રવિવાર, 17 ઑગસ્ટ, 2014

એક પુસ્તકનું નામકરણ

‘પછી તમારા પુસ્તકનું નામ શું રાખ્યું ?’
‘હજી ક્યાં કંઈ ઠેકાણાં છે ?’
‘નામનાં, પુસ્તકનાં કે તમારાં ?’
‘ત્રણેયનાં. પુસ્તકનું નામ નથી વિચાર્યું એટલે પુસ્તકનાં ઠેકાણાં નથી અને પુસ્તકનાં ઠેકાણાં નથી એટલે મારાં ઠેકાણાં નથી.’
‘એક નામ વિચારતાં આટલી વાર ? હાસ્યલેખો જ છે ને ? તેમાં શું આટલું બધું વિચારવાનું ?’
‘હાસ્યલેખોનું પુસ્તક છે એટલે જ તો આંખે ને કપાળે પાણી આવી જાય.’
‘એવું તે શું ભારે નામ પાડવાના જરા કહો તો.’
‘ભારે–હલકું, હમણાં તો કંઈ સૂઝતું નથી.’
‘હું કોઈ નામ સૂચવું ?’
‘હા, પણ જોજો એમાં ‘હાસ્ય’ શબ્દ ક્યાંય આવવો ન જોઈએ.’
‘તો પછી ખબર કઈ રીતે પડે કે, આ શેનું પુસ્તક છે ? કવર પર તમારો ફોટો મૂકવાના છો ?’
‘ફોટાથી મને કોઈ આળખતું નથી અને હજી મને જોઈને કોઈ હસી પડે એવું મોં હું રાખતી નથી.’
‘ભઈ, તમે બહુ ગુંચવાડો ઊભો કરો છો. આમ નહીં ને તેમ નહીંના નિયમોમાં પાડી રહ્યા તમે પુસ્તકનું નામ. વિચાર્યા કરો બેસીને, અમારે શું ?’
‘પ્લીઝ, જરા મદદ કરો ને. એમ તો મેં પણ થોડાં નામ વિચારી મૂક્યાં છે. જુઓ એમાંથી કોઈ ચાલે કે ?’
‘ઠીક છે, પણ મને મોડું થાય છે. જલદી બોલો.’ (!)
‘મૂજી–રમૂજી’ કેવું લાગે ?’
‘જોડિયા ભાઈની વાર્તાનું શીર્ષક લાગે. એક મૂજી ને એક રમૂજી.’
‘ઓ કે, કૅન્સલ. એટલે જ તો મેં તમને પૂછ્યું. તો પછી, ‘હસતાં હસતાં લોટપોટ’ કેવું લાગે ?’
‘તમને તમારા લેખો પર એટલો બધો વિશ્વાસ છે ? શું તમે એવું માનો છો કે, તમારા લેખો વાંચીને લોકો હસી હસીને ગાંડાં થઈ જશે ?’
‘અરે વાહ ! તમે સરસ નામ બોલી ગયા. ‘હસી હસીને ગાંડાં થાઓ’. કહેવાની જરૂર જ નહીં રહે કે, આ હાસ્યલેખોનું પુસ્તક છે.’
‘એટલે તમારે લખવું/કહેવું પડે છે કે, આ હાસ્યલેખોનું પુસ્તક છે ?’
‘તે વગર મારું પુસ્તક ક્યાંથી ખપે ?’
‘ચાલો બીજાં નામ જણાવો.’
’રમૂજનો રાજા’
‘આ તો કોઈ નાટકનું નામ લાગે, પણ જો તમે ‘રમૂજની રાણી’ કે ‘રમૂજી રાણી’ રાખો તો કદાચ ચાલી જાય.’
‘તો પછી, ‘મેરા નામ જોકર’ કેમ લાગે ?’
‘ઉઠાવગીર જેવું લાગે.’
‘ગોલમાલ’ ?’
‘ફિલ્મોનાં નામ નહીં જોઈએ.’
‘વર મારો બાપ રે બાપ’ ?
‘તે આ પુસ્તકમાં ફક્ત પતિ વિષયક લેખો જ છે ?’
‘એટલું બધું મહત્વ વરને ન અપાય એટલી તો મનેય ખબર છે.’
‘એક કામ કરો. પુસ્તકના બધા લેખો પર નજર ફેરવી જાઓ. એકાદ બંધબેસતું શીર્ષક મળી જશે.’
‘એ તો મેં પહેલાં જ જોયું. એમાંથી મને એટલું શીખવા મળ્યું કે, બીજી વાર પુસ્તકનું નામ સહેલાઈથી પડી શકે એટલા ખાતર પણ, બે–ચાર લેખનાં શીર્ષક એવાં જ રાખવાં જેથી નામકરણની રાહ જોઈને પુસ્તક ને હું ટીંગાઈને બેસી ન રહીએ. લેખના એક પણ શીર્ષકમાં દમ નથી તે આજે દેખાયું !’
‘એક જાહેરાત આપી દો કે, પુસ્તકનું નામ સૂચવવા વિનંતી. યોગ્ય નામ સૂચવનારને એક કૉપી ફ્રી.’
‘અરે ! પુસ્તકની રૉયલ્ટી કરતાં જાહેરાતનો ભાવ વધી જાય તો એ પુસ્તક મને કેટલામાં પડે ?’
‘તમારી આ જ પંચાત છે.’
‘અરે વાહ ! મળી ગયું નામ.’
‘એટલી વારમાં ? હમણાં તો તમે પુસ્તકનાં નામનું રડતાં હતાં !’
‘તમે પંચાત બોલ્યા ને ? તે પરથી જુઓ, ‘પંચાત–પંચાત’, ‘પંચાત–બંચાત’, ‘કરો પંચાત’, કે ‘પંચાતમાં શું ?’ જેવું કોઈ નામ ચાલે કે નહીં ?’
‘હવે સિક્કો ઊછાળો અને વધારે પંચાત કર્યા વગર એક નામ નક્કી કરી નાંખો, પછી મને જણાવજો.’
‘ચાલો પંચાત ટળી.’
‘તમે મને કંઈ કહ્યું ?’

જોકે, પુસ્તકનું નામકરણ તો હજી બાકી જ છે. છે તમારા ધ્યાનમાં કોઈ ?

(લેખકના આગામી પુસ્તક ‘પંદરમું રતન’માંથી સાભાર.)



14 ટિપ્પણીઓ:

  1. અમુક મહાનુભાવો નામ પાડવામાં એવા ઉસ્તાદ હોય છે કે દસેક પુસ્તકોનાં નામ તે અગાઉથી નક્કી રાખે છે. પુસ્તક માટેના લેખો તો ઠીક, વિષય સુદ્ધાં તે પછી નક્કી કરતા હોય છે. (નક્કી કર્યા પછીય લખવાનું ક્યારે થાય એ કહેવાય નહીંં ). ચાલો, 'પંદરમું રતન' નામ નવા પુસ્તકનું નક્કી થયું એનો આનંદ, અભિનંદન અને આવકાર.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પુસ્તકના નામકરણની પૂરક માહિતી બદલ આભાર. ઐસા ભી હોતા હૈ ?
      શુભેચ્છા બદલ આભાર.

      કાઢી નાખો
  2. have tamaaru naam n hoy topan hu kahi shaku ke aa kalpana desaino lekh chhe - chhellu vaaky farithi try karu chhu
    ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  3. khub j saras lekh , bharpur kataax ane tamaari saahjik halavi shaili have tamaari aagvi olakh bani gai chhe tamaaru naam n hoy to pan have hu kahi shaku ke aa kalpana desai no lekh chhe , kharekhar mazaa aavi gai ane lekhak mitrone pan forward karavaa lakchaayo ane kothaarie maaraa ahelaa tippani nodhaavi pan didhi ! - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. લેખ ગમ્યો તે બદલ આભાર. વાચકોનું પ્રોત્સાહન પેનમાં સ્યાહીનું કામ કરે છે.

      કાઢી નાખો
  4. Its like we search the name for a new born baby.
    Rajnikant Shah

    જવાબ આપોકાઢી નાખો
  5. મને એ જ પ્રોબ્લેમ હતો. એટલે પછી પુસ્તક બહાર પાડવાનું જ માંડી વાળ્યુ.બહુ સરસ લેખ બન્યો છે.અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. જ્યોતીન્દ્રભાઈએ એટલે જ કદાચ, કંટાળીને ‘રંગતરંગ’ના છ ભાગ રાખેલા.
      આપણે કોઈ નવો ચીલો પાડી શકીએ કે નામમાં શું ? લેખ સાથે મતલબ છે ને ?
      આભાર.

      કાઢી નાખો
  6. Very hilarious essay...what a realistic topic..with a great force you jump from one name to the other...I say you can help even other writers in this difficult task.Will you help me?

    જવાબ આપોકાઢી નાખો
  7. Mein to tahel nankhi chhe. Marun eman gajun nahin. Kadach bhavishyman aa namomanthi ekad pustak vichari joun.

    જવાબ આપોકાઢી નાખો
  8. પુસ્તકોના નામકરણ માટે એક ‘ફોઈ’ જ રાખી લ્યો ને કલ્પનાબહેન. (હંમેશની પંચાત ટળે.)
    પલ્લવી મિસ્ત્રી

    જવાબ આપોકાઢી નાખો
  9. હવે ફોઈની વ્યવસ્થા પણ મારે જ કરવાની ? જોકે, ટહેલ નાંખી છે. કોઈ ને કોઈ તો મળી જ રહેશે.
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  10. ‘સોળમું રતન’ એટલે માર પડવો કે પાડવો એ નાનપણમાં સાંભળેલું,પણ બાકીના ૧૫ રતન કયાં એ વડીલોને પૂછવાનું રહી ગયેલું..! આ ૧૫ રતનો કયાં એ વિશે જણાવશો,કલ્પનાબેન. એટલીસ્ટ,પંદરમું રતન કયું?..

    જવાબ આપોકાઢી નાખો
  11. ચૌદમું રતન બતાવવું એટલે, માર મારવો એવો અર્થ થાય. મારાથી એ દુષ્કૃત્ય ન થાય. એટલે ઈચ્છા થાય ત્યારે, મારી પાસે હાથવગું જે હોય તે આ હાસ્યનું પંદરમું રતન બતાવી દઉં.

    જવાબ આપોકાઢી નાખો