પટાયામાં ત્રણ દિવસ તો જાણે ખાઈ–પીને
ધમાલમસ્તીમાં ને રખડપટ્ટીમાં ક્યાંય પૂરા પણ થઈ ગયા. માનવામાં નહોતું આવતું કે,
ફક્ત ત્રણ જ દિવસમાં અમે આટલી બધી જગ્યાએ ફરી શકશું, મજા કરી શકશું ને આટલું બધું
જાતજાતનું ખાઈ પણ શકશું! અમે જાણે સ્વર્ગમાં વિહરતાં હતાં! હજી બૅંગકૉક જોવાનું
તો બાકી જ હતું ને એનું પણ એટલું જ આકર્ષણ હતું. હવે કોઈને કહેવું પણ નહોતું પડતું
કે, ‘આપણને જમતાં મોડું થશે તો નાસ્તો બરાબર પેટ ભરીને કરી લેજો.’ (સૌ ખાઉધરી હોય
તેમ) પોતપોતાની રીતે ડિશ ભરી ભરીને, ચાર રાઉન્ડ નાસ્તો કરી જ લેતી. જવાના દિવસે
સવારમાં જ હૉટેલના રિસેપ્શન કાઉન્ટર આગળ બધા રૂમની ચાવીઓ જમા થતી ગઈ અને સામાનનો
ડુંગર ખડકાતો ગયો. બધાએ પોતાની બૅગ, બધામાં અલગ તરી આવે એટલે બૅગ ઉપર જાતજાતની
નિશાનીઓ કરી હતી. કોઈએ મોટા અક્ષરે નામ ચીતરેલું, તો કોઈએ નામ–સરનામાવાળું મોટું
કાગળ ચોંટાડેલું. મોટા ભાગની બૅગો પર રંગીન રિબનના ફૂમતાં ફરફરતાં હતાં. કોઈએ તો
વળી સ્ટિકરવાળા ચાંદલાથી ડિઝાઈન બનાવેલી! બૅગ જેવી જડ વસ્તુને પણ સ્ત્રી જોવાલાયક
બનાવી શકે!
વારંવાર બધાંને પોતાનો સામાન, પાસપોર્ટ અને પૈસા
ચકાસી લેવાની તાકીદ કરાઈ. ‘જે આખા ઘરનો કારભાર સંભાળતી હોય એને પણ આ બધું કહેવું
પડે?’ ‘હા, કહેવું પડે. ’ એવું ટૂર ઓપરેટરોનું એમના અનુભવોને કારણે કહેવું હતું.
‘એક વાર ઘરની બહાર નીકળ્યા પછી ને તેમાંય આવા પ્રવાસોમાં તો સ્ત્રીઓ વધુ બિન્દાસ
અને વધુ પડતી ઉત્સાહી બની જાય છે. એમાં ને એમાં એ ઘણી વાર પોતાનો કિમતી સામાન કે
પર્સ કે પાસપોર્ટ પણ ગુમાવી બેસે છે. પછી બહાવરી બનીને આખી ટુરને માથે લઈ લે અને
બધાંનો મૂડ બગાડે. એટલે જ વારંવાર અને હૉટેલ કે બસ છોડતી વખતે તો ખાસ બધાંને યાદ
કરાવવું પડે છે.’ મેં પણ તે જ ઘડીએ મારી પર્સમાં હાથ નાંખીને પાસપોર્ટ ને ડોલર પર
હાથ ફેરવી લીધો. હાશ, સલામત છે. આ બે વગર તો મારે બૅંગકૉકમાં ભજન ગાવાં પડશે ને
ભજન કોને સમજાશે?
પટાયાથી બૅંગકૉક જતાં, રસ્તામાં ત્રણ કલાકમાં
કોઈ કંટાળે નહીં એટલે અડધે રસ્તે એક એવી ખાસ જગ્યાએ મુકામ કર્યો, જ્યાં સ્ત્રીઓના
મોં હીરા–મોતીની પેઠે ઝગારા મારવા માંડ્યા! ‘જેમ્સ એન્ડ જ્વેલરી’ પાર્ક! વિશાળ
જગ્યામાં ને સરસ વાતાવરણમાં બધી બસ ઊભી રહેતાં જ સ્ત્રીઓ પોતાની સૂધબૂધ ખોઈ બેઠી.
હીરામોતીના શૉપિંગમાં પ્રવૃત્ત કે લીન થઈ જાય તે પહેલાં સૌને હીરા વિશેની પૂરેપૂરી
માહિતી અપાઈ. એક નાનકડી ટૉય–ટ્રેનમાં મજેથી ચક્કર મરાવી, હીરા ખાણમાંથી નીકળે
ત્યારથી માંડીને ગળામાં, કાનમાં કે આંગળીઓમાં શોભતાં પહેલાં કઈ કઈ મુસીબતોનો એ
સામનો કરે છે તેનું સુંદર નિદર્શન કરાયું. જેમને અગાઉથી જાણ હતી અને ખરીદી કરવામાં
જે કોઈ કચાશ છોડવા નહોતી માંગતી, તેવી હરખઘેલીઓ તો આ વિશાળ પ્રદર્શનના ખૂણે ખૂણે
ફરી વળી. સૌને પાંચ ટકા ડિસ્કાઉન્ટની કૂપન પણ મળેલી એટલે દસ ટકા શૉપિંગ વધારે
થવાની આ પાર્કના માલિકને ખાતરી હતી. સમયની પાબંદી આવી જગ્યાએ રખાય જ નહીં. એમ પણ
સ્ત્રીઓને બીજું શું જોઈએ? કોઈ રોકટોક વગરનું નિરાંતે શૉપિંગ બીજે ક્યાં મળવાનું? ઘરનાં સાથે હોય તો હજાર જાતના સવાલ ને હજાર જાતની કચકચ!
સૌને પોસાય તેવા હીરાના દાગીનાઓની સાથે મોતીના
દાગીના પણ મળતા હતા. મને તો કોઈ બહેન થાકેલી ન જણાઈ, છતાં ત્યાં આરામકક્ષ પણ હતો
અને નાસ્તા–પાણીની સગવડ તો ખરી જ. શૉપિંગનું પાછું એવું કે, જે વસ્તુ લીધી હોય તે
વાપરવા કે પહેરવા પહેલાં દસેક જણને બતાવાય તો લીધેલું વસૂલ ગણાય! હવે અહીં તો
હીરા કાઢીને કોઈને બતાવાય એમ ન હોવાથી મોટી મોટી ડિંગો હાંકવા સિવાય છૂટકો નહોતો.
વારે વારે બધાંની આંખો પહોળી થઈ થઈને હવે થાકવા માંડી હતી. મારી સહપ્રવાસી–પેલી
બૅંક મૅનેજર, જાણે મને જ શોધતી હોય તેમ મારી સામે હસતી હસતી આવી ને બોલી, ‘કેમ,
વહુ માટે કંઈ લીધું કે નહીં?’ મેં ના પાડી એટલે એણે તો રોજના કરોડોના વહેવાર કરતી
હોવાને કારણે બહુ આરામથી ને અલગ જ લહેકાથી મને જણાવ્યું કે, ‘મેં તો દોઢ લાખનો
ખર્ચો કરી નાંખ્યો.’(!) મારું દિલ દોઢ ઈંચ સંકોચાઈ ગયું ને કદાચ મગજ પણ. ત્યારે
જ નક્કી કર્યું કે, ભૂલમાંય આને શોપિંગને લગતા કોઈ સવાલો નહીં કરું. હજી તો
બૅંગકૉક બાકી છે ને જતી વખતે જો મારી જ બાજુમાં પાછી આવશે તો, હું કઈ અવસ્થામાં
ઘરે પહોંચીશ કોણ જાણે!
શૉપિંગની બાબતમાં મારા વિચારો થોડા જુદા પડે.
ઘરે ગયા પછી લીધેલી વસ્તુ મને ગમે નહીં, અથવા જે વસ્તુ દુકાનમાં મને બંધબેસતી આવી
હોય–દા.ત. ચંપલ, તો ઘરે આવીને બેમાંથી એક ચંપલ નાની લાગે ને બીજી મોટી! અથવા
ચાલતાં જ ન ફાવે, અથવા દુકાનના ને ઘરના અજવાળાના ફરકને કારણે ચંપલનો રંગ જોઈને
મારું મોં કટાણું થઈ જાય. અરેરે! મેં આવી ચંપલ લીધી? મારા શોપિંગમાં જ જો આવા ગોટાળા થતા
હોય તો બીજા માટે કેવીક વસ્તુ લેતી હોઈશ? એટલે મને ઓળખનારા, મને ફક્ત ફરવાની જ
સલાહ આપે, ‘જે વસ્તુમાં આપણને સમજ ના પડે તેમાં માથાં નહીં મારવાનાં.’ કહીને મને
પણ ચિંતામુક્ત કરે ને પોતે પણ નિશ્ચિંત બને.
પલ્લવીબહેનની દીકરીની વર્ષગાંઠ નજીક આવતી હોઈ,
એમણે તો મોતીની એક સુંદર સેર ખરીદી. અમારું શૉપિંગ મારે કારણે વહેલું પત્યું. ફરી
બસમાં ગોઠવાઈ અંતાક્ષરી રમતાં રમતાં સૌ ચાલ્યાં બૅંગકૉક–શૉપિંગનગરી! અચાનક જ
બસમાં થોડી હલચલ મચી ગઈ. કોઈ બહેનનું પર્સ ચોરાયું હતું. હાલમાં જ ખરીદેલી માળા ને
આઠસો ડૉલર્સ! અફસોસ ને આશ્વાસનના ધીમા સૂરો વચ્ચે બસ એની ગતિએ ચાલતી રહી.
ખેર, પટાયાના શાંત વાતાવરણમાંથી એકદમ જ
ભીડભાડવાળા અને ભરચક ટ્રાફિકવાળા વાતાવરણમાં અમારી બસ પ્રવેશી, કે ફરી બધા
ઊંચાંનીચાં થઈ બારીમાંથી બહાર જોવા માંડ્યાં. ઊંચા ઊંચા મકાનો ને દેશવિદેશના
ટુરિસ્ટો. એશિયાના ‘વેટિકન સિટી’ ગણાતા શહેરમાંથી મારી બસ પાણીના રેલાની જેમ અમારી
હૉટેલ તરફ સરકી રહી હતી, સડસડાટ! રસ્તા પર સ્પીડબ્રેકર જ નહોતાં! ગયે વર્ષે આ જ
બૅંગકૉકમાં ભયંકર રેલ આવેલી ને આજે?
*********************************************************************************
.થાઈ ફૂડની કરકરાટી/કકડાટી–––(૧૮)
આપણે ભારતીયો એમ સમજીએ છીએ કે, ભારતીય ખાણું જ
શ્રેષ્ઠ છે અને જેટલી વિવિધતા આપણા ભોજનમાં છે એટલી બીજે ક્યાંય નથી. આપણો આ ભ્રમ
બીજા દેશોમાં ફરીએ ત્યારે ચકનાચૂર થઈ જાય, ભાંગીને ભુક્કો થઈ જાય. આપણી એક પણ
વાનગી ત્યાં ન મળે કે ન બને એનો શો અર્થ કાઢવો? જાહેર જગ્યાઓએ દાળ–ભાત કે
ઈડલી–સાંભાર સહેલાઈથી ન મળે–એ ખાવા ખાસ ભારતીય રેસ્ટોરાંમાં જવું પડે, ત્યારે
સમજાય કે, દુનિયામાં ભોજનની વિવિધતાઓનો તો ભંડાર ભર્યો છે. કદાચ અહીં પણ આપણે એ જ
ચીલાચાલુ ભોજનથી કંટાળ્યા છીએ કે શું? જ્યાં ને ત્યાં ચાઈનીઝ વાનગીઓની લારી અને
હૉટેલોમાં આરામથી મળી રહેતી વિદેશી વાનગીઓ જોઈને લાગે કે, ખાવાને મામલે આપણે પણ
કોઈથી ઊતરતાં નથી.
ચાઈનીઝ વાનગીઓએ, એમ જોવા જઈએ તો ઘણાં વર્ષો આપણા
પેટ પર રાજ કર્યું, ઈટાલિયન વાનગીઓને પણ કોઈ જાતના ભેદભાવ વગર આપણે પસંદ કરી, પણ
આજકાલ બોલબાલા છે થાઈ ફૂડની. કોઈ પણ દેશની કોઈ પણ વાનગીમાં મોટે ભાગે તો આપણે
ગુજરાતીઓ, શાકાહારી વાનગીઓ જ પસંદ કરતાં હોઈએ છીએ. એ જુદી વાત છે કે, પછીથી આપણે
આપણા સ્વાદ મુજબ મસાલા ઉમેરીને એ વાનગીઓને ભારતીય ટચ આપી દઈએ! ચાઈનીઝ ભેળ અને જૈન
ચાઈનીઝ જોઈને તો ચીનાઓ પણ છક્કડ ખાઈ ગયા હશે! થાઈ વાનગીઓ પણ લારીમાં પહોંચતાં વાર! થાઈ ઢોસા ને થાઈ રોટલા કે જૈન થાઈ આવતાં વાર નહીં લાગે. જોકે, માંસાહારી લોકો તો
મૂળ ડિશની જ લિજ્જત માણે છે, સિવાય કે એમને અમુક વસ્તુઓની સૂગ હોય! મેં તો જોયું
છે કે, માંસાહારીઓમાં પણ પાછા જુદા જુદા વર્ગ આવે. દરેકની પસંદની ડિશ અલગ હોય. એ
તો ભઈ, જેવો જેનો ટેસ્ટ!
કદાચ ભારતીયો તો હજીય સાપ, દેડકાં કે જીવડાં
નહીં ખાતાં હોય. ખાનારની માહિતી મારી પાસે નથી પણ અમે બે–ત્રણ કલાક બૅંગકૉકની સડકો
પર ફર્યાં અને બજારમાં આંટો માર્યો, ત્યારે વગર ખાધે તળેલાં જીવડાંની કકરાટી અનુભવી! દુકાનોમાં ટોપલા ભરીને ને લારીઓમાં મોટા મોટા થાળ ભરીને જાતજાતનાં, તળેલાં તીડીયાં
વેચાતાં હતાં! વાંદા ને જાતજાતની માછલી સિવાય, બીજા દરિયાઈ જીવો પણ તળેલા(કે
બળેલા? કોણ જાણે) ખાનારને લલચાવતાં હતાં! જેમ ભેળ કે પાણીપૂરી જોઈને આપણાં
મોંમાં પાણી છૂટે એમ! કોઈ દિવસ આવું જોયું ન હોવાને લીધે અમને ઊલટી કે ચક્કરની
તકલીફ તો ન થઈ પણ બુધ્ધિ બહેર મારવા માંડેલી ખરી. અમારી નજર સ્થિર થઈ ગઈ–બાપ રે!
આ બધું જોવાય નહીં તો ખવાય કેમ કરતાં? આપણાં ઘરોમાં માખી, મચ્છર કે ગરોળી દેખાય
કે આપણે એમનાથી છૂટકારો મેળવવાના પ્રયત્નમાં લાગી જઈએ, બૂમાબૂમ કરીને ઘરને માથે
લઈએ, જ્યારે અહીં એમના નામનો ભોજનસમારંભ ઉજવાય? મને ખાતરી છે કે, આ લોકોને કોઈ
દિવસ કોઈએ શીંગચણા, ધાણી, વેફર્સ કે ચેવડા ચખાડ્યા નહીં હોય. બાકી તો, એ લોકોને
ત્યાં પણ લારીએ લારીએ કે દુકાને દુકાને રંગીન હારડા લટકતા હોત.
ખેર, શું ખાવું કે ન ખાવું એ દરેકની મરજીની વાત
છે, તોય વાંદરા, કૂતરા, બિલાડાં કે ડુક્કર સિવાય પણ પશુ–પક્ષી ને જીવડાંની
જમાતમાંથી જે મળ્યું તેને, બાફીને, તળીને કે જાતજાતની વાનગીઓમાં સૉસ બનાવીને...બાપ રે...! અક્કલ કામ ન કરે. (ભઈ, નૉનવેજ ખાવાવાળા માફ કરે પણ આ બધું નજરે
જોયા પછી તો અશાંત મનનો ઊભરો નીકળી જ જાય.) આમાં ઈંડાંને તો શાકાહારી જ ગણી
લેવાનાં ને?
વાનગીઓનાં નામ પણ પાછાં કેવાં?
ટૉમ યમ ગંગ( ટૉમ, તારે ખાઈને, યમને દરબાર થઈને ગંગામાં
સમાઈ જવાનું.)
ગમ સોમ પાક રુઆમ( ગમને દૂર કરવા સોમરસ ? ને પાક
એટલે પવિત્ર કે રુઆમપાક?)
ગંગ ક્યૂ વાન(ગંગાનો વાન કેમ આવો? તમે જુઓ, આ
લોકો બધું ખાતાંપીતાં પણ આપણી પવિત્ર નદીને સતત યાદ કરે છે!
પેનાન્ગ ગાઈ, ગાઈ પેડ પોંગાલી, ગાઈ યાન્ગ જેવાં
નામોમાં કંઈ ગાવાનું મહત્વ લાગે છે.
જિમ જમ એટલે જમવાનું પણ જિમ જવાનું નહીં
ભૂલવાનું.
કાઓ ના ફેટ, કાઓ કા મૂ, કાઓ મોક ગાઈ, કાઓ માન
ગઈ, કાઓ ન્યુ મૂ યાંગ, કાઓ મૂ ડાન્ગ વગેરે કા કા કરતાં નામોમાં આપણા ખાઓ શબ્દનો
અપભ્રંશ નથી લાગતો? કોઈ વાનગીમાં ફૅટ નથી, કોઈ વાનગી ગાતાં ગાતાં ખાવાની છે,
કોઈમાં કોઈને મનાવવાની વાત છે ને પછી માન ગઈની ખુશીમાં એ વાનગી ઓર્ડર કરવાની છે.
મૂ એટલે હુંના અર્થમાં વપરાયું હશે?
કાઈ જ્યુ મૂ સાપ, મૂ ડેડ ડ્યૂ, નામ ટોક મૂ, ગાઈ
પેડ મેટ મા મુઆન્ગ, યેમ પ્લાહ ડક ફૂ, સોમ ટેમ, પેડ પાક બંગ નામ માન હોય...બાપ રે! થાકી જવાય.
આ બધી વાનગીઓમાં ગ, ક, મ ને આન્ગ વારંવાર આવે
છે. કા એટલે કેમ? એવું હશે? ધારીને નામ જોતાં ખ્યાલ આવે કે, આ વાનગીઓમાં
જાતજાતનાં નામ સિવાય પણ મા છે, સોમ છે, માન, ફૂ, ડેડ, ગાઈ, ડાન્ગ, બંગ, હોય, સાપ,
ન્યૂ જેવા કેટલાય અંગ્રેજી અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ પણ છે! લાગે છે કે, જરૂર
આ ભાષા ઉપર આપણી ગુજરાતીની વધતી ઓછી અસર રહી હશે. અંગ્રેજીની અસર તો બધા પર જ હોય
એમાં શું નવું છે?
મોટામાં મોટો ફરક એ જ કે, આપણી જેમ અહીં કોઈ
વાનગી પર કોથમીર કે કોપરું કે ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવેલી દેખાઈ નહીં! વાનગીનો
સ્વાદ કે દેખાવ બદલવાનો કોઈ પ્રયાસ આ લોકો કરતા નથી તે સારી વાત છે. ધારો કે, એ
લોકો આપણી વાનગીઓનાં નામ સાંભળે તો એ લોકો પણ એમની ભાષામાં આવી કોઈ સરખામણી શોધવા
બેસે ? કદાચ.
interestig !i was under impression ' only indian food is most
જવાબ આપોકાઢી નાખોatractive all gver the world. and nobody can beat DAKHU CHOKHA !
હા, આપણે ભ્રમમાં જ જીવીએ છીએ. તો જ ટૂરવાળાને પણ સારું પડે.
કાઢી નાખોન માંગું સોના ચાંદી
જવાબ આપોકાઢી નાખોન માંગું હીરા મોતી
યે મેરે કિસ કામકે ?
ખરી વાત. ફરવાની જે મજા છે તે સોના–ચાંદીમાં ક્યાં?
કાઢી નાખોહીરા ના લેખથી દિલ ઝળહળતું અને થાઈ ફૂડ ના લેખ થી કળકળતું
જવાબ આપોકાઢી નાખોબીજું શું થાય? તમારી લાગણી બદલ આભાર.
કાઢી નાખોkalpanaben, very well written both episodes...every paragraphs had punch to giggle...while shopping the jewllery....peculiarities of women, well represented...and about food...how do you remember such difficult names...analysis of thai dishes in indian perspective...khavanu, gavanu, ganga ne jim ma javanu...wah wah maza padi gai
જવાબ આપોકાઢી નાખોHarsha, Toronto
Thank you so much Harshabahen.
જવાબ આપોકાઢી નાખો