રવિવાર, 3 જાન્યુઆરી, 2016

ડૉન દાઉદ–બોલે તો, ભાઈ– રિટાયર થાય છે

જે ઘડીએ ડી કંપનીમાંથી ન્યૂઝ બુલેટિન બહાર પડ્યું કે, ‘ભાઈ રિટાયર થાય છે’ તે જ ઘડીએ અંડરવર્લ્ડની દુનિયામાં ને બહારની દુનિયામાં, ખાસ તો આખાય ભારતભરમાં જાણે કે, સિરિયલ બૉમ્બબ્લાસ્ટ થયો હોય એવી ભાગદોડ થઈ ગઈ. અંડરવર્લ્ડની નાની મોટી ચિલ્લર ગૅંગોમાં ચડસાચડસી થવા માંડી ને જાતજાતની અફવાઓ બ્રેકિંગ ન્યૂઝની જેમ પળે પળે બહાર પડવા માંડી. ભારતના મિડિયાજગતમાં ને ફિલ્મજગતમાં તો અટકળો વહેતી થઈ ગઈ કે, ‘ભાઈ પછી કોણ ?’ ‘ડૉનકે બાદ કૌન ?’ ‘દાઉદ પછી કોણ ?’

વર્ષોથી ભાઈની મહેરબાનીથી મોટી મોટી ફિલ્મો જોતા ભારતીય લોકોને પણ આ મૂળ ભારતીય પણ હવે પાકિસ્તાન–દુબઈ કે લંડનવાસી ભાઈમાં એટલો જ રસ, એટલે સૌએ પોતાની રીતે ઘોડા દોડાવવા માંડ્યા (ઘોડા બોલે તો, ચાર પગવાળું જાનવર પણ ગમે ત્યારે એને મનમાં દોડાવી શકાય.). એમ તો બિલ્ડર લૉબીમાં ને સટ્ટાબજારમાં પણ હલચલ મચી ગઈ...સાલું, ભાઈ પછી કોણ ?

અમે તો શાંતિથી બેઠેલાં કારણકે અમને તો ખબર હતી કે, જેવો દસ અબજ સંપત્તિનો વારસ ચૂંટાશે કે, પેલ્લી ખબર અમને જ થવાની છે. તમે ભલે ગપ્પું માનો, પણ ભાઈ બોલે તો, આ દાઉદભાઈને દર વરસે મારે રાખડી મોકલવાની. તો જ આટલાં વરસોમાં, અગિયાર અગિયાર દેશોની પોલિસ પણ એમનો વાળ વાંકો નથી કરી શકી. (મને ખબર છે કે, આ જાહેરાત થતાં જ ભાઈઓની લાઈન લાગવાની છે પણ ભાઈએ જ કહ્યું, ‘બહેના, અબ મૈં ભી સાઠ સાલકા તો હો ગયા. યે કંપની ચલાતે ચલાતે અબ થક ગયા હૂં. અબ શાંતિસે એક જગહ રહેના ચાહતા હૂં. યે કંપની અબ કિસી ઐસે આદમીકે હાથમેં દેના ચાહતા હૂં જો મેરેસે ભી આગે નિકલ જાયે. યે ખૂનખરાબા, યે સટ્ટેબાજી, યે સુપારી, યે માંડવાલી, ફિરૌતી, હપ્તાવસૂલી ઔર ન જાને કિતને ઉલટે સીધે ધંદોંકે બાદ અબ મૈં કુછ ઐસા ધંદા કરના ચાહતા હૂં, જિસમેં એક હી જટકેમેં હીરોંકી ખાન હાથ લગ જાયે.’) ખાન સાંભળીને મને ખાન ત્રિપુટી તરફ એમનો ઈશારો હોય એવું લાગ્યું પણ જ્યાં સુધી બૉંબ ફૂટે નહીં ત્યાં સુધી આપણે તો અટકળોમાં રાચવાનું.

ભાઈ જાહેરાત કરે તે પેલ્લાં જ મેં મનમાં ખાસ ખાસ લોકોને ગોઠવીને જોવા માંડયા કે, આ બધામાંથી ભાઈ કોને પસંદ કરશે? મને લાગે છે કે, અમિતાભ બચ્ચન એમના રોલમાં એકદમ ફિટ થઈ જાય. એમ પણ ફિલ્મોના પહેલા ને પ્રભાવશાળી એક માત્ર ડૉન, અસલ જિંદગીમાં પણ ડૉન બને તો શું ખોટું ? ડૉનના ડાયલૉગ્સ તો એમને મોઢે ને કોઈને પણ વશમાં કરવાનું તો એમના ડાબા હાથનો ખેલ. ગૅંગના તીન ચાર ફુટિયા તો પળ વારમાં એમના ચમચા બની જાય. પણ જવા દો, ખુદ બચ્ચનસા’બ જ હવે ગમે ત્યારે(ગમે ત્યારે બોલે તો, આઠ દસ વરસમાં) રિટાયરમેન્ટ જાહેર કરશે જ ને ? એમની નબળી તબિયતને કારણે આટલી મોટી જવાબદારી કદાચ એ જ ના સ્વીકારે.

તો પછી, મુસ્લિમ ને દેશદ્રોહી હોવાના લેબલવાળા ત્રણેય ખાન શું ખોટા ? દરેક ખાન જુદા જુદા કારણસર લોકોનો ને પોલિસનો ખોફ વહોરી ચૂક્યા છે. એકને તો ડૉન બનવાનો અનુભવ પણ છે ને એની પાછળ પણ અગિયાર દેશોની પોલિસ પડેલી ! એકને તો કાર એક્સિડન્ટમાંથી હેમખેમ નીકળી જવાનો ને હરણના શિકારના કેસને લબડાવવાનો પણ અનુભવ છે, જ્યારે ત્રીજા ખાનને તો જાહેરમાં કંઈ બફાટ કરવાના આરોપસર લોકોનો રોષ વહોરવાની નોબત આવેલી. મને લાગે છે કે, ભાઈને કોઈ ખડૂસ, ચાલબાજ ને ગણતરીબાજ વારસની જરૂર છે. પચીસ પચીસ વરસથી જેણે પોતાનો ચહેરો છૂપાવી રાખ્યો એવા ભાઈની તોલે આ હીરાઓ ના ચાલે. એમને તો પળે પળે પોતાના ફોટા જાહેરમાં મૂકવાની ટેવ ને કલાકે કલાકે ન્યૂઝમાં ચમકવાની ખૂજલી આવે. આવા ખાનગી ધંધામાં એમનાથી કેટલુંક ટકાય ?

બાકી રહ્યા અક્ષયકુમાર ને અજય દેવગન. બંનેના નામ પ્રમાણે બંનેને કોઈ જીતી ના શકે. પણ બંને ફિલ્મો માટે ફિટ થાય એટલા ભાઈની કંપની ચલાવવા ફિટ ખરા કે ? અજય દેવગનને તો કંપની ફિલ્મને લીધે ગન સાથે સારી દોસ્તી થયેલી તે કોઈ વાર ડૉન ને કોઈ વાર ઈન્સપેક્ટર બનીને ગન ને હાથ બેય સાફ કર્યા કરે પણ અસલી જિંદગીમાં કોણ કેટલું બહાદુર તે કોને ખબર ? એ તો, ભાઈ પરીક્ષા લે તો ખબર પડે. અક્ષયકુમાર ચાલી શકે કારણકે, કૃષ્ણના રોલને લીધે કંઈક જાદુમંતર શીખી ગયો હોય તો અલોપ થવા ચાલે. જોકે, આપણે તો ભાઈ પર જ છોડવાનું.

રાજકારણીઓમાંથી ઘણા ભાઈની જગ્યાએ ચાલી શકે. ધંધા તો એ લોકોના પણ ભાઈથી જરાય કમ નહીં. પણ ભાઈને આ લોકો પર જનતા જેવો વિશ્વાસ નહીં. જનતા આ લોકોની વાતમાં આવે, ભાઈ નહીં. જે લોકો પોતાની પાર્ટીના લોકોને એક ન રાખી શકે ને જે લોકો દેશને સારી રીતે ચલાવી ન શકે એવા લોકો પર ભાઈ વિશ્વાસ કરે ને કોઈને વારસો સોંપે એ વાતમાં દમ લાગે છે ? બિલકુલ નહીં.

તો પછી ? ભાઈનું સિંહાસન ખાલી રહેશે ? ભાઈનો કાંટાળો પણ દસ અબજનો તાજ કોઈના માથે નહીં શોભે ? કોઈએ તો આગળ આવવું જ રહ્યું. મેં મારી ચિંતા ભાઈને કોડવર્ડથી જણાવી. ભાઈએ ભારે અવાજમાં મને પૂછ્યું, ‘બોલ બહેના, અગર તૂ બોલે તો મૈં અબ્બી તૂજે અપના તાજ સૌપ દૂં. જીજાજીકો ઔર બચ્ચોંકો પૂછ લે. મૈં તો સોચ સોચકે થક ગયેલા હૂં. એક ઘન્ટેકે બાદ મૈં ફોન કરતા હૂં. જવાબ તૈયાર રખના.’

બે ઘડી તો હું હવામાં ઊડી આવી પણ તરત પાછી ફરી કારણકે ઘરનાંને તો પેલ્લાં પૂછવું પડે. ઘરના ખરા ભાઈ તો એ ! ભાઈને પૂઈછા વગર તો અમારા ઘરમાં ચકલુંય ના પ્રવેશી શકે તો મારા ડૉનબેન બનવાનો સવાલ જ ક્યાં રહ્યો ? તોય મેં અવાજમાં જરાક વજન લાવીને પૂછ્યું, ‘ભાઈ પૂછતા ’તા કે..’
‘કોણ ભાઈ ? મારા સાળાને શું કામ પડ્યું ?’
‘એ નહીં, આપણા દાઉદભાઈ મને પૂછતા ’તા કે, તારે ડૉન બનવું હોય તો કે’જે.’
પાંચ મિનિટ સુધી આખા ઘરમાં આંટા મારીને જોરજોરમાં ઠહાકા લગાવતા લગાવતા ભાઈ બોલ્યા, ‘તું તારા કામમાં જ ધ્યાન રાખે ને તો બહુ છે. તું ઘર ચલાવ ને પેન ચલાવ ને જેટલાને મનમાં ને મનમાં મારવા હોય તેને માર પણ ડૉન ? હા..હા..હા..મારાથી આગળ નહીં બોલાય. હું જ ભાઈને ના કહી દઈશ. આ બીકણ બિલ્લીને રે’વા દો. રાતે ઘરની બા’ર તો એકલી નીકળે નહીં તેને વળી ક્યાં તમે નિસરણી આપવા બેઠા ?’ એ બધાં કામ આપણાં નહીં સમજી ? જા, તું ચા બનાવી લાવ એના કરતાં.’

મને ખાતરી જ હતી કે, હું ભલે ને રામલીલાની સુપ્રિયા પાઠક જેવા ગેટઅપનું વિચારવા માંડેલી પણ મારા મનનું ધારેલું તો દાઉદભાઈ પણ ના કરી શકે.

ભાઈ ભલે રિટાયર થતા ને કોઈને પણ વારસ બનાવતા મારે કેટલા ટકા ?
(khabarchhe.com પર પ્રકાશિત થયેલો લેખ)

10 ટિપ્પણીઓ:

  1. એના કરતાંય રીટાયર થશે તો આપણાં છાપાં વગેરે કોની વાતું કરશે ? ત્યાં બેઠેલો, ગોગલવાળો માણસ આપણને અહીં ધ્રુજાવતો હોય તેવી વાર્તાઓ કેવી રીતે છાપી શકાશે ? રીટાયર થયેલો જણ આપણને તો ટાયર કરી દેશે. – જુ.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાત તો મુદ્દાની કરી જુ.ભાઈ, પણ પછી તો મારી વાતો છપાશે ને ?

    જવાબ આપોકાઢી નાખો
  3. Dawood valo lekh to vanchi ne hu chhakk j thai gai….(lekh ni sharuat ma vanchta vancha to thayu…..jarur Dawood na Gunda tara barne avi jashe to…..pan dhire dhire agal vanchta thayu…ke a…dawood vanchshe to e pan malki uthshe…..ne rakhi ben ne kadach gift pan mokli de khushi ma) kya bole to…..?
    Harsha
    Canada

    જવાબ આપોકાઢી નાખો
  4. jordaar - dhaardaar kataax ! b haashaaprayog pan bhaaini duniyaamaa bandh - bese tevo ! vishay vaividhya pan aakarshak !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  5. ભાઈ મરે પણ રિટાયર્ડ ન થાય, બેન. એટલે એવા સપના જોવા નકામા. :)
    સરસ કલ્પનાલેખ.

    પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો