રવિવાર, 6 માર્ચ, 2016

કોણ કહે છે કે, ટર્કીમાં ખાવાનું સારું નથી મળતું ? ચાલો, નાસ્તો કરીને ફરવા જઈએ.











‘બેસ્ટ વેસ્ટર્ન ખાન હૉટેલ’, ખાન હૉટેલના નામથી જ જાણીતી હતી. દેશ મુસ્લિમ હતો, હૉટેલ મુસ્લિમ નામ ધરાવતી હતી અને ત્યાં અમે ત્રણ એકલી હિંદુ સ્ત્રીઓ હતી ! તોય અમે સલામત હતાં કારણકે  દેશ મુસ્લિમ હોવા છતાં અહીં મુસ્લિમ સ્ત્રીઓને પણ પૂરતી આઝાદી હતી ! સ્ત્રીઓને બુરખા ફરજિયાત નહોતા. ઘરની બહાર કશે પણ અને એકલી પણ જઈ શકતી. અરે એ બધી વાત તો ઠીક, અમે તો સ્ત્રીઓને ખુલ્લેઆમ સિગારેટ ફૂંકતાં પણ જોઈ ! આનાથી વધારે કેટલીક આઝાદી જોઈએ ? વળી, આ તો ટુરિસ્ટોથી સતત ઉભરાતો દેશ એટલે સ્વાભાવિક છે કે, અમને હેરાન કરીને કોઈ પોતાના દેશનું નામ કે દેશની આવક ઘટાડવા તો ન જ માગે ને? અમે આરામથી હૉટેલમાં હરફર કરતાં. 

રાત્રિભોજના સંતોષજનક પરિણામે અમે બીજી સવારે પણ ભવ્ય નાસ્તા–સમારંભની આશા રાખેલી.
સવારે આઠ વાગ્યે ગાઈડ ગાડી સાથે અમને લેવા હાજર થવાનો હોઈ અમે વહેલાં ઊઠી પરવારવા માંડ્યાં. તોય ત્રણ જણને વાત કરતાં કરતાં તૈયાર થવામાં વાર તો લાગવાની જ ને ? પોણા આઠ તો રૂમ પર જ થઈ ગયા અને હજી અમારો ચા–નાસ્તો તો બાકી જ હતો. ગભરાઈને વહેલાં વહેલાં રૂમ બંધ કરી નીચે હૉલ પર પહોંચતાં જ પાંચ મિનિટ થઈ ગઈ. વિવિધ પ્રકારના કેટલાય નાસ્તાની સુંદર ગોઠવણીને મન ભરીને માણીને, પછી પસંદ કરીને ખાવાનો સમય અમે ચૂકી ગયેલાં. ભારે અફસોસ સાથે જલદીથી નાસ્તાની ડિશ ભરીને, કૉફીની ચુસ્કી લેતાં લેતાં બ્રેડ સૅન્ડવિચ હજી મોંમાં મૂકી જ કે, ઘડિયાળનો કાંટો સવા આઠ પર પહોંચી ગયો ! હાથે કરીને આટલો મસ્ત નાસ્તો ગુમાવ્યાનો રંજ ને ગાઈડ આવી જશેનો ગભરાટ અમારા ત્રણેયના મોં પર હતો જ કે, એટલામાં ‘અંજના દેસાઈં’ બોલતું કોઈ આવ્યું.

એક સ્ટાઈલિશ અંગ્રેજ યુવાન અમારા તરફ આવ્યો. અમારા ત્રણમાંથી એક અંજના દેસાઈ છે તેની ખાતરી થતાં એ બોલ્યો, ‘હું તમારો ગાઈડ છું ને બહાર ગાડીમાં બધાં તમારી રાહ જુએ છે. તમે પંદર મિનિટ મોડાં છો. ચાલો વહેલાં.’ એ સાંભળતાં જ અમે વહેલાં વહેલાં કૉફી ગટગટાવી અને સૅન્ડવિચનું પડીકું વાળી પર્સમાં મૂકી દોડ્યાં. બીજો નાસ્તો ભરી લેવાનું સૂઝ્યું નહીં ! ગાડીમાં છ ગોરા ટુરિસ્ટ આરામથી બેઠેલા. ‘કોણ રાહ જોતુ છે? ગાઈડ હો અમથો જ.’ બબડતાં અમે અમારી જગ્યાએ ગોઠવાયાં. પેલાં છમાંથી કોઈએ પણ અમારી સામે જોઈ ન તો ભવાં ખેંચ્યાં કે ન તો મોં વાંકું કર્યું. આગળ જતાં બે જગ્યાએથી બાકીના મુસાફરોને લઈને અમારા પ્રવાસની પહેલી સવારે અન્તાલ્યામાંથી પસાર થતાં થતાં, સરસ મજાના નવા શહેરને નવાઈથી જોતાં અમે ખુશ થઈ રહ્યાં હતાં કે ગાઈડના શબ્દોએ અમને ચોંકાવી દીધાં.

‘માફ કરજો, આપણે આપણા નિયત સમય કરતાં થોડાં મોડાં છીએ. એવું છે કે, અમુક લોકોને સમયનું મહત્વ નથી હોતું. ઘણાંને પરદેશ જાય તો પણ પોતાના દેશની જેમ જ રહેવાનું જોઈએ. બીજાનો વિચાર કરવાનું એ લોકો કદાચ શીખ્યાં જ નથી. જો દરેક જણ આજે પંદર પંદર મિનિટ મોડું કરત તો વિચારો કે, આપણને આજે કેટલું મોડું થાત ? ને પછી દરેક જગ્યાએ મોડા પહોંચત તો ભીડને કારણે ફરવાની મજા મરી જાત. વહેલી સવારે તમને બોલાવવાનો અમારો આ જ ઈરાદો હતો કે, આપણે સાંજ સુધીમાં ઘણી જગ્યાએ ફરી શકીએ. આપણી સાથે આવેલાં અમુક લોકોને સમયની કિંમત હોય એવું લાગતું નથી. હજી તો હું બોલાવવા ન જાત તો એ લોકો તો આરામથી નાસ્તો પતાવીને એ લોકોના સમયે જ આવત.’

અમને ત્રણેયને પેલાએ તમાચા ઝીંક્યા હોય એમ અમારા ત્રણેયના મોં પર તો ગુસ્સાના હાવભાવ આવ–જા કરવા માંડ્યા. ‘હા ભઈ, મોડા પઈડા. તેનું હું છે ? પંદર જ મિનિટ મોડા છે ને ? તેમાં તારા બાપાનું હું ગીયુ ? આ બધામાંથી કોઈ કંઈ બોઈલુ કે ? તારી જાતને તુ હું હમજતો ઓહે ? તુ અંગ્રેજ ઓહે તો તારા ઘરનો. અવે કંઈ અમે તમારા ગુલામ નથી. અમારે તાં તો આટલુ બધુ ટાઈમ પર કોઈ આવતુ નથી. નેતા ઑય કે અભિનેતા, વક્તા ઑય કે  સ્રોતા ને ટ્રેન કે પ્લેનથી માંડીને પેસેન્જર હુધીના બધા જ જરાતરા મોડુ તો કરવાના જ. હારાએ હરખો નાસ્તો હો નીં કરવા દીધો ને મોડા પઈડા –મોડા પઈડા કરતો બોલાવવા આવી રી’યો. બાકી ઉતુ તે અંઈયે હંભરાવવા બેઠો. જાણતો નીં ઓહે અમને, હીધો કરી લાખહું જો. અમે હો પૈહા ભરેલા છે કંઈ મફત નથી બેઠા કે આમ બબડવા બેઠો.’ અમે મનમાં જ અમારો અસલ મિજાજ કમ ગુસ્સો ગળીને એકબીજાની સાથે આંખોથી વાત કરવા માંડી.

ખાસ્સી પાંચેક મિનિટ અમને ટોણાં માર્યા બાદ એણે અન્તાલ્યાની વાતો શરૂ કરી. જાણે કે, બીજા દેશના કાળા લોકોને ઉતારી પાડવામાં આનંદ મળતો હોય એમ એના મોંની વાંકી રેખાઓ ને ઉપહાસભર્યા સ્મિતમાં સાફ દેખાતું હતું. અમારો તો એણે સવારથી જ મૂડ બગાડી મૂક્યો એટલે અમને એની કોઈ વાતમાં ત્યારે રસ નહોતો પડતો. એક સુંદર શહેરનો આખો રસ્તો એમ જ પસાર થઈ ગયો ! જાણતાં હતાં કે, એની સાથે બદલો લેવાનો ચાન્સ તો અમને ક્યાંથી મળવાનો, એટલે અંદરઅંદર બબડીને  મનમાં જ બદલો લેતાં રહ્યાં. વાંક અમારો જ હતો કબૂલ અને એની બધી વાત સાચી હતી એ પણ કબૂલ, તોય એની કહેવાની રીત તો સારી નહોતી જ એ તો કોઈ પણ કબૂલ કરે. પરદેશીઓ તો મહેમાન કહેવાય. મહેમાનને આવતાંની સાથે જ આમ પહેલે દિવસે જ ધોઈ નાંખવાના ? બધાંની વચ્ચે ઉતારી પાડવાના? એ તો સારું કે, કોઈએ એને દાદ ન આપી કે કોઈએ અમારી મશ્કરી ન કરી. બધાં સજ્જન હતાં ને જાણતાં હતાં કે પંદર મિનિટનું મોડું તે કંઈ મોડું ન કહેવાય ને કોઈ વાર અમે પણ મોડા પડી શકીએ. શું દુનિયામાં આ બધા ગોરા લોકો કોઈ વાર મોડા પડ્યા જ નહીં હોય ? વાત કરે છે તે. અમે તો પછીથી આખો દિવસ ફફડાટમાં જ રહ્યાં કે, ક્યાંક એના કહેલા સમય કરતાં મોડાં ન પડીએ.

તોય બપોરે એક જગ્યાએથી નીકળતાં પહેલાં ફરી એક વાર અમે દસ મિનિટ મોડા પડ્યાં ને ફરી એણે એવું જ વાંકું મોં કર્યું, ‘અગેઈન લેઈટ ?’ આ વખતે એના વાંકા સ્મિતને ગણકાર્યા વગર અમે એને કહ્યું, ‘સૉરી’ ને પછી મનમાં બબડ્યાં સવારની જેમ, ‘અમે ઈન્ડિયામાં આવા મોડા પડનારને લેઈટ લતીફ ક’ઈએ ને ઘણી વાર અમને તો એમાં જ મજા પડે. એ હું બધું ટાઈમ ટુ ટાઈમ ને બધે ટાઈમ ટુ ટાઈમ ? તમારે અમને લઈ જવા ઓ’ય તો થોડું ઘણું મોડું તો ચલાવી લેવું પડહે, હમઈજો કે ?’


એના મગજમાં આ વાત ઊતરી કે ખબર નહીં પણ એક પ્રસંગ એવો બની ગયો કે, એની બધી ફિશિયારી નીકળી ગઈ !

11 ટિપ્પણીઓ:

  1. પણ એક પ્રસંગ એવો બની ગયો કે, એની બધી ફિશિયારી નીકળી ગઈ !
    કલ્પનાબેન, જલદીથી જણાવો કે એવો કયો પ્રસંગ બન્યો.

    જવાબ આપોકાઢી નાખો
  2. કેવો મજાનો નાસ્તો મૂક્યો છે, જરા જલદી તૈયાર થયા હોત તો નિરાંતે બધું ખાવા માલતે ને? :)

    જવાબ આપોકાઢી નાખો
  3. ૧૯૨૫માં ટર્કીના પ્રેસિડન્ટ મુસ્તફા કમાલ પાશા "આતાતુર્કે" ટર્કીના લોકોને મુશ્લિમ ડ્રેસ દૂર કરાવી યુરોપીયન ડ્રેસ પહેરતા કર્યા હતા.અપણી ઘણી બધી ટેવો બીજા દેશની નજરમાં કુટેવો ગણાય છે. મારા વલહાડની ભાષા વાંચવાની મઝા આવી. બીજા હપ્તાની રાહ જોઉં છું

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા, જ્યાં સુધી આવા પ્રેસિડન્ટ મળતા રહે ત્યાં સુધી તો સ્ત્રીઓની આઝાદીને વાંધો ન આવે. બાકી મુસ્લિમ દેશ તરીકે તો ટર્કી નવાઈનો દેશ જ ગણાય. દરેક ભાષાની અલગ મજા છે. બીજા હપ્તાની રાહ તો હું પણ જોઉં :) આભાર.

      કાઢી નાખો
  4. જવાબો
    1. આ તો ફોટા મૂકીને જરા ઉભરો કાઢી લીધો ને ભવિષ્યના પ્રવાસીઓની બીક ભાંગી. ખૂબ ફરજો ને ખૂબ ખાજો.

      કાઢી નાખો
  5. નિખાલસપણે ખાણીપીણી સહિતની તમામ વાતો વાંચવાની મઝા આવી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સફરમાં આવા અનુભવો જ કાયમની યાદગીરી બની જતા હોય છે.
      આભાર.

      કાઢી નાખો
  6. kalpanaben....
    Yammy....photos muki ne lalchavi didha....Turkey tour jamva mandi chhe....ha...bija hapta ni rah jovay em nathi

    Harsha, Toronto

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બસ વાંચતાં રહેજો, મને બી લખવાની મજા આવે. આભાર.

      કાઢી નાખો