રવિવાર, 11 માર્ચ, 2018

તળાવની પ્રદક્ષિણા


ભોપાલનું નામ કાને પડતાં જ મેં તો મને જે યાદ આવ્યું તે કહ્યું, ‘ભોપાલ એટલે તો પટૌડીનું ગામ કે?’
અમે માંડુથી હવે ભોપાલને રસ્તે હતાં. એમ તો ઈંદોર પહેલાં આવે ને ઈંદોર તો માંડુથી ઘણું નજીક કહેવાય પણ પાછાં ફરતી વખતે નિરાંતે ઈંદોર ફરવાનો પ્લાન ઘડાયેલો એટલે પહેલાં ભોપાલ પહોંચવાનું હતું.
‘અરે, ખાલી પટૌડી થોડો? નજમા હેપતુલ્લા, શંકરદયાલ શર્મા, રઘુરામ રાજન, અન્નુ કપૂર, જાવેદ અખ્તર, બશીર બદ્ર અને આપણી ફેવરેટ જયા બચ્ચન સિવાય કેટલાય જાણીતા પ્લેયર્સ અને ફિલ્મ–ટીવી સ્ટાર્સ પણ અહીંના જ છે.’
‘ઓહોહો! જબરુ ભાઈ ભોપાલ તો. તો તો પેલા ગીતકાર અસદ ભોપાલી પણ અહીંના જ હશે.’ મને યાદ આવ્યું. હું તો અત્યારથી જ ઈમ્પ્રેસ થવા માંડી.
‘કોણ અસદ ભોપાલી? આને છે ને, કોઈ ને કોઈ યાદ આવી જ જાય.’ મારી ટિંગલ કરવાની એકેય તક કોઈ ચૂકતું નહોતું.
‘અરે પેલા મસ્ત ગીતો છે ને? હંસતા હુઆ નૂરાની ચેહરા...’
‘ઓહ્હ તે?’ કહેતાં તરત અંજુએ ગીત ઉપાડી લીધું, ‘કાલી ઝૂલફેં રંગ સુનેહરા...’ પછી ઢીટીન ટીટીન ચાલ્યું ને અંતકડી ચાલુ થઈ ગઈ તે, ‘કબૂતર જા જા જા’ પર પૂરી થઈ ને ભોપાલી સાહેબને એ બહાને શ્રધ્ધાંજલિ અપાઈ ગઈ. ભોપાલ જતાં જતાં એક કામ તો સારું થયું.

કોઈ શહેરનો ઈતિહાસ કે ભૂગોળ તો ઠીક પણ અહીંના કયા કયા મહાનુભાવોએ ભોપાલનું નામ રોશન કર્યું તે પણ જાણવું એટલું જ જરૂરી. ઓહો ને આહા કરવા તો ચાલે! ધારો કે, કાલ ઊઠીને કોઈ પ્રવાસી ઉચ્છલ ફરવા આવે તો એને મારું નામ દઈને કોઈ ઓળખાવશે? કોણ જાણે. મનમાં થયું કે મોટેથી બોલું પણ પછી માંડી વાળ્યું. મારાથી એટલી ઊંચી ખ્વાહિશ રખાય? કે ના રખાય? ખેર, મેં ભોપાલની ઓળખ આપનાર તરફ કાન માંડ્યા.

‘ભોપાલ કુદરતી અને કૃત્રિમ તળાવોથી શોભતું શહેર છે. એમ પીની રાજધાની અને બે તળાવોથી બે ભાગમાં વહેંચાઈ જવા છતાં પણ, એક જ શહેર ગણાતું ભોપાલ જોવાલાયક અને માણવાલાયક તો ખરું.‘
‘પ્લીઝ પારુલ, હવે કંઈ નીં કે’તી. આપણે ભોપાલ જ જવાનાં ને? પછી અત્યારથી બધું ક’ઈ દેહે તો મજા નીં આવહે.’

‘ઓક્કે ઓક્કે ચાલો આપણે એક છોટા સા બ્રેક લઈએ.’ અંજુ ને જૉલી પણ ક્યારના ચાનો ઈશારો કરતાં હતાં એટલે અંધારા પહેલાં હાઈવેને ટચ થઈ ગયેલાં અમે એક રેસ્ટોરાંમાં ખાણીપીણી પતાવ્યાં. ભોપાલ પહોંચવાની ઉતાવળ તો હતી જ. ભલે ને રાત પડતી પણ કોઈ શહેરની સુંદરતા તો રાતેય ક્યાં ઓછી હોય છે? દૂરથી ભોપાલની રોશનીએ અમને ઊંચાંનીચાં કરવા માંડ્યાં. ભોપાલ સાથે વરસો પહેલાં ઘટેલી ગેસ કરુણાંતિકા પણ જોડાયેલી છે. જાણે ચાંદમાં ડાઘ હોય! ઘણાં તો ભોપાલ એટલે એ એક જ દુર્ઘટના, એવું સમજીને મોટું લેક્ચર આપવા બેસી જાય પણ દરેક વસ્તુ, ઘટના કે જગ્યા સાથે સારી ને ખરાબ વાતો જોડાયેલી જ હોય. એમાંથી આપણે પણ ક્યાં બાકાત રહીએ? (આ મન પણ જબરું છે, તરત જ મોટી મોટી વાતો ને ઉપદેશો ને સુફિયાણી સલાહોના ચક્કરમાં તરત જ ખેંચાઈ જાય. ફરવા નીકળી છે તો ફર ને શાંતિથી. એમ તો આટલુંય પાછું સારું કે, તરત ભાન થાય એટલે પાછા વળી જવાય.)

કોઈ પણ શહેર હોય, ઝગમગ રોશનીથી તો નાહતું જ હોય એટલે ભોપાલ પણ અપવાદ કેમ રહે? શહેરમાં દાખલ થતાં જ ટ્રાફિક અને બજારની ભીડભાડે અમારું મન મોહી લીધું. વાહ! બજારમાં ફરવાની મજા આવવાની. અમારી હૉટેલનું સરનામું પૂછવાનું શરૂ કરતાં જ ખૂબ અદબથી જવાબ મળ્યો એટલે અમે તો ભોપાલના પ્રેમમાં જ પડી ગયાં. આટલા માનથી આ લોકો સ્ત્રીઓ સાથે વાત કરે? વાતની ને નામની આગળ–પાછળ જી તો લગાવે જ. આહાહા! મજા પડવાની ચાલો થોડી , તેહઝીબ તો આપણે પણ શીખીને જઈશું. લખનવી તેહઝીબ તો વખણાય જ છે પણ ભોપાલમાંય?

અમારી હૉટેલ નવા ભોપાલમાં હતી એટલે સરનામું પૂછતાં પૂછતાં એક મોટા તળાવની પ્રદક્ષિણા કરવાની રાતની રોશનીમાં જે મજા આવી છે. આહાહા! મનમાં તો થયું કે દરેક શહેરના પ્રવેશદ્વારે એક આવું સુંદર તળાવ હોવું જ જોઈએ. ‘બડા તાલાબ’ના નામે ઓળખાતું આ તળાવ રાજા ભોજે અગિયારમી સદીમાં બનાવેલું જે ભારતનું જૂનામાં જૂનું તળાવ છે. આ સ્વચ્છ ને સુંદર તળાવ ભોપાલના શહેરીજનોને પાણીની તકલીફ નથી પડવા દેતું. વચ્ચે વચ્ચે માહિતી ચાલુ રહી પણ અમે સૌ તો તળાવથી જ ખુશ. દૂર રંગીન લાઈટથી ચમકતા અક્ષરો વંચાયા ‘વેલકમ ટુ સિટી ઓફ લેઈક્સ.’
‘થેન્ક યુ, થેન્ક યુ ભોપાલ. થેન્ક્સ ફોર અ નાઈસ વેલકમ.’ હું મનમાં ગણગણી.

તળાવની સામે આવેલી દુકાનો જોતાં અમે એક ગલી આગળ રોકાયાં. સામેનો રસ્તો થોડો ઢાળવાળો હતો અને બીજો મોટો રસ્તો ટ્રાફિકને લઈને દોડતો હતો. નજીકમાં એક પાળ પર ત્રણેક સિનિયર ભાઈઓ બેઠેલા જોયા એટલે અમે સરનામું પૂછવા કાર એમની નજીક લઈને બારીનો કાચ ઉતાર્યો.
‘ભાઈસા’બ, યે હૉટેલકા પતા આપ બતાએંગે?’
‘મોહતરમા, ભોપાલ શહરમેં આપકા સ્વાગત હૈ. મેરા નામ ફલાણા ઢીંકણા હૈ.’(અમારે તો ખાસ યાદ રાખવું જોઈતું હતું પણ કોઈને જ યાદ ના રહ્યું!)
‘જી નમસ્તે.’
‘મૈં કવિ હૂં. ચંદ શેર સુનાતા હૂં. મુલાહિઝા ફરમાઈયે.’

અમે એકદમ સડક જ થઈ ગયાં. બાપ રે! ભોપાલમાં દાખલ થતાં જ? ન ઓળખાણ ન પિછાણ ને એકદમ આવો હલ્લો કોઈ પર કરાય? અમે બહુ શાલીનતાથી ના કહીને ગાડી ભગાવી ગયાં. ભલે ખોટા રસ્તે જઈશું પણ ભૂખ્યા પેટે ને અજાણ્યા શહેરમાં ને તેય રસ્તાની વચ્ચોવચ ગાડીમાં બેઠાં બેઠાં શેર સાંભળવાના? એ કવિએ અમારા પર કંઈક તો દયા કરવાની હતી ને? શું એ ત્રણેય પૂરતા નહોતા એકબીજાને પહોંચી વળવા? કોણ જાણે. અમે તો પછીથી હસતાં હસતાં હૉટેલ પહોંચ્યાં. રૂમમાં જઈને જોયું તો બારીમાંથી જ સામે રંગીન રોશનીથી તરબતર તળાવ દેખાતું હતું. વાહ ભોપાલ વાહ!



10 ટિપ્પણીઓ:

  1. 1 nawab of pataudi is and was from haryana ,
    2 u women shouldnt be rude to a genuine poet / shiar he could have pleased u all with his heart touching shairies !
    talao looks like kankaria in amdavad ,
    4 if we come to uchchhal, we may remember ' JITUBHAI THE KING ! - ashvin desai melbourne australia

    જવાબ આપોકાઢી નાખો
  2. તમારી વાત સાચી કે પટૌડી શહેર હરિયાણાના ગુરગાંવમાં આવ્યું પણ મનસૂરઅલી ખાન પટૌડીનો જનમ ભોપાલમાં થયેલો. બાકી તો એ નવાબ પટૌડીનો ગણાય.

    જવાબ આપોકાઢી નાખો
  3. senior nawabs wife begam went to her ' piyar ' for delivery so mansur ali khan was born in bhopal , correct but was sworn in as nawab of pataudi , but indira gandhi cruelly taken away his title and saif ali khan is actor without title , interesting !

    જવાબ આપોકાઢી નાખો
  4. રસાળ શૈલી.વાંચવાની મજા આવી. ભોપાળ જોવાનું રહી ગયું છે.ભોપાળ વિશે હવે તમે શું લખો છો એ વાંચ્યા પછી જવાનું નક્કી થશે. બાય ધી વે, ઉચ્છલ હવે તમારા નામથી ઓળખાય છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા હા હા😊👍 હું ન લખું તોય જજો. બહુ મજાની જગ્યા છે.

      કાઢી નાખો
  5. હું રોબોટ નથી એ સાબિત કરતાં દમ નીકળી ગયો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. 😊હા એ મોટી તકલીફ છે. તે છતાં લખવા બદલ આભારી છું.

      કાઢી નાખો
  6. કોઈ શહેરમાં તમારું પૂતળું ભલે ન મુકાય પણ નેટજગતે શહેરોનાં નામો સાથે તમારું નામ જોડાય તો ખોટું ન લગાડતાં - આઈ મીન, ખોટું ન માનતાં પાછાં !

    વર્ણનો અને એને માટેની યોગ્ય શૈલી તમારા લપ્પનછપ્પનને એક ઊંચાઈ આપે છે. પણ અહીં ક્યારેક, ક્યાંક – જો લખતાં હો તો – કાવ્યાત્મક પંક્તિઓ પણ તમારી મૂકતાં રહેજો.....તમારું પદ્ય હશે તો, મને એની ખબર નથી પણ, અહીં આ વર્ણનોમાં એ નિખરી ઊઠશે જરૂર.....

    કાકાસાહેબનું હિમાલયનો પ્રવાસ વાંચ્યું જ હશે એમ માનું છું....ભોળાભાઈનાં પ્રવાસ વિષયક લખાણો પણ બહુ વખણાયાં છે. કાલસવારે તમારા પ્રવાસો પણ એવું જ પીરસે એવી આશા નકામી નહીં જ જાય એવી આગાહી રમતી મૂકું........

    જવાબ આપોકાઢી નાખો
  7. તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ આભાર જુભાઈ. વિચાર તો ઉત્તમ છે. હવેથી પંક્તિઓ ઉમેરવાની શરૂ કરું.

    જવાબ આપોકાઢી નાખો