રવિવાર, 20 માર્ચ, 2016

પર્જનું મશહૂર રોમન બાથ

ગાઈડ તો આખા પર્જ ટાઉનની બધી જગ્યાઓ બતાવવા બાબતે એટલો ઉત્સાહિત હતો કે, એક પછી એક જગ્યા બતાવતો જ જતો હતો. ‘ભાઈ, થોડો થાક ખાવા દે, કંઈ કેથે ચાપાણી કરાવ ને કંઈ નીં તો અમને નાસ્તો તો કરાવ. એ હું હારો ચલાઈવા જ કરે ? અમે આટલું બધું ચાલવા ટેવાયેલાં નીં મલે.’ મેં બબડાટ કર્યો કે, બંને બહેનોએ મને ચૂપ રહેવા ઈશારો કર્યો. થોડી વાર કશે બેસી જવાનો મેં વિચાર કર્યો પણ આટલી વિશાળ જગ્યા ને સતત ફરતા રહેતા ટુરિસ્ટોની વચ્ચે હું કશે અટવાઈ ગઈ ને આ લોકોથી જુદી પડી ગઈ તો ? એ બીકે મેં ચાલ્યા કર્યું. મને થયું, આપણા ઈન્ડિયામાં કેટલું સારું ! આવી બધી જગ્યાઓએ ફટાફટ ફેરિયાઓ ને લારીઓ ને નાની નાની જાતજાતની દુકાનો આવી જાય ને લોકોને ખાવાપીવાની કે કચરો ફેંકવાની જરાય તકલીફ ન પડે. અહીં તો બધાં પોતપોતાની સાથે જે લાવ્યાં હોય તે જ ખાવાનું. નહીં તો બહાર નીકળીએ ત્યારે જ ત્યાંના સ્ટૉલ્સ પર ખાવાપીવા મળે. કંઈ નહીં ચાલો. થિએટર, સ્ટૅડિયમ જોયા પછી વિશાળ રોમન દરવાજાની સામે અમે ઊભા હતાં, જેને જોવા દુનિયાભરના લોકો આવતા હતા. રોમન રાજાઓનાં પૂતળાં અને મારબલના પથ્થરોથી શોભતા દરવાજામાંથી મોટા ભાગની મૂળ વસ્તુઓ મ્યુઝિયમમાં સચવાઈ છે અને હાલ એને આબેહૂબ અસલ જેવો બનાવીને ટુરિસ્ટોને બતાવાય છે. દરવાજામાંથી દાખલ થઈએ એટલે આપણા ગામમાં અસલ ચોતરો આવતો, હવે મોટા ચાર રસ્તાઓ જેવા મિલનસ્થળો કે મૉલ્સ કે બજારો જેવી જે જગ્યા હોય તેવી વિશાળ જગ્યા આવી. સેપ્ટિમિયસ સેવેરસ સ્ક્વેર. આપણે ખાલી સાંભળવાનું, આવા ઉચ્ચાર એ લોકોને જ કરવા દેવાના.

આગળ જતાં ગાઈડે મોટા મોટા બાથરૂમ્સ બતાવ્યા, જે સ્વાભાવિક છે કે ત્યારે તો તૂટેલી હાલતમાં ને ખુલ્લા જ હતા. દરેકના ઘરે પાણીની ને બાથરૂમની સગવડ હોવા છતાં પાણીની પાઈપલાઈનમાં સીસાનું પ્રમાણ વધી જતાં ત્યાંના અમીરો આવા જાહેર સ્નાનાગારમાં નાહવા આવતા. આ સ્નાનાગારને રાજાઓના પૂતળાં અને રંગીન મોટા થાંભલાઓથી શણગારેલું. નાહવાને બહાને બધાંને મળવાનું થતું, અલકમલકની વાતો થતી ને બધા તાજામાજા થઈ ઘરે જતા. ખાસ બાંધેલા મોટા ઓરડાઓમાં ભોંયતળિયે રાખેલી વિશાળ ભઠ્ઠીઓથી પાણી ગરમ થતું. ગુલામો અમીરોને તેલનું માલિશ કરતા અને પછી ખાસ છરીથી એમના શરીર પરથી એ તેલ કે મેલ ઘસીને કાઢતા. જે મેલ જમીન પર પડે તે બધો વાટકામાં ભેગો કરાતો ને પછીથી નાહવા આવતી સ્ત્રીઓના માથામાં લગાડાતો ! અરેરે ! બહુ જ ગંદું ને ચીતરી ચડે એવું કામ આ લાચાર ગુલામો કરતા. અમીરો પગમાં દાઝે નહીં એટલે લાકડાની ચાખડી પહેરતા અને ગુલામો ?

આ જાણીતા રોમન પ્રકારના સ્નાન માટે ખાસ ત્રણ જગ્યા હતી. ઠંડા પાણીનો મોટો કુંડ, હુંફાળા પાણીનો અને ગરમ પાણીનો અલાયદો મોટો ઓરડો. આ બધું જોવામાં ને સાંભળવામાં ભવ્ય લાગી રહ્યું હતું. કેવો અદ્ભૂત નજારો હશે એવું સહેજે કોઈના પણ મનમાં થાય. આજના મોટા મોટા સ્વિમિંગ પૂલો પણ શું છે ? આ રોમન બાથરૂમોનો જ નવો અવતાર ને ? ઘરેથી નાહીધોઈને સ્વિમિંગ પૂલમાં સોના(સૌના)નો પરસેવા બાથ ને પછી ચોખ્ખા પાણીનો બાથ લેવા આવે. ધંધાપાણીની વાતો કરે ત્યારે એમાંય કોઈને નવડાવવાની વાતો હોય, તો કોઈ વાર કોઈ નવડાવી ગયું હોય તેનીય વાત હોય. રાજકારણની, ફિલ્મોની ને શેરબજાર કે લોકોની વાતો પણ થાય. બે ચાર કલાક અમસ્તા જ કાઢીને બધાં ઘર ભેગાં થઈ જાય.

આ બધા સ્નાનાગારોની બહાર પાછા અખાડા એટલે કે જિમ રહેતા. જોકે, રોમનોની જિમની આ રીત ટર્કિશ લોકોને નહીં ગમી હોય એટલે એમણે એ રીત ચાલુ ન રાખી. આ બધું ખંડેર ના હોત તો કેટલું ભવ્ય હોત ! કદાચ આપણે તો બિસ્તરા પોટલા અહીં જ છોડી દેત.

આપણે ત્યાં સરકાર શૌચાલય–શૌચાલયની બૂમો પાડતાં થાકે ને લોકોને ખુલ્લામાં જ સોચ્યા વગર શૌચ કરવા મજબૂરીએ જવું પડે, ત્યારે આવા મોટા સ્નાનાગારોમાં જાતજાતના પાણીની સ્નાનવિધિઓ ચાલતી હોય. જોકે, ટર્કીમાં એવી કોઈ તકલીફ જણાઈ નહીં. નહીં તો ગાઈડ ચોક્કસ કહેતે કે, ‘અહીંના અમીરોને કારણે સામાન્ય લોકોને નાહવાનું શુધ્ધ પાણી મળતું નહીં. જગ્યાના અભાવે  લોકોના ઘરોમાં શૌચાલયો પણ નહોતાં એટલે અહીંની સામાન્ય પ્રજા ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બનતી.’ એ ત્યાંનો લોકલ ગાઈડ હતો. પોતાના દેશનું ખરાબ ઓછું બોલતે ? આપણું મગજ પણ અજબગજબના વિચારે ચડીને  સડી જાય.

અહીંના રાજાઓએ પ્રજા માટે બધી સગવડ બહુ સારી કરેલી. બજારમાંથી જતો માર્બલવાળો લાંબો રસ્તો અને તેની બંને બાજુ દુકાનો હતી. શહેરની મધ્યમાંથી પાણીની નહેર પસાર થતી, લોકોને અને દુકાનોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે. આ બધી વાતો સાંભળીને મન તો એ જમાનામાં વિહરવા માંડતું પણ નજરની સામે બધું ખંડેર હાલતમાં જોઈને અફસોસ પણ થતો કે ભૂકંપ કેવી કેવી તબાહી કરી શકે છે ? જોકે, ત્યાર પછી આવેલા રાજાઓએ ફરીથી ઘણું વસાવવાની ને સાચવવાની કોશિશ કરેલી તે સારી વાત કહેવાય.

રોમન બાથ તો જગમસહૂર તેવું પાછું ટર્કિસ બાથ હો જાણીતુ ! આપણને તો ટર્કિસ ટુવાલ ખબર, એ વરી ટર્કિસ બાથ પાછું કેવુક આવતુ ઓહે ? આ લોકો આવું જ બધું બતાઈવા કરવાના કે હું ? ચાલો કંઈ નીં, જોવા જ આવેલા છે તો બે ઘડી બધે નજર લાખતા જહું. (ઉપકાર?)

ખંડેર જોઈ જોઈને ને ચાલી ચાલીને મન થોડું થોડું ઉદાસ થવા માંડેલું. ગાઈડ બધું બોલતો ઓ’ય ત્યારે એની હામે કંઈ ખાઈએ તે હારુ તો નીં જ કે’વાય ને ? રખે ગબડી પડાહે કે ચક્કર આવી જહે એવુ લાગવા માઈન્ડુ તાં જ મારી હામે ચૉકલેટ ધરાઈ ને મેં આભારની નજરે પારુલની હામે જોયુ, ‘તમારું મો’ડુ જોઈને મને દયા આવી ગઈ. લેઓ આ ચૉકલેટ ખાઓ, ઉં તમારો ફોટો પાડી લેઉં.’ મેં ચૉકલેટ ખાતા ફોટો પડાઈવો ને અંજુએ ત્યારે જ પર્સમાંથી થેપલુ કા’ઈળુ !

7 ટિપ્પણીઓ:

  1. રાજસ્થાન મા પણ રાણીઓના નહાવાના રુમ (બાથરુમ- તેલમાલીશ- ઠંડુ પાણી-ગરમ પાણી-અત્તર વગેરે)ની સગવડો જોઈને અમે છક્ક થઈ ગયેલા. તમારું લખાણ વાંચીને એ બધું યાદ આવી ગયું.તમે સરસ વર્ણન કર્યું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. એટલે હવે અમારે રાજસ્થાન જોવા જવું પડવાનું.
      આભાર કે તમે એક સ્થળનો ઉમેરો કર્યો.

      કાઢી નાખો
  2. તમારી કિરપાએ તરકડાઓના દેશની માહિતી મળી. હવે એમને ભાંડવામાં વધારે જોશ આવશે !!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ફરવા જઈએ ત્યારે ત્યાંના લોકોના ભૂતકાળની સાથે આપણને પણ ઘણું યાદ આવતું હોય. જોકે હાલ તો એમને ભાંડીએ તો પડ્યા પર પાટુ જેવું થાય એમ છે.

      કાઢી નાખો
  3. !!!!!!!આઈવા તો બધો ઈતિહાસ જોઈ લાખીએ.’ :):):)
    રજનીકાન્ત શાહ

    જવાબ આપોકાઢી નાખો
  4. Kalpanaben....
    tamaro aa lekh vanchta vanchta to hasynu moju fari valyu.....couldn't control laughing loud...Turkish towel ne haro yad karyo....liked the comparision of Turkish bath and modern swimming pool...Guide ni bahu Mazak uradta chho....
    Harsha - Toronto

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર હર્ષાબેન,
      ઈતિહાસ ન ગમે તેનો ફાયદો એ કે, લોકોને જોવાનો સારો સમય મળી રહે ને બધાના હાવભાવ કે આદતો અજાણપણે નોંધાઈ જાય. તમને લેખ ગમ્યો તે ગમ્યું.

      કાઢી નાખો