રવિવાર, 24 ઑગસ્ટ, 2014

તમારી કોઈ આખરી ઈચ્છા ?

‘તમારી કોઈ આખરી ઈચ્છા ?’ 

બોલનાર તરફ મેં ગુસ્સાથી લાલ નજરે જોયું. શરીરમાં મરું કે મારુંનું જોશ ઉછાળા મારવા માંડ્યું. આખરી ઈચ્છા ? હેં ? આખરી ઈચ્છા ? એનો મતલબ કે, હવે વખત આવી ગયો ? પણ, આ પૂછવાવાળા કોણ છે ? આ તો કોઈ ભગવાન કે યમરાજ તો નથી લાગતા. આ તો ડૉક્ટર જેવા દેખાય છે ! તો પછી કેમ પૂછે છે કે, તમારી કોઈ આખરી ઈચ્છા છે ? હું તો અહીં એમની પાસે ઈલાજ કરાવવા આવેલી અને સારી થવાની ઈચ્છાથી આવેલી, ત્યાં આ સવાલ ક્યાં ટપકી પડ્યો ? તે પણ આવો બેહૂદો સવાલ ? ના ના, નક્કી એમની કંઈ ભૂલ થાય છે.


‘સૉરી ડૉક્ટર, પણ તમે કંઈ કહ્યું ?’
‘મેં કહ્યું, તમારી કોઈ આખરી ઈચ્છા છે ?’
ઓહ ! ખરેખર જ પૂછે છે. તો પછી શું કરું ? કહી દઉં ? જણાવી દઉં મારી આખરી ઈચ્છા ? મેં તો હિંમત કરીને પૂછી નાંખ્યું, (જોકે મનમાં જ, બાકી ઓપરેશન ટેબલ પર આવી હિંમત કોણ કરે ?)
‘ડૉક્ટર, તમારી કોઈ આખરી ઈચ્છા ?’
ડૉક્ટર ચોંક્યા, ‘મને શું થયું છે ?’
‘ના,  આ તો તમે મારી આખરી ઈચ્છા પૂછી એટલે જણાવી દઉં કે, મને કંઈ થયું તો તમે પણ નહીં બચો. ’ ડૉક્ટરના હાથ વગર ઓપરેશન કર્યે જ ધ્રુજવા માંડ્યા. ( આવું વિચારવાની જ કેવી મજા પડે ?)

ખેર, જે ઈચ્છા મેં વર્ષોથી મનમાં પાળીપોષીને મોટી કરી છે; મનના ખૂણે ધરબી રાખી છે અને જેને ડૉક્ટર જ પૂરી કરી શકે એમ છે, તે જ જાહેર કરવા દે. ખરે વખતે જ ઠીક યાદ આવ્યું.
‘ડૉક્ટર, મારી ઈચ્છા છે કે....મને જો કે ખબર નથી કે, એ મારી આખરી ઈચ્છા છે કે નહીં પણ મારી વર્ષોની ઈચ્છા છે કે, હું ક્યારેક ઓપરેશન થિયેટરમાં, ઓપરેશન ટેબલ પર આરામથી અથવા ગભરાયેલી હાલતમાં, ચિંતાથી અડધી થઈને રડારોળ કે ચીસાચીસ કરતી સૂતી હોઉં ને શહેરના જાણીતા ડૉક્ટરો મારી આસપાસ, ચિંતાગ્રસ્ત ચહેરે ટોળે વળ્યા હોય અને એમાંથી એકાદના વરદ મુખે, મારા કોઈ નાના–મોટા ઓપરેશનનું નક્કી થાય અને પછી મને બેભાન કરાય ! પછી જ્યારે બેભાન અવસ્થામાંથી હું બહાર આવું, ત્યારે આમતેમ ચકળવકળ નજરે અજાણ્યા ચહેરા જોઈને, ગભરાઈને પૂછું, ‘મૈં કહાં હૂં ?’ અને પછી, બાઘી બનીને બધાને જોયા કરું ને મને કંઈ યાદ ન આવતાં કે સમજ ન પડતાં કે કોઈને ઓળખી ન શકતાં ધ્રુસકે ચડી જાઉં. ’

ડૉક્ટરે મારા લવારાથી કંટાળીને, ગુસ્સે થઈને કે પછી મારી નબળી તબિયતની દયા ખાઈને એમની પાસે પડેલી હથોડી મારા માથા પર જોરમાં ફટકારતા કહ્યું, ‘તમારી આખરી ઈચ્છા નહીં, બધી જ ઈચ્છા પૂરી થશે પણ હમણાં બેભાન બની જાઓ. ’ અને ડૉક્ટરે મને ઘેનનું ઈંજેક્શન આપી દીધું.

આંખ મીંચાતાં પહેલાં, મીન્સ કે બેભાન બનતાં પહેલાં મેં જોયું કે, બધા ડૉક્ટરો ટોળે વળીને સૅન્ડવિચ ને કૉફીની જ્યાફત ઉડાવતા હતા. એકાદના હાથમાં તો મેં મીઠાઈનું બૉક્સ પણ જોયેલું ! હલાલ કરતાં પહેલાં બકરાને તગડો બનાવવાને બદલે આ લોકો જ જલસા કરે છે ! મને તો ઉલટાની બાર કલાકથી ભૂખે મારી છે. અહીં મારા જ પૈસે મહેફિલ જામી છે ને હું અસહાય બનીને જોયા કરું છું ? બહાર નીકળવા દો પછી બધાની વાત(ટ) છે.

ઘેનનું ઈંજેક્શન આપનાર ડૉક્ટર (ડૉક્ટર શેનો ? સાવ જુવાનિયો છોકરડો જ જોઈ લો.) હું ‘ઓ ટી’(ઓપરેશન થિયેટર)ની બહાર સ્ટ્રેચર પર એકલી એકલી સૂઈ રહેલી (જાગૃત અવસ્થામાં), ત્યારે મને મળવા આવેલો. બાજુના સ્ટ્રેચર પર એક સુંદર યુવતી પણ તકિયાને અઢેલીને બેસી રહેલી. કદાચ એનું ઓપરેશન મારા પછી હશે. તે તો જો કે, પોતાનામાં જ મસ્ત હતી. ઘડીકમાં બંને હાથના પંજા ઊંધા કરીને નેઈલ પૉલિશ બરાબર છે કે નહીં તે જોતી, તો ઘડીક ચહેરા પર હળવે હળવે હાથ ફેરવી નાક જગ્યા પર છે કે નહીં, આઈબ્રોઝ છે કે ઉડી ગઈ, ગાલ વધારે ખરબચડા તો નથી થઈ ગયા ને, જેવું કંઈક તપાસતી રહેતી. એને જોઈને ઘડીક મને થોડો હીનભાવ થઈ આવ્યો.

ભલે ને હૉસ્પિટલમાં કેમ ન જવાનું હોય; પણ જવું તો એકદમ વ્યવસ્થિત ને સુંદર મજાના તૈયાર થઈને જ જવું, એ નિયમ આ સુંદરીએ બરાબર પાળ્યો હતો. બીજી બાજુ, લઘરવઘર તો ન કહેવાય પણ હું સાવ સાદાં કપડાં પહેરીને બિલકુલ ઠઠારા વગર આવેલી. હવે હૉસ્પિટલમાં જ જવાનું છે ને  ? પણ અહીં આવ્યા બાદ મેં જોયું કે, અહીંના ડૉક્ટર કે નર્સને તો છોડો, અહીંના વૉર્ડબૉય ને ઝાડુ મારવાવાળા પણ ઈંગ્લીશ બોલે છે ને મસ્ત તૈયાર થઈને આવ્યા છે ! મારે પાર્લરમાં આંટો મારી આવવાનો હતો. કંઈ નહીં, હવે બીજી વાર.

‘હાય કલ્પના....’ બોલતો પેલો ડૉક્ટર(!) મારા માથા પાસે આવી ઊભો. (મરી ગ્યો સાવ નફ્ફટ ક્યાંનો ! જરાય શરમાતો નથી.) ન આન્ટી, ન ચાચી કે ન મૌસી ! મારો બાપ હોય તેમ સીધો આવીને ‘હાય કલ્પના !’ મેં જરાતરા ડોકું હલાવી–જરાતરા હસી હાય કર્યું. ‘હું ડૉક્ટર ફલાણો, એનેસ્થેટિસ્ટ. ઓપરેશન પહેલાં હું તમને એનેસ્થેસિયા આપીશ.’ ઓહ ! એટલે આ મને બેભાન કરશે એમ ? આના વગર તો ઓપરેશન થશે જ નહીં. તેમાં આટલો વટ મારે છે. ‘આ ફૉર્મ પર તમારી સહી કરી દો.’

મને તો સારી રીતે ખબર હતી કે, કોઈ દિવસ કોઈ કાગળ પર વાંચ્યા વગર સહી કરવી નહીં ને કોઈનો ભરોસો કરવો નહીં. પણ અહીં ? બધા સવાલ–જવાબ કરવા બેસું ? તે પણ હવે છેક છેલ્લી ઘડીએ ? જ્યારે મારા રુમમાં હતી ત્યારે કેમ બધાની સામે સહી નહીં કરાવી ? કોને ખબર કાગળમાં શું હશે ? મારા તો ઘરેણાં કઢાવી નાંખેલા (દીકરાને સોંપવા માટે ), ત્યારે જ સાથે સાથે ચશ્માં પણ કઢાવી નાંખેલા. કોઈ ડૉક્ટર કે નર્સનો ચહેરો ભવિષ્યમાં ઓળખી ન શકું એટલે જ હશે. બાકી તો મારા ચશ્માં કોણ ચોરી જવાનું હતું ? કદાચ ને આ કાગળ બરાબર વાંચી ન શકું ને એ લોકો પર કેસ ન ઠોકી દઉં એટલે જ હશે. જે હોય તે, હવે તો ખાંડણિયામાં માથું મૂકી જ દીધું છે તો પછી ચિંતા શેની ? એ ફૉર્મમાં લખેલું કે, ‘જો ડૉક્ટરોની ભૂલને લીધે મને કંઈ થઈ જાય (કદાચ ઉપર પણ પહોંચી જાઉં (!)), તો(પણ) સઘળી જવાબદારી  મારી જ ગણાશે. ’ છે કોઈ ધંધામાં આટલી ઉઘાડેછોગ બનાવટ ? કરે કોઈ ને ભરે કોઈ જેવો જ ઘાટ થયો ને આ તો ? મારી આજુબાજુ કોઈ હતું પણ નહીં કે જેની સલાહ લઈ શકું. કચવાતે મને મેં સહી કરી આપી. એક વાર મને અહીંથી જવા દો, પછી જોઈ લઈશ બધાને.

14 ટિપ્પણીઓ:

  1. darek dardie thiyetarmaa jawaa pahelaa vaanchi jawaa jevo lekh
    dhanyawaad KALPANA ,,,,JI
    ASHVIN DESAI AUSTRALIA

    જવાબ આપોકાઢી નાખો
  2. ડૉક્ટરની અંતિમ ઈચ્છા પૂછવાની હિંમત કરનારાં આ પહેલાં જોયાં. વાહ! શી હિંમત! પ્રેરણદાયી! કાશ! અમારામાંય આટલી હિંમત હો!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. જીવન મરણનો સવાલ હોય ત્યારે આપોઆપ હિંમત આવી જ જાય ! તમને શુભેચ્છા.

      કાઢી નાખો
  3. બહુ સરસ અને રમુજી લેખ બન્યો છે. અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  4. આ હાસ્યલેખ તમારો અનુભવ છે કે કલ્પના ? કલ્પના હોય તો લેખ સરસ છે અને અનુભવ હોય તો હવે તબિયત કેમ છે ?
    પલ્લવી મિસ્ત્રી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પલ્લવીબહેન,
      લેખ ગમ્યો તે બદલ આનંદ થયો અને તમારી લાગણીથી ગદગદ થઈ ગઈ. અનુભવને જરા બહેલાવીને લખ્યો એમાં મારી ઈચ્છા પૂરી થઈ ! આભાર.

      કાઢી નાખો
  5. દરેકે દરેક લેખ બહુ સરસ અને રમુજી હોય છે. અભિનંદન. પલ્લવીબહેને લખેલા જવાબથી ચિંતા ઓછી થઇ.

    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આપના અભિપ્રાય અને શુભેચ્છા બદલ આનંદ થયો. આભાર.

      કાઢી નાખો
  6. HAHAHAHAAA....‘ડૉક્ટર, તમારી કોઈ આખરી ઈચ્છા છે ?’
    GOOD ONE!!!!! :))
    Bhupendra Jesrani

    જવાબ આપોકાઢી નાખો
  7. Amari
    aakhari ichchha ae chhe ke
    aap
    Lappan Chhppan
    jari rakho!!
    Ramesh Patel

    જવાબ આપોકાઢી નાખો