રવિવાર, 3 ઑગસ્ટ, 2014

આજના સમાચારમાં બસ આટલું જ (!)

કોઈ અહેવાલ આપવાનો હોય કે કોઈ માહિતી આપવાની હોય, ત્યારે પત્રકારો લખતા હોય છે, ‘આ લખાય છે ત્યારે (કે લખું છું ત્યારે) બહાર બૉંબ ફૂટવાના અવાજો આવી રહ્યા છે. બાળકો હાથમાં તનકતારા લઈને કોઠી સળગાવી રહ્યાં છે. ટેટા ને લવિંગીયાની લાંબી લાંબી લૂમો ફૂટી રહી છે. દિવાળી બરાબરની જામી છે.’ કોઈ કુલફી જામી હોય કે રાત જામી હોય એમ દિવાળી પણ જામે ! આ જ અહેવાલમાં એક જ વાક્ય ઊમેરીને વાર્તાલેખક લખે, ‘બહાર દિવાળીની રોશની હતી પણ મારા દિલમાં અમાસનો કાળોધબ્બ અંધકાર હતો. ’(લાઈટ જાય ત્યારે ઘરમાં મીણબત્તી રાખતાં શું થાય છે ?)


હું વરસાદને જોઈને વરસાદનો લેખ લખવા બેઠી, એટલે મને પણ એ સ્ટાઈલમાં (જોકે, ટીવી જેવા ખોટા ગુજરાતીમાં નહીં !) લખવાનું સહેજ મન થઈ આવ્યું. ‘આ લેખ ટાઈપ કરું છું ત્યારે, બહાર વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે. (વરસાદ ઘરમાં વરસવાનો છે ?) વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. (વરસાદથી ઉકળાટ થાય છે ?) લોકો ચાની ને ભજિયાંની લારીએ ટોળે વળ્યા છે. (ખાઉધરાં ક્યાંના ! અહીં જાતે મૂકીને ચા પીવાની છે ને ભજિયાં બનાવવાની આળસે, સમાચાર વાંચીને કે જોઈને જીવ બાળવાનો છે. એમ પણ અહીં દૂર દૂર સુધી ભજિયાંની કોઈ લારી હોવાની શક્યતા પણ નથી. ઘરમાં પણ કોઈ ભજિયાં બનાવીને ખવડાવે એવા ચિન્હો જણાતાં નથી. જોઈશ, જ્યારે જીવ પર આવી જઈશ, ત્યારે એ જ નામ પર ગરમાગરમ ભજિયાં બનાવીને ખાઈ લઈશ. આવા વરસાદમાં ભજિયાં નહીં ખાઉં તો વરસાદ રિસાઈ જશે પાછો.)

સવારે જ છાપામાં સમાચાર વાંચ્યા કે, દેમાર, ધોધમાર, અનરાધાર, મુશળધાર, સાંબેલાધાર, (તબલાંધાર, ઢોલકધાર, શરણાઈધાર ને વાંસળીધાર) વરસાદ વરસી રહ્યો છે. વરસાદમાં ખાલી સાંબેલા ને મુશળને જ કેમ યાદ કરાય ? વરસાદના સંગીતમાં તબલાં, ઢોલક ને વાંસળીના સૂરો ક્યારેય નથી સાંભળ્યા ? શરણાઈનું આમંત્રણ નથી અનુભવ્યું ? જો ના, તો તમે વરસાદને સમજ્યા જ નથી. હજી તો ચોમાસું આવીને બેઠું છે. આપણી મહેમાનગતિ એ પેટભરીને માણી લે, ત્યાં સુધીમાં એના મિજાજને જાણી લેજો અને એના સંગીતને બરાબર માણી લેજો.

ટીવીમાં ચાંપલા અવાજમાં ને ગમ્મત પડે એવા લખાણ સાથે સમાચાર આગળ વધે છે.....‘ગઈ કાલ સવારથી પડતા અને અટકવાનું નામ ન લેતા વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. લોકો બૂમો પાડે છે કે, તંત્ર ખાડે ગયું છે.’ (ભઈ, શહેરમાં આટલા બધા ખાડા છે તો તંત્ર પણ ખાડામાં જ જાય ને ?) ‘લોકો પાણીમાં છે.’ (તો તંત્રે પણ પાણીમાં જ બેસી જવું પડે ને ?) ‘લોકો હેરાન–પરેશાન થઈ ગયાં છે.’ (તો તંત્ર પણ પરેશાન છે કે, બધું કાગળ પર જ કેમ કરતાં રહી ગયું ?) ‘રોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ લોકો વલખાં મારે છે.’ (તંત્ર વિચારમાં પડી ગયું છે કે, ફુડ પૅકેટનો ઓર્ડર તો મહિના પહેલાં આપેલો તે કેમ હજી પહોંચ્યો નથી ?) ‘મોટી મોટી વાતો કરતી સરકારનો/પાલિકાનો પ્રી–મૉન્સૂન પ્લાન ઠગારો સાબિત થયો છે, ભાંગી પડ્યો છે, નિષ્ફળ ગયો છે, પાણીમાં ગયો છે વગેરે વગેરે.’ (કોઈ પણ પ્લાન પાસ થતાં દિવસો નીકળી જાય કે ઘણી વાર મહિનાઓ પણ નીકળી જાય. ત્યારે આ તો, કુદરતની સામે પ્લાન બનાવવાનો ! કુદરતની સામે બાથ ભીડવાની ! આ કોઈ કાચાપોચાનું કામ નથી. મહિનાઓની તૈયારી જોઈએ. ‘પ્રી મૉન્સૂન’ એટલે ફક્ત ચોમાસાના થોડા દિવસો અગાઉ ના ચાલે. ખેર, હવે જે થાય તે જોયા કરો. પાણી ગમે ત્યારે ઊતરશે તો ખરાં ને ?)

સમાચારમાં વધુમાં જણાવવાનું કે, ‘પૂનામાં ભેખડ ધસી પડતાં આખું ને આખું ગામ દટાઈ ગયું છે.મૃત્યુ પામેલા લોકોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પણ અંદાજે સોથી બસ્સો લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.’( સો પરથી સીધો બસ્સો પર કૂદકો ? માણસના જીવની કિંમત ફક્ત આંકડામાં ?) ‘નદીના પૂરમાં સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા. તંત્રની બેદરકારીને કારણે આમ બન્યું હોવાની લોકોમાં ચર્ચા. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આ દુર્ઘટના બની હોવાનું જણાવતાં લોકો.’ (ભઈ, લોકો જ બધું જણાવશે તો તમે શું કરો છો ? માઈક ને કૅમેરા લઈને બધે પિકનિક કરતાં ફરો છો ? ચોમાસા પહેલાં તંત્ર નહોતું જાગ્યું તો તમે પણ ઊંઘતાં હતાં ? લોકોને પણ ખબર નહોતી કે, પાણીની આવક વધતાં ડેમમાંથી દર વર્ષે પાણી છોડે જ છે. એમાં કઈ નવાઈની વાત છે ? તંત્રને ભરોસે બેસી રહેવાય ? આપણી કોઈ ફરજ નહીં ?)

આજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર મેળવવા જોતાં રહો, ‘આ, ઈ, ઓલું, પોલું ને ઘેલું(કરનારું) ટીવી.’

વરસાદમાં એક જાહેરાત કરવાની કે, ઘરની બહાર નીકળાય એવું ન હોય તો....
ઘરમાં એકબીજાના માથા પર બેસવાને બદલે કે બેઠાં બેઠાં ચા ને ભજિયાંનો કકળાટ કરવાને બદલે, અચાનક મળેલા આ અણમોલ અવસરનો લાભ ઊઠાવી લો. મનગમતું કંઈક વાંચો, વંચાવો, સંગીત સાંભળો, જૂના પ્રસંગોની લહાણી કરી બહુ વખતે ખડખડાટ હસવાનો લહાવો મેળવી લો. (ને સલાહ બદલ મને માફ કરો પ્લીઝ...) અને ખાસ તો, ઘરમાં નાનાં બાળકો હોય તો ઘરમાં બેઠાં બેઠાં એમને ‘ઈ–વિદ્યાલય’માં દાખલ કરી દો. પેલા રમકડાની જાહેરાત સાંભળેલી ને ? ‘બાબો રમે, બેબી રમે ને બાબા–બેબીનાં મમ્મી–પપ્પા પણ રમે.’ તો સૌને ગમે એવી ‘ઈ–વિદ્યાલય’નું સરનામું છે.........

www.evidyalay.net

આજના સમાચારમાં બસ આટલું જ.



12 ટિપ્પણીઓ:

  1. ખાડા અને ખાડે ગયુંનો શ્લેષ સરસ સાધ્યો, અભિનંદન. અરુણા જાડેજાનાં નમસ્તે

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. તમારી નજરે ખાડામાં પણ શ્લેષ શોધ્યો તે ગમ્યું.
      આભાર.

      કાઢી નાખો
  2. Vah....aajna samachar vanchya...emanu achar(Hindima)chatpatu lagyu.aa mate aabhar....

    જવાબ આપોકાઢી નાખો
  3. ધોધમાર વરસાદના અદભૂત સંગીતને સાંભળવાની મઝા જ અનેરી છે. હીંચકે બેઠા બેઠા કલાકો સુધી આવું વરસાદી સંગીત સાંભળવું એક લ્હાવો છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. એકદમ સાચું કહ્યું, પણ એક પણ ચેનલવાળાએ કોઈ દિવસ હીંચકે બેઠેલાંને બતાવ્યાં જ નથી ! ખાડામાંથી ઊંચા આવે તો ને !

    જવાબ આપોકાઢી નાખો
  5. અરવિંદ ભાંડારી4 ઑગસ્ટ, 2014 એ 04:37 PM વાગ્યે

    વરસાદના અને ખાડાના ત્રાસ વચ્ચે તમારો લેખ ભજિયાની ગરજ સારનાર છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. જીવ પર આવી જાઓ તે પહેલાં ભજિયાં જરૂર ખાઈ લેજો. બનાવવાની આળસ આવે તો અમારે ઘેર આવજો, સાથે ભજિયાં ખાઈશું.
    પલ્લવી મિસ્ત્રી

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. તમે મને બરાબર સમજ્યાં. તમારું આમંત્રણ જ કાફી છે. આભાર.

      કાઢી નાખો