કોઈ પણ ગામ, શહેર કે જગ્યાનું સુંદર કલાત્મક નામ
હોય, જમાનાઓથી એ નામ લોકજીભે ચડી ગયું હોય અને અચાનક જ કોઈ મનસ્વી શાસક આવીને એનું
નામ જ બદલી કાઢે તો કેટલું દુ:ખ થાય? ભોપાલનું પણ એવું જ થયું લાગે છે. ભોજપાલ
નામમાં શું ખોટું છે? રાજા ભોજે પોતાના રાજ્યની સુરક્ષા માટે વિસ્તારેલા શહેરને
ભોજપાલ નામ આપ્યું તે યોગ્ય જ છે ને? એને બોલતાં ને લખતાં સહેલું પડે એટલે કોઈએ ભોપાલ
કર્યું હશે? કે એનું અપભ્રંશ થયું હશે? ભોજતાલ
તળાવ પણ રાજા ભોજની યાદગીરી જ કહેવાય પણ હવે એ ‘બડા તાલાબ’ નામે ઓળખાય!
હશે. આપણે તો તળાવને જોવાની, એનો ઈતિહાસ જાણવાની અને એની ફરતે ફરતાં રહેવાની મજા
માણવાની.
જો કે, તળાવની કથા બહુ રમ્ય છે. રાજા ભોજ કોઈ
ત્વચારોગથી હેરાન થતા હતા. ઘણાય વૈદ ને હકીમની દવાઓ રાજાએ મોં કડવું કરીને ને મોં બગાડીને
પણ ગળે ઊતારી તોય ફેર ન પડ્યો. ત્યારે એક સંતે રાજાને જણાવ્યું કે ‘જો ત્રણસો ને
પાંસઠ નદીનાં પાણીથી રોજ સ્નાન કરાય તો આ રોગ દૂર થઈ જાય.’ અહીં એક નદીમાં પાણીનાં
ઠેકાણાં નથી ત્યાં સેંકડો નદીઓ ક્યાંથી લાવવી? પણ તે તો સુવર્ણકાળ હતો અને આવું
અઘરું કામ તો કોઈ રાજાને જ સોંપાય એ જાણતા સંતે પણ અગમબુધ્ધિ વાપરીને આખા
ભોજપાલનું ભલું કરી નાંખ્યું. રાજા તો મંડી જ પડ્યો. બધી નદીઓના પાણીને ભેગું
કરતાં ઈજનેરોની આંખે પાણી આવ્યાં પણ આખરે બેતવા નદીની ઉપશાખાઓ મળીને આંકડો ત્રણસો
સાંઠની નજીક નજીક પહોંચ્યો. બાકીનો સરવાળો ગોંડ સેના અધ્યક્ષે અદ્રશ્ય નદીઓનાં નામ
આપીને પૂરો કર્યો ત્યારે બન્યું આ બડા ભોજતાલ. આવા સંતો દરેક જમાનામાં થવા જોઈએ,
જે બધે ફરી ફરીને તળાવ બાંધવાના આવા ઊપાયો બતાવતા રહે.
ભારતના મોટામાં મોટા તળાવની કથા જાણ્યા બાદ
ભોજપાલ વિશે વધુ જાણવાની લાલચ થઈ. વાર્તા કોને ન ગમે? આનંદ અને ગૌરવની વાત તો એ
નીકળી કે એ જમાનામાં ભોપાલ પર સો વરસ સુધી બેગમોએ રાજ કરેલું! એ બેગમો પણ પાછી
ટોળટપ્પાંમાં કે સાજસિંગારમાં વખત પૂરો કરીને પ્રજાના પૈસે મોજ કરનારી નહોતી.
બેગમોનો શાસનકાળ ભવ્ય હતો. દરેકે કોઈ જાતના ટંટા–ફિસાદમાં પડ્યા વગર, ફક્ત ને ફક્ત
પ્રજાલક્ષી કામો જ કર્યાં. દરેકને કળા, સાહિત્ય, શિક્ષણ અને લોકસેવામાં ઊંડો રસ.
કેવો ભવ્ય રહ્યો હશે એ સમય જ્યારે એક સદી સુધી સ્ત્રીઓના રાજમાં આટલી પ્રગતિ થઈ
હશે?
અઢાર જ વર્ષની ઉંમરે પહેલી રાણી બનનાર હતી
કુડ્સિયા બેગમ. સત્તર વરસમાં એણે મશહૂર જામા મસ્જિદ અને ગોહર મહેલનું નિર્માણ
કરાવ્યું. એની દીકરી તો મા કરતાંય સવાઈ નીકળી. રાજ્યવ્યવસ્થામાં માહેર સિકંદર
બેગમે સુંદર રસ્તાઓ, સ્કૂલો અને મદરેસાઓની પ્રજાને ભેટ આપી. લોકોને વીજળીની
વ્યવસ્થા કરી આપી. મોતી મસ્જિદ, મોતી મહેલ અને શૌકત મહેલ એના નામે બોલે છે. એકથી
એક ચડિયાતી બેગમોનો ઈતિહાસ જાણતાં રોમાંચિત થવાય ને સાથે અચંબિત પણ. આજે ફક્ત ને
ફક્ત ચડસાચડસીમાં દેશને બરબાદ કરવામાં સ્ત્રીઓ પણ રાજકારણને હથિયાર બનાવે છે તે
જોઈને તો લાગે કે ભોપાલનો ઈતિહાસ ફરી દોહરાવો જોઈએ.
શાહજહાં બેગમ તો કળાની અઠંગ પૂજારી. કવિતા,
સંગીત, ચિત્ર અને સ્થાપત્યકળામાં ઊંડો રસ ને સમજણ દાખવનારી આ બેગમે તો ઉર્દૂમાં
કેટલાંય પુસ્તકો લખ્યાં. ભોપાલના ઈતિહાસને પહેલી વાર એણે લખ્યો! પ્રજાની સુખાકારી
માટે પૂરતા પાણીની સગવડ, હૉસ્પિટલ, ટપાલસેવા, રેલવેસેવા, છાપખાનાં ને વાંચનાલયો
અને આપણી અક્કલ કામ ન કરે એવાં સુંદર સ્થાપત્યોનું પણ નિર્માણ કર્યું. વાહ! કોઈ
શાસક હોય તો આવો કે બેગમ હો તો આવી.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની પહેલી ચાન્સેલર, જેણે
પચીસ વરસના શાસનમાં ભોપાલને વધુ આબાદ કર્યું તે સુલતાન જહાં બેગમ. સ્ત્રીઓનાં ભણતર
અને રોજગારી માટે સતત ઉમદા કામ કરનારી બેગમે કેટલાંય પુસ્તકો લખ્યાં અને વાર્ષિક
મેળા યોજીને વિવિધ કળા તેમ જ હસ્તકળાને પણ પ્રોત્સાહન આપ્યું. કેસરે સુલતાની પેલેસ
જે હવે સૈફિયા કૉલેજ બની ગઈ છે, નૂર–ઉસ–સબા પેલેસ જે હેરિટેજ હૉટેલ બની ગઈ છે,
મિન્ટો હૉલ જે ઓગણીસસો છન્નુ સુધી એમ પીનું વિધાનગૃહ હતું, એડવર્ડ મ્યુઝિયમ અને
હમિદિયા લાઈબ્રેરી અને આટલા ભવ્ય ઈતિહાસની દેન કરનાર એ બેગમને સલામ જ કરવી પડે.
આજ સુધી ઈતિહાસની એવી વાર્તાઓને સતત વધારે ને
વધારે ચમકાવાઈ છે જેમાં સ્ત્રીઓને કારણે મોટી મોટી લડાઈઓ થઈ હોય, રાજાઓએ રાજપાટ
ખોયા હોય, નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોય અને એ સ્ત્રીઓ બદનામી કે ગુમનામીના અંધકારમાં
ક્યાંય ખોવાઈ ગઈ હોય. જો આટલી જ બેગમોના ઈતિહાસને વારંવાર દોહરાવાયો હોત તો કદાચ
ભારતનો ઈતિહાસ તો ખરો જ પણ વર્તમાન પણ કંઈક જુદો જ ઘડાયો હોત. આવા સો વરસ ભારતના ઈતિહાસમાં
ફરી ક્યારેય આવ્યા નથી ને આવશે પણ નહીં એ કહેવાની જરૂર?
આ બધી બેગમો વિશેની આવી અદ્ભૂત વાતો જાણીને તો
રાણી લક્ષ્મીબાઈ કે ઝાંસીની રાણી જેવું જોશ ચડી આવે. જો યોગ્ય સ્ત્રીઓના હાથમાં
સત્તા સોંપવામાં આવે તો સ્ત્રીઓ પણ દેશનો ઉધ્ધાર જરૂર કરી શકે. જે રાજા કે રાણીના
દિલમાં પ્રજાની ચિંતા છે, તે પ્રજા રાજા કે રાણીને હમેશાં નમન જ કરવાની.
જામા મસ્જિદસૈફિયા કૉલેજ |
મિન્ટો હૉલ |
શૌકત મહેલ |
interesting ! beutyfull fotos !
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખો'જો યોગ્ય સ્ત્રીઓના હાથમાં સત્તા સોંપવામાં આવે તો સ્ત્રીઓ પણ દેશનો ઉધ્ધાર જરૂર કરી શકે.' આ વાત ઘરને પણ એટલી જ લાગુ પડે છે. (કદાચ એટલે જ સરકાર 'દીકરી બચાઓ, દીકરી ભણાવો' ની રટ લઈને બેઠી છે.) ભોપાલનો ઈતિહાસ અને બેગમોની કામગીરી જાણવાની મઝા આવી.
જવાબ આપોકાઢી નાખોમૂળ મુદ્દો જ આ છે. પણ કોણ સમજે? :)
જવાબ આપોકાઢી નાખોઆભાર.