ન
ગભરાતી, વીર શિવાજી કે મહારાણા પ્રતાપની વંશજ હોવાનો દાવો કરી શકે, તેવી બહેનો તો ખાસ બોટમાં લાઈન લગાવીને ઊભી
રહેલી. અમે બે પણ કમ તો નહોતી! બધે જ ‘યા હોમ’ કરીને કૂદી પડવાની ટેવ અહીં પણ કામ
આવી. અમે પણ હોંશે હોંશે લાઈનમાં ગોઠવાઈ ગયેલાં. ‘અન્ડરવૉટર વર્લ્ડ!’ વાહ! હમણાં,
અમે એ પાણીની સપાટી પર છીએ જેની નીચે જાતજાતના જળચરો પકડાપકડી રમે છે! ટીવી પર તો
કેટલીય વાર ને ઘણી વાર ફિલ્મોમાં પણ જાતજાતની, રંગબેરંગી અદ્ભૂત માછલીઓ ને બીજાં
અજાયબ પ્રાણીઓને જોયાં હતાં. જ્યારે આજે? આજે અમે એ સ્વપ્નનગરીનો જાતે અનુભવ
કરશું. એક જ ડૂબકી ને જાદુઈ નગરીમાં સફર! સ્વર્ગ હવે હાથવેંતમાં જ નહીં પણ આંગળીના
ટેરવે હતું. નાની નાની માછલીઓને હાથમાં લેવાની ચેષ્ટા કરશું ત્યારે એ કેવી સરકી
જશે! અને પાણીમાં ચાલવાની મજા? જિંદગીભર યાદ રહે તેવો અનુભવ મળવાના વિચારે
અમે સૌ બહુ જ રોમાંચિત હતાં તે સૌના
કલબલાટ પરથી જણાઈ રહ્યું હતું. સૌના શરીરની ધ્રુજારી અને હૃદયના ધબકારાને કારણે અચાનક
જ હોડી હાલકડોલક થવા માંડી! હોડીવાળાએ ને અમારા ગાઈડે બધાંને ‘રિલેક્સ’ કહ્યું કે,
હોડી પાછી સ્થિર થઈ ગઈ! કોઈને એ વિચાર કેમ નહોતો આવતો કે, નીચે જો શાર્ક કે મગર
દેખાઈ જાય તો શું કરશું? જોકે, આ ખાસ પસંદ કરેલી જગ્યા હોવાથી કોઈએ ડરવાની જરુર
નહોતી. એમ પણ પૈસા ભરાઈ ગયા હોય પછી કોઈ ભાગ્યે જ પીછેહઠ કરે!
બધી જલપરીઓને જાળીવાળા પ્લાસ્ટિકના બૂટ
પહેરવાનું ફરમાન થયું. હોડીમાં થોડે થોડે અંતરે બૂટની નાની ઢગલીઓ મૂકેલી તેમાંથી માપનાં
શોધીને બધાએ બૂટ પહેરી લીધાં, કોઈ પણ જાતની વરણાગી કે ચોખ્ખાઈની પંચાત કર્યા વગર! શરીરના
વજન સાથે જો સાદા બૂટનું વજન વધી જાય તો ડૂબવામાં આસાની થઈ જાય! પણ આ તો
સહેલાણીઓનું સ્વર્ગ અને સહેલાણીઓને સીધે રસ્તે સ્વર્ગમાં મોકલવાની, આ ધંધાદારી
લોકોની જરાય ઈચ્છા નહીં એટલે એ લોકોએ બૂટમાં કાણાં રાખેલાં! દરેકે એક હાથમાં
કપડાનું મોજું પણ પહેરવાનું હતું(હૅન્ડ ગ્લવ). પાણીમાં ઊતરતી વખતે સીડીના હાથા પર
પકડ રહે અને દરિયાઈ જળચરમાં પોતાનો ઉમેરો ન થઈ જાય એટલે પણ! કોઈને નીચેની દુનિયા
વધારે ગમી ગઈ અને બહાર આવી ગયા પછી પાછા જવાની જીદ કે લુચ્ચાઈ કરે તો? દરેકના હાથ
પર ઓળખના સિક્કા મરાઈ ગયા. આપણા બધાના હાથ પર કાયમ જ આવા સિક્કા મારી રાખીએ તો?
કેટલી બધી ઝંઝટમાંથી મુક્તિ મળે નહીં? કે ઝંઝટ વધી જાય? લોકો તો પછી એક બીજાના
સિક્કા જોઈને એક બીજાને ઓળખવાના ચક્કરમાં જ ઉલઝેલા રહે! જવા દો માંડી વાળીએ.
બે લાઈનમાં બધી સ્ત્રીઓ જીવસટોસટના ખેલ માટે
ઊંચા જીવે તૈયાર હતી. બધાંની નજર દરિયામાં ગરક થતી સીડી પર જ હતી. કોણ આવે છે? કોણ
જાય છે? જેમ જેમ, એક એક સાહસિક બાળા સીડી પર જઈને ઊભી રહેતી કે, ત્યાં ઊભેલો
તરવૈયો એના માથે એક મોટી હેલ્મેટ જેવો ટોપો પહેરાવી દેતો, જેમાં ઓક્સિજનનો પાઈપ
જોડેલો રહેતો. જેવો ટોપો પહેરાવાય કે પેલો છોકરો ટોપાને નીચેની તરફ જોરમાં ધક્કો
મારીને પેલી જલપરીને પાણીમાં સરકાવી દે.(કે ધકેલી દે?) પછી તો બસ, શાંત સમુદ્રની
સપાટી પરથી જરાય કળી ન શકાય કે કોણ ક્યાં ગયું હશે? હેમખેમ તો હશે ને? પાછી તો આવશે
ને? જોકે, સાહસિક કન્યાઓનું તો એક જ લક્ષ્ય હતું, દરિયામાં ડૂબકી! ને જળચરોની
દુનિયામાં લટાર. પછી તો, હોડી પર હાજર હતાં તે સૌમાં ઉત્તેજના વધી ગઈ ને ક્યારે
પોતાનો વારો આવે તેની રાહ જોવામાં સૌની નજર દરિયામાંથી હેમખેમ પાછી આવતી કન્યા પર
ફરતી રહેતી. એણે અંદર શું જોયું હશે? ત્યાંની દુનિયા કેવી હશે? માછલીની સાથે કાચબા
ને મગર ને દરિયાઈ ઘોડા પણ જોયા હશે? શાર્કનો ભેટો થયો હશે કે? બાપ રે!
પેલી પાછી ફરનાર નસીબદાર તો ખરી જ પણ એ એટલી બધી
ખુશ અને રોમાંચિત હોય ને કે, એને દરિયાઈ ઘેનમાંથી બહાર નીકળતાં જ ખાસ્સી વાર લાગી
જાય. તોય, બધાં સામે પહેલી આંગળી ને અંગૂઠાથી ઝીરો બનાવીને સૌને સંકેત આપી દે ખરી
કે, ‘બહુ મસ્ત છે. મજા પડી ગઈ.’ પાણીમાં જવા પહેલાં બધાંને વારંવાર સુચના અપાયેલી
કે, ‘તમને જરા પણ બેચેની લાગે કે ગભરાટ થાય, કે પછી તમારે બહાર આવી જવું હોય તો,
બન્ને હાથના અંગૂઠા ઊંચા કરીને થમ્સ અપનો ઈશારો કરજો. તમને તરત જ બહાર કાઢી
લેવાશે. જો ચૂક્યા તો તમારી જાનને મોટું જોખમ થશે.’ આ સુચનાનું પાલન તો અમુક
ઢીલાપોચા મનની બહેનોએ તરત જ કર્યું. જેવી પાણીમાં અંદર ગઈ કે, એક મિનિટમાં તો બહાર
પણ આવી ગઈ! અમે બન્ને તો વારંવાર એકબીજાને હિંમત આપતાં હતાં. મારું તો મનમાં સતત
રટણ ચાલુ જ હતું, ‘મને બીક નથી લાગતી. એમાં શું બીવાનું?’ મારી હિંમત જ મને કામ
આવવાની હતી બાકી તો, ‘જો ડર ગયા સમજો મર ગયા’ તે મને ખબર હતી.
મારા પહેલાં પલ્લવીબહેનનો વારો આવ્યો. એ તો ખુશ
થતાં થતાં સીડી પર ઊભા રહ્યાં. પેલા છોકરાએ એમને ટોપો પહેરાવ્યો અને તરત જ ટોપા પર
ધક્કો મારી દીધો. મારી નજર સામે પલ્લવીબહેન તો પાણીમાં ગુલ! હું તો વિચારવા પણ માંડી
કે, પલ્લવીબહેન તો મસ્ત મજાનાં મૂન–વૉક જેવું સી–વૉક કરતાં હશે ને જાતજાતની માછલીઓ
સાથે ગેલ કરતાં હશે. કદાચ વાતે પણ લાગી જાય! જીવનના સૌથી રોમાંચક અનુભવને મનમાં
સંઘરીને આવશે ને મને નિરાંતે બધી વાત કરશે. મનોમન અહીં આવવા બદલ ખૂબ ખુશ પણ થતાં
હશે. બીજી વાર નીતિનભાઈને લઈને અહીં આવવાનું પણ નક્કી કરી લે કદાચ! હાય! મેરા નંબર
કબ આયેગા? હજી મારી વિચારહોડી આગળ ચાલે તે પહેલાં તો મેં પલ્લવીબહેનને સીડી પર
ઊભેલાં જોયાં! અરે! આવી પણ ગયાં? કેમ? નહીં ગમ્યું? જેવું ધારેલું તેવું કંઈ નહીં
નીકળ્યું? પૈસા પડી ગયા એવું લાગ્યું? શું થયું હશે?
પણ, એમના મોં પરનો ગભરાટ જોતાં તો એવું લાગતું
હતું, જાણે મગરના જડબામાંથી જેમતમ છૂટ્યાં! કોઈ દરિયાઈ રાક્ષસ જોયો હોય તેવા ભયના
ટોપા નીચે, હેમખેમ બચી ગયાની રાહતવાળા મિશ્ર ભાવ એમના ચહેરા પર આવ–જા કરતા હતા. એક
ક્ષણ તો મને થયું, ‘હત્તેરીની! બારસો બાથ(થાઈ કરન્સી) ગયા પાણીમાં! એવાં તે શું
ડરી ગયાં કે, પાંચ મિનિટ પણ પાણીમાં રહેવાયું નહીં? એ તો બે મિનિટ જરા ડર લાગે પણ
પછી કેટલું સરસ બધું જોવા મળતે કે નહીં? ચાલો જવા દો. પાછાં આવ્યાં એ જ બહુ છે
નહીં તો હું એમનાં ઘરનાં સૌને શું મોં બતાવત?’ પલ્લવીબહેને તો આવીને મારી આગળ
ખરખરો કર્યો, ‘મારા કાનમાં તો જાણે દરિયાનો ઘુઘવાટ થતો હોય ને એટલા મોટા અવાજો
આવવા માઈન્ડા ને મને થીયું કે, મારા કાન ફાટી જવાના કે હું?(પછી નીતિનભાઈ બોલહે તે
મને કેવી રીતે હંભરાહે?) ઉં તો નીકરી આવી ભાઈ. છો પૈહા ગીયા તો ગીયા. આપણે બચી ગીયાં
તે ઓછું છે?’ વાત તો સાચી. મારાથી પલ્લવીબહેનની બહેરાશ પર વધારે વિચારાયું નહીં.
મારો વારો આવી ગયો હતો.
હવે મારી હિંમતમાં પલ્લવીબહેનના અનુભવે ગાબડું
પાડી દીધું હતું, તોય પૈસા ન પડી જાય ને મેદાન છોડીને ભાગનાર–કાયર તરીકે બદનામ ન
થાઉં એટલે મેં સીડી તરફ પ્રયાણ કર્યું. મનમાં તો રટણ ચાલુ જ કે, ‘મને બીક નથી
લાગતી ને હું તો આરામથી અડધો કલાક દરિયામાં ફરી આવીશ.’ મન સ્વસ્થ થવાનો જોરદાર
પ્રયત્ન કરતું હતું ને હૃદયના ધબકારા અજાણપણે વધવા માંડ્યા હતા. સીડીના બે–ત્રણ
પગથિયાં ઊતરી કે મારે માથે ટોપો પહેરાવાયો.
હજી તો હું હેલ્મેટને આવકારી શકું ને એને સમજી
શકું તે પહેલાં તો, મારા માથા પર ધમ્મ કરતો ધડાકો થયો! બાપ રે! એક તરફ પાણીમાં જવાની બીક ને બીજી તરફ
માથા પર પહાડ તૂટ્યો કે શું? મનમાં વાતની ગડ બેસે તે પહેલાં તો હું પાણીમાં અધ્ધર!
મારા હાથે ક્યારે સીડીનો સહારો છોડી દીધો ને ક્યારે હું પાણીમાં ઊંડે ને ઊંડે
ઊતરતી ગઈ તે સમજું તે પહેલાં તો, મારી આંખો ચકળવકળ ફરવા માંડી ને મનમાં ડરનું
સામ્રાજ્ય છવાઈ ગયું. કોઈનો સહારો નહીં ને કોઈ આધાર નહીં! મારું શરીર મારા તાબામાં
નહોતું. સીધી થઈ શકું તો ચાલી શકું ને? આજુબાજુ ને ઉપરનીચે સઘળે જ પાણી–પાણી ને
તેમાં દેખાતી બે–ત્રણ ઝાંખી માનવ આકૃતિઓ. આ લોકો કોણ હશે? મારી જેમ જ ડૂબીને
મરવાવાળા કે કોઈ બચાવવાવાળા છે? એ તો ગભરાટમાં
પણ સારું થયું કે, પેલું થમ્સ અપ સમયસર યાદ આવ્યું. મેં તો બન્ને હાથ ઊંચા કરીને,
બન્ને અંગૂઠાને ઊંચા કરીને બચાવો બચાવોના ઈશારા ચાલુ કરી દીધા.
અરે! કોઈ જોતું કેમ નથી? ‘ઓ ભાઈ...ઓ દીકરા.....આ
બાજુ જો. મને બચાવી લે ભઈલા...મારે કંઈ નથી જોવું.... તું મને ખાલી અહીંથી બહાર
કાઢી લે...અરે...કોઈ આ બાજુ પણ જુઓ..પ્લીઝ.... ઓ ભાઈ.....ઓ.....કોઈ
બચાવો....ઓ....ગઈ....ઓ ગઈ....’ આંખમાથી આંસુ નીકળ્યાં હશે તો પણ હેલ્મેટમાં કે
દરિયામાં સમાઈ ગયાં હશે. બસ, હવે મારો જળસમાધિ લેવાનો સમય આવી ગયો. અહીં તો કોઈ
જોતું પણ નથી. હવે નહીં બચું. આવજો પલ્લવીબહેન, મને માફ કરજો. બાકીનો પ્રવાસ તમારે
એકલાંએ જ કરવો પડશે. એ આવજો..આવજો...(ન તો એ સમયે મને ઘરનાં કોઈની યાદ આવી કે ન તો
કોઈની માફી માંગવાનું યાદ આવ્યું. મારી અંતિમ ઘડીઓ ગણાવા માંડેલી તો પણ! હું
જીવનના કે મોતના કયા તબક્કામાં પ્રવેશી ગઈ હતી? કોણ જાણે. સામાન્ય સંજોગોમાં તો
ડરના માર્યાં આંખો બંધ થઈ જાય પણ અહીં તો જો આંખ બંધ કરી તો પછી મારા બચવાની કોઈ
ઉમ્મીદ જ નહીં રહે. મેં ફાટેલી આંખે આમતેમ જોયે રાખ્યું.
મારી બધી હોશયારી, બધી હિંમત ને બધી તૈયારી આખરે
પાણીમાં ગઈ! જાણીજોઈને કે પછી ખરેખર, પણ થોડી વાર મને એમ તરફડતી રાખીને આખરે મને
પાણીની બહાર કોઈ ભલા દીકરાએ ખેંચી કાઢી. ભલું થાય એનું. એક નિરાધાર વૃધ્ધાને મરતી
બચાવીને એની જિંદગીના છેલ્લા દિવસો એણે તો સુધારી કાઢ્યા. હવે હું કોઈ દિવસ
દરિયાકિનારે પણ નહીં જાઉં ને નદીકિનારે પણ નહીં. ટીવી પર કે ફોટામાં દરિયો જોઈને
ખુશ થઈશ. જોકે, હવે તો દરિયો જોઈને ખુશ થવાનું બાજુ પર પણ મને તો આ જ દિવસ યાદ આવવાનો
છે–જિંદગીભર!
બહાર નીકળતાં જ માથા પરથી પેલો મણનો ટોપો કાઢી
લેવાયો ને હું હોડીમાં ધોયેલી મૂળી જેવી પાછી ફરી. ગભરાટને જેમતેમ કાબૂમાં કરતી ને
ઊંડા શ્વાસ લેતી લેતી હું પલ્લવીબહેન પાસે જઈને બેસી ગઈ. અમે બન્નેએ એકબીજા આગળ
રોદણાં રડી લીધાં ને પૈસા પડી ગયા તેને ભૂલીને જીવ બચ્યાના સંતોષ સાથે આગલા
કાર્યક્રમમાં જોડાવાની કોશિશ કરવા માંડી. મન પરથી આ બિહામણી યાદો જેટલી વહેલી
ભૂંસાય એટલી સારી. અમે બન્નેએ નક્કી કર્યું કે કોઈ વાર પૂરી જાણકારી ને પૂરતી
તૈયારી વગર આવું કોઈ દુ:સાહસ કરવું નહીં. અમે સૌ બીજી હોડીમાં બેસી કિનારે
પહોંચ્યાં, જ્યાં બાકીની સમજુ સ્ત્રીઓ આરામ ફરમાવતી હતી, ગપ્પાં મારતી હતી અને ફાકા
મારતી હતી. ભૂખ તો અમને પણ લાગી હતી.
exciting ! if gujarati women can make such an attampe , it is
જવાબ આપોકાઢી નાખોcreditable , the narration is also very frank and innocent ,
- a d , aus
જીવનમાં ને ખાસ તો આવા પ્રવાસમાં આવા અનુભવો કાયમની યાદ છોડી જાય. આભાર.
કાઢી નાખોહત્તારીની ! અદભૂત ચીજ જોવાનો લ્હાવો ગુમાવ્યો.
જવાબ આપોકાઢી નાખોમેં બે વખત ગ્લાસ બોટમ બોટમાં આવી સ્રૂષ્ટિ જોઈ છે. આપડા જેવા માટે એ એકદમ .... સેફ !
હા, પછી જતી વખતે તો અમે એવી જ બોટમાંથી દરિયાઈ સૃષ્ટિ જોઈ.
કાઢી નાખો'જાન બચી તો લાખો પાયે, લૌટ કે......?'
જવાબ આપોકાઢી નાખો'જોયા કરતા જીવ્યું ભલું?' હા હા હા.
પણ પ્રયત્ન તો તમે જોરદાર કર્યો કહેવાય, કલ્પનાબેન.
મને મારી મસ્કતનો દરિયાઈ ડૂબકી યાદ આવી ગઈ. વાહ વાહ !
પલ્લવી.
દરિયાની સામે જાય તે ડૂબકી વગર કેમ પાછો આવે? હવે નહીં પણ:)
કાઢી નાખો