રવિવાર, 3 એપ્રિલ, 2016

ગાઈડભાઈ અમને પગે લાગ્યા!

પારુલની ચાલ અને એના મોં પરના હાવભાવ જોઈને અમને દયા આવી ગઈ. બહુ દુ:ખતું લાગે છે. અમે એને ટેકો આપી નજીકના બાંકડે બેસાડી. એનો પગ મોચવાવાથી ઘુંટી પર સોજો ચાલુ થવા માંડેલો. કોઈ નાનું છોકરું હોત તો સૌથી પહેલાં તો બધાં એના પર તૂટી જ પડ્યાં હોત, ‘એવી તે કાં રમ્મા ગયેલી ?’ કે પછી, ‘એવુ તે હું કરવા ગયેલી કે પગ હો મોચવાઈ ગ્યો ? વાંદરા જેવી છે હાવ ! જાં ને તાં કૂદકા જ માઈરા કરે તે પછી હું થાય ? ચાલ લાવ જોવા દે અ’વે, કાં વાગેલુ છે ? પગ હીધો રાખ તારો, એમ અ’લાઈવા હું કરે ?’ આવુ બધુ નાનપણમાં અમે બો હાંભરેલુ પણ હાલ તો આખી વાત જ જુદી હતી. ફોટો પાડવાની ધૂનમાં એક નાનકડા કાંકરા પર પગ લસરી જવાથી સદરહુ ઘટના બનવા પામેલી.


આજે પહેલો જ દિવસ હતો ને સવારમાં વહેલાં નીકળવાની ઉતાવળમાં મેડિકલ કિટ જેવું જે બૉક્સ તૈયાર કરેલું તે લેવાનું જ રહી ગયેલું ! ઘરેથી તો કેવી મજાની તૈયારી કરેલી કે, કોઈને કંઈ વાગે મૂકે તો સ્પ્રેની બૉટલ લીધી, ડ્રેસિંગના પાટાપીંડી બી લીધા ને જાતજાતની દવાઓ હૌ લીધેલી, પણ  એ બધું તો પ્લેનના નિયમોને કારણે બૅગમાં ભરેલું તે હાલ તો બૅગમાં આરામ કરે ! એ બધું હું કામનું ? બધાંને જ પોતાની જાત પર ગુસ્સો આવ્યો. હત્તેરીની... બોલતાં બધાંએ પોતાની પર્સ ફંફોસી, કદાચ કંઈક નીકળી આવે. ક્રોસિન નીકળી તે એને આપી જેથી દર્દમાં થોડી રાહત થાય. આજે પહેલી વાર સાડી કે દુપટ્ટાની ગેરહાજરી સૌને વર્તાઈ. જો હોત તો એ ચીરમાંથી એકાદ ચીરો ફાડીને કામ લાગત. બરી ગ્યા આ ગરમ કપડાં. પણ બધું ફેંદતાં મારા પર્સમાંથી એક અફલાતૂન વસ્તુ મળી આવી. દુપટ્ટાનો ટૂકડો ! મેં વરસાદના દિવસો હોવાને લીધે એક જૂના દુપટ્ટાના ચારેક ટૂકડા લઈ રાખેલા, જેમાંથી બે પર્સમાં ને બે બૅગમાં રાખેલા. ક્યારે કામ આવે શી ખબર ?


મેં તો ફટાફટ એ ટૂકડો કાઢ્યો ને તેનો લાંબો ચીરો કાઢી પાટાની જેમ ફિટમફિટ પારુલના પગની ઘુંટી ફરતે, જેવો આવડે એવો બાંધી દીધો. એને બો જ રાહત લાગી ને એનાથી થોડું ધીરે ધીરે ચલાતું હો થીયું. મને વિચાર આઈવો, ડૉક્ટર કે આ’ડવૈદ બનવું અઘરું નથી ! પ્રેક્ટિસ ચાલુ રાખવી પડહે. અમારા સૌ કરતાં પહેલાં ગાઈડને રાહત થઈ હશે તે ક્યારનો આ બધો ખેલ જોઈ રહેલો તેના પરથી અમને લાગ્યું. એને પણ થયું હશે કે, ‘કે’વું પડે આ ઈંડિયન બહેનોને, જબરો ખેલ પાડ્યો. આપણે ત્યાં તો હમણાં એમ્બ્યુલન્સને બોલાવી લેત ને દોડાદોડી કરી નાંખત જ્યારે આ લોકો તો એક કાપડના ટૂકડાને સહારે ચાલતાં પણ થઈ ગયાં.’ એના મનમાં કદાચ અમારા માટે માન પણ થયું હોય, કોને ખબર. ખેર, ધીમે ધીમે ચાલતાં અમે બસમાં ગયાં ને પારુલને છેલ્લી સીટ પર સૂવડાવીને નિરાંતે બેઠાં. એવામાં ગાઈડ અમારા માટે કૉફી ને બિસ્કિટ લઈ આવ્યો ! બહુ નમ્રતાથી કહેવા લાગ્યો, ‘તમને લોકોને વાંધો ના હોય ને આ મૅડમને પગમાં થોડું સારું લાગતું હોય તો, આ મૅડમ અહીં આરામ કરે ને બાકીનાં તમે બે અહીં નજીકમાં જ એક જગ્યા જોવા હું બધાંને લઈ જાઉં છું, ત્યાં આવવું હોય તો આવી શકો છો. અડધો કલાકમાં પાછાં આવી જઈશું.’ અમે તો એકબીજા સામે જોવા માંડ્યાં, અચાનક આ પરિવર્તન ?

પારુલે આગ્રહ કરીને અમને બેને ત્યાં મોકલ્યાં ને કહ્યું, ‘મારા હારુ બો બધા ફોટા પાડી લાવજો ને તમારા પગ હાચવજો.’ અમે હસતાં હસતાં ત્યાંથી નીકળ્યાં. આ ટુરિસ્ટોની સતત અવરજવરવાળો રસ્તો હોવાથી ને સલામત દેશ હોવાથી કોઈ જાતની બીક રાખવાની નહોતી તે સારું હતું, બાકી આમ અજાણી જગ્યાએ ને પાછું પરદેશમાં એકલાં બસમાં બેસાય ખરું કે ? બસમાં હીટર ચાલુ કરીને ડ્રાઈવર બહાર બીજા દોસ્તો સાથે ગપ્પાં મારવા બેસી ગયેલો. અમે ગાઈડની પાછળ નીકળી પડ્યાં ને પેલા સહપ્રવાસીઓ પણ જોડાયા. એ બધામાંથી ફક્ત બે જણને ઈંગ્લિશ નહોતું સમજાતું એટલે ગાઈડ એમને પછીથી ટર્કિશ ભાષામાં બધું સમજાવતો. ધારો કે, અમને ઈંગ્લિશ ના સમજાતું હોત તો ? શું ગાઈડ અમને ગુજરાતીમાં બધું સમજાવતે ? જવા દો, હાલ તો અમને ઈંગ્લિશ સમજાતું હતું તે બહુ મોટી વાત હતી, નહીં તો ડાંફરિયાં મારીને બધે ફર્યા કરતે.

અમે જે બજારમાં ફરી આવ્યાં તેની જ ફરતે બીજું પણ ઘણું જોવાનું હતું. ખાસ તો, જ્યાંથી અમે આ નાનકડા ટાઉનમાં દાખલ થયેલાં તેનું ભવ્ય કમાનવાળું પ્રવેશદ્વાર તે સમયના રોમન શહેનશાહ હૅડ્રિયાનસે બનાવડાવેલું. હૅડ્રિયાનસ ગેટ નામે ઓળખાતા એ દ્વારથી જ લોકો આવ–જા કરતા. અંદર જે મસ્જિદો હતી તેમાંથી એકના મિનારા સવાસો ફીટ ઊંચા હતા અને ગોળ ખાંચા કરેલા એ મિનારા ‘યિવલી મિનારા’ નામે પ્રસિધ્ધ હતા., કોઈ રાજા ‘ઓટોમન’ના સમયનું ટાવર હતું તે ‘ક્લૉક ટાવર’ એરિયા ‘સાત કુલેસી’ નામે ઓળખાતો. અઢારમી સદીની ‘પાસા કૅમી’ મસ્જિદ હતી. એક સુંદર રોમન મંદિર પણ રોમનોએ બાંધેલું ! જે પછીથી ચર્ચમાં ફેરવાયેલું અને ત્યાર પછી એની મસ્જિદ બની ગયેલી જેના મિનારા હાલ તૂટેલા દેખાય છે તે ‘કેસિક મિનારા’. ધર્મની ધમાલ બધે જ જોવા મળે પણ એમાં સારા સારા સ્થાપત્યોનો નાશ થઈ જાય ને આપણે જોવા જઈએ તો આપણને ખંડેર કે તૂટેલા મિનારા કે થોડા નાના મોટા પથ્થરો જોવા મળે. એ બધું જોઈને ઈતિહાસ ફેંદીને ખુશ થવાનું કે દુ:ખી થવાનું ?

બહારથી દેખાય નહીં પણ ફરતાં ફરતાં જઈએ તો છેલ્લે સુંદર બંદર આવે, જે તે જમાનામાં આ ટાઉનની ઊંચી દિવાલોથી સુરક્ષિત કરાયેલું. નજીકમાં જ ‘હિડિરલિક કુલેસિ’ નામનું ટાવર હતું જ્યાંથી સુંદર દરિયાનો ને બંદરનો નજારો જોવાનો મળે. કિનારે જાતજાતની રેસ્ટોરાં પણ હતી જ્યાં લોકો બેસીને આરામથી ખાતાં પીતાં દરિયાદર્શનને માણતાં હતાં. સરસ મજાનું મેળા જેવું વાતાવરણ હતું જ્યાં કોઈ જાતના ભેદભાવ વગર બધા જ આરામથી ફરતાં હતાં ને મોજમસ્તી કરતાં હતાં. ગાઈડ અમને બબડે તે પહેલાં જ અમે બસમાં પહોંચી ગયાં. પારુલને રાહત થઈ હશે તે ઊંઘતી હતી. સાડા ચાર વાગવા આવેલા અને એક દિવસની ટૂરનું અહીં સમાપન થતું હતું એટલે અમારી બસ હૉટેલ તરફ નીકળી પડી. ફરી અન્તાલ્યાના સુંદર રસ્તાઓ, મકાનો ને રમણીય દ્શ્યો જોવાનાં મળ્યાં. અમને તો મન થયું કે, જાણે આ બસમાં બેસીને ફર્યા જ કરીએ, ફર્યા જ કરીએ ને શહેરનો રાતનો નજારો પણ માણીએ પણ ગાઈડ અમારાથી વહેલો છૂટવા માગતો હશે કે કોણ જાણે, તે ડ્રાઈવરે સૌથી પહેલાં અમારી હૉટેલ પર બસ લાવીને મૂકી દીધી, હત્તેરીની !

હવે બસમાંથી ઉતરવાવાળા અમે ત્રણ જ જણ ને સૌથી પહેલી પારુલ દરવાજા પાસે ઊભેલી. નાછૂટકે નીચે ઊભેલા ગાઈડે હસીને પારુલ તરફ ટેકો આપવા હાથ લંબાવ્યો ને પારુલ ગાઈડના ખભા પર વજન આપીને ધીરે ધીરે બસમાંથી ઊતરી ગઈ. જે ગાઈડ અમારી વાતે ખભા ઊંચા કર્યા કરતો હતો તે જ ગાઈડ અમારા માટે ખભેથી નમી ગયો. વાહ. ગાઈડના સવારના ને સાંજના હાવભાવમાં ખાસ્સો ફેર પડ્યો હતો. સવારના અપમાનનો ભલે થોડો તો થોડો, પણ બદલો મળતાં અમને ત્રણેયને શાંતિ મળી. હૉટેલમાં ગયા પછી બધાંને યાદ આવ્યું, ‘અરે ટિપ આપ્પાની તો ર’ઈ જ ગઈ !’
‘એને ટિપ હાની આપ્પાની ? એક તો હવારથી આપણો મૂડ બગાડેલો તે પારુલને આખરે વાગીને જ રીયુ ને આપણને હંભરાઈવું તે ? કઈ નીં. નીં આપી તે બરાબર જ છે.’ અમે હારુ કઈરુ કે ખરાબ ? કોણ જાણે.

રૂમ પર જઈ થોડો આરામ કરી અમે ઉપડ્યાં ખૂબ જ લલચામણી જગ્યાએ જ્યાં રાતનું મસ્ત ડિનર અમારી રાહ જોતું હતું.

8 ટિપ્પણીઓ:

  1. હાડવૈદુ ચાલુ કર્યું કે નહીં? સારો માહિતીપ્રદ લેખ.

    જવાબ આપોકાઢી નાખો

  2. બૌ મઝા આવી. પ્રવાસની. નવે હપ્તાની રાહ જોઈશું.

    જવાબ આપોકાઢી નાખો
  3. હારુ, પ્રવાસ મઝાના હારુ તો ઓ’ય.

    જવાબ આપોકાઢી નાખો
  4. 'Name te sau ne game' e vat ne dhyan ma rakhi...guide ne namavi didho ne....? ne pachhi gamto kari didho....baki kahevu pade 'Teen Deviya' ne.

    Harsha
    Toronto

    જવાબ આપોકાઢી નાખો
  5. Ha to em nani vaatma insult kare tene saja karvani ne ?
    Indiane kem game tem boli jay ?

    જવાબ આપોકાઢી નાખો