રવિવાર, 27 માર્ચ, 2016

ચાલો શૉપિંગ કરવા

રોમન બાથની અસરમાંથી નીકળીને બધા બસમાં ગોઠવાયા. ગાઈડને પણ ભૂખ તો લાગી જ હશે એટલે એણે બસને સીધી એક નદીકિનારાની રેસ્ટોરાં આગળ લેવડાવી. થોડાં પગથિયાં ઉતરીને જવા માટે અમે નીચે નજર કરી તો મન ખુશ થઈ ગયું. વાહ, ગાઈડને શાબાશી આપવી પડશે. આટલી મસ્ત જગ્યાએ લઈ આવ્યો. જોકે બહુ જ સાદી સીધી જગ્યા હતી અને બેઠક વ્યવસ્થા પણ સાવ સાધારણ રેસ્ટોરાંમાં હોય તેવી. ફક્ત નદીની લગોલગ આવેલી એટલે આખું વાતાવરણ જ બદલાઈ ગયેલું. નદીના ધીમા વહેતા પાણીમાં દેખાતા, સામા કિનારાના વૃક્ષોના પડછાયાને જોઈ જમતાં જમતાં, હાથમાં કોળિયો છે તે ભૂલીને જોયા જ કરીએ એટલી સુંદર જગ્યા.

જોકે, ખાવાનું ભૂલી જવા જેવું જ હતું. અહીંના ખાવાનામાં ખાસ દમ નહોતો એવું અમને ત્રણેયને લાગ્યું. બહુ જ ઓછી વાનગીઓ ને તેમાંય અમારે લાયક તો પેલી મિક્સ દાળ, ભાત, કોઈક બાફેલું શાક (સ્વાદિષ્ટ હોત તો આજેય યાદ હોત), બ્રેડ, કચુંબર ને સફરજન ને બાકી બધું નૉનવેજ. આ કોઈ એવી મોટી હૉટેલ તો હતી નહીં કે અમને પસંદગીનો અવકાશ મળે. ધીરે ધીરે હવે અમે ખાવામાં મન પરોવ્યું. દાળ, ભાત ને શાકને ભેગાં કરીને મિક્સ વેજ પુલાવ સમજીને ખાઈ લેવાનું, વરણાગી કરશું તો ભૂખે મરશું. છેલ્લે એક સફરજન લઈ લેવાનું એટલે બધા સ્વાદ ભૂલી જવાય. અહીં કોઈ મીઠાઈને તો અવકાશ જ નહોતો. ખેર, ફરી બસમાં નીકળ્યાં અહીંની ખૂબ જાણીતી ટાઉન માર્કેટ જવા. જગ્યાનું નામ કાલેઈસી.

અહીં ગાઈડે અમને બે કલાક આપ્યા. માર્કેટમાં ફર્યા પછી લાગ્યું કે, ગાઈડને શૉપિંગનો સમય આપતાં નથી આવડતું. બે કલાક કંઈ શૉપિંગના અપાતા હશે ? ને તે પણ આટલી મસ્ત માર્કેટમાં ? ફક્ત ફરી ફરીને માર્કેટ જોતાં જ કેટલો સમય જાય ? પછી ભાવની રકઝકમાં કેટલી મજા આવે ? આ માર્કેટ તો પાછું ભાવતાલ કરવા માટે ખૂબ જાણીતું. એ લોકોને જરાય ખોટું પણ ના લાગે ને ટુરિસ્ટોનો સંતોષ જ એમનો સંતોષ કે મુદ્રાલેખ હોય એમ તરત જ ભાવતાલ પણ કરવા માંડે ! માર્કેટ પણ કેટલી અદ્ભૂત ! કેટલી વ્યવસ્થિત ને સુંદર ! નાનકડું ગામ હોય એમ અહીં નાનકડી ગલીઓમાં નાનકડાં મકાનો ને દુકાનોની હાર. બાંધકામ પાછું જૂના જમાના પ્રમાણેનું જ રાખેલું. નવા જમાનાની હવા ના લાગે એવું. અમને તો અફસોસ રહી ગયો. પાછાં અહીં આવશું ત્યારની વાત ત્યારે.

ટર્કીની જુનીપુરાણી વસ્તુઓથી માંડીને કપડાંની દુકાનો, બૂટ–ચંપલ ને પર્સ–બૅગથી માંડીને અહીંના ખૂબ જ જાણીતા ગાલીચાઓ ને રસોડામાં વપરાતા મસાલાઓ તો એટલી સુંદર ડિઝાઈન કરીને બધે ગોઠવેલા ને કે જોતાં જ રહીએ. ખાણીપીણીની દુકાનોમાં જવાનો ને બધું ચાખવાનો સમય નહોતો પણ બધી સરસ ગોઠવણી પરથી તો લાગતું હતું કે, આ દુકાનોમાં બેસીને નિરાંતે કંઈક તો ખાવું જ જોઈએ. અમે કૉફી પીવા એક દુકાનમાં ગયાં. પતિ ને પત્ની બે જ જણ આ ઠંડા–ગરમ પીણાંની દુકાન ચલાવતાં હતાં. જાણે કોઈને ત્યાં મહેમાન બન્યાં હોઈએ એવા એ લોકોના ચહેરા પરના ભાવ. અમે તો ખૂબ પ્રેમથી કૉફી પીને ત્યાંથી નીકળતાં હતાં કે, એમણે અમારી પાસે પાણીની બૉટલ માગીને ભરી આપી, તદ્દન મફત ! પાણી તો હવે આપણે ત્યાં પણ ક્યાં મફત મળે છે ?

દરેક ઘરની ફરતે સુંદર ફૂલોની વેલીઓ ચડાવેલી, જ્યાં ને ત્યાં બધે બિલાડીઓ ફરતી દેખાતી હતી. (કોઈ શાપિત જગ્યા તો નહીં હોય ને ?) ખેર, અમને તો ઢાળવાળી ગલીઓમાં ફરવાની મજા આવતી હતી. અહીં ઘણી નાની મોટી મસ્જિદો પણ હતી. દુકાનોમાં ટર્કિશ પુરુષો સાથે સુંદર ટર્કિશ સ્ત્રીઓ પણ હતી માથે રંગીન સ્કાર્ફ બાંધીને. ઘણી જગ્યાએ પાથરણાં પાથરીને બેઠેલી સ્ત્રીઓ પણ હતી જે પોતે જ ગુંથેલી શાલ, સ્વેટર, ટોપી કે રૂમાલ લઈને બેઠેલી. આ સ્ત્રીઓ ખુબ આગ્રહપૂર્વક એમની વસ્તુઓ લેવા બોલાવતી, અમને કંઈ લેવાનું મન પણ થતું પણ પછી થતું, હજી આજે તો પહેલો જ દિવસ છે ને જો અત્યારથી શૉપિંગ ચાલુ કરી દઈશુ તો છેલ્લે દિવસે ખાવાના પૈસા પણ નહીં રહે. બહુ ભારે દિલે પેલી બહેનોને ના પાડી ને અમે બજારમાંથી વિદાય લીધી.

પારૂલને માટે તો ફોટા પાડવાની આ ઉત્તમ જગ્યા હતી. એટલે એ તો જ્યાં ને ત્યાં રોકાઈને ફોટા પાડ્યા કરતી. ઘણી વાર અમે ત્યાંની ગલીઓમાં અટવાયાં પણ ખરાં. અમે બે સાથે હોઈએ ને પારૂલ ક્યાંક ફોટા ખેંચતી જ રહી જાય. એક બાજુ ગાઈડે આપેલો સમય થવા આવેલો ને પારૂલનો કશે પત્તો નહોતો. અમે ગભરાયાં. ગાઈડ પાછો બબડવાનો. હવે તો એ બધાંની વચ્ચે જ ગમે તેમ બોલવાનો. શું કરશું ? અમે પાંચેક મિનિટ આમતેમ ચક્કર માર્યાં ને જોયું તો દૂરથી પારૂલ લંગડાતી લંગડાતી આવતી હતી. એનાથી જેમતેમ ચલાતું હતું. અમે દોડ્યાં ને જોયું તો એનો પગ મોચવાઈ ગયેલો ! હવે ? પહેલા જ દિવસે આટલું મોટું વિઘન આવ્યું ? ફરવાનો પ્રોગ્રામ ફ્લૉપ ? કંઈ વધારે વાગ્યું હશે તો ? ભારે દિલે અમે ધીરે ધીરે ચાલી મળવાની જગ્યાએ  પહોંચ્યાં. ગાઈડ કંઈક બોલવા જ જતો હતો પણ પારૂલની હાલત જોઈને મોં બગાડી ચૂપ રહ્યો.


ડિઝાઈનર મસાલા
****************




રવિવાર, 20 માર્ચ, 2016

પર્જનું મશહૂર રોમન બાથ

ગાઈડ તો આખા પર્જ ટાઉનની બધી જગ્યાઓ બતાવવા બાબતે એટલો ઉત્સાહિત હતો કે, એક પછી એક જગ્યા બતાવતો જ જતો હતો. ‘ભાઈ, થોડો થાક ખાવા દે, કંઈ કેથે ચાપાણી કરાવ ને કંઈ નીં તો અમને નાસ્તો તો કરાવ. એ હું હારો ચલાઈવા જ કરે ? અમે આટલું બધું ચાલવા ટેવાયેલાં નીં મલે.’ મેં બબડાટ કર્યો કે, બંને બહેનોએ મને ચૂપ રહેવા ઈશારો કર્યો. થોડી વાર કશે બેસી જવાનો મેં વિચાર કર્યો પણ આટલી વિશાળ જગ્યા ને સતત ફરતા રહેતા ટુરિસ્ટોની વચ્ચે હું કશે અટવાઈ ગઈ ને આ લોકોથી જુદી પડી ગઈ તો ? એ બીકે મેં ચાલ્યા કર્યું. મને થયું, આપણા ઈન્ડિયામાં કેટલું સારું ! આવી બધી જગ્યાઓએ ફટાફટ ફેરિયાઓ ને લારીઓ ને નાની નાની જાતજાતની દુકાનો આવી જાય ને લોકોને ખાવાપીવાની કે કચરો ફેંકવાની જરાય તકલીફ ન પડે. અહીં તો બધાં પોતપોતાની સાથે જે લાવ્યાં હોય તે જ ખાવાનું. નહીં તો બહાર નીકળીએ ત્યારે જ ત્યાંના સ્ટૉલ્સ પર ખાવાપીવા મળે. કંઈ નહીં ચાલો. થિએટર, સ્ટૅડિયમ જોયા પછી વિશાળ રોમન દરવાજાની સામે અમે ઊભા હતાં, જેને જોવા દુનિયાભરના લોકો આવતા હતા. રોમન રાજાઓનાં પૂતળાં અને મારબલના પથ્થરોથી શોભતા દરવાજામાંથી મોટા ભાગની મૂળ વસ્તુઓ મ્યુઝિયમમાં સચવાઈ છે અને હાલ એને આબેહૂબ અસલ જેવો બનાવીને ટુરિસ્ટોને બતાવાય છે. દરવાજામાંથી દાખલ થઈએ એટલે આપણા ગામમાં અસલ ચોતરો આવતો, હવે મોટા ચાર રસ્તાઓ જેવા મિલનસ્થળો કે મૉલ્સ કે બજારો જેવી જે જગ્યા હોય તેવી વિશાળ જગ્યા આવી. સેપ્ટિમિયસ સેવેરસ સ્ક્વેર. આપણે ખાલી સાંભળવાનું, આવા ઉચ્ચાર એ લોકોને જ કરવા દેવાના.

આગળ જતાં ગાઈડે મોટા મોટા બાથરૂમ્સ બતાવ્યા, જે સ્વાભાવિક છે કે ત્યારે તો તૂટેલી હાલતમાં ને ખુલ્લા જ હતા. દરેકના ઘરે પાણીની ને બાથરૂમની સગવડ હોવા છતાં પાણીની પાઈપલાઈનમાં સીસાનું પ્રમાણ વધી જતાં ત્યાંના અમીરો આવા જાહેર સ્નાનાગારમાં નાહવા આવતા. આ સ્નાનાગારને રાજાઓના પૂતળાં અને રંગીન મોટા થાંભલાઓથી શણગારેલું. નાહવાને બહાને બધાંને મળવાનું થતું, અલકમલકની વાતો થતી ને બધા તાજામાજા થઈ ઘરે જતા. ખાસ બાંધેલા મોટા ઓરડાઓમાં ભોંયતળિયે રાખેલી વિશાળ ભઠ્ઠીઓથી પાણી ગરમ થતું. ગુલામો અમીરોને તેલનું માલિશ કરતા અને પછી ખાસ છરીથી એમના શરીર પરથી એ તેલ કે મેલ ઘસીને કાઢતા. જે મેલ જમીન પર પડે તે બધો વાટકામાં ભેગો કરાતો ને પછીથી નાહવા આવતી સ્ત્રીઓના માથામાં લગાડાતો ! અરેરે ! બહુ જ ગંદું ને ચીતરી ચડે એવું કામ આ લાચાર ગુલામો કરતા. અમીરો પગમાં દાઝે નહીં એટલે લાકડાની ચાખડી પહેરતા અને ગુલામો ?

આ જાણીતા રોમન પ્રકારના સ્નાન માટે ખાસ ત્રણ જગ્યા હતી. ઠંડા પાણીનો મોટો કુંડ, હુંફાળા પાણીનો અને ગરમ પાણીનો અલાયદો મોટો ઓરડો. આ બધું જોવામાં ને સાંભળવામાં ભવ્ય લાગી રહ્યું હતું. કેવો અદ્ભૂત નજારો હશે એવું સહેજે કોઈના પણ મનમાં થાય. આજના મોટા મોટા સ્વિમિંગ પૂલો પણ શું છે ? આ રોમન બાથરૂમોનો જ નવો અવતાર ને ? ઘરેથી નાહીધોઈને સ્વિમિંગ પૂલમાં સોના(સૌના)નો પરસેવા બાથ ને પછી ચોખ્ખા પાણીનો બાથ લેવા આવે. ધંધાપાણીની વાતો કરે ત્યારે એમાંય કોઈને નવડાવવાની વાતો હોય, તો કોઈ વાર કોઈ નવડાવી ગયું હોય તેનીય વાત હોય. રાજકારણની, ફિલ્મોની ને શેરબજાર કે લોકોની વાતો પણ થાય. બે ચાર કલાક અમસ્તા જ કાઢીને બધાં ઘર ભેગાં થઈ જાય.

આ બધા સ્નાનાગારોની બહાર પાછા અખાડા એટલે કે જિમ રહેતા. જોકે, રોમનોની જિમની આ રીત ટર્કિશ લોકોને નહીં ગમી હોય એટલે એમણે એ રીત ચાલુ ન રાખી. આ બધું ખંડેર ના હોત તો કેટલું ભવ્ય હોત ! કદાચ આપણે તો બિસ્તરા પોટલા અહીં જ છોડી દેત.

આપણે ત્યાં સરકાર શૌચાલય–શૌચાલયની બૂમો પાડતાં થાકે ને લોકોને ખુલ્લામાં જ સોચ્યા વગર શૌચ કરવા મજબૂરીએ જવું પડે, ત્યારે આવા મોટા સ્નાનાગારોમાં જાતજાતના પાણીની સ્નાનવિધિઓ ચાલતી હોય. જોકે, ટર્કીમાં એવી કોઈ તકલીફ જણાઈ નહીં. નહીં તો ગાઈડ ચોક્કસ કહેતે કે, ‘અહીંના અમીરોને કારણે સામાન્ય લોકોને નાહવાનું શુધ્ધ પાણી મળતું નહીં. જગ્યાના અભાવે  લોકોના ઘરોમાં શૌચાલયો પણ નહોતાં એટલે અહીંની સામાન્ય પ્રજા ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બનતી.’ એ ત્યાંનો લોકલ ગાઈડ હતો. પોતાના દેશનું ખરાબ ઓછું બોલતે ? આપણું મગજ પણ અજબગજબના વિચારે ચડીને  સડી જાય.

અહીંના રાજાઓએ પ્રજા માટે બધી સગવડ બહુ સારી કરેલી. બજારમાંથી જતો માર્બલવાળો લાંબો રસ્તો અને તેની બંને બાજુ દુકાનો હતી. શહેરની મધ્યમાંથી પાણીની નહેર પસાર થતી, લોકોને અને દુકાનોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે. આ બધી વાતો સાંભળીને મન તો એ જમાનામાં વિહરવા માંડતું પણ નજરની સામે બધું ખંડેર હાલતમાં જોઈને અફસોસ પણ થતો કે ભૂકંપ કેવી કેવી તબાહી કરી શકે છે ? જોકે, ત્યાર પછી આવેલા રાજાઓએ ફરીથી ઘણું વસાવવાની ને સાચવવાની કોશિશ કરેલી તે સારી વાત કહેવાય.

રોમન બાથ તો જગમસહૂર તેવું પાછું ટર્કિસ બાથ હો જાણીતુ ! આપણને તો ટર્કિસ ટુવાલ ખબર, એ વરી ટર્કિસ બાથ પાછું કેવુક આવતુ ઓહે ? આ લોકો આવું જ બધું બતાઈવા કરવાના કે હું ? ચાલો કંઈ નીં, જોવા જ આવેલા છે તો બે ઘડી બધે નજર લાખતા જહું. (ઉપકાર?)

ખંડેર જોઈ જોઈને ને ચાલી ચાલીને મન થોડું થોડું ઉદાસ થવા માંડેલું. ગાઈડ બધું બોલતો ઓ’ય ત્યારે એની હામે કંઈ ખાઈએ તે હારુ તો નીં જ કે’વાય ને ? રખે ગબડી પડાહે કે ચક્કર આવી જહે એવુ લાગવા માઈન્ડુ તાં જ મારી હામે ચૉકલેટ ધરાઈ ને મેં આભારની નજરે પારુલની હામે જોયુ, ‘તમારું મો’ડુ જોઈને મને દયા આવી ગઈ. લેઓ આ ચૉકલેટ ખાઓ, ઉં તમારો ફોટો પાડી લેઉં.’ મેં ચૉકલેટ ખાતા ફોટો પડાઈવો ને અંજુએ ત્યારે જ પર્સમાંથી થેપલુ કા’ઈળુ !

રવિવાર, 13 માર્ચ, 2016

ફરવાની મજા આવી ?

અનાવિલ સ્ત્રીઓ સામાન્ય રીતે જબરી, આખાબોલી અને કોઈનું હાંભરી નીં લેય પણ મો’ળા પર ચોપડાવી દેય એવી ગણાય. (એવુ મને હો કોઈએ મો’ળા પર ચોપળાવેલું !) મારે તો કેવુ કે, દર વખતે પોતાના વખાણ કરવાના નીં ઓ’ય, કોઈ વાર હાચી વાત હો હામે લાવવી પડે, એટલે મેં એ વાત ચૂપચાપ સ્વીકારેલી. જોકે, પછીથી મેં ધ્યાનથી જોયલું ને હાંભરેલુ તો, દરેક જાત કે ધરમની સ્ત્રીઓને એકબીજા હારુ આવુ જ કે’તા હાંભરેલી ! હાસ, ત્યારે મારા દિલ પરનો ભાર કંઈ કેટલો બધો ઓછો થઈ ગયલો. તો પછી એવું તે હું થીયુ કે, અમારા તોણમાંથી કોઈથી હો ગાઈડની હામે એક અક્સર હો  નીં બોલાયો ? પરદેસમાં ઉતા એટલે ? કે અમારો વાંક ઉતો એટલે ? જોકે, વાંક ઓ’ય તો હો કોઈનુ નીં હાંભરનારાં અમે અમારી જાત જણાવવા માંગતા નીં ઉતા એટલે જ કદાચ ચૂપ ઉતા ! અ’મણા ઘરનાં ઓ’તે તો અમારા પર તૂટી જ પડતે ને કે, ‘ઘરમાં તો બો ઓ’સિયારી મારે તે અ’વે તારી ઓ’સિયારી કાં ગઈ ?’ એટલે અમે એકલાં જ નીકરેલા તે જ હારુ થયલુ.

ખેર, ગાઈડે પહેલું સ્ટૉપ કર્યું એક સૂમસાન જગ્યાએ. અમારા સિવાય ત્યાં બીજા ઘણા ટુરિસ્ટો હતા પણ તે સિવાય ત્યાંના સ્થાનિક કોઈ નહીં. ત્યાં હતી ખુલ્લી વેરાન, વિશાળ જગ્યા ને લાંબા લાંબા ગોળ તોતિંગ થાંભલાની હાર તથા મોટા મોટા જેમતેમ પડેલા પથ્થરો–શિલાઓ ને છૂટક છૂટક ઊગી નીકળેલું ઘાસ ! સાથે આવેલા લોકો તો ગાડીમાંથી ઉતરતાં જ હોંશે હોંશે ફોટા પણ પાડવા માંડ્યા ને હાથ લાંબા કરીને એકબીજાને, દૂર દૂર કંઈ બતાવવા પણ માંડ્યાં. હું તો જોતી જ રહી ગઈ. મેં બંને બહેનો આગળ ફરિયાદ કરી, ‘આ હું ? આવી જગ્યા ? આમાં એવું તે હું છે કે, ખાસ અઢાર કિલોમીટર દૂર હુધી આપણે લાંબા થીયા ? અમથા જ દોડી દોડીને ને ભૂખા ર’ઈને આઈવા ને પેલાની બે હાંભરી તે જુદી.’ ‘ઊભી રે’, તને એમાં હમજ નીં પડે. આ તો બધી જુના જમાનાની સાઈટ છે. આ આખ્ખુ પર્જ સહેર એક જમાનામાં ટર્કીનું સુંદરમાં સુંદર સહેર ઊતુ. ભૂકંપમાં તદ્દન ખલાસ થઈ ગયલુ પણ આ બધા અવસેસ ર’ઈ ગયલા તે જોવા ને જાણવા લોકો અં’ઈ આવે, હમજ પડી ?’

‘એટલે જ મેં તમને લોકોને પેલ્લા જ ના પાડેલી કે, મને નોં લઈ જાઓ. આ બધામાં મને કંઈ હમજણ હો નીં પડે ને મને કંઈ મજા હો નીં આવે. અવે ઉં હું કરા ? ઉં તો એક બાજુ જઈને બેહી જાઉં, તમે ફઈરા કરો.’ મેં નારાજ થઈને કહ્યું.

‘અરે, તુ આવ તો ખરી. આ બધામાં તો બો વાર્તા છુપાયેલી ઓ’ય ને જાતજાતનુ બો જાણવા હો મલે. કંઈ નીં તો આ બધા ટુરિસ્ટોને જોયા કરજે. તને એમાં રસ પડહે. ચાલ ચાલ, અં’ઈ બેહીને હું કરવાની ?’

મેં કમને એ લોકોની સાથે ચાલવા માંડ્યું. ઈતિહાસ સાથે મારે કોણ જાણે કયા જનમનું વેર તે એનું નામ પડે ને હું મોં બગાડું. આ બધું યાદ રાખીને કે યાદ કરીને શું મળે ? ભઈ, કોઈ રાજાએ આ શહેર વસાવ્યું હશે ને બહુ સારો ને શોખીન હશે તો પ્રજાને પણ બધી સગવડો પૂરી પાડી હશે તેનું શું ? આપણે કેમ એ બધું જાણવાનું ને યાદ રાખવાનું ? પાછાં નામ તો આપણાથી બોલાય પણ નહીં તેવાં, તો યાદ તો ક્યાંથી રહે ? મારા સિવાય આ બધાંને, આ બધા ભૂતકાળમાં રસ છે ને બધાં પાછાં કાન દઈને, મોં વકાસીને ગાઈડની બધી વાતો કે વાર્તા, કોણ જાણે તેય ધ્યાન દઈને સાંભળે છે ! મેં તો બાઘાની જેમ સાથે સાથે ચાલ્યા કર્યું. જ્યાં બધાં ઊભા રહે ત્યાં ઊભી રહી જાઉં ને ચાલતાં થાય ત્યારે હુંય ચાલતી થાઉં.

વચ્ચે વચ્ચે કાન પર થોડી વાતો પડતી રહી તેમાંથી એટલું સમજાયું કે, આ પર્જ તો અક્સુ નામના નાનકડા શહેર જેવા ગામડાનું પાડોશી અને કેસ્ટ્રોસ નદીના કિનારાનું સમૃધ્ધ બંદર હતું. રોમનોના રાજ દરમિયાન અહીં સુંદર બાંધકામો થયાં અને તેમાં વિશાળ સ્ટેડિયમ તથા થિએટરના અવશેષો આજે પણ જોવાલાયક ગણાય છે. બીજા પણ કેટલાય બાંધકામો થયેલાં પણ ભૂકંપમાં બહુ જુજ અવશેષો બચ્યા જેને જોવા લોકો અહીં સુધી લાંબા થાય છે. જોકે સ્ટેડિયમમાં તો અમે પણ ફરી આવ્યાં ને થોડાં પગથિયાં ચડીને નિરાંતે થોડી વાર બેસવાનો લહાવો પણ લીધો. કદાચ તાળીઓની ગૂંજ પણ સંભળાયેલી કે શું ? બધે નજર ફેરવતાં, ત્યારના બાંધકામ માટે અહોભાવ તો થયો જ કે, બાર હજાર લોકોને સમાવતા, સદીઓ જૂના આ સ્ટેડિયમને બાંધ્યું કઈ રીતે હશે ? ટેકનોલૉજીની કમાલ તો આજે છે, ત્યારે એવા તે કેવા ગજબના કારીગરો હશે કે દુનિયાભરના લોકો ખાસ આ બધું જોવા આવે છે ? લાગે છે કે, મને પણ ઈતિહાસમાં થોડો રસ પડતો જશે.

જોકે, આખા નગરમાં રાજાની જેમ નહીં પણ પ્રવાસીની જેમ ફરવાનું એટલે કેટલું બધું ચાલવાનું ? ને તેય ઉબડખાબડ જમીન હોય, જ્યાં ને ત્યાં પથરા હોય, ગમે ત્યાં પગથિયાં ચડવાનાં આવી જાય તો કશેક ઢાળ ઉતરવાના આવે પણ એ બધી મજા લઈએ તો ફરવાની મજા તો આવે તેની ના કેમ કહેવાય ? વાતો કરતાં ને મસ્તી કરતાં, ફક્ત ગુજરાતીમાં મોટે મોટેથી વાત કરવાની આઝાદી મેળવી ચૂકેલાં અમે પર્જ શહેરમાં ફરતાં હતાં. ત્યાંથી ગાઈડ એક એવી જગ્યાએ લઈ ગયો જે જોઈને સૌ છક થઈ ગયા. રોમન સ્નાનવિધિ જે દુનિયાભરમાં પ્રસિધ્ધ છે અને એ લાંબી વિધિની પાછળ કરુણ કહાણી પણ છે તેની વાત આવતા હપ્તામાં. એમ તો, ઈતિહાસમાં કરુણ કથાઓ પણ બહુ આવે ! બાકી તો, ખાધું, પીધું ને રાજ કીધુંમાં કેટલોક રસ પડે ? કદાચ એટલે જ ઈતિહાસમાં જીવનના સઘળા રસ મળી રહે ને એટલે જ ઈતિહાસમાં બહુ લોકોને રસ પડતો હોય ને એટલે જ મારે પણ ઈતિહાસમાં રસ લેવો જોઈએ. જોઉં, આગળ ઉપર કેવોક રસ જાગે છે ! આગળ ચાલતાં અંજુ ને પારુલના શબ્દો કાને પડ્યા, ‘આપણે બહાર નીકળીને દાડમનો રસ પીવાનો છે. અહીંના દાડમ બહુ વખણાય છે.’ ખરો જીવનરસ તો આ !

રવિવાર, 6 માર્ચ, 2016

કોણ કહે છે કે, ટર્કીમાં ખાવાનું સારું નથી મળતું ? ચાલો, નાસ્તો કરીને ફરવા જઈએ.











‘બેસ્ટ વેસ્ટર્ન ખાન હૉટેલ’, ખાન હૉટેલના નામથી જ જાણીતી હતી. દેશ મુસ્લિમ હતો, હૉટેલ મુસ્લિમ નામ ધરાવતી હતી અને ત્યાં અમે ત્રણ એકલી હિંદુ સ્ત્રીઓ હતી ! તોય અમે સલામત હતાં કારણકે  દેશ મુસ્લિમ હોવા છતાં અહીં મુસ્લિમ સ્ત્રીઓને પણ પૂરતી આઝાદી હતી ! સ્ત્રીઓને બુરખા ફરજિયાત નહોતા. ઘરની બહાર કશે પણ અને એકલી પણ જઈ શકતી. અરે એ બધી વાત તો ઠીક, અમે તો સ્ત્રીઓને ખુલ્લેઆમ સિગારેટ ફૂંકતાં પણ જોઈ ! આનાથી વધારે કેટલીક આઝાદી જોઈએ ? વળી, આ તો ટુરિસ્ટોથી સતત ઉભરાતો દેશ એટલે સ્વાભાવિક છે કે, અમને હેરાન કરીને કોઈ પોતાના દેશનું નામ કે દેશની આવક ઘટાડવા તો ન જ માગે ને? અમે આરામથી હૉટેલમાં હરફર કરતાં. 

રાત્રિભોજના સંતોષજનક પરિણામે અમે બીજી સવારે પણ ભવ્ય નાસ્તા–સમારંભની આશા રાખેલી.
સવારે આઠ વાગ્યે ગાઈડ ગાડી સાથે અમને લેવા હાજર થવાનો હોઈ અમે વહેલાં ઊઠી પરવારવા માંડ્યાં. તોય ત્રણ જણને વાત કરતાં કરતાં તૈયાર થવામાં વાર તો લાગવાની જ ને ? પોણા આઠ તો રૂમ પર જ થઈ ગયા અને હજી અમારો ચા–નાસ્તો તો બાકી જ હતો. ગભરાઈને વહેલાં વહેલાં રૂમ બંધ કરી નીચે હૉલ પર પહોંચતાં જ પાંચ મિનિટ થઈ ગઈ. વિવિધ પ્રકારના કેટલાય નાસ્તાની સુંદર ગોઠવણીને મન ભરીને માણીને, પછી પસંદ કરીને ખાવાનો સમય અમે ચૂકી ગયેલાં. ભારે અફસોસ સાથે જલદીથી નાસ્તાની ડિશ ભરીને, કૉફીની ચુસ્કી લેતાં લેતાં બ્રેડ સૅન્ડવિચ હજી મોંમાં મૂકી જ કે, ઘડિયાળનો કાંટો સવા આઠ પર પહોંચી ગયો ! હાથે કરીને આટલો મસ્ત નાસ્તો ગુમાવ્યાનો રંજ ને ગાઈડ આવી જશેનો ગભરાટ અમારા ત્રણેયના મોં પર હતો જ કે, એટલામાં ‘અંજના દેસાઈં’ બોલતું કોઈ આવ્યું.

એક સ્ટાઈલિશ અંગ્રેજ યુવાન અમારા તરફ આવ્યો. અમારા ત્રણમાંથી એક અંજના દેસાઈ છે તેની ખાતરી થતાં એ બોલ્યો, ‘હું તમારો ગાઈડ છું ને બહાર ગાડીમાં બધાં તમારી રાહ જુએ છે. તમે પંદર મિનિટ મોડાં છો. ચાલો વહેલાં.’ એ સાંભળતાં જ અમે વહેલાં વહેલાં કૉફી ગટગટાવી અને સૅન્ડવિચનું પડીકું વાળી પર્સમાં મૂકી દોડ્યાં. બીજો નાસ્તો ભરી લેવાનું સૂઝ્યું નહીં ! ગાડીમાં છ ગોરા ટુરિસ્ટ આરામથી બેઠેલા. ‘કોણ રાહ જોતુ છે? ગાઈડ હો અમથો જ.’ બબડતાં અમે અમારી જગ્યાએ ગોઠવાયાં. પેલાં છમાંથી કોઈએ પણ અમારી સામે જોઈ ન તો ભવાં ખેંચ્યાં કે ન તો મોં વાંકું કર્યું. આગળ જતાં બે જગ્યાએથી બાકીના મુસાફરોને લઈને અમારા પ્રવાસની પહેલી સવારે અન્તાલ્યામાંથી પસાર થતાં થતાં, સરસ મજાના નવા શહેરને નવાઈથી જોતાં અમે ખુશ થઈ રહ્યાં હતાં કે ગાઈડના શબ્દોએ અમને ચોંકાવી દીધાં.

‘માફ કરજો, આપણે આપણા નિયત સમય કરતાં થોડાં મોડાં છીએ. એવું છે કે, અમુક લોકોને સમયનું મહત્વ નથી હોતું. ઘણાંને પરદેશ જાય તો પણ પોતાના દેશની જેમ જ રહેવાનું જોઈએ. બીજાનો વિચાર કરવાનું એ લોકો કદાચ શીખ્યાં જ નથી. જો દરેક જણ આજે પંદર પંદર મિનિટ મોડું કરત તો વિચારો કે, આપણને આજે કેટલું મોડું થાત ? ને પછી દરેક જગ્યાએ મોડા પહોંચત તો ભીડને કારણે ફરવાની મજા મરી જાત. વહેલી સવારે તમને બોલાવવાનો અમારો આ જ ઈરાદો હતો કે, આપણે સાંજ સુધીમાં ઘણી જગ્યાએ ફરી શકીએ. આપણી સાથે આવેલાં અમુક લોકોને સમયની કિંમત હોય એવું લાગતું નથી. હજી તો હું બોલાવવા ન જાત તો એ લોકો તો આરામથી નાસ્તો પતાવીને એ લોકોના સમયે જ આવત.’

અમને ત્રણેયને પેલાએ તમાચા ઝીંક્યા હોય એમ અમારા ત્રણેયના મોં પર તો ગુસ્સાના હાવભાવ આવ–જા કરવા માંડ્યા. ‘હા ભઈ, મોડા પઈડા. તેનું હું છે ? પંદર જ મિનિટ મોડા છે ને ? તેમાં તારા બાપાનું હું ગીયુ ? આ બધામાંથી કોઈ કંઈ બોઈલુ કે ? તારી જાતને તુ હું હમજતો ઓહે ? તુ અંગ્રેજ ઓહે તો તારા ઘરનો. અવે કંઈ અમે તમારા ગુલામ નથી. અમારે તાં તો આટલુ બધુ ટાઈમ પર કોઈ આવતુ નથી. નેતા ઑય કે અભિનેતા, વક્તા ઑય કે  સ્રોતા ને ટ્રેન કે પ્લેનથી માંડીને પેસેન્જર હુધીના બધા જ જરાતરા મોડુ તો કરવાના જ. હારાએ હરખો નાસ્તો હો નીં કરવા દીધો ને મોડા પઈડા –મોડા પઈડા કરતો બોલાવવા આવી રી’યો. બાકી ઉતુ તે અંઈયે હંભરાવવા બેઠો. જાણતો નીં ઓહે અમને, હીધો કરી લાખહું જો. અમે હો પૈહા ભરેલા છે કંઈ મફત નથી બેઠા કે આમ બબડવા બેઠો.’ અમે મનમાં જ અમારો અસલ મિજાજ કમ ગુસ્સો ગળીને એકબીજાની સાથે આંખોથી વાત કરવા માંડી.

ખાસ્સી પાંચેક મિનિટ અમને ટોણાં માર્યા બાદ એણે અન્તાલ્યાની વાતો શરૂ કરી. જાણે કે, બીજા દેશના કાળા લોકોને ઉતારી પાડવામાં આનંદ મળતો હોય એમ એના મોંની વાંકી રેખાઓ ને ઉપહાસભર્યા સ્મિતમાં સાફ દેખાતું હતું. અમારો તો એણે સવારથી જ મૂડ બગાડી મૂક્યો એટલે અમને એની કોઈ વાતમાં ત્યારે રસ નહોતો પડતો. એક સુંદર શહેરનો આખો રસ્તો એમ જ પસાર થઈ ગયો ! જાણતાં હતાં કે, એની સાથે બદલો લેવાનો ચાન્સ તો અમને ક્યાંથી મળવાનો, એટલે અંદરઅંદર બબડીને  મનમાં જ બદલો લેતાં રહ્યાં. વાંક અમારો જ હતો કબૂલ અને એની બધી વાત સાચી હતી એ પણ કબૂલ, તોય એની કહેવાની રીત તો સારી નહોતી જ એ તો કોઈ પણ કબૂલ કરે. પરદેશીઓ તો મહેમાન કહેવાય. મહેમાનને આવતાંની સાથે જ આમ પહેલે દિવસે જ ધોઈ નાંખવાના ? બધાંની વચ્ચે ઉતારી પાડવાના? એ તો સારું કે, કોઈએ એને દાદ ન આપી કે કોઈએ અમારી મશ્કરી ન કરી. બધાં સજ્જન હતાં ને જાણતાં હતાં કે પંદર મિનિટનું મોડું તે કંઈ મોડું ન કહેવાય ને કોઈ વાર અમે પણ મોડા પડી શકીએ. શું દુનિયામાં આ બધા ગોરા લોકો કોઈ વાર મોડા પડ્યા જ નહીં હોય ? વાત કરે છે તે. અમે તો પછીથી આખો દિવસ ફફડાટમાં જ રહ્યાં કે, ક્યાંક એના કહેલા સમય કરતાં મોડાં ન પડીએ.

તોય બપોરે એક જગ્યાએથી નીકળતાં પહેલાં ફરી એક વાર અમે દસ મિનિટ મોડા પડ્યાં ને ફરી એણે એવું જ વાંકું મોં કર્યું, ‘અગેઈન લેઈટ ?’ આ વખતે એના વાંકા સ્મિતને ગણકાર્યા વગર અમે એને કહ્યું, ‘સૉરી’ ને પછી મનમાં બબડ્યાં સવારની જેમ, ‘અમે ઈન્ડિયામાં આવા મોડા પડનારને લેઈટ લતીફ ક’ઈએ ને ઘણી વાર અમને તો એમાં જ મજા પડે. એ હું બધું ટાઈમ ટુ ટાઈમ ને બધે ટાઈમ ટુ ટાઈમ ? તમારે અમને લઈ જવા ઓ’ય તો થોડું ઘણું મોડું તો ચલાવી લેવું પડહે, હમઈજો કે ?’


એના મગજમાં આ વાત ઊતરી કે ખબર નહીં પણ એક પ્રસંગ એવો બની ગયો કે, એની બધી ફિશિયારી નીકળી ગઈ !