રવિવાર, 4 માર્ચ, 2018

એમ પી ટુર–(૭) લાની લુપમતીકા મહેલ’



માંડુ એટલે માંડવગઢ. એક જમાનાનું ‘શાદિયાબાદ’ અને શાદિયાબાદ એટલે આનંદનગર. અહીં તો રૂપમતી અને બાઝબહાદુરની એ મશહૂર પણ દુ:ખદ પ્રેમકથાએ જનમ લધો હતો, જે ન તો એમની શાદી સુધી પહોંચી અને ન તો સુખદ અંત સુધી. કોઈ જ આબાદ ન થયું. જો બહુ ધ્યાનથી આ મહેલના એક એક ખૂણે ફરી વળીએ તો અહીંની હવાઓમાં એમના કરુણ, મધુર પણ બરબાદીના સ્વરો ગુંજતા રહેતા હોય એવો ભાસ થયા કરે. આ મહેલ જોવા ને એની સ્ટોરી જાણવા તો ત્યાંના ગાઈડને સાથે રાખવો જરૂરી હતો. આવા સ્થળે તો જોઈએ તેટલા ગાઈડ મળે.
‘આપણે ભૂલ કરી. પેલા શરબતની લારીવાળાને જ આપણે ગાઈડ તરીકે લઈ આવવાનો હતો. એની ખાસ સ્ટાઈલમાં રૂપમતીની સ્ટોરી જાણવાની મજા આવતે.’
‘હા, પણ અહીં રજિસ્ટર્ડ ગાઈડ હોય ને તો સારું પડે. જરા વ્યવસ્થિત ઈતિહાસ જાણતા હોય ને ફોરેનના ટુરિસ્ટોને ઈંગ્લિશમાં પણ સમજાવી શકે એવા હોય તેને જ લાઇસન્સ મળે.’
‘હા પણ મજા તો પેલા લહેકાવાળા સાથે જ આવે ને?’ મને થોડો અફસોસ રહી ગયો.

ખેર, અમારો ગાઈડ અમને મહેલના ખૂણે ખૂણે ફેરવીને દરેક દરવાજા, ઝરુખા ને ગુંબજ કે થાંભલાનુંય રસાળ શૈલીમાં વર્ણન કરીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરતો હતો. (ગાઈડ ‘ર’ને બદલે ‘લ’ બોલતો હતો તે સ્પષ્ટ જણાતું હતું! હવે આમાં અમાલાથી એની વાતો પર ગંભીલ કઈ લીતે લહી શકાય? એ જ્યાલે બાજબહાદુલ ને લુપમતીની વાલ્તા કલતો હોય ત્યાલે?) એ બધા શબ્દો સ્પષ્ટ બોલતો હતો એનો મતલબ એ કે, એને ‘ર’ બોલતાં કોઈએ નહોતું શીખવ્યું. નાનપણમાં જલુલ કોઈએ બોબડું શીખવ્યું હશે. તો પછી એ ગાઈડ કઈ લીતે બન્યો? (હવે મારામાં ખામી એ કે મારાથી આવી વાતમાં હસવું રોકાય નહીં અને હું આજુબાજુ જઈને પણ છૂટથી હસી લઉં. મને જોઈને મારી સાથેવાળાં પણ હસવું રોકી ના શકે. વળી પાછી એકદમ સિરિયસ થઈને વાતમાં જોડાઉં પણ ફરી ફરીને એવું જ સાંભળું એટલે માલાથી ફલીથી હસી પડાય!)

ગાઈડને કદાચ સમજ નહોતી પડતી અથવા પછીથી સમજી ગયો હોય તેમ બિચારો લજવાઈ ગયો કે કોણ જાણે પણ એણે પછીથી બહુ ગંભીર રહીને અમને મહેલમાં ફેરવ્યા. ખાનગીમાં બધાં મારા પર તૂટી પડ્યાં પણ આમાં મારો કોઈ વાંક હતો? ફિલ્મોમાં આવી જ કૉમેડીની આપણે મજા લઈએ ને હું હસી તો ગુનો બની ગયો? માન્યું કે, ગાઈડની સામે નહોતું હસવું જોઈતું પણ આવી વાતમાં કંટ્રોલ કેવી રીતે ને કેટલોક રહે? ખેર, અમે રૂપમતી માટે જ બનેલા આ ખાસ મહેલમાં શું શું જોયું?

જમીનથી ખાસ્સી ઊંચાઈએ આવેલા આ મહેલની છત પર સામસામે રહેલી બે છત્રી બહુ આકર્ષક છે. એમ લાગે કે જાણે સામસામે બેસીને રાજા અને રાણી સંગીતની મહેફિલ જમાવતાં હોય. અથવા તો એક છત્રીમાં રાણી ઊભી રહીને દૂરથી ઘોડા પર સવાર થઈને આવતા એના પ્રેમીને મન ભરીને નિહાળતી હોય ને બીજી છત્રીમાં સાજિંદાઓ એના રિયાજ કરવાની રાહ જોતાં બેઠા હોય, આ રાણી કયારે રિયાજ કરવાની? રાણી તો એના પોતાનાં જ ગીતોમાં મગન બનીને દૂર એના પ્રિયતમને પોકારતી હોય,
‘લૌટકે આ...લૌટકે આ...લૌટકે આ.
આ લૌટકે આજા મેરે મી...ત, તુજે મેરે ગીત બુલાતે હૈં.’

આ પ્રેમકથા કહેવાની પણ દરેકની પોતાની સ્ટાઈલ તો ખરી જ પણ આટલાં વરસોમાં તો ઘણાએ એને મારીમચડીને નવી જ કથા બનાવી દીધેલી! બાજુમાં ઊભેલો ગાઈડ બોલતો હતો, ‘રાની રૂપમતી ઔર બાજબહાદુરકા રિશ્તા ભાઈ બહેનકા થા.’ અલા ભલું થાય તારું ગાઈડભાઈ! આટલું મોટું ગપ્પું? ઈતિહાસના ચોપડા ભરેલા છે ને ફિલ્મો પણ બની છે, ને નાટકો પણ ભજવાયાં છે આ પ્રણયકથાનાં તો. રુપમતી તો કવયિત્રી પણ હતી તે એનાં પ્રણયગીતોથી સાબિત થાય છે. એનું પુસ્તક પણ બહાર પડેલું અને તું છેક જ આમ ગપ્પાં મારે?

રાજા જ્યારે શિકારે નીકળેલો ત્યારે જંગલમાં આ ભરવાડ/ વૈષ્ણવકન્યાના રૂપ સાથે એનાં ગાનથી પણ ઘાયલ થયેલો અને એને પ્રસ્તાવ મોકલેલો ત્યારે આ કન્યાએ શરત મૂકેલી કે ‘મને રોજ નર્મદાનાં દર્શન ને પૂજન કરવા મળે તો જ હું તારા મહેલે આવું.’ ત્યારની છોકરીઓ પણ શરત વગર પરણતી નહીં! બહાદુર કહેવાય. રાજાને તો શો વાંધો હોય? એણે રેવાકુંડ બનાવડાવીને છેક ઊંચે મહેલમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું. બન્ને સંગીતના રસિયા જીવ એટલે સંગીતને જ સમર્પિત રહ્યાં. રૂપમતીનો પ્રેમ શુધ્ધ હતો અને એ દિલથી રાજાને ચાહતી હતી એટલે એણે લગન કરવાની ના પાડી તો રાજાએ પણ એના પ્રેમનો સ્વીકાર કર્યો. કોઈ વાર્તામાં બન્નેને પરણેલાં પણ બતાવ્યાં છે. હશે હવે, ઈતિહાસ તો ઈતિહાસ જ હોય. જોવા કોણ જવાનું? ને એ વાત પર હવે કોણ લડાઈ કે ચડાઈ કરવાનું? એટલે બધું ચાલે એમ સમજીને જે ગાઈડ જે કહે તે માન્ય રાખવાનું ને ન માનવું હોય તો થોથાં લઈને બેસી જવાનું અથવા તો, હવે તો ગૂગલબાબા પણ ઘણી વાર્તાઓ સંઘરીને બેઠા છે. તેમને શરણે જવાનું.

એક તો નાનકડા પ્રદેશનો નાનકડો રાજા અને તેમાં પાછો સંગીત અને રાણીના પ્રેમમાં ઘવાયેલો એટલે તેને જીતી લેવો બહુ આસાન સમજીને જ રાજા અકબરે પોતાના સરદારને લડવા મોકલ્યો. સ્વાભાવિક છે કે, બાજબહાદુર નામ હોવા છતાં એ હારવાનો જ હતો. રાજા ભાગીને બીજા રાજાની મદદ લેવા ગયો પણ કોઈ અર્થ ના રહ્યો અને પેલો સરદાર અધમખાન માંડવગઢમાં દાખલ થઈ ગયેલો. રાણીનાં રૂપની ખ્યાતિ સાંભળીને એ રૂપમતીને પરણવા તૈયાર થઈ ગયો. ત્યારની રાણીઓ આત્મસમ્માનવાળી ને ચાલાક પણ હતી. એણે સરદારના લગ્નના પ્રસ્તાવને મંજુરી તો આપી પણ મૃત શરીર સાથે કોણ લગ્ન કરે? આમ વાર્તા જાણ્યા પછી તો, એક રાજા અને રાણીની ઘુંટાયેલી વેદના અહીંની હવાઓમાં આપણને સતત મહેસુસ થયા કરે.

આખલે ગાઈડે એની વાલતા પૂલી કલી ને અમે હસતાં હસતાં મહેલની ટેકલી ઊતલી ગયાં.

રાણી રૂપમતીનો મહેલ
રાણીના મહેલની મશહૂર છત્રી

રેવાકુંડ


18 ટિપ્પણીઓ:

  1. કલ્પના બહેન, તમારી દરેક વાતો વાંચવામાં મજા આવે, હોં.
    પ્રવીણ શાસ્ત્રી.

    જવાબ આપોકાઢી નાખો
  2. રુપમતિના મહેલની વાતો વાંચવાની મઝા આવી. માંડુ વિષે ગુગલમાં વધુ માહિતી શોધીશ,, કોઈકની શારિરીક ખોટ પર ભારતીયો જ હસે. મુકરી કે જાડી ટુનટુન વિ. જેવાની હાસ્યની વાત ન મને નથી ગમતી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. તમારી વાતે સો ટકા સહમત. મેં ખાસ લખ્યું છે કે એને કોઈએ ર બોલતાં નહોતું શીખવ્યું એટલે એ લ બોલતો હતો. બાળકોને તોતડા બનાવવામાં આપણો બહુ મોટો હાથ એ વાતે કટાક્ષ કર્યો. વળી આવી કરૂણ વાતમાં હાસ્ય ઉમેરવા માટે કંઈક ઉમેરવા ગપ્પું માર્યું. ગાઈડ તો સ્પષ્ટ જ બોલતો હતો.:) તમે વિગતે વાંચીને નુક્તેચીની કરો તે ગમે જ. આભાર.

      કાઢી નાખો
  3. interesting !
    i liked the location of rani rupmati mahel !
    combination of story and photos makes it very lively , thanks

    જવાબ આપોકાઢી નાખો
  4. ખુબ સરસ,જીભ જરા આડી અવળી થાય તો જોયું શું થાય છે ?

    તમારી વર્ણન શક્તિ ને સલામ,

    જવાબ આપોકાઢી નાખો
  5. તમારી શૈલી રસાળ હોય છે.વાંંચીને હસવાની મજા આવે છે.તોતડાં વાક્યો માટે કૌંસનો સરસ ઉપયોગ કર્યો. હવે મને નીચેના મેલ ઉપર લેખ મોકલવા વિનંતીsuresh.priyamitra@gmail.com

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર સુરેશભાઈ. પ્રતિભાવોથી લખવાનું જોશ ચડે:)

      કાઢી નાખો
  6. Kalpanaben, Vanchvani -khub...anand ane Uhlaas sathe, majaa Aavi! Aap avi j rite lakhta rahesho ji. Kudos to U.

    જવાબ આપોકાઢી નાખો