‘આ મારી અર્ધાંગિની છે.’
‘કો....ણ ?’
‘અર્ધાંગિની....! ઓહ ! પત્ની..પત્ની.’
‘મીન્સ કે, તમારી વાઈફ છે એમ કહો ને. મિસિ..સ.’
ગુજરાતીઓને ઈંગ્લિશ કેટલું બધું આવડી ગયું છે !
ગુજરાતી પણ ઈંગ્લિશમાં સમજાવીને કહેવાનું ?
‘આ મારી વહુ છે–ઘરવાળી છે– બાયડી છે– તારી ભાભી
છે’, આવું બધું સાંભળવા તો હવે કાન તરસી જાય છે.
બીજી બાજુ સ્ત્રીઓ પણ કમ નથી.
‘આ મારા હસબન્ડ છે.’
‘એટલે કે, મિસ્ટર ?’
વર, ભાયડો (કે વાયડો), ધણી, ઘરવાળો કે પછી
‘અમારા એ’ અથવા ‘બેબીના પપ્પા’ સાંભળવાની કેવી મજા આવતી ? જૂના જમાનાને અમસ્તો જ સુવર્ણયુગ
નથી કહ્યો.
એક વાર બજારમાં એક ખાસ ઓળખાણ વગરનાં બહેન મળી
ગયાં. ‘કેમ છો?’ ને ‘સારું છે’ની આપ–લે ચાલી પછી એમણે મારા પર તીર ફેંક્યું,
‘મારા ભાઈની તબિયત કેમ છે હવે ?’
હું વિચારમાં પડી. આ બહેનને જ હું જેમતેમ ઓળખતી
હતી ને એમનું નામ તો મને યાદ જ નહોતું આવતું, ત્યાં એમના ભાઈને તો હું કેવી રીતે
ઓળખું ? પાછું એમની તબિયત વિશે પણ પૂછ્યું, એટલે જાણે કે, મારી પાસે એમના ભાઈના
બધા રિપોર્ટ્સની ફાઈલ પડી હોય ને મને એની રજેરજ માહિતી હોય એમ કેટલી લાગણીથી
પૂછ્યું ! શું આ બહેનને પોતાના ભાઈની કોઈ માહિતી નહીં હોય ? તે મને, એક ત્રાહિત
વ્યક્તિને પૂછવું પડે ? મેં ગભરાતાં ગભરાતાં ચોખવટ કરવા પૂછ્યું,
‘તમારા ભાઈ ? કયા ? વચલા કે નાના કે મોટા ? કંઈ
માંદા છે હમણાં ?’
‘ના, ના. મારા ભાઈ એટલે તમારા ઘરવાળા.’
‘ઘરવાળા ? કોણ ઘરવાળા ?’
‘મારા ભાઈને તમે શું કહીને બોલાવો ?’
‘સૉરી, પણ હું તમારા ભાઈને ઓળખતી નથી અને મને
એમનું નામ પણ નથી ખબર.’ (પેલાં બહેનને તો ચક્કર આવવા માંડ્યાં !)
‘પણ તમારા ભાઈ તો મારા ભાઈને સારી રીતે ઓળખે
છે.’ બીજું ખતરનાક ને જીવલેણ તીર એમના ભાથામાંથી સનનન કરતું છૂટ્યું ને મારા
લમણામાં ખચ્ચ ! આવા લોકોને કોઈ ક્વિઝ પ્રોગ્રામમાં ધકેલી દેવા જોઈએ. ખાઓ જેટલું
માથું ખાવું હોય તેટલું.
એ બહેન મને જબરદસ્ત ને જબરદસ્તી મૂંઝવી રહ્યાં
હતાં. મારા ભાઈ કોઈ દિવસ આ બહેનને મળ્યા જ નથી મને ખબર છે. તો પછી, એમના ભાઈને
મળવાની ને ઓળખવાની તો વાત જ ક્યાં ?
‘મારા ભાઈ તમારા ભાઈને સારી રીતે ઓળખે છે ? એ કેવી
રીતે બને ?’
‘યાદ કરો. મંદિરમાં દિવાળીને દિવસે તમે મારા ભાઈ
સાથે આવેલાં ને ? ત્યારે હું તમારા ભાઈ સાથે મંદિરના પગથિયે નહોતી બેઠી ?
આપણે ‘સાલ મુબારક’ પણ કરેલું ને મેં તમને
લોકોને પ્રસાદ પણ આપેલો. યાદ છે ?’
બાપ રે ! હું એમના ભાઈ સાથે મંદિર ગયેલી ? ને એ
મારા ભાઈ સાથે મંદિરના પગથિયે બેઠેલાં ? મારા ભાઈ મને કેમ ના દેખાયા ? એમને હું
કેમ ના દેખાઈ ? ભાઈ પહેલાં મને મળે કે કોઈ પણ ન ઓળખતી સ્ત્રી સાથે મંદિરના પગથિયે
બેસે ? આ બધો શો ગોટાળો છે ? કંઈ સમજાતું નથી. અહીંથી ભાગવું પડશે વહેલું. મેં
ખોટેખોટું હસીને હા કહીને, ‘ચાલો ત્યારે આવજો’ કહી દીધું પણ આ મૂંઝવણ તો મારા ગળે
પડી.
‘મારા ભાઈને કહેજો કે, અમે એકાદ વાર તમારા ઘરે
આવવાનાં છીએ. (માર્યાં ઠાર !)
‘હા ચોક્કસ.’ આનાથી ટૂંકો જવાબ મને સૂઝ્યો નહીં.
‘તમારા ભાઈ કે’તા ’તા કે, અમારો તો બાપદાદાના
જમાનાનો સંબંધ છે. પહેલાં તો સાથે રમતા ને જમતા. બધી જૂની યાદો તાજી કરવા એકાદ
દિવસ આવવાનું તમારા ભાઈ ખાસ કે’તા ’તા.’
ઓહ ! આહ ! પ્લીઝ.. મને કોઈ બચાવો આ ભાઈ–ભાઈની
નસખેંચ રમતમાંથી ! કદાચ એવું ન બને કે, ખરેખર જ મારા ભાઈએ મને જોવા દોડી આવવું
પડે. એના ભાઈ જો અહીં આવી ચડે તો ખુશ થાય કે, મારી બહેન બહુ કુશળતાથી કોઈને પાગલ
બનાવી શકે એમ છે.
મને તો પછીથી, બહુ મોડે મોડે ખબર પડેલી કે, એ
બહેન એમના વરનું નામ લેવા નહોતાં માંગતાં ! વર સાથે કોઈ ઝઘડો–ટંટો નહોતો થયો પણ
જૂના રિવાજ મુજબ વહુથી વરનું નામ ન લેવાય, એટલે એણે એની વાતમાં મને પણ સંડોવી
દીધી. ક્યારની મારા ભાઈ ને તમારા ભાઈ કર્યા કરતી હતી, એના કરતાં સીધું સીધું ‘મારા
એ’ ને ‘તમારા એ’વાળું ચલાવ્યું હોત તો મને વાંધો જ ક્યાં હતો ? ‘મારા પતિ મહાશય’
ને ‘તમારા પતિ (પણ) મહાશય’ કહીને માન આપ્યું હોત તોય આપણે ખુશ થાત. અરે ! કંઈ નહીં
ને ‘મારા હસબન્ડ’ ને ‘તમારા હસબન્ડ’ કહીને જરા વટ માર્યો હોત તો પણ હું નીચી
મૂંડીએ સાંભળી લેત. હોય કોઈને એવો શોખ !
જોકે, આ બધું જો પહેલેથી ખબર જ હોત તો આખી વાતની
મજા જ ક્યાંથી આવત ?
એટલે હવે આ જ વાતને આપણે જરા બદલીને જોઈએ.
ધારો કે, સ્ત્રીઓના ભાઈઓ એટલે કે પુરૂષો પણ જો
‘તમારા બહેન’ ને ‘મારા બહેન’ જેવું બોલતા થઈ જાય તો કેવી ગમ્મત થાય ? ‘મારા
ભાભી’–‘તમારા ભાભી’ પણ ચાલે. દુ:ખની વાત એ જ છે કે, વાતે વાતે ‘ઓ બાપ રે’ કે ‘ઓ મા
રે’ બોલતાં હોવા છતાં, આપણે ઉપર બતાવેલા વાક્યોમાં મા કે બાપને વચ્ચે લાવતાં નથી !
બાકી તો,
‘મારી મા શું કરે છે ?’
‘મારા બાપાની તબિયત હવે સારી છે કે ?’
આપણા જ માબાપના સમાચાર આપણે બીજાને પૂછવા પડે !