જો આ ટૂર ન ગોઠવી હોત તો ક્યારેય એમ પીના આટલા
ભવ્ય ઈતિહાસ અને અદ્ભૂત વારસા વિશે અમે જાણ્યું ન હોત. ઘેર બેઠાં ક્યાં એ બધું યાદ
કરીને ઈતિહાસ ફંફોસવાના? હવે એટલો ટાઈમ જ કોની પાસે છે? મોબાઈલ યુગમાં જો આવા
પ્રવાસો વારંવાર ગોઠવીએ તો જ બહારની દુનિયાનાં દર્શન થાય. બાકી તો, આપણે આપણી
દુનિયામાં પણ ડોકું ઊંચું કરીને આસપાસ જોતાં નથી. ખરેખર, હવે આપણી દુનિયા
મુઠ્ઠીમાં સમાઈને જ રહી ગઈ છે.
ભોપાલની બેગમોથી અભિભૂત થયેલાં અમે એમના શાસનમાં
બનેલી કેટલીક ઈમારતો જોવા નીકળ્યાં. અંજુએ ભોપાલનું બ્રોશર સાથે રાખેલું એટલે એણે
મોતી મસ્જિદ જોવાની ફરમાઈશ મૂકી જે સર્વાનુમતે પસાર થઈ. મોતી મસ્જિદમાં ફરતાં
ફરતાં સિકંદર બેગમનું સ્થાન દિલમાં કાયમ થઈ જાય એટલી સુંદર આ ઈમારત છે. દિલ્હીની
જામા મસ્જિદ જેવી પરંતુ નાની દેખાતી આ મસ્જિદ ઘેરા લાલ રંગની ઈંટોથી બની છે, જેના
મુખ્ય ભવનનો આગલો ભાગ આરસપહાણના પથ્થરો વડે શોભે છે અને પ્રાર્થનાના મુખ્ય ખંડને
સફેદ આરસપહાણના પથ્થરોએ મોતી જેવી ચમક આપીને મસ્જિદને આગવું સૌંદર્ય બક્ષ્યું છે.
અમે ચારે જણીઓ મસ્જિદમાંથી નીકળીને સ્ત્રી
સ્વાતંત્ર્યના મુદ્દે એક ગહન ચર્ચામાં ઊતરી પડી. જો મુસ્લિમ બેગમો ત્યારે આટલી બધી
સ્વતંત્ર અને કાબેલ હતી તો આજની મુસ્લિમ સ્ત્રીઓની કાબેલિયત અને સ્વતંત્રતા ક્યાં
ગૂમ થઈ ગઈ? શું રાજકારણમાં સ્ત્રીઓની કાબેલિયતનો, સ્વતંત્રતાનો ભોગ લેવાયો? બેગમોએ
તો આખા ભોપાલનું જ ભલું કરેલું ને કોઈ ભેદભાવ જોયા નહોતા તો હિંદુ મુસ્લિમનું આ
રાજકારણ દેશમાં ક્યાંથી શરૂ થયું ને હવે ક્યાં પહોંચશે? મને લાગ્યું કે, આ બધી
ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. ફરવા નીકળ્યાં છીએ ત્યાં પણ રાજકારણને માથે
ચડાવવાનું? અહીંની હવાઓમાં તો હજીય આ બેગમોની રૂહ ભટકતી હશે તે આપણી વાતો સાંભળીને
કેટલી દુ:ખી થશે? પોતાનાં કર્યાનો પસ્તાવો જ થશે ને? મેં બધાંને ભૂખનું સિગ્નલ
બતાવ્યું.
ભલે ને, સવારે પેટ ભરીને નાસ્તો કરીને નીકળ્યાં
હોઈએ, તો પણ ફરવા ગયાં હોઈએ ત્યારે ભૂખ કંઈક વધારે જ
કૂદાકૂદ કરે એટલું તો મેં જોયું. એક તો નવી જગ્યાની નવી દુકાનો ને લારીઓ અવનવી
સુગંધથી આપણને આમંત્રિત કરતી હોય ત્યાં કોઈના આગ્રહની કે સવાલની ક્યાં રાહ જોવાની?
એક લારીને અમે યજમાન બનવાનો મોકો આપ્યો ને થોડું ઝાપટીને ફરી ગાડીમાં ગોઠવાયાં
નજીકની ઈમારતોના દર્શને. હવે વારો હતો શૌકત મહેલનો.
જ્યાં પહેલાં શાહજહાંબાદ નામે નગર હતું, ત્યાં
આજના ભોપાલના ભીડભાડવાળા ચોક વિસ્તારમાં આવેલો શૌકતમહેલ બડી શાનથી પ્રવાસીઓને આકર્ષે
છે. ફ્રેન્ચ, યુરોપિયન, ચાઈનીઝ અને મુસ્લિમ કળા–કારીગરીના અદ્ભૂત સંયોજનથી બનેલો આ
મહેલ જોવાલાયક તો ખરો. જેમને રાજાઓ ને નવાબોની શાનોશૌકતમાં, એમની પ્રગતિ ને
અધોગતિની કથાઓમાં, એમના પ્રજાલક્ષી કામોમાં, એમણે બંધાવેલી સુંદર ઈમારતોમાં ને
અચંબિત કરનારા મહેલોમાં રસ હોય તેમણે તો મધ્ય પ્રદેશની મુલાકાત લેવી જ જોઈએ. બધે જ
એકસરખું લાગતું બાંધકામ ને લાંબા લાંબા ઓરડાઓ ને પરસાળોમાં ચાલી ચાલીને થાકેલી હું
તો મહેલોથી કંટાળી કેમ ન ગઈ તેની જ મને તો નવાઈ લાગતી હતી. કદાચ ધીરે ધીરે રાજા ને
રાણીઓની વાર્તાઓએ મારા મન પર કબજો જમાવવા માંડેલો કે શું? કોણ જાણે.
દરેક મહેલ કે બગીચામાં ફર્યા પછી કકડીને ભૂખ પણ
લાગતી હતી તેનું કારણ પણ રહી રહીને સમજાયેલું, કે આટલું સામટું તો એક જ દિવસમાં
આપણે કેટલા વરસો પછી કદાચ ચાલીએ છીએ! રાજાઓ ને રાણીઓની તંદુરસ્તીનો રાઝ પણ રોજનું
આ લાંબું લાંબુ ચાલવું જ હશે? બિચારા સેવકો તો દોડી દોડીને અધમૂઆ થઈ જતા હશે. આજે
તો જેમને ત્યાં મકાનના બે ત્રણ માળ ચડવા પડે એમને ત્યાં આપણે મહેમાન બનવાનું ટાળી
દઈએ, ત્યારે આવા ભવ્ય મહેલોમાં રહેનારાઓનો રોજનો કેટલા કિલોમીટરનો પ્રવાસ થતો હશે?
જો કે આપણે બહુ વિચારવાનું નહીં, બધું જોયા કરવાનું ને ચૂપચાપ ફરતાં રહેવાનું.
આજુબાજુ ફરતા બીજા પ્રવાસીઓ સાંભળે તો આપણું ખરાબ દેખાય. હવે તો આપણે ત્યાં
પ્રવાસીઓ પણ જ્યાં કડક નિયમ હોય ત્યાં શાંતિ ને ચોખ્ખાઈ રાખે છે, બાકી તો જાહેર
મિલકત નુકસાન કરવા માટે જ હોય એમ સમજીને કેટલીય સુંદર ને ભવ્ય ઈમારતોની દુર્દશા
કરી નાંખે. અંગ્રેજો લૂંટી ગયા કે બીજા પરદેશીઓ બધું બરબાદ કરી ગયાના ગીતો ગાવા
કરતાં ખુદ આપણે પણ કંઈ જાળવી નથી શક્યાં તેનું દુ:ખ થાય. સુખ ને દુ:ખ એક સિક્કાની
બે બાજુ તે આવી જગ્યાઓએ તરત જ સાબિત થઈ જાય. ખેર, પ્રવાસ આપણને એક વિવેચક સાથે
ફિલોસોફર પણ બનાવે છે તે મોટો ફાયદો મને દેખાયો.
મુસ્લિમ શાસકોને કારણે સ્વાભાવિક છે કે જે તે
રાજ્યમાં મસ્જિદોનું પ્રમાણ વધારે જ હોવાનું. અહીં પણ તાજ ઉલ મસ્જિદ નામે બહુ જ
પ્રખ્યાત ને જોવાલાયક મસ્જિદ છે, જે નામ મુજબ જ મસ્જિદોનો તાજ છે. એના વિશાળ
આંગણમાં પાણીનો એક મોટો કુંડ છે અને આ મસ્જિદ ભારતની મોટામાં મોટી મસ્જિદ છે,
જ્યાં ત્રણ દિવસના ધાર્મિક સંમેલન(ઈજ્તેમા) માટે ભારતભરના મુસ્લિમો અહીં ભેગા થાય
છે. મસ્જિદની દિવાલોથી માંડીને એના થાંભલાઓ અને છત પણ ધ્યાનથી જોવામાં ભલે બોચી કે
પગ દુ:ખી જાય, પણ પૂરેપૂરી જોયા વગર બહાર નીકળાય જ નહીં એટલી આકર્ષક છે આ મસ્જિદ. આ
રમ્ય બાંધકામ માટે શાહજહાંબેગમની પ્રસંશા કરવી કે એના સ્થપતિની કે એના કારીગરોની તે
જ વિચારો આપણા મનમાં ઘુમરાતા રહે. નક્કામા આપણે બધા નવા બાંધકામોના મોહમાં ફસાયા,
બાકી તો જોવા ને રહેવાલાયક તો સૌને આવી ઈમારતો જ ગમે એવું મને સૌની વાતો પરથી
લાગ્યું. હવે શું? કાં તો જોઈને જીવ બાળો ને કાં તો ખુશ થાઓ. હવે જીવ બાળવા તો
નીકળ્યાં જ નથી ને હવે એનો કોઈ અર્થ પણ નહીં તો પછી ખુશ જ થવાનું ને? ચાલો ત્યારે
જોયાનો આનંદ માણીએ ને જ્યાં મસ્ત ભોજન મળે ત્યાં લૂલીના આનંદ માટે પહોંચી જઈએ.
મોતી મસ્જિદ |
શાહજહાં બેગમ |
તાજ ઉલ મસ્જિદ |