રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

ટર્કીમાં ટિપ મૂકવાની ટિપ મળી

Bahsis એ ટર્કિશ શબ્દ છે જેનો ઉચ્ચાર બહસિસ થાય જે આપણા બક્ષિસ શબ્દને મળતો આવે. બક્ષિસ શબ્દ પણ આપણો છે કે કેમ ? કારણકે અંગ્રેજો પણ બક્ષિસ બોલે ! હશે, આપણને તો બક્ષિસના અર્થ સાથે કામ. કયો શબ્દ ક્યાંથી આવ્યો તે નિરાંતે જોઈશું, હમણાં તો ફરવાની વાત. પણ બક્ષિસની યાદ કેમ આવી ? તો ભાગતી ગાડીમાં બેઠાં બેઠાં અંજુને અચાનક જ અમારી ટૂર કંડક્ટરની ટિપ યાદ આવી ગઈ.

‘ટર્કીમાં જ્યાં જાઓ ત્યાં તમારે બધાંને ટિપ આપવી પડશે. બધાંને એટલે ધારો કે, તમે એરપોર્ટ પર તમારો સામાન જાતે ન ઊંચકો ને ત્યાંના પોર્ટર પાસે ઊંચકાવો તો એને ટિપ આપજો. એમ તો બૅગ દીઠ તમારે અમુક નક્કી રકમ આપી દેવાની. પછી ટૅક્સીમાં જાઓ તો ટૅક્સીના ભાડા સિવાય પણ તમારે ડ્રાઈવરને ટિપ આપવાની. હૉટેલમાં રહો ત્યારે દરેક બિલ સિવાય વધારાની ટિપ તમારે વેઈટરને આપવાની. જો તમે બિલ સાથે ટિપ મૂકી દેશો તો એ માલિકને જશે, એટલે દરેકની ટિપ તેના હાથમાં જ આપજો. આખો દિવસ હૉટેલમાં રહો તો એક દિવસના પૈસા ત્યાંના અટેન્ડન્ટને આપવાના. દસ દિવસ રહો તો તે મુજબ ગણીને આપી દેવાના. બહાર ફરવા નીકળો ત્યારે ગાડી કે ટૅક્સીના ડ્રાઈવરને સાંજે અમુક ટિપ આપવાની ને જો ગાઈડ સાથે હોય તો તેના અલગ આપવાના.’

‘આ હિસાબે તો આપણે  રોજના કેટલા પૈહા કા’ડવા પડહે ?’
‘આપણે દરેકે અલગ આપ્પાના કે તણ્ણેવના હાથે જ આપી દેવાના ?’
‘એ તો અ’વે કંઈ ક’યલુ નીં. પણ કઈ નીં, આપી દેહું આપણી રીતે. હારુ આ તો કેટલુ મોંઘુ પડે ફરવાનું ? આપણને હું ખબર, નીં તો બીજે કેથે ફરવા જતે.’
‘અ’વે કઈ નીં, આવી ગીયા ને ? થોડા પૈહા જહે તો જહે પણ ફરવાની મજા કેટલી આવહે તે જોવાની.’
‘હારો એટલો બધો ગરીબ દેસ છે કે, વાતે વાતે ટિપ ઉઘરાવવાની વાત કરે ?’
‘એમ જોવા જઈએ તો આપણે તાં સામાન ઉંચકવાવારાને આપણે પૈહા આપતા જ છે ને ? ઓ’ટલમાં હો વેઈટરને ટિપ નથી આપતા ? ને કેથે રી’યા ઓ’ય તો હો જતી વખતે આપણે બક્સિસ આપતા જ છે ને ? હા, ટૅક્સીવારાને આપણે ભાડા સિવાય ટિપ નથી આપતા. બાકી તો, બધે હરખુ જ છે. બો કંઈ ફિકર કરવા જેવુ નથી. ને અ’વે તો ફરવા નીકઈરા પછી બે વાત નીં ચાલે.’
‘બધી વાત હાચી પણ આપણે અં’ઈયા ટર્કિસ પૈહા કા’ડવાના છે ને તે એક લીરો હો આપીએ ને તો તે’વી રૂપિયા થાય. તોણ જણના તોણ લીરા આપીએ તો હો હિત્તેર રૂપિયા થઈ જાય. આપણે તાં તો દહ કે વીહ રૂપિયા ટિપના બો થઈ ગીયા.’
‘અ’વે બધુ ગણવા બણવાનું ચક્કર છોડો ને સાંતિથી ફરવાની વાત કરો. નવ્વાણું ભઈરા તો હો હો ભરી દેહું.’

અમારી ટિપની ચર્ચા કદાચ ચાલ્યા જ કરત પણ બધાંએ મોટું મન કરીને વાત જવા દીધી ને ગાડીની બહાર જોવા માંડ્યું. વરસાદ તો ચાલુ જ હતો. શહેરના મકાનો ને દુકાનો થરથર ધ્રૂજ્યા વગર નીતરતાં ઊભેલાં. વરસાદની એમને નવાઈ નહોતી. એમ પણ વરસાદના આગમનના દિવસો નજીક જ હતા ને ઠંડા પવનોનો માર પણ એમણે સહેવાનો હતો. નજીકથી જાતજાતની સુંદર ગાડીઓ પાણીના રેલાની માફર સરસર સરી રહી હતી. આપણને પણ હવે જોકે ગાડીઓની બહુ નવાઈ ન રહે એવી ગાડીઓ શહેરોના રસ્તાઓ પર જોવા મળ્યા કરે છે ખરી. નહીં તો અમારે બાઘાની જેમ જ ગાડીઓ જોવી પડત. આહાહા ! કેવા સરસ રસ્તા ને કેવી સુંદર ગાડીઓ બોલવાના દિવસો હવે ગયા. તોય નવા શહેરનું અચરજ તો અકબંધ જ હોય ને ?

અન્તાલ્યા એટલે દુનિયાભરના ટુરિસ્ટોથી ધમધમતું શહેર. જેમ ડુંગરા પરની જગ્યાઓ હવા ખાવાની જગ્યા ગણાય તેમ દરિયાકિનારાની જગ્યાઓ ખારી હવા લેવા સાથે મોજ માણવાની જગ્યા ગણાય. આરામ કરવાથી માંડીને દરિયામાં નહાવા તેમ જ ખાસ ચામડીનો રંગ તાંબા જેવો કરવા આવનારાઓની પણ અહીં ભારે ભીડ રહે. ટર્કીનો લાંબામાં લાંબો દરિયાકિનારો હોવાના કારણે અહીં વરસ દરમિયાન લાખોની સંખ્યામાં ટુરિસ્ટોની આવનજાવન રહે છે. દરિયાઈ રમતો ને દરિયાઈ પ્રાણીઓની વાનગીઓ પણ મશહૂર છે.

આ તો પાછું ઐતિહાસિક શહેર હોવાને કારણે જાતજાતની તૂટેલી ઈમારતો કે વિશાળ બાંધકામો જોવાનું પણ લોકોને એટલું જ આકર્ષણ. અમે હાના હારુ આવેલા ? ફરવા ? તૂટેલી ઈમારતો જોવા ? સી ફૂડ ખાવા ? કે થેપલાં ખાવા ? કંઈ નીં, બસ રખડવાનો ને હાથે રે’વાનો ને નવી જગ્યા જોવાનો ને ફરવાનો આનંદ માણવા ને ટિપ આપ્પા ?

પાછી ટિપ યાદ આવી ? એ તો અમારી ઓ’ટલ આવી ગયલી ને ચાલુ વરહાદે ગાડીમાંથી વે’લ્લા વે’લ્લા ઊતરીને ઓ’ટલમાં ભરાઈ ગીયા પછી જોયું તો અમારો સામાન હો પી’લ્લાઈને ઓ’ટલમાં આવતો ઊતો.. ને પેલા બુઢ્ઢાકાકા બિચારા ગાડી લઈને જવાની તીયારીમાં ઊતા.–ટિપ માઈગા વગર ! એ જોઈ અમે બધાએ હાથે જ શીસ્ શીસ્ ઈસારા કરીને એમને બોલાઈવા ને એમને તણ લીરા આપી દીધા. એ અમારી પે’લ્લી ટિપ !

ટિપ લેતી વખતના એમના ચહેરાના એ હાવભાવ હજીય બરાબર યાદ છે. ત્યારે અમને સમજાયું ટિપનું રહસ્ય. હવે વાંધો નહીં. દિલ ખોલીને ટિપ આપશું. ચાલો હૉટેલમાં બધી વિધી પતાવી રૂમમાં ભાગો ને ફ્રેશ થઈ પહેલાં ગરમ ગરમ ચાની વ્યવસ્થા કરો. હવે ગુજરાતી બોલવા ને સમજવાવાળા અમે ત્રણ જ હતાં. ને અહીં રિસેપ્શનિસ્ટ સિવાય કોઈ ગુજરાતી તો શું ઈંગ્લિશ પણ નહોતું બોલતું ! હવે ? જોકે, રૂમની ચાવી લેતી વખતે અમે પેલી સુંદર રિસેપ્શનિટથી પૂરેપૂરા અંજાઈ ચૂકેલાં. એ છોકરી જેટલી સુંદર હતી એટલી જ એ મીઠા અવાજની માલકિન હતી. કોઈ અદેખાઈથી નહીં પણ કવિ ન હોવાના અફસોસ સાથે મને એ છોકરીની સુંદરતાનું વર્ણન ન કરી શકવાનો અફસોસ રહેશે. બસ, અમે ત્રણેએ એકબીજાને એટલું જ કહ્યું કે, ‘કેટલી મસ્ત દેખાય છે ને ? ખાલી સિરિયસ રે’તી છે એટલું જ. બાકી, જરા સ્માઈલ હો આઈપા કરે તો વધારે હારી દેખાય. મેક અપ હો હું કરવા કઈરો ઓહે ? આમ જ કેટલી ફાઈન દેખાતી છે.’ પછી અમે જ એના તરફથી વકીલાત હો કરી ! ‘એ તો એને સરદી થયલી ઊતી તે જોયુ કે નીં ? આખો ટાઈમ ટિસ્યૂ લઈને નાક પકઈડા કરતી ઊતી.’

પારૂલે અમારા જ્ઞાનમાં પૂર્તિ કરી. ‘અરે, ટર્કિસ લોકો તો બો મસ્ત દેખાય. એ લોકો તો મધ્ય એસિયા ને ગ્રીક ને રોમના લોકોની અસરવારા એટલે બધા બો મસ્ત જ દેખાય. આપણે તાંના હીરો ને હીરોઈનો હું દેખાતા ઉતા! અમથી જ ઉસિયારી માઈરા કરે કે, ફલાણી હીરોઈન દુનિયામાં આટલા નંબરે આવી ને તેટલા નંબરે આવી. અં’ઈ તો એકએકથી ચ’ડે એવી મિસ વર્લ્ડ જ દેખાયા કરહે જોજો નીં.’ અમે આજુબાજુ નજર દોડાવી તો ત્યાં હૉટેલના યુનિફોર્મમાં ફરતા ટર્કિશ છોકરાઓ ને દરવાજે ઊભેલો દરવાન પણ અમને તો કપૂર ખાનદાનનો લાગ્યો ! કરીના કપૂર જો અહીં હોત તો એ પણ પેલી છોકરીને સામેથી સ્માઈલ આપવા જાત !

‘આપણે જતી વખતે આને હો ટિપ આપ્પી પડહે ?’ મેં પૂઈછુ.
‘ના રે, આને હું કરવા ? કોઈ દા’ડો કોઈ રિસેપ્શનિસ્ટને ટિપ આપે કે ? બો હારી દેખાય એટલે ફેહલાઈ નીં જવાનુ હું ?’ 
મને એ નીં હમજાયુ કે, એમાં મેં હું ક’ઈ લાઈખુ જે, કે મારી બેનો મારા પર તૂટી પડી ? ઓહે, જવા દેઓ.
અમે રૂમમાં પોં’ઈચા.

વિનંતી : આના પછીનો લેખ, ‘ટર્કીમાં બત્રીસ ભોજન ને તેત્રીસ પકવાન’ અગાઉ બ્લૉગ પર મૂક્યો હોવાથી, સાઈડ બારમાં ૧૭ જાન્યુઆરીનો લેખ જોઈ લેશો. ખાન હૉટેલમાં અમને પહેલા જ દિવસે મળેલા અફલાતૂન ભોજનની એમાં રસભરી કહાણી છે. 
                                                                                                                                                     



6 ટિપ્પણીઓ:

  1. કલ્પના બેન,

    પશ્ચિમ ના દેશોમાં ટિપ ને બક્શિસ નહિ પણ સેવા કરનાર નો હક (ભોજન ખર્ચ ના ૧૦-૧૫-૨૦% સુધી હિસાબે) માનવા માં આવે છે; આપણા ભારત માં વેઈટરો બહુ જ ઓછું કમાય છે. આજથી (મારી જેમ) દેશમાં પણ ધરાર ૧૦% ટિપ આપવાનું વચન દ્યો તો જ હવે પછી ના અંક વાંચું!!!

    ચેતન શાહ

    જવાબ આપોકાઢી નાખો
  2. ચેતનભાઈ,
    તમારી વાત સો ટકા સાચી. આપણા દેશમાં ગરીબોને જ લૂટારુ સમજાય છે તે બહુ દુ:ખની વાત છે.
    તો જ શાકભાજી કે રિક્ષાવાળા સાથે માથાકૂટ થાય. લોકોથી મોંઘી હૉટેલો કે થિએટરોમાં હોંશે હોંશે જવાય ! જોકે આપણા જેવા સમજુ લોકો છે ખરા એટલે વાંધો નહીં:) વાંચતા રે’જો. આભાર.

    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  3. ટીપની ટપાટપ વાંચવાની મજા આવી. ખાસ કરીને સુરતી ભાષા વાંચવામાં બહુ મજાની લાગે છે. મને હો બો જ ગમે.

    જવાબ આપોકાઢી નાખો
  4. તમારો તો આભાર માનવાનો ઑય જ નીં. બાકી મીઠી બોલી બઢાને જ ગમે.

    જવાબ આપોકાઢી નાખો