પ્રવાસ કરતાં પણ પ્રવાસની તૈયારીનો રોમાંચ વધારે હોય–અલગ હોય. પ્રવાસનું નામ પડતાં જ શું શું લઈ જવું પડશે ને શાની શાની ખરીદી કરવી પડશે તેના વિચારો મગજમાં પહેલાં દોડવા માંડે. પ્રવાસ તો જ્યારે થશે ત્યારે થશે ને કેવો થશે તે તો પૂરો થશે ત્યારે ખબર પડશે પણ તૈયારીનો જે આનંદ લેવાનો હોય તે ચૂકવા જેવો નહીં. એક જ દિવસમાં ગભરાટ કરીને પૅકિંગ કરવામાં કંઈ મજા નથી. ગભરાટમાં તો કંઈ ને કંઈ ભૂલી જ જવાના એ નક્કી. હવે તો બધાંનું બ્લડ પ્રેશર પણ વધી જાય ને જો બધાંનાં દેખતાં પૅકિંગ કરવાનું આવે, તો ગભરાટમાં વધારો થાય તે તો ઠીક પણ જો બોલાચાલી થઈ જાય તો અપશુકન થયેલાં ગણાય ! ‘જો તેં કહેલું એટલે જ આમ થયું ને તમે ના પાડેલી એટલે જ તેમ થયું.’ એના કરતાં દસ પંદર દિવસ તૈયારીના મળે તો બહુ થઈ જાય. ઘરનાં બહુ વખતથી બાકી રહેલાં કામ ઝપાટામાં પૂરા થતાં જાય તો નવા કામના લિસ્ટમાં પછી શાંતિથી ધ્યાન અપાય.
સૌથી પહેલાં તો બધાંનો પાસપોર્ટ જોવાનો હતો,
ક્યાંક નજર ચૂકવીને એક્સપાયર તો નથી થઈ ગયો ને ? હાશ ! ચાલો પાસપોર્ટ તો બધાંના
હેમખેમ નીકળ્યા. અંજુએ એના ગ્રૂપની એક ટ્રાવેલ એજન્ટ પાસે ટર્કીની ટૂરની બધી વિગતો
મગાવી ને ત્રણ ટિકિટ બુક કરવા કહ્યું. દિવાળીના ચાર જ દિવસ પહેલાં મુંબઈ પાછાં
ફરીએ એવી જ તારીખો મળી ! દસ દિવસના પ્રવાસની આગળપાછળ બીજા બે દિવસ તો પ્લેન ને એરપોર્ટના
વિસામાના જ ગણી જ લેવાના. ઘડીક તો થયું કે, માંડી વાળીએ.
‘હાય હાય ! દિવારીનું તો બધું જ કામ રખડી જવાનું
! સાફસફાઈ ને નાસ્તા ને કેટલાં કામ દિવારી પેલ્લાં કરવાનાં બાકી રાખેલાં.’ અંજુએ
જીવ બાળ્યો.
‘મારે તો ઘરની સાફસફાઈ હો અટવાઈ જવાની. મેં તો, આ
વખતે કેથ્થે નીં જવાનાં એમ વિચારીને કામવારીને હો દિવારીના અઠવાડિયા પેલ્લા જ ઘર
સાફ કરવાનું ક’યલુ. એટલે એ તો ગામ જતી ર’ઈ. એને તો મજા પડી જવાની.’ પારુલે અંજુની
જેમ, પણ થોડો વધારે જીવ બાળ્યો.
‘ભઈ, મારે તો હામટા લેખ લખીને મોકલવા પડવાના !
અચાનક એમ હામટું લખાતું ઓહે કંઈ ?’ મેં મારી રીતે ચિંતા જાહેર કરી. દિવાળીનું કામ
તો આવીને થયા કરશે. બીજું શું થાય ?
ખેર, જવાની ખુશીમાં અમે બધા કામને ભૂલીને
ટર્કીની વાતે લાગ્યાં.
‘આજ કાલ લોકો ટર્કી બો જવા માંઈન્ડા છે.’ અંજુએ
પહેલ કરી. મૂળ વાત તો, એના એન્ટરપ્રેન્યોર ગ્રૂપની બે ચાર ફ્રેન્ડ્સ થોડા
દિવસો પહેલાં જ ટર્કી ફરી આવેલી ને સતત ટર્કીની જ મોટાઈ મારતી રહેતી હોવાને લીધે
અંજુને થયું કે, જવું તો ટર્કી જ જવું ! એના કરતાં બીજા દેશનું વિચારતે તો ? એને
તે દેશની વાતોનો મસાલો મળતે ને પેલા લોકો ચાટ પડી જતે. કદાચ એવું પણ બને કે, લોકો
જ્યારે જાણીતાં સ્થળોએ જ પ્રવાસ કરતાં હોય ત્યારે ટર્કી જેવા ઓછા જાણીતા સ્થળે
જવાનું ફાયદામાં પણ રહે. કોઈ એમ તો ન કહે કે, ‘હવે તો બધાં જ ફલાણી જગ્યાએ જવા
માંડ્યાં છે.’ એટલે એ રીતે પણ ટર્કી યોગ્ય જ હતું. જોકે, અમારો મૂળ હેતુ તો
પ્રવાસનો જ હતો ને ? પછી જગ્યા ભલે ને કોઈ પણ હોય.
મેં પૈસાના મામલે થોડી આનાકાની કરી તો અંજુ પાસે
મારા બજેટનું આખું લિસ્ટ હાજર હતું ! ‘જો તું પાર્લરમાં નીં જાય, બજાર નીં જાય,
પિક્ચર જોવા કે ઓ’ટેલમાં હો નીં જાય તે તારા મ’ઈનાના ખર્ચા
કેટલા ઓછા થાય ? અ’વે અમે સે’રમાં રે’નારા, મ’ઈને દા’ડે અમથા જ ચાર–પાંચ અ’જાર તો
ખર્ચી લાખીએ. તો વરહના કેટલા થાય તે ગણી કા’ડ. તે હો નીં ગણવુ ઓ’ય તો, એમ હમજી લે
કે તને કંઈ થીયુ ને ઓ’સ્પિટલમાં જવુ પઈડુ, તો લાખની નીચે થવાના ઉતા ? એટલે બો
માથાકૂટ કઈરા વગર દો’ડ લાખનું ગીત નોં ગાયા કર.’ મારે ચૂપ રહેવા સિવાય કોઈ રસ્તો
નહોતો.
પારુલના રસના વિષયો ફોટોગ્રાફી સિવાય ઈતિહાસ અને
ભૂગોળ નીકળ્યા. એણે તો ટર્કીનો ઈતિહાસ કહેવા માંડ્યો. આમ કોઈ જગ્યાનું નામ પડતાં જ
કોઈને બધું યાદ કઈ રીતે આવતું હશે, એનું મને ભારે અચરજ. જોકે, મને ઈતિહાસ–ભૂગોળમાં
કાયમ ઝીરો જ મળતો એટલે મેં મનમાં પ્રાર્થના શરુ કરી, ‘જલદી પૂરું કરજે. આપણે ફરવા
જવાના, ભણવા નીં.’ ટર્કીની આજુબાજુ કયા કયા દેશ છે ને આપણી સાથે ટર્કીના કેવા
સંબંધો તે પણ એણે તો વિગતે જણાવ્યું. (એને પ્રવાસ સાથે શું લાગેવળગે ?) મેં મન વાળ્યું, ચાલો, જુદી જુદી પ્રકૃતિના
લોકો પ્રવાસમાં ભેગાં થાય તે સારું ચિહ્ન ગણાય. એકરસખા લોકોના વિચારો પછી કંટાળો
આપે. કદાચ પ્રવાસમાં આ બધી જાણકારી કામ પણ આવે, શી ખબર ?
અમે ત્રણ અમારી તૈયારી શરૂ કરીએ તે પહેલાં
ટર્કીના હવામાન વિશે જાણવું ખૂબ જરૂરી હતું. હું મોટીબેન હોવાને કારણે એ લોકો મને
તકલીફ આપવા નહોતા માગતા. એમ પણ માથા ફોડવાનાં કામમાં હું બહુ માથું ન મારું. બંનેએ
નેટ પર બધી માહિતી મેળવીને જાહેરાત કરી કે, ‘આપણે જવાનાં ત્યારે તાં વરહાદની
તિયારી થવા માંડહે એટલે છત્રી લેવી પડહે. તાં ઠંડી હો બો પડે ને ઘણી વાર તો ઠંડા
પવનનો માર હો પડે એટલે ગરમ કપડાં લઈ લેવા પડહે.’ આટલું જાણીને જ બધા ઠંડાં થઈ
ગયાં. એક બૅગ વધારે કરવી પડવાની ! ફરવાની મજા ગરમ કપડાં પહેરીને કેટલીક આવવાની ?
નવાં કપડાં તો બધા ઢંકાઈ જ જાય ને ? જવા દો, એના કરતાં કોઈ બીજા દેશમાં જઈએ, જ્યાં
વરસાદ ને ઠંડી ન હોય. અંજુ ટર્કી માટે મક્કમ હતી ને પારુલને સદીઓ જુના ઈતિહાસનાં
સ્થળો જોવા મળવાનાં એટલે એય અંજુ સાથે જોડાઈ ગઈ. મારે શું ? મારે તો જ્યાં જાય
ત્યાં ફરવાનું ને લોકોને–લોકોના વ્યવહારને અને જાતજાતના પ્રસંગોને જ મનમાં કેદ
કરવાના હતા ને ? પ્રવાસકથાનો મને હવે ચસકો પડતો જાય છે એટલે જ્યાં જઈએ ત્યાં મારે
તો લહેર જ છે. ચાલો ત્યારે, ઠંડી ને
વરસાદને મારો ગોળી. બધું સહન કરી લઈશું પણ પ્રવાસે તો જઈશું જ. કદાચ ને કોઈના
ઘરમાં આ વાતનો અણસાર આવી જાય તો ના પાડવાનું બહાનું જ મળી જાય ને ? હવે ગરમ કપડાં પછી
મુખ્ય વાત આવી ખાવાની.
‘ટર્કીમાં તો બધાં બ્રેડ જ ખાય !’
‘હેં ? આવું કેવું ? ખાલી બ્રેડ ? એ કેમ કરતાં
ખાય ? ડૂચા નીં વરે ? ને મેંદો તો તબિયત બગાડે. ભઈ રે’વા દો, બીજે કેથે ચાલો. દહ
બાર દા’ડા ખાલી બ્રેડ પર કેવી રીતે રે’વાય ?’
‘અરે ! એવું નથી. તાં બધાં નોન વેજવારા એટલે વેજ
ખાવાનું નીં મલે ને આપણી જેમ રોટલી ભાખરી કોણ બનાવે ? એટલે લોકો બ્રેડ જ ખાય.’
(હાશ ! સ્ત્રીઓને કેટલી નિરાંત ?)
‘તો પછી આપણે હું ખાહું ? ટૂરવારા કંઈ બંદોબસ્ત
નીં કરે ?’
‘ટૂરવારા તો બધું ગોઠવી આપહે પણ આપણે હો હાથે
થોડા નાસ્તા ને એવુ રાખવુ પડહે.’
‘નીં તો હો, આપણા લોકને તો બધે મલતુ ઓ’ય ને, તે
હો બધુ લઈ જવાની ટેવ. એટલે આપણા થેપલા ઝિંદાબાદ.’
‘હારુ ત્યારે, આપણે તોણ જણા નક્કી કરી લાખહું
કે, કોણે હું નાસ્તો લેવાનો, બરાબર ?’
‘ડન’
બધું ડન થઈ ગ્યુ. હવે ?