રોમન બાથની અસરમાંથી નીકળીને બધા બસમાં ગોઠવાયા.
ગાઈડને પણ ભૂખ તો લાગી જ હશે એટલે એણે બસને સીધી એક નદીકિનારાની રેસ્ટોરાં આગળ
લેવડાવી. થોડાં પગથિયાં ઉતરીને જવા માટે અમે નીચે નજર કરી તો મન ખુશ થઈ ગયું. વાહ,
ગાઈડને શાબાશી આપવી પડશે. આટલી મસ્ત જગ્યાએ લઈ આવ્યો. જોકે બહુ જ સાદી સીધી જગ્યા
હતી અને બેઠક વ્યવસ્થા પણ સાવ સાધારણ રેસ્ટોરાંમાં હોય તેવી. ફક્ત નદીની લગોલગ
આવેલી એટલે આખું વાતાવરણ જ બદલાઈ ગયેલું. નદીના ધીમા વહેતા પાણીમાં દેખાતા, સામા કિનારાના
વૃક્ષોના પડછાયાને જોઈ જમતાં જમતાં, હાથમાં કોળિયો છે તે ભૂલીને જોયા જ કરીએ એટલી
સુંદર જગ્યા.
જોકે, ખાવાનું ભૂલી જવા જેવું જ હતું. અહીંના
ખાવાનામાં ખાસ દમ નહોતો એવું અમને ત્રણેયને લાગ્યું. બહુ જ ઓછી વાનગીઓ ને તેમાંય
અમારે લાયક તો પેલી મિક્સ દાળ, ભાત, કોઈક બાફેલું શાક (સ્વાદિષ્ટ હોત તો આજેય યાદ
હોત), બ્રેડ, કચુંબર ને સફરજન ને બાકી બધું નૉનવેજ. આ કોઈ એવી મોટી હૉટેલ તો હતી
નહીં કે અમને પસંદગીનો અવકાશ મળે. ધીરે ધીરે હવે અમે ખાવામાં મન પરોવ્યું. દાળ,
ભાત ને શાકને ભેગાં કરીને મિક્સ વેજ પુલાવ સમજીને ખાઈ લેવાનું, વરણાગી કરશું તો
ભૂખે મરશું. છેલ્લે એક સફરજન લઈ લેવાનું એટલે બધા સ્વાદ ભૂલી જવાય. અહીં કોઈ
મીઠાઈને તો અવકાશ જ નહોતો. ખેર, ફરી બસમાં નીકળ્યાં અહીંની ખૂબ જાણીતી ટાઉન
માર્કેટ જવા. જગ્યાનું નામ કાલેઈસી.
અહીં ગાઈડે અમને બે કલાક આપ્યા. માર્કેટમાં
ફર્યા પછી લાગ્યું કે, ગાઈડને શૉપિંગનો સમય આપતાં નથી આવડતું. બે કલાક કંઈ
શૉપિંગના અપાતા હશે ? ને તે પણ આટલી મસ્ત માર્કેટમાં ? ફક્ત ફરી ફરીને માર્કેટ
જોતાં જ કેટલો સમય જાય ? પછી ભાવની રકઝકમાં કેટલી મજા આવે ? આ માર્કેટ તો પાછું
ભાવતાલ કરવા માટે ખૂબ જાણીતું. એ લોકોને જરાય ખોટું પણ ના લાગે ને ટુરિસ્ટોનો
સંતોષ જ એમનો સંતોષ કે મુદ્રાલેખ હોય એમ તરત જ ભાવતાલ પણ કરવા માંડે ! માર્કેટ પણ
કેટલી અદ્ભૂત ! કેટલી વ્યવસ્થિત ને સુંદર ! નાનકડું ગામ હોય એમ અહીં નાનકડી
ગલીઓમાં નાનકડાં મકાનો ને દુકાનોની હાર. બાંધકામ પાછું જૂના જમાના પ્રમાણેનું જ
રાખેલું. નવા જમાનાની હવા ના લાગે એવું. અમને તો અફસોસ રહી ગયો. પાછાં અહીં આવશું
ત્યારની વાત ત્યારે.
ટર્કીની જુનીપુરાણી વસ્તુઓથી માંડીને કપડાંની
દુકાનો, બૂટ–ચંપલ ને પર્સ–બૅગથી માંડીને અહીંના ખૂબ જ જાણીતા ગાલીચાઓ ને રસોડામાં
વપરાતા મસાલાઓ તો એટલી સુંદર ડિઝાઈન કરીને બધે ગોઠવેલા ને કે જોતાં જ રહીએ.
ખાણીપીણીની દુકાનોમાં જવાનો ને બધું ચાખવાનો સમય નહોતો પણ બધી સરસ ગોઠવણી પરથી તો
લાગતું હતું કે, આ દુકાનોમાં બેસીને નિરાંતે કંઈક તો ખાવું જ જોઈએ. અમે કૉફી પીવા
એક દુકાનમાં ગયાં. પતિ ને પત્ની બે જ જણ આ ઠંડા–ગરમ પીણાંની દુકાન ચલાવતાં હતાં.
જાણે કોઈને ત્યાં મહેમાન બન્યાં હોઈએ એવા એ લોકોના ચહેરા પરના ભાવ. અમે તો ખૂબ
પ્રેમથી કૉફી પીને ત્યાંથી નીકળતાં હતાં કે, એમણે અમારી પાસે પાણીની બૉટલ માગીને
ભરી આપી, તદ્દન મફત ! પાણી તો હવે આપણે ત્યાં પણ ક્યાં મફત મળે છે ?
દરેક ઘરની ફરતે સુંદર ફૂલોની વેલીઓ ચડાવેલી,
જ્યાં ને ત્યાં બધે બિલાડીઓ ફરતી દેખાતી હતી. (કોઈ શાપિત જગ્યા તો નહીં હોય ને ?) ખેર, અમને તો ઢાળવાળી ગલીઓમાં ફરવાની મજા આવતી હતી. અહીં ઘણી
નાની મોટી મસ્જિદો પણ હતી. દુકાનોમાં ટર્કિશ પુરુષો સાથે સુંદર ટર્કિશ સ્ત્રીઓ પણ
હતી માથે રંગીન સ્કાર્ફ બાંધીને. ઘણી જગ્યાએ પાથરણાં પાથરીને બેઠેલી સ્ત્રીઓ પણ હતી
જે પોતે જ ગુંથેલી શાલ, સ્વેટર, ટોપી કે રૂમાલ લઈને બેઠેલી. આ સ્ત્રીઓ ખુબ
આગ્રહપૂર્વક એમની વસ્તુઓ લેવા બોલાવતી, અમને કંઈ લેવાનું મન પણ થતું પણ પછી થતું,
હજી આજે તો પહેલો જ દિવસ છે ને જો અત્યારથી શૉપિંગ ચાલુ કરી દઈશુ તો છેલ્લે દિવસે
ખાવાના પૈસા પણ નહીં રહે. બહુ ભારે દિલે પેલી બહેનોને ના પાડી ને અમે બજારમાંથી
વિદાય લીધી.
પારૂલને માટે તો ફોટા પાડવાની આ ઉત્તમ જગ્યા
હતી. એટલે એ તો જ્યાં ને ત્યાં રોકાઈને ફોટા પાડ્યા કરતી. ઘણી વાર અમે ત્યાંની
ગલીઓમાં અટવાયાં પણ ખરાં. અમે બે સાથે હોઈએ ને પારૂલ ક્યાંક ફોટા ખેંચતી જ રહી
જાય. એક બાજુ ગાઈડે આપેલો સમય થવા આવેલો ને પારૂલનો કશે પત્તો નહોતો. અમે ગભરાયાં.
ગાઈડ પાછો બબડવાનો. હવે તો એ બધાંની વચ્ચે જ ગમે તેમ બોલવાનો. શું કરશું ? અમે
પાંચેક મિનિટ આમતેમ ચક્કર માર્યાં ને જોયું તો દૂરથી પારૂલ લંગડાતી લંગડાતી આવતી
હતી. એનાથી જેમતેમ ચલાતું હતું. અમે દોડ્યાં ને જોયું તો એનો પગ મોચવાઈ ગયેલો !
હવે ? પહેલા જ દિવસે આટલું મોટું વિઘન આવ્યું ? ફરવાનો પ્રોગ્રામ ફ્લૉપ ? કંઈ
વધારે વાગ્યું હશે તો ? ભારે દિલે અમે ધીરે ધીરે ચાલી મળવાની જગ્યાએ પહોંચ્યાં. ગાઈડ
કંઈક બોલવા જ જતો હતો પણ પારૂલની હાલત જોઈને મોં બગાડી ચૂપ રહ્યો.
ડિઝાઈનર મસાલા **************** |
'દાળ, ભાત ને શાકને ભેગાં કરીને મિક્સ વેજ પુલાવ સમજીને ખાઈ લેવાનું, વરણાગી કરશું તો ભૂખે મરશું. છેલ્લે એક સફરજન લઈ લેવાનું એટલે બધા સ્વાદ ભૂલી જવાય. અહીં કોઈ મીઠાઈને તો અવકાશ જ નહોતો.' કેટલી સમજદારીની વાત કરી. (સ્માઈલ) મજાનું પ્રવાસ વર્ણન.
જવાબ આપોકાઢી નાખોઆવી વાનગી આપણે જ સમજી કે બનાવી શકીએ ને ? (રોજ સાંજે શું બનાવવાના પ્રશ્નનો જવાબ :) )
જવાબ આપોકાઢી નાખોઆભાર.