રવિવાર, 17 જાન્યુઆરી, 2016

ટર્કીમાં બત્રીસ ભોજન ને તેત્રીસ પકવાન!

હૉટેલની મસ્ત સજાવટવાળી રૂમમાં દાખલ થતાં જ અમારો અડધો થાક તો ઊતરી ગયો. વહેલાં વહેલાં સામાન ગોઠવી અમે રૂમમાં કઈ કઈ સગવડ છે તે જોવા માંડ્યાં ને સૌથી પહેલું કામ બધાંએ મોબાઈલ ચાર્જ કરવાના સોકેટ શોધવાનું કર્યું. હવેની યાત્રાઓમાં આ એક નવી જરૂરિયાત ઉમેરાઈ છે. જો કંઈ ભૂલ્યા તો માર્યાં ઠાર. દરેક જણ એકબીજાને મોબાઈલ ને ચાર્જરની યાદ અપાવતું રહેતું. પારૂલ બાથરૂમમાં જોવા ગઈ કે, ગરમ પાણી આવે છે કે નહીં ? સાબુ, નૅપ્કિન ને ટુવાલ વગેરે છે કે કહેવું પડશે ? એ બાથરૂમની બહાર આવે તે પહેલાં તો હું ને અંજુ પલંગ પર ગબડી પડેલાં ! થાક ને ઉજાગરા સામે અમે હારીને મસ્તક નમાવી દીધેલાં. પારૂલે અમને ઉઠાડ્યાં અને અમે જેમતેમ તૈયાર થઈ નીચે ખાવા ઉપડ્યાં.

થોડા દિવસ પહેલાં જ અમને ટર્કી જઈ આવેલાં ત્રણ ચાર જણ તરફથી ટિપ્સ મળેલી કે, ‘ટર્કીમાં ખાવાનું બહુ સારું નહીં મળે એટલે તમે થોડો નાસ્તો લઈ જજો ને ખાસ આપણાં મેથિયા અથાણાંનો સંભાર તો લઈ જ જજો. કંઈ ન ભાવે તો ભભરાવીને ખાવા ચાલે.’ મને તો સાંભળીને હસવું આવી ગયેલું. જીભના ચટાકા તો બહુ મજાનો વિષય છે. ખેર, અમે ત્રણેય જણે મસાલો લેવાનું નક્કી કરેલું પણ એ ખાસ મસાલો તો લેવાનો જ રહી ગયેલો. જમવા જવાની કોઈની બહુ ઈચ્છા નહોતી. મુખ્ય સવાલ હતો, ખાઈશું શું? આપણે તો ટર્કીની એવી કોઈ જાહેરાત પણ નથી જોઈ કોઈ દિવસ કે, ‘ટર્કીમાં ફ્રાઈડ ટૉમેટો રાઈસ વીથ મટર–પનીર અને બદામ પિસ્તા ખીરની મજા માણવા અમારી પ્યૉર વેજ ટૂરમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મેળવી સામેલ થાઓ.’ નહીં તો નક્કી એ લોકોની ટૂરમાં જ નામ નોંધાવતે. જોકે, આ ટૂરવાળા બહેને પણ કહ્યું તો હતું કે, ‘તમને ખાવાની તકલીફ નહીં પડે.’

અમે તો નીચે ડાઈનિંગ હૉલમાં પહોંચ્યાં. ત્યાં જતાં જ અમે ત્રણેય આભાં બની ગયાં. જાણે કોઈ સ્વપ્નનગરીમાં આવી ચડ્યાં. એક આખો મોટો હૉલ જાતજાતનાં કાઉન્ટરોથી ભરેલો. એક લાંબું કાઉન્ટર ફક્ત જાતજાતનાં રસીલા ફળોથી સજાવેલું.  દ્રાક્ષથી માંડીને તરબૂચ સુધી. એ જ બધાં ફળો પાછા કાપીને પણ અને આખા પણ મૂકેલાં. તેવું જ કાચા ને બાફેલાં શાકભાજીનું કાઉન્ટર. ધારો કે, પાલક ભાજી ખાવી છે તો કાચી પાલકનાં પાન પણ મળે ને બાફેલી પાલક પણ ખાઈ શકો, જેવો જેનો ટેસ્ટ. એવાં તો જાતજાતનાં પાંદડાં દેખાયાં. કાકડી, મૂળા, બીટ ને ગાજર પણ એકદમ તાજાં ને વળી સરસ રીતે ગોઠવેલાં. કંઈ કેટલીય જાતનાં દહીં ને રાયતાં ભરેલાં. જાતજાતનાં સૉસ ને તીખી ને મીઠી ચટણીઓ પણ ખરી. એક બાજુ કંઈ કેટલીય જાતનાં બ્રેડ ગોઠવેલાં ને બાજુમાં અવન ચાલુ રાખેલું એટલે બ્રેડ ગરમ કરીને પણ ખાઈ શકાય. એક બરણીમાં તો વળી મધપૂડાના ટૂકડા નાંખેલું પ્યૉર મધ ! ગજબ કહેવાય.

પછી આવ્યો સાદો બાફેલો ભાત ! ને બાજુમાં મોટી દેગમાં લેન્ટિલ સૂપ. સૂપ લેવા માટે લાંબા, પાતળા હાથાવાળી ઊંડી કડછી. (આ લેન્ટિલ સૂપથી ભેરવાવું નહીં. કારણકે આ તો બે ત્રણ જાતની મિક્સ બાફેલી દાળ મીઠું નાંખીને બનાવી હોય. તેમાં તમારે સ્વાદ ઉમેરવો હોય તો લીંબુ ને મરી નાંખી શકો. જોકે, એ તો લીબું–મરી નાંખવાં જ પડે એવી જ દાળ હોય. બાફેલા ભાત સાથે બાફેલી દાળ ? એ ડિશ અમે ચાખવાની જ માંડી વાળી. દાળભાત તો ઘરે ખાઈએ જ છીએ ને ? અહીં નવું નવું ખાઈશું. આખા કાઉન્ટરની ચારે બાજુ ફરીને અમે બધી વાનગીઓની ચર્ચા કરતાં હતાં ને અચરજ ને આનંદથી આખા દિવસનો થાક ભૂલીને, ભૂખને ઠારવાની નજરથી કોશિશ કરતાં હતાં. એક તરફ થોડાં બાફેલાં શાક પણ હતાં. કોઈક મસાલા સાથે કોથમીર જેવી કોઈ ભાજીવાળું બટાકાનું શાક હતું. રસાવાળાં વેંગણ પણ હતાં. મસાલામાં શું હશે તેની પંચાત કરવાનો ટાઈમ નહોતો. તે છતાં અમારી એક્સપર્ટ કૂક–અંજુને એમાં રસ એટલે એણે એક વેઈટરને પૂછ્યું તો વેઈટર સીધો રસોઈયાને જ બોલાવી લાવ્યો. જાણે કે, સંજીવ કપૂર આવ્યો. અમે રસોઈયાને પૂછી લીધું, ‘ભાઈ, આમાંથી વેજ ને નૉનવેજના અમને ભાગ પાડી આપ એટલે અમે લઈને ખાતાં થઈએ.’ એણે તો ફટાફટ એક ચક્કર લગાવીને અમને અમુક ટ્રે બતાવી દીધી, ‘નૉનવેજ.’

બસ, અમારે લાયક જે હતું તેમાંથી થોડું થોડું ચાખવા જેટલું લઈ અમે ઘણી બધી વાનગીઓથી (!) અમારી પ્લેટ ભરી લીધી અને એક ખાલી ટેબલ પર ગોઠવાયાં. ગરમ ગરમ બ્રેડ પર બટર લગાવી બાફેલાં ને લીંબુ નાંખેલા શાક સાથે અમે ટેસથી ખાધું. જાતજાતનાં તાજાં કચુંબર ચાખ્યાં, ચમચી ચમચી રાયતાં ચાખ્યાં ને પછી આદત મુજબ આપણે ત્યાં મળતાં શાકભાજી, કચુંબર ને રાયતાં સાથે તુલના કરી. અમારો અહીં પહેલો જ દિવસ હતો ને સૌને કકડીને ભૂખ લાગેલી એટલે બધું સ્વાદિષ્ટ જ લાગતું હતું. અમે ત્રણેય વારફરતી ઊઠતાં, ડિશમાં નવી નવી વાનગીઓ લાવતાં અને વહેંચીને ખાઈ લેતાં. બગાડાય થોડું ? ચા, કૉફી ને જ્યૂસનાં કાઉન્ટરેય હતાં પણ પછી કેટલુંક પેટમાં ઓરવું ? હજી સ્વીટ ડિશનો રાઉન્ડ તો બાકી જ ને ?

અમે ત્રણેય છેલ્લા કાઉન્ટર તરફ ઉપડ્યાં. કાઉન્ટર જોઈને તો અમારા સૌની આંખો ચાર. બાપ રે ! આટલી બધી મીઠાઈ ? જાતજાતની રંગીન ને ચોકલેટી કેક ને પેસ્ટ્રી સરસ સજાવીને મૂકેલી. કસ્ટર્ડ ને ખીરનાં નાનાં નાનાં કપ ભરેલાં. ટર્કીની જાણીતી મીઠાઈઓ પણ સજાવેલી. અમે તો કોઈ જાદુઈ દુનિયામાં આવી ગયાં હોઈએ એમ કઈ કેક ખાઈએ ને કયું કસ્ટર્ડ ચાખીએ તેની ઉલઝનમાં પડ્યાં. ‘આપણે અમથા બીજુ બધુ ખાવામાં પઈડા. હીધા અંઈ જ આવી જવાનું ઊતુ.’ અમે ત્રણેએ એકબીજાના દિલની વાત કરી. જોકે, કામ તો આમેય કંઈ નહોતું તો નિરાંતે ખાવાનું જ કામ કરીએ તો કેમ ? બસ, અમે તો ધીરે ધીરે એક રાઉન્ડમાં ચાર પાંચ જાતની કેક સાથે પેસ્ટ્રી ને બીજા રાઉન્ડમાં ખીર ને બે રંગના કસ્ટર્ડ સાથે ‘બકલાવા’ પણ લેતાં આવ્યાં. ‘બકલાવા’ અહીંની મશહૂર મીઠાઈ. 

વાહ વાહ ! જલસા થઈ ગયા. કોણ કહે છે કે, ટર્કીમાં ખાવાનું સારું નથી મળતું ? અમને તો ભઈ બૌ ભાવ્યું. પહેલાં બાફેલું ન ભાવતું ખાઈને ઉપર મીઠાઈનો મારો કરી દેવાનો એટલે પેટને પણ સંતોષ ને મનને પણ. આમેય આ બધી મજા દસ દિવસની છે. ઘરે જઈને તો વજન ઉતારવાનું જ છે ને ? જોકે, બાકીના દિવસોમાં પણ આવી જ હૉટેલ ને આવું જ ભોજન મળશે ? કોણ જાણે.

મેં જાહેરાત કરી, ‘આપણે દહ દા’ડા અંઈ જ ર’ઈ પડીએ. અ’વે ફઈરા જ છે.’
બંને બેનો મારા પર તૂટી પડી, ‘એય ! પૈહા ફરવાના ભરેલા છે. અંઈ ખાવાના નીં. રોજ આવુ ખાઈને હો એક દા’ડો તો કંટારો આવહે ને ? કાલથી ફરવાનું ચાલુ. ને આવુ તો રોજ જ મલહે. જેટલુ ખાવુ ઓ’ય તેટલુ ખાયા કરજે.’ મેં બીજી એક ડિશ ભરવા ચાલવા માંડ્યું.


14 ટિપ્પણીઓ:

  1. બહુ સરસ વર્ણન કર્યું છે. તમે ટર્કી જ જવાનું કેમ પસંદ કર્યું? એ લખશો. વાંધો ન હોય તો કેટલા દિવસની ટુર હતી અને કેટલો ચાર્જ ભર્યો? તે જણાવશો. બકલાવા– ગ્રિક મિઠાઈ છે. મઝાની વાત કહું કે મોરારી બાપુ સાહિત્યકારોને લઈ નૈરોબી ગયા હતા ત્યારે સાહિત્ય કરતાં તેમ ણે બહુ જ ખાવાની વાતો કરી હતી. તે યાદ આવ્યું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર. પહેલાં મેં વિચાર્યું કે, પ્રવાસ જ ચાલુ કરી દઉં પણ પછી થયું, પહેલાં એક નમૂનો મૂકીને ખાતરી કરી લઉં કે, ટર્કી જવા બધા તૈયાર થશે કે ? તમારા સવાલોના જવાબમાં આવતા રવિવારથી પ્રવાસ ચાલુ.
      ટર્કીની સામે પાર જ ગ્રીસ છે–મીઠાઈ પર તો અસર રહેવાની ને ?

      કાઢી નાખો
    2. બકલાવા ગ્રીક કે તુર્કી છે તેની લડાઈ સદીઓ જુની છે. હકીકત એ છે કે તે તુર્કી ના ઓટોમન સામ્રાજ્ય ના કારણે મધ્ય એશિયા અને સમ્પૂર્ણ આરબ વિશ્વ માં પ્રચલિત છે.

      કાઢી નાખો
    3. આભાર ચેતનભાઈ,
      આ પ્રવાસમાં મને વધારાની માહિતી આ રીતે મળતી રહેશે તેનો થોડો તો અંદાજ હતો જ. ચાલો મજા પડવાની.

      કાઢી નાખો
    4. હવે ગરમાગરમ બનતી રોટલી ને બે ભાગમાં વાળી ને વચ્ચે પનીર, શાક વ. નાખી પકાવેલ વાનગી "ગોઝલેમે" જરુર ખાઈ જોજો.

      વળી પિત્ઝા જેવું ટર્કિશ "પીડે" પણ ખાજો.

      જાતજાતના ચીઝ, મધ, ફળ, રોટલી/બ્રેડ, શાકભાજી, મીઠાઈઓ થી ઉભરાતું ટર્કી શાકાહારીઓના સ્વર્ગ સમાન છે, અલબત્ત ગુજરાતી સ્વાદેન્દ્રિયને કેળવો તો!

      કાઢી નાખો
    5. ખરેખર, ટર્કીમાં ફક્ત ખાવા માટેની સ્પેશ્યલ ટૂર કરે તો પણ ચાલે એટલી મજા આવે. અમને તો આ હૉટેલ છોડવાનો બહુ જ અફસોસ હતો :) આપણા લોકોની માનસિકતા બહાર નીકળ્યા પછી પણ અમુક જ વાનગીઓની ફરતે ફરતી રહે તે જોઈને હસવું કે રડવું ? નવી વાનગીઓ જરૂર ખાઈશું . આભાર.

      કાઢી નાખો
  2. કલ્પનાબેન,
    તમે કે ફરવા ગેયલાં ખાવા ગેયલાં? અમારે તો બૌ હારું, તમે ફરો ને વાંચીને આનંદ અમને હો મલે. તો શરૂ કરો ટર્કી યાત્રા.
    પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો
  3. મને નીં ખબર કે ફરવા જઈએ તો ખાવાની મજા હો આવતી ઓહે ! અ’વે તો હું ખાવા પર જ વધારે ધ્યાન આપું છું:)
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  4. Thanks,good artical,we Indians,Gujju people require good food for enjoying a good trip,have a great time.
    Madhavi Majmudar

    જવાબ આપોકાઢી નાખો
  5. પહેલાં મારો પણ એવો મત હતો પણ એ ભ્રમ ભાંગ્યો સાથેવાળા સિંધી, મુસ્લિમ અને જાપનીઝ પ્રવાસીઓએ!
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  6. What to write..? Any how enjoyed the food n planning to visit Turki in next play of visit.

    જવાબ આપોકાઢી નાખો
  7. બત્રીસ ભોજન અને તેત્રીસ શાકના નામ કોઈ ની પાસે હોય તો લખવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો