રવિવાર, 10 ઑગસ્ટ, 2014

છત્રી સંધાવવાની વેળા

આપણું જીવન પણ અજબ છે ! એમાં સમયે સમયે, ઋતુ પ્રમાણે, ઉંમર પ્રમાણે, કામ પ્રમાણે ને વગર કંઈ પ્રમાણે પણ જાતજાતની વેળા આવતી રહે. આ વેળા શબ્દ તો વાતચીતમાંય કેવો ગૂંથાઈ ગયો છે. ‘સવારની વેળા થઈ.’ ‘ચા નાસ્તાની વેળા થઈ.’ ‘જમવાની વેળાએ ટીવી બંધ રાખતા હો તો?’ ‘આ વળી રાતની વેળાએ કોણ આવવા નવરું પડ્યું?’ વગેરે. તેમાંય કામની વેળા ને આરામની વેળા તો પાછી અલગ. હમણાં છત્રીવેળા ચાલે છે ! કારણ ?


ચોમાસાની ઋતુ આવે એટલે પહેલી તૈયારી છત્રીની કરવાની આવે. આખા વરસમાં અમુક જ ખાસ દિવસોએ વપરાતી હોવા છતાં છત્રી એટલી તો જડબેસલાક રીતે મગજમાં ભરાઈ ગઈ હોય ને કે, દર ચોમાસે નવી છત્રી લેવી ન પડે એટલે આગલા વરસની છત્રીને યાદ કરાય. એ છત્રી કે છત્રીઓનું વિગતે વર્ણન પણ કરાય. બધાનાં ઘરમાં કંઈ ડઝનના ભાવે છત્રીઓ ના હોય એટલે દરેકને પોતાની છત્રી બરાબર યાદ હોય. કયો તાર વાંકો વળી ગયો છે કે કયા તાર સાથે કપડાની લેણાદેણી નથી ને ત્યાંથી કપડાની સિલાઈ કરાવવાની બાકી જ રહી ગઈ છે, કઈ છત્રીના હાથામાંનું બટન બરાબર કામ નથી આપતું કે કઈ છત્રીનો હાથો તરડાઈ ગયો છે વગેરે જેવી સઘળી બારીકી દરેકના મનમાં કોતરાઈ ગઈ હોય. બીજે વર્ષે પણ આબેહૂબ એ જ વર્ણનની છત્રી નીકળે !


છત્રીએ વર્ષોથી પોતાનો ભાવ જાળવી રાખ્યો છે. બહુ ધીમા ભાવવધારા સાથે હજીય એ આમજનતાને પોસાય એવા ભાવે પણ મળી રહે છે. કેવી નવાઈની વાત કહેવાય કે, ‘યુઝ એન્ડ થ્રો’ના જમાનામાં હજીય આપણે દર વર્ષે નવી છત્રી લેતાં નથી ! ચાલે ત્યાં સુધી એટલે કે, કરકસરની છેલ્લી હદ સુધી પણ આપણે છત્રી–એક જ છત્રી ચલાવ્યે રાખીએ છીએ. ચોમાસું પૂરું થાય એટલે એમ નહીં કે, ફેંકી દઈએ. ‘આવતે વર્ષે નવી લઈશું.’ એવો તો વિચાર સુધ્ધાં આપણા મગજમાં ન આવે !


કોઈ વાર જો છત્રીનો હાથો તૂટી જાય તો આપણે નવો હાથો નંખાવી દઈએ. ઑટોમેટિક છત્રીનું બટન કે સ્પ્રિંગ બગડી જાય તો મગજની સ્પ્રિંગ છટકાવ્યા વગર તરત રિપેર કરાવી લઈએ. વરસાદમાં ભીંજાવાનું, માંદા પડવાનું,બીજાની છત્રી કે લિફ્ટ વારંવાર માંગવાનું આપણા માટે તેમ જ બીજા માટે પણ સારું નથી. આપણે તો છત્રીનું આખેઆખું કવર એટલે કે કપડું પણ બદલાવવા જેવું લાગે તો નવું નંખાવી લઈએ પણ છત્રી તો એ જ વાપરવાની ! આ બધી કસર કરવામાં એક જ ગણત્રી હોય કે, ‘નવી છત્રી ક્યાં લેવાની? જો પચાસ સાંઠ રુપિયામાં કામ પતી જતું હોય તો નક્કામો ખર્ચો કરવાનો.’ જાણે કે, છત્રી હજાર બે હજારની આવતી હોય !


ખેર, આ વર્ષે મારે છત્રી સંધાવવી પડવાની છે ને મને કોઈ ગમે તેવું ભાષણ, છત્રીને લઈને આપી જાય તે મંજૂર નથી. એટલે આટલી લાંબી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવું કે, મારે છત્રી સંધાવવી છે ને ઓગસ્ટ મહિનો અડધે આવી ગયો છે તો પણ હજી છત્રી સંધાવવાનું મૂરત નીકળ્યું નથી ! હું તો રોજ રાહ જોઉં છું કે, ક્યારે એ શુભ ઘડી આવે ને ક્યારે હું ફાટેલી છત્રી લઈને નીકળું ! મને જો કે, ઘરમાંથી તો રોજ જ કોઈ ને કોઈ તો ટોકે જ કે, ‘તારી છત્રી સંધાવી લે ને. અમે કોઈ ન હોઈએ ને તારે ઘરની બહાર જવું હોય તો શું કરશે?’ મારી આંખોમાં ઝળઝળિયાં આવી જાય, ‘બધાંને મારી કેટલી કાળજી છે?’ હું તરત જ મનમાં ગાંઠ વાળું, ‘કાલે સવારે જ બજાર જઈને પહેલું કામ છત્રી સંધાવવાનું.’


ત્યાં બીજું કોઈ બોલે, ‘છત્રી રિપેર કરાવતાં કેટલા દિવસ કાઢી નાંખ્યા? અમારી છત્રી કશે બગડે કે કશે રહી જાય તો તારી છત્રી કામ આવે કે નહીં ? તારે તો કશે જવાનું નથી, પછી અમારા ખાતર તો છત્રી સંધાવી મૂક.’ હવે મારી આંખમાં દુ:ખનાં ઝળઝળિયાં આવી જાય, ‘અરેરે ! મારી ને મારી છત્રીની આ જ કિંમત? હવે તો છત્રી સંધાવવી જ નથી. છત્રી સંધાવે એ બીજા. હું તૂટેલી–ફાટેલી છત્રી લઈને ઘરમાં બેસી રહીશ પણ છત્રી તો નહીં જ સંધાવું.’


આમ આ ચોમાસાની શરુઆતમાં જ મારી છત્રી સંધાવવાની વેળા આવતાં આવતાં રહી ગઈ. મેં તો માંડી જ વાળેલું છત્રી સંધાવવાનું પણ.....
પણ, એવામાં બાજુવાળાં બેન આવી ચડ્યાં. ‘તમારી છત્રી હોય તો આપો ને. હમણાં વરસાદ પડે એવું લાગે છે ને મારે ખાસ કામથી બૅંકમા જવાનું છે. સાથે સાથે મારી છત્રી પણ સંધાવતી આવું. તમારી પાસે ક્યાં પાછી માંગવી? હમણાં તમે કશે જવાનાં તો નથી ને?’ એ બેન બહુ ઉતાવળમાં લાગ્યાં.


મને તો મરવા જેવું લાગ્યું. અરેરે ! અણીના સમયે ને મુશ્કેલીના સમયે જ  હું પાડોશણને કામ નહીં આવી શકું ? એક ફાટેલી છત્રીને કારણે ? ફટ છે મને. હવે ? કયું બહાનું કાઢું ? શું કારણ બતાવું ? પાડોશમાં જ રહે છે એટલે બધી જ ખબર છે કે, રોજ બધાં જ છત્રી લઈને જ જાય છે–ભૂલ્યા વગર. મેં જ જણાવેલું. તો ? કામવાળી ! હા, કામવાળીનું જ બહાનું કાઢું. કળીએ કળીએ કપાતા જીવ સાથે મેં કહ્યું, ‘તમને હું છત્રી ચોક્કસ આપતે પણ આજે મારી કામવાળી મારી છત્રી લઈ ગઈ છે, એની છત્રી સંધાવવાની રહી ગઈ છે એટલે. વેરી સૉરી !’ એટલું બોલતાં તો મારું ગળું સૂકાવા માંડ્યું. (બસ. બહુ થયું હવે. કાલે તો પહેલું કામ છત્રી સંધાવવા ઉપડવાનું, તે વગર ઘરમાં પગ નહીં મૂકું.)

9 ટિપ્પણીઓ:

  1. Are.....ha....mare pan aa kam baki j chhe.bhini thaish to lakhashe em vicharyu etle....pan have tame kaho chho to....

    જવાબ આપોકાઢી નાખો
  2. એક કામ કરો. છત્રી સંધાવવાનું રહેવા દો. એને બદલે વરસાદમાં પલળવાની મઝા માણો!

    જવાબ આપોકાઢી નાખો
  3. Ek plastic no raincoat laie lo - lambo vakhat chalse...........

    જવાબ આપોકાઢી નાખો
  4. praasangik lekhmaa khub mazaa aavi gai , jo ke palsana - maa maari paase paisa nahotaa ane melbourne maa aakhu varas varsaadni badale be be tran tran minitnaa showers j pade etle maare 67 varasni jindagimaa chhatriyog aavyo j nahi ! kudaratni kevi ajibogarib meharbaani ? ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  5. હજુ પણ છત્રી...?..છત્રી-રેનકોટનો કોઇ વિકલ્પ જ નથી?
    મોદીજીને ઇમેલ કરીને આ બાબતમાં કાંઇક નવું યોજવા કહીએ તો?
    છત્રીથી હવે છૂટકારો મળવો જોઇએ.


    જવાબ આપોકાઢી નાખો
  6. બહુ સરસ... મઝા આવી.. માનવમનની અવસ્થાને અવળચંડાઈ ભલીભાંતી પકડી ને નીરુપી.. ધન્યવાદ..
    ઉત્તમ ગજ્જર

    જવાબ આપોકાઢી નાખો
  7. U should have given your umbrella too for repairs..
    regards
    Rajnikant Shah

    જવાબ આપોકાઢી નાખો