રવિવાર, 10 જાન્યુઆરી, 2016

મારો સાઈકલ પ્રવાસ

(ખરેખર) હું એક આજ્ઞાંકિત પત્ની હોવાથી, મારા પતિ ઘણી વાર વગર ફરમાઈશે મને નાની મોટી ભેટ ધરતા રહે છે(પરસ્પરની સમજુતી). એવા જ એક શુભ દિને ને શુભ ઘડીએ જ્યારે એમણે એમ કહ્યું કે, ‘તારા માટે સાઈકલ લાવ્યો છું’, ત્યારે તો સાંભળીને હું પાગલ થવાની અણી પર આવી ગઈ. મારાં પોતાનાં વખાણ નથી કરતી પણ આ જમાનામાં આવી પત્ની મળવી મુશ્કેલ છે. આજે કયો પતિ પોતાની પત્નીને સાઈકલ આપીને ખુશ કરી શકે છે ? જ્યાં સા બોલે ત્યાં હજારોની સાડી ને ગા બોલે ત્યાં લાખોની ગાડી સમજાતું હોય ત્યાં, બે–ચાર હજારની સાઈકલમાં ખુશ થતી પત્ની મેળવીને કયો પતિ પોતાને સદ્ભાગી ન સમજે ?

મારું તો વર્ષોનું સપનું સાકાર થતું હતું. મારી પણ એક સાઈકલ હોય ! મેં તો સાઈકલને કંકુ ચોખાથી વધાવી ને હાર પહેરાવ્યો ને આરતી પણ ઉતારી. અંદર જઈ રૂમમાં મૂકી સ્ટૅન્ડ પર ચડાવી, સાઈકલ પર બેસવાની ને પેડલ મારવાની થોડી ઘણી પ્રેક્ટિસ પણ કરી લીધી. વર્ષો પછી જો સાઈકલ લઈને રસ્તા પર નીકળું ને પડું તો ? હજી ગાડી લઈને નીકળું ને કશે ઠોકું તો લોકો મદદે પણ દોડી આવે ને જરા વટ પણ પડે. સાઈકલ પરથી પડનાર નારને લોકો હાથ લગાડતાં પણ બીએ. સલાહ ને મશ્કરી ચાલુ થઈ જાય તે નફામાં.

મારા પતિ તો મને જોઈને ખુશ થયા. મારા સુખે સુખી ને દુ:ખે દુ:ખી ! હસવું તો આવ્યું હશે પણ બતાવ્યું નહીં. જોકે, આજકાલના છોકરા ! મને સાઈકલ પર બેઠેલી જોઈને જ હસવા માંડ્યા. સાવ બેશરમ. મારું ખરાબ હું તો ન જ લખું એટલે એ લોકો શું બોલ્યા તે જવા દો. મારે તો મારી સાઈકલની વાત જ કરવી છે.

બીજે દિવસે સવારે વહેલી ઊઠી, કામકાજથી પરવારીને સાઈકલ લઈને નીકળી પડી. આગલે દિવસે ખૂબ પ્રેક્ટિસ કરીને હાથ/પગ બેસાડી દીધો હતો. વર્ષો પહેલાં ખૂબ સાઈકલ ચલાવેલી ને ઘણી રેસમાં ભાગ પણ લીધેલો. ફક્ત જરાતરા હાથ સાફ કરવાની જ જરૂર હતી. આ બધી ધન્ય પળોનું વર્ણન થાય એમ નથી.

મેઈન રોડથી જઈને બધાંને તમાશો બતાવવાને બદલે હું પતલી ગલીથી નીકળી જંગલને રસ્તે વળી ગઈ. સાઈકલ ચલાવવાની મજા શહેરના ભરચક ટ્રાફિકમાં કે ગામડાના ઉબડખાબડ રસ્તા પર ન આવે. જંગલની કેડીઓ પર કે ડુંગરની તળેટીમાં કે પછી કોઈ ખુલ્લા મેદાનમાં કુદરતના સાન્નિધ્યમાં સાઈકલ સવારીની મજા જ કંઈ અલગ છે. નાનાં નાનાં કિલકિલાટ કરતાં ઝરણાં, પક્ષીઓના ચહેકાટ અને મસ્ત પવનની લહેરખીથી મન ઝૂમી ઊઠે. સાઈકલ હવામાં ઊડતી હોય તેવું લાગે. આવી આનંદની ક્ષણોમાં સમય નામનો રાક્ષસ ડરાવી દે ત્યારે નિરાશ થઈ ઘરે પાછાં ફરવું પડે. હું પણ ફરી ગઈ. બીજે દિવસથી ક્યાં ક્યાં જવું તે વિચારવા માંડ્યું. કોઈ સાઈકલ પ્રવાસીઓ પ્રવાસે નીકળવાના હોય તો તેમને સાથ આપવાનું વિચારી લીધું.

એક ઐતિહાસિક બની શકે એવી સવારે મેં સાઈકલ પર મારા મનગમતા ખેલો કરવા વિચાર્યું. કામવાળીની છોકરી ગંગાને સાથે રાખવા માટે બોલાવી લીધી. છોકરાઓ તો મશ્કરી કરે એટલે એમને જણાવવું જરૂરી ન સમજ્યું. પતિ તો, હું જેમાં રાજી(શાંત) રહું તેમાં ખુશ હતા. અમારા ઘરની નજીક એક નાનકડી નિશાળ છે. વેકેશન હોવાથી ત્યાં કોઈ આવે નહીં. રસ્તે પણ ખાસ અવરજવર ન હોય. જરૂરી બધી સામગ્રી થેલામાં ભરી, ગંગાને સાથે લઈ હું સાઈકલ ચલાવતી નિશાળે પહોંચી. પહેલાં જ્યાં ભણવા જતાં ત્યાં હવે ખેલ કરવા ? કુદરતનો ખેલ પણ અજબ છે ! આજે મારું વર્ષોનું સપનું સાકાર થતું હતું. ગંગાને મેં કહ્યું, ‘હું જ્યારે જે વસ્તુ થેલામાંથી માગુ ને તે મને આપતી રહેજે. મારી સાથે સાથે દોડવાની તારે જરૂર નથી.’

મેં તો સાઈકલને હાર પહેરાવ્યો ને ચાંદલો કર્યો. ગંગાને કહ્યું, ‘મને ચાંદલો કર’. ને ગંગાની શુભેચ્છાથી મેં ખેલ શરૂ કરવાની તૈયારી કરી. એમ તો આવા ખેલ કરવાવાળા રેકર્ડ વગાડીને લોકોને ભેગા કરીને પૈસા કમાતા હોય પણ મારે કોઈ ટોળું કે પૈસા ભેગા નહોતા કરવા એટલે મેં ખાલી હાથે જ સાઈકલ પર બેસીને ચક્કર મારવાની શરૂઆત કરી. ચારેક ચક્કર લગાવ્યા  દરમિયાન વારાફરતી હું બંને હાથ છોડીને, પછી બંને હાથ સાથે જ છોડીને, સીટ પર ઊંચાનીચા થઈને, પેડલ પર ઊભા રહીને, આગળપાછળ વાંકા વળીને, વારાફરતી એક જ પેડલ પર પગ રાખીને સાઈકલ ચાલુ રાખી મનમાં હરખાતી રહી. અચાનક જ આ બધી સિધ્ધિઓ ક્યારે મારામાં પ્રવેશી ગઈ તેની મને જ ખબર સુધ્ધાં નહીં ! મને મારી હોશિયારી પર ગર્વ સાથે આનંદ થયો.

ત્યાર બાદ જેટલા ખેલ યાદ હતા, થઈ શકે તેવા હતા અને જેની સામગ્રી થેલામાં હતી, તે બધા મેં વારાફરતી કરવા માંડ્યા. ગંગા તો મારામાં આવેલા આ અણધાર્યા, અદ્ભૂત અને આશ્ચર્યજનક બદલાવથી ગભરાઈ તો ન ગઈ પણ બાઘી જરૂર બની ગઈ એ હું ખાતરીથી કહી શકું. મારે એને દરેક વસ્તુ માટે ચાર વાર બૂમ પાડી એના શૂન્યાવકાશમાંથી બહાર લાવવી પડતી. છતાંય એ બધાની સામે મારી વર્ષોની ઈચ્છાપૂર્તિનો આનંદ અવર્ણનીય હતો.

ચાલુ સાઈકલે જ મેં પાણી પીધું, શરબત પીધું, બિસ્કિટ ખાધાં, ચેવડા–ભૂસાના ફાકા માર્યા, આઈસક્રીમ ખાધો, વાળ ઓળ્યા ને માથું સ્ટાઈલમાં હલાવ્યું, આંખો ઝપકાવી, મોં ધોયું–લૂછ્યું, અરીસામાં જોઈ મેઈકઅપ કર્યો, બે હાથ ઊંચા કરી દુપટ્ટો હવામાં લહેરાવ્યો, માથું ઢાંકી ગળે વીંટાળ્યો, ગૉગલ્સ પહેર્યા –કાઢ્યા ને બસ આવાં જ કંઈક મનગમતાં ગતકડાં કર્યે રાખ્યાં. વચ્ચે વચ્ચે શરબત ને પાણી ચાલુ રાખ્યાં જેથી ગબડી ન જાઉં. પેડલ મારતાં મારતાં ચોપડીમાંથી બે–ચાર પાનાં પણ વાંચ્યાં. ખરેખર બહુ મજા આવી. (ગંગાને પણ જ્ઞાન સાથે ગમ્મત ને મનોરંજન સાથે નાસ્તા–પાણી કરાવ્યાં. કોઈ રખે એવું ધારી લે કે, મેં એને ટટળાવી કે ભૂખે મારી. આટલી મજા તો એને પૈસા ખર્ચતાંય ન મળત.)

આવા બધા આનંદનું કોઈ પૂર્ણવિરામ તો હોતું નથી પણ સમય પૂરો થયો હોવાથી, (મારો નહીં–મારા ખેલનો) મેં બધો ખેલ સમેટી લીધો. ગંગાને હાશ થઈ હશે ને મનોરંજન મળ્યું હશે તો ખેલ પૂરો થયાનું દુ:ખ પણ થયું હશે. આવું ફરી ક્યારે જોવા મળશે ? જો એની સાથે એની કોઈ સખી હોત તો મને ખાતરી છે કે, એ બંને હસી હસીને ગાંડી થઈ ગઈ હોત !

અમે ઘરે ગયાં. હજી કોઈ આવ્યું નહોતું. મને હાશ થઈ. સાઈકલ સ્ટૅન્ડ પર ચડાવી મેં એને પ્રણામ કર્યાં. પાંચ મિનિટ ફરી સાઈકલ પર બેસવાની ઈચ્છા થઈ એટલે સાઈકલારૂઢ થઈ બે ઘડી બેઠી ને ઊતરી ગઈ. મન સ્વસ્થ થયું ત્યારે જોયું તો અત્યાર સુધી તો હું સ્ટૅન્ડ પર ચડાવેલી સાઈકલ પર જ બેઠેલી ને મારા મન:પ્રદેશમાં ફરી આવી હતી. એ તો મારી ફિટનેસ સાઈકલ હતી જે ગમે તેટલાં પેડલ મારવા છતાં એક મી.મી.પણ આગળ વધતી નહોતી. મારા બંને હાથ છૂટા હોવાથી મને સાઈકલના ખેલ કરવાના વિચારો જ આવે ને કે બીજા કોઈ ?

10 ટિપ્પણીઓ:

  1. aa to ek aadarsh tunki vaartaa bani gai ! kaaranke
    1 bandhaaran 2 upaad 3 rahasya taraf bhedi gati ane 4 antmaa
    chamatkruti ! saras ! saras !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  2. કલ્પનાબેન, તમે પ્રવાસ વર્ણન ખુબ સરસ લખો છો.
    ટ્રાફિક જામના આ જમાનામાં આવો પ્રવાસ સારો.
    લખતા રહો
    પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો